Sandhya - 29 books and stories free download online pdf in Gujarati

સંધ્યા - 29

અભિમન્યુએ જોયું કે, મમ્મીએ બધું જ કામ હવે પતાવી લીધું છે તો એનાથી હવે પપ્પા સાથે વાત કર્યા વગર રહેવાય એમ જ નહોતું! અભિમન્યુ જીદ કરતો હતો કે પપ્પા સાથે વીડિયોકોલમાં વાત કરવી છે. સંધ્યા ૧૦મિનિટથી નિરર્થક પ્રયાસ કરતી રહી કે અભિમન્યુને એના પપ્પા આવે ત્યાં સુધી એ રાહ જોવે પણ અભિમન્યુએ રડવાનું હવે શરૂ કર્યું હતું. સંધ્યાએ ના છૂટકે સૂરજને વીડિયો કોલ કર્યો હતો.

સૂરજ પોતાના ઘરથી થોડો જ દૂર હતો. એનું ઘર મેઈનરોડ પર જ હતું. એ રોડ પર સાઈડમાં ચાલી રહ્યો હતો. સંધ્યાનો કોલ આવતા એ ફૂટપાથ પર શાંતિથી ચાલતા એણે વાત કરવા કૉલ એટેન્ડ કર્યો. અભિમન્યુને જોઈને એ ખુશ થઈ ગયો હતો. અભિમન્યુ પપ્પાને બોલ્યો, "જો પપ્પા તમે આવો છો તો મમ્મીએ ઘરમાં સુંદર સજાવટ કરી છે. કેક પણ બનાવી છે. ઘરમાં બધું જ એના પપ્પાને દેખાડી રહ્યો હતો. તમને આવવાની કેટલી વાર છે પપ્પા?"

"અરે વાહ! ખુબ સરસ ઘર સજાવ્યું છે. કેક પણ સરસ છે. બેટા હું બસ પાંચ જ મિનિટમાં આવ્યો, હું આપણા ઘરના મેઈનરોડ પર જ છું."

સંધ્યાએ સાંભળ્યું કે, મેઇનરોડ પર છે આથી એને જોવાના હરખમાં એ બાલ્કનીમાં પહોંચી ગઈ હતી. સૂરજ ને જોઈને એ ખુબ રોમાંચિત થઈ ગઈ હતી. પ્રેમની લાગણીઓ ઉછળવા લાગી હતી. એ સૂરજને એકનજરે જોઈ જ રહી હતી, બસ એજ ક્ષણે સૂરજે અભિમન્યુ સાથે વાત કરતા બાલ્કનીમાં ઉભેલી સંધ્યાને જોઈ હતી. સૂરજે ફ્લાઈંગકિસ કરતા સંધ્યાને આવકારી હતી. બંને એકબીજાના પ્રેમને દૂર રહીને સ્પર્શી રહ્યા ત્યાં જ એજ ક્ષણે બે ખુંટીયા બાજતાં અચાનક સૂરજની સમીપ આવી ગયા અને સૂરજનું સંધ્યા અને અભિમન્યું સાથે વાતમાં ધ્યાન હોય એ ખુંટીયાની અડફેટે આવી ગયો. ખુંટીયાની ઢીંક વાગતા એ ઉછળીને રોડની બીજી સાઈડ એટલો જોરથી પટકાયો કે બેગ અને ફોનના દૂર ઘા થઈ ગયા અને પોતે સામેની સાઈડ રોડ પર પટકાયને પડતા ત્યાં જ પડી રહ્યો.

સંધ્યા આ જોઈને એટલી હેબતાઈ ગઈ કે, એના ગળે સૂરજ શબ્દનો સાદ અંદરજ ગૂંગળાય ગયો. આંખ બેકાબુ બની વરસવા લાગી અને ગળામાં અટકેલ જીવથી સંધ્યા ગુંગળાવા લાગી હતી. એ સુધબુધ ખોઈ બેઠી હતી. આ પરિસ્થિતિમાં એ શું એક્શન લે એની એને કોઈ જ ભાન રહી નહોતી. અભિમન્યુ પણ વીડિયોકોલમાં પપ્પા દેખતા નહોતા આથી સામે બેઠેલા દાદા પાસે જઈને કહેવા લાગ્યો, "દાદા દાદા પપ્પા..."

ચંદ્રકાન્તભાઈ અભિમન્યુને કઈ કહે એ પહેલાજ એક પાડોશીએ આવીને સૂરજનું જોરદાર એક્સીડંટ થયું એ સમાચાર આપ્યા હતા. ચંદ્રકાન્તભાઈ એકદમ હેબતાઈ ગયા પણ પોતાને સાચવીને એ રશ્મિકાબહેનને ટૂંકમાં વાત કહી સૂરજ જ્યાં હતો ત્યાં દોડી ગયા હતા. રશ્મિકાબહેન ખુબ જ ગભરાઈ ગયા હતા. એવી પરિસ્થિતિમાં એ હતા અને સંધ્યા પાસે વાત કરવા ગયા હતા. સંધ્યાની હાલત જોઈને એ વધુ ભયભીત થઈ ગયા હતા. સંધ્યા દિવાલના ટેકે બેઠી ચોધાર આંસુ સારી રહી હતી. નજર સૂરજ તરફ સ્થિર હતી. એનો જીવ ગુંગળાતો હતો એ રશ્મિકાબહેન સમજી જ ગયા હતા. રશ્મિકાબહેન સંધ્યાને ઢંઢોળી રહ્યા હતા પણ સંધ્યા ક્યાં કોઈ જ હરકત નો પ્રતિઉત્તર આપતી હતી. જીવતીલાશ સમાન સંધ્યા અને હવે સામે લોકોનાં ટોળામાં એમ્બ્યુલન્સમા ખસેડાતો સૂરજ... રશ્મિકાબહેનથી જોરદારની ચીસ જ નીકળી ગઈ, "સૂરરરજજજજ..."

અભિમન્યુનું બાળમાનસ આ શું અચાનક થવા લાગ્યું એ સમજી શકે એમ નહોતું. એ મમ્મીની અને દાદીની પરિસ્થિતિ જોઈને જોર જોર થી રડવા લાગ્યો. સંધ્યા, રશ્મિકાબહેન અને અભિમન્યુ ત્રણેય આ ક્ષણમાં લાચાર બની ગયા હતા. આસપાસની બહેનોએ આવીને એમને દિલાસો આપ્યો કે, "તમે ચિંતા ન કરો. સૂરજને કઈ જ નહીં થાય!" સંધ્યા ના કાને કોઈ શબ્દ જ પહોંચતા નહોતા. એ સુધબુધ વગરની જીવતીલાશ જેમ પડી હતી. કદાચ સંધ્યા સૂરજના આત્મામાં ભળી જ ગઈ હતી. પ્રભુની મરજી વિરુધ્ધ કઈ જ થઈ શકતું નથી. સંધ્યા બધાની વચ્ચે હતી પણ નહોવા બરાબર જ હતી. અભિમન્યુનું રુદન આજ સંધ્યાને સ્પર્શતું નહોતું. બાળક્માના પ્રેમને તરસતું હતું અને એક મા પાંચતત્વમાં વિલીન પોતાના પતિની આત્માથી વિખુટી થતી નહોતી. ખુબ જ કરુણ દ્રશ્ય હતું. ઉપસ્થિત દરેક લોકો આ કુદરતી કસોટીને સમજી શકતા નહોતા. એક અંગત પાડોશીએ સંધ્યાના પિયરમાં સૂરજનું એક્સિડન્ટ થયું એ જાણ કરી હતી.

પંકજભાઈ એના પરિવાર સાથે સંધ્યાના ઘરે આવી પહોંચ્યા હતા. દીકરીની હાલત જોઈને દક્ષાબહેન ખુબ જ દુઃખી થઈ ગયા હતા. પંક્તિનુ આજે અભિમન્યુને જોઈને મન પીગળી ગયું હતું. પંક્તિએ પોતાની બાહોમાં અભિમન્યુને લઈ લીધો હતો. મામીની હુંફમાં આવતા અભિમન્યુ થોડો શાંત થયો હતો. પંક્તિએ અભિમન્યુને પાણી પીવડાવી એનું રડવાનું બંધ કરાવ્યું હતું.

પંકજભાઈ અને સુનીલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. ચંદ્રકાન્તભાઈ એમને ભેટીને રડી પડ્યા હતા. દીકરાની ફાટેલી ખોપળી જોઈને એ સૂરજની સ્થિતિ ભાળી ચુક્યા હતા. એટલી જ વારમાં ડોકટરે આવીને કહ્યું કે, "માફ કરજો અમારા સુધી પેશન્ટ પહોંચે એ પહેલા જ એનો જીવ જતો રહ્યો હતો."

પંકજભાઈ અચાનક જુવાન જમાઈના મૃત્યુના સમાચાર સાંભળીને ખુબ જ વ્યાકુળ થઈ ગયા હતા. સુનીલની સામે સંધ્યાનો ચહેરો આવી ગયો. એને બહેનની ચિંતામાં એક અણધારી પીઢતા સ્પર્શી ગઈ હતી. પોતાના પપ્પા અને ચંદ્રકાન્તભાઈને સુનીલે સાચવી લીધા હતા. કુદરતનો કારમો ઘા સામે સુનીલે પડકારરૂપ પોતાનું સંતુલન જાળવ્યું હતું. સૂરજ સેલુબ્રીટી હોય એના મૃત્યુના સમાચાર થોડી જ ક્ષણમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગયા હતા. સંધ્યાનું આખું ગ્રુપ પણ સંધ્યાના ઘરે પહોંચી ગયું હતું. સૂરજના અનેક ચાહકો દુઃખી થઈ ગયા હતા. બધા આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ ગયા હતા.

સંધ્યાના શણગારેલ સુશોભિત ઘરમાં સૂરજની ડેથબોડી આવી ચુકી હતી. અંતિમ ક્ષણની બધી જ વિધિ ચંદ્રકાન્તભાઈ ભારી કલેજે કરી રહ્યા હતા. રશ્મિકાબહેન પોક મૂકીને પોતાના પુત્રની પાસે રડી રહ્યા હતા. રડતા રડતા એક જ વાત બોલી રહ્યા હતા કે, "મારા દીકરાને કેમ છીનવી લીધો? મારા અભિએ પુરો પોતાના પપ્પાનો પ્રેમ પણ માણ્યો નહતો! હે કુદરત! તારું દિલ કેમ પથ્થર બન્યું?" ચોધાર આંસુએ માની વેદના વરસી રહી હતી.

રાજ અને અનિમેષ કાયમ સંધ્યાને પજવતા આજે સંધ્યાની હાલત પર ખુબ દુઃખી હતા. જલ્પા, ચેતના વિપુલાં સંધ્યાને આશ્વાસન આપી રહી હતી પણ સંધ્યા પર કોઈની વાત અસર કરતી નહોતી. ખુબ જ સંવેદનશીલ વાતાવરણ બની ગયું હતું. સૂરજને અગ્નિસંસ્કાર માટે ઘરની બહાર લઈ જવાનો હતો.

વડીલો અંદરોઅંદર બોલી રહ્યા હતા કે, સંધ્યાને રડાવો નહીતો એના જીવને જોખમ છે. સંધ્યાને દક્ષાબહેન સૂરજ પાસે લઈ ગયા હતા. સંધ્યાને ઢંઢોળીને સૂરજનો છેલ્લીવખત ચહેરો જોવાનું કહી રહ્યા હતા. પણ સંધ્યા ક્યાં પોતાના અંકુશમાં હતી કે કઈ એ સાંભળી શકે? અમુક લોકો તો એમ પણ બોલ્યા કે, સંધ્યાને હોસ્પિટલ લઈ જાવ, આમ એનું ચૂપ રહેવું ઠીક નથી.

સુનીલ લોકોના ગણગણાટને સાંભળીને સંધ્યા પાસે આવ્યો. એણે સંધ્યાને પકડી અને બોલ્યો, "બેન તારો સૂરજ હવે અસ્થ થઈ ગયો છે. આ સંધ્યા ટાણું તારા જીવનમાં કાયમી સ્થપાઈ ગયું છે. તું તારા સૂરજનું તેજ તારી આંખમાં જીલી લે.. બેન તું જીલી લે!"

સંધ્યા હજુ એમ જ જીવતીલાશ સમ હતી. સુનીલે મન પર પથ્થર મૂકી સંધ્યાના ગાલ પર એક જોરદાર તમાચો મારી દીધો. તમાચાના અવાજે આખું ઘર શાંત થઈ ગયું અને શાંત બેઠી સંધ્યાના ગળે અટકેલ ડૂસકું છૂટી ગયું!

કેમ ઝીલશે સંધ્યા આ ઘડીને?
કેમ કરશે ચંદ્રકાન્તભાઈ સૂરજના અગ્નિસંસ્કાર?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻