Sandhya - 37 books and stories free download online pdf in Gujarati

સંધ્યા - 37

દક્ષાબહેને પ્રાથૅના કરી ને આંખ ખોલી તો બાજુમાં પંક્તિને પ્રાર્થના કરતા જોઈ હતી. એ એકદમ ભાવુક થઈ ગયા હતા. એને પંક્તિના માથે હાથ ફેરવ્યો અને મનમાં જ પ્રભુને કહ્યું, મારી વહુને મેં પહેલીવાર પ્રાર્થના કરતા જોઈ છે, એણે જે પણ માંગ્યું હોય એ એને આપજો.

સાસુ અને વહુની વચ્ચેનો એક અનેરો સંબંધ આજે અનાયસે વધુ મજબૂત બની ગયો હતો. બંન્ને દિલથી એકબીજાને ખુશ જોવા ઇચ્છતા હતા.

સંધ્યાને આજે બ્રેક સમયમાં એનું ગ્રુપ સ્કુલમાં મળવા આવ્યું હતું. સંધ્યા ઘણા દિવસે બધાને આજે મળીને ખુબ જ ખુશ હતી. બધા દસ મિનિટ માંડ મળ્યા હશે, પણ આટલા ઓછા સમયમાં પણ કેટલી બધી મજા એમણે સમેટી લીધી હતી. સંધ્યા થોડી પળો માટે એનું બધું જ દુઃખ ભૂલી ગઈ હતી. મસ્તી કરતા કરતા અચાનક એ પહેલાની જેમ જ રાજ સાથે બોલવા લાગી હતી. એટલી બધી ખુશ હતી અને અચાનક રાજની જોડે હસતા હસતા એને સૂરજનું સ્મરણ થઈ આવ્યું હતું. એ પોતાના ઈમોશન્સ કન્ટ્રોલ ન કરી શકી અને હસતા હસતા રડી પડી હતી. આખું ગ્રુપ સમજી જ ગયું કે, સંધ્યા ને શું અચાનક તકલીફ થઈ! પણ કોણ સાંત્વના આપે?

રાજ બોલ્યો, "ઓય સંધ્યા તું મારી વાત ભૂલી ગઈ?

"ના નથી ભૂલી?"

"તો કેમ રડવા લાગી?"

સંધ્યા હવે રાજને કઈ કહી શકે એવી સ્થિતિમાં જ નહોતી. બસ પોતાના ઈમોશન્સ એનાથી કન્ટ્રોલ થતા નહોતા. એ જ્યાં ઉભી હતી ત્યાં જ બેસીને ઘુંટણિયાભર પગ પર બેસી માથું નીચું કરી રડી રહી હતી. ત્યાં જ બ્રેકનો સમય પૂરો થઈ ગયો રાજ સંધ્યાની બાજુમાં પલાઠી વાળીને બેસી ગયો અને બોલી ઉઠ્યો, ચાલ તું જોર જોરથી રડી લે આપણે અહીં જ કોમ્પિટિશન રાખીયે, અને તારે એમાં જીતવાનું હો!"

"અરે એ જ જીતે ને કેવી વાત કરે છે તું?" સાથ પુરાવતા અનિમેષ પણ બોલી ઉઠ્યો હતો.

"એ બંન્ને ચાંપલાઓ બંધ થાઓ તમે.. શું સંધ્યાની ફીરકી લો છો?" રાજ અને અનિમેષને ચીટીયો ભરતા જલ્પા બોલી ઉઠી હતી.

"આ જલ્લપુડી.. તારી સંધ્યાની ચાપલુસી કરવાની ટેવ ન ગઈ તે ન જ ગઈ!" રાજ હસતા હસતા બોલ્યો હતો.

સંધ્યા ફરી સહેજ હસી પડી હતી. એ જોઈ ને અનિમેષે કીધું તારે ચાપલુસી ચાલુ જ રાખવી જો સંધ્યા હસવા લાગી.

સંધ્યા આંખ પર હાથ ફેરવીને "બોલી હવે તમે બધા જાવ તો.. નહીતો હું સાચે જ ક્લાસ માટે મોડી થઈશ!"

આખું ગ્રુપ હસતા હસતા છૂટું પડ્યું હતું.

સંધ્યાને પોતાના ગ્રુપને મળીને ખુબ આનંદ થયો હોય, એક અલગ જ રોનક આજે એના ચહેરા પર ચળકી રહી હતી. વિદ્યાર્થીઓ પણ ખુબ સરળતાથી આજે બધું સમજી જતા હતા. સંધ્યાને ખુદને એવું લાગ્યું કે, શિક્ષકોના મુડનો બાળકો પર કેટલો પ્રભાવ પડે છે. એને એમ થયું કે, મારી પરિસ્થિતિ કોઈ પણ હોય, આ બાળકોનો એમાં શું વાંક? મારી થોડી અમથી બેદરકારી આ લોકોને કેટલી અસર કરતી હશે? આ વિચાર માત્રથી એને તરત જ અભિમન્યુની માનસિક સ્થિતિની ચિંતા થઈ ઉઠી હતી. એણે મનોમન એમ પોતાની જાતને મનાવ્યું કે, આજ સુધી આ વાત ધ્યાનમાં નહોતી આવી હવે, આજે કુદરતે મને સંકેત આપ્યો જ છે તો મારે એ અમલમાં લેવો જ રહ્યો. મનોમન એક હળવું સ્મિત એણે પોતાનામાં વસતા સૂરજને કર્યું હતું.

સંધ્યા આજે ઘરે આવી ત્યારે એનામાં એક અલગ જ ઉર્જા દેખાઈ રહી હતી. દક્ષાબહેનને એનામાં આવેલ પરિવર્તન સ્પર્શી ગયું હતું. એમણે મનોમન પ્રભુનો આભાર માન્યો કે, "પ્રભુ તમે મારી પ્રાર્થનાનો સ્વીકાર કરી લીધો છે હું મારી દીકરીની ચહેરાની ચમક જોઈને ખરેખર ખુબ જ ખુશ છું. દક્ષાબહેનને ખાતરી થઈ ગઈ કે, ભગવાને એમની વાત તરત જ સ્વીકારી લીધી છે. બધા ખુબ જ ખુશ હતા, આથી આજે ઘરનો માહોલ કાલ કરતા ઘણો સારો હતો.

સંધ્યા પોતાના રૂમમાં અભિમન્યુને ઉંઘાડવા ગઈ હતી. પંક્તિ સાક્ષીને ઉંઘાડવા ગઈ હતી. પંકજભાઈ અને દક્ષાબહેન પણ ઊંઘવા માટે જતા રહ્યા હતા. સુનીલ ટીવી જોઈ રહ્યો હતો. એ ટીવી જોવા પૂરતું જ જોતો હતો, પણ એનું ધ્યાન ટીવીમાં નહોતું જ. થોડી થોડી વાર કરતા રાત્રિનો એક વાગી ગયો પણ હજુ સુનીલ પોતાના રૂમમાં ઉંઘવા માટે ગયો નહોતો. એ ટીવી જોતા સંધ્યાના જ વિચારોમાં હતો. એને એમ થતું હતું કે, સંધ્યા આજે ખરેખર ખુશ હતી કે, બધાને દુઃખ ન થાય એ માટે માત્ર ખુશ રહેવાનું નાટક કરી રહી હતી. એ વિચાર માત્ર એના મનને જળમૂળથી હલાવી રહ્યો હતો.

સાક્ષીને ઉંઘાડતાં પંક્તિએ પણ એક જોકું ખાઈ જ લીધું હતું. એની ઊંઘ ઉડી અને સમય જોયો તો રાત્રીના બે વાગી ગયા હતા. એ ઉભી થઈ અને હોલમાં જઈને જોયું તો, સુનીલ ટીવી મ્યુટ કરી ને ચાલુ ટીવી રાખી એમ જ ઊંઘી ગયો હતો. પંક્તિએ સુનીલને જગાડ્યો અને રૂમમાં લઈ ગઈ હતી. સુનીલ રૂમમાં આવી તરત ઊંઘી ગયો હતો, પણ પંક્તિની ઊંઘ એકદમ જ ઉડી ગઈ હતી. પંક્તિ વિચારમાં પડી કે, "આજે લગ્નને આટલા વર્ષો થયા ક્યારેય સુનિલ બેડરૂમમાં ઊંઘવા ન આવ્યો હોય એવું બન્યું નથી. આજે પહેલીવાર સુનીલ આટલી બધી ચિંતામાં હતો કે, રૂમમાં આવવાનું જ એને મન ન થયું!" બસ, આ વાતથી એ એટલી બધી નારાજ થઈ કે એનો ગુસ્સો પોતાના જ કન્ટ્રોલમાં નહોતો. આ ચિંતાનું કારણ એને માત્ર અને માત્ર સંધ્યા જ લાગી રહી હતી. પંક્તિને નેગેટિવ વિચારોએ એટલી બધી ઘેરી લીધી કે, પંક્તિને એમ થયું કે, આ સંધ્યાની પરિસ્થિતિતો કુદરતે એને આપેલ પ્રહારના લીધે છે અને મારી પરિસ્થિતિ તો વગર કારણે સંધ્યાના લીધે બગડી રહી છે. સંધ્યાની તકદીર કુદરતે બગાડી છે અને મારી જિંદગી સંધ્યા બગાડી રહી છે. મારે બધું જ છે છતાં એક સંધ્યાના લીધે હું બધું માણી શક્તિ નથી.

નવા દિવસનો સૂર્યોદય સુનીલના જીવનમાં ભંયકર ભૂકંપ લાવવાની તૈયારી સાથે ઉગ્યો હોય એમ હજુ તો સૂરજની આંખ ઉઘડતા જ પંક્તિ બોલી, "તમારા જીવનમાં તમારી બેનનું સ્થાન પહેલા છે કે મારુ?"

"શું પંક્તિ તું પણ સવાર સવારમાં કેવા પ્રશ્ન લઈને ઉભી રહી ગઈ છો?"

"તમે મને જવાબ આપો. મારે જવાબ જોઈએ છીએ, પ્રશ્ન સામે પ્રશ્ન મને નથી જોતો. જે પૂછ્યું એ ચોખ્ખુ કહો. મારે ગોળ ગોળ વાત નથી કરવી." અવાજમાં થોડો વળ અને ભારોભાર ગુસ્સો એની લાલઘૂમ આંખમાંથી વરસી રહ્યો હતો.

સુનીલ એક તો થોડી ચિંતામાં હતો અને હજુ સરખો ઉઠ્યો પણ નહીં ત્યાં પંક્તિ આવી વાત લઈને સુનીલને ખુબ ખરાબ રીતે પૂછી રહી હતી. સુનીલે વાતને ટાળવા કહ્યું, "આપણે પછી શાંતિથી વાત કરીએ?"

"અત્યારે મારે બીજું કોઈ કામ કરવું જ નથી. હું જે પૂછું છું એનો સીધો જવાબ મને આપો." જીદ અને ગુસ્સાસાથે પંક્તિ રીતસર સુનીલ પર તાડુકી રહી હતી. અત્યાર સુધી શાંતિથી વાત કરતો સુનીલ હવે ગુસ્સામાં આવી ગયો હતો. હવે એણે પંક્તિની વાતનો જવાબ આપતા કહ્યું, "મારી બેન મારા જીવનમાં તારી પહેલા જ આવી ગઈ હતી. આથી મારી બેનનું જ સ્થાન પહેલા રહેશે! એકદમ શાંતિથી અને ચોખ્ખો જવાબ સુનીલે સંધ્યાને આપી દીધો હતો.

શું આવશે ગુસ્સામાં પંક્તિએ કરેલ પ્રશ્નનું પરિણામ?
શું સંધ્યાના જીવનમાં ફરી કોઈ કસોટી લખેલી હશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻