Sandhya - 48 books and stories free download online pdf in Gujarati

સંધ્યા - 48

પંક્તિના મમ્મી પંક્તિ પાસે ગયા હતા. પંક્તિ બેબીને પોતાની પડખે રાખીને સૂતી હતી. પંક્તિએ મમ્મીને જોયું કે, તરત જ એની આંખમાં ઝરઝરીયા આવી ગયા હતા. થોડીવાર પંક્તિને એમણે હળવી થવા દીધી હતી. પછી તેઓ દીકરીને બોલ્યા, "આજે તે જે વર્તન કર્યું એ ખરેખર ખુબ જ ખરાબ કર્યું છે."

"એ સંધ્યાએ તમને આટલી વારમાં મારા માટે કાનભંભેરણી પણ કરી દીધી?" ગુસ્સા સાથે પંક્તિ બોલી હતી.

"સંધ્યા એક શબ્દ પણ બોલી નથી. પણ આજે ખરેખર મને અફસોસ છે કે તું મારુ બાળક છે. તું પણ મારી દીકરી જ છે, મેં પણ તારા જન્મ સમયે આવું કર્યું હોત તો? હજુ સ્વભાવ બદલી નાખ! મેં ક્યારેય તને ટોકી નથી, પણ આજ હવે જયારે કહું છું લાગે છે કે મારે વર્ષો પહેલા તારી જયારે જયારે ભૂલ હતી મારે તને ટોકવાની જરૂર હતી. ત્યારે મેં ટોકી હોત તો આજ તારી મા હોવાનો મને જે અફસોસ થઈ રહ્યો છે એ ન થતો હોત." એકદમ સચોટ વાત પંક્તિના મમ્મીએ એને કરી હતી.

પંક્તિને પોતાના મમ્મીના શબ્દો ખુબ આકરા લાગ્યા હતા. આજે પહેલીવાર એના મમ્મી એને કંઈક બોલ્યા હશે, એનાથી મમ્મીએ જે કીધું એ સહન થતું નહોતું. પંક્તિ રડી રહી હતી. પંક્તિના મમ્મી હવે વધુ કાંઈ પંક્તિને ગુસ્સામાં કહી દે એનાથી ઉત્તમ એને ત્યાંથી બહાર જતું રહેવું યોગ્ય લાગતું હતું.

નર્સ પંક્તિને મેડિસિન આપવા આવી હતી, અને સાથે એનું જમવાનું પણ લાવી હતી. જમવાનું આવ્યું હોય દક્ષાબહેન તરત રૂમમાં આવ્યા હતા. એમણે આજ પંક્તિને જમાડી હતી. જેવું પેટમાં અન્ન ગયું કે પંક્તિને યાદ આવ્યું કે, ખુબ એ સંધ્યાને બોલી હતી. પંક્તિ ખુબ ભાવુક થઈ ગઈ હતી. એનો ગુસ્સો હવે સમી ગયો હતો. પણ એકવાર પાળ તૂટ્યા બાદ શું ફાયદો?પંક્તિના મમ્મીનો આક્રોશ પંક્તિથી સહન થયો નહોતો. અને એટલે જ એ પરિણામ આવ્યું કે, પંક્તિને પોતે જે કર્યું એ ખોટું કર્યું એમ એ સમજી ગઈ હતી. પોતાની ભૂલ એને સમજાણી હતી.

સુનીલ સંધ્યા પાસે આવીને બોલ્યો, "સંધ્યા મને માફ કરી દે! મેં તને એને સમજાવાનું કહ્યું એમાં એણે તારું અપમાન કર્યું લાગે છે. મારે તને આ કામ સોંપવાની જરૂર જ નહોતી." ખુબ જ અફસોસની લાગણી સાથે બોલ્યો હતો.

"ના, મેં એને હજુ કાંઈ જ નહોતું કીધું, એ એની રીતે જ ગુસ્સામાં બોલવા લાગી હતી. હા પણ તારું કામ મેં કર્યું તો ખરા! એને શાંતિથી સમજાવ્યું પણ એ ગુસ્સામાં જ જવાબ આપતી હતી. છતાં, મેં એને એની જાળમાં જ એમ ફસાવી કે હવે એ બેબીને સારી રીતે સાચવશે! તું મન પર કોઈ ભાર રાખીશ નહીં. ભલે એ ગુસ્સામાં બોલી હતી, પણ એની અમુક વાત સાચી જ હતી. એણે ગુસ્સામાં એના મનમાં રહેલો બધો જ અણગમો ઠેલવ્યો એ સારું જ કર્યું હતું. અમુક સમયે અમુક મનમાં રહેલી વાત કહી દેવી જ યોગ્ય છે. નહીતો ભવિષ્યમાં બહુ જ ગંભીર પરિણામ આવે! કુદરત અમુક સમયે પરિસ્થિતિથી વાકેફ કરવા કોઈકને નિમિત્ત બનાવે છે. એમણે મારા કેસમાં પંક્તિને નિમિત્ત બનાવવાનું નક્કી કર્યું હતું. તું તારા પર કઈ જ ન લે! જે પણ ઘટના બને એ કુદરતની જ મરજી હોય છે. આપણે ઇચ્છીયે એમ કંઈ જ થતું નથી."

"તું ખરેખર ખુબ જ સારા સ્વભાવની છે. મેં મારા આટલા જીવનમાં તારા જેવું કોઈ જ જોયું નથી. તારી સમજદારી સામે હું પણ મારી જાતને વામણો સમજુ છું." આટલું કહી સુનીલ લાગણીવશ થઈ ગયો હતો.

સંધ્યાના મમ્મી,પપ્પા આ બધી જ વાત સાંભળી ચુક્યા હતા. એમને સંધ્યા સાથે અમુક વાત કરવી હતી પણ આ કોઈ જ વાત કરવા માટેનો યોગ્ય સમય એમને લાગતો નહોતો. આથી તેઓ બંન્ને ચૂપ જ રહ્યા હતા.

સંધ્યા હવે બંને બાળકોને લઈને ઘરે ગઈ હતી. બધા માટે રસોઇ પણ બનાવવાની હતી. સંધ્યા દક્ષાબહેનની રજા લઈને ઘરે આવી ગઈ હતી. આવતી વખતે એ ફરી પંક્તિ પાસે ગઈ નહોતી. ઘરે આવ્યા બાદ સાક્ષી અને અભિમન્યુ પડોશમાં રમવા ગયા હતા. સંધ્યા જેવી એકલી પડી કે, એને તરત પોતાના મોબાઈલમાં સૂરજનો ફોટો જોયો હતો. એ ફોટાને પોતાના હાથની આંગળીના ટેળવે સ્પર્શી રહી હતી. સંધ્યા આજ ખુબ દુઃખી હતી. જે ભાભીએ કડવા વેણ કીધા એવા વેણ સાસરીમાં પણ કોઈએ સંધ્યા માટે ઉચ્ચારિયા નહોતા. સંધ્યાને થયું હજુ મને અહીં આવ્યે એક વર્ષ પણ માંડ થશે ત્યાં ભાભી આવી વાત કરે છે તો અહીં વધુ સમય રહેવું એ પોતાના સ્વમાનને જ દાવ પર મૂકીને રહેવા જેવી વાત છે. સૂરજના ફોટાને જોઈને સંધ્યા મનભરીને રડી હતી. એને ખરેખર એવું થયું કે, પોતાની લાચારી તો જો, પોતાના વરનું મકાન બનાવેલ છે છતાં એની સ્થિતિ ખુબ જ ખરાબ છે. હું પિયર પ્રેમ માટે આવી હતી નહીં કે, હકને લેવા! મેં મારા સાસરાના હકને પણ લીધા નહીં અને બધું જ એમ જ મૂકીને આવી ગઈ છું. ત્યાં સૂરજની કાર છે એ પણ એમ જ પડી છે પણ મેં એનો હક પણ માંગ્યો નહીં, અને ભાભી મને હકની વાત કહી અપમાનિત કરી રહ્યા હતા. એની આંખમાંથી લોહીના આંસુ જ સરી રહ્યા હતા. સંધ્યાએ મોબાઈલમાં રહેલ સૂરજના ફોટાને પોતાના કલેજે એમ લગાડ્યો કે, જાણે એ સૂરજને પોતાના ગળે લગાવી રડતી હોય! સંધ્યાનું દર્દ આજ ચરમસીમાએ પહોંચી ગયું હતું. સહેજવાર આંખ બંધ કરી એ રડી રહી હતી. આજે એને રાજના શબ્દ યાદ આવ્યા, "તું તારામાં વસતા સૂરજના અંશને સાચવજે!" સંધ્યાએ બંધ આંખે જ પોતાના હાથે આંસુ લૂછ્યાં અને આંખને એક નિર્ણય સાથે ખોલી કે, બસ સંધ્યા! હવે બધાના આશરા લેવાનું છોડ! આ તારું જીવન છે તું તારી જાત મહેનતે જ જીવતા શીખ. ક્યાં સુધી બધાની ઓથ મેળવવાની આશા સાથે જીવીશ? સંધ્યાએ આંખ એમ ખોલી કે હવે એ ખરેખર જાગી જ ગઈ હતી. સંધ્યાએ સૂરજના ફોટાને પોતાનાથી અળગો કરી ફોટાને સ્પર્શીને વચન લીધું કે, બેબીની છઠ્ઠી હશે એ મારી આ ઘરમાં આખરી રાત હશે! હું હવે અલગ એક ભાડાનું મકાન શોધી લઈશ!

સંધ્યાએ બાથરૂમમાં જઈને પાણીની છલક એમ પોતાના ચહેરા પર છાંટી કે એક જ છલક સાથે બધા વિચારોને હડસેલીને પોતે એ વિચારોથી મુક્ત થવા ઈચ્છતી હતી. કિચનમાં જઇને એણે બધાની રસોઇ બનાવી લીધી હતી. હોસ્પિટલે સુનીલને જાણ પણ કરી કે આવીને ટિફિન એ લઈ જાય અને બાકીના ઘરે જમવા આવી જાય!

સુનીલ ઘરે આવ્યો એટલે એણે સંધ્યાની ફરી માફી માંગી હતી. સંધ્યા આજ ખુબ ભાંગી પડી હતી. એ સુનીલને ભેટીને રડી જ પડી! ભાઈનો એના માથા પર ફરતો હાથ સંધ્યાને સાંત્વના આપી રહ્યો હતો. સંધ્યા ઘરમાં એકલી હોવાના લીધે એને આજ યોગ્ય મોકો લાગ્યો કે, ભાઈને પોતે જે નિર્ણય લીધો એ જણાવે! પોતાના મનમાં જે પણ વાત ભમી રહી હતી એ તેણે સુરજ સમક્ષ ઠાલવી હતી. પોતાની અલગ રહેવાની ઈચ્છાને પણ થોડી રડમસ આવજે કહી જ દીધી હતી.

સુનીલ સંધ્યાની વાતને સાંભળીને એ તરત બોલ્યો, "તું ક્યાંય નહીં જાય. તું અહીં જ રહેશે!"

"તું ખોટી જીદ ન કર! હું જે સમજીને ચાલુ છું એમ ચાલવા દે!નહીતો એક સમય એવો આવીને ઉભો રહી જશે કે, આપણા બોલવાના સંબંધ પણ નહીં રહે! એના કરતા તું મને સમજીને મેં જે નિર્ણય લીધો એ સ્વીકાર અને મને હસતા ચહેરે સાથ આપ."

સુનીલ હા તો બોલી જ શક્યો નહીં, ફક્ત માથું સહેજ હલાવીને સંધ્યાને એની વાતને સહમતી આપી દીધી હતી.

શું સંધ્યાના નિર્ણયને બધાની અનુમતિ મળશે?
આવનાર સમય બાળકો માટે કેવો હશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻