Sandhya - 56 books and stories free download online pdf in Gujarati

સંધ્યા - 56

સંધ્યા એના લગ્ન વખતના દાંડિયારાસના દિવસની યાદમાં સારી પડી હતી ત્યાં જ હિંડોળા પર ઝુલતા જ સૂરજ બોલ્યો, "જો સંધ્યા આમ તું ઉદાસ થઈને હું તારાથી દૂર છું એમ ન વિચાર. પ્રત્યેક ક્ષણ હું તારી સાથે જ તારામાં જ શ્વસી રહ્યો છું. આપણો પ્રેમ અમર છે અને તું પણ મને મારા અહેસાસને અનુભવી જ શકે છે. પણ ક્યારેક મારા પ્રેમની તું કસોટી કરી લે છે. ખરું કહ્યું ને મેં?" એમ કહીને સૂરજે સંધ્યાને એના હાથ પર ચૂમતા પૂછ્યું હતું.

સંધ્યાને જેવો સૂરજના હોઠનો એના હાથ પર સ્પર્શ થયો એ સાચો જ સ્પર્શ હોય એવો અહેસાસ સંધ્યાને થતા એ ફરી ખુશ થઈ ગઈ હતી. એણે ખુદ પોતાના હાથ પર એ જ જગ્યાને ખુશ થઈને પોતાના હોઠથી સ્પર્શી લીધી હતી. એક અલગ જ શાંતિનો અનુભવ એને થઈ રહ્યો હતો. એ મનોમન આંખ બંધ કરીને બોલી, "સૂરજ તમે મારી સાથે છો. તમે મને જોઈ શકો છો પણ હું તમને જોઈ શકતી નથી આથી ક્યારેક હું વિચલિત થઈ જાઉં છું. મને ક્યારેક મારા સુખ, દુઃખ, સ્નેહ, ગુસ્સો એ બધી જ લાગણીનો અહેસાસ તમારી સાથે શેર કરવા તમારી પ્રત્યક્ષ હાજરીની મને ખેવના હોય છે હું એ જ ક્ષણે વિચલિત થઈ જાવ છું." મનની વેદનાને સંધ્યાએ ઠેલવતા કહ્યું હતું.

"તું મને ફક્ત તારામાં શોધ હું તારામાં જ છું. આથી જ આંખ ખોલતા તારી નજર સમક્ષ નથી દેખાતો. એકવાર મારા અંશને તારામાં જ શોધી લે પછી તારે ક્યારેય પ્રત્યક્ષ રૂપની જરૂર નહીં પડે! તારું વિચલિત મન આપમેળે શાંત થઈ જશે!"

સંધ્યાએ સૂરજના એક એક શબ્દને બંધ આંખથી સાંભળ્યા હતા. એ બોલી, "શું એ ખરેખર શક્ય છે? કે આ બધું જ એક મારો ભ્રમ છે?"

"આપણો પ્રેમ આત્મા સાથેનો છે. નીસ્વાર્થ પ્રેમ છે. આપણો પ્રેમ સમર્પણ હતું, પામવાની ખેવના નહોતી આથી આ શક્ય છે. તું પ્રેમના અહેસાસને માણી શકે છે એ જ તો હું તારામાં શ્વસુ છું એની નિશાની છે."

સંધ્યાના મનમાં જે ખળભળાટ હતો એ હવે સમી ગયો હતો. સંધ્યા ફરી પોતાને ખૂબ ભાગ્યશાળી માનવા લાગી હતી. પ્રેમની પેલે પાર પણ એણે પોતાના પ્રેમને સ્પર્શ્યો હતો. આજે સંધ્યાએ ખુદમાં જ શ્વસતા સૂરજને સ્પર્શ્યો જ નહીં પણ એની સાથે સંવાદ પણ કર્યો હતો. એ આ અકલ્પનીય સાથને હવે પૂર્ણ પણે જાણી ચૂકી હતી. આજે ફરી એ ખુબ શાંતિથી ઊંઘી ગઈ હતી.

સંધ્યાની સવાર ખૂબ સરસ ખુશનુમા અહેસાસ સાથે પડી હતી. એણે પોતાની દિનચર્યા પતાવી હતી. સવારનો નાસ્તો અને રસોઈની તૈયારી કરી લીધી હતી. હવે એણે અભિમન્યુને જગાડ્યો હતો. અભિમન્યુ પણ સંધ્યાની જેમ જ ખૂબ ઝડપી હતો. એ પણ ફટાફટ તૈયાર થઈ ગયો હતો. આજે સંધ્યા અને અભિમન્યુ બંનેએ જોડે પૂજા કરી હતી. બંને સાથે નાસ્તો કરવા બેઠા હતા. સંધ્યાએ નાસ્તો કરી લીધા બાદ અભિમન્યુને સ્કૂલે મુક્યો હતો અને પોતે પોતાની જોબ પર ગઈ હતી.

અભિમન્યુએ આજે બપોરે ઘરે આવી ગયા બાદ ફરી પોતાના પપ્પાના વિડીયો જોયા હતા અને એ દરેક ટ્રિકને પોતાના મગજમાં ઉતારતો હતો. સમય આજે એનો ફટાફટ પસાર થઈ ગયો હતો. હોમવર્ક બાકી રહી ગયું એ ટ્રેનિંગ પછી કરશે એવું સંધ્યાને એણે સામેથી જ જણાવી દીધું હતું. સંધ્યાને આમ પ્લાનિંગ સાથેનું અભિમન્યુનું જીવન ખૂબ જ ગમતું હતું. એ મનોમન ખૂબ જ ખુશ થઈ જતી હતી.

સંધ્યા આજે પણ અભિમન્યુની ટ્રેનિંગ પર રોકાઈ હતી. અભિમન્યુએ વિડીયોમાંથી જે પણ શીખ્યો એ મુજબ એ રમી રહ્યો હતો. ખૂબ જ સરસ એનું કેચઅપ હતું. સંધ્યાએ અનુભવ્યું કે, સૂરજ અભિમન્યુને પણ સાથ આપી રહ્યો છે આથી જ અભિમન્યુ આટલું જલ્દી સરસ શીખી રહ્યો છે.

જીતેશે ટ્રેનિંગ પતી એટલે સંધ્યાને કહ્યું, "મારા જીવનમાં મેં ક્યારેય આટલો સરસ નાની ઉંમરનો પ્લેયર જોયો નહીં. આજની એની બધી ટ્રીક મને ખુદને રમવી પણ અઘરી પડે એવું એ રમ્યો છે. મને માન્યામાં નથી આવતું કે, અભિમન્યુને મેં આટલું સરસ શીખવ્યું છે!" ખૂબ જ ખુશ અને ઉત્સાહ સાથે સડસડાટ બધું કહ્યું હતું.

સંધ્યા અભિમન્યુને એના દાદા અને દાદી પાસે એ પહેલી ટુર્નામેન્ટ રમવાનો હોઈ આશીર્વાદ લેવા લઈ ગઈ હતી. આજે ચંદ્રકાન્તભાઈ અને રશ્મિકાબહેને બંનેએ સરખા ઉમળકા સાથે એને આશીર્વાદ આપ્યા હતા. આજે રશ્મિકાબહેન પણ કંઈક અલગ જ દેખાઈ રહ્યા હતા. એમની વાણીમાં પ્રેમ છલકતો સંધ્યા અને ચંદ્રકાન્તભાઈ બંનેએ અનુભવ્યો હતો. સંધ્યાએ થોડીવાર બેસીને તરત જ નીકળવાની અનુમતિ લીધી હતી. આજે રશ્મિકાબહેન અભિમન્યુને ભેટીને રડી પડ્યા હતા. અભિમન્યુ બોલ્યો, "અરે બા! હું અહીં જ ટુર્નામેન્ટ રમવાનો છું. તમે અને દાદા આવશોને જોવા?"

"હા ચોક્કસ આવશું."

"તો ચાલો હવે રડવાનું બંધ કરો અને એક મસ્ત સ્માઈલ આપો."

રશ્મિકાબહેને એક સરસ સ્માઈલ આપી અને હસતા ચહેરે બધાં નોખા પડ્યા હતા. સંધ્યાએ ઘરે જઈને ફટાફટ રસોઈની તૈયારી શરૂ કરી હતી. સુનીલ આજે પહેલીવાર સંધ્યા ઘરે આવ્યો હતો. અભિમન્યુ મામા અને સાક્ષીને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો હતો. સુનીલ એક સરપ્રાઈઝ ગિફ્ટ અભિમન્યુ માટે લાવ્યો હતો. આવતીકાલની ટુર્નામેન્ટની શુભેચ્છા માટે એ અભિમન્યુ માટે ખાસ આવ્યો હતો. અભિમન્યુએ ગિફ્ટ ખોલી એમાં એક ખૂબ સરસ પેન હતી અને સાથે શુભેચ્છા પાઠવતું એક કાર્ડ પણ હતું. સુનીલ બોલ્યો, "આ પેનથી તારે ટુર્નામેન્ટ પતે એટલે પેલો ઓટોગ્રાફ મને આપવાનો છે. આપીશ ને બેટા!"

"હા મામુ!" એમ કહીને એ પોતાના મામાને ભેટી પડ્યો હતો.

સંધ્યા આજે ખૂબ જ ખુશ થઈ કે, ભાઈએ એના ઘરે પધરામણી કરી હતી.

અભિમન્યુ સવારે ટુર્નામેન્ટમાં જતાં પહેલાં મંદિરમાં દર્શન કરીને પોતાના મમ્મીને પગે લાગ્યો હતો. એના મમ્મીએ કહ્યું કે, "બેટા! હંમેશા ખુશ થઈને જ રમજે. રમત સાથે જીવન જીવજે, જીવનને રમત ન બનાવી નાખતો!"

"હા, મમ્મી!" એમ કહી એ એના મમ્મીને ભેટી પડ્યો હતો.

અભિમન્યુની ટુર્નામેન્ટ શરૂ થાય એ પહેલાં એના દાદા-દાદી અને નાના-નાની પણ આવી ગયા હતા. બધાં જ વડીલોના આશીર્વાદ લઈને એ રમવા માટે ગ્રાઉન્ડમાં ગયો હતો. સંધ્યા સિવાય બધાં જ આજે પહેલીવાર અભિમન્યુને રમતા જોઈ રહ્યા હતા. અભિમન્યુ ખુબ સરસ રમતો હતો. અભિમન્યુની ટીમનો પહેલો ગોલ અભિમન્યુ થકી જ થયો હતો. બધાં જ અભી..અભી.. ના અવાજ સાથે એને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. મેચ એટલો બધો રોમાંચક હતો કે, દર્શકોને એમ જ થાય કે, આ બંને ટીમમાંથી કઈ ટીમ જીતશે? અભિમન્યુએ છેલ્લી ૧૦ સેકન્ડ બાકી હતી ત્યારે જે ગોલ કર્યો એ ગોલથી એની ટીમ વિજયી બની હતી. જીતેશ તો ખૂબ જ ખુશ થતો ગ્રાઉન્ડમાં દોડીને અભિમન્યુને તેડીને એની ટીમની જીત મનાવવા લાગ્યો હતો. આખો માહોલ એટલો બધો સરસ હતો કે, અભિમન્યુને તો ખૂબ જ મજા આવતી હતી. જે જુઓ એ અભિમન્યુના જ વખાણ કરી રહ્યું હતું. આજે સંધ્યાની આંખ હરખના લીધે છલકાઈ ગઈ હતી. સૂરજે એના આંસુ લૂછ્યાં એ સ્પર્શ સંધ્યાને થતા એને મનોમન પોતાના દીકરાની આ પહેલી સફળતાની શુભેચ્છા સૂરજને આપી હતી. આખી દુનિયાની સાથોસાથ એના ભીતર એની અને સૂરજની એક દુનિયા ધબકી રહી હતી.

શું હશે રશ્મિકાબહેનના અભિમન્યુની જીત માટેના શબ્દો?
કેવા હશે સંધ્યા અને અભિમન્યુના આવનાર દિવસો?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻