Dhup-Chhanv - 129 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 129

અપેક્ષા મા બનવાની છે‌ તે સમાચાર માત્રથી ધીમંત શેઠના આખાયે બંગલામાં ખુશીની છોળો ઉછળી રહી હતી..
બીજે દિવસે સવારે જ ધીમંત શેઠ અપેક્ષાને તેની મા લક્ષ્મી પાસે મૂકી આવ્યા..
પરંતુ અપેક્ષાની તબિયત વધારે નરમ થતી જતી હતી..
ખૂબજ વોમિટીંગ અને ખોરાક નહીં લઈ શકવાને કારણે તેને ખૂબજ વીકનેસ લાગતી હતી..અને ગ્લુકોઝ ની બોટલ પણ ચઢાવવી પડી હતી..
પંદર દિવસ પછી તેને ફરીથી મેડિકલ ચેકઅપ માટે ડૉક્ટર સુધાબેન પાસે લઈ જવી પડી..
અને ત્યારે ડૉક્ટર સુધાબેને અપેક્ષાના બધા જ ટેસ્ટ કરાવવા સૂચના આપી..
સાંજ સુધીમાં બધાજ ટેસ્ટના રિપોર્ટ આવી ગયા હતા..
રિપોર્ટ્સ તો બધા નોર્મલ હતા પરંતુ તેની વીકનેસને કારણે તેને બે ત્રણ દિવસ માટે હોસ્પિટલમાં એડમીટ કરવી પડી હતી...
હવે આગળ...
અપેક્ષાને હવે સારું હતું એટલે તેને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવી, તેની પણ ઈચ્છા હતી કે તે પોતાની મા લક્ષ્મી પાસે જ રહે અને ધીમંત શેઠની પણ એવી જ ઈચ્છા હતી કે આ હાલતમાં અપેક્ષાની તબિયત સચવાઈ જાય.
વળી લક્ષ્મી બા તેની ખાવાપીવાથી માંડીને ઉંઘવા ઉઠવાની અને તેની બેસવા ઉઠવાની તમામ ક્રિયાઓ ઉપર પૂરતું ધ્યાન આપતાં અને જરૂર પડે ત્યાં તેને ટોકતાં અને સમજાવતા પણ ખરા.
વળી લક્ષ્મી બા ખૂબજ ધાર્મિક હતાં તેથી અપેક્ષાને પણ ધાર્મિક પુસ્તકો વાંચવાનું કહેતા અને અમુક પુસ્તકો પોતે પણ વાંચીને તેને સંભળાવતા જેથી આવનારા બાળક ઉપર સારા સંસ્કાર પડે.

અપેક્ષા પોતાના આ નાજુક સમયમાં થોડા દિવસો માં ના ઘરે તો વળી થોડા દિવસે એકાદ ચક્કર પોતાના ઘરે પણ લગાવી આવતી હતી અને બે ચાર દિવસ ત્યાં રહીને પોતાના ધીમંતની તેમજ પોતાના ઘરની પણ કાળજી લઈ આવતી હતી..

આમ કરતાં કરતાં સુખરૂપ હવે અપેક્ષાને સાતમો મહિનો બેસી ગયો હતો અને તેના ખોળા ભરતની વિધિ હવે પૂર્ણ કરવાની હતી તેથી એક દિવસ રાત્રે ધીમંત શેઠે પોતાને જેમનામાં આસ્થા શ્રધ્ધા હતી તેવા શ્રી કૃષ્ણકાંત મહારાજને ખોળા ભરતનું શુભ મુહૂર્ત જોવા માટે પોતાના બંગલે તેડાવ્યા અને મહારાજ શ્રીએ એ મહિનાની પૂનમનો દિવસ ખૂબજ સારો છે અને તે દિવસે ખોળા ભરતની વિધિ કરવા જણાવ્યું.
જેથી આવનારું બાળક ખૂબજ સુંદર શાંત અને પૂનમના ચંદ્ર 🌙 જેવું નયનરમ્ય તેમજ તેના જેવું શીતળ તેજ ફેલાવનારું બની રહેશે તેમ પણ જણાવ્યું.
ધીમંત શેઠ, લક્ષ્મી બા, અક્ષત અર્ચના અને અપેક્ષા બધા ખૂબજ ખુશ હતાં. ધીમંત શેઠ તેમજ અપેક્ષા તો આવનાર બાળકને શું જોઈશે તેને માટે આપણે શું કરીશું તેની પૂરેપૂરી તૈયારી કરી રહ્યા હતા.
ઘરમાં નવા મહેમાનના આગમનની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી.
ધીમંત શેઠ પોતાની પત્નીના ખોળા ભરતની વિધિ ખૂબજ ધામધૂમથી કરવા માંગતા હતા.
પોતાનું મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓ દરેકને ધીમંત શેઠ ધ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ફાઈવ સ્ટાર હોટેલના બેન્કવેટ હોલમાં આ આયોજન ગોઠવવામાં આવ્યું હતું.
અપેક્ષાએ આ શુભ પ્રસંગ માટે ખૂબજ સુંદર તૈયાર થઈ હતી તેણે મરુન કલરની સાડી પહેરી હતી અને ધીમંત શેઠે ફર્સ્ટ નાઈટે આપેલો હીરાનો હાર ગળામાં પહેર્યો હતો તે આજે પૂનમના ચંદ્ર જેવી જ ખીલેલી ખીલેલી અને ખૂબજ સુંદર દેખાતી હતી તેણે પોતાના હાથમાં પણ મહેંદી મૂકાવી હતી અને સોળે શણગાર સજ્યા હતાં.
જ્યારે સ્ત્રી માં બનવાની હોય છે પોતાની પ્રતિભાને જન્મ આપવાની હોય છે ત્યારે કુદરતી રીતે જ તેનું રૂપ સોળે કળાએ ખીલી ઊઠે છે અને તે નીખરી ઉઠે છે.
અપેક્ષા પણ આજે બેહદ સુંદર લાગી રહી હતી. તેને કોઈની નજર ન લાગે માટે તેની માં લક્ષ્મીએ તેના કાન પાછળ કાળું ટપકું કર્યું અને તેના ગળામાં એક કાળો દોરો પણ પહેરાવી દીધો.
ખૂબજ ધામધૂમથી ચાલી રહેલી આ વિધિ બે કલાક બાદ પૂર્ણ થઈ અને પછીથી આવનારા દરેક મહેમાને અપેક્ષાને ખોબલે ખોબલે અભિનંદન અને આશીર્વાદ આપ્યા અને શુભેચ્છાઓ પાઠવી તેમજ સુંદર ભોજન આરોગીને સૌ છૂટાં પડ્યા.
અપેક્ષાને તેની માં લક્ષ્મીના ઘરે લઈ જવામાં આવી...
એ દિવસે રાત્રે અપેક્ષાના મોબાઈલમાં યુએસએની તેની ઓફિસમાંથી ફોન આવ્યો કે જે કંપની સાથે તેની ડીલ ચાલી રહી છે તેનો એગ્રીમેન્ટનો સમયગાળો પૂરો થયો છે તો નવું એગ્રીમેન્ટ કરવા માટે તેણે યુએસએ જવું પડશે...
આ હાલતમાં અપેક્ષાનું ત્યાં જવું તો મુમકીન હતું નહીં..તો પછી કોણ જશે? ધીમંત શેઠ?
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
29/2/24