Dhup-Chhanv - 132 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 132

આ વખતે હું સ્વસ્થ રહીને બધું જ એનું નાટક જોયા કરીશ અને ખૂબજ હોંશિયારી પૂર્વક તેણે સોંપેલો રોલ નિભાવીને તેને બતાવીશ...
અપેક્ષાએ ફરીથી પોતાના પેટ ઉપર હાથ ફેરવ્યો અને પોતાના બાળકને વ્હાલ કરતી હોય તેમ બોલી કે, "સૂઈ જા બેટા, આપણે સવારે વહેલા ઉઠવાનું છે.."
અને પોતાની કૂખમાં રહેલા બાળકને પોતાની પ્રેમભરી આગોશમાં લઈને તે મીઠી નિંદર રાણીને માણવા લાગી....
હવે આગળ....
"જય સદ્દગુરૂ સ્વામી પ્રભુ, જય સદ્દગુરૂ સ્વામી..
સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ,
બળવંત બહુનામી
પ્રભુ જય સદ્દગુરૂ સ્વામી...."
લક્ષ્મીની સવાર રોજ આમજ પડતી. તમે ઘડિયાળ પણ મેળવી શકો એટલી નિયમિતતાથી સવારે 6.00 વાગે લક્ષ્મીના અવાજમાં પ્રભુની પ્રાર્થનાના સૂર રેલાઈ જતા હતા..
આજુબાજુ વાળાને પણ એલાર્મની જેમ 6.00 વાગે પ્રભુ ભક્તિમાં લીન લક્ષ્મીના ભજન-કીર્તન અને ઘંટડીના અવાજ ઉઠાડી દેતા હતા.
પ્રભુ ભક્તિમાં લીન લક્ષ્મીને પોતાની સવાર સવારની મીઠી નિંદર બગડતા અપેક્ષા બૂમ પાડી રહી હતી, "મા, હું રાત્રે બે વાગ્યે સૂતી છું, આ સવારના પહોરમાં વહેલા ઉઠીને રાગડા ન તાણે તો ન ચાલે...?? બંધ કરને અવાજ બિચારા ભગવાનને શાંતિથી ઊંઘવા દે." રેશમી રજાઈ ખસેડીને આંખો ચોળતાં અપેક્ષા થોડી અકળાઈને બોલી.
"મારો ભગવાન કહે છે કે,
વહેલા સૂઈ વહેલા ઊઠે વીર..
બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર..."
બોલતાં બોલતાં લક્ષ્મી બા,
સેવનના લાકડામાંથી બનાવેલ સુંદર ભગવાનના કબાટની સામે એક નાની કાચની ટિપોઈ મૂકેલી હતી તેની ઉપર પોતાના હાથમાં રહેલી આરતી અને ઘંટડી મૂકીને મનમાં મલકાતાં મલકાતાં અપેક્ષાના વૈભવી બેડરૂમમાં પ્રવેશ્યા...
અને તેની લગોલગ આવીને બેઠાં, તેના માથે વહાલથી પોતાનો હાથ ફેરવવા લાગ્યા અને તેને કહેવા લાગ્યા કે, "સાડા ત્રણ દાયકાથી સવારે વહેલા ઊઠવાની આદત પડી છે હવે તે જાય તેમ નથી બેટા પણ તને હજી ઉંઘ આવતી હોય તો તું સૂઈ જઈ શકે છે મારા દીકરા..."
અને અપેક્ષાએ પોતાનું માથું પોતાની મા ના ખોળામાં મૂકી દીધું અને તેનો હાથ પોતાના હાથમાં લઈને જાણે ફરીથી પોતાની માના ઉદરમાં ખોવાઈ જવા માંગતી હોય તેમ ત્યાં જ લંબાવી દીધી....
એક બાજુ પોતાના ઉદરમાં એક બાળક ઉછરી રહ્યું હતું અને બીજી બાજુ તે પોતે નાનું લાડકવાયુ બાળક બનીને પોતાની મા ના ખોળામાં માથું મૂકીને એક મીઠા સોનેરી સ્વપ્નમાં ખોવાઈ જવા માંગતી હતી....

અપેક્ષાએ પોતાની યુ એસ એ ની ઓફિસના નવા એગ્રીમેન્ટ માટે પોતાના ધીમંતને યુ એસ એ મોકલવાનું નક્કી કર્યું હતું.
લગભગ દશ વાગ્યે ધીમંત શેઠ અપેક્ષાને મળવા માટે લક્ષ્મીના ઘરે પધાર્યા એટલે લક્ષ્મીએ ખૂબજ પ્રેમ પૂર્વક તેમને આવકાર્યા...

અપેક્ષા નાહી ધોઈને તૈયાર થઈને જ બેઠી હતી અને પરમાત્માની પૂજા કરી રહી હતી તેનું સૌંદર્ય જાણે નીખરી નીખરીને બહાર આવી રહ્યું હતું...
પહેલા કરતાં પણ તે બેહદ સુંદર લાગી રહી હતી...
તેના શરીરમાં લોહી ભરાયું હતું અને પોતાની મા ના લાડ, ધીમંત શેઠનો અનહદ પ્રેમ અને પરમાત્માની અસીમ કૃપાથી પોતાના ઉદરમાં ઉછરી રહેલું બાળક જાણે પરમાત્માની પ્રસાદી સ્વરૂપ જ હતું....
જેથી તે લાલ બુંદ જેવી, ગુલાબના ગોટાની જેમ ખીલેલી ખીલેલી લાગતી હતી...
સવારનો ઉજાસ તેની સફેદ ચામડીને વધારે સફેદ બનાવી રહ્યો હતો...
ધીમંત શેઠ અને અપેક્ષાની નજર એક થતાં જ બંનેની આંખમાંથી એકબીજા પ્રત્યેની ખુશી અને પ્રેમ છલકાઈ આવ્યા.
અપેક્ષાએ ધીમંતને યુ એસ એ ની ઓફિસના એગ્રીમેન્ટની વાત જણાવી અને તે ત્યાં જઈ આવે તેમ પણ જણાવ્યું...
યુ એસ એ જવાની વાત આવતાં જ ધીમંત શેઠનો મૂડ ઓફ થઈ ગયો તે અપેક્ષાને આ હાલતમાં છોડીને પોતે યુ એસ એ જવા માંગતા નહોતા...
પરંતુ અપેક્ષાના કહેવા પ્રમાણે, "તેની પાસે તેની મા લક્ષ્મી છે પછીથી તેને કોઈ ચિંતા નથી અને થોડા દિવસમાં તો ધીમંત શેઠ ત્યાંનું બધું જ કામ પતાવીને પાછા આવી જ જશે તેમ પણ તેણે સમજાવ્યું....
પરંતુ ધીમંત શેઠ પોતાની અપેક્ષાને છોડીને જવા માટે તૈયાર જ નહોતા...
બંને વચ્ચે થોડી મીઠી નોક ઝોક ચાલી રહી હતી...
પરંતુ અપેક્ષાએ એટલી બધી મહેનત કરીને ત્યાં પોતાનો બિઝનેસ જમાવ્યો હતો અને જો ધીમંત શેઠ ત્યાં ન જાય તો બધું વેરવિખેર થઈ જાય અને પોતાની બધી જ મહેનત ઉપર પાણી ફરી વળે એટલે અપેક્ષા તેમને મોકલ્યા વગર રહે તેમ પણ નહોતી...
અને ફાઈનલી અપેક્ષાએ પોતાનું ધાર્યું જ કર્યું તેની ડાહી સમજણભરી વાતોથી ધીમંત શેઠ યુ એસ એ જવા માટે તૈયાર થઈ ગયા...
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
26/3/24