Dhup-Chhanv - 136 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 136

એ દિવસે અચાનક તેની નજર ટેબલ ઉપર પડેલા એ સમાચાર પત્ર ઉપર સ્થિર થઈ હતી...
તે સ્તબ્ધ થઈ ગઈ....
તેમાં દાઢી વધારેલા માણસનો ફોટો હતો...
જે લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર ફસડાયેલો પડેલો હતો...
તેના હાથમાંથી છાપાનું એ પાનું જમીન ઉપર સરકી પડ્યું....
અપેક્ષાને ચક્કર આવી ગયા...
જાણે તેના શરીરમાંથી પણ પ્રાણ પંખેરુ ઉડી ગયા...
થોડી વારમાં ધીમંત શેઠ અપેક્ષા પાસે આવી પહોંચ્યા...
તેણે ધીમંત શેઠને પૂછ્યું કે, "કેવું છે આપણાં વંશમને તેને જલ્દીથી સારું તો થઈ જશે ને.‌.?"

ધીમંત શેઠે હકારમાં માત્ર માથું ધુણાવ્યું...
તે કંઈ બોલી શક્યા નહીં...
અપેક્ષા નિસ્તેજ અને નિષ્પ્રાણ થઈને પોતાની પથારીમાં પડી રહી હતી તેની આંખમાંથી અશ્રુધારા વહ્યે જતી હતી અને તે મનમાં ને મનમાં વિચારી રહી હતી કે....
ઈશાને આ ભવમાં તો કોઈનું કંઈ જ બગાડ્યું નથી તો પછી આ શેમ સાથે તેને આગલા કોઈ ભવની દુશ્મની હશે...??

અપેક્ષા પોતાના દુઃખને કારણે જ્યારે નાસીપાસ થઈ જતી હતી ત્યારે તેની મા લક્ષ્મી તેને પ્રેમથી સમજાવતી હતી કે, બેટા આપણાં કરેલા કર્મો આપણે ભોગવવા જ પડે છે ભગવાન રામને પણ ભોગવવા પડ્યા હતા અને વનવાસ વેઠવો પડ્યો હતો તો આપણે તો તુચ્છ મનુષ્ય છીએ... આપણે તો ભોગવવા જ પડે ને..!!
અને મારી બીજી એક વાત ધ્યાનમાં રાખજે બેટા..
અહીંનું કરેલું અહીં જ ભોગવવું પડે છે..
બીજે ક્યાંય નહીં કે કોઈ ભવમાં પણ નહીં...
અને ભગવાન લાકડી લઈને મારવા નથી આવતો બેટા...
દુઃખ પડે અને આપણું ધારેલું ન થાય ત્યારે સમજવું કે આપણાં સત્કર્મો હવે પૂરા થઈ ગયા છે અને ત્યારે ખૂબ વધારે ધર્મ ધ્યાન કરવાની શરૂઆત કરી લેવી...
ઉચ્ચ કોટિનો ધર્મ કરવાની શરૂઆત કરી લેવી અને ફરીથી પુણ્યનું ભાથું બાંધી લેવું બેટા...
બાકી આ કુદરત રાજાને પણ રંક બનાવી દે છે અને રંકને પણ રાજા બનાવી શકે છે તેમાં બેમત નથી...

અપેક્ષાના મનમાં શું ગડમથલ ચાલી રહી હતી તે અકળાયેલા ધીમંત શેઠની સમજમાં આવતું નહોતું...

તે અપેક્ષાને કંઈક પૂછી રહ્યા હતા...
પરંતુ અપેક્ષાએ જે ન્યૂઝ વાંચ્યા હતા અને જમીન ઉપર પડેલો ઈશાનનો લોહીથી લથબથ ફોટો જોયો હતો ત્યારથી જાણે તેનું મન ક્યાંક ખોવાઈ ગયું હતું...

તેનું શરીર માત્ર અહીં હતું, મન ઈશાન પાસે પહોંચી ગયું હતું... કે તું મને એકલી છોડીને ક્યાં ચાલ્યો ગયો..??

ધીમંત શેઠ અપેક્ષાની બિલકુલ લગોલગ આવીને ઊભા રહી ગયા અને તેના ખભે હાથ મૂકીને તેને પૂછવા લાગ્યા કે, "અપુ, તું ક્યાં ખોવાઈ ગઈ છે? હું તને કંઈક પૂછી રહ્યો છું...
અપેક્ષાએ પ્રશ્નાર્થ નજરે ધીમંત શેઠની સામે જોયું...
જાણે તે ઈચ્છતી હતી કે,
મને અત્યારે કોઈ જ પ્રશ્ન ન કરશો...
મને એકલી છોડી દો...
હું થોડીવાર મારી જાત સાથે રહેવા માંગુ છું...
અને ધીમંત શેઠ શું બોલી રહ્યા છે તે જાણે તેની કંઈજ સમજમાં નહોતું આવતું તેની આસપાસ બધું જ ઘૂમવા લાગ્યું હતું...
અને ધીમંત શેઠ તેને આગળ બીજું કંઈ પૂછે તે પહેલાં તો તે પોતાના પલંગ ઉપર ઢળી પડી... બેભાન અવસ્થામાં ચાલી ગઈ...

ધીમંત શેઠ તેને ઢંઢોળવા લાગ્યા અને "અપેક્ષા અપેક્ષા..." તેમ બૂમો પાડવા લાગ્યા પરંતુ અપેક્ષા બેભાન થઈ ચૂકી હતી...

ધીમંત શેઠ ડૉક્ટર સુધાબેનને બોલાવવા માટે દોડી ગયા...

ડૉક્ટર સુધાબેને આવીને તેને ચેકઅપ કરીને કહ્યું કે, કોઈ એવી વાત છે જેની તેમના દિલોદિમાગ ઉપર ગહેરી અસર પડી છે...
હું ટ્રીટમેન્ટ શરૂ કરી દઉં છું એટલે તે ભાનમાં તો આવી જશે પરંતુ હમણાં તેમની મનઃસ્થિતિ ખૂબ નાજુક મોડ ઉપર પહોંચી ગઈ છે માટે તેમને દુઃખ થાય કે તેમના હ્રદયને ઠેસ પહોંચે તેવી કોઈ વાત તમે તેમની સાથે કે તેમના દેખતા કરશો નહીં...

ધીમંત શેઠ આ બદલાયેલી પરિસ્થિતિથી થોડા ગંભીર બની ગયા અને ચિંતામાં ડૂબી ગયા...

તે સુધાબેનની કેબિનમાં ગયા અને અપેક્ષાની ભૂતકાળમાં થયેલી માનસિક પરિસ્થિતિથી તેમને વાકેફ કર્યા...

ડૉક્ટર સુધાબેને અપેક્ષાની જૂની ફાઈલ મંગાવી અને તેને જે સાયકોલોજીસ્ટની દવા ચાલતી હતી તેમનો કન્સલ્ટ કરવા માટે ધીમંત શેઠને જણાવ્યું....

ચોવીસ કલાક પસાર થઈ ગયા હતા...
તે દરમિયાન અપેક્ષાના ભાઈ અક્ષતનો ફોન લક્ષ્મી બા ઉપર આવી ગયો હતો અને તેણે ઈશાન જીવીત હતો અને શેમના માણસોથી છૂપાઈને રહેતો હતો અને અચાનક પકડાઈ જતાં તેને કાર એક્સિડન્ટ માં ઉડાડી દેવામાં આવ્યો છે....
અને આ સમાચાર પોતે ન્યૂઝ પેપરમાં વાંચ્યા છે તેમ જણાવ્યું...

ઈશાનની આ હકીકત સાંભળીને લક્ષ્મી બાને પણ જરા ચક્કર આવી ગયા અને તેમના મગજમાં પણ એક વિચાર જબૂક્યો કે તો પછી ખોળો ભરીને આવ્યા બાદ શું અપેક્ષા રાત્રે મોડા સુધી, અડધી અડધી રાત સુધી ફોન ઉપર ઈશાન સાથે વાતો કર્યા કરતી હતી...??

કદાચ એવું જ હોઈ શકે..!!
અને તો પછી તે જાણતી હતી કે ઈશાન જીવીત છે..??
અને તો પછી તે તેને મળવા માટે પણ ગઈ જ હોઈ શકે..??
હે ભગવાન...
મારી તો કંઈ જ સમજમાં નથી આવતું...
પરંતુ અપેક્ષા મારાથી કંઈ છૂપાવી રહી હોય તેમ મને ઘણાં સમયથી લાગ્યા કરતું હતું...

હવે સમજાયું કે, રાત્રે હું ઉઠીને તેના રૂમમાં તેની ખબર જોવા જતી ત્યારે તે મારા અણસારનો અવાજ સાંભળીને તેનો ફોન બંધ કરી દેતી હતી...

અને ઈશાન તેને મળ્યો જ હશે માટે જ તે ખૂબ ખુશ રહેતી હતી...

પણ તો પછી તેણે મને કે અક્ષતને કશું જણાવ્યું કેમ નહીં...??

લક્ષ્મી બા અસમંજસમાં મૂકાઈ ગયા હતા...
હકીકત શું છે તે કશું જ સ્પષ્ટ નહોતું...
પરંતુ હકીકત જો આ હશે તો તેનું પરિણામ ખૂબ ખરાબ આવશે તેનો તેમને અંદાજો હતો..
કારણ કે ઈશાન માટેનો અપેક્ષાનો પ્રેમ અનહદ છે....
અને આ વાત તે સારી રીતે જાણતાં હતાં...

એક નર્સ લક્ષ્મી બા પાસે આવીને ઉભી હતી અને જાણે તેમને ઢંઢોળી રહી હતી...
"આન્ટી, વંશમને હવે ઘણું સારું છે... તમને ડૉક્ટર સાહેબ અંદર બોલાવે છે.."
"હા આવી..." કહીને લક્ષ્મી બા ઉભા થયા અને ડૉક્ટર પરેશભાઈની કેબિનમાં પ્રવેશ્યા...
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
29/4/24