પ્રેમ સાથે સમજણ
સર્વમ સવાર થી ગિન્નાયેલો હતો, “આટલી મહત્વ ની મીટિંગ હું ભૂલી કેમ નો ગયો?” એ અંદરથી પોતાને કોશી રહ્યો હતો. હા આજે મીટિંગમાં કંપની ના સીઇઓ આવવાનાં હતાં, જે અંગે તેને ઈમેલ મળી ગયેલો, પણ કોણ જાણે કેમ ? આજે યાદ જ ના રહ્યું. સર્વમ ના ટીમ મેમ્બર્સ ને પણ આ વાતની જાણ જ નહોતી એટલે કોઈએ યાદ કરાવ્યુ જ નહીં, તેવી ફરિયાદ પણ તે પોતાના ટીમ મેમ્બર્સ કરી શકવા અસમર્થ હતો.
અચાનક આજ સવાર ના પોતાના પત્ની સાથેના સંવાદો અજય ના મન માં રમી રહ્યાં હતાં. “ સર્વજ્ઞા, તું બસ મને કહી દે, હું બધું કરી દઇશ.” અને સર્વજ્ઞા ના ચહેરા પર એક અકળ મૌન છવાઈ જતું અને સર્વજ્ઞા નો ચહેરો ઓફિસ આવ્યા બાદ પણ સર્વમની આંખ સમક્ષ કેટલીય ક્ષણો સુધી જીવંત બની જતો. સર્વજ્ઞા શું કહેવા માંગે છે! સર્વજ્ઞા શું ઈચ્છે છે! જેણે તે કળી નહોતો શકતો.
સર્વજ્ઞા ની આંખો માં વણકહેલી જવાબદારીઓ નો બોજ હતો.
સર્વજ્ઞા ના દિવસની શરૂઆત એલાર્મથી નહીં,
પરંતુ જવાબદારીઓથી થતી.
આજે દાદીની દવા પૂરી થાય છે,
આવતી કાલે દીકરીની ફી ભરવાની છેલ્લી તારીખ છે,
અને સાંજે મહેમાન પણ આવવાના છે—
આ બધું એ યાદ રાખતી, કોઈ યાદ ન અપાવે તો પણ.
એ દિવસે સાંજે મીટિંગ ના બનાવ ને લીધે આજે સર્વમ પણ શાંત હતો અને સાથે સાથે સર્વજ્ઞા પણ,
એ દિવસે સાંજે સર્વમે સહજતાથી પૂછી લીધું “ “તું કેમ આટલી ટેન્શનમાં રહે છે? બધું બરાબર છે ને? તું બસ કહી દે, હું બધું કરી આપીશ,”
આ વાક્ય સર્વજ્ઞાના દિલમાં કાંટાની જેમ ઘૂસી ગયું.
કોઈ ગુસ્સો નહીં. કોઈ રડવું નહીં.
એ ચૂપચાપ દીવાલ પરના કેલેન્ડર પાસે ગઈ.
પેન લીધી.
અને એક પછી એક તારીખો ઉપર નોંધ સર્વમ ને બતાવવા લાગી. દૂધવાળાનો હિસાબ
કામવાળીબેનનો પગાર
દીકરીની ફી
સાસુ ની આંખની તપાસ
ગેસ બિલ , છોકરાઓના પ્રોજેકટનો છેલ્લો દિવસ બધું જ માર્ક કરેલું હતું. જાણે કેલેન્ડર અચાનક બોલતું થઈ ગયું.
“સર્વમ બધું કહી દેવું અને બધું યાદ રાખવું એ પણ એક જવાબદારી જ છે. આ બધું બરાબર ચાલે,એ માટે હું દરરોજ એક અદ્રશ્ય સૂચિ લઈને ફરું છું. મને થાક શરીરનો નથી, મને થાક દરેક માટે યાદ રાખવાનો છે. મને મદદ નહીં, સર્વમ આ બાબતમાં તારો સાથ જોઈએ.” ને સર્વજ્ઞાનું અકળ મૌન આજે શબ્દો વડે ફરિયાદ કરી રહ્યું હતું.
સર્વમ આજ ની એક મીટિંગ પોતે યાદ નહોતો રાખી શક્યો અને સર્વજ્ઞા મન માં બધી જ જવાબદારીઓ ને યાદ રાખી ને સમયસર પૂરી કરી રહી હતી તે બાબત આજે તેને સમજાઈ.
સર્વજ્ઞા નો હાથ પોતાના હાથ માં લીધો અને સર્વજ્ઞા ને કપાળ પર ચૂમી ને બોલ્યો “ હવે કેટલીક બાબતો ને યાદ રાખવાની જવાબદારી મારી, તું તેને એકલી હવે નહીં વહન કરે.”
ને સાથે જ સર્વજ્ઞા નો જાણે એક ભાવનાત્મક બોજ ઓછો થયો હોય એમ એ હળવી બની.
શરૂઆત થઈ રોજ સાંજે હીંચકા પર વાતચીત ની, જેમાં આજે એકબીજા સાથે શું થયું ? કયું કામ કરી લીધું ને કયું બાકી બધું જ ચર્ચાઇ જતું, સર્વમ ને જે યાદ ના હોય એ સર્વજ્ઞા યાદ કરાવતી અને સર્વજ્ઞા ને સર્વમ, ને હસતાં ચહેરે બંને કેટલીય ક્ષણો સુધી એકબીજામાં ખોવાઈ જતાં.
સર્વમ અને સર્વજ્ઞા ના દાંપત્ય જીવનમાં પ્રેમ સાથે સમજણએ દાંપત્ય જીવન ને મધુર બનાવી દીધું.
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર
પ્રોફેસર, કમ્યૂનિટી મેડિસિન વિભાગ
જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, ગાંધીનગર