11 TASKS - 7 in Gujarati Love Stories by Niyati Kapadia Nirjhar books and stories PDF | 11 ટાસ્ક્સ - Chapter 7

Featured Books
Categories
Share

11 ટાસ્ક્સ - Chapter 7

“હેય આશુતોષ...
તારું આજનું કામ: ઓછામાં ઓછા દસ માણસોને તું ગાળ બોલીશ!
જૂના મિત્રો, ઓફિસમાં કામ કરનાર, તારી બિલ્ડિંગના માણસો, કોઈ પણ જાણીતી કે અજાણી વ્યક્તિને હળવીથી લઈને ભારેમાં ભારે ગાળ તારે બોલવાની છે.”
આજ સવારે આશુતોષ થોડો મોડો ઉઠ્યો હતો. ગઈ રાત્રે એનું મન એટલું ઉત્તેજિત હતું કે મોડે સુધી એને ઊંઘ જ નહોતી આવી. છેક સવારે ત્રણ વાગ્યા બાદ એની આંખો મીંચાઈ હતી. અલાર્મ વાગતા જ એ ઊઠી ગયો હતો ને એ બંધ કરી ફરી પાછો સૂઈ ગયો હતો. આંખ ખુલી ત્યારે ધ્યાન ગયું હતું કે પોતે રોજ કરતા વીસ મિનિટ મોડો હતો.
એ ઝડપથી બાથરૂમમાં ઘૂસ્યો હતો. બ્રશ કરી, નહાઈને એ ટુવાલ ભેર બહાર આવ્યો હતો. રસોડામાં જઈને ચા તૈયાર કરી પીધી હતી. બેડરૂમમાં આવી એણે કપડાં લેવા કબાટ ખોલ્યું ત્યાં અંદરના બધા કપડાં એની પર હલ્લો કરવા તૈયાર હોય એમ બહાર ધસી આવ્યા હતા. એણે એ બધાનું પોટલું વાળી પલંગ પર નાખ્યું હતું અને એમાંથી જ એક ઓછી કરચલી વાળો ડાર્ક ગ્રીન શર્ટ પસંદ કરી બ્લેક જીન્સ પર ચઢાવી લીધો હતો. તૈયાર થઈ ઓફિસે જતા પહેલા એણે એના ગિટારને પ્રેમથી હાથ ફેરવી કોઈ આશિક એની પ્રિયતમાને ચૂમે એટલી નજાકતથી એને એક કિસ કરી હતી.
અચાનક જ એણે ફોન હાથમાં લઈ નવા આવેલા મેસેજ ચેક કર્યા હતા. લાવણ્યાનો મેસેજ સૌથી ઉપર હતો. એણે ખૂબ જ ઉત્સુકતાથી એ મેસેજ વાંચ્યો અને હસી પડ્યો.
ઓફિસે પહોંચીને એણે પહેલું કામ લાવણ્યાને મેસેજ કરવાનું કર્યું.
“આજે મારે ઓછામાં ઓછી દસ વ્યક્તિને ગાળ બોલવી પડશે? લાઈક સિરિયસલી, મારે ગાળ બોલવી પડશે?”
મેસેજ મોકલ્યા બાદ એ કામમાં વ્યસ્ત થઈ ગયો હતો છતાં એની એક નજર ફોનની સ્ક્રીન પર જ હતી. અડધા કલાક બાદ એને સામો જવાબ મળ્યો.
“તારે હળવીથી લઈને ભારે ગાળ બોલવાની છે. એમાં શું મોટી વાત છે તું ઇચ્છે તો શરૂઆત મારાથી પણ કરી શકે છે.”
ઑફિસની એક કર્મચારી રીટા સાથે એની વાત ચાલું હતી ને ત્યારે જ ફોનની સ્ક્રીન પર મેસેજનું નોટિફિકેશન જોઈ એણે વાત અટકાવી મેસેજ ખોલ્યો હતો. ફરી એના ચહેરા પર એક સ્મિત આવી ગયું હતું.
“તને હું ગાળ ન બોલી શકું. ક્યારેય નહીં. નાની ને ક્યૂટ ગાળ પણ નહીં.”
“તારી મરજી પણ યાદ રાખજે કાલ 
સવાર સુધી તારે મારું આ કામ પૂરું કરી આપવાનું છે. ઇમાનદારીથી ગણતરી કરજે જો સહેજ પણ ચાલાકી કરી તો તને તારી લાવણ્યા ના સમ.”
“આમ વારે વારે તારે સમ આપવાની જરૂર નથી. હું ક્યારેય તારી સામે બેઈમાની કે ચાલાકી નહીં કરી શકું. કોઈકને ગાળ બોલવું મારા માટે શક્ય જ નથી એ છતાં હું જોઉં છું કે શું થઈ શકે.”
“તારા જેટલો સીધો માણસ મેં મારી જિંદગીમાં નથી જોયો. ચાલ તને એક ટીપ આપું, ગાળ દેવાની શરૂઆત કોઈક જૂના મિત્રને ફોન જોડી કરી શકાય. વિજયી ભવ!”
આશુતોષ છેલ્લે આવેલા મેસેજ તરફ જોઈ રહ્યો. એણે બધા મેસેજિસ બે વાર વાંચ્યા અને એકલો એકલો કેટલીય વાર હસી પડ્યો. રીટા કેબિનમાંથી બહાર ચાલી ગઈ હોવા છતાં ક્યારનીય આશુતોષના આ રહસ્યમય સ્મિતને જોઈ રહી હતી. એણે જઈને સ્ટાફના બીજા લોકોને પણ આ વાત કહી હતી.
રીટા એની સાથે સુહાસને લઈને આશુતોષ પાસે આવી હતી અને એ બંનેએ સહેજ હસીને પૂછ્યું, “શું વાત છે સર?"
“કોઈ ગુડ ન્યૂઝ છે?"
“તમારા લગ્ન નક્કી થઈ ગયા?"
આશુતોષે નવાઈથી પૂછ્યું, “અરે ના એવું કંઈ નથી."
“જો, જો, સુહાસ હજી સર મલકાઈ રહ્યા છે."
“સાચી વાત છે રીટા, આવી રીતે તો એ જ માણસ હસતો હોય છે જે કોઈના પ્રેમમાં પડી ગયો હોય."
“સર..." રીટાએ એની આંખો મોટી કરી કહ્યું.
“સર..." સુહાસે પણ રીટાને સાથ આપ્યો.
“શટ–અપ, શટ–અપ, યુ ફુલ્સ! એવું કંઈ નથી." આટલું કહેતા તો એ ગુસ્સે થવાની એક્ટિંગ કરતા હસી રહ્યો હતો. અચાનક એનું ધ્યાન ગયું કે એણે બે વ્યક્તિને હળવી ગાળ દીધી હતી!
એની સમાજમાં આવી ગયું. કોઈક એવા મિત્રો કે આસપાસની વ્યક્તિઓ જેમને પ્રેમથી તું’કારે બોલાવી શકાય એમને ગાળ પણ દઈ શકાય. એણે એક લિસ્ટ બનાવ્યું,
–સાલા,
–ડફોળ,
–ટોપા,
–દિયોર,
–જંગલી
–મૂરખ,
આ આશુતોષની ગાળોનું લિસ્ટ હતું. એને હિસાબે કોઈક મિત્રને આવી ગાળો બોલી શકાય. એના મનમાં પાછો સવાલ થયો, ખરેખર આવી ગાળો બોલી શકાય? ખૂબ નજીકના અને જેમની સાથે રોજ વાતો થતી હોય એવા મિત્રને ચોક્કસ બોલી શકાય. એના જીવનમાં એવા કોઈ મિત્રો છે?
એ વિચારી રહ્યો– મિત્રો તો કેટલાય છે, પણ નિયમિત વાત થતી હોય એવા મિત્રો કેટલા? સ્કૂલ સમયના મિત્રો સ્કૂલ સાથે છૂટી ગયા ને કોલેજ સમયના મિત્રો કોલેજ પછી ભાગ્યે જ મળ્યા છે. એનું સ્કૂલ અને કોલેજના મિત્રોનું એક એક વોટ્સેપ ગૃપ હતું, હજી છે પણ પોતે ક્યારેય એમાં એક્ટિવ નથી રહ્યો. એ ગ્રુપમાં પણ બને ત્યાં સુધી તો લોકો એકબીજાને જન્મદિવસ, એનીવર્સરી કે કોઈ નવીન સાહસ બાબતે શુભેચ્છા દેવા જ આવતા હતા. પોતે તો એમાં પણ ક્યારેય કશું જ નહોતો લખતો. આજે એને થયું કે એમાંથી કોઈક મિત્રને ફોન કરે અને એકદમ સહજતાથી કહે,
“ક્યાં છે સાલા?"
“ભાઈબંધો યાદ આવે છે કે નહીં ટોપા?"
“કેમ બે લપોડશંખ તું તો બહુ મોટો માણસ થઈ ગયો એટલે અમને ભૂલી ગયો, હેં?"
એણે એકલા એકલા આ વાક્યો ચાર વાર બોલીને પ્રેક્ટિસ કરી. બાકીનું બધું શક્ય હતું પણ એમાં જે એક શબ્દ નામે ગાળ આવતો હતો એ બોલતા એની જીભ થોથવાતી હતી. એકવાર તો એને થયું પણ ખરું કે લાવણ્યા ને ફોન કરી દે કે એનાથી આ નહીં થઈ શકે. મિત્રો સાથે હોવાથી, એમની સાથે પહેલાની જેમ જ સાહજિકતાથી વાતચીત કરતા રહેવાથી જીવનમાં મોજ બની રહે છે એવો સબક એ સમજી ગયો છે. એ એમની સાથે વાત કરશે પણ ગાળ બાદ કરીને...
બપોરનો લંચ બ્રેક થઈ ગયો. એણે એનું ટિફિન ખોલ્યું અને થોડુંક જમી લીધું. હવે પછી એણે એક મિટિંગમાં જવાનું હતું. એક નવા ક્લાયન્ટને મળવાનું હતું. એમાં કેટલો સમય જશે એ કહેવું મુશ્કેલ હતું. સાંજ પડતા એ ઘરે ચાલ્યો જાય પછીથી કોઈ પણ આઠ મિત્રોને ફોન કરવા વિશે વિચાર કરીશ એમ નક્કી કરી એ કામમાં વ્યસ્ત થઈ ગયો.
મોડી સાંજે એ ઘરે આવ્યો ત્યારે મનમાં થોડોક ઉકળાટ થઈ રહ્યો હતો. લાવણ્યા એ કહેલું, એના સમ દઈને કહેલું, કામ કરવાનું એ ટાળી શકે ખરો?
બીજું કંઈ પણ એ કરી શકે પણ આ ગાળ દેવાનું... એણે ફરી મન મનાવ્યું ને એક મિત્રને ફોન જોડ્યો. એણે એની સામે એક કાગળ રાખ્યો હતો જેમાં બે વાક્યો લખેલા હતા,
“ક્યાં છે સાલા?"
“ભાઈબંધો યાદ આવે છે કે નહીં ટોપા?"
એણે બસ ભાઇબંધ ફોન ઉપાડે એટલે આંખો મીચીને એ બે વાક્યો બોલી લેવાના હતા. એણે કોલેજમાં એની સાથે ભણેલા અને એક સમયે જેની સાથે ગમ્મે ત્યારે વાત થઈ શકતી હતી એવા મિત્ર આકાશને ફોન લગાડ્યો...ત્રણ રિંગ ગઈ ત્યાં સામેથી કૉલ લેવાયો,
“હેલો,"
“હાય, ક્યાં છે સાલા? ભાઈબંધો યાદ આવે છે કે નહીં ટોપા?" એકી શ્વાસે એ આ બે વાક્યો બોલી ગયો.
સામે છેડે પહેલા તો થોડીક સેકન્ડ મૌન જળવાયું પછી તરત હસીને પૂછાયું, “સોરી યાર, તારી ઓળખાણ નથી થઈ રહી, કોણ વાત કરી રહ્યું છે?"
“હું, આશુતોષ, આપણે કોલેજમાં સાથે ભણ્યા છીએ, એક જ બેન્ચ પર બેઠા છીએ, કંઈ યાદ આવ્યું કે ફોન મૂકી દઉં?"
“આશુતોષ, મારો કોલેજ ફ્રેન્ડ! ગધેડા તું હજી જીવે છે? મને તો એમ કે તારો બાપ યમરાજ આવીને લઈ ગયો તને. કેટલા તો મેસેજો ઠોક્યાં છે મેં તને. તે એકેય નો જવાબ આપવાની પણ તસ્દી લીધી છે, સાલા?" સામેથી ખડખડાટ હાસ્ય સાથે વાતો ચાલું થઈ.
આશુતોષે લગભગ પંદરેક મિનિટ વાત કરી એમાં એના ભાગે તો ફક્ત હા, ના, હમ્મ એટલું જ બોલવાનું આવેલું, બાકીનું બધું સામેથી બોલાયું હતું. એને મજા આવી. જૂના મિત્ર સાથે કોન્ટેક્ટ કરી સારું લાગ્યું પણ હવે આ જ બધું કોઈ બીજા મિત્રને ફોન કરીને પૂછવાનું એને વિચિત્ર લાગી રહ્યું હતું.
એ ઊભો થયો ને પાણી પીધું. હજી જમવા જવાને વાર હતી. એણે ફરી મન મનાવ્યું ને હવે એના સ્કૂલ સમયના એક મિત્રને ફોન જોડ્યો, જે રીતે અગાઉ વાત ચાલું કરી હતી સેમ એવું જ અહીં પણ કહ્યું,
“હાઈ સાહિલ, ક્યાં છે સાલા? ભાઈબંધો યાદ આવે છે કે નહીં ટોપા?"
“એક મિનિટ ફોન ચાલું રાખ," સામેથી કહેવાયું. થોડીક વારના મૌન પછી એણે વાત કરતા કહ્યું, “હેલો, આશુ, ભાઈ તને આજ અચાનક મારી યાદ ક્યાંથી આવી ગઈ? મજામાં તો છે ને? ઘરે મમ્મી પપ્પા સૌ મજામાં?"
આશુતોષે વિચાર્યું જ નહોતું કે સામે છેડેથી એને આટલી જલ્દી ઓળખી લેવાશે! સાહિલ અને એ સાથે સ્કૂલમાં ભણ્યા હતા. એકથી લઈને સાત ધોરણ સુધી એક જ બેન્ચ પર સાથે બેઠા હતા. એકબીજાના સ્વભાવ, આદતો વગેરેથી સારી રીતે વાકેફ હતા...
“શું થયું? આમ ધમાકેદાર એન્ટ્રી કરીને ચુપ કેમ થઈ ગયો ભાઈ? બધું ઠીક છે ને?" સાહિલે કહ્યું.
“હા, યાર બધું બરાબર છે. આજે અચાનક ફોન પર તારો નંબર જોયો ને થયું કે લાવ એક કૉલ કરું. બસ એમ જ નંબર ડાયલ થઈ ગયો."
“હું તો ઇચ્છું છું કે તું આમ જ આ નંબર ડાયલ કરતો રહે. આપણી ભાઈબંધી કંઈ આજકાલની થોડી છે, આપણે તો શું કહેવાય પેલું, લંગોટ...લંગોટિયા યાર કહેવાઈએ. માન્યું કે હવે આપણી વચ્ચે અંતર આવી ગયું છે. તું સાલા ખૂબ આગળ નીકળી ગયો ને હું આ જ નાના શહેરમાં રહી ગયો."
“તું ઠીક છે ને? તારા પરિવારમાં કોણ કોણ છે? તારા લગ્નની કંકોતરી મળી હતી પણ એ વખતે મારાથી આવી શકાયું નહોતું."
“મારા લગ્નને આઠ વરસ થયા. મારે ક્યાં કોલેજ કરવી હતી. પપ્પાની ટેલરિંગની દુકાન પર બેસી ગયો હતો. તમે બધા ભણી ગણીને તમારું કેરિયર બનાવી રહ્યા હતા ત્યારે હું મારો સંસાર વસાવી રહ્યો હતો. મારે બે દીકરી છે. બીજું કંઈ નહીં તો એમને મળવા ને તારા ભાભીના હાથની દાળઢોકળી ખાવા તું આવ મારે ત્યાં. હું પણ તો કહી શકું કે જુઓ તમારા પપ્પાનો ભાઈબંધ, મોટી એડ એજન્સીમાં કામ કરે છે. તમે ટીવીમાં જે જાહેરાતો જુઓ છો એમાંની કેટલીય એણે બનાવી છે. મારી નાની દીકરી તો જીદ કરશે કે અંકલ મને પણ એકાદ એડમાં રોલ આપો ને."
સાહિલ સાથે લગભગ અડધો કલાક વાતો ચાલી. સ્કૂલની, ટીચર્સની, બીજા મિત્રોની, જીવનની અને બીજી પણ ઘણીબધી. આશુતોષને અચાનક એવું લાગ્યું કે જાણે કેટલું બધું એની પાસે જ હોવા છતાં એ હાથે કરીને એને અવગણી રહ્યો હતો.
પછી તો એણે એવા કેટલાય મિત્રો સાથે વાત કરી. કેટલાક જીવનની દોડમાં ખૂબ આગળ નીકળી ગયા હતા, કેટલાક થોડા પાછળ રહી ગયા હતા તો કેટલાક હજી ત્યાંના ના ત્યાં જ હતા. મોટા ભાગના પરણી ગયા હતા, જીવનમાં ઠરીઠામ થઈ ગયા હતા. સૌને એક પરિવાર હતો, ઘરમાં પત્ની હતી, બાળકો હતા.
એણે ગણતરી કરી. દસ લોકોને એણે ગાળ બોલી લીધી હતી. હજી એની મિત્રસૂચિમા કેટલાય નામ હતા, એ જેને પણ ફોન કરે એ તેની સાથે વાત કરે એવા હુંફાળા સંબંધ હતા અને છતાં એને કોઈ સાથે વાત કરવાની ઇચ્છા નહોતી. એને એક ટાસ્ક મળ્યો હતો અને એ પૂરો થતા જ હવે કોઈ સાથે વાત કરવાની ઇચ્છા પણ ચાલી ગઈ હતી!
એણે લાવણ્યા ને મેસેજ કર્યો,
“ટાસ્ક પૂરો!”
તરત મેસેજ પહોંચી ગયો. ડબલ ટિક થઈ ને એ બ્લ્યુ પણ થઈ ગઈ. આશુતોષનો મેસેજ વાંચ્યા બાદ પણ સામેથી જવાબ ક્યારે આવશે એ નક્કી નહોતું. એણે ફોન ગજવામાં શેરવ્યો ને ધ પેરેડાઇઝ ભોજનાલય તરફ જવા પગ ઉપાડ્યો.
હોટલમાં ભીડ હતી. લગભગ દરેક ટેબલ ભરેલું હતું. આશુતોષને જોતા જ હોટલમાં કામ કરતો સુંદર એની પાસે આવ્યો ને કહ્યું કે, “તમે થોડીક વાર રાહ જુઓ હું હાલ જ તમારા માટે જગ્યા કરાવું છું."
એણે હકારમાં ડોકું ધુણાવ્યું અને હોટેલની બહાર મૂકેલી એક ખુરશીમાં બેસી એનો વારો આવે એની રાહ જોવા લાગ્યો. ફોનમાં એક નોટિફિકેશન આવ્યું હતું. એના અવાજ પરથી જ એને ખ્યાલ આવી ગયો કે એ લાવણ્યા નો મેસેજ હતો. એણે તરત ફોન હાથમાં લીધો ને મેસેજ ઓપન કર્યો.
“તે કોને કોને ગાળો દીધી?”
આશુતોષના ચહેરા પર એક રમતિયાળ સ્મિત ફરી વળ્યું. એણે આજે જે કંઈ બન્યું હતું એ વિશે ટૂંકમાં લખી મોકલ્યું.
“બેડા ગર્ક હો ગયા મૈયા મોરી! તને સહેજ પણ આઇડિયા આવે છે કે મેં તને બીજાને ગાળ દેવાનું કેમ કહ્યું હતું?”
“મારા જૂના ને ખોવાઈ ગયેલા મિત્રોને હું ફરી યાદ કરી શકું એટલે.”
“ના. તને ખબર છે ગાળ બોલવાથી શું ફાયદો થાય?”
“ના. મને નથી લાગતું કે એમાં કોઈ ફાયદો થાય.”
“ફાયદો થાય છે માય લવ. જો એવું ના હોત તો લોકો આટલી બધી ગાળો ના બોલતા હોત. જ્યારે તમે અકળાઈ જાઓ છો, કોઈકને એક થપ્પડ લગાવી દેવાની જોરદાર ઇચ્છા થઈ જાય છે પણ તમે એમ કરી નથી શકતા ત્યારે તમે ગાળ બોલી મનની ભડાસ બહાર કાઢો છો.
તું વિચાર કર આપણે ત્યાં એક નોર્મલ માણસ સૌથી વધારે ગાળો ક્યારે બોલતો હોય છે?”
“મને કોઈ આઇડિયા નથી.”
“ડ્રાઇવિંગ કરતી વખતે. મોટે ભાગે ગાડી ચાલવી રહ્યા હોય ત્યારે. એક માણસ ભલે ગમ્મે એટલો શાંત હોય, ટ્રાફિકના બધા જ નિયમોનું પાલન કરી રહ્યો હોય, શાંતિથી ડ્રાઇવ કરી રહ્યો હોય અને કોઈક અવળચંડો અચાનક રસ્તા વચ્ચે આવી જાય ત્યારે એના મોઢાંમાંથી શુભવચનો નીકળી જ જવાના. એ સમયે ખોટી રીતે વાહન હાંકનાર તરફ એને ગુસ્સો આવી ગયો હોય છે. પોતાની બધી જ સાવચેતી છતાં અકસ્માત થઈ જાય એવા સંજોગ ઊભા કરનાર તરફ એને ગુસ્સો આવી જાય છે અને એનો એ ગુસ્સો, એ ભડાસ, બહાર કાઢવા જ એ ગાળ બોલે છે.”
“એ જે પણ હોય, કોઈકને ગાળ દેવું મારા મતે યોગ્ય નથી જ.”
“બિલકુલ યોગ્ય નથી પણ જો એક નાનો શબ્દ બોલી લેવાથી તમારા મનનો સ્ટ્રેસ, તણાવ, હળવો થઈ જતો હોય તો એ શબ્દ બોલી લેવો જોઈએ. મેં તને આજે દસ માણસોને ગાળ બોલવાનું કહ્યું હતું. તે એ કર્યું ખરા પણ તું તારો સજ્જન સ્વભાવ કે તારી માન્યતાઓને બાજુએ મૂકીને એ ન કરી શક્યો. શરૂઆતમાં તે ભલે નાની અને ક્યૂટ કક્ષાની ગાળ બોલી પણ પછી એમાં ઉત્તરોત્તર વધારો થવો જોઈતો હતો. હું એમ નથી કહેતી કે તું કોઈને માબેન સમી ગંદી ગાળો બોલ પણ એની તીવ્રતા એટલી તો હોવી જોઈએ ને જે તારા મનમાં ભરેલો ગુસ્સો, અકળામણ બહાર ઠાલવી શકે.”
“ચલ એક વાતનો જવાબ આપ, તારા મનમાં શું ભરેલું છે?”
“મારા મનમાં? કશું જ નહીં! હું ખાલી છું, તળિયા વગરના લોટા જેવો. ખરું કહું તો હવે તો કંઈક વિચારવાનો પણ કંટાળો આવે છે.”
“તારા મનમાં ઘણુબધુ ભરેલું છે યાર. પણ તને જ એની ખબર નથી. જીવનની ભાગદોડમાં તું એટલો તો વ્યસ્ત થઈ ગયો છે કે તું એ જ ભૂલી ગયો છે કે તારે ખરેખર જોઈએ છે શું.”
“અચ્છા, અને મને કેવી રીતે ખબર પડે કે મારે મારા જીવનમાં શું જોઈએ છે? હું સારું કમાઈ લઉં છું, મન થાય એ ખાઈપી શકું છું, મન થાય ત્યાં ફરવા જઈ શકું છું, મારી પાસે ઘણા બધા મિત્રો છે, પરિવાર છે, હા હું હજી પરણ્યો નથી પણ મારા માબાપ, મારો મોટો ભાઈ, ભાભી અને બીજા અનેક સગાસંબંધી છે, બધા સાથે મારા સારા સંબંધ છે એનાથી વધારે જીવનમાં શું જોઈએ?”
“સાહેબ આપની જગ્યા થઈ ગઈ છે." સુંદરે આવીને કહ્યું.
આશુતોષ ઊભો થયો અને જઈને એને માટે ખાલી થયેલી જગ્યા પર ગોઠવાયો. આમ તો એ બે વ્યક્તિઓ માટેનું ટેબલ હતું પણ આશુતોષ એકલો બેઠો. એને માટેનું ભોજન પીરસાય ત્યાં સુધી એણે ફોન તપાસ્યો. સામેથી મેસેજ આવ્યો હતો.
“મને કેવી રીતે જાણ થાય કે મારે મારા જીવનમાં જોઈએ છે શું?"
“વાહ, આ ખૂબ જ ગહન સવાલ છે અને આનો જવાબ ત્યારે જ મળે છે જ્યારે તમારા મનમાં આ સવાલ પેદા થાય. તે જે કહ્યું એ બધું જ સાચું છે. તારી પાસે સરસ નોકરી છે, રૂપિયા છે, પરિવાર છે, મિત્રો છે અને તોય તું હાલ શું કરી રહ્યો છે?”
“હાલ હું જમી રહ્યો છું!”
“ના, હાલ તું મારી સાથે વાતો કરી રહ્યો છે. તારા ઓફિસના સ્ટાફ, તારા મિત્રો, તારા પરિવાર, તારા અંગત શોખ એ બધાથી દૂર થઈ તું મારી સાથે તારા મનની વાતો શેર કરી રહ્યો છે.”
એક પળ માટે આશુતોષ ચૂપ થઈ ગયો. સામેથી જે વાત કહેવાઈ એ ખોટી નહોતી. આખી દુનિયા એક તરફ અને લાવણ્યા સાથે વાત કરીને મળતી ખુશી એક તરફ! એની સાથે એનું કેટલું અને ક્યાં સુધી આગળ વધી શકાય એમ છે એની પણ એને ખબર નથી અને છતાં એ ઈચ્છે છે કે પોતે કોઈક ને કોઈ રીતે એની સાથે જોડાયેલો રહે.
“શું વિચારમાં પડી ગયો? હું કહું કે હાલ જ તારા મનમાં જે વિચાર ચાલી રહ્યો હતો એ મને લખી મોકલ તો તું એમ કરી શકીશ?”
“ના. એમાં છુપાવવા જેવું કશું નથી, પણ અમુક વાત એવી હોય ને જે આપણે ફક્ત આપણી પોતાની સાથે કરવી હોય. મનના એક ખૂણે એક એવું અલાયદું વિશ્વ હોય છે જ્યાં ફક્ત આપણી અને એક એવી વ્યક્તિની હાજરી હોય જે આપણા માટે દુનિયામાં સૌથી વધારે મહત્વની હોય. જેની સાથે આપણે ઇચ્છીએ તે વાત કરી શકતા હોય, મન થાય એ કહી શકતા હોઈએ, જેની સાથે વાત કરતી વખતે વિચારવું ન પડે...એ નારાજ થઈ જશે કે છોડીને ચાલી જશે.”
આશુતોષ લખતા લખતા અચાનક અટકી ગયો હતો. એણે મેસેજ તો સેન્ડ કરી દીધો પણ હવે આગળ વિચારવાની એની ક્ષમતા કે ઇચ્છા નહોતી.
“સરસ, ખૂબ સુંદર રીતે તું આગળ વધી રહ્યો છે. એક એવું વિશ્વ જ્યાં આપણી અને આપણને ગમતી વ્યક્તિની હાજરી હોય. જ્યાં એકબીજાથી કશું જ છુપાવવાનું ન હોય, જ્યાં એકબીજાથી દૂર થઈ જવાની સહેજે ફિકર ન હોય. આ કલ્પના જ કેટલી સુંદર છે પણ એવી એક વ્યક્તિ મળે છે ખરી?”
“મને એક વાતનો સૌથી વધારે કંટાળો આવે છે - ખોટી ચર્ચાઓ કરવાનો. ખોટી ચર્ચા એટલે એવી ચર્ચા જેમાંથી કોઈ નિષ્કર્ષ કે તારણ ના નીકળે. બસ બેઠા બેઠા મનના તરંગો લડાવે જાઓ, ચર્ચાને એ હદ સુધી લઈ જાઓ કે જ્યાંથી આગળ પછી કોઈ વિચારી જ ન શકે ને પછી ચર્ચાનો અંત લાવી દો.”
“એવું નથી. હાલની જ વાત કર ને. તે જે સુંદર વિશ્વની વાત કરી, તારી ગમતી વ્યક્તિની વાત કહી એવી વ્યક્તિ જો ખરેખર તને આ દુનિયામાં મળી જાય તો? એની સાથે તું આ વાસ્તવિક દુનિયામાં એ રીતે વાત કરી શકીશ જેવી રીતે તારી કાલ્પનિક દુનિયામાં કરે છે?”
“હું પ્રયત્ન ચોક્કસ કરી શકું.”
અચાનક જ આશુતોષને થયું કે એ કહી દે કે એના અલાયદા વિશ્વમાં તું જ છે લાવણ્યા! એ એક સ્ત્રી જેને એણે સૌથી અધિક ચાહી છે, જે એના દરેક વિચાર, વાણી અને વર્તનમાં વણાઈ ગઈ છે એ તું જ છે. એના શ્વાસ ધીરા પડ્યા હતા. ભોજનની થાળી હજી જેમની તેમ પડી હતી ને એની જમવાની ઇચ્છા ક્યાંક ચાલી ગઈ હતી. એના હૃદયમાંથી જાણે કશુંક વહી રહ્યું હતું અને એ ઈચ્છતો હતો કે કોઈક રીતે લાવણ્યા એના હૃદયનો એ શુધ્ધ પ્રવાહ અનુભવે. એ કેવી રીતે શક્ય બનશે એ તે નહોતો જાણતો અને ઇચ્છતો હતો કે એવું બને. એણે એક મેસેજ લખ્યો.
“ગાળો બોલવાથી ચાલું થયેલી વાતો ક્યાંની ક્યાં પહોંચી ગઈ? લાગે છે કે આપણે વિષયથી ભટકી ગયા.”
“વિષયથી ભટકી ગયા કે હવે જ વિષયને થોડીક વધારે સાચી રીતે સમજવા પ્રયત્નશીલ થયા?”
“બાપ રે! તું આટલા બધા ભારેખમ શબ્દો બોલતા ક્યાંથી શીખી ગઈ?”
“ત્યારથી જ જ્યારથી મારા અલાયદા વિશ્વમાં મને ગમતા એક પુરુષ સાથે ચર્ચા કરતા શીખી.”
ખાસ્સી વાર સુધી બંને છેડે મૌન છવાયેલું રહ્યું. આશુતોષ પાસે હવે કહેવાને કશું ન હતું પણ એની ઇચ્છા હતી કે એમની વચ્ચેની વાત ચાલું ને ચાલું રહે... એણે કશું જ ટાઈપ ન કર્યું, સામેથી પણ કોઈ મેસેજ ન આવ્યો.