“હેય આશુતોષ...
આજનું કામ:
આજે તારે વરસોથી મનમાં દબાઈને પડેલી તારી એક ઇચ્છા પૂરી કરવાની છે. એક એવી ઇચ્છા જે તું દિલથી ઇચ્છે છે કે પૂરી થાય પણ કોઈક કારણોસર તું એ માટે ક્યારેય જીદ નથી કરી શક્યો.
ગઈ કાલે તારી સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનું બાકી રહી ગયું હતું, એ આજે મોકલી રહી છું.”
“તુને મારી એન્ટ્રી યાર દિલ મેં બજી ઘંટી યાર, ટિંગ... ટીંગ...ટીંગ..."
આશુતોષના ઘરનો ડોરબેલ વાગ્યો હતો. કોઈક બારણે આવી ઊભું હતું. એ હજી તો ટુવાલ ભેર કિચનમાં ફરી રહ્યો હતો ત્યાં આ કોણ આવી ચઢ્યું એમ વિચારી એણે ઝડપથી ટીશર્ટ અને પેન્ટ ચઢાવી એક હાથે વાળ સરખા કરતા દરવાજો ખોલ્યો.
દરવાજે પૈડાવાળી મોટી બેગ સાથે લઈ એક સ્ત્રી ઊભી હતી. સાડીમાં સજ્જ એ મહિલા આશરે ત્રીએક વરસની હશે. ચહેરા અને કપડા પરથી એ નીચલા મધ્યમવર્ગની સ્ત્રી જેવી લાગી રહી.
આશુતોષ બારણું ખોલી પોતાને જોઈ રહ્યો છે એ જોઈ એ બહેને કહ્યું, “હું તર્કટ એપમાંથી આવું છું. આજે બે કલાક આ ફ્લેટની સફાઈ કરવા માટે મને બુક કરવામાં આવી છે."
“મને લાગે છે કે કોઈ ગેરસમજ થઈ રહી છે. મેં કોઈ બુકિંગ નથી કર્યું."
એ બહેને એનો ફોન આશુતોષ સામે ધરી કહ્યું, “એડ્રેસ તો આ જ છે, ફ્લેટ નંબર 504, આશુતોષભાઈ, કોઈક નીરજાબેને બુકિંગ કર્યું છે."
“એક મિનિટ," આશુતોષે પોતાનો ફોન ચેક કર્યો. રાતના નેટ બંધ કર્યું પછી સવારે ચાલુ કરવાનું ભુલાઈ ગયું હતું. જેવું એ ઓન થયું કે તરત જ લાવણ્યાનો મેસેજ દેખાયો.
“ઠીક છે અંદર આવો પણ તમે અહીં શું કામ કરશો? મારે ઓફિસ જવાનું લેટ થઈ રહ્યું છે."
એણે ફ્લેટનો દરવાજો આખો ખોલ્યો અને લાવણ્યાને કૉલ કર્યો. રિંગ પર રિંગ જઈ રહી હતી પણ સામેથી કોઈ કૉલ ઉપાડતું નહતું.
એક મેસેજ આવ્યો, લાવણ્યા ના નંબર પરથી જ આવ્યો હતો,
“મેં કહ્યું હતું ને કે તું કામ પૂરું કરે એટલે એક સરપ્રાઈઝ મળશે. આજની તારી સરપ્રાઈઝ ગિફ્ટ છે તારે ત્યાં આવેલા સફાઈ કરવાવાળા બહેન. એ આજે બે કલાક તારે ત્યાં રોકાશે અને તારો આખો ફ્લેટ સરસ રીતે સાફ કરી આપશે.”
“મારે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે એનું શું?”
“તું તારે નીકળી જા. એ બહેનની બિલકુલ ચિંતા ન કરતો. એ મારા જાણીતા છે. એમનું કામ પૂરું થયે એ ચાવી બાજુમાં આપીને જતા રહેશે. ઘરમાં કંઈ કિંમતી સામાન પડ્યો હોય તોય ચિંતા કરવા જેવું નથી.”
આશુતોષને કહેવું હતું કે ઘરમાં ચોરી કરવા જેવું તો કંઈ નથી પણ કચરો એટલો ભેગો કર્યો છે કે એને કોઈ બીજા પાસે સાફ કરાવતા પણ શરમ આવે એવું છે. એણે ટાઈપ કર્યું,
“ઠીક છે. હું ઓફિસ જવા નીકળું છું.”
એણે ઘરમાં એક નજર કરી. એ બહેન રસોડામાં પડેલા એંઠા વાસણ ભેગા કરી રહ્યા હતા. આશુતોષને યાદ નહોતું કે એ વાસણ ક્યારે બગાડ્યા હતા. એને ત્યાં જે વાસણની જરૂર પડે એને જ સાફ કરવું બાકી પડ્યું રહેવા દેવું એવો નિયમ હતો!
એ કંઈ બોલ્યા વગર ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો હતો. એ બહેન નક્કી પછી લાવણ્યા પાસે જઈ પોતે કેટલો ગંદો છે એ જણાવશે એ વાત વિચારતા એને તકલીફ થઈ રહી હતી પણ હવે એનું કંઈ થઈ શકે એમ નહોતું. લિફ્ટ આગળ જઈ ઊભા રહેતા એને યાદ આવ્યું કે એ રોજ એનું અંડરવિયર ધોઈને બાથરૂમમાં જ લટકાવી દે છે એ હજી અંદર લટકી રહ્યું હતું. એના પર પડેલા કાણા જેને એણે ક્યારેય મહત્વ નહોતું આપ્યું એ અચાનક જ જાણે એની સામે જોઈ હસી રહ્યા હતા. લાવણ્યાને આ વાતની ખબર પડશે ત્યારે...આગળ વિચારવાનું મુલતવી રાખી એ લિફ્ટમાં ઘૂસી ગયો હતો.
ઓફિસ પહોંચ્યા બાદ એને યાદ આવ્યું કે સવારની પળોજણમાં આજે લાવણ્યા મેડમે એને શું કામ સોંપ્યું છે એ જોવાનું તો રહી જ ગયું. એણે ફોન હાથમાં લઈ વોટ્સેપ ચેક કર્યું. લાવણ્યાનો મેસેજ એના રોજિંદા સમયે આવી ગયો હતો. એને થયું કે ખરી છે આ છોકરી પણ, એ શું સવારમાં ઊઠતા વેંત મને યાદ કરીને સ્પેશિયલ મારા માટે જ અવનવું વિચારતી હશે. મને ખુશ કરવા પાછળ એને આટલી મહેનત કરવાની જરૂર શી પડે? શું એ પણ મને ચાહતી હશે પણ કહી નહીં શકતી હોય? મારામાં એવું કંઈક છે ખરું કે લાવણ્યા જેવી છોકરી મને પસંદ કરે?
એણે સવારે આવેલો લાવણ્યાનો મેસેજ વાંચ્યો. આજે એણે એની કોઈ એક વરસોથી મનમાં દબાવી રાખેલી ઈચ્છા પૂરી કરવાની હતી. એને હસવું આવી ગયું. વરસોથી મનમાં દબાવી રાખેલી જે પહેલી ઇચ્છા યાદ આવી એ હતી લાવણ્યા ને ‘આઈ લવ યુ’ કહેવાની. એ સારી રીતે જાણતો હતો કે એનામાં આ હિંમત ક્યારેય નહીં આવે. હા, એ સામેથી એવું કંઇ કહે તો પોતે કોઈ કાળે એને ના નહી કહે, ના કહી જ ન શકે, પણ સામેથી કહેવાની એની તૈયારી નહતી.
એ એના કામમાં વ્યસ્ત હતો. સહેજ પણ ગાફેલ રહ્યા વગર એ એનું કામ કરી રહ્યો હતો અને છતાં એના બેક ઓફ માઈન્ડમાં લાવણ્યાએ આપેલો આજનો ટાસ્ક વારે વારે યાદ આવી રહ્યો હતો. અજાણતા જ પણ એ એને વિશે વિચાર કરી રહ્યો હતો. આજે એને ગઈ કાલ જેવું નહોતું કરવું. એને મનથી એવું લાગી રહ્યું હતું કે ગઈ કાલનો ટાસ્ક એણે બરાબર રીતે પૂરો નહોતો કર્યો. રાતના લાવણ્યા સાથે જે કંઈ ચર્ચા થઈ એના પરથી એને થોડું થોડું સમજાતું હતું કે એ છોકરી એની પાસેથી આ બધા કામ કરાવી શું ઈચ્છતી હતી. એ પોતે ઈચ્છતો હતો કે લાવણ્યા એની હજી વધારે કસોટી લે અને એ તે દરેક કસોટીમાં એ પાર ઉતરે.
આખો દિવસ ખૂબ કામમાં ગયો. એની પાસે પછી તો કંઈ પણ વિચારવા માટેય સમય નહોતો બચ્યો. સાંજે એ ઘરે આવવા નીકળ્યો ત્યારે એના મગજમાં સવારે મળેલા ટાસ્ક બાબત જ વિચાર ચાલું હતા. એવું તો ઘણું બધું હતું જે એની ખૂબ ઇચ્છા હોવા છતાં પૂરું નહોતું થઈ શક્યું. અજાણતા જ એના મગજમાં એક લિસ્ટ તૈયાર થવા લાગ્યું હતું,
1. ક્રિકેટ. એની ઇચ્છા હતી કે એકવાર મેદાનમાં જઈને એ ભારતીય ક્રિકેટ ટીમને રમતી જુએ. બાળપણમાં એની પાસે ટિકિટ ખરીદવાના રૂપિયા નહોતા આજે રૂપિયા આવ્યા ત્યાં સમય અને ઈચ્છા ઓછા પડતા હતા.
2. એ ક્યારેય કોઈ પાર્ટીમાં જઈને નાચ્યો નહોતો. બીજા લોકોને મજા કરતા જોઈ એની પણ ઇચ્છા થતી પણ એ ક્યારેય એ ઇચ્છા પર અમલ નહોતો કરી શક્યો.
3. એને એના અમુક વાળમાં સોનેરી રંગ કરવો હતો પણ લોકો આગળ એ કાર્ટૂન જેવો દેખાશે તો એમ વિચારી એણે એ ઇચ્છાને પણ મનમાં જ દબાવી રાખી હતી.
4. એકવાર એને સવારનાં દારૂ પીને ટલ્લી થવું હતું ને ઓફિસમાં મનફાવે એમ બફાટ કરવો હતો.
એ ઘરે આવ્યો ત્યારે એના બાજુના ફ્લેટમાં રહેતા બહેન બહાર જ ઊભા હતા. એણે આશુતોષને એના ફ્લેટની ચાવી આપતા કહ્યું, “આ કામવાળા બહેન તમે ક્યાંથી શોધી લાવ્યા? એ મારા ઘરે પણ કામ કરવા આવી શકે?
“એ રોજ કામ કરવા નથી આવવાના. છતાં હું પૂછીને જાણ કરીશ." એણે ટૂંકમાં પતાવ્યું ને એ બહેન બીજો કોઈ સવાલ પૂછે એ પહેલા એણે એના ફ્લેટમાં દાખલ થઈ દરવાજો અંદરથી બંધ કરી દીધો.
અંદર જતા જ એની આંખો પહોળી થઈ ગઈ! એકવાર તો એને થયું કે એ ભૂલથી કોઈક બીજાના ફ્લેટમાં તો નથી આવી ચઢ્યો? એના નાનકડા બેઠકખંડમાં એક પણ કપડું કે નક્કામા કાગળ, છાપા વગેરે સોફા કે નાનકડી ટીપોય પર નહોતા પડ્યા. એ રસોડામાં ગયો. એ પણ ચોખ્ખું ચણાંક. બધા વાસણ ધોઈને એની જગ્યાએ ગોઠવાયેલા હતા. સૌથી વધારે નવાઈ તો એને એના બેડરૂમમાં આવેલું કબાટ ખોલતા થઈ. રોજ કબાટ ખોલતા જ જે કપડાંનો મોટો ગોળો એની પર ધસી આવતો હતો એ અત્યારે ઈસ્ત્રી કરીને વ્યવસ્થિત ગોઠવાઈને મુકાયેલ હતો. અહીં રહેવા આવ્યા બાદ પહેલીવાર એને લાગ્યું કે કબાટમાં કપડાં કરતા જગ્યા વધુ છે.
એના અમુક મેલા કપડાં ધોવાઈ ગયા હતા ને એ તડકે સુકાયા બાદ વાળીને અંદર મુકાયા હતા. આજના જમાનામાં આવું કામ કરી આપનાર કામવાળા બહેન ભાગ્યે જ મળે. એને વિચાર આવ્યો કે આ બહેન અહીં કેટલા કલાક રોકાયા હશે ને એમની પાછળ લાવણ્યા એ કેટલા રૂપિયા ખર્ચ કર્યા હશે? અરે એણે ગિટાર પણ ગિફ્ટ આપેલું...ના. આ વસ્તું ખોટી છે. મારે એને કહેવું પડશે કે હવેથી મારી પાછળ કોઈ ખર્ચ ન કરે.
એણે તરત મેસેજ કર્યો,
“તે મોકલેલ કામવાળા બહેન તો જોરદાર નીકળ્યા. મારા ફ્લેટની તો શકલ જ બદલાઈ ગઈ છે. થૅન્ક યુ સો મચ. મારે એમને કેટલા રૂપિયા ચૂકવવાના છે?”
એણે થોડીવાર રાહ જોઈ. સિંગલની ડબલ ટિક થઇ મતલબ કે એનો મેસેજ પહોંચી ગયો હતો. ફોન ચાર્જિંગમાં મૂકી એ બેડરૂમમાં ગયો અને કપડાં બદલ્યા ત્યાં સુધી લાવણ્યાનો મેસેજ આવી ગયો હતો.
એણે એક QR કોડ મોકલ્યો હતો. જેમાં આશુતોષે 700 રૂપિયા મોકલવાના હતા. એણે તરત જ એ મોકલી આપ્યા.
સામેથી બીજો મેસેજ આવ્યો,
“આજનું કામ પૂરું કર્યું?”
“ના. એક લિસ્ટ મનમાં રેડી છે પણ હાલ ને હાલ એ પૂરું થઈ શકે એવું નથી.”
“તું તો સાવ ડોબો ને ડોબો રહેવાનો! એક માણસના જીવનમાં એની હરેક ઇચ્છા આજે જ પૂરી થઈ જ જાય એવું શક્ય છે ભલા? વરસોથી જે ના થઈ શક્યું હોય પણ આજે તું ધારે તો પૂરી થઈ શકે એમ હોય એવી કોઈ એક ઇચ્છા વિશે વિચાર...”
આશુતોષ વિચારી રહ્યો, આ છોકરી એની પાસે શું કરાવવા ઈચ્છે છે? ક્યાંક એ એવું તો નથી ઇચ્છતી ને કે પોતે એને પ્રપોઝ કરે કે આઈ લવ યુ કહે? એના આખા શરીરે આછી ધ્રુજારી આવી ગઈ. એના શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યા. એને લાગ્યું જાણે વોટ્સેપમાંના ઓનલાઈન હાજરીની ચાડી ખાતા લીલા ટપકામાંથી લાવણ્યા એની સામે જ જોઈ રહી છે, એનો મોબાઈલ પકડેલો હાથ ધ્રુજી રહ્યો.
એને પોતાની જાત પર જ ગુસ્સો આવી રહ્યો. શા માટે એ સાવ આવો વેદિયો હતો? કેમ એનામાં સહેજે હિંમત નહોતી? જે છોકરીને એ વરસોથી દિલોજાનથી ચાહે છે, જેને શ્વાસ લેવા કરતાય વધારે સમય યાદ કરી છે, જેને હર ક્ષણ પોતાના જીવનમાં ઝંખી છે એ સામેથી એને આટલો પ્રોત્સાહિત કરી રહી છે ત્યારે પોતે સાવ બાઘો બની કેમ બેસી રહી શકે! એક મેસેજ જ તો કરવાનો છે. એક નાનકડું વાક્ય, આઈ લવ યુ, શું આટલું લખી દેવું એટલું બધું મુશ્કેલ છે કે એનાથી થઈ જ ના શકે?
“શું વિચારમાં પડી ગયો? અરે, તારા માબાપને યાદ કર. તારા ભાઈભાભીને યાદ કર. વરસોથી તું એકલો આ શહેરમાં રહે છે. છેલ્લા કેટલા મહિનાથી તારી એમની સાથેની વાતચીત બંધ છે. તહેવારે પણ તું ભાગ્યે જ એમને મળે છે, એવું કેમ છે? તું એવો તો કેવો વ્યસ્ત રહે છે કે પરિવારના એક પણ સભ્ય સાથે વાત તક નથી કરતો. કશુંક તો બન્યું છે, રાઇટ? ક્યાંક તારી લાગણી ઘવાઈ છે, ક્યાંક એમને પણ ખોટું લાગ્યું હશે. શું તું આજે મારા કહેવા પર એ ઘવાયેલી લાગણી પર મલમ ન લગાડી શકે?”
આશુતોષે નવો આવેલો મેસેજ વાંચ્યો ને ઘડીક પહેલાના પોતાના વિચાર પર એને હતાશા થઈ આવી. સારું થયું કે એણે સામેથી કંઈ લખ્યું નહોતું. કદાચ એવું બને કે એ છોકરી મારા મનની મૂંઝવણ પામી ગઈ હોય અને એટલે જ એણે વાત બદલી લીધી?
ખેર, એ જે પણ હોય લાવણ્યાએ કહ્યું છે તો હું મારા મમ્મીપપ્પા ને મોટાભાઈ સાથે આજે વાત કરીશ. એણે લાવણ્યાને મેસેજ મોકલ્યો,
“છેલ્લા લગભગ વરસથી મેં એમની સાથે વાત નથી કરી. એક નાનકડી વાતે અમારી વચ્ચે...પણ હું આજે એમને કૉલ કરીશ.”
“સરસ. થોડીકવાર શાંતિથી બેસ. પાણી પી, ફ્રેશ થઈ આવ, ને આરામથી બધા સાથે વાત કર.”
એણે બે થમ્સ–અપ મોકલ્યા.
આશુતોષે ફોન મૂક્યો ને સોફામાં બેસી પડ્યો. એની નજર આગળ એની મમ્મીનો હેતાળ ચહેરો આવી ગયો. પછી એનો મોટો ભાઈ ને છેલ્લે એના પપ્પા!
આશુતોષ ઘરમાં બીજા નંબરનું અને સૌથી નાનું સંતાન હોવાથી બધાનો ખૂબ લાડકો હતો. બાળસહ જીદ કરવી, તોફાન કરવું, મોટાભાઈને પજવવું વગેરે એનો સ્વભાવ બની ગયું હતું. જ્યાં સુધી ઘરમાં મમ્મી અને મોટા ભાઈ હાજર હોય એને માટે કોઈ જાતની ચિંતા નહોતી રહેતી. બધું જ એ લોકો સંભાળી લેતા. માથે કોઈ પણ જવાબદારી લીધા વગરનું જીવવાનું એને માફક આવી ગયું હતું.
એના પપ્પાની ગાંધીનગરમાં બદલી થઈ પછી એમને થોડી તંગી વેઠવી પડતી હતી. આ શહેરમાં રહેવાની મજા આવી રહી હતી પણ એ થોડું મોંઘુ હતું ઉપરાંત એકલા એના પપ્પાના પગાર પર જ આખો પરિવાર નભતો. એ સમયે આશુતોષને પહેલીવાર અહેસાસ થયેલો કે પોતે બીજા લોકો કરતા ગરીબ છે!
એની પાસે ત્યારે એક સાયકલ પણ નહતી. એ રોજ સવારે બસમાં બેસી સ્કૂલ જતો. એના બધા ભાઈબંધો સાયકલ ચલાવી વટથી આવતા જ્યારે એ એકલો બસમાં આવતો. એ જોતો કે ઘણીવાર લાવણ્યાની ગાડી એની બસની સાથે સાથે ચાલતી અને પછી મોકો મળતા જ આગળ નીકળી જતી. એને એ વખતે જ ખ્યાલ આવી ગયો હતો કે એ છોકરી સાથે ચાલવા માટે એણે બસ છોડી ગાડીવાળા થવું પડશે. એની હાલત તો એક સાયકલ ખરીદવા જેવી પણ નહોતી. એના ક્લાસમાં કેટલાય એવા છોકરા હતા જેમના પિતા કોઈ ઉચ્ચ સરકારી હોદ્દા પર હોય કે પછી બિઝનેસમેન હોય. એ લોકોની વાત જ નિરાળી હતી. એમની સ્કૂલબેગ, મોંઘી સાયકલો કે વાહનો, બ્રાન્ડેડ કપડાં વગેરે જોઈ આશુતોષને થતું કે એના પપ્પાએ જીવનમાં કંઈ ઉકાળ્યું નથી એટલે જ એમણે આમ ગરીબાઈમાં જીવવું પડે છે.
એનો મોટો ભાઈ અનુરાગ ભણવામાં પહેલથી હોશિયાર હતો. એ આશુતોષને પણ સમજાવતો કે ભવિષ્યમાં જો તારા છોકરાઓને કારમાં સ્કૂલ મોકલવા હોય તો અત્યારથી જ મહેનત કરવી પડશે. સારું ભણ અને કાંઈક કરી દેખાડ તો આગળની જિંદગી જલસાથી વીતશે. એને ભાઈની વાત સમજાતી હતી પણ ભણવામાં એનું મન ચોંટતું નહતું. એની નજર આગળ એના પપ્પાનું ઉદાહરણ હતું. જે ભણવામાં અવ્વલ હતા. ખૂબ ઊંચી ટકાવારી સાથે એમણે સ્કૂલ કોલેજ પાસ કર્યા હતા ને પછી સરકારી નોકરી મળતા એમાં ગોઠવાઈ ગયા હતા. એમની જીવનમાં આગળ વધવાની ભૂખ એક નાની સરકારી નોકરી મળતા જ ઠરી ગઈ હતી. એણે કદાચ એટલે જ પહેલેથી મનમાં નક્કી કર્યું હતું કે પોતે સરકારી નોકરી સ્વીકારી પપ્પાની જેમ આજીવન એક ક્લાર્ક નહીં બની રહે. આશુતોષને ટીવી જોવું ગમતું ને એમાંય સીરિયલ કરતા વચ્ચે આવતી જાહેરાતો જોવામાં એને સૌથી વધારે રસ પડતો. કેટલીય જાહેરાત એને મોઢે યાદ હતી. ટીવીમાં કોઈ જાહેરાત ચાલી રહી હોય ત્યારે એ પણ મોટેથી એનું જિંગલ ગાતો હોય કે ડાયલોગ બોલતો હોય એ એના ઘરના લોકો માટે આમ વાત હતી.
કોમર્સમાં સ્નાતક થયા બાદ એનાં ભાઈનું કહેવું હતું કે આશુ તું એમબીએ કર અને બેન્કની એક્ઝામ આપ, એમાં જ ભવિષ્ય છે. એના પપ્પાનું કહેવું હતું કે જીપીએસસી આપ અને સરકારી અધિકારી બની જા પછી ક્યારેય જીવનમાં પાછળ વળીને જોવું નહિ પડે. એની મમ્મી કહેતી કે છોકરીઓ જોવાનું ચાલું કરી દઈએ...
આશુતોષના મોટા ભાઈએ બેંકની પરીક્ષા આપી હતી અને એ ઑફિસર તરીકે એમાં જોડાઈ ગયો હતો. માબાપે બતાવેલી છોકરી સાથે લગ્ન કરીને એ ગોઠવાઈ ગયો હતો ને બે વરસમાં એક બાળકનો પિતા પણ બની ગયેલો. આશુ હજી ઘરમાં બેઠો હતો. એને ખબર જ નહોતી પડી રહી કે આગળ કરવું શું? એને ના હવે ભણવામાં રસ હતો ના કોઈ 9 થી 5 ની જોબ કરવામાં. લગ્ન પણ એને ત્યારે જ કરવા હતા જ્યારે એનું દિલ કહે કે આ જ એ છોકરી છે જેની સાથે તું આખી જિંદગી પસાર કરવા ઇચ્છે છે.
ઘરમાં પપ્પાનું પેન્શન આવતું હતું. મોટો ભાઈ અનુરાગ સારું કમાઈ લેતો હતો એટલે ઘરમાં હવે રૂપિયાને લઈને કોઈ ખેંચ કે તંગી નહોતી પણ એની ભાભીને દિયરને કામકાજ વગર બેસી રહેલો જોઈ ટેન્શન થઈ આવતું! વાતે વાતે એ કહ્યા કરતી કે આશુભાઈએ પણ હવે ક્યાંક નોકરી શોધી લેવી જોઈએ.
આશુતોષને એની ભાભી ગરિમાનું વર્તન ક્યારેય સમજાયું નહોતું. એ જોતો હતો કે જ્યારે એનો ભાઈ ઘરમાં હાજર હોય ત્યારે ભાભીની જીભ પર ગોળનો ગાંગડો મૂક્યો એટલા મીઠા શબ્દો આવતા અને જેવો ભાઈ ઘરની બહાર નીકળે કે તરત ભાભીની જીભ કારેલા કરતાય કડવી બની જતી. બપોરે આશુતોષ ટીવી જોતો સોફામાં બેઠો હોય ત્યારે જ ગરિમા આવતી ને ઘરકામ કરતા થાકી ગઈ એવી બૂમો પાડવા લાગતી. એ કોઈ ને કોઈ બહાને આશુતોષના હાથમાંથી રિમોટ પડાવી લેતી ને પછી ચેનલ બદલી એને ગમતી ટીવી સીરિયલ ચાલું કરી બેસી જતી. આટલેથી જો એ અટકી જતી હોય તોય આશુતોષ ચલાવી લેત પણ પછી સિરિયલ જોતા જોતા એની લવારી ચાલું થઈ જતી,
“આ જુઓ મોટો ભાઈ કમાય છે એટલે નાનાને જલસા!"
આશુતોષ એમની સામે જોતો કે એ તરત હસીને કહેતા, “આ તો સીરિયલની વાત છે, તમને નથી કહ્યું."
થોડીક વાર રહીને ફરી કહેતી, “કંઈ કામધંધો કરવો નહીં ને ખાવાનું દિવસમાં ચાર વાર જોઈએ."
આશુતોષ એના હાથમાં પકડેલું ચીપ્સનું પેકેટ જોઈ રહેતો અને ગરિમા બીજા કોઈ ટોપિક પર વાત ચાલું કરી દેતી.
આશુતોષને સારી રીતે સમજાતું હતું કે ગરિમાને ક્યાં પેટમાં દુઃખે છે પણ એ તેની ભાભી હતી અને પોતે એના મોટાભાઈને એટલો પ્રેમ કરતો હતો કે આવી નાની નાની વાતો એમાં ક્યાંય આવતી જ નહોતી. એવું પણ નહોતું કે આશુતોષ સાવ નવરો બેસી રહેતો હોય. એની ઇચ્છા કંઈક અલગ કરવાની હતી, એને બાળપણથી જ ટીવીમાં આવતી જાહેરાતો જોવાનું ગમતું હતું અને એનો વિચાર હતો કે એ પણ એમાં જ જોડાઈ જાય. એણે એક બે જગ્યાએ ફિલ્મ મેકિંગ કોર્સ શીખવા એપ્લાય કર્યું હતું. મુંબઈની અમુક જાણીતી એડ એજન્સીમાં પણ એ જોબ કે ઇન્ટરશીપ માટે પ્રયત્ન કરી રહ્યો હતો.
ગરિમા લાગ મળતા જ એના સાસુ–સસરાના કાનમાં પણ આશુતોષ વિશે કંઈક ને કંઈ વાત નાંખ્યા કરતી હતી જેને પરિણામે હવે એ લોકો પણ આશુતોષને ક્યાંક આછીપાતળી નોકરી શોધી લેવાનું કહેવા લાગ્યા હતા.
ઘરના કલેહથી કંટાળીને અથવા કહો કે ઘરમાં શાંતિ જળવાઈ રહે એ હેતુથી જ પછી એણે બપોરે ઘરમાં રહેવાનું ઓછું કરી દીધું હતું.સવારે જેવો અનુરાગ નોકરીએ જવા ઘરની બહાર નીકળતો એની પાછળ જ આશુતોષ પણ નીકળી જતો. ગાંધીનગર–અમદાવાદમાં એ ફિલ્મ બનાવતા લોકો સાથે સંપર્ક સાધી રહ્યો હતો અને જ્યાં પણ એને એમાં કોઈ સારું ગ્રુપ મળ્યું સૌએ એને એક જ વાત કહી – તારા સપના પૂરા કરવા હોય તો મુંબઈ ચાલ્યો જા. અહીંયા તારું ટેલેન્ટ વેડફાઈ જશે...
આશુતોષે એકવાર ખાલી વાત કરી હતી કે એને મુંબઈ જવું છે ને તરત જ ઘરમાંથી સૌની ના આવી ગઈ હતી. બધાને લાગતું હતું કે આ ત્યાં જઈ કંઈ કરવાનો નથી ને ઊલટાનો જે ખર્ચો આવશે એ પૂરો કરતા નાકે દમ આવી જશે. આશુતોષને સારી રીતે સમજાતું હતું કે આ બધી ચઢમણી એની ભાભી ગરિમાની છે પણ એ ચૂપ રહેલો. એવામાં જ એનું ધ્યાન ગયું કે ઘરના મોટાભાગના કામ એની મમ્મી કરી રહી હતી. પહેલા ટીવી સીરિયલ જોતા ગરિમા જે ટોણા મારતી એ આશુતોષને કેન્દ્રમાં રાખીને આવતા, હવે એ કેન્દ્રસ્થાન બદલાયું હતું. આશુતોષની જગ્યાએ હવે ગરિમા એની સાસુને હેરાન કરી રહી હતી.
મહિનાના ચાર રવિવાર બાદ કરતા બાકીના પચીસ દિવસ એની તબિયત ખરાબ રહેતી. એના શરીરમાં કોઈક એવી વ્યાધિ હતી જે એને ઘરકામ કરતી વખતે જ નડતી હતી. એ જો હાથમાં સાવરણી લઈ કચરો કાઢે તો એની કમર લચકાઈ જતી, બહાર આંગણું વાળે તો એના નાકમાં ધૂળ ભરાઈ જતી અને એને શ્વાસ લેવામાં તકલીફ થતી. એને સાબુની એલર્જી હતી એટલે વાસણ કે કપડાં ધોવાનું તો એને માટે શક્ય જ નહોતું. એનાથી બે વ્યક્તિ જેટલો જ લોટ બાંધી શકાતો, વધારે લોટ બાંધતા એને ફાવતું નહોતું એટલે એ દરેક કામ એણે સાસુ માટે જ રિઝર્વ કરી રાખ્યું હતું. રોટલી વણવામાં એની ગજબની કારીગરી હતી. સવાર અનુરાગ માટે એકદમ પાતળીને પ્રમાણસર ઘી વાળી રોટલી બનતી. ત્યાર બાદ સસરા માટે મધ્યમ કદની ને નામ પૂરતા ઘી વાળી રોટલી બનતી, એમાં એનું કહેવું હતું કે પપ્પાએ હવે આ ઉંમરે કોલેસ્ટ્રોલ ના વધી જાય એનું ધ્યાન રાખવું જોઈએ. આશુતોષની રોટલી સૌથી જાડી વણાતી અને એમાં જ ઘી લગાડવાનું ભુલાઈ જતું. એ એને પોતાને માટે ઘીમાં શેકેલા પરાઠા બનાવતી. એને રોટલી ઓછી ભાવતી ને મમ્મીની રોટલી વણવાનો વારો આવે ત્યાં સુધી તો એ એટલી થાકી જતી કે મમ્મીની બે રોટલી જેટલો લોટ એ બાકી રાખી દેતી. જ્યારે મમ્મી જમવા બેસતા ત્યારે એમની બે રોટલી એ જાતે વણી લેતા.
એમના ઘરમાં બધાનો જમવાનો સમય અલગ અલગ હતો, સૌથી પહેલા અનુરાગ જમતો, પછી એના પપ્પા, પછીથી સાસુ વહુ ને સૌથી છેલ્લે આશુતોષ. હવે બનતું એવું કે આશુતોષ બપોરે ઘરે જમવા આવતો ત્યારે રસોઈની શકલ બદલાઈ ગઈ હોતી. દાળમાં પાણીની માત્રા વધી જતી તો શાકમાં મરચું–મીઠું વધારેઓછું થઈ જતું. એ ફરિયાદ કરે તોય કોઈ સાંભળવા વાળું નહોતું, એમની થાળીમાં એ વાનગી આવી ત્યારે એમાં બધા જ મસાલા પ્રમાણસર હતા!
આશુતોષ જોતો કે ધીરે ધીરે ગરિમાની ચાલાકી એની મમ્મીને સમજાઈ રહી હતી પણ સ્વભાવે એકદમ ભીરુ હોવાને લીધે એ કશું જ બોલી નહોતી શકતી. અનુરાગ આગળ ગરિમા એટલી ભલી ઔરત બની રહેતી કે એને કંઈ કહેવાનો મતલબ જ નહોતો. આશુએ જ્યારે પણ એની મમ્મીનો પક્ષ લઈ ભાભીને ટોકી ત્યારે ઘરમાં મોટો ઝઘડો થયો હતો અને દોષનો ટોપલો આશુતોષને માથે જ આવેલો. આખરે એની મમ્મીએ પણ એને છેલ્લી ચેતવણી રૂપે કહી દીધું હતું, “જો આશુ બે કામ વધારાના કરવા પડે તો હું કરી લઈશ. મને એમાં કોઈ વાંધો નથી પણ રોજ રોજ ઘરમાં ઝઘડા થાય, લોકો આપણા ઘરની વાતો કરે એ મને નહીં ગમે. તું હવે પછી ગરિમા અને મારી વચ્ચે કંઈ ના બોલતો. મને એના પ્રત્યે કોઈ ફરિયાદ નથી."
આશુતોષને લાગી આવ્યું હતું. એનો પોતાનો આખો પરિવાર હવે એને છોડીને ગરિમાને પક્ષે બોલવા લાગ્યો હતો. એ જો ખરેખર પક્ષ લેવા જેવી સ્ત્રી હોત તો આશુતોષને કોઈ વાંધો નહોતો પણ એ સારી રીતે જાણતો હતો કે ગરિમા જેવી સ્ત્રી ક્યારેય સુધરવાની નથી. જે વર્તન એ આજે આશુતોષ સાથે કરી રહી હતી એવું જ પછીથી એની મમ્મી સાથે ને પછીથી એના પપ્પા ને અનુરાગ સાથે થવાનું હતું. જે વાત એને સમજાઈ ગઈ હતી એ એના પરિવારના લોકોને ક્યાં તો દેખાતી જ નહોતી કે એ લોકો એને જોવા, સમજવા જ નહોતા માંગતા.
એવામાં જ આશુતોષ માટે એક એડ એજન્સીમાંથી ઈન્ટરશીપ માટેનો કૉલ આવ્યો હતો અને ત્યારથી એ બોરિયા બિસ્તરા બાંધી નીકળી પડ્યો હતો સપનાની નગરી મુંબઈ ભણી...
શરૂઆતમાં તકલીફ પડેલી પણ એણે નક્કી કરેલું કે ઘરેથી કોઈ મદદ નહીં માંગે. ત્રણ જણા વચ્ચે એક રૂમ રેન્ટ પર રાખી રહેવાથી ચાલું થયેલી સફર ખૂબ ધીરી ગતિએ પણ ફળી હતી. ધીમે ધીમે એનું કામ બોલવા લાગ્યું હતું. એના જાહેરાત માટેના અવનવા આઇડિયા સૌને પસંદ આવ્યા હતા. નાના મોટા સૌને આશુતોષે લખેલા જિંગલ કે ટેગ લાઇન પસંદ આવતા. સફળતાની સીડી એ ધીમી પણ મક્કમ ગતિએ ચઢી રહ્યો હતો. આમ જુઓ તો એ એક સફળ યુવાન હતો. સાત વરસ એણે રાતદિવસ જોયા વગર મહેનત કરી હતી. આજે એની પાસે મુંબઈમાં એનો પોતાનો વન બીએચકે ફ્લેટ હતો. થોડુંક બેંક બેલેન્સ હતું. માર્કેટમાં એનું નામ હતું ને એ ધારે ત્યારે એની પોતાની એડ એજન્સી ઊભી કરી શકે એટલી આવડત અને કોન્ટેક્ટ્સ હતા. ઘરપરિવાર સાથે એનો સંબંધ સાવ છૂટી ગયો એવું પણ નહોતું. ઊલટાનો એમાં તો એક અણધાર્યો બદલાવ આવ્યો હતો.
હવે ગરિમા માટે આશુતોષ એક એવો દિયર હતો જેની કાબેલિયત એણે એને જોતા જ પારખી લીધી હતી. એણે જ દિયરને મુંબઈ જઈ પોતાના સપના પૂરા કરવા સમજાવ્યો હતો એવું એ સૌને કહેતી. એની હવે એક જ ઇચ્છા હતી, પોતાના હોનહાર દિયરને રંગેચંગે પરણાવવાની અને એને માટે એણે એક છોકરી પણ શોધી રાખી હતી. એના જ મામાની એકની એક લાડકી દીકરી જે સોશ્યલ મીડિયામાં રીલ બનાવી થોડીક ફેમસ થઈ હતી એને આશુતોષ ગમી ગયો હતો. એ લોકોએ સામેથી ગરિમાને કહ્યું હતું કે તું શૈલીની વાત તારા દિયર સાથે ચલાવ ને ગરિમાને પણ આ સંબંધ સામે કોઈ વાંધો નહોતો. મુંબઈથી આશુતોષ કોઈ અભિનેત્રીને પરણી લાવે એના કરતા પોતાની બહેન દેરાણી તરીકે આવે તો એનું આ પરિવાર પરનું એકહથ્થુ સામ્રાજ્ય જળવાઈ રહે એવું કદાચ એનું વિચારવું હતું.
એક દિવાળીએ એમણે આશુતોષને ઘરે તેડાવ્યો હતો. ખૂબ આગતાસ્વાગતા સાથે એની ઓળખાણ શૈલી સાથે કરાવી હતી અને એ જ ઘડીથી શૈલીએ આશુતોષને પોતાનો કરી લેવા પ્રયત્નો ચાલું કરી દીધા હતા. આશુતોષને શૈલીમાં સહેજ પણ રસ નહોતો. એણે એને કહ્યું પણ હતું કે પોતાની હાલ લગ્ન કરવાની ઇચ્છા નથી પણ શૈલી જેનું નામ. એણે એકવાર આશુતોષને ચોખ્ખું કહ્યું હતું કે મને પણ તારા કરતા વધારે મારા કેરિયરમાં રસ છે. તું મને તારા કોન્ટેક્સ આપ, મને એક બે મોટી જાહેરાતમાં અભિનય કરવાની તક અપાવ, મારે માટે મુંબઈના દરવાજા ખોલી આપ બસ એટલું જ.
આશુતોષે એ પોતાની ભાભીની બહેન છે એ સંબંધ જોતા અને એક્ટિંગમાં પણ ટેલેન્ટેડ હશે જ એમ વિચારી એક બે જગ્યાએ કામ અપાવ્યું હતું. એ ક્યાંય ચાલી નહોતી. મોબાઈલમાં લીપ સિંગ કરી રીલ બનાવવા અને સાચુકલા કેમેરા આગળ આવી એક્ટિંગ કરવી, અસરકારક રીતે ડાયલોગ બોલવા, એ બંને અલગ વાત છે એ એની સમજમાં આવી ગયું હતું. એ હતાશ થઈ હતી ને એણે પોતાની નિષ્ફળતાનું કારણ આશુતોષને ગણાવ્યો હતો. એનું કહેવું હતું કે આશુતોષે હાથે કરીને એને અઘરા રોલ અપાવ્યા હતા! આટલું થવા છતાં એ હજી આશુતોષ સાથે સગાઈ અને લગ્ન કરવા તૈયાર હતી, જેની આશુતોષે ચોખ્ખા શબ્દોમાં મનાઈ ફરમાવી હતી.
ગરિમાએ પણ હવે પલટી મારી હતી ને આશુતોષ પોતાની બહેનને મુંબઈ લઈ ગયો, સાથે રાખી ફાયદો ઉઠાવ્યો અને હવે સગાઈ કરવાની ના કહે છે એમ કહી બદનામ કરવાનું ચાલું કર્યું હતું. એના ઘરના સૌ ગરિમાની વાતોમાં આવી ગયા હતા. એના પોતાના મમ્મી, પપ્પા, મોટો ભાઈ સૌ એને જ દોષ આપી રહ્યા હતા અને શૈલી સાથે સગાઈ કરી લેવા દબાણ કરી રહ્યા હતા. છેલ્લે વાત એટલી વણસી ગઈ કે એને રીતસર ધમકી મળી હતી કે એ જો શૈલી સાથે સગાઈ ને પછી લગ્ન ન કરે તો પરિવાર સાથેનો છેડો ફાડવો પડશે. એણે બીજો વિકલ્પ પસંદ કર્યો હતો. છેલ્લા લગભગ એક વર્ષથી એની ઘરના એક પણ સભ્ય સાથે વાત નહોતી થઈ. એની ઇચ્છા તો ઘણીય હતી કે એકવાર ઘરે ફોન કરે કે રૂબરૂ જઈ મમ્મીને, એના ભાઈને, આખી વાત સમજાવે પણ એ ઇચ્છા ઇચ્છા જ રહી ગઈ હતી. એણે એ પછી ઘરે ફોન નહોતો કર્યો. એની મમ્મીનો બે વાર કૉલ આવેલો ને જેવું એમણે શૈલીનું નામ લીધું કે તરત જ આશુતોષે કૉલ કટ કરી દીધો હતો...