11 TASKS - 5 in Gujarati Drama by Niyati Kapadia Nirjhar books and stories PDF | 11 ટાસ્ક્સ - Chapter 5

Featured Books
  • Wisps of Smoke - 43

    Wisps of Smoke (A love, romantic, psychological and paranorm...

  • Topography of Bali

    The island of Bali, Indonesia can be small, yet its topograp...

  • World Teachers Day

    The Teacher: The Light of Knowledge, Character and Civilizat...

  • THE GHOST BIKE - PART 3

    PROLOGUE — 2017It was a rainy night in 2017.In a small town...

  • ak adhuri mulakat

    एक अधूरी मुलाकातशहर के एक छोटे से कॉलेज में आरव पढ़ाई करता थ...

Categories
Share

11 ટાસ્ક્સ - Chapter 5

“હેય આશુતોષ...
તારું આજનું કામ: આજે તારે કોઈક સાથે બબાલ કરી એને એક ધોલ મારવાની છે.
તું જો આ કામ કરી લઈશ તો હું તને એક મસ્ત સરપ્રાઈઝ ગિફ્ટ આપીશ.”
આજે રવિવાર હતો એટલે આશુતોષ મોડે સુધી સુવાના મૂડમાં હતો. લાવણ્યાના મેસેજનું નોટિફિકેશન સંભળાતા જ એણે ઉંઘરેટી આંખે ફોન હાથમાં લીધો હતો અને મેસેજ વાંચતા જ એ હસી પડ્યો હતો. એણે સામો જવાબ આપતા લખ્યું,
“અરે પણ આ કેવું કામ છે? હું એવું શા માટે કરું અને હું કોને જઈને મારું?”
તરત જ સામેથી જવાબ આવ્યો,
“એકદમ મજાનું ને મસ્ત કામ છે. આવું શા માટે કરવું જોઈએ એ તો કામ કર્યા બાદ જ તને સમજાશે. છેલ્લા થોડાક મહિનાથી જેણે પણ તારા મગજની નસ ખેંચી હોય, જેને લીધે તને નુકશાન થઈ રહ્યું હોય, જેની પર તને ખૂબ ગુસ્સો આવતો હોય, જેને રોજ તારે ગરમ થઈ કંઈક કહેવું હોય પણ સ્વભાવગત નબળાઈને લીધે તું ચલાવી લેતો હોય એ બધાને આજે તારે તીખું મરચું ખવડાઈ દેવાનું છે, અલબત શબ્દ રુંપી તીખું મરચું!”
“હું તારી વાત સમજુ છું પણ મારાથી તો કોઈને ‘ના’ પણ નથી કહી શકાતું, ઊંચો અવાજ પણ મારા ગળામાંથી ભાગ્યે જ નીકળે છે ત્યારે આ બધું?”
“બધું જ થઈ રહેશે તું એક વાર પ્રયત્ન તો કર. જો તે જ મને કહ્યું હતું કે હું જે કહું તે કામ તું કરીશ તો હવે પાછા હટવાનો કોઈ રસ્તો નથી! આજે જો કોઈ વ્યક્તિ પર તને સહેજ પણ ગુસ્સો આવ્યો અને તે એને મનમાં ને મનમાં દબાવી દીધો તો તને લાવણ્યાના સમ. આજે તું ચૂપ નહીં રહે, આજે તું જવાબ આપીશ, આજે તું અપમાનનો કડવો ઘૂંટ નહીં જ ગળે, પ્રોમિસ મી!”
આશુતોષે ત્રીસ સેકન્ડ વિચાર્યું, પોતાની સ્વભાવગત નબળાઈથી એ સારી રીતે વાકેફ હતો પણ સામેથી અપાયેલા લાવણ્યાના સમ! એ તો કોઈ કાળે તોડી નહીં શકાય.
“ઓકે, આઇમ રેડી! હું આજે બબાલ કરીશ, જરૂર પડે એક થપ્પડ પણ લગાવી દઈશ.”
સામેથી બે થમ્સ–અપ દર્શાવતા ઇમોજી આવ્યા.
એ ઊભો થયો અને બાથરૂમમાં ઘૂસ્યો. આજે એને કોઈ જાતની ઉતાવળ નહોતી કરવાની. એણે શાંતિથી બ્રશ કર્યું. અરીસામાં નજર જતા ખ્યાલ આવ્યો કે એણે દાઢી બનાવવાની જરૂર હતી, છેલ્લા ત્રણેક દિવસના વાળ વધી ગયા હતા. એણે સેવ કરવા માટે જિલેટનું રેઝર, બ્રશ તથા ફોમિંગ જેલ કાઢ્યા ત્યાં જોયું કે હવે થોડીક જ જેલ બાકી બચી હતી. આજે બિલ્ડીંગની નીચે આવેલી દુકાને ખરીદી કરવા જવું જ પડશે એમ નક્કી કરી એ તૈયાર થયો.
નહાઈને ટુવાલ લપેટી એ બહાર આવ્યો. પલંગ પર એક કપડું નહોતું પડયું. કબાટ ખોલવાની એની હાલ કોઈ જ ઇચ્છા નહોતી. એણે જોયું કે બેડરૂમના દરવાજા પાછળ મારેલી ખીલ્લી પર બ્લેક ટ્રાઉઝર્સ અને રેડ ટીશર્ટ લટકી રહ્યું હતું. એણે એ કપડાં પહેરી લીધા. ચા પીવાને ઇરાદે એ રસોડાં આવ્યો ત્યાં યાદ આવ્યું કે ઇન્સ્ટન્ટ ચાની પડીકીઓ ખલાસ થઈ ગઈ છે. એણે ફ્રીઝ ખોલ્યું અને નોંધ્યું કે બીજી કઈ કઈ વસ્તુઓ ખલાસ થઈ ગઈ છે. એણે હાલ જ દુકાને જવાનું નક્કી કર્યું.
કિચનમાં ફ્રીઝ પાછળ એક ખીલ્લી મારેલી હતી ત્યાં કેટલીક પ્લાસ્ટિકની થેલીઓ લટકી રહી હતી. એમાંથી એક થેલી ઉઠાવી, ફોન ગજવામાં નાંખી એ એમની જ બિલ્ડિંગનો નીચે આવેલી દુકાને પહોંચ્યો. એણે જોયું કે દુકાન હજી હાલ જ ખુલી હતી. એનો શેઠ હજી આવ્યો નહોતો. દુકાનમાં કામ કરતો એક છોકરો અમુક વસ્તુઓ ગોઠવી રહ્યો હતો.
બંનેની નજર મળી. આશુતોષે જોયું કે છોકરો કેટલીક વસ્તુઓ જે રાત્રે દુકાનની અંદર મુકાઈ ગઈ હતી એને ફરીથી બહાર લાવી ગોઠવી રહ્યો હતો એટલે એણે ઘડીભર શાંતિથી ઊભા રહી એ છોકરો એનું કામ પતાવી લે એની રાહ જોવાનું નક્કી કર્યું. છોકરાએ પણ સામે એક હળવું સ્મિત આપ્યું અને ઝડપથી એનું કામ પતાવ્યું.
આશુતોષ કહેવા જ જતો હતો કે મારે ટાટાની ઈલાયચી ફ્લેવરવાળી ચાની ઇન્સ્ટન્ટ મિક્સ પડીકીઓ જોઈએ છે ત્યાં તો પાછળથી એક બહેને આવતા જ મોટા અવાજે કહ્યું, “એક પેકેટ બ્રેડ, અમુલ બટર અને દૂધની બે થેલી."
“હા, મેડમ." છોકરાએ કહ્યું ને તરત મેડમનો સામાન કાઢી આપ્યો. એણે એમની પાસેથી રૂપિયા લીધા ત્યારે આશુતોષ કહી રહ્યો, “મારે ટાટા ચાની ઇન્સ્ટન્ટ મિક્સ પડીકીઓ, સાથે એક સેવિંગ જેલ,"
“અરે ભૈયા, જલદી સે દો ઇન્સટન્ટ નુડલ્સ કે પેકેટ દેદો. કોઈ નયા ફ્લેવર આયા હૈ ક્યાં?"
“આની પહેલા જો દિયા થા, વો અચ્છા નહીં લગા?" છોકરો એક કબાટ ખોલી ટાટાની ચા જોઈ રહ્યો હતો ત્યાં આ છોકરીનો અવાજ કાને પડતા જ પાછો કાઉન્ટર પર આવી ગયો હતો.
“નહીં, વો તો બહોત માઇલ્ડ થા. જૈસે અંદરકા મસાલા આધા કર દિયા હો. એકદમ ફીકા લગા, મુજે બિલકુલ પસંદ નહીં આયા."
"કંપની અબ યહીં કર રહી હૈ. દામ નહીં ઘટાતી પર નૂડલ્સ ઔર મસાલા જેમ દિવસ આવે તેમ ઓછા ને ઓછા કર રહી હૈ."
“સહી કહા ભૈયા. મેરે કિતને હુએ? ખુલ્લે તો હૈ નહીં મેરે પાસ." છોકરીએ મલકાઈને કહ્યું.
“કરીનાજી અબ આપ સે છુટ્ટે કૌન માંગતા હૈ. આપ રાઉન્ડ ફિગર દે દીજિયે."
છોકરી પાસેથી ઉપરના સાત રૂપિયા જતા કરી એણે નુડલ્સ પેક કરી આપી.
“સેવિંગ જેલ, ટાટાની ચા અને..." એણે બીજું શું લેવાનું હતું એ યાદ કરવા મથી રહ્યો ત્યાં બીજા બે ગ્રાહક આવ્યા અને છોકરો એમનામાં વ્યસ્ત થઈ ગયો. આ જોઈ આશુતોષની હટી હતી. સામાન્ય દિવસ હોત તો એ કંઈ કહ્યા વગર ચાલી ગયો હોત અને ફ્લેટ પર જઈ એને જોઈતો સામાન ઓનલાઈન ઓર્ડર કરી દીધો હોત પણ આજે વાત અલગ હતી.
હાલ એના મગજમાં સ્કૂલ સમયની લાવણ્યા છવાયેલી હતી. એની નજર આગળ એ મોઢું ફૂલાવી કહી રહી હતી, “કમ ઓન આશુ, તું આની વાયડાઈ સહન ના કરતો. એક ઘાંટો પાડી જ દે...” આ ઉપરાત લાવણ્યાના સમ એના મગજમાં રેલાઈ રહ્યા હતા ને એણે અચાનક જ મોટેથી ઘાંટો પાડી કહ્યું,
“અબે હું ક્યારનો અહીં ઉભો છું એ તને દેખાતું નથી? મારા પછી આવેલા લોકોને તું વસ્તું આપી દે છે ને હું શું અહીં ટાઈમ પાસ કરવા આવ્યો છું?"
હવે બધાનું ધ્યાન આશુતોષ તરફ ગયું. ત્યાં ઊભેલા એક માજીએ આશુતોષ સામે જોઈ મોઢું બગાડ્યું, એણે જો હાલ રાડ ના પાડી હોત તો એમનો સામાન પહેલા મળી ગયો હોત! બીજા બે ભાઈઓ જે ફક્ત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે હવે કંઈક નવો તમાશો જોવા મળશે એમ માની આશુતોષ સામે જોતા ઊભા રહી ગયા હતા.
બરાબર એ જ વખતે દુકાનનો શેઠિયો આવી ગયો હતો અને એણે આશુતોષની બૂમ સાંભળી હતી. એણે દુકાનના કાઉન્ટરનું એક બાજુનું પાટિયું ઊંચું કરી અંદરની બાજુ પ્રવેશતા કહ્યું, “આ શું માથાકૂટ ચાલી રહી છે? અલ્યા ભરતા, તું સાહેબનો સામાન પહેલા આપી દે."
“તે મેં ક્યાં આપવાની ના કહી. એ પહેલા બોલે તો ખરા કે એમને શું જોઈએ છે. ક્યારનાય આવીને ઊભા રહી ગયા છે એમાં હું શું કરું?"
આશુતોષને હવે ગુસ્સો આવી રહ્યો હતો અને ગુસ્સામાં ને ગુસ્સામાં એ ભૂલી રહ્યો હતો કે એ શું લેવા અહીં આવ્યો હતો. દુકાનમાં લગાડેલા જાહેરાતના એક પાટિયા પર નજર જતા એણે કહ્યું, વાઘબકરી ચા અને સેવિંગ જેલ."
“ચા કેટલી આપું. કિલો, બે કિલો, પાંચ કિલો?" છોકરાએ જાણે આશુતોષની ખીલ્લી ઉડાવતો હોય એમ કહ્યું.
“વધારે વાયડાઈ કરવાનું રહેવા દે ભરતા. ગ્રાહકને કોઈ વાતે સમજ ના પડે તો આપણે એમને સમજાવવાનું હોય. સાહેબને અઢીસો ગ્રામ વાઘબકરી મસાલા ચાનું પેકેટ આપી દે." દુકાનદારે મોટેથી કહ્યું ને આશુતોષ સામે જોઈ સ્મિત આપ્યું, “સેવિંગ જેલ કઈ કંપનીની આપું?"
“અમ્મ..." હું અચાનક જ વરસોથી વાપરી રહેલી સેવિંગ જેલનું નામ કેવી રીતે ભૂલી જઈ શકું. રોજ તો એ મારી નજર સામે આવે છે. ફોમિંગ સેવિંગ જેલ લખેલું દેખાય છે પણ એની કંપનીનું નામ...આશુતોષ માથું ખંજવાળવાની ઇચ્છા મનમાં જ દબાવી કંઈક મૂંઝવણભર્યા ચહેરે ઊભો રહ્યો.
“જિલેટ આપી દઉં? આપ એ જ લઈ જાઓ છો"
“હા, આપી દો."
છોકરાએ મારી આગળ વાઘ–બકરી ચાનું પેકેટ અને જિલેટની સેવિંગ જેલ મૂક્યા. દુકાનદારે ટોટલ કરી કિંમત કહી અને આશુતોષે ફોનમાંથી ગુગલ પે કરી આપ્યું. ફ્લેટ પર પાછા જતા એને લાગી રહ્યું હતું કે ચાનું પેકેટ કંઈક અલગ છે! રસોડામાં જઈને એણે પેકેટ પર કાતરથી સહેજ કટ મૂક્યો ત્યાં જ યાદ આવ્યું કે એણે ટાટાની ઇન્સ્ટન્ટ મિક્સ ચાની પડીકીઓ લેવાની હતી, ચાની ભૂકી નહીં. એવી પડીકીઓ જેમાં પહેલેથી જ ચા–દૂધ–ખાંડ–ઈલાયચી બધું નાંખેલું હોય. એમાં ખાલી ગરમ પાણી જ ઉમેરવાનું રહે અને ચા તૈયાર થઈ જાય.
આડો દિવસ હોત તો એણે ચાનું પડીકું રસોડામાં ક્યાંક મૂકી રાખ્યું હોત ને નવી ચા ઓનલાઈન મંગાવી લીધી હોત પણ આજે વાત કંઈક અલગ હતી, આજે કોઈએ એને સમ આપ્યા હતા, એ પણ લાવણ્યા ના સમ! એ એકલો એકલો જ હસી પડ્યો ને તરત ચાનું પેકેટ લઈ નીચે ગયો.
એણે મારામારી તો નહોતી કરી પણ પંદર મિનિટ સુધી દુકાનદાર અને દુકાનમાં કામ કરતા છોકરા સાથે રકઝક કરી સહેજ ખોલેલું પેકેટ એમને પાછું આપ્યું હતું ને ટાટાનું ઇન્સ્ટન્ટ ચાની ઈલાયચી ફ્લેવર વાળું પેકેટ ખરીદ્યું હતું. એણે પહેલી વાર દુકાને જઈને એ જ માંગ્યું હતું. છોકરાએ એની વાત કાન પર લીધી નહીં ને એમાં જ એનાથી નામ ભૂલાઈ ગયેલું એ દલીલ કામ આવી હતી. દુકાનદારે આગળ માથાકૂટ કરવાનું ટાળ્યું હતું.
શરુઆત તો સારી રહી હતી! આશુતોષને મજા આવી હતી. એણે જો ચાનું પેકેટ બદલાવ્યું ના હોત તો એના રસોડામાં વધારે ફરક નહોતો પડવાનો. કેટલીય બિનજરૂરી વસ્તુઓ સાથે એક આ ચાનું પેકેટ પણ પડી રહેત. જ્યારે જ્યારે એની નજર એ પેકેટ પર જાત એને સવારે બનેલ આખો પ્રસંગ યાદ આવત અને એનું મન ખિન્ન થઈ જાત. પોતે ડાહ્યા થઈ એ છોકરાને એનું કામ પતાવી સામાન આપવાનું માન્ય રાખ્યું એજ એની મોટી ભૂલ હતી એમ વિચારી એ જાતને સમજાવતો રહેત કે માનવતા કે ભલાઈનો જમાનો જ નથી રહ્યો...પણ એક લાવણ્યા ને લીધે એ આખો પ્રસંગ બદલાઈ ગયો હતો. હવેથી એ ટાટા ચાનું પેકેટ જોઈ એને પોતાનો વિજય અને લાવણ્યા બન્ને એકસાથે યાદ આવવાના હતા. આજે સવાર સવારમાં ખુશ થવા માટે એને એક સુંદર પ્રસંગ મળી ગયો હતો.
ઓફિસમાંથી કૉલ આવ્યો હતો. એક નવા ક્લાયન્ટને માટે એ એડ બનાવી રહ્યા હતા. બધું તૈયાર હતું, હવે ફક્ત શૂટિંગ ચાલુ થાય એટલી જ વાર હતી ત્યાં છેલ્લી ઘડીએ ક્લાયન્ટ આનાકાની કરી રહ્યો હતો. આશુતોષે કહી દીધું કે પોતે ઓફિસ આવી રહ્યો છે, ત્યાં આવીને વાત કરશે.
ઓફિસ પહોંચતા જ એને કહેવામાં આવ્યું કે ક્લાયન્ટને એમની સાથે કામ નથી કરવું. એણે એક બીજી એડ એજન્સી સાથે સંપર્ક કર્યો હતો અને એ લોકો એને સસ્તા ભાવે જાહેરાત બનાવી આપવાના હતા.
નોર્મલી આવા સમયે આશુતોષ ગુસ્સે થતો પણ આગળ કોઈ સ્ટેપ નહોતો લેતો. એને ઘણીવાર લાગ્યું હતું કે એમને ત્યાં જે ભાવે જાહેરાત બનાવી આપતા હોય એનાથી થોડાક જ ઓછા માર્જિન પર એમની પ્રતિસ્પર્ધી કંપની જાહેરાત બનાવી આપતી હતી અને કસ્ટમર પડાવી જતી હતી. કોઈક વખત આવું બનવું ઠીક હતું પણ હમણાંથી તો દરેક વખતે આમ જ બની રહ્યું હતું. એમના જૂના અને વિશ્વાસુ ગ્રાહક સાથે કામ પાર પડાતું ત્યારે એવું બનતું કે જે જાહેરાત એમણે બનાવી હોય એને કાપતી સેમ પ્રોડક્ટની બીજી કંપનીની જાહેરાત લગભગ એમની સાથે જ જોવા મળતી. પરિણામે એમની જાહેરાત હાંસીપાત્ર બની જતી અને એમણે એને દૂર કરી કંઈક નવું વિચારવું પડતું.
હજી ગયા મહિને જ એક વોશિંગ પાઉડરની જાહેરાત માટે  આશુતોષે પોતે એક સ્લોગન લખ્યું હતું. એમાં એણે દર્શાવ્યું હતું કે એ વોશિંગ પાઉડરથી કપડાં ધોતા કપડામાંથી ફૂલો જેવી સુવાસ આવશે, ગ્રાહકનો સુગંધી સ્પ્રે પાછળનો ખર્ચ બચી જશે. જેવી એ જાહેરાત ટીવી પર આવી એની દસ જ મિનિટ બાદ એક બીજા વોશિંગ પાઉડરની જાહેરાત આવેલી જેમાં દેખાડ્યું હતું કે વોશિંગ પાઉડરનું કામ કપડાં સરખી રીતે ધોવાનું છે, એને સુગંધી બનાવવાનું નહીં. એમાં આશુતોષની એડમાં દેખાડ્યો હતો એની જ ડુપ્લીકેટ જેવો એક ભાઈ ઘરની બહાર નીકળે ત્યારે લિફ્ટમાં, ટેકસીમાં, ઓફિસમાં, એ જ્યાં પણ ગયો લોકોએ એને સૂંઘી સૂંઘીને જાહેરાત કરી કે મિસિસે ફલાણા વોશીંગ પાઉડરથી શર્ટ ધોયો છે?
એ જાહેરાત જોઈ કોઈને પણ ખ્યાલ આવી જતો હતો કે એ આશુતોષની જાહેરાતને કાપતી જાહેરાત હતી. એ જો થોડોક વખત રહીને આવી હોત તો માની શકાય કે એ લોકોએ એમની જાહેરાત જોયા બાદ એને કાપતી જાહેરાત બનાવી હશે પણ એજ દિવસે અને જસ્ટ દસ મિનિટના અંતરાલ પર ટીવીમાં એ જાહેરાત આવી હતી મતલબ કે એમની પાસે પહેલેથી એ રેડી હતી અને એ રાહ જોઈ રહ્યા હતા કે જેવી આશુતોષની કંપની માર્કેટમાં જાહેરાત મૂકે કે તરત જ એ લોકો પણ એમની જાહેરાત મૂકી દેશે.
આ વખતે એણે નક્કી કર્યું કે એ ચૂપ નહીં બેસી રહે. થોડીક વાર વિચાર કર્યા બાદ એણે એની ટીમના સભ્યોને બોલાવી સૌના ફોન એના ટેબલ પર મૂકવાનું કહ્યું હતું. બે છોકરીઓ અને ત્રણ યુવાન સહિત પાંચ લોકો એના હાથ નીચે કામ કરતા હતાં. બધાના ફોન એણે જાતે ચેક કર્યા હતા. ગુનેગાર પકડાઈ ગયો. એ મયુર હતો.
મયુરના ફોનમાંથી એક છોકરીને ઘણા બધા ફોન કૉલ્સ કરાયા હતા. એ છોકરી એમની પ્રતિસ્પર્ધી કંપનીમાં કામ કરતી હતી. પોલીસમાં જવાની ધમકી અપાઈ એની અસર થઈ હતી. બીજું હંમેશા શાંત રહેતો આશુતોષ આજ પહેલીવાર ઉગ્ર થઈ વાત કરી રહ્યો હતો. મેહુલને જ નહીં સ્ટાફના બધાને એમ જ લાગેલું કે આજ આશુતોષ મયૂરને માર્યા વગર નહીં મુકે. ખેર, એ બધું પછી લાંબુ ચાલેલું પણ આશુતોષે મયૂર પર હાથ નહોતો ઉપાડ્યો. એણે એ પહેલા જ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. ગર્લફ્રેન્ડને રાજી રાખવા એણે કંપનીને દગો આપ્યો હતો!
રાતના આઠ વાગ્યે આશુતોષ ઘરે જવા નીકળ્યો ત્યારે એ ઉદાસ હતો. લાવણ્યાએ આપેલું કામ પૂરું નહોતું થયું. એણે બબાલ કરી હતી પણ ધોલધપાટ કે મારામારી બાકી રહી ગઈ હતી, એવું કંઈ બન્યું જ નહતું જેને લીધે એણે કોઈકને મારવું પડે. પોતાની હાલત જોઈ એક બાજુ એને હસવું આવી રહ્યું હતું ને બીજી બાજુ લાવણ્યાના કહેવા પર પોતે શું, શું કરી શકે છે એ વિચારી નવાઈ લાગી રહી હતી.