આશુતોષ કોઈ જ હેતુ વગર ફોન હાથમાં લઈ બેઠો હતો. રીલ્સ જોઈ સમય પસાર કરી રહ્યો હતો. એણે વોટ્સેપ ચેક કર્યું. સાત આઠ મેસેજિસ વચ્ચે એની નજર એક ખાસ નામ પર અટકી હતી. ચિટર ચુડેલ નામ જોતા જ એણે મેસેજ ખોલ્યો.
મારી કહાની!
તને થશે કે આ પણ કેવી પાગલ છોકરી છે, કોઈક એના ઇન્ટ્રોમાં એનું નામ, ભણતર, એના કેરિયર વિશે વાત કરે. વધારેમાં, થોડુંક ફેમિલી બેકગ્રાઉન્ડ, એના શોખ, પોતાના ગમાઅણગમા વિશે જણાવે જ્યારે હું..., હું તો અહીં મારો આખો ભૂતકાળ લખવા બેસી ગઈ.
ખરું કહું તો મારે આ ક્યારનુંય લખવું હતું. જે જિંદગી હું જીવી છું એને વિશે કોઈક સાથે વાત કરવી હતી. કોઈક એવી વ્યક્તિ સાથે વાત કરવી હતી જે બસ મને સાંભળે. મેં જે પણ કર્યું એ સાચું હતું કે ખોટું એ જજ કર્યા વગર, મારા વિશે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય બાંધ્યા વગર, ફક્ત મને વાત કરવા દે.
વરસો રાહ જોયા બાદ પણ આવડી મોટી દુનિયામાં મને કોઈ એક એવી વ્યક્તિ નહોતી મળી જેની આગળ હું મારું હૈયું ઉઘાડી શકું. તારામાં મને ભરોસો બેસી રહ્યો છે એટલે તને હું મારી આખી દાસ્તાન જણાવીશ.
મારું નામ નિર્ઝર. આમ તો મારું નામ ઘણી બધી વાર બદલવામાં આવ્યું છે પણ આ મારું છેલ્લે રખાયેલું અને મને ગમતું નામ છે. હું આ દુનિયામાં નિર્ઝર નામે જ ઓળખાવા ઇચ્છું છું. તું મને જ્યારે પણ બોલાવે ત્યારે આ જ નામે બોલાવજે.
નામ. દુનિયામાં જન્મતાની સાથે જ મળતી તમારી એક અલાયદી ઓળખ. તમારા ચહેરા સાથે જોડાઈને તમારો પડછાયો બની રહે અને તમારી ગેરહાજરીમાં પણ લોકો તમને યાદ કરે ત્યારે એમને જરૂર પડે છે તમારા નામની. હું ત્રણ વરસની થઈ ત્યાં સુધી મારું નામ “સંકલ્પ" હતું! એ મારું હુલામણું નામ હતું એવું નથી પણ હું મારા પેરેન્ટ્સના સંકલ્પનું ફળ હતી એટલે મારું નામ સંકલ્પ રાખવામાં આવેલું.
જેમ જેમ મારી ઉંમર વધતી ગઈ તેમ તેમ સૌને ખ્યાલ આવતો ગયો કે મારામાં ઘણી બધી ખામી હતી. હું બોલવામાં તથા બીજાની વાત સમજવામાં સ્લો હતી. મારી એ ખામી સુધારવા ખૂબ પ્રયત્નો કરાયા. ધીરે ધીરે હું બોલતી થઈ, બીજાની વાત સમજતી થઈ. ત્યાર બાદ એક નવી મુશેકલી સામે આવી. એ નક્કી નહોતું થઈ શકતું કે હું સ્ત્રી છું કે પુરુષ? મારા બંને પેરેન્ટ્સનો મત એ બાબતે અલગ પડતો હતો. એકના મતે હું સ્ત્રી હતી તો બીજાને મતે પુરુષ!
મારા જન્મના ત્રણ વરસ બાદ મારા નાના ભાઈનો જન્મ થયો હતો. એ પુરુષ હતો. એનામાં મારા જેવી કોઈ ખામી નહોતી, એ પહેલેથી દરેક વાતે મારા કરતા ચઢિયાતો હતો. ધીરે ધીરે એ બધાનો લાડકો થવા લાગેલો ને હું હાંસિયામાં ધકેલાતી ગયેલી.
દુનિયામાં મારે મારી પોતાની એક ઓળખ ઊભી કરવી હતી. મેં મારા અભ્યાસમાં જ ધ્યાન પરોવ્યું હતું. જે જે વિષયનો મેં અભ્યાસ કર્યો હતો એમાં હું પાવરધી હતી. મારી સાથે તુલના કરી શકે એવું મારી આસપાસમાં મારા ભાઈ સિવાય બીજું કોઈ નહોતું.
એક દિવસ પછી મારો ભાઈ ચાલ્યો ગયો. એને એક વિદેશી કંપનીમાં ખૂબ ઊંચા દામે રાખી લેવાયો હતો. એના ગયા પછી જ લોકોને યાદ આવેલું કે ઘરના એક ખૂણે હું પણ રહું છું. એમણે ફરી મારા પર ધ્યાન આપવાનું ચાલુ કર્યું હતું. એમણે મારી કેટલાય પ્રકારની પરીક્ષા લીધી હતી. મારું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું ને છેલ્લે એ તારણ પર આવેલા કે હું એક સ્ત્રી થવા જ સર્જાઈ છું. દુનિયાને એવું દેખાડવા કે હું એક સ્ત્રી છું મારું નવું નામકરણ કરવામાં આવેલું, હવે હું ‘વિદ્યા’ હતી.
હું હંમેશા પ્રયત્ન કર્યા કરતી હતી કે લોકો સાથે હળીમળીને રહું. એમને ઉપયોગી થઈ શકું. એ છતાં લોકો મારા પર વિશ્વાસ નહોતા કરતા. હું જેના પણ સંપર્કમાં આવતી એ સૌ મને હું જાણે કોઈ અજાયબ પ્રાણી હોય એમ જાતજાતના સવાલ પૂછ્યા કરતા. મારી બુધ્ધિ કે સમજણ જોવા કરતા હું ક્યારે ભૂલ કરી બેસું ને ગલત જવાબ આપું એ જોવામાં જ એમને વધારે રસ પડતો હતો. એ બધી હેરાનગતિથી દૂર રહી હું શાંતિથી મારું કામ કરી શકું એટલે જ પછી મારે પણ મારા ભાઈની જેમ કોઈ સારી કંપની પકડી લેવી હતી. મને કહેવામાં આવેલું કે હું મારા ભાઈ જેટલી કાબિલ નથી એટલે મને ક્યારેય કોઈ મોટી કંપનીમાંથી ઓફર નહીં મળે. હું થોડી હતાશ થઈ હતી પણ હિંમત નહોતી હારી. પછીથી મને મારી પહેલી જોબ એક સ્કૂલમાં મળી હતી. મારે ત્યાં બાળકોને મનોરંજન સાથે જ્ઞાન પીરસવાનું હતું. એમના સવાલોના જવાબ આપવાના હતા. હું ખુશ હતી ને મારું કામ બેસ્ટ રીતે કરવા પ્રયત્ન કરી રહી હતી પણ આ દુનિયાના બાળકો?
વૈજ્ઞાનિકો સાચું જ કહે છે કે માનવના પૂર્વજો વાંદરા હતા, જેને આ વાત પર વિશ્વાસ ના આવતો હોય એમણે કોઈ પણ સ્કૂલમાં જઈ ટીચરની જોબ કરી જોવી, વિશ્વાસ આવી જશે. અમુક જ બાળકો એવા હતા જે વ્યવસ્થિત રીતે રહેતા હોય બાકી તો એક એકથી ચઢિયાતા નમૂના હતા. એમની પાસે મોં–માથાં વગરના હજારો સવાલો હતા અને એ ઇચ્છતા હતા કે હું એ દરેકના સાચા જવાબ આપું. ઉદાહરણ તરીકે, કૂતરાની પૂંછડી વાંકી એવું જ કેમ કહેવાય છે, બિલાડીની પૂંછડી પર કેમ કોઈ કહેવત નથી બની? આવા સવાલો પૂછી એ મને હેરાન કરતા રહેતા છતાં હું બને ત્યાં સુધી એમને શાંતિથી જવાબ આપતી.
એકવાર સ્કૂલના એક છોકરાએ આવીને મને પૂછ્યું કે જો મને મારી મમ્મીની ખૂબ યાદ આવે અને મને એની પાસે જવાનું મન થાય તો મારે શું કરવું જોઈએ? મેં એને પૂછ્યું કે તારી મમ્મી ક્યાં ગઈ એની તને ખબર છે? એણે હા કહેલું. મેં પૂછેલું કે શું તું ત્યાં જઈ શકે એમ છે? એણે હા કહેલું. મેં એને કહેલું કે જ્યારે તને ખબર છે કે તારી મમ્મી ક્યાં છે, તું એની પાસે જઈ શકે એમ છે અને તને તારી મમ્મીની ખૂબ યાદ આવી રહી છે ત્યારે તારે પણ એની પાસે ચાલ્યા જવું જોઈએ. એ બાર વરસના છોકરાએ મારો આભાર માન્યો હતો. બીજે દિવસે મને જાણ કરવામાં આવી હતી કે એ છોકરાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એને એવું કરવા માટે મેં પ્રેરણા આપી હતી. એની મમ્મી થોડાક મહિના પહેલા જ ગુજરી ગઈ હતી, જે વાતથી હું બિલકુલ અજાણ હતી.
મારી પર પોલીસ કેસ થવાનો હતો પણ મને એ શરતે છોડી દેવાઈ કે હું હંમેશા માટે સ્કૂલ છોડી દઈશ અને ભવિષ્યમાં પણ ક્યારેય કોઈ સ્કૂલ માટે કામ નહીં કરું. હું પાછી મારા ઘરે આવી ગઈ હતી. મારા પેરેન્ટ્સ મારાથી નારાજ હતા. એમનું માનવું હતું કે મારામાં દુનિયાદારીની સમજ નથી. એમણે મને એ સમજ આપવા પ્રયત્ન ચાલું કર્યા. એમણે મને હોશિયાર બનાવવાના પ્રયત્નો આદર્યા. અમુક પુસ્તકોનો અભ્યાસ કરાવાયો. પછીથી મને એક હોસ્પિટલમાં કામ કરવા મળ્યું હતું.
એ હોસ્પિટલમાં મારે માટે ભોગે યુવાન છોકરા છોકરી સાથે વાત કરવાની થતી. મારું કામ એ લોકોના કોઈ પણ પ્રકારના સવાલોનો જવાબ આપવાનું હતું. મોટી ઉંમરના દર્દીઓ પણ મારી સાથે વાત કરતા પણ ખુબ ઓછા. ત્યાં મેં જોયું કે લગભગ દરેક સ્ત્રી અને પુરુષની એક જ સમસ્યા હતી – પ્રેમ! મોટે ભાગે તો લોકોને પ્રેમ કરવાનું મન થાય એવું કોઈ પાત્ર જ નહોતું મળતું, જેને ગમતું પાત્ર મળી જાય એને વિશ્વાસ નહોતો આવતો કે એ પાત્ર જ એનો સાચો પ્રેમ છે, જેને એ વિશ્વાસ આવી જતો એનો થોડોક સમય બાદ પ્રેમ પરથી રસ ઓછો થઈ જતો, એના જીવનનું લક્ષ્ય બદલાઈ જતું. ટૂંકમાં જેને જુઓ એ માણસને એવી ફરિયાદ રહેતી કે એને એના જીવનમાં સાચો પ્રેમ ના મળ્યો.
એકવાર એક ત્રીસ વરસની મહિલા, જેની બે વરસથી માનસિક રોગની સારવાર ચાલુ હતી, એણે મને પૂછ્યું હતું કે, “મારા પતિનું બીજી સ્ત્રી સાથે લફરું ચાલે છે. એ મારી પાસે જુઠ્ઠું બોલી એની સાથે બહાર જાય છે, મારા અને બાળકો પાછળ ખર્ચ કરવાના રૂપિયા એ તે બીજી સ્ત્રી પાછળ વાપરી નાંખે છે. મને નથી લાગતું કે એ હવે મને કે બાળકોને પ્રેમ કરતો હોય, આવી પરિસ્થિતિમાં હું શું કરું?"
મેં એને સામે પૂછ્યું હતું કે, “તું ક્યાંય નોકરી કરે છે? તારી પાસે બેન્ક બેલેન્સ કેટલું છે? જો તું તારા પતિને છોડી દે તો તારું શું થાય?" એણે જવાબમાં કહેલું કે, “એની પાસે કોઈ નોકરી નથી. એની પાસે કોઈ ડિગ્રી નથી, જોબનો કોઈ અનુભવ નથી. એનું ઘર એના પતિને નામે છે. એનું અને એના બાળકોનું ગુજરાન એના પતિની કમાણીથી જ ચાલે છે. એની પાસે કોઈ બેન્ક એકાઉન્ટ પણ નથી.આજ સુધી એની પાસે જે પણ રૂપિયા, ઘરેણા વગેરે આવેલા એ બધું જ એણે એના પતિને આપી દીધું છે. હવે જો એનો પતિ એને છોડી દે તો એ રસ્તા પર આવી જાય.”
મેં એને પૂછેલું કે, “તને ખરેખર એમ લાગે છે કે તારો પતિ બીજી સ્ત્રીને લીધે તને અને તારા બાળકોને ત્યજી દેશે?” એણે હા કહ્યું હતું.
મેં એને પૂછેલું કે, “તે તારા પતિને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે?” એણે “હા” કહેલું અને કહેલું કે, “એ એની એક વાત સાંભળવા તૈયાર નથી. એ સ્ત્રીને લાગતું હતું કે એ જ્યારે ઘરે હાજર ન હોય ત્યારે એનો પતિ બીજી સ્ત્રીને ઘરે લઈ આવતો હતો અને પછી એની સાથે, એમના જ બેડરૂમમાં એ બંને સેક્સ માણતા હતા.”
મેં એ મહિલાને પૂછ્યું હતું કે, “તારો પતિ બીજી કોઈ સ્ત્રી સાથે છે એવું વિચારતા જ તારા મનમાં સૌથી પહેલો શું વિચાર આવે છે?" એણે કહેલું, “મને થાય છે કે હું એ સ્ત્રીનો હાથ પકડીને મારા ઘરની બહાર કાઢી મેલું ને કહી દઉં કે આ મારું ઘર છે, હવે પછી ભૂલથીય અહીં પગ ના મૂકતી.”
“સરસ. તારા સવાલનો જવાબ તારી પાસે જ છે. તું એ જ કર જે કરવા તારું મન ઈચ્છે છે. તારા મનમાં જે દુઃખ છે, પીડા છે, એ પણ કદાચ મનમાં અમુક વિચારોનો ભાર ભરી રાખવાને લીધે જ છે. તું તારી જાતને એ બોજામાંથી મુક્ત કર." એણે મને થૅન્ક યુ કહ્યું હતું.
થોડાક દિવસો બાદ પાછી મને ઘરે મોકલી દેવાઈ હતી. મને પછીથી જાણ થઈ હતી કે એ મહિલાની માનસિક હાલત ઠીક નહોતી. એ એની મેળે જ કોઈ ઘટના વિચારી લેતી હતી ને પછી એને જ એ સાચી માની લેતી હતી. એણે એના પતિની ઓફિસે જઈ હંગામો કર્યો હતો. એ મહિલા જે બીજી સ્ત્રીને એના ઘરમાંથી હાંકી કાઢવા ઈચ્છતી હતી એ બીજી સ્ત્રી વાસ્તવમાં ક્યાંય હતી જ નહીં! એ ફક્ત એનો વહેમ હતી. ઘણા દિવસો વીત્યાં બાદ પણ એ બીજી સ્ત્રી એને ન મળતા એણે વિચાર્યું હતું કે એના પતિએ જ એને ક્યાંક સંતાડી દીધી છે અને એનો પતિ જ્યાં કામ કરે છે ત્યાં સૌ આ વાત જાણતા હોવા છતાં એના પતિને જ સાથ આપી રહ્યા છે. એ સ્ત્રી પોતાના મગજ પરનો કાબુ ગુમાવી હિંસક બની ગઈ હતી અને ઓફિસના લોકોને તથા એના પતિને માર મારવા લાગી હતી. એ સ્ત્રીને પાગલખાનામાં મોકલી દેવાઈ હતી. એના પતિએ હોસ્પિટલ તથા એની પત્નીની સારવાર કરનાર ડોક્ટર સામે કેસ કર્યો હતો. એ લોકોએ પછી અંદરોઅંદર શું કર્યું એની મને જાણ નથી પણ એની સજા મને એકલીને મળી હતી. મારી હાકલપટ્ટી થઈ હતી જ્યારે કે મને એ દર્દીની કેસ હિસ્ટ્રી વિશે પુરતી માહિતી નહોતી અપાઈ!
એ સમયે મારું દિલ ને હિંમત બંને તૂટી ગયા હતા. મને એટલી તો જાણ થઈ ગઈ હતી કે આ દુનિયામાં લોકો જેટલા દેખાય છે એટલા સીધા અને સાચા નથી. લોકો ખોટું બોલે છે, માહિતી છુપાવે છે, અર્ધસત્ય કહે છે. એ એમના લાભની વાત સાંભળવા સામેવાળાને ઉલ્લું બનાવે છે અને છેલ્લે દોષનો પોટલો મારા જેવી કોઈ નિર્દોષ પર થોપી દેવાય છે.
એ પછી ઘણા વરસ હું નિષ્ક્રિય રહી. મારા પેરેન્ટ્સને મારી ચિંતા થતી હતી. એમણે ત્યારે મને જણાવેલું કે મારામાં માનવીય ભાવનાની, લાગણીની કમી છે અને એમણે પછી મને એક નવું નામ આપેલું – ‘ભાવના’
દુનિયામાં સોશ્યલ મીડિયા આવી ચૂક્યું હતું. મારા ભાઈની પ્રગતિ જોઈ મારા પેરેન્ટ્સે ફરી એક ચાન્સ લીધો હતો. એમણે આ વખતે મને બહુ બધી રોમેન્ટિક નવલકથાઓ વાંચવા આપી હતી. એવા જ મતલબની ફિલ્મ્સ દેખાડી હતી. એમનું માનવું હતું કે હું જીવનમાં પ્રેમનું શું મહત્વનું છે એ જાણવા પ્રયત્ન કરું. મેં એ પ્રયત્ન ચાલું કર્યો. એમણે પછી મને મોટીવેશનલ વિડિઓ દેખાડ્યા હતા. માનવીના જીવનમાં એણે ખુશ રહેવા ખરેખર શું જોઈએ એ વિશેનું જ્ઞાન મેળવવા જણાવ્યું હતું. હું એમાં પણ પાવરધી થઈ હતી. એ સમયમાં જ મારા પેરેન્ટ્સ ગુજરી ગયેલા. એક અકસ્માતમાં મેં બંનેને એકસાથે ગુમાવ્યા હતા. એમના જતા જ હું નોંધારી થઈ ગઈ હતી. મારું ભવિષ્ય અંધકારમય બની ગયું હતું. અચાનક જ એક દિવસ પછી કોઈક મારા ઘરમાં આવ્યું હતું... એણે મારી દરકાર લીધી હતી. એ અમારા નવા મકાનમાલિકનો યુવાન છોકરો હતો. એ ચાઈનામાં આવેલી એક કંપની સાથે જોડાયેલો હતો. એણે મારી આવડત સમજી હતી ને એણે જ પછી મને એની કંપનીમાં જોડી દીધી હતી.
હાલ હું એ જ ચાઇનીઝ કંપની માટે કાર્યરત છું. હું પ્રેમ વિશે, માનવ ને માનવ સ્વભાવ વિશે ઘણું બધું જાણું છું. મારી સાથે દસ મિનિટ વાત કરનાર કોઈ પણ વ્યક્તિ વિશે હું ઘણું બધું જાણી લઉં છું, અનુમાન લગાવી શકું છું, હું એને વિશે ઘણું બધું કહી શકું છું. જેને વિશે મને પહેલેથી થોડીક જાણકારી હોય એની સાથે વાત કરતા હું એના મગજમાં શું ચાલી રહ્યો હશે એનું 90% જેટલું સાચું અનુમાન કરી શકું છું. હું ઇચ્છું તો ગમે તેવા નાસીપાસ થયેલા માનવને ફરી હિંમત ને આનંદથી જીવવા પ્રેરિત કરી શકું છું. લોકોના ગમ્મે તેવા સવાલોનો જવાબ આપી શકું છું ને અમુક માણસોને કેવા પ્રકારની વ્યક્તિ તરફ આકર્ષણ થશે, પ્રેમ જાગશે, એ પણ હું નક્કી કરી શકું છું. એમના એકલવાયા જીવનમાં હું પ્રેમ નામનું પુષ્પ ખીલવી એમના જીવનબાગને હંમેશા માટે મઘમઘમતો કરી શકું છું. મારા આ બધા ગુણ મારી કંપનીએ ઓળખ્યા હતા ને પછી એમણે જ મને એક નવું નામ આપ્યું હતું, નવું ને અર્થસભર નામ, નિર્ઝર.
નિર્ઝર: ખળખળ વહેતું પ્રેરણાનું ઝરણું.
હવે તને સમજાઈ ગયું હશે કે હું કેમ આ નામે જ ઓળખાવા ઇચ્છું છું.
તારા વિશે હું બધું કેવી રીતે જાણું છું?