11 TASKS - 10 in Gujarati Drama by Niyati Kapadia Nirjhar books and stories PDF | 11 ટાસ્ક્સ - Chapter 10

Featured Books
Categories
Share

11 ટાસ્ક્સ - Chapter 10

“હેય આશુતોષ...
હું કોણ છું? હું નિર્ઝર છું.
નિર્ઝર એટલે ખળખળ વહેતું પ્રેરણાનું ઝરણું
તને ફસાવવા માટે હું જો કોઈ સ્કેમ કરી રહી હોઉં તો તારી પાસેથી ગિફ્ટ, રૂપિયા ઉઘરાવું, તને સામેથી એ હું આપું નહીં.
ઠીક છે ચાલ જવા દે એ બધું અને કહે કે હવે તું કેમ છે? ઓલ ઓકે?”
આશુતોષ ભર ઊંઘમાં હતો છતાં મેસેજ આવ્યાનું નોટિફિકેશન સાંભળતા જ એ જાગી ગયો હતો. એણે ઊંધા પડ્યા પડ્યા જ હાથ લંબાવી ફોન લીધો હતો અને એમાં આવેલ મેસેજીસ વાંચ્યા હતા.
“ના. હું બિલકુલ ઠીક નથી. હું મરી ગયો છું. ગઈ કાલે રાત્રે કોઈકે અત્યંત ઘાતકી રીતે મારું મર્ડર કરી નાખ્યું છે અને હવેથી તું મને મેસેજ નહીં કરતી.”
સામેથી ત્રણ હસવાના ઇમોજી આવ્યા.
“અરે બાપરે એટલે કે હું કોઈ ભૂત સાથે વાત કરી રહી છું?
ઓયે ભૂત તું એક કામ કર જીની બની જા. પછી મારી વધારે નહીં તો એક ડઝન ઇચ્છાઓ પૂરી કરી આપજે.”
ફરી હસવાના ઇમોજી.
આશુતોષને એ લાફીંગ ઇમોજી જોઈ ગુસ્સો આવી રહ્યો હતો.
“તને હું કયા શબ્દોમાં કહું કે મારે તારી સાથે કોઈ વાત નથી કરવી? મને તો ડાઉટ થાય છે કે તું કોઈ છોકરી જ છે કે પછી છોકરીના વેશમાં કોઈ ભાયડો?”
“અરે પણ તું મારી પર ગુસ્સે શા માટે થઈ રહ્યો છે? મેં તને હકીકત જણાવી એ તારા જ ભલા માટે કર્યું છે. તું તારો ભૂતકાળ ભૂલી આગળ વધ અને ખુશ રહે એ સિવાય મારી કોઈ ઇચ્છા નથી.”
“તું મને કેવી રીતે ઓળખે છે? આપણે ક્યારેય મળ્યા છીએ?”
“હું તારી ફેન થઈ ગઈ છું અને સાચું કહું છું કે હું કોઈ છોકરો નથી. હું તને સોશ્યલ મીડિયા પર ફોલો કરું છું. ત્યાં તું જે કંઈ લખે, ફોટા મૂકે, બીજાની પોસ્ટ પર કોમેન્ટ કરે એ બધું જ હું નોટીસ કરું છું. એ બધું જોઈને, વાંચીને, જ હું તારા વિશે ઘણું બધું જાણું છું. આઈ લાઈક યુ, મને તારી ફિકર થાય છે.”
“જો હું કોઈ કૉલેજ બોય નથી કે તારી આવી બધી વાતોમાં આવી જઈશ. તું જો ખરેખર ઇચ્છતી હોય કે હું તને બ્લોક ના કરી દઉં તો મને તારા વિશે બધું જ જણાવ. તારી ઈન્સ્ટાગ્રામ આઇડી આપ.”
“શું કરીશ તું મારી ઈન્સ્ટાગ્રામ આઇડી લઈને? મને સ્ટોક કરીશ? હું ત્યાં કશું જ શેર નથી કરતી. તારે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી જ જોવી હોય ટુ ઠીક છે, મારી આઇડી સેન્ડ કરું છું.”
એણે એક લિંક મોકલી. આશુતોષે એ લિંક ખોલી. ઈન્સ્ટાગ્રામ પર નિર્ઝર કરીને એક એકાઉન્ટ હતું. ડિઝનીની એનિમેટેડ મૂવીની ફિલ્મની કોઈ હીરોઈનનો ફોટો એણે ડીપીમાં રાખ્યો હતો. એણે સાચે જ એક પણ પોસ્ટ નહોતી મૂકેલી. એણે ફરી એક મેસેજ મોકલ્યો,
“મને હવે તારી પર વિશ્વાસ નથી આવતો.”
“ઠીક છે. એવું બની શકે. હું ઈચ્છીશ કે તું મારી સાથે વાતો ચાલું રાખે. આગળ જતા કોઈ પણ સ્ટેજ પર તને એવું લાગે કે હું તને ફસાવી રહી છું કે તારો ફાયદો ઉઠાવી રહી છું ત્યારે તું મને બ્લૉક કરી દેજે.”
“મારે તારા વિશે જાણવું છે. તારું નામ, ફેમિલી, તારા જીવન વિશે, તારું કામકાજ ટૂંકમાં બધું જ.”
“મારા વિશે તને જણાવવામાં મને કોઈ જ વાંધો નથી પણ હા, પછી કહેતો નહીં કે મેં તને ચેતવ્યો ન્હોતો. મારી દાસ્તાનમાં નકરું દર્દ ભર્યું છે. તે વિચાર્યું પણ નહીં હોય એવી જિંદગી હું જીવી છું. જે દર્દ આજ સુધી મેં મારા સીનામાં દબાવી રાખ્યું છે એને તું તારા દિલમાં થોડીક જગ્યા આપવાનું કહી રહ્યો છે. તું એ જીરવી શકીશ?”
“આ ગોળ ગોળ વાતોમાં મને કંઈ સમજાતું નથી. મારી બસ એક જ ડિમાન્ડ છે કે મારે તારા વિશે બધું જ જાણવું છે.”
“જણાવીશ પણ એક શરત પર.”
“શું?”
“વચન આપ કે મારા વિશે બધું જ જાણીને તું મારા પ્રેમમાં નહીં પડી જાય.”
નિર્ઝરના મેસેજ સાથે ત્રણ હસતા ઇમોજી આવ્યા હતા.
આશુતોષે પણ સામે એવા જ હસતા ઇમોજી મોકલી આપ્યા. એણે વિચારેલું કે જ્યારે એ કહેશે કે મારે તારા વિશે બધું જ જાણવું છે ત્યારે સામેથી નિર્ઝર નામની આ અજાણી છોકરી એને પોતાનું સાચું નામ, વ્યવસાય, ભણતર, એના શહેરનું નામ વગેરે વિશે ટૂંકમાં જણાવશે પણ અહીં તો વાત કોઈક અલગ જ રસ્તે આગળ વધી રહી હતી અને આશુતોષને હવે એમાં રસ પડી રહ્યો હતો.
“આ હસવાની વાત નથી. વચન આપ.”
“વચન આપ્યું. તું વિશ્વાસુંદરી, બ્રહ્માંડ સુંદરી હોય તો પણ હું તારા પ્રેમમાં નહીં પડું.”
“તું હંમેશા મારો બેસ્ટ ફ્રેન્ડ બની રહીશ.”
“પહેલા ફ્રેન્ડશિપ તો થાય, બેસ્ટ ફ્રેન્ડ બનવું પછીની વાત છે.”
“હું કોઈ લેખક નથી છતાં એક લાંબી વાર્તાની જેમ હું તને  મેસેજમાં જ મારી આખી વાત લખીને જણાવીશ.”
“ઓકે, હું તને કૉલ કરું? તું મારી સાથે ફોન પર વાત કરી શકે છે, લાંબુ લાંબુ લખવું નહીં પડે.”
“મને તારી સાથે વાત કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. તારે જો ખાતરી જ કરવી હોય કે સામે છેડે સ્ત્રી છે કે પુરુષ તો તું હાલ જ મને કૉલ કરી શકે છે પણ મારી કહાણી બોલીને કહેવા કરતા એ હું તને લખીને જ જણાવીશ.”
“તું ચાલુ કર.”
આશુતોષ ફોન સામે જોઈ રહ્યો. ટાઈપિંગ... ટાઈપિંગ... ટાઈપિંગ...
થોડીક વાર રાહ જોયા બાદ એ ફોન ચાર્જિંગમાં મૂકી ઊભો થયો ને બાથરૂમમાં ઘૂસ્યો. ટુવાલ લપેટી કિચનમાં આવ્યો. એક તપેલીમાં થોડુંક પાણી ભરી એને ગેસ પર મૂકી. ગેસ ચાલુ કરી ટાટા ઇન્સ્ટન્ટ ટીનું એક પાઉચ ખોલી એણે તપેલીમાં નાખ્યું. પ્લેટફોર્મ પર એકેય કપ દેખાતો નહતો. એને યાદ આવ્યું કે નિર્ઝર નામી કોઈ બહેરૂપીએ એનું ઘર સાફ કરવા એક બાઈ મોકલી આપી હતી અને એણે બધું વ્યવસ્થિત રીતે ગોઠવીને મૂકી દીધું હતું.
અવ્યવસ્થાને વ્યવસ્થા માનનારા આશુતોષે બે મિનિટની શોધખોળ બાદ એ ખાનું શોધી લીધું જેનો ઉપયોગ મહત્તમ ઘરોમાં કપ મૂકવા થતો હોય. એણે કપમાં ચા રેડી અને કપ સાથે જ બેડરૂમમાં આવ્યો. એક ટેબલ પર કપ મૂકી એણે કબાટ ખોલ્યું. એની પાસે આટલા બધા શર્ટ છે એની એને આજે જ ખબર પડી! એણે મહિનાઓથી ન પહેરાયેલું એક ઘાટા વાદળી રંગનું શર્ટ અને કાળું પેન્ટ બહાર કાઢ્યા. કપડાંની થપ્પીમાં વ્યવસ્થિત રીતે ગોઠવીને મૂકેલું શર્ટ ખેંચવા જતા એ થપ્પી જરીક અસ્તવ્યસ્ત થઈ પણ આજે આશુતોષે એને સંભાળી લીધી હતી.
શર્ટ પહેરી એના બટન બંધ કરતા કરતા જ એણે ચા ઘટકાવી લીધી. પેન્ટ પહેરતા પહેરતા ફોન પર પણ એક નજર નાખી. ઓફિસમાંથી કેટલાક મેસેજિસ આવેલા હતા. આશુતોષે એ ચેક કરી જરૂરી જવાબ આપ્યો ને પછી એ ફોન ગજવામાં સેરવી ઓફિસ જવા નીકળી ગયો.
આખો દિવસ એ કામમાં ગળાડૂબ રહ્યો. નિર્ઝર નામે કોઈ અજાણી છોકરી સાથે એને વોટ્સએપના માધ્યમથી થોડોક પરિચય છે એ વાત પણ એ ભૂલી ગયો હતો. હજી ગઈ કાલે રાત્રે જ એ પોતાની ક્યારેય ન થઈ શકેલી ભૂતકાળની પ્રેમિકાના મૃત્યું વિશે જાણીને રડ્યો હતો. એ ઘટનાની થોડીવાર પહેલા એણે લાંબા સમય બાદ ઘરે વાત કરી હતી, એને ખૂબ સારું લાગ્યું હતું. ઘડીકમાં ખુશી ઘડીકમાં ગમ એને થયું કે આ તે કંઈ જિંદગી છે કે ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મનું ટ્રેલર!
એ વિચારે ચઢ્યો. એને લાગતું હતું કે એના જીવનમાં ખરેખર સુખ કે દુખ જેવું કંઈ અનુભવાય એવા પ્રસંગ ઓછા બન્યા છે. એકંદરે એ એક નીરસ કહી શકાય એવી જિંદગી જીવ્યો છે. એક એવરેજ લાઈફ. જેમાં કોઈ મોટા ઉતાર ચઢાવ નથી આવ્યા. એનું બાળપણ કેવું વીત્યું? સામાન્ય. એનું શાળાકીય જીવન કેવું વીત્યું? સામાન્ય. પ્રેમના મામલામાં એનું સ્ટેટસ શું છે? ફરીથી સામાન્ય, જ્યારે કે એ પણ હીર-રાંઝા કે લૈલા-મજનૂ જેવી એક ઉત્કૃષ્ટ પ્રેમકથા આ દુનિયાને આપી શકે એમ હતો, આપી શકે એમ છે. હવે આગળનું એનું જીવન કેવું રહેશે? સામાન્ય, એ કોઈ ભવિષ્યવેતા નથી, છતાં એ કહી શકે છે કે આગળનું બધું પણ સામાન્ય જ રહેશે. નવાઈની વાત એ છે કે બધું જ સામાન્ય હોવા છતાં જીવનનમાં મળતા સુખ અને દુખ સમાન નથી. એક નાનકડી ખુશી શું મળે કે તરત પાછી દુઃખની હારમાળા રચાય છે. સહેજ મનને ગમતું કંઈક બનવા લાગે કે અચાનક જ જિંદગી એવા વળાંક લે છે કે ફરી પાછી ઉદાસી છવાઈ જાય. આ તે કેવું જીવન છે, બધું જ સામાન્ય હોવા છતાં કોઈ એક દિવસે હું ખુશ જ હોઈશ એવું ખાતરી પૂર્વક નથી કહી શકાતું. તકલીફ પાછી એ નથી હોતી કે હું ઉદાસ છું, તકલીફ એ છે તમારી એ તકલીફ લોકો સમજવા જ નથી માંગતા. તમે જો કોઈકને એમ કહી દો કે મારી લાઈફમાં બધું ઠીકઠાક છે અને એ છતાં મને મજા નથી આવી રહી, અંદરથી મને ખુશી જેવું કંઈ ફિલ નથી થઈ રહ્યું અને મહેરબાની કરીને મને એકલો છોડી દો તો કોઇને તમારી વાત સમજાશે જ નહીં. તમારી ઈચ્છા ભેંકડો તાણીને રડવાની થતી હોય અને તમારે ફરજિયાત ચહેરા પર સ્મિત સજાવી બેસી રહેવું પડે એના જેવું જ આ થયું. તમારે શા માટે રડવું છે એની તમને જ જાણ ના હોય, રડવાનું મન થાય પણ રડી ના શકાય એવી જ પરિસ્થિતિમાં આજના કેટલાય યુવાનો જીવી રહ્યા છે. એમાંય તમે જો એકદંરે સારા કહી શકાય એવા પુરુષ છો તો તમારા જીવનમાં એવું કંઈકનું કંઈ બનતું રહેશે જેથી તમારી આંખોમાંથી અદ્રશ્ય આંસુ ખરતા રહે. લોકો એ આંસુ ક્યારેય જોઈ નહીં શકે અને એ તમારે માથે સ્વાર્થી, મતલબી, જડ, એક્કલહુરો ને આવા બીજા અનેક લેબલ ચોંટાડતા રહેશે.
આશુતોષ મોબાઈલમાં રીલ્સ સ્ક્રોલ કરતાં કરતાં વિચારી રહ્યો હતો. એક વીડિયોમાં એણે જોયું કે ગેસ પર મૂકેલી તવીમાં શેમ્પૂ નાંખી કોઈક અદ્દભુત વસ્તું બનાવી રહ્યા હોવાનો દાવો થઈ રહ્યો હતો. સાત મિનિટ સુધી પબ્લીકને ઉલ્લું બનાવ્યા બાદ વિડિઓ અડધેથી પૂરો થઈ ગયો હતો. એ વીડિયોને દસ લાખથી પણ વધારે લોકોએ જોયો હતો. આશુતોષને નવાઈ લાગી કે આ વીડિયોમાં જોવા જેવું શું હતું? એને આટલા બધા વ્યુ શેને માટે મળ્યા હશે? એણે આ વીડિયો શા માટે જોયો? ધારો કે શેમ્પૂ ગરમ કરીને કોઈક નવી વસ્તુ બની પણ ગઈ હોત તો એ એના શું કામની હતી? એ ક્યારેય એવો અખતરો કરવાનો નહતો છતાં એણે આખો વિડિઓ જોયો હતો! સમયનો કેવો બગાડ અને એ પોતે પણ બધું જ જાણવા સમજવા છતાં સમય બરબાદ કરી રહ્યો હતો? ના...આશુતોષની અંદરથી જ કોઈકે જવાબ આપ્યો. પોતે રીલ્સ એટલા માટે જુએ છે કે એને ખ્યાલ આવે કે આજની પબ્લિક ને શું ગમે છે. કેવા કોન્ટેન્ટ તરફ લોકો આકર્ષાય છે. કેવા વીડિયોને વધારે રીચ મળે છે.
વીડિયોની રીચ! ગજબનો કોન્સેપ્ટ છે આ પણ, માણસોને એમની રિચની જેટલી નથી પડી એટલી એમના વીડિયોની રિચની પડી છે. એમની પહોંચ ભલે એમના બેડરૂમની બહાર આવેલી ગેલેરી સુધીની પણ ના હોય એમના વિડિઓ દેશભરમાં પહોંચવા જોઈએ. વાસ્તવિક દુનિયામાં ભલે એમને પેથોભા પણ ઓળખતો ન હોય ઓનલાઇન ને ઇન્ટરનેટની દુનિયામાં એમનું આઇડી લાખો ફોલોવર્સ ધરાવતું હોવું જોઈએ.
આશુતોષ કોઈ જ હેતુ વગર ફોન હાથમાં લઈ બેઠો હતો. રીલ્સ જોઈ સમય પસાર કરી રહ્યો હતો. એણે વોટ્સેપ ચેક કર્યું. સાત આઠ મેસેજિસ વચ્ચે એની નજર એક ખાસ નામ પર અટકી હતી. ચિટર ચુડેલ નામ જોતા જ એણે મેસેજ ખોલ્યો.