“હેય આશુતોષ...
આજે હું તને દોદોહી વિશે બધું જ જણાવીશ. જાણું છું કે તું એની પર વિશ્વાસ નહીં કરી શકે પણ આ જ હકીકત છે.
દોદોહી. આવું વિચિત્ર નામ?
આ નામ વિચિત્ર નથી પણ કોરિયન છે.
ઓન પેપર એનું નામ હજી થોડુંક લાંબુ છે પણ અહીંના લોકોને બોલવું અને સમજવું સરળ રહે માટે ટૂંકમાં દોદોહી રાખ્યું છે.
એના જન્મને હજી અઢાર વરસ જ થયા છે છતાં એમ કહી શકાય કે હાલ તું જે યુવતીને મળ્યો એ એનો બીજો જનમ છે.
એનો જનમ થયો ત્યારે એના પિતા સાઉથ કોરિયાની એક કંપનીમાં કામ કરતા હતા. એ ત્યાં યુદ્ધ માટેના ઘાતક શસ્ત્રો બનાવતા. દોદોહી પણ વરસો સુધી ત્યાં જ રહી હતી. એક વાર નોર્થ કોરિયાએ અચાનક કરેલ હુમલામાં દોદોહી સપડાઈ ગઈ હતી. એનું આખું શરીર મિસાઇલ હુમલામાં ઘાયલ થયું હતું. એને તાત્કાલિક સારવાર અપાઈ હતી છતાં એના હાથ પગ સરખું હલનચલન નહોતા કરી શકતા. એના પિતાએ જાતજાતની સારવાર કરાવી જોઈ પણ કોઈ ફરક નહોતો પડ્યો. પછીથી ચીનમાં એની તકલીફ પકડાઈ હતી ને ત્યાં એનો ઈલાજ થયેલો. હાથપગ સરખું કામ કરતા થયા ત્યારે પછી એનો અવાજ ચાલી ગયો હતો. એની સારવાર થઈ ત્યાં ખ્યાલ આવેલો કે માનસિક રૂપે એ સ્થિર નહોતી.
એની પર યુધ્ધની ઘણી ગંભીર અસર થઈ હતી. એ કોઈ પર વિશ્વાસ નહોતી મૂકી શકતી. જ્યાં પણ એને એવું લાગે કે સામેવાળી વ્યક્તિ દુશ્મન છે એ તરત ચીસાચીસ કરી એની પર હુમલો કરી દેતી. ડોકટરોનું કહેવું હતું કે એને હવે યુદ્ધ ચાલી રહ્યું હોય એવી જગ્યાએથી દૂર રાખવામાં આવે. એની સાથે એવી કોઈ યુદ્ધ વિષયક વાતચીત પણ ન કરવી જેથી એ ઉશ્કેરાઈ જાય.
એની ચામડી પર લડાઈની નિશાનીઓ હતી. કેટલાય ઘાવ એવા હતા જે રુઝાઈ જરૂર ગયેલા પણ એના વિચિત્ર નિશાન દોદોહીના શરીર પર છોડતા ગયેલા. એની પણ વિશેષ સારવાર અપાઈ હતી. આજે એના શરીર પર એક નાનું એવું નિશાન કે ડાઘ પણ તને ક્યાંય જોવા નહીં મળે.
શારીરિક રીતે તો એ ઝડપથી ઠીક થઈ હતી પણ માનસિક રીતે ઠીક થતા એને વરસો લાગ્યા હતા. એક બાદ એક કેટલીય સારવાર અપાઈ. સ્પેશિયલ ટ્રેનિંગ ક્લાસ ભરાવાયા. જાતભાતના પુસ્તકોનો એની પાસે અભ્યાસ કરાવાયો. દુનિયાભરમાંથી મંગાવેલી બેસ્ટ ફિલ્મ્સ એને દેખાડવામાં આવી. આધુનિક ટેક્નોલોજીની છેલ્લામાં છેલ્લા ઢબની જે પણ શોધ થઈ હતી એનાથી એને માહિતગાર કરાઈ. આ સાથે કુકિંગ, ઘરની સાફસફાઈ, બેઝિક એટિકેટ વગેરેમાં પણ એને કુશળતાથી તૈયાર કરાઇ જેથી એ પાછલું બધું ભૂલીને એ નવા જીવનનો આનંદ ઉઠાવી શકે.
હજી વરસ પહેલાં જ એને એક યુવાન સાથે બહાર જવાનું થયું હતું. એ કોઈ રોમેન્ટિક રિલેશનશિપમાં નહોતા. એમની વચ્ચે જસ્ટ લગ્ન માટેની વાતચીત ચાલી રહી હતી. એ છોકરાએ આવેશમાં આવી એની સાથે કોઈ ગલત હરકત કરવા પ્રયત્ન કર્યો હતો ને જવાબમાં દોદોહી એ એક પંચ મારીને એ છોકરાનું નાક તોડી નાંખ્યું હતું. એણે પછી દોદોહી પર કેસ કર્યો હતો. કેટલાય મહિનાઓ સુધી એના પિતા તેને બચાવવા કોર્ટના ધક્કા ખાતા રહેલા. કેટલીય જાતની લાંચરુશવત આપવી પડેલી. એ છોકરાને કેસ પાછો લેવા સમજાવતા એણે ખાસ્સી મોટી રકમ માંગી હતી. છેવટે એમણે એની એ માંગ પૂરી કરી ત્યારે જઈને એનો છુટકારો થયો હતો. પછીથી એને ચાઈના છોડી ઈન્ડિયા મોકલી દેવાઈ હતી. ત્યારથી એ અહીં જ મારી દેખરેખ હેઠળ કામ કરે છે.
એના પિતાને આ છોકરીની ચિંતા થતી હતી. એનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે તે વધારે પડતી સરળ ને સીધી છે. એને જુઠ્ઠું બોલતા કે પોતાના સ્વાર્થ માટે ચાલાકી કરતા નથી આવડતું. વસ્તુંઓને, માણસોને સમજવાની એની એક આગવી રીત છે અને એ પ્રમાણે તે બધું જ સમજવાનો પ્રયત્ન કરતી રહે છે. એને માણસની લાગણીઓ સમજતા થોડી વાર લાગે છે. એ હસી શકે, સ્મિત આપી શકે પણ રડવું ક્યારે કે ગુસ્સો ક્યારે કરવો એ સમજવામાં હજી થોડી કાચી પડે છે. એને એક એવો જીવનસાથી જોઈએ છે જે એને દરેક રીતે સમજી સપોર્ટ કરી શકે. એને થોડો સમય આપી શકે જેથી એ એની લાગણી સમજી એ રીતે સામો જવાબ આપી શકે. કોઈ જો એની સાથે જબરદસ્તી કરવા જાય તો પછી એ સ્વબચાવમાં કંઈ પણ કરી શકે. મતલબ કે જેમ આગળ એક પંચ મારીને છોકરાનું નાક તોડી નાખ્યું હતું એમ આ વખતે કંઈક નવું અંગ તોડી શકે. અમે એને ખૂબ તૈયાર કરી છે, શાંત રહેવા સમજાવી છે પણ જ્યાં સુધી એ કોઈ નવા છોકરા સાથે હળેમળે નહીં ત્યાં સુધી એનું વર્તન પારખવું અમારે માટે પણ મુશ્કેલ છે.
તારે એને મળવું છે તો મને કોઈ વાંધો નથી. હું એને તું કહે ત્યાં મોકલી આપીશ પણ તારે મને વચન આપવું પડશે કે તું એની સાથે કોઈ ગલત વ્યવહાર નહીં કરે.
એક બીજી વાત, દોદોહી ટેકનોલોજીની જાણકારી બાબતે સામાન્ય માણસો કરતા ઘણી વધારે હોશિયાર છે. તું એની સાથે ચર્ચા કરીશ તો એ તને પણ ગાઇડ કરશે. તું જો હું મર્દ છું એમ વિચારી એની સાથે હરિફાઈ કરવા જઈશ તો એ તને ક્યાંય પાછળ છોડી દેશે. આ વખતે તારો મેલ ઇગો, અહમ, વચ્ચે આડો ના આવે એનું તારે ધ્યાન રાખવું પડશે.
આશુતોષે મેસેજ વાંચ્યો ને વિચારમાં પડ્યો. એને એમ કે આટલી રૂપાળી છોકરીને કોઈ માનસિક તકલીફ હશે. ‘તારે જમીન પર’ નામની એક ફિલ્મમાં છોકરાને ઓટિઝમ હતું. કેટલીક વેબસિરિઝમાં પણ એણે જોયું હતું કે અમુક વ્યક્તિઓમાં મગજનો કોઈ એક ભાગ વધારે એક્ટિવ હોય. એવા લોકો અમુક વાતે માણસો કરતા ખૂબ આગળ હોય પણ સામાન્ય વાતોમાં કે સાચી રીતે લાગણી દર્શાવવામાં એ પાછળ રહી જતા હોય. જો કોરિયામાં જોયેલાં યુધ્ધની યાદોને લીધે એ ડિસ્ટર્બ થતી હોય તો ભારત જેવા શાંત દેશમાં એને એ ફરિયાદ નહીં રહે. હું એને એટલો પ્રેમ આપીશ કે ભૂતકાળમાં જોયેલી લડાઈની બધી જ યાદ એ ભૂલી જશે.
એણે મનોમન નક્કી કરી લીધું કે એ દોદોહીને દરેક રીતે સપોર્ટ કરશે. એને ક્યાંય કોઈની આગળ શરમમાં નહીં મુકાવા દે. પોતે એનો પડછાયો બની એની સાથે સાથે ને રહેશે. એણે સામો મેસેજ કર્યો.
“હું તારી વાત સમજું છું નિર્ઝર. તું બિલકુલ ચિંતા ના કરીશ. દોદોહી હવે મારી જવાબદારી છે. હું એનું પૂરતું ધ્યાન રાખીશ. રહી વાત ગલત હરકત કરવાની તો એવું તો હું વિચારી પણ ના શકું. દુનિયાની કોઈ પણ સ્ત્રી સાથે હું ગલત વ્યવહાર ન કરી શકું, દોદોહી ને હું ચાહવા લાગ્યો છું. એની મરજી વગર હું એને આંગળી પણ નહીં અડાડી શકું.”
આશુતોષે મેસેજ સેન્ડ કરી બે મિનિટ રાહ જોઈ. સામેથી કોઈ જવાબ ના આવ્યો એટલે એ ઊભો થયો ને બાથરૂમમાં ઘૂસ્યો. એ ઓફિસ જવા નીકળ્યો ત્યાં સુધી એક પણ નવો મેસેજ નહોતો આવ્યો. ઓફિસે પહોંચીને એણે ફોન હાથમાં લીધો ત્યારે એમાં એક મેસેજ આવી ચૂક્યો હતો.
“તું એક ઉમદા યુવાન છે આશુ. તારી લાવણ્યા તરફની લાગણી જોઈને જ મને થયું હતું કે દોદોહી માટે તું બેસ્ટ લાઇફ પાર્ટનર બની શકીશ. મારે બસ તારો પોઝીટીવ પ્રતિભાવ જાણવો હતો. હું આજે સાંજે એને એ જ કાફેમાં મોકલી આપીશ જ્યાં તમે બંને પહેલીવાર મળ્યા હતા. તું એની સાથે વાતચીત કર અને એને સમજવાનો પ્રયત્ન કર.”
મેસેજ વાંચતા જ આશુતોષને સાતે કોઠે દીવા થઈ ગયા હતા. આજે ફરી એની સ્વપ્નસુંદરી સાથે મુલાકાત થશે એ વાત જ એના ચહેરા પર લાલી લઈ આવી હતી. એણે તરત સામે બે થમ્સ કરત અંગૂઠાના ઇમોજી મોકલી આપ્યા હતા. બાકીનો આખો દિવસ એ ખુશમિજાજ રહ્યો. એના સ્ટાફ મેમ્બર્સ, એના બોસ બધાએ એનામાં આવેલો આ ફેરફાર નોંધ્યો હતો. સાંજે એણે એના બૉસ આગળ વિનંતી કરતા થોડાક વહેલા ઘરે જવાનું કહ્યું હતું. બોસે કારણ પૂછ્યું હતું ને આશુતોષ છોકરીને મળવા જઈ રહ્યો છે એ જાણીને એમણે એને કંપનીની ગાડી લઈ જવા સૂચવ્યું હતું. એમનું કહેવું હતું કે છોકરીઓને નાની ઉંમરે જ સફળ થયા હોય એવા યુવક ગમતા હોય છે.
આશુતોષે એમનું સૂચન સ્વીકાર્યું હતું. એણે નક્કી કર્યું કે પોતે પણ હવે ટૂંક સમયમાં ગાડી ખરીદી લેશે. મુંબઈના ભારે ટ્રાફિકમાં આમ તો બાઇક પર ફરવું વધારે સારું હતું પણ એ તો ઓફિસ જવા–આવવા પૂરતું. દોદોહી જેવી યુવતી એના જીવનમાં પ્રવેશે ત્યારે તો એ એને ગાડીમાં જ બધે ફેરવશે.
એ પોતાની બાઇક ઓફિસના પાર્કિગમાં છોડી ત્યાંથી કંપનીની ગાડી લઈને નીકળ્યો હતો. ડ્રાઈવરે ચાવી આપતા પૂછ્યું હતું કે ‘પોતે સાથે આવે?’ પણ આશુતોષે એને મનાઈ કરી ચાવી લઈ લીધી હતી. એ નહોતો ઈચ્છતો કે એની અને દોદોહી વચ્ચે ત્રીજું કોઈ આવે.
ઘરે જઈ આશુતોષે પહેલા તો ચહેરો ઘસી ઘસીને ધોયો હતો. જરાક જરાક વાળ આવી ગયા હતા ત્યાં ફરીથી એણે રેઝર ફેરવી આફ્ટર સેવ લોશન લગાડ્યું હતું. કબાટમાં હતા એટલા કપડાં બહાર કાઢી એણે પલંગ પર ઢગલો કર્યો હતો. જે નવા કપડાં એણે ખરીદ્યા હતા એમાંથી એક લાઈટ બ્લ્યુ ટીશર્ટ અને ઘેરું વાદળી જીન્સ પસંદ કરી એણે પહેર્યું. નવા મોજા સાથે કોઈ ખાસ પ્રસંગ માટે સાચવી ને રાખેલા નવા સ્પોર્ટ સૂઝ ચઢાવ્યા. પોતાની ચારે બાજુ પરફ્યુમના ફુવારા ઊડાડયા ને આંખો પર નવા ગોગલ્સ ચઢાવી એ રેડી થઈ ગયો.
એણે નિર્ઝરને મેસેજ કર્યો.
“હું કાફેમાં જવા નીકળી રહ્યો છું. વીસેક મિનિટમાં પહોંચી જઈશ.”
સામેથી તરત જ જવાબ આવ્યો,
“હું એને મોકલી આપું છું. એને ત્યાં પહોંચતા 10 મિનિટ લાગશે.”
આશુતોષે ફ્લેટ લોક કર્યો ને નીકળી પડ્યો.
એ જ્યારે કાફેમાં પહોંચ્યો તો એણે જોયું કે પાર્કિંગ ફુલ હતું. એ જો બાઇક લઈને આવ્યો હોત તો ગમ્મે ત્યાં થોડીક જગ્યા જોઈને બાઇક ઘુસાડી દીધી હોત પણ આજે એની પાસે ગાડી હતી! અમુક જગ્યાએ લોકોએ બે ગાડી વચ્ચે વધારે પડતી જગ્યા છોડી હતી. એને લીધે જ જ્યાં ત્રણ કાર પાર્ક થઈ શકે એવી જગ્યાએ ફક્ત બે કાર મુકાઈ હતી. કેટલાક દ્વિચક્રી વાહનો આડેધડ પાર્ક કરાયેલા હતા. જ્યાં કાર મુકવાની હોય ત્યાં લોકોની બાઇક અને એક્ટિવા પડેલા હતા. એણે મનોમન એ બાઇકવાળાઓને ગાળો દીધી ને હવે પાર્ક ક્યાં કરવું એમ વિચારી ચારે તરફ જોઈ રહ્યો.
બરાબર આ જ સમયે એની પાછળ બીજી ગાડી આવી ગઈ હતી અને એ આશુતોષને કાર સાથે વચ્ચે ઊભો રહી ગયેલો જોઈ જોર જોરથી હોર્ન મારી રહ્યો હતો.
આશુતોષ ને ગુસ્સો આવી રહ્યો હતો. મૂરખને એટલી ખબર નહીં પડતી હોય કે આગળ જો જગ્યા હોત મેં ક્યારનીય મારી ગાડી ત્યાં પાર્ક કરી દીધી હોત – મનમાં બબડી રહેલો એ બરાબરનો ગુસ્સે ભરાયો હતો. એની આગળ પાછળ બંને બાજુ વાહનોની લાઇન લાગેલી હતી અને એ ઊભો રહી ગયો હતો. એની નજર લાઇનસર ઊભેલી બે ગાડીઓની વચ્ચેની એક ખાલી જગ્યા પર હતી પણ એ જગ્યા માપોમાપ હતી. એમાં ગાડી પાર્ક કરવા આસપાસ જે ખાલી જગ્યા જોઈએ એ એની પાસે નહોતી. એ હવે ના આગળ જઈ શકતો હતો, ના પાછળ. ચારેબાજુ વાગતા હોર્ન સાંભળી એ નર્વસ થઈ રહ્યો હતો ત્યાં એણે એક કાનને ગમતો અવાજ સાંભળ્યો.
“આશુતોષ...આશુ...."
એણે જોયું કે એની જમણી બાજુથી દોદોહી એને બોલાવી રહી હતી. એણે છેક કાર પાસે આવી ઈશારો કર્યો કે ગાડીનો ગ્લાસ નીચે ઉતાર.
આશુતોષે તરત એની બાજુના દરવાજાનો ગ્લાસ નીચે કર્યો એટલે તેણીએ કહ્યું,
“તું નીચે ઊતરી જા અને ગાડીની ચાવી મને આપી દે. હું પાર્ક કરીને આવી જઈશ."
“પણ તને ફાવશે? અહીં પૂરતી જગ્યા નથી!"
એ આગળ કંઈ કહે એ પહેલા તો દોદોહીએ ગાડીનો દરવાજો ખોલી નાંખ્યો હતો. આશુતોષ નીચે ઊતર્યો એવી જ એ અંદર ગઈ ને ગાડી આગળ લીધી. એની ડાબી બાજુએ જ્યાં બે ગાડીઓ લાઇનસર ઊભી કરેલી હતી એમની વચ્ચેની જગ્યા એણે જોઈ અને ગાડી એ તરફ લીધી. એણે પાર્કિગમાં મુકાયેલી આગળ વાળી ગાડીની લગોલગ પોતાની ગાડી લીધી ને પછી રિવર્સ લઈ એને એવી રીતે વાળી કે એ સીધી બે ગાડીઓની વચ્ચેની માપની જગ્યાએ ગોઠવાઈ ગઈ.
આશુતોષ માટે આ વાત કોઈ ચમત્કારથી કમ ન હતી. આટલી સફાઈથી ગાડી રિવર્સમાં લેતા એને કદાચ વરસોની પ્રેક્ટિસની જરૂર પડે. એણે પોતાની આખી જિંદગીમાં આવી રીતે ગાડી પાર્ક કરનાર આ પહેલી વ્યક્તિ જોઈ હતી અને એ પણ એક સ્ત્રી, એક છોકરી, દોદોહી!
એ નવાઈથી આંખો પહોળી કરીને જોઈ રહ્યો હતો. દોદોહી એની પાસે આવી. એણે ચાવી આપતા હળવા સ્મિત સાથે કહ્યું,
“અંદર જઈએ?"
“હા, હા, ચાલો."
એ આગળ ચાલી ને આશુતોષ એની લગોલગ ચાલવા લાગ્યો. આજે એણે સફેદ રંગનું પારદર્શક ટોપ અને ઢીંચણ સુધી આવતું જાડું બ્લ્યું રંગનું સ્કર્ટ પહેર્યું હતું. સફેદ ટોપની અંદર પહેરેલું પાતળી દોરી જેવી પટ્ટી વાળું ઇનર એની કમર સુધી પહોંચતું હતું. પાતળી કમર પર ઉપરથી ખુલતું ટોપ, એની અંદરનું ઇનર અને સ્કર્ટનો પહોળો પટ્ટો ચપોચપ બેસી જતા હતા. આજે એણે પગમાં છ ઇંચની પેન્સિલ હિલ્સ વાળી સેન્ડલ પહેરી હતી. એ પણ સફેદ હતી અને એની દોરી એના પાતળા પણ માંસલ પગ પર વીંટાળેલી હતી. એના ખુલ્લા સોનેરી ઝાંય વાળા રેશમી વાળ એની ચાલની હલક સાથે લહેરાઈ રહ્યા હતા. એની કાયા સાથે એના કપડાં પણ જાણે શરીરનો જ એક ભાગ હોય એમ દરેક અંગ સાથે તાલથી તાલ મિલાવી એની ચાલ સાથે ઝૂલી રહ્યા હતા.
આશુતોષે એડ એજન્સીમાં નોકરી સ્વીકારી ત્યારથી અનેક સુંદર મોડલ, એક્ટ્રેસને નજીકથી નિહાળી હતી. ઘણી બધી છોકરીઓ સુંદર હતી, એને ગમી હતી પણ દોદોહીની વાત જ નિરાળી હતી. એ કોઈ સામાન્ય છોકરી નહીં પણ સ્વર્ગમાંથી ઊતરી આવેલી કોઈ અપ્સરા, કોઈ પરી, જેવી હતી.