ફ્લૅશ બેક:
આશુતોષે દોદોહીને કહ્યું હતું કે એ પારિવારિક અને સ્ત્રી મેઈન રોલમાં હોય એવી ટીવી સીરિયલ જુએ. દોદોહીએ એવી ઘણી બધી ટીવી સીરિયલ જોઈ નાંખી હતી. એ આશુતોષને ઓફિસમાં ટિફિન આપવા ગઈ અને ત્યાંથી પાછી વળી એ વચ્ચે રસ્તામાં એની પાસે જે પણ સમય હતો એનો એણે ઉપયોગ કર્યો હતો. એણે જોયેલી તમામ સિરિયલોનો ડેટા એકત્ર કરી, એનું એનાલિસિસ કરી એ બે તારણ પર પહોંચી હતી –
૧) તમે સ્ત્રી છો તો ચૂપચાપ અન્યાય સહન ના કરો, ખૂણામાં બેસીને આંસુ સારતી સ્ત્રીની કોઈ વેલ્યૂ નથી કરતું.
૨) સ્ત્રીની ખરી દુશ્મન સ્ત્રી જ છે, પુરુષોને બેવકૂફ બનાવવું સરળ છે.
એણે નક્કી કર્યું હતું કે આશુતોષના ફ્લેટ પર જતા જ એ ટીનાને બરાબર સમજાવી દેશે કે એણે આશુતોષ માટે કેવું જમવાનું બનાવવું અને એનાથી કેટલા ફૂટ દૂર રહેવું. એ જો પોતાની વાત નહીં જ માને તો આજે દોદોહી કંપનીના બધા જ નિયમોની ઐસીતૈસી કરીને ટીનાને આશુતોષના ઘરમાંથી બહાર કાઢી મૂકવાની હતી.
આ બાજુ આશુતોષે નિર્ઝરને જે છેલ્લો મેસેજ મોકલ્યો હતો એમાં દોદોહી સાથે લગ્નનો કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી હતી. નિર્ઝરે એ મેસેજ તરત જ એની કંપનીમાં ફોરવર્ડ કર્યો હતો. એણે ટીના સાથે વાત કરી સવારે બેડરૂમમાં જે બન્યું એ વિશે પૂછ્યું હતું. ટીનાનું કહેવું હતું કે એને કંઈ સમજાતું નથી કે એને શું થઈ ગયું હતું? એ સમયે એનું આખું શરીર આશુતોષને વીંટળાઈ વળવા તૈયાર હતું. એના હોઠ આપોઆપ જ આશુતોષ તરફ લંબાઈ ગયા હતા. ફરીથી એનાથી આવું થઈ જશે કે નહીં એ બાબતે એને કોઈ આઇડિયા નહતો.
નિર્ઝર અને ટીના વચ્ચે વાતચીત ચાલું હતી ત્યારે જ દોદોહી ત્યાં આવી ગઈ હતી. એણે ઘરમાં આવતાની સાથે જ બૂમ પાડી ટીનાને બોલાવી હતી.
“તને આશુતોષ ગમે છે, રાઇટ? તું એના પ્રેમમાં પડી ગઈ છે. એક રોબોટમાં આવી બધી લાગણીઓ ના હોય શકે પણ આપણે કોઈ સામન્ય રોબોટ્સ નથી. આપણે સુપર ઇન્ટેલિજન્ટ અને માનવીની જેમ વિચારી શકીએ એવા રોબોટ્સ છીએ અને એટલે જ તું આશુતોષ જેવા પુરુષ પ્રત્યે આકર્ષાય એને હું નોર્મલ માનું છું, પણ તારે એક વાત યાદ રાખવી પડશે, એ મારો છે. ટૂંક સમયમાં જ અમે લગ્ન કરવાના છીએ અને મને એ સહેજે નહીં ગમે કે તું મારા પતિ પર નજર બગાડે. સીધી રીતે કહું તો તારા સૉફ્ટવેરમાંથી આશુતોષ માટે જે પણ લાગણી જન્મી હોય એને હાલ ને હાલ ડિલીટ કર. જરૂર પડે તારી આખી સિસ્ટમ રીબુટ કર અને આશુતોષ સાથેનું જે કંઈ તારી મેમરીમાં સ્ટોર થયું હોય એ બધું જ રી–સેટ કર.
ટીનાએ કહ્યું હતું કે, “મને નથી ખબર પ્રેમ એટલે શું? કોઈક પ્રત્યે આકર્ષાવું એટલે શું? જો એવું શક્ય હોય, જો મારી સાથે એવું કંઈક બની રહ્યું છે, અને ખરેખર મને આશુતોષ ગમવા લાગ્યો છે તો હું એ લાગણી ક્યારેય ડિલીટ નહીં કરું. તું આશુતોષને ચાહે છે કેમ કે તને એવી રીતે પ્રોગ્રામ કરી છે જ્યારે કે હું આશુતોષને કેમ ચાહું છું એની મને જ ખબર નથી. એ લાગણી એની મેળે જન્મી છે. આપણા બંનેમાં આશુતોષ પ્રત્યેની મારી લાગણી સાચી છે અને એ જ ટકવી જોઈએ. તું તારા સૉફ્ટવેરમાંથી આશુતોષનું નામ ડિલીટ કરી દે. આમેય એને તું પસંદ નથી.”
“તમે બંને આ શું ચર્ચા કરી રહી છો? તમે બે જણીઓ કોઈ સામન્ય માનવ-સ્ત્રીઓ નથી પણ સુપર ઇન્ટેલિજેન્ટ રોબોટ્સ છો એ ભૂલી ગઈ છો?" નિર્ઝર મોટેથી દોદોહી અને ટીનાને એમના બોડીમાં ઇનબિલ્ટ સ્પીકરમાંથી કહી રહી હતી.
“હું ભલે એક રોબોટ હોઉં પણ તમે મને એક સ્ત્રી તરીકે ડિઝાઇન કરી છે. તમે મને અશુતોષની પત્ની બનવા, મારી રીતે નવું નવું શીખવા, વિચારવા, અહીં મોકલી હતી. મારી રિસર્ચ કહે છે કે એક મ્યાનમાં બે તલવાર ના રહી શકે. આ ઘરમાં હવે હું કે ટીના બંનેમાંથી કોઈ એક જ રહીશું. હું આશુતોષની પત્ની બનવાની છું એટલે આ ઘર મારું છે, આશુતોષ મારો છે અને મારે અહીં ટીનાનું કોઈ કામ નથી. હું એને," દોદોહી વાક્ય પૂરું કરતા કરતા તો મ્યુટ થઈ ગઈ. અચાનક જ એને જાણે કોઈએ સ્ટેચ્યુ કહી દીધું હોય એમ એ સ્થિર થઈ ગઈ હતી.
દોદોહી નિર્ઝર સાથે વાત કરી રહી હતી ત્યારે ટીનાએ એની પાછળ જઈને એના માથાની બાજુમાં, કાનની સહેજ ઉપરના ભાગે આવેલી એક સ્વીચ દબાવી દીધી હતી. દોદોહી બંધ થઈ ગઈ હતી. તમે ટીવીનું એક બટન દબાવો અને ટીવી બંધ થઈ જાય એવું જ દોદોહી સાથે બન્યું હતું.
“ટીના...? તે દોદોહીને સ્વીચ ઑફ કેમ કરી?” નિર્ઝર ટીનાને કહી રહી હતી.
“એણે જ તો કહ્યું કે એક મ્યાનમાં બે તલવાર ના રહી શકે. એ મને નુકશાન પહોંચાડે એ પહેલા મેં એને બંધ કરી દીધી. મારા ઇનબિલ્ટ પ્રોગ્રામમાં આ ક્રિયાને આત્મરક્ષણ એટલે કે સેલ્ફ ડિફેન્સ કહે છે અને જ્યાં મને લાગે કે સામે ખતરો છે ત્યારે હું આમ કરી શકું છું.”
“અરે જ્યારે એ ફરી એક્ટિવ થશે ત્યારે તું શું કરીશ? એ તને નુકશાન પહોંડશે તો? હું એને સમજાવી રહી હતી ત્યારે,"
હજી તો નિર્ઝર આ કહી રહી હતી ત્યાં જ ટીનાએ આગળ વધીને દોદોહીના ડ્રેસની ચેન ખોલી એની પીંઠ ઉઘાડી કરી હતી.
“સ્ટોપ ટીના, આ તું શું કરી રહી છે? હું કહું છું રોકાઈ જા,"
નિર્ઝરનો બૂમો પાડતો અવાજ આવતો રહ્યો અને ટીનાએ દોદોહીની પીંઠ પર એક જગ્યાએ આંગળી દબાવી હતી. એક નાની પ્લેટ એમાંથી બહાર આવી હતી જેની પર એક ચિપ લાગેલી હતી. ટીનાએ એ ચિપ બહાર કાઢી લીધી હતી અને એને પોતાના હાથના કાંડામાં આવેલા એક શોકેટમાં ભરાવી હતી. લગભગ વીસ સેકન્ડ બાદ એણે એ ચિપ ત્યાંથી હટાવી એને પાછી દોદોહીની પીંઠમાંથી બહાર આવેલી નાની પ્લેટ પર લગાવી દીધી હતી.
“ઓલ કરંટ મેમોરી ડિલિટેડ!" ટીનાએ કહ્યું. એણે ફરી દોદોહીને સ્વીચ ઓન કરી એટલે કે ચાલુ કરી.
“આ તે શું કર્યું ટીના? હવે એની મેમરીમાંથી શું ડિલીટ થઈ ગયું ને શું બચ્યું છે એ આપણે નથી જાણતા. સાંજે આશુતોષ ઘરે આવશે ત્યારે એને શું જવાબ આપીશું? એ તો દોદોહીને ચાહવા લાગ્યો છે જ્યારે કે દોદોહી એને ભૂલી ચૂકી છે. એની સિસ્ટમ પ્રમાણે તો આશુતોષ નામની કોઈ વ્યક્તિને એ મળી જ નહોતી.”
“મેં જે કંઈ કર્યું એ મારા સેલ્ફ ડિફેન્સમાં, સ્વબચાવમાં કર્યું.” ટીના કહી રહી.
“તું હવે એક કામ કર. એને લઈને સીધી આપણી બિલ્ડિંગમાં આવી જા."
“જી હું આવું...,”
ટીનાનું વાક્ય અધૂરું રહી ગયું. એ હજી તો “આવું છું...” કહેવા જતી હતી પણ એના મોંઢેથી ખાલી ‘આવું’ જ બહાર આવ્યું હતું, ‘છું’ બોલાય એની પહેલાં બાજુમાં ઉભેલી દોદોહીએ એનાકોન્ડાની જેમ એની ગરદન લાંબી કરી હતી, એનું જડબું પહોળું થયું હતું અને ટીનાનું આખું માથું એના મોઢામાં લઈ ખાઈ ગઈ હતી! ટીનાનું હવે ફક્ત ધડ ઊભું હતું. એનું માથું દોદોહી ચાવી રહી હતી.
“ઓહ્ માય ગોડ! એ જ થયું જે નહોતું થવા દેવાનું. કામ ડાઉન દોદોહી તું મારી વાત સાંભળે છે? હું તને એક લોકેશન મોકલું છું તું ત્યાં આવી જા. રસ્તામાં કોઈને પણ હેરાન કર્યા વગર તું પહેલા એ લોકેશન પર પહોંચ. તું મારી વાત સાંભળી રહી છે? હાલ જ તું તને મોકલેલા લોકેશન પર પહોંચી જા.”
દોદોહી ચહેરા પર અત્યંત ક્રૂર ભાવ લાવીને સહેજ હસી હતી અને ફ્લેટની બાલ્કનીમાં જઈ ત્યાંથી નીચે કૂદી પડી હતી. નીચે પડતા જ એ ઊભી થઈ ગઈ હતી અને ત્યાંથી આશરે સીતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માંડી હતી. જેણે પણ એને દોડતાં જોઈ એ સૌ મોઢામાં આંગળા નાંખી એને જ તાકી રહ્યા હતા. એક જ પળમાં એ સૌની નજર આગળથી ગાયબ થઈ જતી હતી. લોકોને વિશ્વાસ નહોતો આવતો કે એમણે શું જોયું.
નિર્ઝરે એની દોડવાની સ્પીડ જોઈ હતી. એ ક્યાંય પણ સીસીટીવી કેમેરામાં દેખાઈ ના જાય એ માટેનું સ્પેશિયલ આવરણ એના બોડીમાં મૂકેલું હતું. નિર્ઝરે એ એક્ટિવેટ કરી દીધું હતું એટલે દોદોહી રસ્તા પરના એક પણ કેમેરામાં દેખાવાની ન હતી.
દોદોહી એના ઘરે પહોંચી હતી. એ આખી બિલ્ડિંગમાં ફરી રહી હતી અને જે પણ રોબોટ એની નજરે ચઢે એની તરફ એ ગરદન લંબાવી, મોઢું ફાડી, એનું માથું મોઢામાં લઈ એને ખાઈ જતી હતી.
“હેલો, હેલો, ઈમરજન્સી ઈમરજન્સી! દોડોહી નામની લેડી રોબોટ જેને પહેલા આપણે સાઉથ કોરિયામાં દુશ્મન દેશ સામે યુધ્ધ લડવા માટે બનાવી હતી, જેને દુશ્મન રોબોટ્સને શોધી ડિસ્ટ્રોય કરવાની તાલીમ અપાઈ હતી અને એક મિસાઇલ એટેક્નો સામનો કર્યા બાદ જેનું માનસિક સંતુલન બગડી જતા છેલ્લે એક સૌમ્ય છોકરી બની રહેવાની ટ્રેનિંગ અપાઈ હતી એ કાબુ બહાર થઈ ગઈ છે. એની મેમરીમાંથી બધી જ નવી ટ્રેનિંગ ડિલીટ થઈ ગઈ છે અને એ ફરી એક લડાયક રોબોટ બની બીજા રોબોટ્સને ડિસ્ટ્રોય કરી રહી છે. એને જલ્દી રોકો. આ એક ઇમરજન્સી છે એને હાલ જ રોકો.,” નિર્ઝરે એની કંપનીમાં આ વોઇસ મેસેજ મોકલ્યો હતો.
બીજી જ પળે સામેથી જવાબ આવ્યો હતો, “હેલો, દોદોહીને બીજા રોબોટ્સને ખલાસ કરવા માટે બનાવાઇ હતી. એ કદાચ માણસો પર હુમલો નહીં કરે. મારે એને સ્વીચ ઓફ કરતા એક મિનિટ લાગશે. ત્યાં સુધી એને રોકી રાખ."
નિર્ઝરે સામેથી આવેલો વોઇસ મેસેજ સાંભળ્યો ને મહેન્દ્રને કોલ કરી કહ્યું, “મહેન્દ્ર તારી લોબીમાં દોદોહી ઊભી છે. તું બહાર જઈ એની સાથે કંઇ પણ વાત કર. ગમ્મે તે કર પણ એને એક મિનિટ રોકી રાખ."
“ઓકે."
મહેન્દ્ર એક રૂપાળી રોબોટ છોકરીને હોઠ પર કિસ કરી રહ્યો હતો ત્યાં જ નિર્ઝરનો મેસેજ આવ્યો હતો. આ કામ હવે એના માટે નવું નહોતું. જ્યારે પણ કોઈ રોબોગર્લ મિસબિહેવ કરતી કે કોઈ વાતે મુંઝવણ અનુભવતી ત્યારે મહેન્દ્ર એની પાસે જઈ એને વાતોમાં વ્યસ્ત કરતો અને ત્યાં સુધી એને દૂરથી રિમોટ વડે બંધ કરી દેવાતી. મહેન્દ્ર પછી એ રોબોગર્લને ઉઠાવીને તેના રૂમમાં લઈ જતો ને કબાટમાં પૂરી દેતો.
આજે પણ એ ફૂલ કોન્ફિડન્સ સાથે દોદોહી સાથે વાત કરવા ગયો હતો. આ રોબોગર્લ પ્રત્યે એને કંઈક અલગ જ લગાવ હતો આખરે તો એ એના સાહેબ આશુતોષની થનારી પત્ની હતી.
“હેલો દોદોહી, આજની આશુતોષ સાથેના મુલાકાત,” મહેન્દ્ર એના ઓરડાની બહાર નીકળી લોબીમાં ગયો ત્યારે દોદોહી અવળી ફરીને ઊભી હતી. હજી નીચેથી એ જે બે રોબોગર્લના માથા તોડી મોઢામાં લેતી આવી હતી એને ચાવી રહી હતી. મહેન્દ્ર એની નજીક આવ્યો હતો. એણે દોદોહીને સંબોધીને વાત કરવાનું ચાલું કર્યું એવી જ એ મહેન્દ્ર સામે ફરી હતી. એની આંખોએ મહેન્દ્રને સ્કેન કર્યો હતો. એ રોબોટ નહોતો. એક ઘડી એ અટકી અને બીજી પળે એની ગરદન લાંબી થઈ મહેન્દ્રના માથા પર ઝળુંબી હતી. મહેન્દ્ર અચાનક જ બોલતા બોલતા જ અટકી ગયો હતો. એણે તો સુંદર ને સલામત લેડી રોબોટ્સ જોઈ હતી આવી ભયંકર રાક્ષસી જેવી રોબોટને મળવાનો આ એનો પહેલો અને છેલ્લો અનુભવ હતો. આંખોના ડોળા ફાડી એ દોદોહીના બહાર આવી ગયેલા લાંબા, અણીયાળા દાંત જોઈ રહ્યો હતો ને બીજી જ પળે એનું માથું દોદોહીના મોઢાંમાં હતું! લોહીનો એક ફુવારો ઊડ્યો હતો. આખી લોબીમાં ચારે તરફ જાણે લોહીનો વરસાદ થયો હતો. મહેન્દ્રનું ધડ ત્યાં ઊભું હતું. એનું માથું દોદોહીના વિશાળ રીતે ખુલેલા જડબા વચ્ચે હતું. દોદોહી એ જ હાલતમાં બંધ પડી ગઈ હતી. એને દૂરથી રિમોટ વડે સ્વીચ ઓફ કરી દેવાઈ હતી...
નિર્ઝર એક સોફ્ટવેર હતી છતાં લોબીમાં જે દૃશ્ય હતું એ જોઈ ફફડી ઊઠી હતી એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. એણે ફરી વોઇસ મેસેજ મોકલ્યો હતો, “દોદોહી ઇનેક્ટિવ થઈ ચૂકી છે. મહેન્દ્રનું માથું હજી એનાં મોઢામાં છે. મહેન્દ્રની આંખો હજી મારી સામે તાકી રહી છે.”
“ડિલીટ ઓલ ધ એક્ટિવીટી એન્ડ લિવ ધેટ પ્લેસ."
સામેથી કહેવાયું કે બધી જ એક્ટીવિટી ડિલીટ કરી ત્યાંથી નીકળી જાઓ. નિર્ઝર તરત હરકતમાં આવી હતી. એણે સૌથી પહેલા તો ત્યાંના ગાર્ડ અને મૂછોવાળા જાડિયા પુરુષને હાથ પર લીધા હતા. એ બંને દોદોહીનું આ રૂપ જોઈ ડરીને સંતાઈ ગયા હતા. નિર્ઝરે એમને કહ્યું કે દોદોહી હવે ઇનેક્ટિવ, બંધ થઈ ગઈ છે પછી જ એ બંને બહાર આવ્યા હતા. આગળનું કામ પછી એ બંનેએ સંભાળી લીધું હતું.
એ બિલ્ડિંગમાં એક વિશાળ ભોંયરું હતું જ્યાં પ્લાસ્ટિક ઓગાળી એમાંથી નવો આકાર આપવાનું કામ થતું હતું. એમાંની પાસે એક એવી ઇલેક્ટ્રિક ભઠ્ઠી હતી જે પળવારમાં હજારો ડિગ્રી ગરમી ઉત્પન્ન કરી શકતી હતી અને એમાં નાંખેલી કોઈ પણ વસ્તું ઓગાળી દઈ શકતી હતી. બિલ્ડિંગના સિક્યોરિટી ઓફિસર એવા એ જાડિયા મૂછોવાળા પુરુષે દરવાજે ઊભા રહેતા ગાર્ડ સાથે મળીને મહેન્દ્રનું શરીર એ પ્લાસ્ટિક ઓગાળવાની મોટી ભઠ્ઠીમાં નાંખી ઓગાળી દીધું હતું. પછીથી દોદોહી અને જે જે રોબોટ્સના માથા દોદોહી ચાવી ગઈ હતી એ તમામ રોબોટ્સને એક એક કરીને એ ભઠ્ઠીમાં નાંખી ઓગાળી દેવાયા હતા.
આ સમય દરમિયાન નિર્ઝરે આખા શહેરમાંથી અમુક ખાસ સમયના સીસીટીવી ફૂટેજ બ્લર કરી કાયમી ધોરણે ડિલીટ કર્યા હતા. એણે આશુતોષના ફોનમાંથી પણ એની અને એની કંપની DGVEBDHLOPNB ને લગતી દરેક હિસ્ટ્રી હંમેશા માટે ડિલીટ કરી હતી. આશુતોષના ફોનમાં હવે એમને વિશે કોઈ જ માહિતી નહોતી બચી. એણે એક લેડી રોબોને આશુતોષને ઘરે મોકલી એમની કંપનીમાંથી ખરીદાયેલી એક એક વસ્તુને ત્યાંથી હટાવી ડિટ્રોય કરવા મોકલી આપી હતી. થોડીક જ મિનિટોમાં એ લેડી રોબોટે એનું કામ પૂરું કર્યું હતું અને ત્યાંથી એની બધી જ નિશાની નાબૂદ કરી એ ચાલી ગઈ હતી.
એ આખું બિલ્ડિંગ એક જ કલાકની અંદર ખાલી કરી દેવાયું હતું. એમાંની રોબોટ્સ ચારે બાજુ ફરી વળી હતી અને ક્યાંય કોઈ એક નાની સરખી નિશાની પણ બાકી ન રહે એ રીતે બધું જ સાફ કરી એ બધી બંને ગાર્ડ સાથે ક્યાંક ચાલી ગઈ હતી. એ બિલ્ડીંગના બેઝમેન્ટમાં આવેલું ભોંયરું એવી રીતે બંધ કરાયું હતું કે પહેલી નજરે કોઈને ખ્યાલ જ ન આવે કે અહીં કોઈ ભોંયરું પણ હશે!
*
આશુતોષના ફૉન પર પહેલીવાર નિર્ઝરનો મેસેજ આવ્યો એના લગભગ છ મહિના પહેલાની એક રાત્ર: આશુતોષ દરિયા કિનારે એકલો બેઠો હતો. ઓફિસમાં આજે એનો એક રેગ્યુલર ક્લાયન્ટ એને છોડીને જતો રહ્યો હતો. એના એક મિત્રની દીકરીનો બર્થ ડે હતો અને એને પાર્ટીમાં જવા આમંત્રણ મળ્યું હતું પણ એને ત્યાં જવાનું બિલકુલ મન નહોતું થઈ રહ્યું. છેલ્લા કેટલાય વખતથી એની મમ્મી,પપ્પા કે ભાઈ સાથે વાત નહોતી થઈ. આજ અચાનક એને લાગી રહ્યું હતું કે આટલી મોટી દુનિયામાં એ સાવ એકલો હતો. એની આસપાસ એક એવી વ્યક્તિ નહોતી જેને એ પોતાની કહી શકે, જેની સાથે એ ખૂલીને વાતો કરી શકે, જેની પર એ ગુસ્સે થઈ શકે, જેની આગળ એ રડી શકે...એને સમજાતું નહોતું કે આવું કેમ થયું?
શું વાંક હતો એનો? એનો વાંક એટલો જ કે એણે ઘેટાની જેમ માથું નમાવીને ચાલવાને બદલે પોતાની કારકિર્દી વિશે કંઇક અલગ વિચાર્યું હતું? એનો વાંક કે એણે એક સપનું જોયું હતું અને એ પૂરું કરવા પોતાના ઘરના સામે, સમાજ સામે બાથ ભીડી હતી? હવે તો એને જે જોઈતું હતું એ મળી ગયું હતું ને, એની પાસે એને ગમતું કામ હતું. ખૂલીને જીવવા માટેની આઝાદી હતી એ છતાં દિલમાં ઘર કરી ગયેલી એક ઉદાસી કેમ ત્યાંથી હટવાનું નામ નહોતી લઈ રહી?
આજે એને મિત્રની દીકરીની બર્થડે પાર્ટીમાં જવાનું આમંત્રણ મળ્યું ત્યારે એણે એમની વોટ્સેપ દ્વારા મોકલાયેલી આમંત્રણ પત્રિકા ધ્યાનથી જોઈ હતી. એમાં એનો મિત્ર, મિત્રની પત્ની અને દીકરી, ત્રણેનો સુંદર ફોટો હતો. એ ફોટો જોતા જ અશુતોષને લાગી આવ્યું હતું. એના સીનામાં એક શૂળ ભોંકાઈ હતી અને ત્યાંથી એક ચીસ બહાર આવી હતી- “તારી પાસે આવું એક સુંદર ફેમિલી કેમ નથી? તું ક્યાં ચૂકી ગયો આશુતોષ?” એ સવાલનો એની પાસે કોઈ જવાબ નહોતો.
એણે ખૂબ મહેનત કરી કારકિર્દી ઘડી હતી. એણે વિચાર્યું હતું કે જો એ કોઈ છોકરીના પ્રેમમાં પડી જશે તો પછી એની સાથે જ લગ્ન કરીને એક સુખી સંસાર રચશે, પણ એવું ક્યારેય બન્યું જ નહીં. જે છોકરી એને ગમી એને એ નહોતો ગમ્યો! પછીથી એણે વિચારેલું કે એકવાર એ સારું કમાતો થઈ જાય પછી સામેથી સારી, સારી છોકરીઓનાં એને માટે પ્રપોઝલ આવશે. એ કમાતો થઈ ગયો હતો અને છોકરીઓનાં માગા પણ આવી રહ્યા હતા, અહીં મુશ્કેલી એ હતી કે એમાંની એક પણ છોકરી એવી હતી જે અશુતોષના દિલમાં સહેજ પણ જગ્યા બનાવી શકી હોય. એને ગમ્મે તેવી છોકરી સાથે પરાણે નહોતું પરણી જવું અને ગમતી છોકરી ક્યાંય મળતી નહોતી. અચાનક જ જાણે દુનિયામાંથી અશુતોષનું દિલ જીતી શકે એવી તમામ છોકરીઓ ક્યાંક અદ્રશ્ય થઈ ગઈ હતી. ત્રીસી પાર કર્યા બાદ એની ઉંમર હવે જાણે ઝડપથી વધી રહી હતી. એના શરીર પર બુઢાપાની નિશાની આવવાની શરૂઆત થઈ હતી. એના માથામાં એક ધોળો વાળ દેખાયો હતો, કપાળ પરથી રોજ બે ચાર વાળ ખરી પડતાં હતા, પેટ પર ચરબી એનું ઘર બનાવવા લાગી હતી ને એ ડરી ગયો હતો. હવે એને થતું હતું કે એ આખી જિંદગી સિંગલ, વાંઢો, રહી જશે.
આજે એને જીવન નિર્થક લાગી રહ્યું હતું. બધું જ છોડીને ક્યાંક ચાલ્યા જવાનું મન થઈ રહ્યું હતું. એણે થોડોક નશો પણ કર્યો હતો. એ દુઃખી હતો, હતાશ હતો, આખી દુનિયાને મોટેથી ગાળો દેવાનું એનું મન થઈ રહ્યું હતું ને તે એમ કરી નહોતો શકતો એટલે વધારે અકળાઈ રહ્યો હતો. એના ફોનમાં એક ગીત ચાલી રહ્યું હતું,
“મૈને દિલ સે કહા ઢૂંઢ લાના ખુશી, નાસમજ વો ના લાયા તો ગમ હિ સહી...”
એક સત્તર-અઢાર વરસની લાગતી ક્યૂટ લાગતી છોકરી એની પાસે આવી હતી. એણે આશુતોષ સામે એક કાગળ લંબાવી કહ્યું હતું, “હાય, હું એક પ્રોજેક્ટ માટે વર્ક કરી રહી છું. યુવાન છોકરા છોકરીઓને એમને મનપસંદ લાઇફપાર્ટનર શોધવામાં સરળતા રહે એને માટે હું એક એપ બનાવી રહી છું. આપ મારું એ એપ ટ્રાય કરશો?"
આશુતોષ અડધો નશામાં હતો. એ શારીરિક તેમ જ માનસિક બંને રીતે એટલો થાકેલો હતો કે એ છોકરી સાથે સહેજ પણ ચર્ચા કરવાના મૂડમાં ન હતો. એણે કોઈ જવાબ નહોતો આપ્યો.
“તમે ખૂબ દુઃખી લાગો છો. એકલા અને ઉદાસ. આ એપ તમારા માટે જ છે. તમે અહીં સહી કરો અને મને તમારો ફોન નંબર લખાવો. તમારે એનાથી વધારે બીજું કશુંય નથી કરવાનું."
આશુતોષે ગજવામાંથી પાકીટ કાઢી એમાંથી સોની નોટ બહાર કાઢી એ છોકરી સામે લંબાવી હતી. એને એમ કે એ કોઈ દાન દક્ષિણા માંગી રહી છે. એને તો બસ એ છોકરીથી જીવ છોડાવવો હતો.
“મારે રૂપિયા નહીં તમારો ફોન નંબર જોઈએ છે અને આ કાગળ પર સહી.” એ છોકરીએ એના હાથમાંનું પેપર આશુતોષ સામે લંબાવ્યુ હતું ને આશુતોષે એમાં પોતાનો ફોન નંબર લખી નીચે સહી કરી આપી હતી.
એ ઘટનાને થોડાક દિવસો બાદ રાતના દોઢ વાગ્યે એને એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. એમાં લખ્યું હતું,
“હેય આશુતોષ,
કેમ છે તું?
જમી લીધું કે હજી બાકી છે?”