દૂર અંધકારથી ઘેરાયેલા પહાડોની વચ્ચે આવેલી વિશાળ ગુફામાંથી અચાનક લીલો પ્રકાશ આકાશ ચીરીને બહાર ફાટી નીકળ્યો.
અને એ પ્રકાશ સાથે જ…
ફરી એ જ ભયાનક હાસ્ય ગુંજી ઊઠ્યું —
“ખખખખખખ…”
“આ જાદુગર ક્યાં રહે છે?” શ્યામે ગુસ્સામાં પૂછ્યું.
ભગવાને દૂર ડુંગરોની વચ્ચે દેખાતી કાળી ગુફાઓ તરફ આંગળી ચીંધી.
“ઓસ્ટ્રોમસના પશ્ચિમ ભાગમાં ‘અંધકાર ગુફા’ છે. ત્યાં સદીઓથી એ જાદુગર રહે છે. કોઈને તેનું સાચું નામ ખબર નથી. બધા તેને માત્ર ‘આત્મભક્ષક’ કહે છે.”
“પણ તે બાળકો સાથે શું કરે છે?”
ભગવાનની આંખોમાં ગુસ્સો દેખાયો.
“આત્મારસ બનાવવા માટે જીવંત વ્યક્તિની આત્માને ધીમે ધીમે શરીરમાંથી ખેંચવી પડે છે. એ પ્રક્રિયા અત્યંત પીડાદાયક હોય છે. બાળક દિવસો સુધી ચીસો પાડતું રહે… અને અંતે તેનું શરીર ખાલી ખોખું બની જાય.”
શ્યામના શરીરમાં ગુસ્સાની આગ ભભૂકી ઉઠી.
“એવો રાક્ષસ જીવતો કેમ છે હજુ સુધી?!”
ભગવાન થોડા મૌન રહ્યા.
શ્યામ એક ક્ષણ માટે ચૂપ થઈ ગયો.
“શું કોઈએ હજુ સુધી પ્રયત્ન નથી કર્યો?”
ભગવાને શ્યામની આંખોમાં જોઈને કહ્યું—
“ઘણાએ કર્યો… પરંતુ દરેક વ્યક્તિ અંતિમ ક્ષણે પોતાના જીવના ડરથી પાછી હટી ગઈ.”
અચાનક જ દૂર ગુફાઓની દિશામાંથી બાળકોના રડવાનો ખૂબ જ ધીમો અવાજ સંભળાયો.
શ્યામનું હૃદય દ્રવી ઉઠ્યું.
“પ્રભુ… બાળકો હજુ જીવિત છે!”
ભગવાને હકારમાં માથું ધુણાવ્યું.
“હા લાલભાઈ… પણ બહુ સમય નથી.”
શ્યામે તરત જ તેની બેગ ઉઠાવી. ટોર્ચ, ચાકુ અને લાંબી રસ્સી બહાર કાઢી.
“તો પછી ચાલો…” તેણે ગુસ્સામાં કહ્યું, “આજે એ આત્મભક્ષકનો અંત લાવીએ.”
ભગવાન શ્રી કૃષ્ણ શ્યામને જોઈને થોડું સ્મિત કર્યા…
પણ એ સ્મિતમાં ગર્વ કરતાં વધારે ચિંતા હતી.
“ગુસ્સો સારો છે લાલભાઈ…”
તેઓ ધીમેથી બોલ્યા,
“પણ અંધકાર સામે લડવા માટે માત્ર ગુસ્સો પૂરતો નથી હોતો.”
શ્યામ અટકી ગયો.
“એનો અર્થ…?”
ભગવાને દૂર અંધકાર ગુફા તરફ જોયું.
“આત્મભક્ષક માત્ર જાદુગર નથી.
એ લોકોના મનમાં રહેલા ડર અને પીડાને પણ હથિયાર બનાવી શકે છે.”
અચાનક…
દૂર ગુફાની અંદરથી ફરી એ જ ભયાનક હાસ્ય ગુંજી ઊઠ્યું—
“ખખખખખખ…”
અને એ સાથે જ
શ્યામની આસપાસની હવા બરફ જેવી ઠંડી થવા લાગી.
"જે થશે એ જોયું જશે, પણ અહીં રડતી કકળતી માતાઓના ચેહરા જોઈને હું કંઈ કર્યા વિના સાવ ઊભો તો નહિ જ રહું. ચાલો મારી સાથે.." શ્યામે ગુસ્સામાં જ ભગવાનનો હાથ પકડીને પોતાની સાથે લીધા.
તેઓ જંગલ વિસ્તારમાં મોટા મોટા વૃક્ષોની વચ્ચે એક નાનકડી કેડી જેવા રસ્તે આગળ વધી રહ્યા હતા. ઘનઘોર અંધારું હતું.
શ્યામે પોતાની બેગ માંથી ટોર્ચ કાઢી અને ચાલુ કરી. કાંઈ સુજે તેમ હતું નઈ છતાં તેઓ એક ટોર્ચના અજવાળે અજવાળે દૂર આવેલા પહાડો તરફ આગળ વધ્યા.
અંદાજિત અઢી કલાક જેવું ચાલ્યા પછી તેઓ જંગલની બહાર નીકળ્યા. હવે પહાડી રસ્તો ચાલુ થયો.
શ્યામને લાગ્યું કે જો અમે આમ જ ચાલતા રહીશું તો કદાચ જયારે જાદુગર મળશે ત્યારે તેની સાથે લડવાની તાકાત રહેશે કે કેમ..?
પરંતુ તેને પેલા બાળકો અને તેમની રડતી માતાઓના ચેહરા યાદ આવ્યા. તેની અંદર ન જાણે ક્યાંથી ગજબની તાકાત આવી ગઈ, તેઓ ખુબ જ ઝડપથી આગળ વધવા લાગ્યા.
હવે તેમને પેલા જાદુગરને શોધવાનો હતો. તેમણે ઘણી બધી ગુફાઓ જોઈ પરંતુ બધી ગુફાઓ જાણે કોઈ ભૂલભૂલૈયા હોય તેવું લાગી રહ્યું હતું.
બધી જ ગુફાઓની બહાર તેમને તાજા પડેલા પગના નિશાન મળ્યા. જાદુગર ખુબ જ ચાલક હતો. તે જાણતો હતો કે આ ગ્રહ ઉપર આજે નવા આવેલા લોકો તેની પાછળ જરૂર આવશે.
ઓસ્ટ્રોમેટ જેની નજીક એટલી શાંતિથી સૂતો હતો અને તેની ઉપરના અમીન લોકો પણ જેને જોઈને ડરવાને બદલે કોઈ ઓળખીતા હોય એવું વર્તન કરી રહ્યા હતા, તો તેમનું દુઃખ જોઈને આ લોકો જરૂર જોખમ લેશે..
એટલે તેમને ફસાવવા માટે જાદુગરે બધી જ ગુફાઓમાં પગના નિશાન કર્યા હતા. કઈ ગુફામાં જવું તેની કંઈ ખબર નહોતી પડતી.
શ્યામે ભગવાન સામે જોયું, તેઓ સહેજ મલક્યા અને તેને એક ગુફા તરફ ઈશારો કર્યો. તેઓ એ ગુફામાં દાખલ થયા.
અત્યારે શ્યામના હાથમાં ટોર્ચ હતી તો તે આગળ હતો અને ભગવાન તેની પાછળ ચાલી રહ્યા હતા. જાદુગરના પગના નિશાન જોતા જોતા તે આગળ વધી રહ્યો હતો..
ત્યાં જ...
અચાનક ગુફાની છત પરથી અસંખ્ય કાળા પાંખવાળા જીવો ભયંકર અવાજ સાથે ઊડી નીકળ્યા.
તેમની લાલચોળ આંખો ટોર્ચના પ્રકાશમાં ક્ષણભર ચમકી ઊઠી.
શ્યામ ગભરાઈને પાછળ ખસી ગયો.
એ જીવો દેખાવમાં ઓસ્ટ્રોમેટ જેવા જ લાગતા હતા…
પરંતુ આકારમાં અત્યંત નાના અને પાંખોવાળા.
જાણે ઓસ્ટ્રોમેટની કોઈ ભયાનક વિકૃત જાતિ હોય.
ભગવાને શાંતિથી શ્યામના ખભા પર હાથ મૂક્યો.
“ડર અંધકારનું સૌથી મોટું હથિયાર છે, લાલભાઈ…”
શ્યામે ઊંડો શ્વાસ લીધો…
અને ટોર્ચનો પ્રકાશ ફરી ગુફાના અંધકારમાં ફેરવ્યો.
હવે ગુફાની અંદર ઠંડી વધી રહી હતી. દિવાલોમાંથી પાણીના ટીપાં ટપ… ટપ… કરીને નીચે પડી રહ્યા હતા. આખી ગુફામાં એક અજીબ પ્રકારનો પડઘો ગુંજી રહ્યો હતો.
શ્યામના હાથમાં રહેલી ટોર્ચનો પ્રકાશ ક્યારેક દીવાલો પર પડતો તો એવું લાગતું જાણે કોઈ ચહેરા અમને ઘૂરી રહ્યા હોય.
તે ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. તેના દરેક પગલાં સાથે અંદરનો ડર પણ વધી રહ્યો હતો.
ભગવાન શ્રી કૃષ્ણ શાંતિથી તેની પાછળ ચાલી રહ્યા હતા. તેમના ચહેરા પર જરા પણ ગભરાટ નહોતો. જાણે તેમને પહેલેથી જ ખબર હોય કે આગળ શું આવવાનું છે.
અચાનક જ ગુફાની અંદરથી કોઈ બાળકના ધીમા રડવાનો અવાજ સંભળાયો.
શ્યામ તરત જ ઉભો રહી ગયો.
“પ્રભુ…! તમે સાંભળ્યું?”
ભગવાને ધીમેથી માથું ધુણાવ્યું.
અવાજ ફરી આવ્યો.
“મ…મને બચાવો…”
શ્યામના શરીરમાં જાણે વીજળી ફરી વળી. એ અવાજમાં એટલો ડર અને પીડા હતી કે તેની અંદરનો બધો થાક પળવારમાં ગાયબ થઈ ગયો.
“એ બાળકો અહીં જ ક્યાંક છે!” તેણે ધીમેથી કહ્યું.
તેઓ હવે વધારે સાવધાનીથી આગળ વધવા લાગ્યા.
આગળ જતા ગુફાની દીવાલો પર અજીબ પ્રકારના નિશાન દેખાવા લાગ્યા. કોઈક અજાણી ભાષામાં મંત્રો લખેલા હતા.
કેટલાક ચિહ્નોમાં આંખો જેવી આકૃતિઓ હતી, જે ટોર્ચના અજવાળામાં જીવંત લાગે તેવી ભયાનક લાગતી હતી.
ત્યાં જ અચાનક ટોર્ચ બે-ત્રણ વાર ઝબૂકી.
અને પછી…
આખી ગુફામાં ઘોર અંધકાર છવાઈ ગયો.
“અરે…!” શ્યામના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. "કદાચ સેલ પૂરા થઈ ગયા હશે.." તેણે શાંત થઈને મનોમન વિચાર્યું.
તે ઝડપથી બેગની નાની ચેઈન ખોલીને તેમાંથી બીજા સેલ શોધવા લાગ્યો. અંધારામાં તેના હાથ ધ્રુજી રહ્યા હતા.
એ જ ક્ષણે…
તેની બિલકુલ નજીકથી કોઈના શ્વાસ લેવાનો અવાજ આવ્યો.
“હહહહહ…”
તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું.
તે એકદમ સ્થિર થઈ ગયો.
તેને એવું લાગ્યું જાણે કોઈ જીવિત વ્યક્તિ તેની સામે જ ઉભી છે… અને અંધારામાં તેને જોઈ રહી છે.
તેણે ધીમેથી ભગવાનનો હાથ પકડ્યો.
“પ્રભુ… અહીં કોઈ છે…”
ભગવાનનો અવાજ એકદમ શાંત હતો.
“હા લાલભાઈ… છે.”
એટલામાં જ ભગવાન શ્રી કૃષ્ણના શરીરમાંથી આછો વાદળી પ્રકાશ ફેલાવા લાગ્યો.
ધીમે ધીમે આખી ગુફા પ્રકાશિત થવા લાગી.
અને પછી…
શ્યામની આંખો ફાટી ગઈ.
તેમની સામે દીવાલ સાથે ચોંટેલા ડઝનેક માનવાકાર જીવ ઉભા હતા. દેખાવે અતિશય ભયાનક લાગતા હતા. શ્યામના શરીરમાં ડરની એક લહેર ફરી વળી.
તેમના શરીર પર ચામડી નહોતી. આખું શરીર કાળું અને સુકાયેલું હતું. આંખોની જગ્યાએ માત્ર ખાડા હતા… અને મોઢામાંથી લાંબી જીભ બહાર લટકી રહી હતી.
તેઓ બધા એકસાથે શ્યામને જ જોઈ રહ્યા હતા.
શ્યામના મોઢામાંથી ડરના લીધે અવાજ પણ ના નીકળ્યો.
એમાંથી એક જીવ ધીમે ધીમે દીવાલ પરથી નીચે ઉતરવા લાગ્યો… અને અચાનક જ ભયંકર ચીસ સાથે શ્યામ તરફ ઝંપલાવ્યું…
શ્યામ ગભરાઈને પાછળ ખસી ગયો.
પેલોજીવ તેના ચહેરાથી માત્ર થોડાક ઈંચ જેટલો દૂર હતો.
ક્રમશઃ
Dr Dipak kamejaliya
"શિલ્પી"