LALO 2 in Gujarati Spiritual Stories by Kamejaliya Dipak books and stories PDF | લાલો 2 - પ્રકરણ 7

Featured Books
Categories
Share

લાલો 2 - પ્રકરણ 7




મહર્ષિ દિવ્યદગ્ધીએ આંખો બંધ કરી ધ્યાન લગાવ્યું.
થોડી ક્ષણો પછી…
તેમણે આંખો ખોલી.
તેઓ સમજી ગયા હતા કે તેમની તપસ્યા કેવી રીતે ભંગ થઈ હતી.

પછી ક્રોધથી ધ્રૂજતા અવાજમાં તેઓ ઓસ્ટ્રસ તરફ જોઈને બોલ્યા —
“તને કોઈ જીવિત પ્રાણી પસંદ નથી ને…?”
“તો આજથી તું હંમેશા માટે એકલો થઈ જઈશ.”
“તું બીજા જીવિત પ્રાણીને જોવા માટે તરસીશ… પ્રભુને પ્રાર્થના કરીશ…”
“પરંતુ હે દુષ્ટ… તું ક્યારેય બીજા કોઈ જીવિત પ્રાણીને જોઈ નહિ શકે!”

ઓસ્ટ્રસ ભયંકર ચિંગાડ કરવા લાગ્યો.
પરંતુ મહર્ષિનો ક્રોધ હજુ શાંત થયો નહોતો.

હવે તેમણે મહારાજ અને સૈનિકો તરફ જોયું.
“અને તમે…!”
“તમારા સ્વાર્થ માટે મારી તપસ્યાનો ભંગ કરાવ્યો છે.”
“અતેથી આજથી તમે બધા આ હાથીની સાથે જ રહેશો.”
“તેની ઉપર જ તમારો જન્મ થશે.”
“અને જ્યાં સુધી તે જીવિત રહેશે… ત્યાં સુધી તમે પણ જીવિત રહેશો!”

આ સાંભળતાં જ મહારાજ અને બધા સૈનિકો ભયથી કંપી ઊઠ્યા.

તેઓ તરત જ મહર્ષિના ચરણોમાં પડી ગયા.
“ક્ષમા કરો ગુરુવર…!”
“અમારો એવો કોઈ સ્વાર્થ નહોતો…!”
“અમે તો માત્ર આપણા રાજ્ય અને પ્રજાને બચાવવા માંગતા હતા…!”

શરૂઆતમાં મહર્ષિ ક્રોધમાં ત્યાંથી ચાલવા લાગ્યા.
પરંતુ થોડા પગલાં આગળ જઈ… તેઓ અચાનક અટકી ગયા.

તેમણે પાછળ ફરીને જોયું.

બધા સૈનિકો અને મહારાજ બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા હતા.

અને ત્યારે…

પહેલીવાર મહર્ષિના ચહેરા પર થોડી કરુણા દેખાઈ.
અંતે તેમણે ધીમેથી કહ્યું —
“દરેક શ્રાપનો અંત હોય છે.”
“અને આ શ્રાપનો અંત પણ થશે.”
“પરંતુ…”
તેમની આંખોમાં ફરી ગંભીરતા આવી ગઈ.
“એના માટે પશ્ચાતાપ અને કુરબાની બંને જરૂરી રહેશે.”
“વાહ…! પછી એ શ્રાપમાંથી મુક્ત થવાનો ઉપાય શું હતો, પ્રભુ?”
શ્યામ ઉત્સાહથી પૂછવા લાગ્યો.

પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ માત્ર રહસ્યમય રીતે હસ્યા.
“પશ્ચાતાપ અને કુરબાની… દરેક શ્રાપનો અંત લાવતા હોય છે, મિત્ર.”
પછી તેઓ થોડા ગંભીર થઈ ગયા.
“અને જ્યારે સાચો સમય આવશે… ત્યારે તને એ ઉપાય આપમેળે જ સમજાઈ જશે.”

શ્યામ કંઈ સમજી શક્યો નહિ.
તે હતાશ થઈ ભગવાન તરફ જોવા લાગ્યો.
અને એ જોઈને…

ભગવાન શ્રી કૃષ્ણના ચહેરા પર હવે અજાણી ગંભીરતા છવાઈ ગઈ હતી.
તેઓ થોડા સમય સુધી મૌન રહ્યા.

શ્યામ તેમની આંખોમાં જોઈ રહ્યો હતો.

એવું લાગતું હતું જાણે તેઓ માત્ર એક વાર્તા નથી કહી રહ્યા…
પરંતુ કરોડો વર્ષ જૂની પીડા ફરી એકવાર જીવી રહ્યા હતા.

ઓસ્ટ્રોમેટ પણ શાંતિથી તેમની બાજુમાં બેઠો હતો.
તેની વિશાળ આંખોમાં ઊંડી ઉદાસી દેખાઈ રહી હતી.
તેના શરીર પર રહેતા અમીનલોકો હવે સંપૂર્ણ શાંત થઈ ગયા હતા.
કદાચ… તેઓ પણ ભગવાનના શબ્દો સાંભળી રહ્યા હતા.

થોડા સમય પછી ભગવાન ધીમેથી બોલ્યા —
“લાલભાઈ… શ્રાપ માત્ર શબ્દો નથી હોતા.”
“કોઈ પીડિત આત્માની અંદરથી નીકળેલી આગ જ્યારે શબ્દ બને… ત્યારે તે શ્રાપ બની જાય છે.”

શ્યામ શાંતિથી સાંભળતો રહ્યો.
પછી ધીમેથી પૂછ્યું —
“તો શું ઓસ્ટ્રસ ખરેખર એટલો મોટો પાપી હતો, પ્રભુ?”

ભગવાને તરત જવાબ આપ્યો નહિ.

તેઓ થોડા સમય સુધી દૂર હરિયાળી તરફ જોતા રહ્યા.
પછી ખૂબ જ શાંત અવાજમાં બોલ્યા —
“ક્યારેક માણસ કે પ્રાણી પાપી જન્મતું નથી મિત્ર…”
“પરિસ્થિતિઓ તેને રાક્ષસ બનાવી દે છે.”

શ્યામની આંખોમાં હવે ઉત્સુકતા સાથે દુઃખ પણ દેખાઈ રહ્યું હતું.

ભગવાન આગળ બોલ્યા —
“ઓસ્ટ્રસ જ્યારે નાનો હતો… ત્યારે આખા અમીનગરનો સૌથી પ્રિય જીવ હતો.”
“બાળકો તેની સૂંઢ સાથે રમતા.”
“ગોવાળ તેની પીઠ પર બેસીને જંગલમાં જતા.”
“અને મહારાજ અમીરાજ… તેને પોતાના પરિવારના સભ્ય સમાન માનતા.”

ભગવાન થોડા સમય માટે શાંત થઈ ગયા.
પછી ધીમેથી બોલ્યા —
“પરંતુ… જ્યારે અહંકાર અને એકલતા મનમાં જન્મે…”
“ત્યારે સૌથી નિર્દોષ હૃદય પણ અંધકારમાં ડૂબી જાય છે.”

તેમણે ઊંડો નિસાસો લીધો.
“અને પછી… એ જ અહંકારે આખા અમીનગરને વિનાશ તરફ ધકેલી દીધું.”

શ્યામ હવે સંપૂર્ણ શાંત થઈ ગયો હતો.

એ જ સમયે…

ઓસ્ટ્રોમેટે ધીમેથી પોતાનું વિશાળ માથું ભગવાન શ્રી કૃષ્ણના ખભા પાસે લાવી દીધું.
જાણે કોઈ તૂટેલું બાળક પોતાના પિતાની નજીક આવતું હોય.

ભગવાને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો.

એ દૃશ્ય જોઈને શ્યામના શરીરમાં કંપારી ફરી ગઈ.

કરોડો વર્ષોથી જીવતો આ વિશાળકાય જીવ… અંદરથી હજુ પણ એકલો હતો.
હજુ પણ તૂટેલો હતો.
અને કદાચ… હજુ પણ મુક્તિની રાહ જોઈ રહ્યો હતો.

અચાનક…

દૂર જંગલમાંથી એક અજીબ અવાજ ગુંજ્યો.
“ખખખખખખ…”
જાણે કોઈ વૃદ્ધ માણસ ધીમેથી હસી રહ્યો હોય એવો અવાજ.

શ્યામ તરત જ ચોંકીને ઊભો થઈ ગયો.
“પ્રભુ… આ અવાજ કોનો છે?”

ભગવાન શ્રી કૃષ્ણનો ચહેરો તરત જ ગંભીર બની ગયો.
તેમણે ધીમેથી જંગલની અંદર આવેલી અંધકારમય ગુફાઓ તરફ જોયું.

“લાલભાઈ…”
તેમનો અવાજ હવે એકદમ શાંત હતો.
“લાગે છે… આત્મભક્ષક જાદુગરને આપણા આવવાની ખબર પડી ગઈ છે.”

અને એ જ ક્ષણે…

જંગલની વચ્ચે આવેલી એક કાળી ગુફાની અંદર બે લાલચોળ આંખો ચમકી ઊઠી. 

“શું…? આત્મભક્ષક જાદુગર…?”
શ્યામ ગભરાઈને ચારે તરફ જોવા લાગ્યો.

ભગવાન શ્રી કૃષ્ણ હળવેથી હસી પડ્યા.
“અરે લાલભાઈ… ડરવાની કોઈ જરૂર નથી.”
“એ જાદુગર તને કે મને કોઈ નુકસાન નહિ પહોંચાડે.”
“હવે શાંત થા… અને રાત્રિ રોકાવાની વ્યવસ્થા કર.”

શ્યામે ધીમેથી ડરતા ડરતા માથું હલાવ્યું.
પરંતુ તેના મનમાં હજુ પણ ડર બેઠો હતો.
“આત્મભક્ષક જાદુગર…”

માત્ર એ નામ જ શરીરમાં કંપારી જગાવવા માટે પૂરતું હતું.

તે પોતાની બેગમાંથી કપડાં અને દોરડા કાઢીને નાનકડો તંબુ બનાવવાની તૈયારી કરવા લાગ્યો.

તંબુ બનાવતી વખતે પણ તે વારંવાર દરેક દિશામાં જોવા લાગતો.

જાણે અંધકારમાં કોઈ તેને સતત નિહાળી રહ્યું હોય.
થોડા સમય પછી તંબુ તૈયાર થઈ ગયો.

હજી આસપાસ થોડું અજવાળું બાકી હતું.
એટલે શ્યામે પોતાના બેગમાંથી મોબાઈલ કાઢ્યો.
નેટવર્ક તો નહોતું… પરંતુ તેણે કેમેરો ચાલુ કરીને આસપાસના અદભૂત દૃશ્યોના ફોટા પાડવા શરૂ કર્યા.

હરિયાળાં જંગલો… અજાણી વનસ્પતિઓ… ચમકતા પહાડો…
અને પછી…
તેણે ઓસ્ટ્રોમેટના પણ ઘણા ફોટા પાડ્યા.
તેના શરીર પર વસેલા અમીનલોકોના પણ કેટલાક ફોટા લીધા.

એ નાનકડા લોકો હજુ પણ સાવધ નજરે શ્યામ તરફ જોઈ રહ્યા હતા.

ફોટા પાડતાં પાડતાં અચાનક શ્યામે ભગવાન તરફ જોઈને પૂછ્યું —
“તો ઓસ્ટ્રોમેટ પર રહેતા લોકો અમીન પ્રજા કહેવાય, ખરું ને પ્રભુ?”

ભગવાન શ્રી કૃષ્ણ તેની સામે જોઈને હળવેથી મલકાયા.
“હા લાલભાઈ… એ જ અમીન પ્રજા છે.”

ધીમે ધીમે અંધકાર વધવા લાગ્યો.
તેઓ હવે ત્યાં જ રાત્રિ રોકાવા માટે તૈયાર હતા.

થોડા સમય પછી શ્યામ નજીકના જંગલમાંથી થોડાં ફળ લઈને આવ્યો.

પરંતુ ફળ એકઠાં કરતી વખતે…
તેને વારંવાર એવું લાગતું રહ્યું કે કોઈ છુપાઈને તેને જોઈ રહ્યું છે.

એકવાર તો તેણે તરત પાછળ ફરીને જોયું પણ…
ત્યાં કોઈ નહોતું.
ઘેરો અંધકાર અને શાંતિ સિવાય.

શ્યામે એ વિશે ભગવાનને કંઈ કહ્યું નહિ.
બંનેએ ફળાહાર કર્યો.

પછી સુવાની તૈયારી કરવા લાગ્યા.
પરંતુ સૂતાં સૂતાં પણ શ્યામના મનમાં એક જ વિચાર ફરી રહ્યો હતો.

મહારાજ અમીરાજ… તેમની પ્રજા… અને ઓસ્ટ્રસને મળેલો ભયંકર શ્રાપ.

થોડા સમય પછી તેણે ધીમેથી પૂછ્યું —
“તો… મહર્ષિ દિવ્યદગ્ધિના શ્રાપના કારણે મહારાજ અમીરાજ અને તેમની પ્રજા ઓસ્ટ્રોમેટ પર હજારો વર્ષોથી જીવતા રહ્યા છે…”
“એટલે આમ કહીએ તો તેઓ હજુ પણ એ શ્રાપની સજા ભોગવી રહ્યા છે… ખરું ને પ્રભુ?”

ભગવાન શ્રી કૃષ્ણ થોડા સમય સુધી શાંત રહ્યા.
પછી ધીમેથી બોલ્યા —
“એકદમ સાચું કહ્યું તમે, લાલભાઈ.”

પરંતુ એ બોલતાં વખતે…
તેમના ચહેરા પર એક અજીબ ઉદાસી દેખાઈ.
તેમણે ઊંડો નિસાસો લીધો.

અને પછી શ્યામ સામે જોઈને હળવું… પરંતુ ખોટું સ્મિત આપ્યું.

“પરંતુ હવે… તેમની સજા પૂરી થવામાં જ છે.”

શ્યામ થોડો ચોંકી ગયો.
તેના મનમાં તરત અનેક પ્રશ્નો જન્મ્યા.

પરંતુ…

આ વખતે તેણે ભગવાનને કંઈ પૂછ્યું નહિ.
કદાચ… 
હવે તેને દરેક રહસ્ય તરત જાણવાની ઉતાવળ નહોતી.




ક્રમશઃ

Dr Dipak kamejaliya 
"શિલ્પી"