LALO 2 in Gujarati Spiritual Stories by Kamejaliya Dipak books and stories PDF | લાલો 2 - પ્રકરણ 11

Featured Books
Categories
Share

લાલો 2 - પ્રકરણ 11



એટલામાં જ જાદુગરે પોતાના દંડને હવામાં ઊંચો કર્યો.  

આખા રૂમમાં ભયંકર પવન ફરવા લાગ્યો.  

યજ્ઞકુંડમાં રહેલું લીલું પ્રવાહી ઉકળવા લાગ્યું.  

અને પછી…  

પાંજરામાંથી એક બાળક ધીમે ધીમે હવામાં ઊંચકાવા લાગ્યું…

બાળક હવામાં ઊંચકાતાં જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
તે ડરમાં ચીસો પાડવા લાગ્યું.

જાદુગરે પોતાની સફેદ આંખ બંધ કરી અને અજાણી ભાષામાં મંત્રોચ્ચાર શરૂ કર્યો.

યજ્ઞકુંડમાંથી લીલો ધુમાડો બહાર નીકળીને ધીમે ધીમે બાળક તરફ વધવા લાગ્યો.

હવે શ્યામ ધ્યાનથી ગુફાના એ રૂમને જોવા લાગ્યો. એ રૂમમાં એક નાની ફેક્ટરી જેવું ઉભું કરવામાં આવ્યું હતું. નાનામોટા ઘણા બધા વાસણ હતા, જેમાં ખરડાયેલું લોહી જામી ગયું હતું. 

રૂમના દરેક ખૂણામાં એક એક મશાલ સળગી રહી હતી એટલે આખા રૂમમાં અજવાળું ફેલાયેલું હતું. 

એકબાજુના ખૂણામાં નાના નાના અમીન બાળકોના હાડપીંજરનો ઢગલો હતો. 

પેલા ઉલ્ટા લટકાવેલા બાળકની નીચે એક  મોટું વાસણ રાખવામાં આવ્યું હતું.

હજી સુધી તો બધા બાળકો તો જીવિત હતા પરંતુ ક્યાં સુધી એ કહી શકાય તેમ નહોતું. 

બીજી બાજુ જાદુગર ઊભા ઊભા કંઈક વિધિ કરતો અને પેલા ઊંચકેલા બાળકની તકલીફમાં વધારો થઈ રહ્યો હતો. એ જોઈને જાદુગર મોટા મોટા દાંત બતાવીને બહુજ ખરાબ રીતે ખડખડાટ હસી રહ્યો હતો.

શ્યામને એનો ચહેરો જોઈને જ ગુસ્સો આવતો હતો. એટલે તેની સાથે ઝઘડો કરીને ટાઈમ બગાડવા કરતા પેલા બાળકોને છોડાવવા વધારે જરૂરી હતા. 

એટલે જેવો તે પેલા બાળકો તરફ આગળ વધ્યો કે તરતજ ભગવાને તેને રોક્યો અને કહેવા લાગ્યા, 

"જો લાલભાઈ, આ જાદુગર પણ પહેલા ઓસ્ટ્રોમેટ પર રહેતો એક અમીન જ હતો પરંતુ." 

"ત્યા જાદુ કરતા કરતા એની લાલચ એટલી બધી વધી ગઈ કે જે જાદુગર ઓસ્ટ્રોમેટ ઉપર રહેતા સામાન્ય ઉંદર જેવા જનાવરનો આત્મારસ, જાદુ માટે વાપરતો એ જ વ્યક્તિ જાદુ માટે અમીન બાળકોનો દુશ્મન બની બેઠો." 

"એ જાદુગર પણ પહેલા જયારે ઓસ્ટ્રોમેટ પર રહેતો ત્યારે પેલા અમીન જાતિના લોકોના કદનો જ હતો, પરંતુ જ્યારેથી તેણે આ ગ્રહ પર રહેવાનુ ચાલુ કર્યું ત્યારથી આ ગ્રહ ખુબ ઝડપી હોવાના લીધે તેની લંબાઈ, કદ, તાકાત અને હિંમત બધું જ વધી ગયું છે."

"જો ત્યા ઉપર પેલા બાળકને લટકાવવામાં આવ્યો છે અને એની નીચે જ એક વાસણ રાખવામાં આવ્યું છે" 

"એક પ્રહર જેટલો સમય એ બાળકને એવી રીતે ઉલ્ટો લટકાવી રાખવામાં આવશે જેથી બાળકનું કદ અમુક સમય સુધીમાં વધી જશે અને સાથે સાથે બ્લડ પણ વધી જશે." 

"પછી જયારે તેનું બધું જ બ્લડ નીચેની તરફ ભેગું થશે એટલે તે નરાધમ તેને નીચેથી ચીરીને પેલા વાસણમાં બ્લડ એકઠું કરશે." 

"ત્યાર બાદ તેમાં અમુક ભાગ તૈયાર કરેલો આત્મારસ ઉમેરશે જેથી આત્મારસ ઝડપથી તૈયાર થાય અને પછી તેને જાદુ કરવા માટે ઉપયોગ કરશે."

"જાદુ કરવા માટે તે આત્મારસને એના હાથમાં રહેલા હાડકાના દંડમાં ભરશે અને પછી જ તે એ  દંડ વડે જાદુ કરે છે, એટલે તારા માટે પેલા બાળકોની સાથે સાથે આ જાદુગર પણ એટલો જ જરૂરી છે એ યાદ રાખજે."

"હમમ, ઠીક છે."  એમ ખુબ ધીમાં અવાજે કહીને શ્યામે એક અલગ જ પ્લાન બનાવ્યો.

"ઓય, મિસ્ટર જાદુગર, કેમ છો?" તેણે અચાનક જ પેલા જાદુગર સામે ઉભા રહીને જોરથી મોટા અવાજે બોલાવ્યો જેથી તેનું ધ્યાન તેના તરફ જાય. 

પેલા જાદુગરે શ્યામ તરફ જોયું અને જોરથી બરાડ્યો. "કોણ છે તુ અને અહીં કેવી રીતે આવ્યો..?" 

ગુસ્સામાં જાદુગરે શ્યામ તરફ હાડકાના દંડ વાળો હાથ લાંબો કર્યો જેથી શ્યામ પર જાદુ કરી શકે. 

તેનો હાથ ધ્રુજી રહ્યો હતો અને તે એકદમ ડરી ગયેલો લાગી રહ્યો હતો.

તેના મનમાં મહદઅંશે શંકા તો હતી કે કોઈ અહી સુધી આવી શકે, પણ તેને દૂર દૂર સુધી એવો વિચાર પણ નહોતો આવ્યો કે કોઈ માણસ આટલી જલ્દી તેની આ ગુફા સુધી આવી જશે અને આમ અચાનક જ તેની સામે ઉભો હશે.

ડરમાં ને ડરમાં જ તેનાથી ભૂલથી તેણે પહેરેલી દંડમાંથી જાદુનો ભરેલો એક ધમાકો છૂટી ગયો જે શ્યામના માથા પાસેથી જ ગયો અને ગુફાના એક ખૂણામાં જઈ પડ્યો, જેથી ત્યા એક મોટો ધમાકો થયો. 

શ્યામને લાગ્યું જો આજે આ હુમલો કદાચ તેના પર થયો હોત તો તો તે આજે ગયો જ હોત, પરંતુ તે બચી ગયો, કેમકે જાદુગર એનું નિશાન ચુકી ગયો હતો.

એના પહેલા કે નિશાન ચૂકી ગયેલો જાદુગર ફરીવાર જાદુનો ગોળો ફેંકે,  "થોડી વાર ઉભા રહો, આ શુ વાતવાતમાં જાદુના ગોળા ફેંકવા લાગો છો. તમારે જાદુ કરવા માટે આત્મારસ જ જોઈએ છે ને?" શ્યામ જોરથી ચિલ્લાયો. 

પેલા જાદુગરે બે વાર માથું હકારમાં હલાવીને હામી ભરી. શ્યામ આગળ બોલવા લાગ્યો. " ઠીક છે, તો તમે આ નાના નાના અમીન બાળકોમાંથી વધીને કેટલો આત્મારસ કાઢી શકશો, એના કરતા એક સોદો કરીએ." 

"તમે એ બાળકોને અમને સોંપી દો અને એના બદલે મારા શરીરમાંથી આત્મારસ કાઢી લો, આમેય મારા શરીરમાંથી તમને ખુબ વધારે લોહી પણ મળશે, તો શુ કહો છો બોલો." 

તે થોડીવાર માટે જાદુગરનો જવાબ સાંભળવા માટે અટક્યો.

જાદુગર મનમાં થોડું વિચાર્યા પછી મલકાઈને બોલ્યો "શુ તુ સાચે જ પોતાને મને સોંપી દઈશ? પછી પોતાની વાતમાંથી ફરી તો નઈ જાયને?"  

"નહી, હુ સાચું જ કહુ છું. તમે આ બાળકોને અમને સોંપી દો અને મને એમની જગ્યાએ બાંધી દો બસ" શ્યામે કહ્યું. 

શ્યામે એક વાર ભગવાન સામે જોયું, તેઓ તેની સામે જોઈને કંઈક વિચાર્યા પછી થોડું મલકાયા. 

શ્યામે વિચાર્યું કે સ્વયં જાદુગરોનો જાદુગર મારી સાથે છે પછી હુ શુ કામ કંઈ ચિંતા કરું, જે થશે એ ભગવાન શ્રી કૃષ્ણ સંભાળી લેશે. 

જો તેઓ ધારે તો એક જ ક્ષણમાં પેલા જાદુગરનો સર્વનાશ કરી શકે પરંતુ તેમના કહેવા પ્રમાણે તે જાદુગરને મારે હરાવવાનો હતો અને આ બાળકોને બચાવવાની જવાબદારી મારી હતી, એનું કરણ શુ હતું એ તો શ્યામને પણ ખબર નહોતી. 

આ બધું કેમ થશે એ તો તેને ખબર નહોતી પરંતુ જે થશે એ જોયું જશે એમ વિચારીને તે આ ખેલમાં કૂદી પડ્યો હતો.

જાદુગરની લીલી આંખોમાં હવે લાલચ સ્પષ્ટ દેખાઈ રહી હતી.

તે ધીમે ધીમે શ્યામની આસપાસ ફરવા લાગ્યો.
જાણે કોઈ ભૂખ્યો વરુ પોતાના શિકારને નિહાળી રહ્યો હોય.

“હાહાહાહા…!”
તે ભયંકર રીતે હસ્યો.

“આટલા વર્ષોમાં પહેલીવાર કોઈ પોતે ચાલીને મારી પાસે આવ્યો છે…! અને એ પણ પોતાની ઇચ્છાથી આત્મારસ આપવા માટે…!”

પાંજરામાં બંધ અમીન બાળકો ડરથી શ્યામ તરફ જોઈ રહ્યા હતા.

કેટલાક બાળકોની આંખોમાં આશા પણ ઝબકી ગઈ હતી.

જાદુગરે અચાનક પોતાનો હાડકાનો દંડ શ્યામની છાતી સામે રાખ્યો.

એક ઠંડો કંપારો શ્યામના આખા શરીરમાં ફરી ગયો.
“હમ્મ્મ…” જાદુગર આંખો બંધ કરીને બોલ્યો,

“તારા શરીરમાં તો અજબ ઊર્જા છે… સામાન્ય માનવ કરતાં ઘણી અલગ…”

શ્યામ અંદરથી ગભરાયેલો હતો, પરંતુ બહારથી શાંત દેખાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

“તો હવે સોદો મંજૂર છે ને?” તેણે દમ ભરીને પૂછ્યું.

જાદુગર થોડું મલકાયો.

“હા… પરંતુ પહેલા મને ખાતરી કરવી પડશે કે તું કોઈ ચાલાકી તો નથી કરતો.” એમ કહી તેણે પોતાના દંડથી જમીન પર એક ભયંકર ચિહ્ન દોર્યું.

લીલો પ્રકાશ ફાટી નીકળ્યો.

પળવારમાં જ જમીનમાંથી કાળા ધુમાડાના બે વિશાળ સાપ બહાર આવ્યા.
તેમની આંખો અગ્નિ જેવી લાલ હતી.

શ્યામ એક ક્ષણ માટે પાછળ હટ્યો.
“ડરીશ નહિ…” જાદુગર હસ્યો,

“જો તું ખોટું બોલતો હશે તો આ બંને તને જીવતો ગળી જશે.”

ભગવાન શ્રી કૃષ્ણ હજુ પણ શાંતિથી બધું જોઈ રહ્યા હતા.

તેમની આંખોમાં રહસ્યમય વિશ્વાસ હતો.



ક્રમશઃ

Dr Dipak kamejaliya 
"શિલ્પી"