LALO 2 in Gujarati Spiritual Stories by Kamejaliya Dipak books and stories PDF | લાલો 2 - પ્રકરણ 17

Featured Books
Categories
Share

લાલો 2 - પ્રકરણ 17







જે પ્રાણીનો માત્ર શ્વાસ લેવાનો અવાજ જ એટલો ભયાનક હોય… તે પોતે કેટલું ખતરનાક હશે?

તેઓ જેમ જેમ આગળ વધતા ગયા તેમ અવાજ અને દુર્ગંધ બંને વધારે તીવ્ર બનતા ગયા. 

શ્યામનો ડર પણ વધતો જતો હતો. છતાં તેની સાથે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે એ વિચાર તેને થોડી હિંમત આપતો હતો.

થોડું આગળ જઈ તેઓ એક વિશાળ ખડક જેવી જગ્યાએ આવી ઊભા રહ્યા. 

ત્યાં એક બાજુ અઢળક હાડપિંજર અને અડધા ખવાયેલા મનુષ્યો તથા પ્રાણીઓના મૃતદેહો પડેલા હતા. ત્યાંથી આવતી દુર્ગંધ હવે અસહ્ય બની ગઈ હતી.

એનાથી થોડે દૂર એક નાની ગુફામાંથી જ એ ભયંકર શ્વાસનો અવાજ આવી રહ્યો હતો.

ભગવાન શ્રી કૃષ્ણ શ્યામ સામે જોઈને હસ્યા.
“લાલભાઈ, ડર તો નથી લાગતો ને?”

ડર તો ખૂબ લાગતો હતો, છતાં શ્યામે અદબથી કહ્યું..
“અરે પ્રભુ, મારી સાથે સ્વયં પરમાવતાર શ્રી કૃષ્ણ હોય પછી મને શેનો ડર?”

પણ ભગવાન તેના મનનો ભય જાણતા હતા.
“તો ચાલ, પેલી ગુફામાં જઈને જોઈએ. આવો ભયાનક અવાજ કોનો છે?”

“પણ ત્યાં જવાની શું જરૂર છે પ્રભુ? મારા ખ્યાલ પ્રમાણે આપણે સ્વર્ગની શોધમાં આગળ વધવું જોઈએ…” શ્યામે ડર છુપાવતા કહ્યું.

ભગવાન તેની મજાક ઉડાવતા બોલ્યા...
“અરે, જો કોઈ ઓળખીતું મળી જાય તો સ્વર્ગ વિશે કંઈક પૂછવા મળશે. અને આમ પણ… તને તો ડર નથી લાગતો ને?”

“સારું… તમે કહો છો તો જઈએ. જે થશે એ જોયું જશે.”

“અરે કાંઈ નહીં થાય. ચાલ હવે.”
એમ કહી ભગવાને શ્યામનો હાથ પકડ્યો અને બંને 
ધીમે ધીમે ગુફાની અંદર પ્રવેશ્યા.

ગુફાની અંદરનું દ્રશ્ય અત્યંત ભયાનક હતું. તેમાં પણ એ ભારે શ્વાસનો અવાજ શ્યામના ડરમાં સતત વધારો કરી રહ્યો હતો.

અચાનક ભગવાન આગળ વધતા અટકી ગયા અને હાથથી શ્યામને પણ ઊભો રહેવાનો ઈશારો કર્યો.

શ્યામ ભગવાનની બાજુમાં જુકીને આગળ જોવા લાગ્યો.

“અર્ધાંગાસુર…”

ભગવાન શ્રી કૃષ્ણે કોઈ પ્રિય મિત્રને બોલાવતા હોય એવા પ્રેમથી અવાજ આપ્યો.

પણ શ્યામને ત્યાં કોઈ દેખાતું નહોતું.

અચાનક જ એક ખૂંખાર ગર્જના સાથે તેમની સામે જાણે કોઈ પ્રગટ થયું.

શ્યામનું હૃદય જાણે એક ધબકારો ચુંકી ગયું.

તે ગુફામાં કોઈ રાક્ષસ હતો… પરંતુ અત્યંત વિચિત્ર.

તેનું અડધું શરીર સિંહનું અને અડધું રાક્ષસનું હતું. 

એવું લાગતું હતું જાણે કોઈએ સિંહની ગરદન કાપીને તેના ઉપર કમરથી ઉપરનો રાક્ષસી ધડ જોડી દીધો હોય.

બહાર નીકળેલા વિશાળ દાંત, કાળી બરછટ ચામડી, ગૂંચવાયેલા લાંબા વાળ અને લાલઘૂમ આંખો સાથે અર્ધાંગાસુર અત્યંત ભયંકર દેખાતો હતો.

પરંતુ શ્યામને એક વાત અજીબ લાગી.

સામાન્ય રીતે રાક્ષસોની ગર્જનામાં અભિમાન અને ક્રૂરતા હોય છે… 

પરંતુ અર્ધાંગાસુરની ગર્જનામાં દર્દ અને તૂટણ હતી. જાણે તે અંદરથી પીડાઈ રહ્યો હોય.

થોડી ક્ષણ સુધી ભગવાન અને અર્ધાંગાસુર એકબીજાની આંખોમાં જોતા રહ્યા. જાણે બંને વચ્ચે શબ્દો વગર કોઈ વાતચીત થઈ રહી હોય.

પછી ભગવાને ધીમેથી માથું હકારમાં હલાવ્યું અને તેઓ શ્યામ તરફ ફરી ગયા.

થોડીવાર પછી તેઓ ગુફામાંથી બહાર નીકળ્યા અને આગળ વધવા લાગ્યા. 

ભગવાન હવે એકદમ શાંત હતા.

આગળનો વિસ્તાર સંપૂર્ણ ખુલ્લો હતો.

શ્યામ આગળ વધ્યો… 

અને પછી જે દ્રશ્ય તેણે જોયું તે જોઈને તેનું મોં ખુલ્લું જ રહી ગયું.

તેમની સામે એક અતિશય વિશાળ અને ભવ્ય દુનિયા હતી.

સોના-ચાંદીના મીનારા, હીરા-ઝવેરાતથી ઝગમગતા મહેલો, વિશાળ માર્ગો અને દૂર સુધી ફેલાયેલું એક અદભુત નગર…

ઉપર લાલ આકાશમાં અનેક અજાણ્યા ઉડતા યંત્રો ફરતા હતા. 

શહેરની વચ્ચેથી એક વિશાળ નદી વહેતી હતી અને તેની મધ્યમાં એક ભવ્ય મહેલ ઉભો હતો.

શ્યામને લાગ્યું...
કદાચ તેમની સફર હવે પૂર્ણ થઈ ગઈ હતી.
તે ઉત્સાહથી બોલી ઊઠ્યો...

“પ્રભુ! આપણે સ્વર્ગ શોધી કાઢ્યું! હવે તમારી મંજિલ આવી ગઈ!”

પરંતુ ભગવાનના ચહેરા પર ખુશી નહોતી…
તેમની આંખોમાં ચિંતા હતી.

“શું… આ પણ સ્વર્ગ નથી?” શ્યામે નિરાશ થઈને પૂછ્યું.

ભગવાને નકારમાં માથું ધુણાવ્યું.

“ના લાલભાઈ… આ સ્વર્ગ નથી. આ પાતાળ નગરી છે. અહીં અત્યંત ભયાનક અને શક્તિશાળી દાનવો વસે છે.”

શ્યામ આશ્ચર્યથી આ સુંદર અને ચમકતા નગર તરફ જોઈ રહ્યો હતો..

એટલી સુંદર નગરી… અને તેમાં દાનવો? તેના મનમાં એ વિચાર ફરી વળ્યો.

ભગવાને તેના ખભા પર હાથ મૂક્યો.
“આગળ જે થવાનું છે એ સમજવા માટે તારે એક સત્ય જાણવું જરૂરી છે…”

અને પછી તેમણે પહેલીવાર “દેવાસુર” વિશે કહેવાનું શરૂ કર્યું…

"તેં કદાચ જો સાંભળ્યું હોય તો કે જયારે મારો જન્મ થયો ત્યારે જ માતા યશોદાની કોખથી જન્મેલી મારી બહેન- મહામાયા, કે જેની અંદર સ્વયં માતા સતીનો અંશ હતો તેને જયારે મામા કંસે મારવા માટે ઉઠાવી ત્યારે તે આકાશમાં જઈને અદ્રશ્ય થઈ ગઈ હતી." 

"પરંતુ ત્યાર પછીની કહાની કોઈ નથી જાણતું."

“મહામાયાને પણ આ જગતમાં રહીને સુખ-દુખ, પ્રેમ અને દર્દ જેવી અનેક લાગણીઓની અનુભૂતિ કરવી હતી." 

મૃત્યુલોકમાં જીવન વિતાવવા માટે તેમને પોતાની દૈવી શક્તિઓનો ત્યાગ કરવો પડ્યો. એટલા માટે તેમના રક્ષણ હેતુ મહાદેવ ભગવાન શંકરે સૂર્યદેવને એક દેવાસુરનું સર્જન કરવાનું કહ્યું. 

મહાદેવના આદેશથી સૂર્યદેવે એક દેવાસુરનું સર્જન કર્યું અને જયારે તેમાં કોઈ દેવતાનો અંશ ઉમેરવાનો સમય આવ્યો ત્યારે મહાદેવ સ્વયં ત્યા ઉપસ્થિત હતા. એટલે સૂર્યદેવે પોતાનો અંશ ઉમેરવાને બદલે મહાદેવને તેમનો અંશ ઉમેરવા માટે કહ્યું. 

મહાદેવ પણ એના માટે સહમત થયા અને આવી રીતે એક દેવાસુરનું સર્જન થયું.

ત્યારબાદ બધા જ દેવોએ મળીને તેને પોતાની કોઈને કોઈ શક્તિ આપી અને તેને નામ આપવામાં આવ્યું - સૂર્યન્તક. 

“સૂર્યન્તક આમ તો એક અસુર હતો, પરંતુ તેનું સર્જન સ્વયં સૂર્યદેવે કર્યું હતું. તેમના તેજના કારણે તે દેખાવે કોઈ રાક્ષસ નહીં પરંતુ એક તેજસ્વી અને દિવ્ય યોદ્ધા જેવો લાગતો હતો. 

તેનામાં દેવોએ આપેલી અતિશય શક્તિઓ અને દરેક પ્રકારની વિદ્યામા તે પારંગત હતો. તે દેખાવે એક શક્તિશાળી રાજકુમાર જેવો લાગતો હતો."

અહીં પૃથ્વી પર મહામાયાને ઉછેરવાને બદલે અહીંથી ખુબ જ દુર આવેલા એક ગ્રહ 'સિપાક' કે જેની ઉપરના લોકો દેખાવે એકદમ મનુષ્યો જેવા જ હતા ત્યા મોકલી દેવામાં આવી હતી. 

અહીં એક સમૃદ્ધ રાજ્ય હતું 'શિષિરત'. આ રાજ્યના વિનિધન નામના એક નાનકડા અને સુંદર ગામમાં એક સુખી દંપતીની દીકરી માયા તરીકે ઉછરી રહી હતી મહામાયા.

વિનિધનની આસપાસ એક જંગલ હતું. જંગલમાં એક આશ્રમ આવેલો હતો. આશ્રમમાં રહીને બીજા વિદ્યાર્થીઓને ધનુરવિદ્યા અને તલવારબાજી શીખવવાના બહાને સૂર્યન્તક ત્યા રહેતો અને માયા પર નજર રાખતો. 

ક્યારેક ઋષિના વેશમાં તો ક્યારેક યોદ્ધાના સ્વરૂપમાં, સૂર્યન્તક દિવસમાં એકવાર ગામમાં જતો અને માયાની નજરમાં આવ્યા વગર તેના સમાચાર મેળવતો. 

વિનિધન ગામના લોકોની કોઈ રોગચાળામાં કે કોઈ પુર જેવી કુદરતી આફતોથી બચવામાં જરૂર પડ્યે આશ્રમના લોકો વારંવાર મદદ કરતા અને બદલામાં તેમને માત્ર અનાજ અને અન્ય ખાવા પીવાની સામગ્રી આપતા. 

આવી રીતે જ બધા એકબીજા સાથે હળીમળીને રહેતા હતા.

દિવસો વીતતા ક્યાં વાર લાગે છે. માયા મોટી થઈ અને એક સુંદર યુવતી બની ગઈ હતી. 

માયા દેખાવે એકદમ નમણી અને જોતા જ ગમી જાય તેવી સુંદરી હતી.  

શિષિરત નગરીનો રાજા મહારાજ વૃષભરાજ એકદમ સ્વાર્થી, ઐયાંશી, અને ક્રૂર હતો. 

તે ઘણી વાર રાજ્યમાં નગરચર્યામા નીકળતો અને જો કોઈ સુંદર યુવતી તેને પસંદ આવી જતી તો પોતાના સૈનિકોને મોકલીને તેનું પોતાની હવસ શાંત કરવા માટે અપહરણ કરાવી લેતો.

એકવાર એવી જ રીતે રાજા નાગરચર્યામાં નીકળ્યો હતો. તેની પાલખી જયારે વિનિધન ગામમાંથી પસાર થઈ તો તેની નજર માયા પર પડી જે ગામની નદીએથી પાણી ભરીને ઘર તરફ જઈ રહી હતી.



ક્રમશઃ

Dr Dipak kamejaliya 
"શિલ્પી"