Dhirgambhir in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ધીરગંભીર - ૧૨

Featured Books
Categories
Share

ધીરગંભીર - ૧૨

સુહાની પોતાનો સંકલ્પ લઈ ચૂકી અને કોઈ પણ સંજોગમાં સંકલ્પ પુરો કરશે જ એવો નિર્ણય જાત સાથે કરી ચૂકી હતી. એના મનમાં શાંતિ હતી કારણકે, એને ખાતરી થઈ ચૂકી હતી કે મોહિત પણ એને પસંદ કરે જ છે. 

મોહિત ઘરે પહોંચ્યો એણે જોયું મામી અને મમ્મી બંને ખૂબ આનંદથી વાતો કરી રહ્યા હતા. મોહિતના મનમાં હાશકારો થયો કે ચાલો, મમ્મી ફરી નોર્મલ થઈ ગઈ છે! મોહિત એના મમ્મીને દુઃખી જોઈ એ ખુદ પણ વ્યાકુળ થઈ જતો! 

પુરુષને લોકોએ એવી ફ્રેમમાં બેસાડ્યા છે કે, એમને ક્યારેય કોઈ દુઃખ દર્દ ન થાય! પણ એ સાવ ખોટી બાબત છે. એમને પણ દુઃખ, દર્દ પીડા બધું જ થાય છે પણ જેમ સ્ત્રીને મર્યાદાની ફ્રેમમાં બાંધી એમ પુરુષને ક્યારેય રડે નહી એ ફ્રેમમાં સમાજે બાંધ્યા છે. આ બાબત બન્ને માટે સાવ ખોટી છે. મર્યાદાના પાઠ જેમ સ્ત્રી માથે થોપવામાં આવે છે એમ પુરુષને માટે પણ મર્યાદા હોવી જોઈએ. સ્ત્રીને જ્યારે દુઃખ થાય એ કોઈની પણ સામે રડી શકે છે એમ પુરુષ પણ જ્યારે દુઃખી હોય કોઈની પણ સામે દુઃખ વ્યક્ત કરી શકે એવી જ્યારે આપણા સમાજમાં સમજણ આવશે ત્યારે ખરા અર્થમાં દુનિયામાં બધા પોતાની મરજીથી જીવી શકતા હશે! મોહિત પણ આ જ કારણથી ક્યારેય પોતાની પીડા કોઈને કહી શકતો નહી, એનું નિખાલસ બાળપણ એકાએક ધીરગંભીર વ્યક્તિત્વમાં બદલાય ગયું એ ખુદ મોહિત પણ જાણતો નહતો.

ચેતનાએ હવે મોહિતને જોયો એક ક્ષણ માટે એના ચહેરા પર થોડા અણગમાના ભાવ આવ્યા પણ મોહિતને એકલો જોઈ એ ખુશ થયા એ મોહિત સમજી જ ગયો! મોહિત આવીને તરત એ બન્નેને પગે લાગ્યો અને પ્રોજેક્ટને બધાનો ખૂબ રિસ્પોન્સ મળ્યો એ ખુશી સમાચાર પણ આપ્યા! ચેતના ખૂબ ખુશ થઈ! એની ખુશી એટલી બધી હતી કે એ હસતા હસતા પણ આંસુ સારવા લાગી! મામી ખૂબ ખુશ થયા અને એમણે તરત ઘરે જાણ કરી. સવારે જે દુઃખ હતું એ સૂર્ય આથમતા સમાપ્ત થઈ ગયું. હરખ અને આનંદ દરેકના ચહેરે હતો. મામી અને મમ્મી બન્ને એમનું કામ કરવામાં વ્યસ્ત થયા! મોહિત એના રૂમમાં ગયો. એ ફ્રેશ થઈ બાલ્કનીમાં ઊભો રહ્યો. એ ખુલ્લી હવામાં આંખ બંધ કરી આજની એ દરેક પળને યાદ કરી રહ્યો જે દરેક પળ મોહિતને સુહાની એની કોઈ ખાસ વ્યક્તિ છે એવો અહેસાસ કરાવી ગઈ!  



************************************



મામા ઘરે આવ્યા ત્યારે બધા જ ઊંઘી ગયા હતા. મામીએ જોયું કે મામાનો મૂડ ઠીક નથી, અત્યંત ચિંતા અને દુઃખની છાયા એમના ચહેરા પર દેખાઈ રહી હતી. મામીએ રૂમમાં ગયા બાદ શાંતિથી હકીકત જાણવા પૂછ્યું, "અશોકકુમાર સાથે વાત થઈ?" ખરેખર શું થયું છે?"

"ના એમણે મારો ફોન જ ઉપાડ્યો નહી. મેં બે વાર પ્રયત્ન કર્યો પણ વાત થઈ નહી."

"અરે શું વાત કરો છો? ખરેખર?"

"તો શું હું ખોટું બોલું છું? કીધું વાત નથી થઈ તો નથી થઈ." સહેજ ગુસ્સામાં મામાએ કહ્યું.

મામાના ગુસ્સાનું ખરું કારણ મામી સમજી ગયા આથી એમણે કોઈ જ પ્રશ્ન વગર ચૂપ રહેવાનું પસંદ કર્યું. મામાએ ફ્રેશ થઈ પલંગ પર લંબાવ્યું. એમની નજર છત પર સ્થિર હતી. અનેક વિચારો આવતા હોવાથી ઊંઘ આવી રહી ન્હોતી. થોડીવાર એમ જ પડ્યા રહ્યા, એમણે જોયું મામીને પણ ઊંઘ આવી રહી ન્હોતી. હવે મન એમનું શાંત હતું આથી એમને પોતાની ભૂલ સમજાણી, એમણે તરત પોતાની ભૂલનો સ્વીકાર કર્યો અને મામીને માફી માંગતા કહ્યું," મારી ભૂલ છે તું મારા પરિવારની ચિંતાને તારી સમજી હકીકત જાણવા પૂછી રહી હતી. અને હું તારા પર આખા દિવસનો ગુસ્સો ઊતારી રહ્યો! મને પ્લીઝ માફ કરજે.. મન ખૂબ ઉચક છે! શું થયું? અને શું થશે એ કઈ સમજાતું નથી. મનમાં અશોકકુમાર માટે પણ નેગેટિવ વિચારો આવી રહ્યા છે. મારાથી ક્યારેય કોઈને સમજવામાં કોઈ ભૂલ નથી થઈ, આ પહેલી વખત મારાથી માણસ પરખવામા ભૂલ થઈ હોય એવું મને લાગી રહ્યું છે. હું મારી બેન માટે કંઈ કરી શકતો નથી એનો મને ખૂબ અફસોસ થઈ રહ્યો છે!" મનનો ભાર ઠાલવતાં મામા બોલ્યા.

"તમે જેટલું કરી શકો એનાથી પણ વિશેષ કરો છો. ખોટું નેગેટિવ વિચારો નહી. આપણે હંમેશા ચેતનાબેન માટે જે હિતકારક હોય એજ કરીએ છીએ, અને હંમેશા કરશું. એના ભાગ્યમાં જે ફળ ભોગવવાનું લખ્યું હશે એ તો એમણે જ ભગવવુ પડે! હા, આપણે એના દુઃખમાં હંમેશા સાથે રહી એને ક્યારેય એકલા નહી પડવા દઈએ અને જ્યારે પણ આપણી જરૂર એમને હોય ત્યારે પીછેહઠ નહી કરીએ. સમય જશે એટલે બધું ઠીક થશે. અને હા..મારે એક વાત કહેવી હતી એ તમને જણાવું કે નહી એ સમજાતું નથી ." ખૂબ શાંતિથી મામીએ પોતાનો મંતવ્ય રજૂ કર્યો.

"કેમ એવું કહે છે? એવી તે શું વાત છે કે તને બોલતા પહેલા વિચારવું પડે!!! જે પણ વાત હોય એ મને જણાવ."

"તમે જતા રહ્યા એ પછી, મેં મમ્મી પપ્પાને વાત કરતા સાંભળ્યા, એ ચેતનાબેન માટે વાત કરી રહ્યા હતા. એ વાત એમ છે કે, એ ત્રણેય કાલે પપ્પાના મિત્ર પાસે જવાના છે. પાઠ બેસાડવાના છે, અને ચેતનાબેનના સાસરેથી શું કરવામાં આવ્યું છે એ એમને જાણવું છે. અને આ બધી જ વાત આપણા બન્નેથી હાલ છુપાવવાના છે. મને એમ થાય છે કે, પપ્પા ખોટા રસ્તે જઈ રહ્યા છે. ચેતનાબેનને કોઈ માનસિક રોગના ડૉક્ટર પાસે લઈ જવાની જરૂર છે. એ જે વર્તન કરી રહ્યા હોય છે એ ખરેખર નોર્મલ વ્યક્તિ કરે એવા લક્ષણ તો નથી જ! મારું મન એમ ઈચ્છે છે કે, કાલ પપ્પા એમના મિત્રને ત્યાં જાય એ પહેલા જ તમે એમને કહોને કે કોઈ સારા ડૉક્ટરને દેખાડે!"

"શું તને એમ લાગે છે કે એ આપણી વાત માનશે!?? આજ દિવસ સુધી ક્યારેય પપ્પા આપણી સલાહ માન્યા નથી અને ક્યારેય આપણને કઈ પૂછતા નથી. અને જો આપણે સામેથી કહેશું એટલે તરત આપણા પર ગુસ્સે થશે અને કહેશે હા, હવે મારી દીકરીને તમે પણ ગાંડી કહો! એમને જેમ ઠીક લાગે એમ કરવા દે!! આ બાબત શું છે એ હજુ આપણે જાણતા નથી અને કંઈ કહેશું તો અંદરોઅંદર બોલાચાલી થઈ જશે! અત્યારે જેમ ચાલે છે એમ જ ચાલવા દે!" લાચારી વ્યક્ત કરતા દુઃખી અવાજે મામા એ વાત રજૂ કરી.

"હા, તમારી વાત પણ સાચી છે. પણ.. જો એકવાર રસ્તો ખોટો પસંદ કર્યો તો વધુ તકલિફ મોહિત ને પડશે! એ બાળક ખોટું પરેશાન છે."

"હા, તારી વાત સાવ સાચી છે. એકવાર અશોકકુમાર સાથે વાત થાય તો કંઈક આપણે બોલી શકીએ!"

"હા, હવે ચિંતા ન કરો શાંતિથી સૂવાનો પ્રયાસ કરો. કારણકે જેટલું વિચારશો એટલી તકલીફ વધશે!"

"હા, કાલની સવાર ખરેખર ચેતનાના જીવનમાં કંઈક નવો સૂર્યોદય લાવે તો સારું!"



************************************



મોહિત એની પ્રિય પળોના વિચારમાં ખુશ હતો.
આસપાસનું વાતાવરણ પણ એટલું આહલાદક હતું કે એને વારંવાર એકના એક વિચાર પણ ખુશી આપી રહ્યા હતા. 

"શું વિચારે છે બેટા? કેમ અહીં એકલો બેઠો છે?ચાલ અંદર આવ!" મમ્મીનાં શબ્દોએ મોહિતના વિચારો પર અંકુશ લીધો અને મોહિતની તંદ્રા તૂટી.

નમસ્તે વાચકમિત્રો. મારી ધારાવાહિક "ધીરગંભીર" ને વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ અવશ્ય આપજો. મોહિતના સફરમાં જોડાવવા માટે હું આપ સર્વનો દિલથી આભાર માનું છું. ફરી મળશું નવા પ્રકરણ સાથે. જય શ્રી રાધે કૃષ્ણ.