Exclusive in Gujarati Short Stories by Vipul Rathod books and stories PDF | એક્સક્લુઝીવ

Featured Books
Categories
Share

એક્સક્લુઝીવ

એક્સક્લુઝીવ

-વિપુલ રાઠોડ

ગઈકાલે મોડી રાત સુધી તમામ સમાચાર ચેનલોમાં ચલાવવામાં આવેલો એક રીપોર્ટ આજે સ્વાભાવિક રીતે તમામ અખબારોની હેડલાઈનમાં ચમક્યો. દેશનાં કોઈપણ રાજ્યમાં ન હોય તેવો આકરો ભ્રષ્ટાચાર વિરોધી કાયદો ઘડાયો. આ કાયદાને લઈને મુખ્યમંત્રી અને શાસકપક્ષે વ્યક્ત કરેલો ગર્વ અને લીધેલો જશ, કાયદાની ઝીણી-ઝીણી વિગતો, ભ્રષ્ટાચારીઓ ઉપર આવનારી આફતથી માંડીને અનેક પરિમાણો અને પરિબળોની છણાવટ બધા અખબારોમાં પાના ભરીને ચમકી. જો કે આ બધા વચ્ચે એકમાત્ર સ્વાભિમાન અખબાર જ એવું નીકળ્યું જેની હેડલાઈન એક વિશેષ સમાચારથી અલગ પડતી હતી. ભ્રષ્ટાચાર મુદ્દે બધા અખબારો અને ચેનલો રાજ્ય સરકારની આરતી ઉતારતા હતાં ત્યારે સ્વાભિમાને આ મુદ્દે જ સરકારને ઝૂડી કાઢી.

સ્વાભિમાનનાં સંપાદક અભય જોશી અને એ વિશેષ સમાચાર ખોળી કાઢનાર સત્યપ્રકાશ શાહની અપેક્ષા મુજબ જ તેમના અખબાર અને એ અહેવાલે ખળભળાટ મચાવી દીધો, સનસનાટી ફેલાવી દીધી. સવારે અખબાર લોકો સુધી પહોંચતા સાથે જ તમામ ચેનલોનાં પત્રકારો આ સમાચારના ઉંડાણમાં પહોંચવા દોડવા લાગ્યા અને બીજા અખબારોનાં તંત્રી-પત્રકારોની ઉંઘ સવારના પહોરમાં હરામ થઈ ગઈ. સામાન્ય જનતાનાં મનમાં ભ્રષ્ટાચાર ખતમ થવાની જાગેલી આશા અમુક કલાકમાં જ હોલવાઈ ગઈ. ચોમેરથી સરકાર ઉપર ફિટકાર વરસવા લાગી. સમાચારજગતમાં વહેલી સવારથી જ ફોનની ધણધણાટી ધાણીફૂટ વછૂટવા લાગી.

રીલાયેબલ નામની વિરાટ કંપનીનાં ડિરેક્ટરને વહેલી સવારથી પોતાનો ફોન સ્વીચ ઓફફ કરી દેવો પડ્યો. તેની કંપનીનાં જનસંપર્ક અધિકારીઓને પત્રકારોનાં સવાલનાં ફાયરીંગ સામે ગોળગોળ વાતો વાળીને યોગ્ય જવાબ આપવા માટે જોઈતો સમય મેળવવો અઘરો થઈ પડ્યો હતો. સ્વાભિમાનમાં છપાયેલા અહેવાલે આ કંપનીની આબરૂનાં લીરા ઉડાડી નાખ્યા હતાં. આ કંપનીને બારસો એકર જમીનની ફાળવણીમાં થયેલી ગોબાચારીએ કંપનીને લોકોના જનમાનસમાં એક વિશ્વાસનાં પ્રતીકમાથી આરોપીનાં કઠેડામાં લાવી દીધી. રાજ્ય સરકારે આ ફાળવણીમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો દાવો સ્વાભિમાન અખબારે કરેલો. આટલું જ નહીં પર્યાવરણની મંજૂરીથી માંડીને બીજા ઘણાં નિયમોનો છેદ ઉડાડતાં કંપનીને આ જમીન ધૂળનાં ભાવે આપી દેવામાં આવી હતી. જેનો ભાંડો સ્વાભિમાને ફોડી નાખ્યો.

સ્વાભિમાનનાં તંત્રી અભય અને આ એક્સક્લુઝીવ રીપોર્ટ બનાવનાર સત્યપ્રકાશનો ફોન પણ અપેક્ષાકૃત સવારથી રણકતો હતો. બન્ને ઉપર પત્રકાર આલમમાંથી અભિનંદનનો ધોધ વછૂટતો હતો. વળી કેટલાક પત્રકારો તેમની પાસેથી આ અહેવાલને આગળ ચલાવવા માટે કઈ રીતે આગળ વધવું તેનું માર્ગદર્શન પણ મેળવી રહ્યા હતાં.

આ બધા ફોન વચ્ચે અભયનો સેલફોન એક જાણીતા નંબર સાથે ગાજ્યો. એક-બે રીંગ વાગી ત્યાં સુધી મનોમન તે શું વાત કરવી તેની માનસિક તૈયારી કરી ચુક્યો હતો અને પછી તેણે ફોન રીસીવ કર્યો.

'હેલ્લો...'

'કેમ છો સર? એક જ મિનિટ સાહેબ વાત કરવા માગે છે.' આટલું બોલીને સામે છેડેથી સેક્રેટરીએ અભયને થોભાવ્યો અને મુખ્યમંત્રીનાં ખુબ જ અંગત અને મુશ્કેલીનાં સમયમાં સરકાર માટે કષ્ટભંજક બની રહેતા શક્તિશાળી નેતા અને મંત્રી જગત જાનીને ફોન આપ્યો.

'અરે... અભયભાઈ આ શું છે? આવા ગપગોળા જેવા સમાચાર તમે ક્યારથી શરૂ કરી દીધા? કોઈએ ગેરમાર્ગે દોરવ્યા છે તમને, સ્હેજ કાળજી રાખો.' ભારેખમ અવાજે જગત મંત્રીએ પોતાનો ઉકળાટ અને અકળામણ ઠાલવ્યો.

જરા પણ વિચલિત થયા વગર અભયે જવાબ વાળ્યો 'કાળજી તો સરકારે રાખવાની જરૂર નથી લાગતી જગતભાઈ...?'

'જુઓ આ વાતમાં કોઈ તથ્ય નથી અને હવે આ બંધ થવું જોઈએ.' જગત મંત્રીએ હવે સૂર બદલતા ધમકીની ભાષામાં વાત છેડી.

' મારું કહેવાનું પણ એ જ છે કે અમે જે લખ્યું છે એ બધા ગોરખધંધા બંધ થવા જોઈએ.' અભયનો સામો ફુંફાડો સાંભળીને જગત મંત્રીએ ફોન કાપી નાખ્યો.

આ વાતચીત પછી અભયે તરત જ સત્યપ્રકાશને ફોન જોડ્યો અને આવતીકાલના છાપામાં તેની પાસે રહેલા પુરાવાઓમાંથી અમુક છાપવા માટેની તૈયારી કરવાની સુચના આપી દીધી. સામે સત્યપ્રકાશ પણ ઉત્સાહમાં હતો. તેને પણ સવારથી રાજકીય આલમમાંથી ફોન ઉપર ફોન આવતાં હતાં. વિરોધપક્ષોનાં નેતાઓ સરકાર ઉપર તૂટી પડવા માટે સત્યપ્રકાશને ખુબ હવા ભરી ચુક્યા હતાં. જો કે સત્યપ્રકાશ પોતાના અહેવાલનાં પડઘાથી ખુશ હતો.

સામાન્ય રીતે કોઈ મોટા સમાચાર એકાદ અખબારમાં કે ચેનલમાં આવે પછી બધા જ પ્રસાર માધ્યમો તેને ઝીલી લેતા હોય છે અને પછી ચોમેરથી એ સમાચારનો મારો ચાલુ થઈ જતો હોય. દિવસભર આખી સમાચાર દુનિયામાં આ હેવાલની ખુબ ચર્ચા તો ચાલી પરંતુ આ વખતે કોઈ અકળ કારણોસર સ્વાભિમાનનાં સમાચાર પછી અન્ય માધ્યમો તે બાબતે મૌન રહ્યા અથવા તો સમાચારની તીવ્રતા ઘટાડીને, મંદ પાડીને, કદ ઘટાડીને રજૂ કર્યા.

બીજા દિવસની સવારે સ્વાભિમાન ફરી એકવાર પુરાવા સાથેની હેડલાઈન લઈને આવ્યું. બધાની આંખો પહોળી થઈ જાય તેવા દસ્તાવેજી પુરાવાઓથી સરકાર હચમચી ગઈ. અન્ય અખબારોનાં પત્રકારો અને સંપાદકોને પણ હવે જનતાની નજરમાં આ સમાચારને મહત્વ નહીં આપવા બદલ ભોંઠપ અનુભવવી પડે તેવો તાલ સર્જાયો.

સત્યપ્રકાશની નવી સવાર પણ આગલા દિવસની જેમ જ ફોનનાં સતત વાગતા રહેલા રીંગટોન રૂપી કલરવથી શરૂ થઈ.

એક ફોનકોલ રીસીવ કરતાં તેણે કહ્યું 'હાં...જી...'

'થોભો... જગત સાહેબ વાત કરશે.'

'સત્યપ્રકાશ આ હવે બંધ નહીં થાય તો મોંઘું પડશે.' જગતમંત્રીએ આગળ એકપણ શબ્દ ઉચ્ચાર્યા વગર આ ધમકી આપીને ફોન કટ કરી નાખ્યો. સત્યપ્રકાશે તત્કાળ પોતાના તંત્રી અભયને ફોન જોડ્યો અને મળેલી ચોખ્ખી ધમકીની જાણકારી આપી. સામે છેડેથી અભયે સત્યપ્રકાશને જાણકારી આપી કે હંમણા જ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ ફોન આવી ગયો છે અને સીએમ તરફથી તમામ વાતોનાં ખુલાસા અને મુદ્દાઓનાં સમાધાન માટે તેને ગાંધીનગર તેડાવવામાં આવ્યો છે. જો કે અભયે સાથોસાથ સત્યપ્રકાશને કોઈપણ પ્રકારનો ભય નહીં રાખવા અને આવતીકાલે એ સમાચારમાં નવા પુરાવા સાથે વધુ એક ધડાકો કરવાની ધરપત અને સુચના પણ આપી.

ચોમેર સ્વાભિમાન અખબારની વાહવાહી થતી હતી. જનતામા આ એક જ છાપું લોકો સુધી સાચી જાણકારી આપતી હોવાનો ભરોસો વધુ એકવાર પુરવાર થયો હોવાની લાગણી હતી. અજાણ્યા લોકો પણ અખબારનાં કાર્યાલયે ફોન અને ઈ-મેઈલ લખીને અભિનંદનનો અને પ્રોત્સાહનનો મારો ચલાવવા લાગેલા.

સ્વાભિમાનનાં બીજા દિવસનાં અહેવાલ પછી અન્ય માધ્યમોએ સરકાર અને રીલાયેબલ કંપનીનાં ખુલાસાઓ સ્પષ્ટતાઓને મૂળ સમાચાર કરતાં વધુ મહત્વ આપ્યું હતું. વિપક્ષના આક્રમણને ખાસ જગ્યા મળી નહોતી. જો કે કોઈ જ અખબાર કે ચેનલે આ કૌભાંડનાં મૂળમાં પહોંચવાના પ્રયાસ સમાન અહેવાલો આગળ ધપાવવાની દરકાર નહોતી લીધી. આ બધા વચ્ચે અભય ગાંધીનગર મુખ્યમંત્રીને મળીને મોડી સાંજે કાર્યાલયે પરત આવ્યો. તે પોતાની ચેમ્બરમાં જતો હતો ત્યારે તેની નજર સત્યપ્રકાશ ઉપર પડી. જે ઘણા બધા કાગળનાં થોથા વચ્ચે કંઈક કામમાં વ્યસ્ત લાગ્યો. તેને કનડગત કર્યા વગર અભય ચેમ્બરમાં જઈને બેઠો અને પોતાના કામોમાં પરોવાઈ ગયો. રીપોર્ટ તૈયાર થયે સત્યપ્રકાશ તેની પાસે નિત્યક્રમ મુજબ આવશે તેનો તેને ખ્યાલ હતો.

એકાદ કલાક પછી સત્યપ્રકાશ પોતે લખેલો એક નવો રીપોર્ટ લઈને અભયની ચેમ્બરમાં પહોંચ્યો.

'સાહેબ...' સત્યપ્રકાશ અંદર પ્રવેશતા વધુ કંઈ બોલે તે પહેલા જ અભયે તેને કહ્યું 'આવ... બેસ... એસપી.' અભયનો સૂર ઢીલો હતો. સત્યપ્રકાશને લાગ્યુ કે કદાચ ગાંધીનગર જઈને આવ્યાનો સાહેબને થાક હશે.

સત્યપ્રકાશ અભયને એક ખાનગી વાત કરવા માગતો હતો એટલે તે અભયના એ થાકની પરવા કરવાનો નહોતો. જો કે તે કંઈ બોલવાની શરૂઆત કરે તે પહેલા જ અભયે સત્યપ્રકાશના હાથમાંથી પોતાના હાથમાં આવેલા રીપોર્ટ ઉપર નજર કરતાં કહ્યું 'જો એસપી... તને કદાચ અજુગતું લાગશે પણ સીએમ સાથે મારી બેઠક થઈ ગઈ છે અને આપણે આ કૌભાંડનાં અહેવાલ અટકાવીએ તો આપણે બન્ને ફાયદામાં રહીએ એવી વાત છે...' અભયનાં શબ્દોથી સત્યપ્રકાશ થોડો વિચલિત થઈ ગયો. આ મતલબની વાત બન્ને વચ્ચે ક્યારેય થઈ નહોતી.

'તું સમજે છે ને હું શું કહેવા માગું છું...? એક હદ સુધી નીતિની વાતો બરાબર છે. પછી તો આપણે આપણા ભવિષ્ય અને ઘરનો વિચાર કરવો જ પડે. આવી વાત આપણે થઈ નથી એટલે તને વિચિત્ર લાગશે પણ ધરાઈ જશું એટલુ મળે એમ છે.' અભય સત્યપ્રકાશને આગળ કંઈ સમજાવે તે પહેલા જ સત્યપ્રકાશે પોતાની વાત ઉતાવળે આરંભી.

'સાહેબ... હું પણ થોડો અચકાતો હતો પણ તમને મારે કહેવું હતું કે આજે રીલાયેબલમાંથી મને ફોન આવેલો અને ખુદ ડિરેક્ટર મનીષ પટેલે આ મતલબની વાત કરવા માટે જ કાલે આપણને બન્નેને તેડાવ્યા છે. મને ચોખ્ખા શબ્દોમાં કહેવાયું છે કે જે કિંમત થાય એ ચુકવાશે.' સત્યપ્રકાશ પહેલીવાર પોતાના સ્તરથી હલકી વાત ઉપર ઉતરી આવ્યો હતો.

'ઓકે... ગોઠવી લઈએ. બન્ને અડધું-અડધું સમજી લેશું.' અભયનાં ચહેરા ઉપર મંદ અને ખંધુ હાસ્ય હતું. સત્ય પ્રકાશ થોડો છોભીલો હતો પણ આવનારા દિવસોમાં પોતે પૈસાની પથારીમાં આળોટતો હશે તેવા સપનામાં રાચવા લાગ્યો.

નવી સવારનું સ્વાભિમાન ફરીથી એ કૌભાંડનાં સમાચાર લઈને આવેલું. જો કે આજે તેમાં સરકાર અને રીલાયેબલ કંપનીએ કરેલા ખુલાસાઓ સાથેનું હતું. લોકોએ માન્યું કે આનું નામ સાચી તટસ્થતા. જેનો ભ્રષ્ટાચાર ઉઘાડો પાડ્યો તેનો પક્ષ પણ રજૂ કરવાની નૈતિક હિંમત આ અખબારમાં છે.

..............................................................