Gandhivichar Manjusha - 2 books and stories free download online pdf in Gujarati

ગાંધીવિચારમંજૂશા - 2

ગાંધીવિચારમંજૂષા

ડૉ. ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૨. ગાંધીજીની ધર્મભાવનાનું મૂળઃ ઘર

વ્યક્તિના ઘડતરમાં વારસો અને વાતાવરણ ધારદાર ભૂમિકા ભજવે છે. વારસો જે આપે છે તે વાતાવરણથી દિશા પામે છે. વારસાગત રીતે જે પ્રાપ્ત થાય છે તે વાતાવરણ દ્વારા સંગોપાય છે. ગાંધીજીની ધર્મભાવના તેમના વ્યક્તિત્વની આગવી બાજુ છે. તેમના વ્યક્તિત્વના આ લક્ષણમાં તેમનો વારસો અને તેમને મળેલું વાતાવરણ સ્પષ્ટ રીતે નોંધી શકાય છે. ગાંધીજી ધર્મભાવનાથી રંગાયેલી વ્યક્તિ હતા તેમાં કોઇ શંકા નથી. અહીં આપણે તેમની ધર્મભાવનાના મૂળમાં રહેલાં ઘરનાં સંસ્કારો વિશે જોઇએ.

ગાંધીજીનો વારસાગત ધર્મ હિન્દુ હતો. તેમના કુટુંબમાં વલ્લભાચાર્ય સ્થાપિત પુષ્ટિમાર્ગનું અનુસરણ થતું આવ્યું હતું. આ અર્થમાં ગાંધીજી કૃષ્ણ ભક્ત હોવા જોઇતા હતા. પરંતુ ‘સત્યના પ્રયોગો’સહિતના તેમના લખાણોમાંથી સ્પષ્ટ થાય છે કે તેમના શ્રદ્ધેય શ્રીરામચંદ્ર ભગવાન હતા. રામનામ તેમને મન બાળપણથી જ શ્રદ્ધાનો વિષય હતો. રંભાદાઇ દ્વારા અપાયેલા આ મંત્રે તેમના સમગ્ર જીવન પર પક્કડ રાખી હતી. વળી, તેમના ઘરમાં, તે પુષ્ટીમાર્ગી પરંપરાનું કુટંબ હોવા છતાં, હવેલી સંપ્રદાયનું અનુસરણ થતું ન હતું. કારણ કે ગાંધીજીના દાદા ઓતાબાપા તેમના જીવનના પાછલા ભાગે પોરબંદરમાં એક રામાનંદી સાધુના સત્સંગથી રામભક્ત બન્યા હતા. ત્યારથી તેમના ઘરમાં કૃષ્ણને બદલે રામની ભક્તિ થવા લાગી હતી. ઘરમાં ધર્મિક વાતાવરણ હતું અને ઘરના બધા સદસ્યો શ્રદ્ધાપૂર્વક ધર્મનું પાલન કરતા. ‘સત્યના પ્રયોગો’ના આરંભે ગાંધીજી પોતાનો પરિચય આપતા જણાવે છે કે તેઓ સનાતની હિન્દુ હતા. માણસ પોતાના પરિચયમાં તે બાબતો જણાવે છે જે પોતાને મહત્ત્વની લાગતી હોય. એટલેકે પોતાનો પરિચય આપવામાં તેમના ધર્મનો નિર્દેશ કરવો તેમને મન મહત્ત્વનો લાગે તેટલા તેઓ ધાર્મિક હતા. આ સૂચવે છે કે તેઓ ધાર્મિક હતા અને ધર્મને પોતાના જીવનમાં અદકેરૂં સન્માન આપતા હતા.

ગાંધીજીના પિતાજી સ્વયં ભારે ધાર્મિક હતા. તેમનું ધર્મનું જ્ઞાન પંથકમાં જાણીતું હતું. તેઓ પણ રામના ઉપાસક હતા. તેમની રામકથામાં ઊંડી પ્રીતિ હતી. તેમની બિમારીના દિવસોમાં પણ તેઓ રામાયણની કથાનું શ્રવણ કરવા જતા. લધા મહારાજની કથાનું પારાયણ તેઓ સાંભળતા. તે વેળાએ મોહન પણ સાથે હોય. આમ બાળમોહનના વ્યક્તિત્વમાં રામના નામનો મહિમા વણાવા માંડયો હતો. તેમની કથા શ્રવણની સભાનતા વિશે તેમણે બહુ લખ્યું જણાતું નથી. પરંતુ તેમના પિતાજીની બિમારીમાં તેઓ આ રામકથાનો શ્રવણ-લાભ લેતા તેવી બાબત જાણી શકાય છે. તેમની ધર્મભાવનાનાં મૂળિયાં આવી બાબતોમાં જોવાં મળે છે.

ગાંધીજીના કાકાના દીકરાએ પણ તેમની ધર્મ વિશેની ભાવનાને વિકસાવવામાં મદદ કરી હતી. તેમણે ગાંધીજી માટે રામરક્ષાના પાઠના શિક્ષણની વ્યવસ્થા કરી હતી. એટલે કે ગાંધીજીને તેમના ઘરમાં જ આ સુવિધા પ્રાપ્ત હતી. તેમની ધર્મભાવના આ રીતે વિકસતી રહી. તેમણે રામરક્ષાનો પાઠ મોઢે કરેલો હતો અને પ્રાતઃકાળના સ્નાન પછી દરરોજ તે બોલવાનો નિયમ રાખ્યો હતો. તેમને તેમના ઘરમાંથી જ ધર્મભાવનાનું વાતાવરણ મળી રહ્યું હતું. તેમના ઘરમાં પ્રવર્તતી ધર્મભાવનાની તેમના પર ભારે અસર થઇ હતી.

તેમની ધર્મભાવનાને પોષનારા અનેક પરિબળોમાંથી તેમનું ઘર સૌથી મહત્ત્વનું છે કારણ કે તેમને ધાર્મિક બનાવવામાં આ પરિબળે ભૂમિકા ભજવી હતી. ગાંધીજી પુખ્ત થયા પછી, અને ખાસ તો બેરિસ્ટરી કરવા વિલાયત ગયા ત્યારથી, તેમણે ધર્મમંથન આરંભેલું જોવા મળે છે. પરંતુ તેમના બાળપણમાં થયેલો તેમની ધર્મભાવનાનો વિકાસ પાયામાં રહેલો જણાય છે. પુખ્ત ગાંધી તો તેમના ધર્મને વળગી રહેનાર, તાર્કિક વિચારણાથી અન્ય ધર્મો સાથે સનાતની હિન્દુની આસ્થાને ચકાસનાર યુવાન તરીકે જોવા મળે છે. તેના દ્વારા તેમની ધર્મભાવના સુદૃઢ થાય છે, પણ ધર્મભાવનાનાં મૂળ તો તેમના બાળપણમાં ઘરમાં જ નખાયાં હતાં. હરિશ્ચંદ્ર નામના નાટકે પણ તેમને ધર્મ શીખવ્યો હતો અને તેમના સમગ્ર જીવન પર તેનો પ્રભાવ પથરાયો હતો. આ બધું તેમના બાલ્યકાળમાં ઘટ્‌યું હતું.

ગાંધીજીમાં ધર્મભાવનાનાં બીજ નાખવામાં સૌથી મોટો ફાળો તેમની માતાનો જણાય છે. આત્મકથા એ વાતની ગવાહી આપે છે. તેમના માતાની ધર્મમાં ઊંડી શ્રદ્ધાએ તેમને પ્રભાવિત કર્યા હતા. બાળપણમાં તેમણે તેમના માતાને ધર્મનિષ્ઠ સ્ત્રી તરીકે ઓળખ્યા હતા. પુતળીબાઈના વ્રતોએ તેમને ધર્મભાવના વિકસાવવા વાતાવરણ પૂરૂં પાડયું હતું. પુતળીબાઈ વ્રત રાખતા અને તે કોઇ પણ ભોગે પૂરૂં કરતા. બિમારીની સ્થિતિમાં પણ તેઓ ધાર્મિક વ્રતોને છોડતા નહીં તે ગાંધીજીએ નિહાળ્યું હતું. તેમના માતાએ ચંદ્રાયણનું વ્રત લીધું તેનું સુંદર ભાવનાશીલ વર્ણન તેમની આત્મકથામાં કરાયું છે. તેમનો પોતાનો તે વ્રતો સાથે લગાવ હતો તે પણ તેમાં દર્શાવાયું છે. ચંદ્રોદયની રાહ જોતા ગાંધી આત્મકથામાં ધાર્મિક બાળ તરીકે ઉભરી આવે છે. ઘરમાંથી આ સંસ્કારો મેળવનારા મોહનને તે વાતાવરણનો રંગ લાગ્યો હતો તે સ્પષ્ટ છે. માતાની ધર્મભાવનાનું વિસ્તરણ તેમનામાં થયું હતું તેમાં કોઇ શંકા નથી. ગાંધીજીની ધર્મભાવનાનાં મૂળ તેમના બાળપણમાં ઘરમાં જ નંખાયાં હતાં તેમાં કોઇ સંદેહ નથી. ગાંધીજીની ધર્મભાવનાને તેમના ઘરમાં જ પ્રેરણ મળી રહ્યું હતું તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. માતાના ધાર્મિક વ્રતોનો ભારે પ્રભાવ તેમના પર પડયો હતો.

તેમનામાં ધર્મ વિશેની ખાસ સમજ એવી વિકસી હતી કે જે શ્રદ્ધેય છે તે આપણું રક્ષણ કરે છે. રક્ષતિ ઈતિ ધર્મ. - આ સમજ તેમને મળી હતી તેમની રંભાદાઇ પાસેથી. બાળ મોહનને ભૂતપ્રેતની બહુ બીક લાગતી. નાનપણમાં આ બીકને લીધે અંધારામાં જતા પણ તેઓ ડરતા. તેમનામાં આ ભય ગ્રંથી દૃઢ થયેલી હતી. પરંતુ રંભાદાઇએ બીક લાગે ત્યારે રામ સ્મરણ કરવાનો ઉપાય બતાવી તેમને રામનામનું અમોઘ શસ્ત્ર આપ્યું હતું. ઘરમાંથી જ તેમને ધર્મ દ્વારા રક્ષાવાની સમજણ મળી હતી. ત્યારથી ગાંધીજીને રામ નામનો ટેકો મળી ગયો હતો. આ મંત્ર તો તેમના જીવનને એટલો પ્રભાવિત કરી ગયો કે છેવટે તેમની હત્યા વેળાએ પણ તેમના મુખમાંથી ‘હે રામ’ એવા શબ્દો સરી પડયા હતા. જેમનો કુળધર્મ પુષ્ટિમાર્ગ હતો તેવા ગાંધીના જીવન પર રામ નામનો પ્રભાવ તેમના ઘરમાંથી જ આવ્યો હતો. ઘરમાં અનુસરાતા રામાયણના સંસ્કારોનો ઘાટો રંગ તેમના જીવનમાં જોવા મળે છે. રામાયણનો મહિમા તેમણે નાનપણમાં ઘરમાંથી જ મેળવી લીધો હતો. રામાયણની કથાનું શ્રવણ અને રંભાદાઇ દ્વારા અપાયેલો રામમંત્ર તેમની ધર્મભાવનાને પુષ્ટ કરતાં અગત્યનાં પાસાં છે.

ગાંધીજીના પિતાજી ધર્મિક વૃત્તિના હતા. તેમનું ધર્મજ્ઞાન જાણીતું હતું અને કરમચંદ યાને કબા ગાંધીની ધર્મ કીર્તિ સારી પેઠે ફેલાયેલી હતી. ગાંધીજીએ વિવિધ ધર્મના લોકોની તેમના પિતાજી સાથેની ધર્મ ચર્ચાનો લાભ લીધો હતો. તેમણે અનેક ધર્મોમાંથી સારપ મેળવી હતી. કબા ગાંધીની આ ધર્મ ચર્ચાએ તેમનામાં સર્વધર્‌મ પ્રત્યે સમભાવની ભાવના વિકસાવી હતી. ધર્મભાવનાની રીતે ગાંધીજી અમુક ધર્મ પ્રત્યે વિશેષ લગાવ ધરાવવાની લાક્ષણિકતાથી પર હતા. આમાં પણ તેમના ઘરનું વાતાવરણ જ કારણભૂત હતું. ગાંધીજીના સમગ્ર જીવનમાં તેમની સર્વધર્‌મ પ્રત્યેની સમભાવનાનું આગવું મહત્ત્વ છે. આ ધર્મભાવના તેમને ઘરમાંથી જ મળી હતી.