Naam aenu Raju - 3 books and stories free download online pdf in Gujarati

નામ એનું રાજુ - 3

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : નામ એનું રાજુ પ્રકરણ – 2

શબ્દો : 1547

સજેસ્ટેડ શ્રેણી : નૉવેલ

નામ એનું રાજુ

પ્રકરણ – 3


ઉપર ચંદા ગોલ ગોલ....

રાજુ ને ઘરે લાવવાના બધા જ મીઠાં કાવાદાવામાં સરયુ બહેન અને એમનાં ભાભી જયા બહેન સફળતાથી પાર થઈ ગયાં છે, હવે તો રોજ રોજ નવાં નવાં બહાને ફળિયાનાં પણ સૌ કોઈ રાજુને રમાડવા આવતાં જતાં રહે છે, સૌ કોઈ પોતપોતાનાં રોજિંદા કામકાજમાં સેટ થઈ ગયું છે.

શંકરભાઈને પોતાનો તમાકુમાંથી ગડાકૂ અને સાથે સાથે દાંતે ઘસવાની તેમજ સૂંઘવાની એમ બંન્ને પ્રકારની છીંકણી બનાવવાનો વ્યવસાય, મધુબહેન તેમનાં સૌથી મોટા દીકરી, આમ નડિયાદમાં પરણાવેલાં પરંતુ તેમનાં પતિ જશભાઈ પટેલે કલકત્તાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવેલ એટલે તેઓ નજીકનાં નજીક અને દૂરનાં દૂર... સરયુ બહેન કેવું તોફાન કરી અને પોતાની ભાભી સાથે મળી જઈને રાજુને ઘરે લઈ આવ્યા છે અને હવે રમાડવા આવવું હોય તો આવી શકે છે એવું કાગળ દ્વારા જાણ થતાં ક્યારે જશભાઈ ને શાળામાં રજાનો મેળ આવે અને ક્યારે ઘર્મજ રાજુને રમાડવા આવે એમ રાહ જ જોતાં હતાં જાણે, ગમે તેમ તોય પોતાનાં નાના ભાઈ ને ત્યાંનું સૌપ્રથમ સંતાન હતો રાજુ...

આ બાજુ શંકરભાઈને અને ચંચળબેન ને રાજુનાં આવ્યાથી બઢતી મળી હતી, આખું ફળિયું શંકરભાઈને શંકરદાદા નાં નામથી અને ચંચળબેનને ચંચળબા નાં નામથી બોલાવતું હતું હવે આ શંકરદાદા પણ શંકર બેસનનાં નામમાંથી ટેમ્પરરી રાહત મળી હોય તેમ અનુભવતા હતા, રોજની સવારે સાડા છ વાગાથી ગામની ભાગોળે થતી ભજીયાની લારીની લાઈનમાં પ્રથમ ઊભા રહી ભજીયા ખાવાની એમની આદતને લઈને સૌ કોઈ એમને શંકર બેસનના નામથી ઓળખતું હતું... તો કોઈ વળી એમ પણ કહેતું કે વાહ ભાઈ શંકર બેસનને ત્યાં લાઈનમાં ઊભો રહેવા નવો મેમ્બર આવ્યો...

બસ આમ ને આમ રાજુને લાડકોડ અને સૌ કૌઈનાં હરખમાં અને હરખમાં દિવસો પસાર થતાં હતાં.. એક મહિનો.. બે મહીના એમ કરતાં કરતાં હવે રાજુ છ મહિનાનો થઈ ગયો હતો, બધાં બાળકો સાતમા મહિને બેસતાં થાય પણ આ ભાઈ આપણાં પાંચમાં મહિને તો બેસતાં પણ શીખી ગયેલાં, ઓલું કહે છે ને કે પાંચમાં મહિને બેસે એ પાંચમાં પૂછાય, આ કહેવત પણ કંઈ એમ નેમ તો નહીં જ પડી હોય ને ? રાજુ છ મહિનાનો થયો, પરંતુ એને જોઈને કોઈ એમ જ કહે કે નક્કી દસેક મસિનાનો તો હશે જ, જન્મ નાં સમયથી જ એનું શરીર જરા ભરાવદાર તો હતું જ, રંગે પણ સહેજ શ્યામ હોઈ લગડગટ્ટો અને જોતાંવેંત જ બોલાવી લેવાનું મન થાય એવો વહાલો લાગતો, સૌથી વધારે આ ઘરમાં એને કંપની હતી પોતાની સૌથી નાનકી ફોઈ ની, હા સરયુ બહેન જ સ્તો વળી, હવે છઠ્ઠો મહિનો પૂરો થવામાં હતો એટલે એને લઈને બહાર રમવા જવાનું તો સરયુબહેનને લાયસન્સ મળી ગયું હતું.


પોતાની બહેનપણીઓની સાથે રમતી હોય પણ તોય નાનલો રાજુ એમની સાથે અને સાથે જ હોય, એમાં ને એમાં સરયુ બહેને રાજુને ઘરનાં લોકોથી છાનામાનાં આથેલાં આમળાં, આથેલી આમલી તે બધું ચાટતાં પણ શીખવાડી દીધું હતું, રાજુ ચટાકાં બોલાવતો જાય અને હજુ બોલતાંય નહોતું આવડતું અને તોય જીભને સહેજ હોઠ વડે દાબીને ડ્ટ્ચ ઠ્ટ્ચ નો ઉદ્દગાર કાઢતાં આવડી ગયું હતું. ઘરનાં સૌને ઘણીવાર આ બાબતે નવાઈ લાગતી કે રાજુ સરયુને જોઈને તરત જ જીભનાં ચટાકા કેમ બોલાવતો હશે, અને કોઈના પણ હાથમાં હોય એની ફોઈને જોઈને એ ગાંડો ગાંડો થઈ જતો, પણ હજુ તો ખીચડી દાળભાત પણ નહીં ચાખેલા રાજુના ચટાકા ક્યાંથી કોઈને સમજણમાં આવે ? સંયુક્ત કુટુંબોની આ જ તો વિશેષતા છે કે બાળક ક્યારે કોઈનું કેટલું હેવાયું થાય તેનો પણ કોઈ હિસાબ ન હોય અને એમ ને એમ બાળક બધાંની વચ્ચે પ્રેમથી ક્યારે મોટું થઈ જાય તે પણ ક્યાલ ન આવતો. બસ કંઈક આવી જ રીતે રાજુ પણ મોટો થતો ચાલ્યો.


આજે રાજુનો પહેલ વહેલો જન્મ દિવસ છે. ઘરમાં સવારનાં જમવામાં જ કંસાર બન્યો છે, ઘરે તેનાં મોટાં મધુ ફઈબા પણ શાળામાં રજા તો નહીં પરંતુ રાજુનાં જશભાઈ ફૂઆને કોઈક શાળાકીય પ્રવૃત્તિનો જ સેમિનાર અટેન્ડ કરવાનો હોઈ ગુજરાત આવ્યા છે અને પોતે મધુબહેનને તેમનાં પિયર મૂકી અમદાવાદ સેમિનાર અટેન્ડ કરવા ગયેલાં છે, આમ મોટા ફોઈ બાની હાજરી થી રાજુનાં જન્મ દિવસનાં માહોલમાં જરા વધારે રોનક છે, એ વખતે આપણાં આજના જમાનાની જેમ ન તો હેપ્પી બર્થ ડે ટુ યુ ના ગીતો હતા ન તો કોઈ ભાઈબંધ દોસ્તારની પાર્ટીઓ, આજે તો સવારનાં જમવામાં કંસાર, દાળ, ભાત, ગળી રોટલી અને કંકોડાનું શાક બનેલું છે. વળી સાંજે પટેલનાં મધ્યમવર્ગી કુટુંબને છાજે તેવો વઘારેલી ખીચડી ખાવાનો પ્રોગ્રામ રાખેલ છે, અને સરયુ બહેન તેમજ જયા બહેન ની મીલી ભગતમાં જયા બહેનનું જીયાણું નહોતું વાળી શકાયું તે હિસાબે મોસાળ પક્ષને ન્યાય આપવા માટે ભાદરણથી જયા બહેનનાં ભાઈ ભાભીઓને પણ તેડાવ્યાં છે. આમ રાજુનો જન્મ દિવસ પણ સવારે જયાબહેન તેમજ જ્યંતિભાઈ ની સાથે મહાદેવનાં દર્શનથી શરૂ થઈ, બપોરનાં દાળભાત અને કંસાર ખાઈ સરયુ સાથે થોડું તોફાન અને ઊંઘ પૂરી કરવા તરફ જાય છે તો વળી સાંજે મોસાળ અને કુટુંબીઓ વચ્ચે આ હાથ થી પેલા હાથમાં અને આ ખોળેથી પેલા ખોળે એમ જવામાં અને ખિલ ખિલ હસવામાં પૂરો થાય છે.


હવે તો રાજુ એક વર્ષનો થઈ ગયો છે, ધીમાં ધીમા ડગલાં પણ ભરે છે, અને એવામાં જ એક દિવસ શંકરદાદા ઘરની બહાર આવી બધાને બહાર બોલાવે છે, સૌ કોઈ વિચારે છે, કે હજુ તો સવારનાં સાડા દસ જ વાગ્યા છે અને દાદા કેમ ઘરે આવ્યા હશે ? ઘરનાં તો ઠીક પણ સામેનાં ઘરેથી તેમજ બાજુમાંથી પણ સૌ કોઈ બહાર આવે છે અને બહારવાવીને જોવે છે તો શું ? શંકર દાદા એ પોતાની સાયકલમાં આગળથી બે પગ બહાર નીકળે એવી બાસ્કેટ મૂકાવી છે, સમજવું તો સહેલું જ હતું કે આ બાસ્કેટ રાજુને બેસાડવા માટેની હતી, એટલે સૌથી પહેલાં આડા થવાનું આવ્યું નાના એવા સરયુબહેનને, કારણ પોતે રમે કોની સાથે ? એટલે એ તો જો બાપુ રાજુને તો હું જ રમાડીશ કાંઈ તમારી સાથે ખરીએ કે ભાગોળે નથી જવા દેવાની એ તો મારી સાથે જ રમશે... હવે વારો આવે છે ચંચળ બા નો.. સરયુ ને સમજેવવાનો જ સ્તો વળી... તે સરયુને સમજાવતા કહે છે કે સરયુ રાજુ હવે મોટો થયો... હવે એને થોડોક છૂટો રહેતા પણ શીખવવું પડે ને, એને ભલે ને બાપુ સવારે ખરી એ લઈ જાય તું એને સાંજે રમાડજે, અને સવારે સવારે હવે તું ઘરમાં તારી ભાભીને કામ કરાવતાં શીખ. હવે અહીં સરયુ બહેનનું કંઈ જ ચાલે એમ નહોતું, એને માન્યા સિવાય છૂટકો જ ક્યાં હતો ?


હવે રાજુને તો પપ્પા નહીં પણ દાદાનો સપોર્ટ છે... સવારે જયા બહેન વહેલા વહેલા સાત વાગ્યામાં રાજુને નવડાવીને તૈયાર રાખે છે અને દાદા એને સાયકલની બાસ્કેટમાં બેસાડી ને ભાગોળ ફરવા લઈ જાય છે, હવે રાજુમાં લોહી તો શંકરદાદાનું પહેલેથી જ હતું અને એમાં સંગાથ પણ ભળ્યો પછી ભજીયાંથી છેટું થોડી ચાલે ? વરસ સવા વરસની ઉંમરે જ રાજુ એક દોઢ જેટલું ભાજીનું કે બટાકાનું તૈયાર ઘાણનું ભજીયું ખાતાં પણ શીખી ગયો હતો. કોઈકવાર જો ઘરે આવીને પણ ન જમે તો સમજી લેવાનું કે ભજીયાં વધારે ખાધાં હશે, ભગવાનનું કરવું કે તેની તબિયત પણ કાયમથી જ સારી,એને ક્યારેય કોઈ ૠતુ નડી નથી, જોકે એ વખતે ક્યાં કોઈ પેશ્યૂરાઈઝ્ડ દૂધની થેલીઓનાં દૂધ હતાં, એને તો ડેરીએથી તાજુ આવતું કાચું દૂધ જ પ્રિય હતું, પછી શરીર સ્વ્સ્થ્ય પણ સારું જ રહે ને.. સવારે દાદા સાથે ભાગોળનાં ભજીયાં અને સાંછે પોતાનો ફોઈ ની સાથે આથેલાં આમળાં તો વળી ક્યારેક ગોરસ આમલી, ક્યારેક જામફળ કે સીતાપળ તો ક્યારેક વળી આમલી એમ મોટો થતો હતો. શરીરે તો ભરાવદાર જ પહેલાંથી જ... ફળ ખાય તોય ગોળ અને ભજીયાં પણ ગોળ, આમ રાજુની નાનકડી એવી દુનિયા ઘરથી ભાગોળ, ભાગોળથી ઘરે તો વળી મહાદેવનાં ચોગાનમાં ફોઈ અને એની બહેનપણીઓ સાથે રમવામાં જ ઉછરતી જતી હતી.


આમ ને આમ રાજુ અઢી વર્ષનો ક્યારે થઈ જાય છે ખ્યાલ પણ નથી આવતો, અને ત્યાં જયા બહેનને ફરી સારા દિવસો રહે છે. જયા બહેનની સાસુ ચંચળબાને તરત જ આ સારા એંધાણ નો અણસાર આવી જાય છે અને રાજી થતાં થતાં વહુને કહે છે કે વાહ વહુ, આ તો ભગવાને સામે જોયું કહેવાય, હવે બસ ભાઇને રાખડી બાંધનાર મળી જાય, તો ભાઇ બહેનની જોડી પણ થઈ જાય, પણ અહીં તો જયા બહેનનાં મનમાં કંઈક નોખી જ ચિંતા હતી, કે હજુ રાજુ આટલો નાનો છે અને ઉપરા ઉપરી બીજું બાળક આવી જાય તો કેવી રીતે બે બે ને સાચવવાં પણ એ વકતે ક્યાં એબોર્શન કરાતાં હતાં, એવું તો વિચારવું ય એ વખતે પાપ સમાન લેખાતું, પણ હશે જેવી ઈશ્વરની મરજી જે થાય છે તે સારા માટે જ થાય છે એમ માની ને જયા બહેન મૌન જ રહે છે, ધીમે ધીમે જયા બહેનને પણ સાતમો મહિનો બેસી જાય છે અને એમની મૂંઝવણ વધે છે કે રાજુ હજુ ત્રણ જ વર્ષ નો છે અને આ ડીલીવરી આવી રાજુનું ધ્યાન બરોબર રાખી શકાશે ને ? ચંચળ બા પણ પોતાની વહુની મૂંઝવણ કળી ગયા હતાં, તેઓ એક દિવસ નવરાશનાં સમયે વહુને પોતાની પાસે બેસાડીને સમજણ આપતાં કહે છે કે " જયા ! જુઓ એક કામ કરો, તમને શાંતિથી સુવાવડ પણ કરવા નહોતી મળી અને રાજુ પછી પણ પૂરતો આરામ થયો નથી તો તમો એક કામ કરો આ વખતે સુવાવડ કરવા પિયર જાઓ અને રાજુની ચિંતા ન કરશો એ અહીં જ રહેશે, અને એ ક્યાં હવે દૂધ પીતો છે તે એની ચિંતા કરવાની હોય, એ તો અહીં અમારા સૌની સાથે રહેશે અને તમારો સમય ક્યાં પસિર થઈ જશે એની ખબર પણ નહીં પડે, અને જંયંતિ એને લઈને તમને મળવા આવતો રહેશે પણ તમે જો ભાદરણ જાઓ તો તમારી તબિયત પણ સચવાઈ જાય અને તમને સુવાવડ પછી આરામ પણ પૂરતો મળી રહે. આપણાં આવાં આટલાં મોટાં પરિવારમાં તમારે એકલા હાથે કામ કરવાનું હવે છેલ્લા દિવસોમાં તમે ન જ કરો તો સારું...


જયા બહેન ઘરનાંની ચિંતા સાથે સાથે બાને માથે રાજુનો ભાર કેમનો નાંખવો ની વિમાસણ સાથે કહે છે કે બા એક કામ કરીએ, હુ અત્યારે તો રાજુને મારી સાથે જ લઈ જાઉં, પછી નહીં ફાવે તો ચોક્કસ પાછો મોકલી આપીશ એમ કહીને વાત ને પૂરી કરે છે. અંતે તો ધરતી નો છેડો ઘર જ હોય છે એ વાત તો સૌને સાવીકારવાની જ છે અને બસ એમ ને એમ જયા બહેનની આંખ ક્યારે રાજુને ઉપર ચંદા ગોલ ગોલ એમ ગાતાં ગાતાં ઘેરાઈ જાય છે ખ્યાલ પણ આવતો નથી.


ક્રમશઃ

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888