વેડિંગ એનિવર્સરી
ભાગ - ૨
( ભાગ – ૧માં જોયું, શાલિની એક્ટિવા લઈને સુહાસની ઓફિસ આગળ શેર્લોકિંગ કરે છે. સુહાસ એની સેક્રેટરીના હાથે સ્પર્શ કરી ગિફ્ટ આપે છે. પછી સુહાસ એને ગાડીમાં બેસાડી એના ઘરે ડ્રોપ કરે છે. આ જોઈને શાલિની બળતામાં ઘી હોમાય એવી પીડા છાતીમાં મહેસુસ થાય છે. શાલિની એક્ટિવનું રેસ મારી મૂકી ધૂંધવાયેલા મને ઘરે પહોંચે છે... હવે આગળ જોઈએ, )
શાલિની ઘરે પહોચી ઘર ખોલી દીધું. જે નજરો નજર જોયું એના ગુસ્સામાં ધૂંધવાયેલા મનનો રઘવાટ નોર્મલ કરવા રસોડાના કામમાં પરાણે મન પરોવ્યું. ભરાઈ પડેલું મન સુહાસનો ચહેરો યાદ કરી દાંત કચકચાવી ધ્રુસકું મૂકી રડી પડ્યું. શાલિની આંખો લૂછી ભારે હૈયે શાક સમારવા લાગી. ધારદાર ચપ્પાની જેમ એ ઘટના એના હ્રદયમાં સાચવી રાખેલી પ્રેમની લાગણીઓને ઘાયલ કરી રહી હતી. ત્રણ વર્ષની યાદો લોહીની જેમ આસું રૂપે દડદડ ગાલ પરથી વહી રહી હતી. ક્યારેય ન મહેસુસ કરેલું દર્દ સતત છાતીમાં ઘૂંટાતું રહેતું હતું. અશ્રુભીની આંખે શાક સમારતા ચપ્પાની ધાર આંગળીમાં ખુપી ગઈ. લોહીનો ટશિયો ફૂટ્યો. કોઈ દર્દ મહેસુસ ન થયું હોય એમ આંગળી નળ નીચે ધોઈ મોઢામાં મૂકી દીધી. આંગળીના ઘા કરતાં કાળજે વાગેલા ઘાનો આઘાત એના માટે ઘણો વસમો હતો.
***
અડધો કલાક પછી, સુહાસ ગાડી લઈને ઘરે આવ્યો. ઘરમાં દાખલ થઈને, ‘શાલિની આઈ એમ હોમ...’ કહીને સહસ્મિતે ટહુકો કર્યો. શાલિનીએ આંખો લૂછી સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો. હોઠ ઉપર બનાવટી સ્મિત ખેંચ્યું, ચહેરા પાછળ વેદના છુપાવી. ભાવહીન ચહેરે રસોડામાંથી પાણીનો ગ્લાસ ભરીને સુહાસ સામે ધરવાને બદલે ડાઈનિંગ ઉપર મૂકી રસોડામાં ભારે હૈયે ચાલી ગઈ. સુહાસે રિલેક્સ થવા ટાઈ ઢીલી કરી ડાઈનિંગ ઉપર નાંખી. શાલિનીએ ચહેરાના વિખરાયેલા હાવભાવ ન દેખાય એટ્લે રસોડામાં કામ કરતાં દર્દઘુંટયા અવાજે પૂછ્યું, ‘હાઉ વોઝ યોર ડે?’
‘ઈટ વોઝ અમેઝિંગ...’ સુહાસે પાણી પીને ગ્લાસ મૂકતાં પ્રસન્ન અવાજે કહ્યું.
ગુસ્સે ભરાયેલી શાલિનીએ દાંત ભીસી, મોઢું બગાડી નફરતભર્યા મૌન ચાળા પાડ્યા, ‘ઈટ વોઝ અમેઝિંગ...’ પછી સ્વસ્થ અવાજ કરી પૂછ્યું, ‘…મેં કેટલા કોલ્સ કર્યા હતા તમને... હરામ કોઈ એક કોલનો રિપ્લાય આપ્યો હોય તો...’
‘આઈ એક્સટ્રેમલી સોરી સ્વીટહાર્ટ... હું મીંટિંગમાં એટલો બીઝી હતો કે ઈચ્છું તો પણ ન ઉપાડી શક્યો...’
‘તો ઓફિસેથી નિકડતા યાદ કરીને મને એક કોલ કરવાની પણ ફુરસદ ન મળી તમને? ઓફિસ છૂટ્યા પછી પણ આટલા બધા બીઝી કોની સાથે રહો છો મને તો એ સમજાતું નથી...!’ શાલિનીના અવાજમાં અસ્વસ્થતાનો રણકો મનના ધૂંધવાટ સાથે ઠલવાઇ રહ્યો હતો.
‘ઓફિસ પછી એક ખાસ અગત્યનું કામ કરવાનું હતું એટ્લે થોડુક મોડુ થઈ ગયું સ્વીટહાર્ટ... તું મારા ઉપર ગુસ્સે હોય એવું મને લાગે છે. આર યુ ઓકે?’
રસોડામાંથી શાલિનીનો મૌન જવાબ મળ્યો. સુહાસના ચહેરા ઉપર રહસ્યમયી છુપું મલકાટ રમતું હતું. મનમાં વિચારો નાચતા હતા. જ્યારે શાલિની મનમાં અટકળો અને પૂર્વધારણનો મોટો પહાડ બનાવી બબડતી હતી : ‘જોયું હવે તમારું અગત્યનું કામ શું હતું... વેડિંગ એનિવર્સરીના દિવસે જ પેલી બીત્ચને ગિફ્ટ, ને અહીં તમારી વાઈફ તમારા હસતાં મોઢે માત્ર ત્રણ શબ્દો સાંભળવા બેતાબ બની રહી છે એનો વિચાર સુધ્ધાં તમારા મનમાં ન ફરક્યો...! અને આજે તો તમે મારી સાથે અનફેઇથફૂલ રહેવાની જે હાર્ટબ્રેકિંગ ગિફ્ટ આપી છે...’ મનમાં ચાલતા બબડાટને લીધે પાંપણે ઉતરી આવેલું આસુંનું બુંદ શાલિનીએ હાથથી લૂછી લીધું.
‘શાલિની, હું નાહીને ફ્રેશ થઈ જાઉં છું... એક ફર્સ્ટ ક્લાસ તારા હાથની કોફી બનાવી આપે તો મજા આવી જાય બાકી...’ કહીને સફેદ ટોવેલ ગળા ઉપર મૂક્યો.
ફરીથી રસોડામાંથી હા કે ના –– નો કોઈ જવાબ ન પડઘાયો. શાલિનીના ગળા સુધી વેદનાનો ડૂમો બાઝી ગયો હતો. નેસ્લેનો ડબ્બો ખુલવાના અવાજને જવાબ સમજી થનગનતા વિચારે સુહાસે બે હોઠ વચ્ચે રહસ્યને દબાઈ ફ્રેશ થવા બાથરૂમ તરફ પગ ઉપાડ્યા.
નાહીને સુહાસ બહાર નિકડ્યો. બોડી સ્પ્રે છાંટી વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરી લીધું. ભીના સિલ્કી લાંબા વાળમાં સુહાસ મૂવી એકટર્સ જેવો મોહક દેખાતો હતો. કોટમાં સંતાડેલી ગિફ્ટ અને વાઇટ લેટર ઉપર પ્રેમભીના લાલ શબ્દો અને ગુલાબનું તાજુવંતુ ખીલેલું ફૂલ ડાઈનિંગ ટેબલ ઉપર ત્રાંસુ મૂક્યું.
સુહાસનું દિલ રોમેન્ટીક વિચારોના રંગીન સમુદ્રમાં મસ્તીથી તરી રહ્યું હતું. વિચારો સાતમા આસમાને વાદળોમાં આળોટતા હતા. હોઠ ઉપર મલકાટ છવાયેલો હતો. આંખોમાં પ્રેમભીના મોજા ઉછળતા હતા. દિલમાં પ્રેમના સ્પંદનો ગલગલિયાં કરી રહ્યા હતા. જ્યારે રસોડામાં ઊભી રહેલી શાલિનીના ધૂંધવાયેલા મનમાં સુનામીનો સર્વનાશ છાતીમાં ઘુંટાતો હતો. બે હોઠ વચ્ચે વેદના દાબી શબ્દવત મૌન ધારણ કરી લીધું હતું. ગળા ફરતે ડંખીલી લાગણીઓ સાપની જેમ વીંટળાઇ ભીંસી રહી હોય એવું દર્દ મહેસુસ થતું હતું. શાલિનીએ પરાણે થૂંક ગળે નીચે ઉતાર્યું. ચૂપચાપ કોફી-નાસ્તો બનાવતી શાલિનીના પેટ આગળ સુહાસે નજાકતથી હાથ બાંધી બાહોપાશમાં જકડી લીધી. સુહાસના હળવાશભર્યા આલિંગનને લીધે શાલિનીના ગરદન ઉપર નશીલો શ્વાસ જાણે હૂંફાળો શેક આપી રહ્યો હતો. શાલિનીના ચહેરા ઉપર શૂન્યભાવ તરવરતો હતો. શાલિની સુહાસના સ્પર્શ કે આલિંગનની કોઈ પરવા કર્યા વિના કોફી બનાવી રહી હતી. સુહાસના ચહેરા પર રેલાયેલા રોમાન્સની થોડીક રેખાઓ વિખૂટી પડી. મનમાં ધૂંધવાયેલી શાલિનીને એમનો સ્પર્શ અકળાવતો હોય એવું મહેસુસ થતાં પેટ ઉપરથી હાથ છોડાવતાં કહ્યું, ‘જાવ ને... તમારી કોફી તમારી જગ્યાએ મળી જશે છોડો મને... આમ અચાનક આજે તમને શું થયું...!’
સુહાસે શાલીનીની પાતળી ગરદનના વળાંક પર હળવી કિસ કરી, અને ધીમા અવાજે કાનમાં કહ્યું, ‘હેપ્પી થર્ડ વેડિંગ એનિવર્સરી માય લવ....’
‘હા હવે, જાણે તમને એકલાને યાદ હોય એમ કરો છો...’ કહીને શાલિની મનમાં બબડી : ‘આખા દિવસનું હવે યાદ આવ્યું.’
‘કરી દીધુને વિશ...! હવે મને છોડો...’ કહીને શાલિની કોણી અને ખભો ઊંચો-નીચો કરી પાછળ ઉભેલા સુહાસની બાહોપાશમાંથી છૂટવા પ્રયત્ન કર્યો. ‘… તમને તમારી કોફી ડાઈનિંગ ટેબલ ઉપર મળી જશે...’ શાલિનીના ચહેરા ઉપર અણગમાના ભાવ પથરાયેલા હતા, અને અવાજમાં સ્થિરતા હતી.
સુહાસે બે હાથ છોડી દીધા. શાલિનીના મનમાં મચેલા ધૂંધવાટે સુહાસનું આલિંગન કે કિસથી દિલમાં બિડાયેલી રોમાન્સની એક કૂંપળ પણ ન ફૂટી. સુહાસના હોઠ ઉપર હજુ એ સરપ્રાઇઝનું સ્મિત ઊછળતું હતું. શાલિનીએ કોફી-નાસ્તો સુહાસની રોજની જગ્યા ઉપર મૂક્યો. શાલિનીની નજર ડાઈનિંગ ટેબલની પર મૂકેલા વાઇટ કાગળ, ગુલાબ અને ગિફ્ટના બોક્સ ઉપર પડી. શાલિનીની વિસ્મયભરી નજર સુહાસ ઉપર પડી. સુહાસ કિચનના દરવાજે ખભો અડાડી, અદબ વાળી, કૃષ્ણની જેમ ત્રિભંગી અવસ્થામાં મદભરેલી આંખે, અને મલકાતા હોઠે મુસ્કુરાતો ઊભો હતો. સુહાસે આંખોથી ગિફ્ટ તરફ ઈશારો કરી સાંકેતિક ભાષામાં કહ્યું : ઇટ્સ ફોર યુ માય લવ....
શાલિનીના મનમાં ચાલતો ધૂંધવાટ ધીમો પડ્યો. ચહેરા પર થોડુક સ્મિત લાવી પૂછ્યું, ‘યુ રિયલી રિમેમ્બરેડ અવર્સ એનિવર્સરી??’
સુહાસ શાલિનીની નજીક જઇ ક્ષણેક પૂરતી આંખો બંધ કરી મૌનપણે હકારમાં બેત્રણવાર માથું હલાવ્યું, અને ધીમા સાદે કહ્યું, ‘અફ કોર્સ... મને સવારનું યાદ હતું.’ શાલિની હોઠને હસતાં રાખી ઊભી હતી. સુહાસે શાલિનીના આંખમાં જોઈને કહ્યું, ‘…નાઉ ઓપન યોર પ્રેઝન્ટ...’
શાલિનીએ લાલ અક્ષરે લખેલા પ્રેમભીના શબ્દો વાંચ્યા. મનમાં મચેલો વિચારોનો ધૂંધવાટ ધીમે ધીમે શમવા લાગ્યો. આંખોમાં ભીનાશ ઉતરવા લાગી. દિલમાં ઢબૂરાયેલી પ્રેમની લાગણીઓ ભીની થઈ પાંગરવા લાગી. શાલિનીએ સુહાસ સામે ભીની આંખે સ્મિત કરી બોક્સ ખોલ્યું. તનિષ્કના બોક્ષમાં ડાઈમંન્ડનો નેકલેસ અને ઇયરરિંગ્સ જોઈને શાલિનીની આંખોની કીકીઓ ચમકવા લાગી. હજુ પણ દર્દ ઘૂંટાયેલી સંમિશ્રિત લાગણીઓનો ડૂમો છાતીમાં ગઠ્ઠો બની બાઝી ગયો હોય એવું ભારે ભારે મહેસુસ થતું હતું. જીભ શબ્દો ઉચ્ચારતા સહેજ દર્દ અનુભવતી હતી. રેસ્ટોરન્ટના કાચમાંથી જોયેલું એ દ્રશ્ય મન:ચક્ષુ આગળ ચાલવા લાગ્યું.
‘ડુ યુ લાઈક યોર પ્રેઝન્ટ...’ સુહાસે પ્રશ્નાર્થભાવે પુર્છા કરી.
શાલિની છાતીમાં અજાણ્યું દર્દ સતત ઘૂંટાતું કણસતું હતું. માથું હલાવી ઝડપથી હા પાડી, દર્દભર્યા ધીમા સાદે કહ્યું, ‘ઇટ્સ ગોર્જિયસ’ કહેતા જ શાલિનીની આંખમાંથી આસું ખરી પડ્યા. મોઢું નીચુ કરી દીધું.
‘વ્હાય આર યુ ક્રાઇંગ સ્વીટહાર્ટ...? આમ જો તો મારા સામે...’ સુહાસે ગંભીર અવાજે શાલિનીની હડપચી ઉપર હાથ મૂકી કહ્યું, ‘હેય... સ્વીટહાર્ટ પ્લીઝ ટેલ મી વોટ ઈઝ ઈટ...??? તને આમ રડતી જોઈને મને દર્દ થાય છે... આર યુ નોટ હેપ્પી...?’
શાલિનીએ ઝડપથી નકારમાં માથું હલાવ્યું. અને દિલમાં ઘૂંટાતા દર્દેને લીધે આંખો નીચે ઝૂકી રોઈ પડી.
સુહાસના ચહેરા ઉપર ગંભીર ભાવ ખેંચાયા. ફરીથી શાલિની હડપચી ઉપર હાથ મૂકી ધીમા સાદે પૂછ્યું, ‘શું થયું શાલિની... બોલને... મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય ને તને હર્ટ થયું હોય તો કહી દે...’
‘તમે...’ આગળ બોલવા જાય એ પહેલા શાલિનીએ સુહાસની છાતી ઉપર હળવી મુઠ્ઠી મારી છાતી ઉપર માથું ઢાળી દીધું. સુહાસને ખબર ન પડી કે શું થઈ રહ્યું છે? શાલિની કેમ રડી રહી છે? મનમાં વિચાર્યું : કદાચ સવારે વિશ કરવાને બદલે સાંજે કર્યું એટ્લે એનું દિલ દુભાયુ હશે? કદાચ હું ઓફિસેથી મોડા આવું છું એટ્લે?
શાલિનીના પીઠ ઉપર હાથ પસવારી કહ્યું, ‘ઓકે ઓકે... નાઉ આઈ ગોટ યોર કન્સર્ન. હું દરરોજ ઓફિસેથી મોડો આવું છું... અને એમાં આજે આપણી વેડિંગ એનિવર્સરી હતી, અને એમાંયે આજે ઉપરથી અડધો ક્લાક હું મોડો આવ્યો... તને ખબર છે કેમ??’
શાલિનીનાં દિમાગમાં એમની સેક્રેટરી ઉપર તરત જ ગુસ્સો ઊછળી આવ્યો. શાલિનીએ સુહાસની છાતી પર માથું મૂકી એમની ફરતે હાથ બાંધીને જકડી લીધા.
સુહાસે કારણ બતાવતા આગળ કહ્યું, ‘ઓફિસમાં મારી એક સેક્રેટરી છે. ઓબ્વીયસ્લી લેડિઝ હોય એટ્લે એને જ્વેલરીઝમાં ઇન્ટરેસ્ટ તો હોય જ. અને હું છું જેને લેડિઝ સ્ટફમાં કશી ખબર પડે નહીં. એટ્લે ગઇકાલે તારા એનિવર્સરીની પ્રેઝન્ટ પસંદ કરવા માટે હું એને તનિષ્ક શોપમાં લઈ ગયો હતો. બે કલાક પછી એણે ચોઈસ કરીને મને કહ્યું કે, આ ડાઈમંન્ડ સેટ તમારી વાઈફને ખૂબ જ ગમશે... એન્ડ યુ’વ લવ્ડ ઈટ. રાઇટ...?’
શાલિનીએ હકારમાં માથું હલાવ્યું. છુપા ભેદની વાત છૂટી પડતાં શાલિનીના અંદર બાંધેલી પૂર્વધારણા છૂટી પડી વેરાવા લાગી. છાતીમાં ઘૂંટાતું દર્દ ઓસરવા લાગ્યું. હોઠ ઉપર ગુલાબી સ્મિત તરી આવ્યું. સુહાસ સામે જોતા જ આંખો હસી ઉઠી. છાતીમાં ઘૂંટાયેલો મુંઝારો બાષ્પ બની ઊડી ગયો. સુહાસ માટે દિલમાં હતો એ પ્રેમ અનેક ગણો વધી છલકાવા લાગ્યો... પ્રેમની કૂંપળો ખૂલીને નાચી ઉઠી.
‘...અને એણે તારો જ્વેલરી સેટ પસંદ કરાવ્યો એ બદલ આજે એના માટે સરસ ગિફ્ટ લેવા સવારે તારી સાથે વહેલા નિકડ્યો હતો... આજે સાંજે એના ના કહેવા છતાં તારા નામનું બહાનું બનાવ્યું ત્યારે એણે ગિફ્ટ પકડી. અને આજે એના વેહિકલમાં પ્રોબ્લેમ થયો એટ્લે મારે એને છેક ઘર સુધી ડ્રોપ કરી આવવું પડ્યું... એટ્લે સ્વીટહાર્ટ ઘરે આવતાં મોડુ થયું... આઈ એમ સો સોરી... વિલ યુ ફરગિવ મી ફોર લેટ વિશિંગ? પ્લીઝ? તું કહે છેને : નોબડી ઈઝ પરફેક્ટ... તો પછી...’ સુહાસે આખી કહાની કહી શાલિની સામે દયામણું મોઢું કરી કાન પકડી માફી માંગી.
શાલિનીના મનમાં બાંધેલી પૂર્વધારણા મીણની જેમ તરત ઓગળી પડી. પોતે કરેલા શેર્લોકિંગ ઉપર ગુસ્સો આવ્યો. પોતે સુહાસ માટે ન વિચારવાનું વિચારી કેવા કેવા પોકળ ખ્યાલો બાંધી દીધા હતા. અને પેલી સેક્રેટરી જેણે મારા માટે જ્વેલરી સેટ પસંદ કર્યો એને કેવા અપશબ્દે ધુતકારી ! શાલિનીએ પોતાની જાતને અને ખાસ તો પેલા શકિલા મનને ટપારી ઠપકો આપ્યો. આંખો લૂછી ભીનું સ્મિત સુહાસ સામે વેર્યું. અને હરખાતા ચહેરે કહ્યું, ‘નો સુહાશ, આઈ એમ સોરી... ડોન્ટ આપોલાઈઝ...’ કહીને બધી છૂપી વાતો એ વાક્યો નીચે દાટી દબાઈ દીધી.
સુહાસે તનિષ્કનું બોક્ષ ખોલી શાલિનીને નેકલેસ પહેરાવ્યો. શાલિની ઇયરરિંગ્સ પહેરી પ્રશ્નાર્થભાવે પાતળી આઇબ્રો ઉછાળી સાંકેતિકભાવે જાણે પૂછતી હોય : કેવી લાગુ છું?
‘યુ લૂકિંગ જસ્ટ ગોર્જિયસ સ્વીટહાર્ટ...’ કહીને શાલિનીની હાથની આંગળીઓ નજાકતથી પકડી નજીદીક ખેંચી. બન્નેની આંખની કીકીઓ પ્રેમભરી, નશીલી નજરે એકબીજાને નીરખતી રહી. શાલિનીએ સુહાસની આંખમાં ઉછળતા અતરંગી હાવભાવ ઓળખી લીધા. સુહાસ એમની ચાલ ખેલે એ પહેલા શાલિનીએ ક્યારનું વિશ કરવાનું બાકી રહી ગયેલું એ હવે પૂરું કરતાં બોલી, ‘હેપ્પી થર્ડ વેડિંગ એનિવર્સરી તમને પણ...’ કહીને શર્મિલી આંખે સુહાસની છાતીને આલિંગન ભરી લીધું. બોડીસ્પ્રેની નશીલી સુગંધ બન્નેની નશોમાં ધીરે-ધીરે ઉત્તેજના ભરી રહી હતી.
શાલિનીએ પહેલી ચાલ ખેલી લીધી એ વિચારી સુહાસ નિ:સાસો નાંખી મનમાં હસી પડ્યો. સુહાસે શાલિનીના પીઠ ઉપર ઉષ્માભર્યો હાથ મૂકી સ્નેહપૂર્વક પસવાર્યો. શાલિનીના કપાળ ઉપર હળવી કિસ કરી લીધી. શાલિનીના હોઠ મલકાઈ ઉઠ્યા. છાતીમાં રાહતનો હાશકારો અનુભવ્યો. પેટમાં ઊડાઊડ કરતાં પતંગિયા ઉત્તેજનાની ઝણઝણાટી ધીરે-ધીરે તન-બદનમાં પ્રસરાવી રહ્યા હતા. સુહાસે હથેળીમાં પકડેલો આઇફોન ચૂમી લીધો. ‘એનિવર્સરીનું રિમાઇન્ડર’ સવારે યાદ કરાવવા આઇફોનનો આભાર માનતા કહ્યું : આઈ લવ યુ સ્વીટહાર્ટ... તું છે તો જીવનમાં બધુ જ સચવાઇ જાય છે, તારા સાથ વગર તો હું સાવ અધૂરો છું... તારા વગર મારુ જીવન હું કલ્પી જ નથી શકતો. સવારે ઉઠતાં અને રાત્રે સૂતા તને નિરખીને ન જોવું છું તો હું જીવનના ખાલીપાની ગહેરાઈમાં ક્યારનો ડૂબી ગયો હોત... થેંક્સ ફોર બીઈંગ ઇન માય લાઈફ...
શાલિનીને સુહાસના ઉષ્માભર્યા ભીના શબ્દો દિલમાં ગલગલિયાં કરી ગયા. સાહજિકપણે હોઠ મીઠું મલકાઇ ગયા. શાલિની એની ઢળેલી પાંપણે, શરમીલી આંખે દિલમાં ઉછળતી લાગણીને અભિવ્યક્ત કરતાં કહ્યું : આઈ લવ યુ ટુ સુહાસ... થેન્કસ ફોર બીઈંગ ઇન માય લાઈફ...
*****
Writer - Parth Toroneel.