Hello Sakhi Ri... in Gujarati Magazine by MB (Official) books and stories PDF | Hello Sakhi Ri...

Featured Books
Categories
Share

Hello Sakhi Ri...

હેલ્લો સખી રી..

અંક : ૧

૫, જૂન ૨૦૧૫

“જાળવીયે પર્યાવરણનાં આવરણને”

(સખીઓનું ઈ- સામાયિક..)

સંપાદન : કુંજલ પ્રદિપ છાયા

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•આહ્વાન - કુંજલ છાયા

•વિસ્તૃતિ - જાગૃતિ વકિલ

•વાંચ સખીરી - જાહનવી અંતાણી

•વ્હોટસેપ - ગોપાલી બુચ

•રૂગ્ણાલય - ડો. ગ્રીવા માંકડ

•અનુભૂતિ - કુંજલ છાયા

•સાતમી ઈન્દ્રીય - પારૂલ દેસાઈ

•લૉ પંડિત - શ્લોકા પંડિત

•સૂર, શબ્દને સથવારે - સૌમ્યા જોષી

•સૂક્ષ્મ વાર્તા- દર્શના સુરજ

આહ્વાન

કુંજલ પ્રદિપ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : કદ્બટ્ઠઙ્મીજ.ખ્તર્િેજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

આહ્વાન

પુસ્તક કે સામાયિકનાં પાનાંને તર્જનીનાં ટેરવે ઉથલાવતે વંચાતું હોય છે. ૨૧મી સદીએ અદ્યતન ટેકનિકલ યુગમાં હરણફાળ ભરી છે. ત્યારે આજે પણ આ જ રીતે પહેલી આંગળીને સરકાવીને જ વંચાય છે પણ એ વૃક્ષની છાલનાં માવામાંથી બનાવેલ કાગળોનાં પુસ્તકો નહીં પણ ઈ-બુક તરીકે સ્માર્ટફોન; ટેબલેટ કે પામ ટોપમાં વંચાય છે. જાણે સમગ્ર પુસ્તકાલય હથેળીમાં સમાયું! ગુજરાતી સાહિત્ય પણ ઘણાં વખતથી આભાસી દુનિયાનાં કચકડે વિવિધ વેબસાઈટ અને બ્લોગઝમાં મઢાયું છે. એક પગલું આગળ ભરતાં એપ્લીકેશનની ટેકનોલોજી વિકસતાં ‘ગુજરાતી પ્રાઈડ’ દ્વારા ભાષાકીય અને સાહિત્યિક દ્રષ્ટિએ ખુબ સારી સેવા થઈ રહી છે. તમે તદ્દ્‌ન સરળ પ્રક્રિયા બાદ એક વિશાળ બગીચામાં આપ પ્રવેશી જાવ છો અને મનપસંદ પુષ્પો સમાં પુસ્તકો વાંચી શકો છો. વાંચનવિહારમાં મહાલતા હોઈએ એવું જ અનુભવાય! એક વખત ડાઉનલોડ કર્યા પછી ઓફલાઈન થઈને આપની ફુરસદે વાંચી શકો! આ જ ઈ-બુક અને મેગેઝિનની શ્રૃખલામાં વધુ એક સુશોભિત છોગું ઉમેરાયું છેઃ

પગભર પાંખે ઉડતી, સ્વપ્નદ્રષ્ટા, પુરૂષ સમોવડી એવી અત્યાધુનિક છતાંયે પોતીકી સાંસ્કૃતિક અને સાહિત્યિક ધરોહરને જતનપૂર્વક જીવતી ઓનલાઈન સૃષ્ટિમાં રાચતી સ્રીઓ દ્વારા વિવિધ વિષયોને આવરી લઈને સર્જાતું.. પ્રકાશિત થતું ઈ- સામાયિક.. હેલ્લો સખી રી..

આમ તો, કોઈ પણ માસિક, પખવાડિક કે અઠવાડિક સામાયિકમાં લગભગ બધી કટાર નિયમિતપણે સૌ વાંચકોને માહિતી સભર આસ્વાદ આપતી જ હોય છે. આમારૂં આ ઈ-મેગેઝિન શાથી જુદું છે એ હું આપ સૌનાં અભિપ્રાય ઉપર મૂકું છું. એક જ ખસિયત અહીં મહત્વ ધરાવે છે કે જે સ્ત્રીઓ પોતાના જીવનમાંથી સમય ફાળવીને ઈન્ટરનેટની આભાસી દૂનિયામાં પોતાની ઓળખ બનાવી છે. સખીઓનાં ગૃપમાં, સમૂહમાં નક્કર પ્રવૃત્તિઓ કરે છે જેને અહીં શાબ્દિક રીતે સર્જનાત્મક મંચ મળ્યું છે.

આ પહેલવહેલા અંકને “વિશ્વ પર્યાવરણ દિવસ”ને સમર્પ્િાત કર્યો છે. જેમાં આપ વાંચશો.. શિક્ષિકાની ફરજ બજાવતાં જાગૃતીબેન દ્વારા આ અંકનાં મુખ્ય વિષયની સવિસ્તાર સમજ મળી છે. જાહનવી બેને સૌનાં વ્યસ્ત સમયમાં સાહિત્યનાં ઉત્કૃષ્ટ પુસ્તકોનાં વાંચનની ટેવ પાડવા સાદ કર્યો છે. ચેટીંગ કે ગપસપ સ્ત્રીઓને ખુબ પ્યારૂં પણ વ્હોટ્‌સેપની ચેટીંગમાં જ કોઈ સખીની સાફ્લ્યગાથા રૂપે વાંચવી ગમે એ રીતે ગોપાલી બહેન દ્વારા રસપ્રદ અહેવાલ લખાયો છે. સ્ત્રીઓ સાથે જોડાયેલ કેટલીક નાજૂક સમસ્યાઓ તથા આરોગ્યની તકલિફોનું નિદાન આપણે ડો. ગીવા માંકડની કલમે વાંચીશું. સખી રી.. ઈ-મેગેઝિનનું ઉદભવ સ્થાન ઓનલાઈન કદ્બટ્ઠઙ્મીજ ગૃપમાં થતી ચર્ચાઓ અને અનેક સખીઓનાં વિચારો. મંતવ્યો મારી એટલે કે કુંજલ છાયાની અનૂભુતિ દ્વારા જાણીશું. આભાસી જગતની સખીઓ સાથે સાતમી ઈન્દ્રીય રૂપે પોતાના વિચારો લઈને પારૂલબેન આવ્યા છે. કાયમ જડ અને શિથિલ લાગતા કાયદાનાં વિવિધ પાસા રસકથા રૂપે લઈને શ્લોકા પંડિત ‘લૉ પંડિત’નાં મિજાજમાં હાજર છે. સંગીત તો સાંભળવાથી જ મણાય ને? હા સ્તો.. ના. અહીં સૌમ્યા જોષીનાં સથવારે સુમધુર સદાબહાર ગીતો/કાવ્યો વિશે વાંચીને મોજ આવી જશે એવી ખાતરી છે. કટાક્ષ અને વ્યંગ મિક્ષરિત સાવ ટૂંકી સંવાદિત કથા વાંચો દર્શના સુરજનાં શબ્દોમાં.

પ્રથમ સોપાને, સંપાદકની જવાબદારીના નેજા હેઠળ સૌની સમક્ષ સહર્ષ રજુ કરતાં ગર્વિત લાગણીનું શાબ્દિક નિરૂપણ કરતાં ઈ-મેગેઝિન “હેલ્લો સખી રી..”ને શુભાષ્િાસ અને શુભેચ્છા સહ બિરદાવવા આહ્વાન આપુ છું.

કુંજલ છાયા. ગાંધીધામ.

વિસ્તૃતિ

જાગૃતિ વકિલ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્ઘદૃિ૭૮૯૬જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વિસ્તૃતિ

ભવિષ્યમાં પૃથ્વી તૂટેલા, ફાટેલા ભંગાર માલસામાન ભરવાના ડેડસ્ટોક તરીકેની કલ્પના ‘તરંગી તુકકા’ તરીકે જાણીતા ઓનીલ નામના વૈજ્ઞાનિકે કરી છે! જે આજની ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ જોતા જરાય ખોટી કલ્પના ન કહેવાય! સુખસુવિધા અને ટેકનોલોજી પાછળ પાગલ થયેલો માનવી જો પર્યાવરણને નુકસાન પહોચાડવાનું બંધ નહિ કરે તો ભવિષ્યમાં પૃથ્વી રહેવાલાયક નહિ રહે. જેના પરિણામે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે માનવ વસાહત સ્થપાય તો નવાઈ નહિ! ઉભી થયેલી પર્યાવરણની વિકરાળ સમસ્યા સામે લોકોને જાગૃત કરવા દર વર્ષે ૫ જુન વિશ્વ પર્યાવરણ દિન ઉજવાય છે.

પ્રકૃતિએ તો અત્યંત સુવ્યવસ્થિત અનેક પ્રકારની ભૌતિક, રાસાયણિક, જૈવિક પ્રક્રિયાઓને સુર્યપ્રકાશની ઉષ્માઉર્જાથી અને ધરતીના પોષક દ્રવ્યોથી કુદરતી પર્યાવરણના આંતરસંબંધોથી અવલંબિત રહી, પરસ્પરના અસ્તિત્વને ટકાવી રાખે તેવી અજોડ વ્યવસ્થાપન શક્તિથી સમતોલ પર્યાવરણ રચી આપ્યું છે. પણ વિશ્વમાં અધધ વધતી વસ્તી, વધુ પાક ઉત્પાદન મેળવવા આડેધડ જંતુનાશકોના ઉપયોગથી જમીનની ઘટતી જતી ફળદ્રુપતા, વધુ પાણી અને ખનીજો મેળવવા જમીનનું વધુ ને વધુ ઊંંડું ખોદકામ વગેરેથી પર્યાવરણના વિવિધ પ્રદૂષણોને કારણે જલચક્ર, કાર્બનચક્ર, નાઈટ્રોજન ચક્માં વિક્ષેપ એ પર્યાવરણને અસંતુલિત કરવામાં મોટો ફાળો આપે છે. કુદરતે શક્ય તેટલી સહજ અને સરળ રીતે તેનો અમુલ્ય ખજાનો સાવ મફતમાં આપણને ધરી દીધો અને લાખો વર્ષે તૈયાર થયેલ પર્યાવરણ માનવજાતને વગર ભાડે રહેવા આપી દીધું જેની આપણને કિંમત નથી. આ બધા પાછળના મુખ્ય કારણો જાણીએ; સમજીએ જ છીએ છતાં, વ્યક્તિગત ફરજ સમજીને કાર્ય ન કરતા હોવાને લીધે પર્યાવરણનો મહાવિકરાળ પંજો માનવજાતિને દબાવી રહ્યો છે. વસ્તીનિયંત્રણ, પુનઃપ્રાપ્ય અપ્રાપ્ય ઉર્જાનો વિવેકપૂર્ણ ઉપયોગ, પુનઃપ્રાપ્ય ઉર્જાનો વધુ ને વધુ વપરાશ જેવા અગત્યના મુદા ધ્યાનમાં રાખીશું તો જરૂર પર્યાવરણ બચાવી શકીશું. ખાસ તો “૩ આર” એટલે કે રીડયુસ, રિયુઝ, રિસાઈકલ ને રોજીંદી ઘટમાળમાં અપનાવીએ તો જ પર્યાવરણ સુધારણા ઝડપી બનશે અને પૃથ્વીને બચાવી શકીશું.

પૃથ્વી આપણું પનોતું પારણું છે અને પર્યાવરણે સુવાળુંપણું ખોયું છે. માનવજાતના અસ્તિત્વનો, સુખનો, સમૃઘ્ઘિ એ દરેક તંદુરસ્ત પર્યાવરણ પર નિર્ભર કરે છે. આથી જ કુદરતમાં થતા ફેરફાર વિષે જાણવું અને પર્યાવરણને થતી મોટા પાયે હાનિને રોકવા આજે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો, શિક્ષણકારો, રાજકારણીઓ, ઉધોગપતિઓ કે સમાજસેવકો. દરેક નાગરિકે આ અંગે યોગ્ય પગલા લઈ પર્યાવરણ બચાવવા અંગે સહિયારા પ્રયાસ કરવાની તાતી જરૂરિયાત એ આજની માંગ છે.

અંતમાં જો આપ સાચા પર્યાવરણપ્રેમી હો તો.. એક સવેદનશીલ કવિની કવિતા વાંચવા જેવી ખરી !

“ગામ સીમાડે વેરાન વગડો, મારી આખે ભીનો વીરડો!

લુટતી ધરાથી જાઉં મુંઝાતો, શુલ સમો આ ભોકાતો તડકો!

પૃથ્વી ઉઘાડી પડી બરાડે, કોણે લૂંટ્‌યુ આ લીલું ઓઢણું?

થીગડું કટકો તો લાવું માગી પણ લાવું ક્યાંથી ઉછીનું ઓઢણું??

લે કાન આ લઈ લે આંસુ, પણ દઈ દે પાછું લીલું ઓઢણું!!!”

જેમ દ્રૌપદીએ પોતાના ચિર પૂરવા ભગવાન શ્રીકૃષ્ણને સાદ દીધો હતો એમ મનુષ્યરૂપી દુઃશાસને પૃથ્વીરૂપી દ્રૌપદીના લીલા ચીર હરી લીધા છે, એ સાદ કરે છે પોતાના લીલા ઓઢણીને બચાવવા.......!!!

જાગૃતિ આર. વકીલ. ભુજ.

વાંચ સખી રી...

જાહનવી અંતાણી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્ઘટ્ઠરહદૃૈટ્ઠહંટ્ઠહૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વાંચે સખી રી...

કૃષ્ણાયન -કાજલ ઓઝા વૈદ્ય...(માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત )

પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. અમદાવાદ.

‘કૃષ્ણાયન’.... આપણને કોઈ માણસ જયારે મહાન લાગે ત્યારે એને ભગવાન કે ઈશ્વર માનવા લાગીએ છીએ. ક્યારેય ઈશ્વરને માણસ તરીકે જોવાની કલ્પના કરી છે? નહિ ને? તો અહી કાજલબહેને આ નવલકથામાં માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત કહી છે.અને એવી રીતે આલેખી છે જાણે આપણે પણ આ નવલકથાના પાત્ર બની કૃષ્ણની સાથે જ વિહરીએ છીએ..

કાજલ ઓઝા વૈદ્ય.. આ નામ ગુજરાતી સાહિત્યમાં ખુબ પ્રચલિત, સુપ્રસિદ્ધ અને સિદ્ધહસ્ત લેખિકા તરીકે જાણીતું છે. એમના લેખન વિશે કહેવા માટે તો હું બહુ નાની પડું.. વાંચક છું.. અને એમની નવલિકાઓ અને નવલકથા મેં વાંચી છે. એમની નવલિકાઓમાં મારી પ્રિય નવલકથા ‘કૃષ્ણાયન’ વિશે હું કહીશ.

આ એમની બેસ્ટ સેલર કૃતિ છે. એમની લેખન શૈલી અદભૂત અને એટલી અસરકારક છે કે એનું હાર્દ માણસના મન મગજ અને હૈયાના ઊંંડાણ સુધી પહોચે છે. આપણને થાય કે કૃષ્ણ વિષે આપણે ઘણું જાણીએ છીએ. આ નવલકથા માં નવું શું છે?! કૃષ્ણ સ્વીકાર..! કૃષ્ણ એ જે આપ્યું છે એજ એને પાછુ આપવાનું છે, એ દર્યાવ્યું છે. આ નવલકથામાં કૃષ્ણ આપણી જેમ માણસ થઈ ને જીવ્યો છે. આ આલેખન વાંચકના જીવનમાં કૃષ્ણનીતિ બહુ સહેલાઈથી સમજાવી જાય છે. કાજલબહેન લખતી વખતે દ્રૌપદી, રૂકમણી અને રાધા ને અનુભવી છે એમ વાંચતી વખતે આપણે પણ એ જ ભાવમાં વહી જીએ છીએ.

‘કૃષ્ણાયન’માં મૃત્યુથી પર એવા ઈશ્વર કૃષ્ણ માનવદેહને છોડીને અંતિમ પ્રયાણ પહેલાની છેલ્લી પળોનો એક નાનકડો અંશ છે, એમાં બલરામ, ઓધવ, રૂકમણી, સત્યભામા, દ્રૌપદી, રાધા, અર્જુન, સાથેના અત્યંત હૃદયદ્રાવક સંવાદો છે. અને પોતાનું માનવદેહનું ઋણ સંપૂર્ણપણે ચુકવવું હોય એમ એ છેલ્લી પળોમાં માતા પિતા દેવકી અને વાસુદેવ સાથે થયેલા વૈચારિક સંવાદો આપણા હૈયામાં વલોપાત સર્જે છે!

નવલકથાની પ્રસ્તાવનામાં કાજલબહેને લખ્યું છે, ‘આ એક એવા કૃષ્ણ છે જેને તમે કોફીના ટેબલ પર સાથે જોઈ શકશો, આ એ કૃષ્ણ છે જે તમારા ડેઈલી રૂટીનમાં તમારી સાથે રહેશે, આ કોઈ યોગેશ્વર, ગીરધારી પંચજન્ય ફૂંકનાર, ગીતા નો ઉપદેશ આપનાર કૃષ્ણ નથી, આ તો તમારી સાથે મોર્ન્િાંગ વોક પર ચાલવા આવતા તમને જીવનની ફીલોસોફી સમજાવતો તમારો એવો મિત્ર છે; જેને તમે કઈ પણ કહી શકો છો અને એ વેલ્યુ સીટ પર બેઠા વિના તમને સમજાવવાનો પ્રયત્ન કરશે.’ અને નવલકથા વાંચતા આ અનુભવાય છે. આ નવલકથામાં આપણે અત્યાર સુધી ભજેલા કૃષ્ણની વાત નથી! અહી તો કાજલબહેને આપણી અંદર રહેલા કૃષ્ણની ઓળખ કરાવી છે. વાર્તામાં જયારે ઈશ્વર માણસ થઈને જીવે છે ત્યારે એની પીડા ,લાગણી, સંવેદનો પણ એવાજ હોય છે. પુસ્તક વાંચતા ઘણી જગ્યાએ આંખ ભીની થઈ, ક્યારેક તો એ આંસુ ક્યારે આંખમાંથી સરકીને બહાર આવ્યા એ પણ ખબર નથી રહી.

કૃષ્ણ એક ભગવાન એક ઈશ્વર, આટલી પીડા આટલી લાચારી.. વિધાતાથી બંધાયેલો.. અને એ વર્ણન હૃદયને ખુબ હચમચાવી જાય છે. જો ઈશ્વર માણસ તરીકે જન્મીને આટલો વલોપાત અનુભવે તો માણસની શું વિસાત!!

નવલકથાના અમુક ક્વોટ હું લખ્યા વગર રહી શકું એમ નથી. જીવનના દરેક તબક્કે આ ક્વોટને યાદ કરશું તો એ સંજોગ સહન કરવો સહેલો પડે છે એ મારો જાત અનુભવ છે.

“આકાશ સંધ્યાનું હોય કે ઉષાનું લગભગ સરખું જ લાગે છે, માનવ જીવન નું પણ આવું જ હશે, ઉગતી સવાર કે આથમતી સંધ્યા સરખી જ બની જતી હશે!“ કેટલી સરસ વાત! એક જગ્યા એ લખ્યું છે, “કઈક વિશેષ હોવું એ અપરાધ છે પોતાના સમયથી પહેલા જનમ લેવો એ અપરાધ છે, સમયથી આગળ જોઈ શકવું, જાણી શકવું એ પણ અપરાધ છે; કશુક પામવા માટે કશુક આપવું તો પડેજ..” શું આપણે રોજબરોજની જિંદગીમાં આ નથી અનુભવી શકતા? કેટલું સચોટ સત્ય સહજતાથી આલેખાયું છે. જયારે આપણને એમ થાય કે દુખમાં જ ઈશ્વર કેમ યાદ આવે છે તો એ વાત કાજલબહેને દ્રૌપદીના મુખે સરસ રીતે કહેવડાવી છે. દ્રૌપદી કૃષ્ણને પૂછે છે, “સખા, એવું શા માટે કે પ્રત્યેક વખતે પીડામાં જ અમે તમારી નિકટ આવીએ? શું તમને અમારી નિકટ રાખવા અમારા હૃદયસરસા રાખવાનો એક માત્ર માર્ગ પીડામાં રહેવાનો છે? શું તમને પામવા માટે વ્યથિત હોવું, દુખી હોવું, તરફડવું કે ઝઝુમવું અનિવાર્ય છે? શા માટે યુદ્ધમાં જ સારથી બનો? શા માટે અમારા જીવનની પ્રત્યેક પળમાં સુખમાં; દુખમાં તમે અમારી સાથે ન હોઈ શકો?” આ શું મારી તમારી જેવી સામાન્ય વ્યક્તિની વેદના નથી? આવો તરફડાટ આપણે જીવનમાં અનુભવીએ જ છીએ ને!!

ઓડિઓ બુક તરીકે પણ પ્રકાશિત થયેલ આ નવલકથામાં વાંચવા/સાંભળવા માટે કૃષ્ણને નજીકથી પામવા ઓળખવા માટે ‘કૃષ્ણાયન’ હાથવગું કરવું રહ્યું. અવારનવાર વાંચવું ગમે અને વિચારવું ગમે એવું આ પુસ્તક સખીઓ જરૂર વાંચજો.

જાહનવી અંતાણી. વડોદરા.

હેય, વોટ્‌સ અપ?

ગોપાલી બુચ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

હેય, વોટ્‌સ અપ?

અને બસ શરૂઆત થઈ ગઈ વાતચીતની.અતિ ઝડપથી વિકસતી જતી દુનિયા હવે તો હાથ અડાડો ત્યા અડી જવાય એટલી નજીક આવી ગઈ છે.અને યે નજદીકીયાંનો લુફ્ત જે લોકો ઉઠાવી શકે છે એ જીવનમા ઘણું પામી શકે છે.બસ ,આવી જ એક સફરમા ચાલતા ચાલતા મળી જવાયું એક એવી વ્યક્તિને જે ઘરમા બેસીને જ આખી દુનિયામા બિન્દાસ ફરી શકે છે.જી હા,સોશિયલ મિડીયાથી જ.

આવી એક નહી ઘણી વ્યક્તિ છે કે જેમને સીધેસીધુ આ વેબવર્લ્ડને જ પ્લેટફોર્મ બનાવી એક્ષ્પ્રેસ સ્પીડે દોડવાનું શરૂ કર્યુ હોય. આજે એક એવી વ્યક્તિ સાથે આપણી સફર કરીએ.

નીવારોઝીન રાજકુમારઃ

ફેસબુક પર ઘણા લોકો આ નામથી પરિચીત છે મૂળ ભાવનગરી પણ મદ્રાસી પરિવારમાં લગ્ન પછી વેરાવળ , મુંબઈ અને હવે અમદાવાદમાં રહે છે. સ્ ઈઙ્ઘ કર્યા બાદ મુંબઈ યુનિની બી.એડ કોલેજમાં કેટલાક વર્ષ ભણાવ્યું છે. વાંચનનો શોખ ખરો પણ એમના કહેવા મુજબ છેલ્લા ૨૦ વર્ષમાં છાપાઓ સિવાય કશું જ વાંચ્યું નથી.

શરૂઆતમા બાળકોની પ્રવૃત્તિઓ પર એક નજર રાખવા જ સોશિયલ મિડીયા પર આવ્યાં (પણ હવે બાળકોના હાથમા કોમ્પ્યુટર બિચારૂ આવતું જ નથી) અને વાંચન સાથે થોડું લખતાં પણ થયાં.હકીકતમાં તો દૂર રહીને ગુજરાતી ભાષા સાથે જોડાયેલા રહેવાનો આ એક મરણીયો પ્રયત્ન હતો.

આ એક એવી નારી કે જેણે પોતાનો બ્લોગ બનાવી લખવાનુ શરૂ કર્યુ અને ધીરે ધીરે સફળતાના શિખરો પર પગ મુકતી ગઈ.માત્ર પોતે જ લખ્યું એવુ નહી બીજાને પણ લખવા પ્રોત્સાહીત કર્યાં. એમની એ વાત એમની જ ભાષામા રજૂ કરૂ છુ.

ગોપાલીઃ તમે તમારી લેખનશૈલી અને તમારા બ્લોગ પરના વિવિધ આયોજન વિશે થોડી વાત કરો.

નીવારાજઃ હું મારી જાતને સારી વાચક પણ નથી માનતી એટલે લેખક હોવા વિષે મને કોઈ ભ્રમ નથી.હું ખુબ વાંચતી નથી એટલે ખુબ જાણતી હોવાનો દાવો કરી શકતી નથી .જો કે આજે તમે મારી સાથે આ પ્રશ્નોત્તરી કરી રહ્યા છો એનો મને ગર્વ છે . બીજા કરતા કદાચ હું એક જ રીતે થોડી અલગ પડું છું.. હું મારા જ નહી મિત્રોએ લખેલા સર્જનને પણ પ્રોત્સાહન આપું છું. એકબીજાની મદદથી એક ટીમ બનાવી મિત્રોને લખતા કરી શકી છું, હવે એ સાહિત્ય ગણવું કે નહિ એ બાબતે મને કશો ખ્યાલ નથી. પણ સાહિત્ય એકલા કેવી રીતે રચી શકાય? કોઈ લખે છે એટલે કોઈ વાંચે છે?કે કોઈ વાંચે છે એટલે કોઈ લખે છે? સાચું શું ? બેય ને ?

ફેસબુક.. સોશિયલ મીડિયા મારા મતે અભિવ્યક્તિનું આકાશ છે. ફક્ત કોઈનું લખેલું વાંચ્યા કરી એ પર વિચાર્યા કરી બેસી રહેતા લોકો પોતાના વિચારો લખતા થયા છે , વ્યક્ત થતા થયા છે એ બહુ મોટું પ્રદાન ગણાય. ’અમને નહી આવડે’ એવું કહી લખવાનું શરૂ કરનારની લેખનભૂખ ખુબ વધુ ને વધુ તીવ્ર થતી મેં અનુભવી છે. આટલા મોટા આકાશમાં કોઈક તો મારા જેવું વિચારનાર અને મને સમજનાર , બિરદાવનાર મળી રહેશે એવી એક ધરપત નવા લેખકોને રીતસર સારૂં અને નવું લખવા ઉશ્કેરી રહી છે. વાચકો લેખકો બની રહ્યા છે. કથા કડી એનું એક ઉદાહરણ છે. શબ્દાવકાશ નામ તળે અમે સાવ નવા લેખકો માટે એક નાનું પ્લેટફોર્મ બનાવ્યું છે. કથા કડી, દોષ્િાણી, સમર્થિણી, પત્રોનો પટારો, માતૃ પ્રસંગ, મિત્રાચાર ,વમળ ,પ્રેમકથા ઉપરાંત ફેસબુક પર મુકેલ વિચારોને પણ શબ્દાવકાશ ગ્રુપ અને બ્લોગ પર સ્થાન મળે છે.

***

ગોપાલીઃ તમને એવુ લાગે છે કે ઈન્ટરનેટથી સાહિત્ય અંગે નવી સમજ અને જાગૃતી આવ્યા છે ?

નીવારાજઃ અત્યારના લખાણમાં એક તાજગી વર્તાય છે. નવા અને એકદમ મૌલિક વિચારો વ્યક્ત થઈ રહ્યા છે એ ખુબ સારી વાત મને જણાય છે. એક હિંમત ઉભી થઈ છે અને અનેક પ્લેટફોર્મ પણ મળી રહ્યા છે. પોતાની શક્તિથી અજાણ લોકો સરસ મજાનું લખી રહ્યા છે. અહીં મને એક વાત કહેવી જરૂરી લાગે છે કે પોતાના જેવા જ અનઘડ કે નવા નિશાળિયા સર્જકોની વાહ વાહીને ગંભીરતાથી લઈને ઘણા પોતાનો વિકાસ સ્થગ્િાત કરી નાખે છે. વખાણ અને ટીકા બેય એક સિક્કાની બે બાજુ છે. બેય સતત થવા જોઈએ. અને એવું થતું નથી. લેખક કે સર્જક થોડું પોરસાઈ અપાર મહેનત કરી એક મુકામે પણ પહોંચી શકે છે કે ભ્રમના શિકાર બની આજુબાજુની દુનિયા સંકોરી લે છે. સુધારો કરવો, સમય સાથે જાતને રાખી શકવી એ તો સામાન્ય વાત નથી.

***

ગોપાલીઃ તમે ’દોષ્િાણી’ અને ’સમર્થિણી’ નામના બે વાર્તા પર્વ ઉજવ્યા. ’દોષ્િાણી’માં ૭૫ જેટલી વાર્તાઓ આવી અને ’સમર્થિણી’માં ૨૫ જ.એ અંગે તમારૂ શું કહેવું છે એવું નથી લાગતું કે એકબાજુ સ્ત્રી શોષ્િાત હોવાની ફરિયાદ કરે છે તો બીજી બાજુ સ્વવિકાસમા હરણફાળ પણ ભરે છે.

નીવારાજઃ સ્ત્રીઓ બાબતે હું સ્પષ્ટ માનું છું કે ઘણી સ્ત્રીઓ સાચે જ પીડિતાઓ હશે પણ ૮૦% સ્ત્રીઓ પોતાના એ કોચલાને તોડી બહાર આવવા ખુદ ઈચ્છતી નથી હોતી. ફરિયાદો અને આંસુઓ એમના જીવનના બે ચાલક બળ બની ગયા હોય છે. સ્ત્રી અને પુરૂષને સાથે નહી સામે રાખનારા આપણા સમાજના કેટલાક કુરિવાજો તોડી શકવાની ક્ષમતા દરેક સ્ત્રી પાસે છે જ . બાકી સ્ત્રીના જીવનમાં એક સમય એવો આવે જ છે જ્યારે પાંખ ફેલાવવાની મોકળાશ મળે, ઉડવાનું આકાશ અને તક મળે. પણ એવા સમયને પારખવાની ઈચ્છા અને વૃતિનો સતત અભાવ હોય છે. જીવતા રહેવું અને જીવંત રહેવું એ બે વાત સમજી લે તો ઘણી ફરિયાદો ઘટી જાય. એક ઉદાહરણ આપું. ’દોષ્િાણી’ અને ’સમર્થિણી’ નામના બે વાર્તા પર્વ અમે ઉજવ્યા. ’દોષ્િાણી’માં ૭૫ જેટલી વાર્તાઓ આવી અને ’સમર્થિણી’માં ૨૫ જ . આપણને ખુદને આપણી જાતને દયામણી માનવાની અને રાખવાની આદત પડી છે.

જે સ્ત્રીઓ યોગ્ય સમય પારખી શકી છે એ સ્ત્રીઓ અચૂક આગળ આવી શકી છે. પોતાના અસ્તિત્વનો સમાજમાન્ય ઉદેશ્ય સિવાય પણ કોઈ ઉદેશ્ય છે એ સમજી જનાર સ્ત્રી સાચે જ પોતાના અસ્તિત્વને નીખારી રહી છે. ફક્ત સોશિયલ મીડિયા દ્વારા જ ઘણા નામો આગળ વધી રહ્યા છે. આ એક પ્રમાણ છે કે પોતાના વિચારો સ્પષ્ટતાથી રાખતા શીખવાની હવે સાચે જ જરૂર છે.

***

આધુનિક વિચારધારા સાથે સંકળાયેલી સ્ત્રીને બરાબર ખબર જ છે કે પોતાને ક્યા જવું છે. બસ, જરૂર છે થોડી હિંમત અને થોડી સ્વતંત્રતાની.જેને ઊંડવુ જ છે એની પાંખ બહુ બાંધી શકાતી નથી. પછી એ ચાહે કોઈ પણ ક્ષેત્ર હોય્‌.વાત કરતા કરતા ગુજરાતી લિટરેચર ફેસ્ટીવલમા થયેલી નેટ સાહિત્ય, વોટ્‌સપ સાહિત્યની ચર્ચા યાદ આવી.અને મેં મનમા ઘોળાતી વાત એક નેટસાહિત્યકારને પુછી જ નાખી.

ગોપાલીઃ નેટ પર કે વોટ્‌સપ પર લખાતુ સાહિત્ય સાહિત્ય કહેવાય કે નહી ?

નીવારાજઃ નેટ પર શેર થતા સાહિત્ય વિષે ઘણા મતમતાંતર હું જોઈ રહી છું. સતત વાંચતી રહી છું. સાહિત્યના માપદંડ શું છે? સારૂં સાહિત્ય કોને કહેવાય? સારા સાહિત્યકાર કોણ છે? જે સ્થાપિત સાહિત્યકારો છે એ નવા સર્જકોને કેટલી મદદ કરી રહ્યા છે? આ બધા સવાલોના જવાબો સદા અધ્યાહાર રહ્યા છે. થોડુંક જ આગળ વધી ગયેલા મિત્રો પાછળ રહેલા મિત્રોની ઠેકડી ઉડાડી સતત પાછળ રાખવાની કોશિશ કરી રહેલા દેખાય છે. તો ક્યારેક અહીં સ્થાપિત હોય કે નવા હોય દરેક જણ અસુરક્ષિત લાગે છે. વળી પહેલા વાડા જ હતા એવું નહી પણ નેટ આવ્યા પછી વાડા વધી ગયા છે. લોબી વધી ગઈ છે. હું અસ્પષ્ટ છું.. આ ચીલો સારો છે કે ખરાબ?.યેનકેન પ્રકારેણ સાહિત્ય સર્જન જ જો આશય હોય તો આવા વાડા કામના છે પણ જો સાહિત્યનો સર્વાંગ વિકાસ એકબીજાના સથવારે કરવાનો હોય તો આવી લોબી અને ખેંચતાણ તોડવી પડશે. જે સારૂં છે એ જ જળવાઈ રહેવાનું છે એ ન્યાયે એક મોકો તો દરેકને મળવો જોઈએ.

સાહિત્ય એટલે ’સહિત’ એટલે સાથે ચાલનારૂં.નવા આવી રહેલા લોકોમાં ઘણો જ ચમકારો છે. નવા સર્જકો આગળ આવવા મથી રહ્યા છે ત્યારે, મોકળા મને અને મોકળા સહકારથી એમને મદદ કરવાનો સમય આવી ગયો છે. સાહિત્ય એટલે સહુના હિતમાં રચાય તે એ વ્યાખ્યા સાચી હોય તો હવે તો સાહિત્યના હિત માટે વિચારવાનો સમય આવી ગયો છે. નવા લેખકોએ આ વાતને સાચે જ ગંભીરતાથી લેવાની છે. અને માંધાતાઓએ આ નવા ફાલને પ્રેમથી વધાવવાનો છે.

મેં જ્યારે પહેલો બ્લોગ ’શૂન્યતાનું આકાશ’ આજથી દોઢેક વર્ષ પહેલા શરૂ કર્યો ત્યારે કશું સ્પષ્ટ ન હતું. ગુજરાતી ભાષા સાથે ફક્ત માતૃભાષા તરીકેનો જ સંબંધ છે . કોઈ પાંડિત્ય કે કોઈ વિશેષ કૌશલ્ય હું ધરાવતી નથી .મારે તો મને આવતા વિચારોને એક જગ્યાએ સાચવી રાખવા હતા. થોડું વિસ્તારથી લખવું હતું . સમયાંતરે મેં લખેલ ત્રણેક લધુનવલ અને ૧૩૦ જેટલા લેખો અને વાર્તા પર્વમાં ૧૦૦ વાર્તા અને ૩૦ ભાગ કથા કડી મળીને ૨૫૨ જેટલી કૃતિઓ અત્યારે જોડાઈ ગઈ છે. સારા એવા પ્રમાણમાં લગભગ ૪૦સેક દેશોમાં વાંચતા આ સંપૂર્ણ ગુજરાતી બ્લોગને ૩૨૪૦૦+ વ્યુઝ મળ્યા છે.

કથાકડી લખતા લખતા બનેલા મિત્રોની નવી ટીમ ’શબ્દાવકાશ’ બની અને અઢી મહિના પહેલા એ જ નામે નવો બ્લોગ પણ બન્યો. કથાકડીના બીજા પર્વ ઉપરાંત મિત્રોએ આપેલ વાર્તાઓ, લેખો, પત્રો, પ્રેમકથાઓ વગેરે ત્યાં એકઠા થઈ રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૬૯ કૃતિઓ સામેલ થઈ છે. ૫૬૨૯ વ્યુઝ સાથે ઘણા ઓછા સમયમાં આ બ્લોગ ઘણો સારો વંચાઈ રહ્યો છે.થોડું લખી શકતા મિત્રો માટે આ એક નાનું પ્રોત્સાહન છે. દરેક વ્યક્તિ એક શક્યતા છે . આજે થોડું લખતા લોકો આગળ જતા ખ્યાતનામ લેખકો બની શકે એવી પ્રતિભા અને શક્યતા હોય છે. મારાથી આ નાનું કામ થઈ શકશે તો મને ખુબ સંતોષ થશે. દૂનિયાના અતરંગ ખૂણે બેઠેલા ગુજરાતીને પોતાની ભાષા સાથે જોડાઈ રહેવાનું ગમે અને નવા લેખકોના વિચારો વાંચવાનું ગમે એ બેય પક્ષે સદ્દભાગ્ય ગણાય..

આ રીતે મારૂ કામ તો મે નેટ પર જ કર્યુ છે.

***

નિવા સ્વીકારે છે કે સાંપ્રત સમાજ એની એ જ જૂની પુરાણી આદત અને ઢબ પ્રમાણે જ ચાલી રહ્યો છે . સમયે સમયે પરિવર્તન અને બદલાણ ટેકનોલોજી કે આદાનપ્રદાનના પ્રભાવ હેઠળ થયા જ કરે છે. જીવનમાં સુવિધાઓ અને પસંદગીનો વ્યાપ વિસ્તર્યો છે. મોકળાશ. જરૂર છે માત્ર સારા-નરસાનો દ્રષ્ટિકોણ કેળવવાનો જીવન તરફ ખુબ જ હકારાત્મક અભિગમ ધરાવતા નિવાબહેન જીવનમાં આવતી દરેક મુશ્કેલી કે અડચણ સમયે એ સંજોગોને પણ કશુક સ્પષ્ટ દેખાડવા પહેલાનો ઝબકારો હોય એ રીતે મૂલવે છે.આસપાસ છવાયેલા અંધકારની આરપાર જોવાના પ્રયત્નો થોડી વાર પડતા મૂકીને સાવ અસમર્થ બની મનને શીથીલ છોડી મુકી પોતાની જાતને સાચવી જાણે છે ..

નિવાબહેનના જ શબ્દોમા સમજીએ તો "તકલીફ દાયક સંજોગોમા હું સંપૂર્ણ સમર્પણની અવસ્થામાં રહું છું.. એ પછી જે પ્રકાશ, જે આશા, જે જીવન મને દેખાય છે એ ખુબ પ્રેરણાદાયી હોય છે. સમાજ અને એની બદલાતી તાસીર સાથે તાદાત્મ્ય જાળવી રાખવા જાતને અપડેટ કરવી ખુબ જરૂરી છે. રોજ કશુંક નવું શીખવાની ઈચ્છા અને કુતુહલ ખુબ જરૂરી છે. દરેક વખતે લડવું જરૂરી નથી હોતું પણ ઉત્સાહ ટકાવી રાખવાથી જીવન સરળ અને જીવંત રહે છે. હું જીવનની દરેક પળ માણવામાં માનું છું અને એ માટે ઈશ્વરનો આશીર્વાદ ઈચ્છું છું અને મારા પરિવાર.. અત્યંત સમજુ પતિ અને મારી નાની નાની સિદ્‌ધિમાં ખુશ થયા કરતા બેય બાળકોનો આભાર માનું છું".

સાહિત્યનું કોઈ બેકગ્રાઉન્ડ ન હોવા છતાં પોતાની ધગશ, નિષ્ઠા અને કાર્યથી એમણે પોતાની સફળતાનોસ પરિચય કરાવ્યો છે. એ બદલ એમને ખુબ ખુબ અભિનંદન. તો આજે અહીં "હેય,વોટ્‌સપ!" આટલું જ. ફરી કોઈ સહિયર સાથે મળીશું. તબ તક કે લીએ કરતે રહીએ ’વોટસપ !’

ગોપાલી બુચ. અમદાવાદ.

રૂગ્ણાલય

ડો. ગ્રીવા માંકડ

ઉીહ્વ : ુુુ.ર્રર્દ્બીીષ્ઠઙ્મૈહૈષ્ઠ.ર્ષ્ઠદ્બ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ૈહર્કજ્રર્રર્દ્બીીષ્ઠઙ્મૈહૈષ્ઠ.ર્ષ્ઠદ્બ

ઉનાળામાં દઝાડતી સમસ્યા - ઉનવા

આ વખતે તો ઉનાળો મઝા મુકીને તપી રહ્યો છે. એક સામાન્ય જીવનનિર્વાહ ધરાવતા કુટુંબો માટે પણ એઅર કંડીશનર એક તાતી જરૂરિયાત સમા બની ગયા છે. એમાય જેમને ઉનાળો સદતો નથી એવી ગરમીની તાસીર ધરાવતા લોકો તો ઉનાળામાં શું શું કરવું ને શું શું ન કરવુ એ જ શોધતા ફરતા હોય છે. હવે આવા ધોમધખતા સમયે ખાસ કરીને સ્ત્રીઓમાં મૂત્રમાર્ગ પુરૂષની સરખામણી એ નાનો હોતા ઉનાવા જેવી સમસ્યા ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. તેને ઉષ્ણતા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરિણામે વારંવાર પેશાબમાં ચેપની સમસ્યા સર્જાય છે

આમ તો ઉનાવા એ વધુ પડતી પિત પ્રકૃતિ અને એમાય ઉનાળાની ગરમીના પ્રભાવથી ઉભી થતી સમસ્યા છે. સામાન્ય સંજોગોમાં શરીરમાં ક્ષાર અને પાણીનું નિયમન ખૂબ સુંદર રીતે થતું આવતું હોય છે. પરંતુ, ઉનાળામાં ખાસ કરીને વધુ પડતું ચાલવાથી, કસરત કરવાથી, તડકો લાગવાથી કેટલાક ક્ષારો અને પાણી મૂત્ર વાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે, પરિણામે જરૂરી નિયમન ખોરવાતા મૂત્રાશય તરફ પાણીનો પ્રવાહ ઓછો થઈ જાય છે. એમાય જેમને જરૂર કરતા ખૂબ ઓછું પાણી પીવાની આદત હોય તેમને તો આ તકલીફ ખાસ મૂંજવતી હોય છે. સગર્ભા સ્ત્રીઓએ તો ગરમીની ઋતુમાં અસરગ્રસ્ત ન થઈ જવાય એ માટે ખાસ કાળજી લેવી જ હિતાવહ છે. ક્લિનિકમાં સારવાર માટે આવતી દરેક મહિલા દરદીને પૂછતા એમને કોઈને કોઈ સમયે ઉનાળા દરમિયાન આ પ્રકારે પેશાબની સમસ્યા રહેતી હોવાનું જાણવા મળતું જ હોય છે, જેથી દવા સાથે એમને કેટલાક ઘરગથ્થુ ઉપચારનું ભાથું દેવાનો આગ્રહ પણ તેઓ રાખતી હોય છે

ઉનવાના લક્ષણઃ વારંવાર પેશાબ કરવાની ઈચ્છા થાય, છતાં ખુલાસીને પેશાબ ન થવો; પેશાબમાં તેમજ મૂત્રમાર્ગમાં બળતરા થવી; પેશાબ પીળા-હળદર જેવા રંગનો થાય, તો ક્યારેક રાતા રંગનો કે લોહીયુક્ત પણ થાય. કમર, વાંસાનો દુઃખાવો કે માથું દુઃખવાની ફરિયાદ રહે. ક્યારેક પેશાબ સાથે લોહી કે પસ જતું હોય એવું પણ લાગે.

ઉનવાના ઉપાયઃ ઉનાવા એ કોઈ પ્રકારની ગંભીર બીમારી નથી. પણ એ તો માત્ર એક લક્ષણ છે જેને જરૂરી તકેદારી રાખતા નિયંત્રિત કરી શકાય છે. ઉનાળામાં ધ્યાનમાં રાખવા જેવી કેટલીક સામાન્ય બાબતોઃ

ઓછામાં ઓછા ૮ ૧૦ થી ગ્લાસ પાણી પીવું; પાણી ઉપરાંત અન્ય લિકવિડ રિફ્રેશમેન્ટસ દિવસ દરમિયાન લેતા રહેવું; ભરપુર વિટામીન ષ્ઠ યુક્ત ખોરાક લેવો; ખોરાકમાં વધુ માત્રામાં શર્કરા ટાળવી.

અહી આપણે કેટલાક ઘરગથ્થુ છતાં રામબાણ ઉપચાર જોઈશુંઃ

-એક ગ્લાસ બકરીના દૂધમાં બે ચમચી સાકર ભેળવી ઉકાળવું ને ત્યારબાદ સ્વાદ મુજબ એલચીના દાણા ઉમેરીને લઈ શકાય.

-લીંબુ, ઓરેન્જ, પાઈનેપલ જેવા વિટામીન ષ્ઠ યુક્ત ફળોનો ઉપયોગ વધારવો.

-વરિયાળીનું શરબતઃ વરિયાળી પાવડર- એક ચમચી, સાકર બે ચમચી, એક ગ્લાસ ઠંડુ પાણી, બધું મિક્સ કરીને પંદર મિનિટ પછી બ્લેન્ડર ફેરવીને બપોરના ત્રણ-ચાર વાગે પીવું.

-સોડા, વાસી ઠંડું દૂધ અને માટલાનું પાણીનું પીણું બનાવી દિવસમાં બે થી ત્રણ વખત અડધો ગ્લાસ પીતાં રહેવું.

-ઘરમાં કાચી કેરીનો વપરાશ હોય તો લગભગ બે ત્રણ કેરીના ગોટલા ને ફેંકી ન દેતા એક વાસણમાં પાણી લઈ ૨૪ કલાક જેટલો સમય ગોટલાને ફ્રીજમાં પાલળી રાખી પછી એ પાણીમાં સ્વાદ મુજબ મીઠું કે સંચળ નાખી ગાળીને પી શકાય.

જનનાંગોની યોગ્ય રીતે સફાઈ કરવીઃ હવે એ માટે લઈ શકાતી નાનકડી છતાં ઉપયોગી કાળજી વિષે જોઈ લઈએઃ

યુરિનની ટ્રેક ઈન્ફેક્શનનાં ઘણાં કારણોમાં એક કમોડમાં વપરાતું જેટસ્પ્રે છે. જેમાં પાછળથી પાણીની પિચકારી આવે છે, જે મળ દ્વારની શુદ્‌ધિ કરે છે. પરંતુ ખાસ કરીને સ્ત્રીઓ માટે તે ઓછું હિતાવહ છે. કારણ કે મળદ્વાર પાસેથી પસાર થઈને ફોર્સથી આવતું પાણી મૂત્રદ્વાર સુધી પહોંચે છે. જેનાથી ઈન્ફેક્શન ચેપ ઝડપથી લાગી શકે છે. જેટ સ્પ્રેના બદલે હેલ્થ ફોસેટ (ૐીટ્ઠઙ્મંર કટ્ઠેષ્ઠીં)નો ઉપયોગ હિતાવહ છે.

-એક ટમ્લરમાં થોડું પાણી લઈને એન્ટીસેપ્ટીક લિક્વિડના ચાર-પાંચ ટીપાંનાંખીને મૂળ પ્રદેશેને દિવસમાં બે થી ત્રણ વાર વોશ કરવો. તેનાથી જીવાણુંઓનું સંક્રમણ ઝડપથી નિયંત્રણ થાય છે.

આમ તો ચેપના લક્ષણો જો ઓછી માત્રામાં હોય તો આપોઆપ થોડી સંભાળ લેવાથી કાબુમાં આવી જતા હોય છે. પરંતુ ચેપને લીધે જો તકલીફ વધારે જણાય તો કોઈ યોગ્ય ડોક્ટરની સલાહ લઈ નુકશાનકર્તા ન હોય તેવી સારવાર કરાવી શકાય.

ડો. ગ્રીવા માંકડ. અમદાવાદ.

અનુભૂતિ

કુંજલ પ્રદિપ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ોહદ્ઘાટ્ઠઙ્મટ્ઠિદૃજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

અનુભૂતિ

(વિવિધ સખીઓનું મંતવ્ય અને વિચારો)

પ્રકૃતિ, પૃથ્વી અને પર્યાવરણ આ ત્રણેય ‘પ’ છેલ્લા કેટલાય વખતથી એક સાથે સાંભળવા અને વાંચવા મળે છે! સૌ કોઈ જાણે છે, સમજે છે છતાંય એની અવગણના થતી હોય એવું અનુભવાય છે. પરિસ્થિતિ વિકટ થતી જતી હોય એવું લાગે; આપાણાં હાથમાં ક્યાં કશું છે? એવો પ્રશ્ન પૂછી બેસવાનું મન થાય! બીજી તરફ વિચાર આવે છે કે આપણે એટલે કે ‘કાળા માથાનો માનવી’ નહીં તો કોણ જવાબદાર?!

વાતાવરણ કથળ્યું છે એ હકીકત છે. કુદરતની વિરૂદ્ઘ સૌ વર્તે છે એમાં બેમત નહીં જ. મોડા સૂઈને મોડા જાગવાની ટેવથી માંડીને નૈસગ્ર્િાક શ્રેષ્ટ પીણું નારિયેળ પાણીને બદલે એરીટેડ સોડા પીવાની ટેવ એમાં નજીવું પ્રદાન કરે છે! ઉનાળામાં ગજબનો ઉકળાટ, નવેંબરમાં માવઠું અને ભરશિયાળે બફારો ભારત જેવા સમશીતોષ્ણ દેશમાં થાય છે. કહેવાય છે કે હિમાલય પણ પીગળવાની કગાર પર છે. ધીમી ગતિએ તિવ્ર ગરમીને લીધે બર્ફાચ્છાદિત વિસ્તાર ઓગળશે એ વાસ્તવિકતાને નકારી નહીં શકીયે કે ભિષણ ગરમી પ્રવર્તમાન સમસ્યા છે. આ ફક્ત મારી, તમારી ઉપાધી નથી. એક વૈશ્વિક સમસ્યા છે; ગ્લોબલ વોર્મિંગ..! માણસે બુધ્ધિશક્તિનો ભરપૂર ઉપયોગ કરી ટેકનોલોજીકલ પ્રગતિ કરી, ચંદ્ર-મંગળ યાત્રાઓ સર કરી અને અનેક ઉપકરણો ઉત્પન્ન કર્યા. દરેક બાબતને સારી અને નરસી ઉપજ હોય એમ ઉપકરણોની ઉત્પત્તિ સાથે ઉર્જાની ગરમીની આડઅસર ભેંટમાં મળી. ઠંડાગાર ‘એ.સી.’માંથી બહાર આવીને ઉકળાટ થાય છે. એ રીતે જોતાં એમ થાય છે કે ‘એ.સી.’ની શોધ જ ન થઈ હોત તો?! મુશ્કેલી ઉભી થઈ જ છે તો એનું નિવારણ પણ શોધી કાઢવા માણસજાત સક્ષમ છે. આપણે વૈજ્ઞાનિક હોઈએ કે ન હોઈએ પણ સામાન્ય માનવી તો છીએ. થોડી સમજણ અને જાગૃતિ સૌ કોઈમાં છે. સખી રી.. સાથે થતીમાંથી કેટલીક સખીઓનાં મંતવ્યો અહીં જોઈએઃ

દિપ્તી ઝાલાઃ પર્યાવરણનું સીધુ અને સરળ જતન કરવું હોય તો આપણા ઘરથી જ થઈ શકે છે. ઘણીવાર જાણેઅજાણે પણ પર્યાવરણને નુકશાન પોંહચાડીયે છીએ. જેમા ગૃહીણી તો બહુજ મોટો ભાગ ભજવે છે. નાનામોટા કૂડા કચરાથી માંડી આસપાસનાં વિસ્તારોની સ્વચ્છતા વિશે સભાન થવું જોઈએ. જો તમારા સંતાનને ભવિષ્યમાં હસતું રમતું જોવા ઈચ્છો છો તો વૃક્ષોનો ઉછેર જરૂર કરજો સૌ..

મેઘલ મજમુદારઃ પ્રાણીપ્રિય આ સખીએ પાણીનાં થતા બગાડ અને બચાવની સરસ ચર્ચા કરી. રોજીંદા સફાઈ અને નહાવાનાં કામમાં પાણીનો દુર્વ્યય અટકાવવા આગ્રહ કર્યો. વળી કહ્યું કે હાર્વેસ્ટિંગ પદ્ઘતિનો બહોળો ઉપયોગ થાય તો ખેતીમાં મબલખ પાક ઓછી મહેનતે લણી શકાય!

લીના વછરાજાનીઃ શબ્દો અને સંગીતનાં શોખીન આ સખીનાં શબ્દો એમને એમ જ અહીં બેઠ્‌ઠા મૂક્યા છે.

ચાલો પર્યાવરણ ને પૂછીયે, કેમ છો?

ઝાકળની પાંખડીઓ વેરાણી ફળિયામાં

પગલાં ઢંકાઈ ગયાં રાતનાં

અજવાળું ખર ખર ખર ખરવા માંડયું ને;

ફુલ ફોરી ઉઠ્‌યાં પારીજાત નાં!

આ પંક્તિ વાંચીને એક અદભૂત ઈમેજ મનમાં ખડી થઈને? કુદરત-પર્યાવરણ, મબલખ મિલકતના માલિક છે. અળવીતરી માણસજાત માને છે આડેધડ પર્યાવરણનો બગાડ અને વપરાશ જાણે આપણો હક! અરે, ક્યારેક આપણા ઓઝોન લેયરને પ્રેમથી કહી જુઓ કે તને આટલું નુકસાન પહોંચે તો ય તું અમારૂં આકરા સુર્યપ્રકાશથી રક્ષણ કરે છે! માણસજાત તો નગુણી કે અમે વગર લેવાદેવા વિજ્ઞાનના નામે બધા ગ્રહ ઉપર પ્રદૂષણ ફેલાવીને ખોટી પ્રતિષ્ઠામાં રાચી લઈએ! આપણે જેમ આપણાં સંતાનની વેદના અનુભવીયે છીયે એમ કુદરતની કારમી ચીસ સાંભળીયે એ જ વિનંતી..

હેમા શાહઃ કચ્છની ધરાનાં ધણી એવાં ‘મા’ આશાપુરાનાં ધામનાં રહેવાસી હેમા બહેને દુનિયાનાં બદલતા ઋતુચક્ર તરફ ધ્યાન દોરતાં જણાંવ્યું કે પર્યાવરણના બદલાતા જતા રૂપની અડફેટમાં થોડે-ઘણે અંશે બધે ફેરફાર આવી ગયો છે. ચિંતા જતાવતા પૂછી બેઠાં, “વધતી વસ્તીને પહોંચી વળવા મકાન બાંધકામ, જમીન સંપાદન કરવા જંગલોનો આડેધડ નાશ અને દરેક વસ્તુના ઉત્પાદન માટે યંત્રસામગ્રીઓ લગાવવા કારખાનાની હારમાળ.. ઓહ! ઈન્શાન યંત્રવત ‘ને નિષ્ક્રિય... પરિણામ શું?”

દેવોશ્રી મજમુદારઃ મૂળ બંગાળી પણ વર્ષોથી ગુજરાતમાં સ્થિત એવા આ સખીનું માનવું છે કે પ્રાકૃતિક ભેંટ સમા કેટલાય તત્વોનો ખજાનો આપણી પાસે છે. ખનીજ, ધાતુ, લાકડું, ઈંધણ અને અનેક બીજી સામગ્રી જે પૃથ્વીના પેટાળમાં છે જેની જાળવણી યોગ્ય રીતે થાય તો વાતાવરણની સમતુલા જળવાય.

નીરલ પવાણીઃ સંવેદનશીલ સખીએ પૃથ્વી પર ઉપલ્બધ તત્વોને બે વિભાગમાં વહેંચી; સજીવ અને નિર્જીવ. માનવી, પશુપક્ષી, ઝાડ, જમીન અને પાણી વગેરે બધુંજ દૂષિત થાય છે. લોકો બિમાર પડે છે; વૃક્ષો નષ્ટ થાય છે. સ્વચ્છતાને પ્રાધ્યાન્ય આપવું જોઈએ જેથી વતાવરણ ન બગડે.

રાખી અંજારિયાઃ સતત ઈશ્વરનો સાક્ષાત્કાર અનુભવતા કહે છે કે લોકો કુદરતનાં ખોળે આળોટવાનું ભૂલી રહ્યાં છે. પ્રગતિનાં સ્વાર્થમાં કુદરતે બક્ષેલી સુંદરતાની બદ્‌તર હાલત કરી છે. પૌરાણીક જમાનામાં તપ કરી શાંતિની શોધમાં જંગલો ખેડાતાં, આજે પણ ધ્યાન સાધનામાં કુદરતી વાતાવરણની કલ્પના માત્રથી કેવો આનંદ આવે છે! જીવ માત્રને એકાકાર કરતો સ્વર નિરંતર સાંભળવા પ્રકૃતિની રક્ષા હરેકે આગળ આવીને કરવી રહી..

તર્જની અને બીજલની સોલાર પ્લાન્ટની ચર્ચા ધ્યાન ખેંચે એવી હતી, ભારત જેવા દેશમાં જ્યાં મહત્તમ સૂર્યનો તાપ મળે છે ત્યાં સૂર્ય ઉર્જાનો શ્રેષ્ટ ઉપયોગ કરવો જ જોઈએ. ઘરેલુ સૂર્ય કૂકર કે પાણીનાં ગિત્ર દ્વારા નાની બચત પણ લેખે લાગે છે. એ લોકોની વાતમાં ટાપશી પૂરાવતાં મને પવન ચક્કી અને સમુદ્રનાં મોજાંની ઉર્જાનું પણ કેન્દ્રીકરણ કરી કુદરતી સંપત્તિનો સર્વોચ્ચ ઉપભોગ કરી શકાય.

બની શકે કે શબ્દો કે અભિવ્યક્તિ જુદી હોય પણ દરેકનો સૂર એકજ રાગ આલાપ કરતો હતો કે, “જાળવીયે પર્યાવરનાં આવરણને !”

કુંજલ છાયા. ગાંધીધામ.

સાતમી ઈદ્ગિય

પારૂલ દેસાઈ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ટ્ઠિેદ્ઘઙ્ઘીજટ્ઠૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સાતમી ઈદ્ગિય

પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાઉં તો ઘણું. સખીઓ, માનવ જન્મ અમૂલો છે, સામાન્ય માણસને પાંચ ઈદ્ગિયો અને છઠ્‌ઠી સુષુપ્ત ઈદ્ગિય રૂપી આશીર્વાદ જન્મજાત મળેલા હોય છે. પરંતુ સમજણ આવ્યા પછી આ બધી જ ઈદ્ગિયોના સદુપયોગ કરી પોતાના જન્મને સાર્થક કરવા ‘સાતમી ઈદ્ગિય’ કેળવવી પડે છે. તો જ માનવીનું મુલ્ય જળવાય અન્યથા તેની કિંમત એકડા વિનાના ‘શૂન્ય’ જેવી થાય. જ્યાં જન્મ થયો તે પ્રકૃતિએ પર્યાવરણ સાથે અનુકુલન સાધી શકાય તેવી સગવડ આપી. માણસ જીવન માણે ત્યારે તે હંમેશા સુખી થાય. પરતું માણસ જેનું નામ. પોતાની સગવડો ને પહોચી વળવા વગર વિચાર્યે વૃક્ષોનુ છેદન, ઉધોગનો વ્યાપ વધારવા અને ટેકનોલોજીના વિકાસ અર્થે પર્યાવરણ ને નુકસાન પહોચાડતો રહ્યો જેથી વિશ્વ ગ્લોબલ વોર્મિંગ નો ભોગ બન્યું. આધુનિક જીવનશૈલી માણવા જતા માણસે પાણી, જમીન ,હવા અને ધ્વની ને પ્રદુષિત કર્યા. હવામાં વાહનોના અને ફેક્ટરી દ્વારા છોડાતા ધુમાડાથી અનેક ઝેરી વાયુઓ હવામાં ભળે. અરે! આધુનિકતા તો એ હદે આવી ગઈ કે પ્રાણવાયુ અને છત્ર આપનાર પ્રકૃતિને જ વીંધી નાખી.

પર્યાવરણ પ્રત્યે જાગૃત બની તેને બચાવવાના ઉકેલ રૂપે ૫ મી જુન ૧૯૭૨ થી ‘વિશ્વ પર્યાવરણ દિન’ની ઉજવણી શરૂ થઈ. પણ માત્ર એક જ દિવસે રેલીઓ, કાર્યક્રમો કે ભાષણો કરવાથી વિશ્વના પર્યાવરણને પ્રદુષિત થતા બચાવી ન શકાય. ક્યાં? કેટલું? કઈ રીતે? આપણે પ્રદુષણ ફેલાવીએ છીએ તેણી જાણકારી તો છે જ પરંતુ જાગૃત બની તે એ અંગે પગલાં લેવા અતિ અગત્યનું બની ગયું છે. તે માટે દરેક દિવસે ઘર, શેરી, શહેરથી જ શરૂઆત કરી ઉકેલ લાવવો જોઈએ. સખીરી, આપણે આપણું યોગદાન આપવું જ રહ્યું. આપણા પર્યાવરણને રહેવા યોગ્ય સ્વચ્છ સુંદર બનાવવાનો નિર્ધાર કરી જે જાણીએ જ છીએ એ બાબતોને આદતમાં ફેરવીએ. સાથે જ અન્યને પણ આ બાબતે જાગૃત કરી સાથ આપવાનું સમજાવીએ.

પ્લાસ્ટિક ઝબાલા થેલીનો ઉપયોગ બંધ કરી તેના બદલે કાગળ કે કાપડની થેલી વાપરીએ. વપરાયેલા પ્લાસ્ટિક ઝબલા માંથી ગુંથીને વિવિધ વસ્તુઓ જેવી કે ટેબલ મેટ, પર્સ, તોરણ, મોબાઈલ કવર, ફૂલ,આસન બનાવીએ તેમજ અન્ય જરૂરીયાતમંદ ને શીખવાડી તેના વેચાણ દ્વારા આર્થિક ઉપાર્જન કરાવીએ. પ્લાસ્ટિક બોટલમાંથી વસ્તુઓ બનાવીએ કે તેમાં છોડ વાવીએ. બોટલની દિવાલોવાળા કોટેજ પણ બનાવી શકાય.વધેલી ખાદ્ય સામગ્રી ફેકવાના બદલે પ્રાણીઓને ખવરાવીએ અથવા કુંડા કે ક્યારામાં ખાડો કરી તેમાં એકઠી કરી ખાતર બનાવીએ. વરસાદના પાણીનો સંગ્રહ કરી વાપરીએ. વાસણ-કપડા ધોયેલ પાણીથી ગટર વિગેરે ધોઈએ. પૂજા સામગ્રીના ફૂલ પાન નદીના વહેતા પાણીમાં જ પધરાવીએ અથવા જમીનમાં દાટીએ. લોકોને થૂંકતાં કે કુદરતી હાજતે ગમે ત્યાં ન જવા કહીએ. બાગ-બગીચા, થીએટર કે બસ, ટ્રેન ની મુસાફરીમાં આપણે કરેલો દરેક પ્રકારનો કચરો એકઠો કરી કચરાટોપલીમાં જ નાંખીએ. બાળકોને શાળા માં કચરો ન કરે તે સમજાવીએ. તે માટે ના કાર્યક્રમો યોજીએ. સ્રીઓનું સંગઠન બનાવી પર્યાવરણ અંગે કાર્ય કરવું. રેડીઓ-ટીવી ધીમા અવાજે સાંભળીયે. પ્રસંગોપાત લાઉડસ્પીકરનો ઓછા સમય માટે ઉપયોગ કરીએ. ટ્રાફિક સિગ્નલ બંધ હોય કે ટ્રાફિક જામ હોય ત્યારે વાહન બંધ કરી બિનજરૂરી હોર્ન વગાડી ધ્વની પ્રદુષણ ન ફેલાવીએ. સોલાર કુકર, હીટર તથા બાયો ગેસ વાપરીએ. મોટી સંસ્થાઓમાં ઉગેલા વૃક્ષોના વનસ્પતિજન્ય કચરાનો યોગ્ય ઉપયોગ કરાવીએ. દરેક સારા માઠા પ્રસંગોની યાદમાં વૃક્ષારોપણ કરીએ. દિવાળી સિવાય ફટાકડાનો ઓછો ઉપયોગ કરીએ. હોળીનો તહેવાર કોરા રંગોથી રમીએ. ઘર આંગણે છોડને ઉછેરવા માટી સાથે નારિયેળના છોતરા વાપરીએ. જેથી માટી અને પાણી ઓછા વપરાશે. છોડને પાણી પાવા માટે જારા નો ઉપયોગ કરીએ જેથી પાણી ઓછુ વપરાય. શક્ય હોય ત્યાં સુધી રિયુઝ અને રીસાયકલ થાય તેવી વસ્તુઓ વાપરીએ. ઈકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરીએ જેથી વિસર્જનથી પ્રદુષણ ન ફેલાય. નવરાત્રીમાં ગરબા માટીના જ પ્રગટાવીએ. ઈ-ુટ્ઠજીં નો યોગ્ય નિકાલ કરીએ.

હું, એક શિક્ષિકા છું. અભ્યાસ કરવો અને કરાવવો મને ગમે છે. એક સ્ત્રી જ્યારે કઈંક શીખીને બીજાને શીખ આપે છે ત્યારે તે બમણી જવાબદારી સાથે નિભાવે છે! શીખવનારની દ્રષ્ટીએ આ નાનીશી બાબતોથી ખુબ મોટી મદદ થઈ શકે છે. વૃક્ષો વાતાવરણને ઠંડુ અને શુદ્ધ રાખે, વર્ષાને નોતરે અને વૃક્ષછેદન દુષ્કાળને નોતરે. માટે જ વધુને વધુ વૃક્ષો વાવીને તેની માવજત કરવી. સરકારના કાર્યમાં સહકાર આપીએ. આપણા પર્યાવરણ ને શુદ્ધ અને સ્વચ્છ બનવાના દરેક ડગલા ઘર, શેરી, શહેર દેશ અને વિશ્વને ઘણી કુદરતી આફતોથી બચાવી શકે છે. ત્યારે આપણને આપણું પર્યાવરણ ગમશે. પૃથ્વીના સાનિધ્યે ઉછરતા આપણે સૌ ‘માનવી’ હોવાનું ગૌરવ લઈ શકશું. સખીરી આશા છે આપણે સાથે મળીને પર્યાવરણ ને પ્રભુએ આપેલ તેવું જાળવી શકશું.

પારૂલ દેસાઈ. રાજકોટ.

લૉ પંડિત

શ્લોકા પંડિત

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જરર્ઙ્માટ્ઠટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

લૉ પંડિત

બળબળતા ઉનાળાની સવારે દસ વાગ્યાની હરિદ્વારની ટ્રેનમાં સાધનાબેન અને સુરેશભાઈ અમદાવાદથી બેઠાં. હરીનાં દ્વાર એટલે કે હરિદ્વાર જવાનો ઉત્સાહ જ કઈક અનેરો હતો, વર્ષોથી બંનેનું સપનું હતું કે નિવૃતી બાદ સૌથી પહેલા હરિદ્વાર જવું અને મન-તન પવિત્ર કરવું.

હરિદ્વાર પહોચતા જ બંનેનાં મનમાં વર્ષોનું મનોરથ પૂર્ણ થયાનો આનંદ દેખાતો હતો. નક્કી કર્યા મુજબ સૌ પ્રથમ સાંજની ગંગા આરતી માણવા ઘાટ પર પહોંચી ફૂલોની ટોકરી અને દિવડા બધા લેતા હતા એ પ્રમાણે લીધા અને આરતીને મન ભરીને માણી! ઝગમગતા દિવડા ગંગા નદીમાં તરતા જોઈ જાણે અલગ જ દુનિયામાં પહોચી ગયા. આગળ પગપાળા ચાલતાં ગંદકી જોઈને સાધનાબેનના ગુસ્સાનો પાર ન રહ્યો. અધૂરામાં પુરૂ જ્યાં જુઓ ત્યાં બધે જ ગંદકી, વેફર-બિસ્કિટ નાં પેકેટ, સોડાની ખાલી બોટલો, ડિસ્પોઝેબલ ચાનાં કપ, ડીસ, વાટકી, ચમચી, ગ્લાસ આવી અનેક વસ્તુઓ વેરાયેલ જોઈને બંન્ને હેબતાઈ ગયા! જે જગ્યાએ પવિત્રતાનાં ગાણા ગવાય છે ત્યાં આવી ગંદકી? સાધનાબેન કે જે પોતે એન્વાયરમેન્ટ ડીપાર્ટમેનમાં ઓફિસર તરીકે ફરજ બજાવી ચુક્યા છે તેમણે ગંગા શુદ્ઘિકરણ વિષેનાં અનેક પ્રોજેક્ટ વિષે વાચેલું પણ હાલત આટલી ખરાબ છે તેની તો કલ્પના પણ નહોતી તેમને!

બીજા દિવસે રિષિકેશ તથા અન્ય જગ્યાઓ જોવા માટે ટેક્ષી કરીને નીકળ્યા. વચ્ચે અનેક સુંદર ઘાટ આવતા હતા. હરિદ્વાર-રિષ્િાકેશની સુંદરતા વાતાવરણ પવિત્ર કરી રહી હતી. કઈંક અલગ મળી રહ્યું હતું કુદરત પાસેથી. ત્યાં જ એક ચોખ્ખો ઘાટ આવતા ટેક્ષી રોકીને ઉતર્યા, કેટલી નિર્મળતા, કેટલી ઠંડક હતી આ પાણીમાં! તનમન તરબતર થઈ રહ્યું હતું. બસ આ અલૌકિક જગ્યા છોડીને જવું જ નથી! આ આહ્‌લાદક વાતાવરણ સાથે જાણે પ્રેમ થઈ ગયો! બીજા સ્થળો પણ જોવાના હતા તેથી ટેક્ષીમાં બેસીને ફરીથી નીકળી પડયા. શહેરોની ગીચ વસ્તી અને વાહનોનાં શોરની સરખામણીએ બારી બહારનું દ્રશ્ય સૌમ્ય લાગતું હતું. સાધનાબેનનાં મનમાં ગંદકી અને પર્યાવરણના જતન વિષેનાં વિચારો શરૂ થયા. સુરેશભાઈ સાથે તેમણે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી. સાધનાબેને સુરેશભાઈને કહ્યું, “નદીની પવિત્રતા વિષે આપણા શાસ્ત્રોએ ઘણુંબધું કહ્યું છે; એ પ્રમાણે માન્યતાઓને અનુસરીએ પણ ખરા. ઘરની ચોખ્ખાઈ રાખીએ છીએ તેમ પર્યાવરણની જાળવણી કરવી આપણી ફરજ નથી? જ્યાં જીએ ત્યાં આપણો કચરો તો આપણે ઉપાડતા જ નથી. કાયદાનાં જાણકાર એવા સાધના બહેને ઉમેર્યું, “એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એકટ-૧૯૮૬ અંતર્ગત પર્યાવરણની જાણવણી માટે અનેક પ્રોજેક્ટ બહાર પડયા છે. ગંગા શુદ્ઘિકરણ માટે ૧૯૮૬ થી પ્રોજેક્ટ ચાલે છે. ગંગા એક્શન પ્લાનથી શરૂઆત થઈ છે અને હાલમાં ‘નમામી ગંગે’ તથા ‘ગંગા મંથન’ પ્રોજેક્ટ ચાલે છે. વિશ્વમાં ગંગાને પ્રદુષિત નદીઓમાં છઠ્‌ઠો ક્રમ આપવામાં આવ્યો છે.”

શાંતિથી સાંભળી રહેલા સુરેશભાઈએ પૂછ્‌યું, “આ પ્રદુષણ ફક્ત અહીં આવતા લોકો દ્વારા જ થતું હશે? સાધનાબેન એ જવાબ આપ્યો કે ના. અહીં આવતા લોકો, નદી કિનારે વસતા લોકો કે જેઓ પોતાનું રોજિંદુ કામ નદી દ્વારા જ કરે છે જેમ કે, નહાવું, વાસણ-કપડા ધોવા, પોતાના પ્રાણીઓને નવડાવવા. તેમ જ ગંગાનાં કિનારે આવેલી ફેકટરીઓના કેમિકલ વેસ્ટ દ્વારા પણ પ્રદુષણ વધતું રહે છે. સરકારે દ્ગટ્ઠર્ૈંહટ્ઠઙ્મ ય્ટ્ઠહખ્તટ્ઠ ઇૈદૃીિ મ્ટ્ઠજૈહ છેંર્રિૈંઅ (દ્ગય્ઇમ્છ) દ્વારા ગંગાનાં શુદ્ઘિકરણનો બીડું ઝડપ્યું છે અને તેનાં માટે ફંડ પણ એકઠું થઈ રહ્યું છે. સુરેશભાઈ વચ્ચે જ બોલ્યાઃ “હા. એના માટે તો આપણા પ્રધાનમંત્રીએ તેમનાં સુટની પણ હરાજી કરીને ફંડ એકઠું કર્યું જ ને!” સુરેશભાઈએ સાધનાબેનને પૂછ્‌યું, “આ તો કેવું કે સરકાર ગંદકી સાફ કરે અને આપણે બધા ગંદકી વધારતા રહીએ છીએ, તો એવું તો શું નક્કર કરી શકાય જેનાથી થોડી તો પર્યાવરણ ની જાળવણી થાય?” સાધનાબેને કહ્યું કે આપણે મોટા પાયે કશું જ ન કરી શકીએ તો પણ નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખીને પણ આપણે પર્યાવરણની મદદ કરીને આપણી પોતાની મદદ કરી શકીએઃ

બાળકો પાસે ઘરમાં કે બહાર કચરો હંમેશા કચરા ટોપલીમાં જ નાખવો અને મોટાઓએ પણ પાલન કરવું, બને ત્યાં સુધી ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, નદી-તળાવમાં નહાતી વખતે સાબુ-શેમ્પુનો ઉપયોગ ટાળવો જેનાથી નદીનાં પાણીમાં કેમિકલ્સ ન જાય. સુરેશભાઈએ કહ્યું, “હા. એમ તો વિવિધ ફેક્ટરી ગામની બહાર ખુલ્લી અને મોટી જગ્યાઓમાં સ્થાપવી જોઈયે જેથી પ્રદુષણની અસર ઓછી થાય, ઈલેક્ટ્રીસીટી તથા પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવો જેથી પ્રદુષણ ઘટી શકે તથા દરેક વ્યક્તિએ વૃક્ષો તથા નાનામોટા છોડ ઉગાડવાનું પ્રમાણ વધારવું જોઈએ જેથી શુદ્ધ હવા મળે.”

આપણા બંધારણનાં અનુચ્છેદ-૫૧-એ(જી)માં કહેવાયું છેઃ “પર્યાવરણની એટલે કે જંગલ, તળાવ, નદીઓ, વન્યજીવોની જાળવણી તથા સુધારણા કરવી દરેક નાગરિકની ફરજ છે”. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એકટ અંતર્ગત દરેક જાતનાં પ્રદુષણ સામે લડવાની રૂપરેખા આપવામાં આવી છે. એમ.સી.મેહતા વી. કમલનાથનાં કેસમાં સુપ્રીમકોર્ટે લેન્ડમાર્ક જજમેન્ટ આપીને નેચરલ રીસોર્સીસને નુકશાન પહોંચાડતી વ્યક્તિઓ માટે ‘ર્ઁંન્ન્ેં્‌ઈઇ ઁછરૂજી ઁઇૈંદ્ગઝ્રૈંઁછન્’ આપ્યો અને મોટા પ્રમાણમાં દંડ કરીને એવું સ્થાપિત કર્યું કે પર્યાવરણને નુકશાન કરનારને ચુકવવું પડશે. નાની બાબતનાં ચિંતનથી આપણે પર્યાવરણની જાળવણી કરી શકીએ છીએ; જે આપણી ફરજ પણ છે. સાધનાબેન તથા સુરેશભાઈએ પર્યાવરણ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી અને જાણવણી અંગેનાં ઉપાયોની ચર્ચા કરતે સુખરૂપ યાત્રા કરી.

શ્લોકા પંડિત. અમદાવાદ.

સૂર, શબ્દને સથવારે..

સૌમ્યા જોષી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્ઘજટ્ઠેદ્બઅટ્ઠ૭૬૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સૂર, શબ્દને સથવારે..

ઘડિયાળના કાંટે યંત્રવત જીવાતી આજની દોડધામભરી જિંદગીમાં આપણને ફૂરસદના સમયે, શહેરના ઘોંઘાટભર્યા વાતાવરણથી દૂર કોઈ શાંત, રમણીય કુદરતી સ્થળે પહોંચી જવાનું મન થાય. જ્યાં હરિયાળા વૃક્ષોથી લહેરાતા જંગલમાં, એક તરફ બે હાથ ફેલાવીને આવકારવા તત્પર ઊંભા હોય એવા પર્વતોની હારમાળા હોય તો બીજી તરફ ફૂલપાન અને હરિયાળીથી લચી પડતી ખીણ જોનારની આંખને ઠારતી હોય. એક તરફ બર્ફીલી ઠંડક ભર્યું ધુમ્મસ ચોમેર વીંટળાઈ વળતું હોય તો બીજી તરફ આ ખુશનુમા વાતાવરણમાં વહેતો ઠંડો મીઠો પવન ગાલને સ્પર્શીને હ્ય્દયમાં અનેરૂં સ્પંદન જગાવી જતો હોય! ક્યાંક સાફ સ્વચ્છ નીલ આકાશ તો ક્યાંક સફેદ રૂના પોલ જેવા વાદળોથી આચ્છાદિત આકાશમાં રચાતી અવનવી ભાત, આખાયે વાતાવરણના ખુશનુમા મિજાજને સુંદર રીતે અભિવ્યક્ત કરતી હોય. પક્ષીઓનો મીઠો કલશોર આખાયે વાતાવરણને સંગીતના સૂરોથી સજાવી દેતો હોય. ચોતરફ છવાયેલી વનરાઈ અને આપમેળે ફૂટી નીકળેલા ઝાડી ઝાંખરા પર કુદરતે કરેલા ભરતકામની જીવતી જાગતી તસવીર જેવા રંગબેરંગી વગડાઉ ફૂલોની મહેકથી આખુંયે વાતાવરણ પુલકિત થઈ ઊંઠ્‌યું હોય. એક તરફ, પ્રિયતમને મળીને આનંદ ઉલ્લાસથી ઘેર પાછી ફરતી કો’ અલ્લડ યૌવના જેવી ખળખળ વહેતી નદીનો શુભ્ર પ્રવાહ દિલના તારને છેડી જતો હોય. તો બીજી તરફ ક્યાંક કોઈ ટેકરી પરથી કોઈ ભરવાડ પોતાના ઘેટા બકરાના ઝૂંડને લઈને ખભે લાકડી નાખીને પોતાની મોજમાં કોઈ ગીત ગણગણતા ઢાળ ઊંતરતો આવી રહ્યો હોય તો ક્યાંક હારબંધ જી રહેલી ગીત ગાતી પનિહારીઓની, પાણીના બેડલા સાથેની લયબદ્ધ ચાલ વાતાવરણમાં જીવંતતા ભરી દેતી હોય. આવા મનોરમ સ્થળે થોડો સમય વિતાવવા મળે તો જાણે કેટલાયે દિવસો થાક એકસામટો ઊંતરી જાય!

જરા કલ્પના કરો કે તમે તમારા ઘરની અંદર જ બેઠા હો અને મનથી તમને અદ્દલ આવી જ પ્રસન્નતાભરી અનુભૂતિ કરવાનું મન થાય તો? તો હાજર છે ૧૯૫૮માં રજૂ થયેલી ફિલ્મ ’મધુમતી’નું આ સદાબહાર ગીત... જરા એક નજર ગીતના શબ્દો પર..

"સુહાના સફર ઔર યે મૌસમ હંસી.

હમેં ડર હૈ હમ ખો ન જાયેં કહીં.

યે કૌન હંસતા હૈ ફૂલોંમેં છૂપકર?

બહાર બૈચેન હૈ કિસકી ધૂન પર?

કહીં ગુનગુન, કહીં રૂનઝુન

કે જૈસે નાચે જમીં......

યે ગોરી નદીયોં કા ચલના ઊંછલકર,

કે જૈસે અલ્હડ ચલે પી સે મિલકર.

પ્યારે પ્યારે યે નઝારે

નિસાર હૈ હર કહીં.....

વોહ આસમાં ઝૂક રહા હૈ જમીં પર.

યે મિલન હમને દેખા યહીં પર.

મેરી દુનિયા મેરે સપને

મિલેંગે શાયદ યહીં....."

બંધ આંખે પણ આખું ગીત સાંભળો તો એ અનુભૂતિ થયા વિના ન રહે કે કેટલી સહજતાથી અત્યંત સરળ શબ્દોમાં ગીતકાર શૈલેન્દ્ર પોતાની કલમરૂપી જાદૂઈ છડી ફેરવીને એક મનોહર દ્રશ્ય નજર સમક્ષ ખડું કરી દે છે. કવિતાના ચાહકોને આ ગીત સાંભળીને કવિશ્રી જયન્ત પાઠકની કવિતા યાદ આવ્યા વિના ન રહે!

"અજબ મિલાવટ કરી

ચિતારે રંગ પ્યાલીઓ ભરી!

એક લસરકે ઊંગી નીકળ્યાં

જંગલ જંગલ ઝાડ ;

ટપકે ટપકે ફૂટી નીકળ્યા

ધરતીપટથી પ્હાડ !

ઘટ્ટ નીલિમા નરી.

ચિતારે રંગ પ્યાલીઓ ભરીપ.

જરાક ખંખેરી પીંછી ત્યાં

ફૂલને લાગી છાંટ ;

ફૂંક મારતાં ફેલાયા શા

સાગર સાત અફાટ !

જલરંગે જલપરી !

ચિતારે રંગપ્યાલીઓ ભરીપ.

લૂછતા વાદળ પોતે ઉઘડયા

ઈન્દ્રધનુના રંગ ;

રંગરંગમાં લીલા નિજની

નીરખે થઈને દંગ !

ચીતરે ફરી ફરી !

ચિતારે રંગ પ્યાલીઓ ભરીપ."

એક ચિત્રકારની દ્રષ્ટિએ પ્રકૃતિના સૌંદર્યને નજાકતભર્યા શબ્દોમાં ઢાળીને બંને કવિએ તો કમાલ કરી જ છે, પરંતું જે સુંદરતાથી ફિલ્મ ’મધુમતી’ના ગીતનું ચિત્રીકરણ થયું છે તે સાચે જ લાજવાબ છે! આજે પણ જોનારને અભિભૂત કરી દે તેવી, રહસ્ય અને પુનઃર્જન્મના કથાનક પર રચાયેલી આ ફિલ્મમાં સલિલ ચૌધરીના સંગીતકૌશલ્યની એક વિશિષ્ટ ઝલક ઊંભરે છે. ક્યારેક યુ ટ્‌યૂબ પર શાંતિથી આ ગીત જોવાનો મોકો મળે તો ચૂકતા નહીં. બિમલ દાના નિર્દેશનની ખૂબી, શૈલેન્દ્રના કલ્પન અને સલિલદાના સંગીતના ત્રિવેણી સંગમ સાથે અભિનય સમ્રાટ દિલીપકુમારના સરળ, સહજ અભિનયનો સુભગ સમન્વય જાણે સોને પે સુહાગા!

આમ તો, દિલીપકુમાર પર ફિલ્માવાયેલા ગીતો માટે તલત મહેમૂદ બાદ મોહમ્મદ રફી જ પોતાનો કંઠ આપતા હતા. વર્ષો બાદ મુકેશે દિલીપકુમાર માટે ગાયેલું આ સુમધુર ગીત એક ઈતિહાસ સર્જી ગયું.

સૌમ્યા જોષી. રાજકોટ.

સૂક્ષ્મ વાત

દર્શના સુરજ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ઙ્ઘટ્ઠજિરહટ્ઠ.જેટ્ઠિદ્ઘજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વૃક્ષની અવગતિ

વૃક્ષ રાજાની મૃત્યુ થઈ. કોઈ તર્પણ વિધિ કામ લાગી નહીં. એમની આત્મા અવગતે ગઈ. નાનાભાઈ છોડવાઓએ પંડિતને ઉપાય પુછ્‌યો. જ્યોતિષીઓનાં મહારાજે કહ્યું કે એમનું અપમૃત્યુ થયુ છે, વિધિ કરાવવી પડશે. સવારે પિપળે પાણી રેડજો; અમુક મંત્રો અને દાન-દક્ષિણા તથા વિધિઓ લખી આપી. વિધિવિધાન પતાવી સવારે જોયુ તો પીપળો ગાયબ! ત્યાં ખુબ જ ઘોંઘાટ; કોલાહલ અને વિલાપ સાંભળીને યમરાજ દોડી આવ્યા.

બધી આત્માઓને રૂદન કરતા જોઈ યમરાજે ચિત્રાગુપ્તને કહ્યું, "આ બધી આત્માઓ અહીં કેમ છે? એનો ઝટ નિકાલ કરો." "એ શક્ય નથી પ્રભુ. શરીરનો સ્ટૉક ખલાસ છે. રિયલ ઍસટેટનો ભાવ આસમાને છે. રૂ. ૫૦ કરોડ સ્કૉયર ફીટના ભાવમાં પણ કાઈ જ અવેલબલ નથી. અને વૃક્ષ પણ લુપ્ત થઈ ગયા છે." ચિત્રગુપ્તજીએ મજબૂરી દર્યાવી.

એવામાં એક જીવ આજીજી કરતા બોલ્યો, "હું રાજા છું પ્રભુ, મારી આખી દૌલત લઈ લો પણ લટકવાને એક ડાળ આપો."

"અરે આ જુઓ આ એક મહાત્માનો જીવ છે. થોડાક જ સમય માટે એને લીઝ પર જોઈએ છે, પણ ક્યાંથી લાવું ડાળ?" જે એક પીપળો બચ્યો હતો એ પણ આ આત્માઓના બોજથી નષ્ટ થઈ ગયો.

હરોળમાંથી આગળ આવીને એક જર્જરીત ડાળખીઓવાળી આત્મા બોલી, "પ્રભુ! હું તે જ વૃક્ષની આત્મા છું.. જીવતા મેં આટલા બધાને આશ્રય દીધો. હવે મારી મદદ કરો."

ત્યાંજ એક મનુષ્યની આત્મા વચ્ચે બોલી, ’પ્રભુ કઈં લઈ-દઈને બંદોબસ્ત કરો ને. આ છેલ્લું ઝાડ હતું. હવે અમે ક્યાં લટકીશું? પ્રભુ આ બધુ પ્રકૃતિ ના કારણે છે. એ વારે ઘડીયે વિફરે છે. ક્યારેક ધરતીકંપ, તો ક્યારેક પૂર, તો ક્યારેક દુકાળ."

પ્રકૃતિ આજકાલ સહપરિવાર આન્દોલન પર ઉતરી આવી છે. કુદારતને ખોળે આપણો જનમ થયો છે એ આ સમગ્ર સૃષ્ટિની જનની છે ત્યારે પ્રશ્ન એ ઉઠે કે શું માતા ‘કુમાતા’ થાય? માણસ ‘મા’નું ધાવણ લઈ વેચવા નીકળે ત્યારે એની પાસે કોઈ વિકલ્પ રહે ખરો? કર્મના લેખ કોઈથી નથી ભૂંસાયા. પ્રક્રતિ જ્યારે વિફરે પછી આડે રસ્તે ગયેલા બાળકને સત્માર્ગે વાળવા એ ‘મા’ નું રૂપ ધરે છે.

આ ધરતીકંપ, દુકાળ, અતિવૃષ્ટિ, શિતલહેર માનવને પાઠ ભણાવવાનો પ્રક્રતિનો પોતનો રસ્તો છે. પોતના વિકાસના રસ્તે જતો માનવ કુદરતનો વિનાશ કરી રહ્યો છે. એકમેક પર નિર્ભર જીવ-જતુંનું સંતુલન વધતી જતી માનવ વસ્તીથી બગડી ગયું છે. આ સૃષ્ટિના તમામ કણમાં વિચરતી, બધાની જનની એના બાળકોનું સંરક્ષણ ચાહે એમ ખોટું શું છે? પોતાનું જ ભરણપોષણ કરનાર જળ, વાયુ અને વનનું સ્વાર્થી માનવે ખુન કર્યુ છે. એક બાળકના વિકાસ માટે બાકીનાનું ખુન? કઈ ‘મા’ જોઈ શકે? મનુષ્યને એનું કર્મ જ પોહોંચી રહ્યું છે. જેવુ વણો એવુ લણો.. પણ જો વણો જ નહીં તો??શું આપશે એ એની આવતી પેઢીને? શું એનું ભાવિ એને માફ કરશે? માટે જ આજે પ્રક્રતિ ‘મા’ ચંડિ સ્વરૂપ લઈ મનુષ્યને એટલે કે પનોતા પુત્રને સદમાર્ગે વાળવાની કોશિશ કરી રહી છે. પ્રકૃતિથી બોલ્યા વિના ન રહેવાયું. એણે આગળ કહ્યું, "મનુષ્ય તું જીવતો હતો ત્યારે મેં તને બધી જે મદદ કરી. મારા પુત્રો જળ-વાયુ-વન બધાનો વિકાસમાં વિનાશ કરી દીધો. બધાને પ્રદુષિત કરીને હવે દોષ અમારે માથે નાખે છે? આ વૃક્ષ્ર રાજા તને શું નથી આપ્યું? પારણાંથી સ્મશાન સુધી તારી સાથે રહ્યું છે! ફળ-ફુલ, પાંદડા, લાકડું અને શ્વાસ લેવા માટે ઑક્સિજન આપ્યું. મર્યા પછી તારી આત્માને લટકવા ડાળ આપી. હવે ખુદ બિચારો શરીર શોધે છે."

પ્રકૃતિની હૈયા વરાળ સાંભળી વૃક્ષે સૂર પૂરાવ્યો. વૃક્ષઃ "હા પ્રભુ! કોઈ નાની કૂંપળ બનીને ફરી મારા ભાઈઓની મદદ લઈ; વટવૃક્ષ થઈ બધાની સેવા કરવાની લાલસા છે. પણ હાય રે માનવ! હવે કોઈ જ આશા નથી રહી."

ત્યાંજ એક નાની છોકરીનો મધુર અવાજ ટહુક્યો.. "મમ્મી મમ્મી આ જો. મને કાઈ હીરા જેવુ મળ્યુ." હથેળીમાં દાણો લઈ વિસ્ફારક આંખે બોલી, "અરે વાહ! આ તો ધાન નો દાણો. સાચે જ હીરો! આને વાવીને આપડે વૃક્ષ કરીશું તો આપડે સાચે કરોડપતિ થઈશું." આ સાંભળી ત્વરિત વૃક્ષ્ર રાજાની આત્મા અવાજની દિશામાં દોડી પણ ત્યાં તો પેહલેથી જ લાંબી કતાર હતી, બીજા વૃક્ષ-આત્માઓની.

દર્શના સુરજ. મુંબઈ.