Raja Vikram ane purv janm in Gujarati Moral Stories by Ashvin M Chauhan books and stories PDF | રાજા વિક્રમ અને પુર્વ જન્મ

રાજા વિક્રમ અને પુર્વ જન્મ

 • રાજા વિક્રમ અને પુર્વ જન્મ
 • એક સમય ની વાત છે. જયારે રાજા વિક્રમ ઉજ્જૈનમાં રાજ કરતાં હતાં. રાજા વિક્રમ ભારતવર્ષ નાં એક માત્ર એવાં રાજા હતાં કે જેને આપણે દેવાંશી રાજા કહી શકીએ. રાજા વિક્રમ નાં નામ પ્રમાણે તેમનામાં વિશાળતા, પરદુખભંજનહાર જેવા અનેક ગુણો હતાં.

  એક વાર રાજા વિક્રમ પોતાના રસાલાં સાથે જંગલમાં હરણ નો શિકાર કરવા ગયાં. એક હરણ જોવામાં આવતાં તેમણે તેમનો ઘોડા ને તેની પાછળ દોડાવી મુક્યો પણ હરણ તો હરણ કહેવાય ને! રાજા વિક્રમ ને થાપ ખવડાવી ને આબાદ છટકી ગયું. પણ રાજા વિક્રમ જે ધારે તે કરી ને જ થંભે એટલે હરણને પકડવાં રાજા એવું ભાન ભૂલી ગયાં હતાં કે સમયનું તેમજ સાથે ના સિપાઈઓ નું ધ્યાન રહયું નહીં જયારે થાકીને એક જગ્યાએ ઘોડા પર થી નીચે ઉતર્યા ત્યારે લગભગ સૂયઁ દેવ પોતાના અંતિમ કિરણો ધરતી પર રેલાંવતા હતાં. અને પોતે ઘણાં બધાં દુર નીકળી ગયાં હતાં.

  સિપાઈઓ થાકીને નગરમાં પાછાં ચાલ્યાં ગયાં હતાં પરંતુ દિવસ આથમી ગયો હતો તેથી રાજા વિક્રમ જંગલમાં જ્યાં હતાં ત્યાં જ રાતવાસો કરવાનું નક્કી કર્યું અને આજુબાજુ માં એક સારી જગ્યા શોધવા લાગ્યા સુંદર જગ્યા શોધતાં-શોધતાં એક સુંદર મજાનું સરોવર જોવામાં આવતાં ત્યાં સ્વચ્છ જગ્યાએ રાજા વિક્રમ આરામ કરવાં લાગ્યા, પરંતુ ઉંઘ આવી નહીં. તે ઉભાં થઈને ત્યાં આજુબાજુ માં લટાર મારવા લાગ્યા તો કાંઠા પરથી કરુણા અવાજ સંભળાયો, ત્યાં કોણ છે, તે જાણવાં વિક્રમ રાજા ગયાં તો ત્યાં એક દુર્બળ માનવી બેઠો હતો. તે વારંવાર ચિત્કાર કરી રહ્યો હતો.

  વિક્રમ રાજા એ તેની પાસે પહોંચી પૂછ્યું, ”અરે માનવી! તું આ જંગલમાં ક્યાંથી અને તને એવું શું દુખ પડયું કે તું વારંવાર ચિત્કાર કરી રહ્યો છે? તારું દુખ મારાં થી જોવાતુંનથી તું મને કહે, મારાથી બનશે તો હું જરૂર તારું દુખ દુર કરવા મદદરૂપ થઈશ”.

  પેલા એ ગુસ્સાથી કહ્યું કે, ” મારું દુખ માત્રને માત્ર ઉજ્જૈનના રાજા વિક્રમ જ દુર કરી શકે તેમ છે. તમારું એ કામ નથી”.

  વિક્રમ રાજા એ પોતાની ઓળખાણ આપી એટલે પેલા માણસે કંઈક રાહતનો શ્વાસ લીધો અને પોતાની વિતક કથા કહેવાનું શરૂ કર્યું.

  “હે રાજા વિક્રમ! હું કોઈ સાધારણ મનુષ્ય નથી પરંતુ સિંહલગઢ ના રાજા અશ્વિનસેન નો પુત્ર છું. મારું નામ અજિતસેન “.

  એક દિવસ મેં કથામાં સાંભળ્યું કે જે કોઈ અડસઠ તીરથ ની જાત્રા કરે તે પરમાત્મા શ્રી હરિ નાં પરમ ધામ વૈકુંઠ ને પામે છે.

  મને તે અમુલ્ય લાભ લેવાનું મન થયુંબીજે જ દિવસે હું મારા ઘોડા પર બેસીને જાત્રા કરવા માટે નીકળી ગયો. આ શુભ દિવસ આસો માસ નો સુદ આઠમ નો હતો. મારો ઘોડો પુરપાટ ઝડપે દોડતો આ સરોવર આગળ આવ્યો એટલે હું મારી તરસ છીપાવવા માટે ઘોડા પર થી નીચે ઉતાર્યો. ધીમે ધીમે હું સરોવર નાં પાણીમાં આગળ વધવાં માંડ્યો તો મારી નજર સામે એક ચમત્કાર થયો અને પાણીની સપાટી પર એક સપ્તરંગી મોટી પાંખડીઓ ધરાવતું સુંદર મજાનું એક કમળ ઉપસી આવ્યું. તે લેવા માટે હું લલચાયો અને તેને પકડવા જેવો મેં હાથ લંબાવ્યો કે કમળ પાણીમાં ગરકાવ થઇ ગ્યું. મને તો કમળ લેવાની તાલાવેલી હતી એટલે હું આ સરોવર નાંકાંઠે જ રોકાઈ રહયો, પરંતુ ફરીવાર તે અમુલ્ય કમળ સરોવર માં ઉપરના ભાગમાં દેખાયું નહીં.

  આમને આમ પૂરો એક મહિનો પસાર થઈ ગયો અને કારતક સુદ આઠમ નો દિવસ આવ્યો ને મેં સરોવર માં નજર કરી તો સપ્તરંગી કમળ સપાટી પર જોયું પણ તેને પકડવા પ્રયત્ન કર્યો તો તે સપ્તરંગી કમળ પાણીમાં ગરકાવ થઈ ગયું.

  મેં તો એ કમળ ને લઈને જ આગળ વધવાનો નિશ્ચય કર્યો હતો એટલે હું અહીં સરોવર નાં કાંઠે જ રોકાઈ રહયો. એટલું જોયું કે તે સપ્તરંગી કમળ માત્ર સુદ આઠમ નાં દિવસે જ સરોવર માં દેખાતું હતું પરંતુ મારા હાથમાં આવતું નહીં. તે કમળ કયારેક તો મારા હાથમાં આવશે જ એજ આશા સાથે હું અહીં અડીંગો જમાવી બેઠો છું.

  ફળો પર જ પએટ ભરુ છું અને કશું નથી મળતું તો ભુખ્યા રહેવું પડે છે અને દિવસો પસાર થતા રહે છે. આથી હું દુર્બળ બની ગયો છું. હે વિક્રમ રાજા તમે મને એ કમળ લાવી આપો તો ખરા.

  વિક્રમ રાજા એ અજિતસેન ને આશ્વાસન આપ્યું અને પોતે પણ ત્યાંજ રોકાઈ રહયા. જયારે ફરીવાર સુદ આઠમ નો દિવસ આવ્યો ત્યારે સરોવર ની સપાટી પર સપ્તરંગી કમળ દેખાયું. તેને લેવા જેવો રાજા વિક્રમે હાથ લંબાવ્યો કે કમળ પાણીમાં ગરકાવ થઇ ગ્યું. વિક્રમ રાજા ને આ થવાં પાછળ કંઈક રહસ્યમય વાત લાગી આથી તેમણે સહાય માટે દેવી હરસિધ્ધ માતાનું સ્મરણ કર્યું તો માતાએ અદ્રશ્યપણે કહ્યું, ” હે રાજા વિક્રમ આ સરોવર માં કુદી પડ ત્યાં જ તેનુ રહસ્ય જાણવા મળશે”.

  રાજા વિક્રમે તો પાણીમાં ઝંપલાવ્યું અને પાણીમાં નીચે ઊતરતાં ઊતરતાં તે પાતાળ માં પહોંચી ગયા હતા અને આંખો ઉઘાડી ને જોયું તો પાતાળલોક માં એક સુશોભિત સુંદર મજાનું એક ભવ્ય મહેલ દેખાયો તેની ચારેબાજુ સુંદર બાગ હતો. બાગમાં એક સરોવર હતું. તેમાં સપ્તરંગી કમળ શોભી રહ્યા હતા.

  વિક્રમ રાજા તે સરોવર માં ઉતર્યા અને પેલા કમળ પાસે જવા લાગ્યા ત્યારે મહેલ માંથી બે સુંદરીઓ સરોવર પાસે દોડી આવી ચોર… ચોર એવી બુમો પાડવા લાગી. એ સાંભળીને આસપાસ માંથી ચોકિદારો દોડી આવ્યા તે વખતે વિક્રમ રાજા સરોવર માંથી બહાર આવ્યા ને ચોકીદારો તેમને પકડવા આવ્યા ત્યાં વિક્રમ રાજા એ માતાનું સ્મરણ કરી ચોકીદારો સાથે લડવા માંડ્યું. તેમાં ઘણા ચોકીદારો ઘવાયા સહાય માટે ચોકીદારો નો આગેવાન જઈને માતા ચામુંડા ને ત્યાં તેડી લાવ્યો પણ વિક્રમ રાજા નો પ્રભાવ જોઈને ચામુંડા માતા ઠંડા થઈ ગયાં. તેમણે વિક્રમ રાજા કોણ છે તે વિષે પુછતાછ કરી તો વિક્રમ રાજા એ પોતાની ઓળખાણ આપી ને કહ્યું, ”હે ચામુંડા માતા!હું હંમેશાં ભલાઈ નાં જ કાર્ય કરુ છું. અહીં પણ હું પારકાં નું દુખ દુર કરવાં જોખમ ખેડી ને આવ્યો છું અહીંયા સરોવર માં જે અદ્ભુત સપ્તરંગી કમળ દેખાય છે તે દર મહિનાની સુદ આઠમ નાં દિવસે જ ઉપરના ભાગમાં આવેલા સરોવર માં દેખાય છે. તેને લેવા એક માનવી આઠ મહિના થી સરોવર ને કિનારે રાહ જોઈ રહ્યો છે. તેણે પોતાના પ્રાણ નાં ભોગે પણ કમળ મેળવવા નો નિશ્ચય કર્યો છે અને તેથી તે અત્યંત દુખી દુખી થઈ રહ્યો છે. તે એટલો બધો દુર્બળ બની ગયો છે કે તેનાં હાડકાં પણ જોઈ શકાય છે તેનું દુખ મારાં થી ન જોવાયું એટલે મેં તેને આ સપ્તરંગી કમળ લાવી આપવાનું વચન આપ્યું છે. હે માં મારા પર મહેરબાની કરો તો આપની મોટી કૃપા કરી કહેવાશે!.

  ચામુંડા માતા ને આનંદ થયો કારણકે માતા ને રાજા વિક્રમ નું જ કામ હતું. તેઓ વિક્રમ રાજા ને કહેવા લાગ્યા, ” હે વિક્રમ રાજા તમે જ પરદુખભંજન છો તે બહુ હરખ ની વાત છે. હું ઘણાં દિવસ થી તમને સંભારુ છું. એનું કારણ એ છે કે એક વખત નવરાત્રિ નાં દિવસોમાં હું કૈલાસ પર્વત પર પાર્વતીજી નેમળવા ગઇ હતી, તે વખતે રસ્તામાં મેં એક સ્ત્રીને એક બાળકી સાથે સુતેલી જોઈ તો તે બાળકી ની માતા મૃત્યુ પામેલી હતી. માં વગરની છોકરી નું કોણ બેલી? મને દયા આવવાથી હું એ બાળકી ને માં પાર્વતી પાસે લઈ ગઈ અને પાર્વતીજી ને રાખવા વિનંતી કરી તો પાર્વતજી એ કહ્યું, ” આ બાળકી તારે ત્યાં રહેશે તો તેનો ઉદ્ધાર થશે.

  જયારે તે સોળ વર્ષ ની પરણવા યોગ્ય થાય ત્યારે ઉજ્જૈન નગરીના રાજા વિક્રમ તને અચાનક મળશે અને તેજ છોકરી નાં લગ્ન ની ચિંતા દુર કરી આપશે”.

  ચામુંડા માતા એ કન્યા ને બોલાવી ને કહ્યું કે આ રાજા વિક્રમ સાથે તું લગ્ન કરી લેવાની વિનંતી કરી ત્યાં તો કન્યા કહેવા લાગી, ”હે વિક્રમ રાજા! મને મારાં આગલાં ભવનાં પતિ મળી આવે તો તેની સાથે મારે પરણવું છે. તેને જોઈને હું ઓળખી શકીશ, કારણ કે મને મારાં આગલા જન્મ નું સ્મરણ છે!

  વિક્રમ રાજા ને તેમના આગલા જન્મ ની કથા સંભળાવી આથી વિક્રમ રાજા એ તેમની ઇચ્છા પુરી કરવાનુ વચન આપ્યું.

  ચામુંડા માતા એ તુરતજ સરોવર માં થી એક અદ્ભુત સપ્તરંગી કમળ લાવી ને વિક્રમ રાજા ને આપ્યું , પછી એક હાથી પર કન્યા અને રાજા વિક્રમ ને વિદાય આપી એટલે હાથી પળવારમાં તેમને ઉપરના ભાગમાં આવેલા સરોવર માં પહોચાડી દીધાં.

  ત્યાં પેલો દુર્બળ માનવી અજિતસેન સપ્તરંગી કમળ આવવાની રાહ જોઈ બેઠો હતો. તે વિક્રમ રાજા ની સાથે દેવાંશી કન્યા ને જોઈ ને મનમાં પસ્તાવો કરવાં લાગ્યો કે હું જો સરોવર માં કૂદી પડ્યો હોતતો મને આ કન્યા અને વૈભવ મળત, તેણે પોતાનો વિચાર રાજા વિક્રમ ને જણાવ્યો એટલે રાજા વિક્રમ એ કહ્યું, ”અજિતસેન! આ કન્યા કંઈ મારી સાથે પરણી ને નથી લાવ્યો, કે હું તેનાં પર મોહ પામી તેને ઉઠાવીને લાવ્યો નથી એને માટે પુર્વ જન્મ નો પતિ શોધવાનો છે. જો તે મળી આવશે તો તેની સાથે તે લગ્ન કરશે”.

  વિક્રમ રાજા એ કન્યાને કહ્યું, ”આ માનવી ને તું થોડાંક સવાલ પુછ, જો તે તારાં પુર્વ જન્મ નો પતિ હશે તો ફટાફટ જવાબો આપશે. કન્યા નાં બે સવાલ સાંભળીને જ જાણે સમયનું ચક્ર પાછળ નો ભવ દેખાડવા માંડ્યું હોય તેમ અજિતસેન ને પુર્વ જન્મ નાં દિવસો ની યાદ આવી ગઈ અને તેણે પોતાનો સર્વ વૃતાંત કન્યાને સંભળાવ્યો એટલે કન્યાને ખાતરી થઈ ગઈ કે આજ મારાં પુર્વ જન્મ નાં પતિ છે.

  બન્ને પુર્વ જન્મ માં પતિ -પત્ની હતાં તે નક્કી થતાં વિક્રમ રાજા એ બન્ને ને પોતાની ઉજ્જૈન નગરીમાં પોતાના મહેલમાં લઈ ગયાં અને ઘણી જ ધામ-ધૂમ થી અજિતસેન નાં લગ્ન તે કન્યા સાથે કરી દીધાં.

  આથી લખવાનું મન થાય કે,

  “વિક્રમ નાં શુભ કાર્ય માં, સહાય કરી માં હરસિધ્ધ એ,

  પુર્વ જન્મ નાં પ્રેમ ને મિલન થયું આજ ,

  “ધન્ય ધન્ય વિક્રમ રાજ".

  રાજા વિક્રમ ની યાદ આજે પણ ,

  વિક્રમ સંવત નાં નામે

  વિક્રમ સં. - ૨૦૭૩-૨૦૭૪