Veervikram ane kamdhenu books and stories free download online pdf in Gujarati

વિરવિક્રમ અને કામધેનુ

વિર વિક્રમ અને કામધેનુ

હે પરકાજ કરતો કર્મ, સત્ય ત્યાગ ની ભાવના

એવો વિર વિક્રમ નો સદા, થાશે જગતમાં જયકાર”

એક દિવસ રાજા વિરવિક્રમ ના રાજસભામાં એક વૃદ્ધ રાજગોર આવીને વિર વિક્રમ પાસે કાશી માં જવાની રજા માંગી. રાજા એ તે માટે ખુશી દર્શાવી અને તેના ખર્ચ માટે ઘણી બધી સોનામહોરો દાનમાં આપી. રાજગોરે રાજા નો આભાર માની જતાં જતાં કહ્યું, “હે રાજા વિર વિક્રમ!આપ તો પરદુખભંજનહાર અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ને જાણનાર છો, તો પણ કયારેય ગાય, બ્રાહ્મણ, પીપળો અને તુલસી ને કયારેય ભૂલશો નહીં. તેમનું દિન-પ્રતિદિન મહત્વ વધારજો”.

બ્રાહ્મણ, તુલસી, પીપળો, ગાય ને ગંગ એ ચાર

કયારેય ન ભૂલતો, હે રાજા વિર વિક્રમ રાય.

રાજગોર ની વિનંતી ને માન આપીને વિક્રમ રાજા એ રાજ્ય નાં બધાં જ સીમાડા માં ઘણાં બધા પીપળા ના વૃક્ષો રોપાવ્યા, ઠેર-ઠેર તુલસી નાં વન ઉભાં કરાવ્યા. બધી જ જગ્યાએ પાણીની પરબો બંધાવી અને રાજયભરમાં ગૌશાળા-પાંજરાપોળ સ્થાપી. રઝળતી ગાયો નું પાલન કરવા માંડ્યું આથી મુંગા પશુઓ અને પંખીને ખૂબ જ રાહત થઈ ગઈ.

રાજા નાં કલ્યાણકારી કર્મો ને પ્રજા ને બિરદાવ્યા. ત્યારથી પ્રજા માં ગૌપૂજન, તુલસી પૂજન અને પીપળા ના વૃક્ષનો મહિમા વધી ગયો.

એક દિવસ મહાદેવ ના વ્રત નિમિત્તે રાજા એ અસંખ્ય બ્રાહ્મણો ને શુધ્ધ ઘી ના લાડુ જમાડયાં અને ખૂબ જ દક્ષિણા આપી. જયારે રાજા પોતાના મહેલમાં જતાં હતાં ત્યારે ક્ષિપ્રા નદીના કિનારે એક ગાય ને દુખના ચિત્કાર કરતી, બરાડતી સાંભળી. રાજા ને તેની પ્રત્યે કરુણા ની લાગણી થઈ. નજીકમાં જઈને જોયું તો નદીના કિનારે કાદવમાં ગાય ખૂંપી ગઈ હતી. રાજા ને મુંઝવણ થઇ કે એકલે હાથે ગાય ને કાદવ માંથી બહાર કાઢવી કઈ રીતે?છતાં તેણે હિંમત કરી દોરડાં ના ગાળિયા વડે ગાય ને ખેંચવાનો પ્રયત્ન કર્યો.

રાજા વિર વિક્રમ એકલા ગાય ને કાઢવામાં ન ફાવ્યા. એવામાં થોડાંક ભરવાડ ત્યાં આવ્યાં. તેઓની મદદથી ગાય ને કાદવમાંથી બહાર કાઢી, ગાય નાનકડી ગમી જાય તેવી હતી. તેને મહેલે લઈ જઈને રાજા એ ગરમ પાણી થી તેના શરીરને ધોયું અને પોતાના રેશમી વસ્ત્ર વડે લુછયું. ત્યારપછી ગાય ને ખવડાવી પીવડાવી રેશમી વસ્ત્ર ઓઢાડ્યું અને કિંમતી આભુષણો પહેરાવી શણગારી દીધી.

રાજા વિર વિક્રમ રોજ આ પ્રમાણે ગૌસેવા કરવા લાગ્યા. રાજા ની આ સેવા ના ત્રણેય લોકમાં પડઘા પડ્યા. અને તેમની સેવાના ઇન્દ્ર ની સભા માં વખાણ દેવો કરવા લાગ્યા. પરંતુ ઇન્દ્ર રાજા ને વિશ્વાસ ન પડ્યો તેથી તેણે સ્વર્ગ ની કામધેનુ ગાય ને આદેશ આપ્યો, ”હે કામધેનુ, હાલમાં મૃત્યુલોક માં વિર વિક્રમ નામના રાજા ના ગૌસેવા ના વખાણ થાય છે તો તમે તેની પાસે જઇને તેનું દાનીપણું મૂકાવો અને તે ભલાઈ નાં કામો પુરા ન કરી શકે તેવો શ્રાપ આપજો".

કામધેનુ ગાય મૃત્યુ લોકમાં ઉજ્જૈન નગરી બહાર આવેલાં તળાવ આગળ આવીને સિંહ નું સ્વરૂપ ધારણ કર્યું અને તળાવ ના કિનારે ફરવા લાગી. એવામાં રાજા વિર વિક્રમ ની પેલી સોહામણી ગાય પણ તળાવ આગળ ચરવા આવી. સિંહ સ્વરૂપે રહેલી કામધેનુ ગાય વિર વિક્રમ ની ગાય ને ઓળખી ગઈ અને તેને મારવા દોડે તે પહેલાં નાનકડી ગાય કરગરી ને કહેવા લાગી, ”મને મારશો નહીં. વિર વિક્રમ મને નહીં જુએ તો ખૂબ જ કલ્પાંત કરશે. વળી તેનો રાજકુંવર પણ મારી વિના દુખી થશે માટે એકવાર મને તેઓની પાસે જવા દો. થોડી વારમાં તમારાં ભોજન માટે હું અહીં આવી પહોંચીશ.

ગાય ને નીકળ્યે ઘણી વાર થઈ હતી એટલે તેની શોધ માં નીકળેલા રાજા વિર વિક્રમ અચાનક તળાવ પાસે આવ્યા. જોયું તો એક સિંહ ગાય ઉપર હુમલો કરવાની તૈયારી માં હતો. રાજા એ સિંહ પર ગુસ્સે થઈ ને કહ્યું, ”હે સિંહ !તું મોટા વનનો રાજા થઈને ગરીબ ગાય ને મારવા આવ્યો?તને શરમ નથી આવતી?તને બહુ જ ભૂખ લાગી હોય તો મને ખાઇ જા.

સિંહ કહ્યું, ”મેં તમને ઓળખ્યા રાજા વિર વિક્રમ!શું તું આવી રીતે પારકા નું ભલું કરે છે?એ ગાય થી મારું પેટ ભરાશે, જયારે તને ખાઇશ તો હું ભુખ્યો મરીશ માટે મને ગાય નો શિકાર કરવા દે”.

રાજા કહે, ”તને બહુ જ ભૂખ લાગી હોય તો હું મારી રાણી અને રાજકુંવર ને તેડતો આવું. અમને ત્રણેય ને ખાવાથી તારું પેટ ભરાઈ જશે”. અને સિંહ કંઈ પણ કહે તે પહેલાં જ રાજા વિર વિક્રમ મહેલ તરફ ચાલતાં થયાં અને થોડી જ વારમાં ત્રણેય પાછા ફર્યાં. અને સિંહ ને કહ્યું, ”હે વનરાજ!તમે હવે મારી ગાય ને છોડી અમને મારી નાખો”.

સિંહ મનુષ્ય ને મારવાની ના પાડી એટલે વિર વિક્રમ એ પોતાના હાથે મૃત્યુ પામવા તૈયાર થયાં. કારણકે પોતે સિંહ ને વચન આપ્યું હતું. તેઓ જ્યાં પોતાની તલવારને પોતાની ગરદન ઉપર ઉગામવા જાય છે ત્યાં કોઈએ અદશ્ય રીતે તેમનો હાથ પકડી લીધો અને “સબુર રાજન" એવો અવાજ આવ્યો.

અને ચમત્કાર થયો કે સિંહ ની જગ્યાએ હવે રૂપાળી ગાય ઉભી હતી!દૈવીગાય! એ ગાય રાજા ઈન્દ્ર ની હતી તે રાજા ની પરીક્ષા કરવા માટે સિંહ નું સ્વરૂપ ધારણ કરી ને આવી હતી, રાજા વિર વિક્રમ એકીટશે તેની સામે જોઈ રહ્યા હતા, એવામાં આકાશ માંથી પુષ્પ ની વર્ષા થઇ અને આકાશ તરફ થી અવાજ થયો.

“રાજા ધી રાજ વિર વિક્રમ ની જય ………!”

આ જયનાદ સ્વર્ગલોક માંથી ઇન્દ્ર સભા માં થયો હતો. સિંહ નું સ્વરૂપ બદલી ને અસલ સ્વરૂપ માં આવેલી કામધેનુ ગાયે માનવી ની ભાષા માં વિર વિક્રમ ને કહ્યું, ”હે રાજા વિર વિક્રમ!હું સ્વર્ગ લોક ની કામધેનુ ગાય, સિંહ ના સ્વરૂપ ધારણ કરી ને તારી ઉદારતા ની પરીક્ષા કરવા આવી હતી. તું તે કસોટી માંથી પાર ઉતર્યો. તારી આત્મભોગ ની ભાવના થી હું તારા પર પ્રસન્ન થઇ છું તો તારી ઈચ્છા માં હોય તે માગી લે”.

રાજા વિર વિક્રમે કંઈ પણ ઇચ્છા દાખવી નહીં એટલે કામધેનુ ગાયે કહ્યું, ”મારે તમને કંઈક આપવું તો પડશે જ. જો હું તમારાં લાભ ની વાત કહું. તેં જે સામે ઉભેલી ગાય પાળી છે તે કામધેનુ વંશ ની જ ગાય છે. એ ગાય એવી ચમત્કારિક છે કે તેનાં દૂધ માંથી બનાવેલી કોઇપણ વસ્તુ નું જો સેવન કરે તો રક્તપિત, અંધ ની આંખો, ચામડીના રોગો ને મટાડનાર છે. વળી આ ગાય ની જે શ્રધ્ધાપૂર્વક સેવા કરશે તેને સંતાનપ્રાપ્તિ થશે. મારું કામ પુરું થયું. હવે હું સ્વર્ગ તરફ પ્રયાણ કરું છું”.

કામધેનુ ગાય સ્વર્ગ લોક માં ગઇ. રાજા વિર વિક્રમ બધાને લઈ મહેલમાં ગયાં. ત્યારથી તેણે ગાય નાં દુધનું માખણ-ઘી બનાવી ને અનેક રોગીઓ ના રોગ મટાડવા માંડ્યા. આથી તેઓના આશીર્વાદ અને પૂણ્ય કર્મો ચડવા લાગ્યાં.

એક દિવસ રાજા વિર વિક્રમ ના રાજસભામાં અશક્ત બ્રાહ્મણ આવી ને કામધેનુ ગાય નાં ઘી ની માંગણી કરી તો રાજા વિર વિક્રમે કામધેનુ ગાય જ બ્રાહ્મણ ને દાનમાં આપી દીધી.

દુહો

પર સેવા માં જીવન ની કુરબાની કરનાર,

એવો રાજા વિર વિક્રમ રાજવી પરદુખભંજનહાર…. .

જય માં સરસ્વતી

જય માં મેલડી