7 Tunki Vartao books and stories free download online pdf in Gujarati

૭ ટૂંકી વાર્તાઓ

૭ ટૂંકી વાર્તાઓ

1 બિલકુલ તારા જેવી જ...

હોસ્પિટલમાં ડિલિવરી થયા બાદ બાળકીને માના હાથમાં મૂકી. તેણીનીએ હરખાતા, રડતાં સંમિશ્ર સ્વરે તેના પતિને પૂછ્યું, “કેવી દેખાય છે આપણી દીકરી?” કહીને તેણે નવજાત દીકરીના ફૂલ જેવા કોમળ ચહેરા પર માતૃવાત્સલ્યભર્યો હાથ પસવાર્યો.

“એકદમ ખૂબસૂરત...” તેના પતિએ તેની પત્નીના લાગણીભીના ચહેરા તરફ દેખીને સ્નેહભર્યા સ્વરે કહ્યું, “બિલકુલ તારા જેવી જ...”

ખુશીનું ડૂસકું મૂકી તેણીના આંખોમાંથી આસું ખરી પડ્યા! ક્ષણભર માટે તેના મનમાં પ્રબળ વાંછના જાગી ઉઠી : ‘કાશ! ક્ષણભર પૂરતી પણ જો મારી આંખોમાં ભગવાને દ્રષ્ટિ આપી હોત તો મારી દીકરીનો વહાલસોયો ચહેરો મારી આંખોની કીકીમાં જડી લીધો હોત!’

* * *

2 અહેસાસ

હિલસ્ટેશન પર ફૂંકાતા આહલાદક પવનમાં પ્રિય અને પ્રેયસી બંને એકબીજાનો હાથ પકડી સૂર્યાસ્તનું કેસરી દ્રશ્ય નિહાળી રહ્યા હતા.

પ્રેમીએ તેની પ્રેયસીના કમર ફરતે હાથ મૂકી, તેની આંખોમાં આંખો પરોવીને પૂછ્યું, “બોલ પ્રિયે, જો તારે મને કોઈ એક વસ્તુ આપવાની હોય તો તું મને શું આપે?”

પ્રિયના રોમેન્ટિક અંદાજમાં કહેલાં શબ્દો સાંભળતા જ પ્રેયસીના હોઠ મલકાઈ પડ્યા, તેણે પ્રિયની આંખોમાં ઉતરી, દિલમાં ઝાંખીને કહ્યું, “જો મારે તમને જીવનમાં કોઈ એક વસ્તુ આપવાની હોય, તો હું તમને એ પ્રકારની દ્રષ્ટિ આપું, કે જેથી તમે મારા હ્રદયની કેટલા નજીકના આત્મીય વ્યક્તિ છો એ અહેસાસ તમને કરાવી શકું...” કહીને તેણે પ્રિયની છાતી પર માથું ઢાળી દીધું.

* * *

3 રહેવા માટેનું સૌથી બેસ્ટ પ્લેસ...

“આ દુનિયામાં રહેવા માટે સૌથી મોસ્ટ વન્ડરફૂલ સ્થળોએ તમને રહેવાનું કહેવામા આવે તો તમે કયા સ્થળો પસંદ કરો?” ઇન્ટરવ્યુવરે એક લેખકને પૂછ્યું.

“વેલ, દુનિયામાં ઘણા વન્ડરફૂલ સ્થળોએ હું ફર્યો છું, રહ્યો છું; પણ ત્રણ સ્થળો એવા છે કે જ્યાં હું જન્મોના જનમ વિતાવવા ઈચ્છું છું. કોઇકની ભાવથી થતી પ્રાર્થનામાં, કોઈના વિચારોમાં, અને શક્ય હોય તો કોઈના દિલમાં રહેવાનું મને સૌથી વધુ પસંદ પડે...”

જવાબ સાંભળીને ઓડિયન્સમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો...

* * *

4 દુર્લભ રત્ન કયું...?

“બો...સ. દુનિયામાં આપડું અસ્તિત્વ સૌથી દુર્લભ છે. અને એટલે જ આપણી કિંમત સૌથી ઊંચી અંકાય છે, સમજ્યા...! આઈ એમ ધી ઓન્લી વન જેમ (Gem)...! ડિડ યુ હિયર મી…?” પિંક સ્ટાર ડાયમંડે ચમક રેલાવી પોતાના વખાણ વેર્યા.

ડાયમંડનો અહંમ ભાંગતો એક નમ્ર જવાબ સંભળાયો : “નો, યુ આર નોટ ધ વન”

“વ્હોટ?? તું સાલા છે કોણ મને ના પાડવાવાળો? હં...??” ડાયમંડના અવાજમાં ક્રોધનો તીખારો ફૂટ્યો.

“કોઈ નહીં, હું તો બસ એટલું જ કહું છું કે તમારા સિવાય પણ હું બીજા એક દુર્લભ રત્નને ઓળખું છું. કિંમતમાં તમારું મૂલ્ય તો આંકી શકાય છે, પણ એનું મૂલ્ય આંકવું અશક્ય છે!”

ક્રોધથી તગતગી ઉઠેલા ડાયમંડે હથેળીમાં ખુન્નસ મસળતા કહ્યું, “કોણ છે એ? ભસ એનું નામ...!!”

“નામ તો હું એનું નહીં કહું, પણ એની દુર્લભતા અને અમૂલ્યતાનો પરિચય ચોક્કસ આપીશ.”

“હા તો જલ્દીથી ભસ...!!”

“એ એવું દુર્લભ રત્ન છે કે, એ તમને પ્રેમ કરે છે, તમારી કાળજી રાખે છે, સુખની પળોની જેમ દુ:ખની પળોમાં પણ એટલો જ સાથ આપે છે. તમને પરિવારના પોતિકા વ્યક્તિની જેમ પ્રોટેક્ટ કરે છે. એ તમારા ડિપેસ્ટ, ડાર્કેસ્ટ સિક્રેટ પણ જાણે છે, એ તમારા બકવાસ જોક્સ પર પણ હસે છે, સાર વિનાની વાતોમાં પણ તાલી આપી તાલ પુરાવે છે, એ તમારી લાગણીઓની કદર કરે છે, અને તમે જેવા છો એવાની ઇજ્જત કરી તમને સ્વીકારે છે, ક્યારેય તમારી કોઈ વાતમાં જજમેન્ટલ બનતો નથી. એ હંમેશા તમારા ચહેરા પર સ્માઇલ લાવવા ગમ્મતનો ગુલાલ ઉડાડે છે. એ તમારા દબાયેલા સ્મિત પાછળ ઉદાસીનતાનું કારણ પણ પકડી પાડે છે, અને એ હંમેશા તમારી સાથે રહે છે જ્યારે તમે એકલતા અનુભવતા હોવ. આ રત્ન દરેક પાસે હોતું નથી, અને આ તરત મળી જાય એવું સસ્તુંયે નથી, અને આસાનીથી ખરીદાય એવુંયે નથી, એને તો કમાવવું જ પડે છે.”

“અલ્યા તી તો મગજનો લઠ્ઠો કરી મૂક્યો...!! સીધું સીધું ભસને તું કેવા શું માંગે છે? કયા દુર્લભ અને અમૂલ્ય રત્નની વાત કરે છે તું?? નામ બોલ સાલાનું...!!”

“ફ્રેન્ડ…. ડાયમંડ સાહેબ, ફ્રેન્ડ! ફ્રેન્ડની વાત કરું છું.”

જવાબ સાંભળતા જ પિંક સ્ટાર ડાયમંડની ગરદન ઝૂકી ગઈ. ચહેરા પર અહંમની ઝઘરા મારતી ચમક એક ક્ષણમાં વિલાઈ ગઈ. બોદું સ્મિત ખેંચી વગર દલીલે ત્યાંથી ફટાફટ સરકી નાસી ગયો...

* * *

5 બ્રેસલેટ

હસબન્ડ અને વાઈફ વચ્ચેની વાતચીત...

“રિહાન... મારે એક બ્રેસલેટ જોઈએ છે...”

“હા તો બોલ તારે કેવા પ્રકારનું બ્રેસલેટ જોઈએ છે? Gold, Diamond, Rubies, Pearls… જે જોઈએ એવું કિંમતી બ્રેસલેટ તને કરાવી આપું…”

“ના રિહાન... એવું બ્રેસલેટ નઈ. લાસ્ટ યર હનીમૂન ટુર વખતે તમે દરિયા કિનારેથી જે શંખ-છીપલાનું બ્રેસલેટ મારી માટે બનાવ્યું હતું એ જોઈએ છે... તમારા હાથથી બનાવેલું....”

હસબન્ડે પ્રેમી અંદાજમાં આવીને કહ્યું, “વેલ હની, એ બ્રેસલેટ માટે તો ફરીથી હનીમૂન ટુર ગોઠવીએ તો જ બનાવી શકાય...યુ નો...?”

સાંભળીને વાઈફ બંધ હોઠોમાં મલકાઈ ગઈ...

* * *

6 માનું ઋણ

મુંબઇ એક્ટર બનવા જતાં તન્મયને થોડાક પૈસાની જરૂર હતી, પણ પૈસા માંગતા તેની જીભ ઉપડતી નહતી. તેના વિલાયેલા ચહેરા પર ખેંચાયેલું બનાવટી સ્મિત જોતાં જ તેની મા સમજી ગઈ. સાડા ત્રણ વર્ષથી રસોડામાં ઘઉંના ડબ્બામાં સંતાડેલા ૪૨૫૦ રૂપિયા હાથમાં થમાવતા કહ્યું, “મંબઈ જઇન ખૂન-પસીનો એક કરી ખૂબ મહેનત કરજે, બેટા... અન ભૂખ્યો ના રે’તો... નકર તારી માના પેટમો એક દોણોય નહીં પચ... હું કીધું?”

“હા મમ્મી...“

“અન નોમ ડૂબાવ એવું કોમ કદીયે ના કરતો... ખોટા કોમમો ક લતોમો ફસાતો નઇ...”

તેણે નકારમાં માથું ધૂણાવ્યું.

“દિલ રેડીન કોમ કરજે... અન હિંમત જરાયે ના હારતો... નેનું-મોટું જે કોમ મલ એ રાજી થઈન કરજે... માતાજીની મે’રથી એક દા’ડો તું જરૂર હીરો બને... મારું દિલ કે સ ક, એક દા’ડ ગોમની દીવાલો પર તારા ફોટુંવાળું રૂપાળું કાગળિયું ચોડ્યું હશે... આખું ગોમ તારા બાપાનું નોમ ગર્વથી લેશે... તારા બધોય સપનો પૂરો થોય એવા દિલથી આશીવાદ આલશ તારી મા... જા... ફતેહ કર...”

“મા, જીવનભર હું તારું ઋણ નહીં ભૂલું...” ભીના સાદે તન્મયે કહ્યું.

“બેટા, મું તારી મા છું... એ ઋણ તો ચૂકવાય એવું નથ... પણ તારા બાપાનો જીવ ફોહલી ખાતા લોકોનું ઉધાર ચૂકવે તોય ઘણું સ...” એટલું કહીને દીકરાનો ચહેરો બંને હાથની હથેળીમાં લઈ ઓવારણાં ઉતાર્યા.

બાર વર્ષ બાદ એક એવોર્ડ ફંક્શનમાં,

બેસ્ટ લીડિંગ એક્ટર એવોર્ડનું અનાઉન્સિંગ થાય છે...

બેસ્ટ લીડિંગ એક્ટર એવોર્ડ ગોઝ ટુ.... તન્મય રાઠોડ!

તાળીઓના ગડગડાટ સાથે આખું ઓડિયન્સ ગુંજી ઉઠ્યું...

છોકરીઓ ચિચિયારીઓ પાડવા લાગી : તન્મય વી લવ યુ....

સુટ-બુટમાં તૈયાર થયેલો હેન્ડસમ તન્મય એવોર્ડ રિસીવ કરવા સ્ટેજ પર ગયો.

એવોર્ડ રિસીવ કરી તેણે આદ્ર આંખે હ્રદય પર હથેળી મુકી આકાશમાં ટમટમતા તારાઓ સામે જોતાં મનમાં કહ્યું : મારા હ્રદયમાં પૂરેલા આ ધબકારાનું ઋણ કેવી રીતે ચૂકવું, મા...?”

મનમાં અવાજ પડઘાયો : બેટા, મું તારી મા છું... એ ઋણ તો ચૂકવાય એવું નથ...

તેણે એવોર્ડ આકાશ તરફ ઊંચો કરીને કહ્યું, “ધીસ એવોર્ડ ઈઝ ફોર માય મોમ... થેંક્યું...” કહીને ફ્લાઇંગ કિસ આકાશ તરફ અને ઓડિયન્સ તરફ છોડી....

* * *

7 પ્રેમની વસંત

હસબન્ડ વાઈફ હીંચકા પર બેસી ઝૂલી રહ્યા હતા.

વાઇફે હસબન્ડને કહ્યું, “એક વાત કહું તમને?”

“હા. બોલ...”

“જ્યારે મેં તમને પહેલીવાર જોયા હતા ત્યારે તમે દેખાવે એવરેજ લૂકિંગ અને સાવ ઓછાબોલા હતા...” વાઇફે હતું એ સ્પષ્ટ કહી દીધું.

“અને આજે...?” હસબન્ડે પૂછ્યું.

આગળ કહેવા જતાં તેણીના હોઠ પર આછો મલકાટ રેલાઈ ગયો, “...આજે તમને જોઉં છું તો,” શરમ ખાળવા તેણીનીએ અંગ્રેજીમાં કહ્યું, “...આઈ સી માય વ્હોલ વલ્ડ ઇન યુ...”

છેલ્લું વાક્ય સાંભળી તે તેની વાઈફ પર મોહી પડ્યો. સમયનું જાણે ત્રીસ વર્ષનું રિવર્સમાં ચકરડું ફરી ગયું; અને બંને પાછા ૧૮-૧૯ વર્ષના પ્રેમીયુગલમાં ફેરવાઈ ગયા. હૈયામાં ફરી પાછી પ્રેમની ઊર્મિઓ રેલાવા લાગી...

* * *

લેખક – પાર્થ ટોરોનીલ

Share

NEW REALESED