Tene Teno Prem Madshe books and stories free download online pdf in Gujarati

તેને તેનો પ્રેમ મળશે - Letter to your Valentine

તેને તેનો પ્રેમ મળશે

ભાવિક રાદડિયા

વ્હાલી ભવ્યા,

આ પત્ર મારે તને લખવો જોઈએ કે નહિ એ જ નથી સમજાતું. હું બોવ જ કન્ફયુઝ છુ યાર. મને હંમેશાં તારી સલાહ યોગ્ય લાગે છે. એટલે જ હું જયારે પણ કોઈ પ્રોબ્લેમ્સમાં હોવ તો સૌથી પહેલા તારી પાસે આવું છું. માટે જ તને આ પત્ર લખું છું.

હું તને કેટલો પ્રેમ કરું છું એ કહેવાની હવે જરૂર નથી, તું જાણે જ છે. આપણે હંમેશાં સારા મિત્રો રહ્યા છીએ એટલે તું મને સમજી શકીશ. પણ આ વખતે વાત કઈક અલગ જ છે તો પ્લીઝ મને જેમ બને તેમ જલ્દી જવાબ આપજે.

મેં તને એકવાર નીલિમા મર્ચન્ટ વિશે કહેલું યાદ છે ને? હંમેશા આનંદના વિશાળ પટ પર આળોટતી અલ્લડ છોકરી, કોઈપણ ને પોતાની વાત સાથે આરામથી સહમત કરાવી લેતી, પોતાની ચબરાક વાતોથી કોઈપણની બોલતી બંધ કરાવી દેતી અને કોઈની નાની અમથી વાત પર પણ રડી પડતી છોકરી એટલે નીલિમા. એ મને પ્રેમ કરે છે!! પણ હું તો તને પ્રેમ કરું છું. ઘણાં વર્ષોથી મેં તને જોઈ પણ નથી. તો પણ તારી યાદો, તારી વાતો બધુંજ જેમનું તેમ છે. મને હજું પણ એવો અહેસાસ થાય છે કે તું પણ મને પ્રેમ કરીશ!

મારી અને નીલિમા વચ્ચે ઘણાં જઘડાઓ થયાં, આપણી વચ્ચે થાય છે એમ જ. હું એને ઘણું સમજાવવાની કોશીશ કરું છું, પણ એ સમજાતી જ નથી. જેવી રીતે તું સમજાવતી હોય ત્યારે હું નથી સમજતો એમ જ. ફોન પર એ મારા માટે રડતી હોઈ છે, જેવી રીતે દરરોજ હું તારા માટે રડું છું!! હિન્દી ફિલ્મોમાં બનતું હોઈ છે એવુ મારી સાથે બની રહ્યું છે, બધીજ ઘટનાઓ હું બીજીવાર જીવી રહ્યો છું. ગમે તે હોઈ, એ મારા માટે રડતી હોય એ મારાથી નથી જોવાતું. પણ મને તેના માટે લાગણી પણ નથી જ બંધાતી!

મને પહેલી વાર અહેસાસ થયો કે એકતરફી પ્રેમમાં ફક્ત એક જ માણસ હોય છે. એ મને ગમે તેટલો પ્રેમ કેમ ના કરતી હોઈ, પણ મને તેના માટે કોઈ ખાસ લાગણી નથી અનુભવાતી. હું તને હંમેશાં ફરિયાદ કરતો હોવ છું, કે તું ક્યારેય મને યાદ નથી કરતી, સામેથી કોલ નથી કરતી, તને મારી કઈ પડી જ નથી હોતી, મારું કોઈ મહત્વ જ નથી તારા જીવનમાં, તું જાણી જોઈને મારી અવગણના કરે છે, વગેરે વગેરે. સાચું કહું તો આ જ શબ્દો મને પરત મળી રહ્યા છે, નીલિમા પાસેથી! સાચે જ મને તેના માટે કઈ મહેસૂસ નથી થતું. જેવી રીતે તને મારા માટે કઈ મહેસૂસ નથી થતું એમ જ!! મને સમજાયું કે જયારે હું તારી સાથે જબરદસ્તી કરતો હોવ છું કે તું મને પ્રેમ કર ત્યારે તું કેટલી અકળાતી હશે. વારંવાર હું તને કોલ કર્યે રાખું અને જો તે કહ્યું કે, “મારે કામ છે, પછી વાત કરીશ.” તો હું માત્ર એટલું જ સમજતો કે તારે મારી સાથે વાત નથી કરવી એનું બહાનું માત્ર છે.

અમે લોકો એકવાર મળ્યાં હતાં. એ મારા જમણા હાથને વીંટળાઈને ખભા પર સુતી હતી અને ડાબા હાથમાં પોતાની આંગળીઓ દબાણથી ફસાવી રાખી હતી. એ મારા માટે રડતી હતી, મેં તેને રડતી તો અટકાવી પણ રડવાનું કારણ ના મિટાવી શક્યો. મારો શ્વાસ રૂંધાતો હતો ત્યારે. મને થયું કે કાશ નીલિમાની જગ્યાએ તું હોય! એ મને હસાવવાની કોશિશ કરે, મારી ઈચ્છાઓને માન આપે, હું તેનાથી નારાજ ના થઇ જાવ એવો પુરતો પ્રયાસ કરે. પણ હું હંમેશાં એનામાં તને શોધવાનો પ્રયત્ન કરું! તું ક્યાંયે મળતી નથી. એ તારા જેવી બનવા માંગે છે, પણ એ તારા જેવી ક્યારેય નહિ બની શકે. હું એવું ઈચ્છતો પણ નથી.

મારા સિદ્ધાંતો બોવ જ સ્પષ્ટ છે. મેં તને હંમેશાં કહ્યું છે કે મને મારા ભાગનો પ્રેમ તો મળવો જ જોઈએ. હું સ્પષ્ટપણે માનું છું કે હું તને પ્રેમ કરું છું, તો તારે પણ મને એટલો પ્રેમ તો આપવો જ જોઈએ કે જેથી મને એવો અહેસાસ ના થાય કે કોઈને પૂછ્યા વગર પ્રેમ કરવો એ ભૂલ છે. આપણે બંને અલગ સમાજના ભલે હોઈએ, પ્રેમ કરવા માટે કે સાથે રહેવા માટે જાતી ધર્મ ન જોવાના હોઈ. હું જાતિપ્રથાનો વિરોધી છું. કે પછી પ્રેમની સૌથી મોટી થીયરી, “જો તમને કોઈ પ્રેમ કરે છે, તો એમને પ્રેમ કરો. એ તમને હમેશા ખુશ રાખશે.” હોય. જો હું આવા મોટા મોટા બણગા ફૂંકતો હોવ તો સૌથી પહેલા મારે જ આ વાતો સાથે ઈમાનદાર રહેવું જોઈએ. હું શું કહેવા માંગું છું એ તું સમજે છે ને?? આ વાતો મારી અને નીલિમાની વચ્ચે પણ એટલી જ સાચી હોવી જોઈએ. એ પણ મારા સમાજની નથી, તો હું તેને સમાજની મર્યાદાઓ ના ગણાવી શકુ. તેના પ્રેમની અવહેલના પણ ના કરી શકુ. જો હું માનતો હોવ કે તારે મને મારા ભાગનો પ્રેમ આપવો જ જોઈએ, તો સૌથી પહેલા મારે નીલિમાને તેના ભાગનો પ્રેમ આપવો જોઈએ!

ગઈકાલે આમારી વચ્ચે જઘડો થયો ફોન પર. એમણે મને જે કહ્યું એ વિશે મેં ક્યારેય ધ્યાનથી વિચાર્યું જ નથી, એટલે જ હું દુખી થાવ છું અને તેને અન્યાય પણ કરું છું. તેણે પહેલો જ પ્રશ્ન પૂછેલો કે, “શું ભવ્યા મારી જગ્યા એ હોત તો પણ તું એમની જોડે આવી રીતે જ વાત કરત? ભવ્યા તને ફોન કરે તો તું એવો જવાબ આપે કે તારે બોલવું હોય તો બોલ, નહિ તો ફોન કાપી નાંખ, મગજ ખરાબ ના કર. હું તારી બધીજ વાત માનું અને તું મારી એકપણ વાત સાથે સહમત ના હોય. થોડીવાર પ્રેમથી વાત પણ નથી કરતો. ભવ્યા તારી સાથે આવી તોછડાઈથી વાત કરે તો તને કેવું થાય? એની ઉપર આવી રીતે ક્યારેય બૂમો પાડે છે? તું નથી ઈચ્છતો કે એ પણ તને થોડો પ્રેમ કરે, થોડો ટાઇમ આપે તને? હું તને પ્રેમ કરું છું એ વાતની સજા આપે છે મને કે પછી તેણે તને પ્રેમ ના કર્યો એટલે તું પણ મારી સાથે એવું જ કરવા માંગે છે? મારી પાસેથી બદલો લેવા માંગે છે.”

એની વાતોમાં પૂરેપૂરી સચ્ચાઈ હતી. જો તેની જગ્યાએ તું હોઈ તો હું ક્યારેય તારા પર એવી રીતે ગુસ્સે ના થાવ. વાતવાતમાં તને રડાવું નહિ. તારી સાથે એવું વર્તન સ્વપ્નમાં પણ ના કરું. તો પછી પ્રશ્ન એ છે કે તો હું નીલિમા સાથે આવું કેવી રીતે કરી શકું?? એનો વાંક એટલો જ કે એણે મને પ્રેમ કર્યો? હું જે રીતે તેની સાથે વર્તુ છું એ પછી તો હું એક સારા માણસની કેટેગરીમાં પણ ના સ્થાન લઇ શકુ, તો પછી કોઈને પ્રેમ કેવી રીતે કરી શકું?? મને અહેસાસ થયો કે હું કેટલો જંગલી વ્યવહાર કરું છું તેની સાથે. બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે જો તું મારી સાથે આવું કરે તો? હું આવું ક્યારેય સહન ના કરી શકુ. એજ સમયે હું મોતને ભેટું યા તો જાતે જ મારો જીવ ચાલ્યો જાય. તો પછી નીલિમાને પણ આવું જ થતું હશે ને??

હું મારા સિદ્ધાંતો સાથે પ્રમાણિક હોવ તો મારે તેને તેના ભાગનો પ્રેમ આપવો જ જોઈએ. જો હું તારી પાસેથી પ્રેમની અપેક્ષા રાખતો હોવ, તો મારે નીલીમાને પણ તેનો હક આપવો જ જોઈએ. એટલે મેં નક્કી કર્યું છે કે હવેથી હું તેની સાથે એવું જ વર્તન કરીશ, જેવું તારી સાથે કરું છું. તેના માટે હું એટલો જ ઉદાર રહીશ, જેટલો તારા માટે છું. હું તારી પાસેથી જેટલો પ્રેમ ઇચ્છું છું એટલો પ્રેમ હું તેને આપીશ.

મેં તને કહ્યું હતું કે હું તને જ પ્રેમ કરીશ, તારા છીવાઈ કોઈને નહિ. એ આજે પણ એટલું જ સાચું છે, પણ હું કોઈનો હક તો ના જ છીનવી શકુ ને?? હું નીલિમા સાથે અન્યાય થાય એવું બિલકુલ નથી ઈચ્છતો, પણ મારે પણ મારો પ્રેમ જોઈએ છે.... મારા મગજમાં અત્યારે વિચારોનું યુદ્ધ ચાલી રહ્યું છે. સાચો રસ્તો તું જ બતાવી શકીશ, પ્લીઝ જલ્દીથી મારા વિચારોના વાવાઝોડાને ઠંડુ પાડ અને મારા અત્યારે શું કરવું જોઈએ એ જણાવ.

લિખિતંગ,

તારો ખાસ મિત્ર,

ભાર્ગવ ઉપાધ્યાય.

લેખક: ભાવિક રાદડિયા “પ્રિયભ”