Shaapit Haveli - 2 books and stories free download online pdf in Gujarati

શાપિત હવેલી - 2

શાપિત હવેલી

(ભાગ 2)

બીજે દિવસે હું લખવા બેઠો પણ મન ગઇકાલની વાતોમાં ખેંચાઇ જતું હતું. લખવામાં જરાયે ધ્યાન પરોવાતું નહતું. મન:ચક્ષુ સામે હવેલીમાં દેખેલી વસ્તુઓના ચિત્રો સતત તરવરી ઉઠતાં. કાગળ પર પેન મૂકી, હું ધીમા સ્વરે બબડ્યો : ભગવાન જાણે અનાથબાબુ કેવા અનુભવની રાહ જોઈ રહ્યા હશે! આજે હવેલીમાં આખી રાત વિતાવશે ત્યારે શું થશે?’

વિચાર સાથે ચિંતા અને બેચેની મનમાં ઘૂંટાવા લાગી.

એ દિવસની રાતે હું અનાથબાબુને કંપની આપવા, હલદાર હવેલીના મુખ્ય દરવાજાની બહાર ઊભો રહ્યો. તેમણે ગળા સુધીનું કાળું જેકેટ પહેર્યું હતું. એમના એક ગજવામાં કાચનો ફ્લાસ્ક અને બીજા હાથમાં ટૉર્ચ પકડી રાખી હતી. તેમણે જેકેટના બીજા ગજવામાંથી બે નાની બોટલ્સ કાઢીને કહ્યું, “જો, આ બોટલ્સમાં મેં ખાસ પ્રકારનું તેલ ભરેલું છે. આનાથી મચ્છરો તરત ભાગી જાય છે. અને આ બોટલ્સમાં મેં કાર્બોલિક એસિડ ભર્યો છે. એને એક વાર રૂમમાં છાંટી દઇશ પછી હું ઝેરીલા સાપોથી સુરક્ષિત રહીશ.

એમણે બધી બોટલ્સ ગજવામાં મૂકી, ટૉર્ચનો પ્રકાશ દરવાજા તરફ પાથર્યો. મને આખરી સલામ કરી એમણે અંદર જવા પગ ઉપાડ્યા. એમના ભારે બુટ ભોંયતળિયા પર દરેક ડગલે કોઈ મુવીની જેમ ટચ્ક... ટચ્ક... અવાજ કરતાં.

ત્યાંથી હું સીધો ઘરે પહોંચ્યો. એ રાત્રે વિચારોના ચકડોળે ચડેલું મન કેમેય કરી શાંત નહતું પડતું. બહુ મોડી રાત્રે આંખના પોપચાં બિડાયા.

***

સવાર પડતાં મેં ભારદ્વાજને એક થરમૉસમાં બે વ્યક્તિને ચાલે એટલી ચા ભરી દેવા કહ્યું. જેવી થરમૉસ આવી એ લઈને હું હલદાર હવેલી તરફ ભાગ્યો.

ત્યાં હવેલીના આગણાંમાં જઈને જોયું તો કોઈ દેખાતું નહતું. અનાથબાબુને બૂમ પાડવાની ઈચ્છા થઈ પણ કોઈ સાંભળી જશે એ બીકથી મેં બૂમ પાડવાનું રહેવા દીધું. મારે સીધું જ ઉપરના માળે પશ્ચિમના રૂમમાં જતાં રહેવું જોઈએ?’ હું વિચારતો હતો એટલામાં એક અવાજ સંભળાયો : અહીં... આ રસ્તે...!

હવેલીની પૂર્વ બાજુએથી એ અવાજ આવ્યો હતો. અનાથબાબુ હાથમાં લીમડાની ડાળખી લઈને જંગલની નાની ઝાડીઓમાંથી બહાર આવી રહ્યા હતા.

એ મારી નજીક આવી મોટું સ્મિત કરી બોલ્યા, “અડધો કલાકથી લીમડાનું ઝાડ શોધતો હતો એ હવે મળ્યું. આ ડાળખી હું દાંત ઘસવા વાપરું છું.... જો...

ગઈરાતે શું બન્યું એ વિષે પૂછવા બાબતે હું બેતાબ બની રહ્યો હતો, પણ પૂછતા જરાક અચકાયો.

એના બદલે મેં પૂછ્યું, “હું તમારા માટે ચા લાવ્યો છું. અહીં પીવી ગમશે કે ઘરે જઈને પીશો?”

ઓહ...! અહીં આવો, આ ફુવારાની પાળી પર બેસીને પીએ

અનાથબાબુએ લાંબી ચૂસકી લીધી, આહાહા...!અદભૂત સ્વાદ માણતા મુસ્કુરાયા. પછી તે મારી સામે જરાક ઝુક્યા, “ગઇકાલ રાત્રે શું બન્યું એ જાણવા તું ઉત્સુક થઈ રહ્યો છે ને?”

હા હા. બિલકુલ... મેં તરત જ ઉત્કંઠિત સ્વરે કહ્યું.

ઠીક છે તો... હું તને બધુ જ કહીશ. પણ એના પહેલા મને એક વાત કહેવા દે. મારું આખું પ્લાનિંગ એકદમ સફળ ગયું છે! એમની કીકીઓ ખુશીથી ચમકી ઉઠી.

તેમણે જાતે થરમૉસમાં વધેલી ચા કપમાં રેડીને વાત કહેવાનું શરૂ કર્યું :

જ્યારે તું અહીંથી નીકળ્યો હતો ત્યારે સાંજના 5 p.m થયા હતા. હવેલીમાં જાઉં એ પહેલા મેં એની આજુબાજુ થોડુક ફરી નિરીક્ષણ કરી જોયું. કેટલીક વાર ભૂતપ્રેત કરતાં પ્રાણીઓ અને બીજા જીવો વધુ નુકસાન કરી જતાં હોય છે, એટ્લે ચેતવવું ખાસ જરૂરી હતું. પણ નિરીક્ષણ કર્યા બાદ મને કશુંયે ભયજનક જેવુ ન લાગ્યું.

પછી હું અંદર ગયો, અને નીચેના માળના બધા જ રૂમો તપાસી જોયા. છત પર ઝૂલતા એક-બે ચામાચીડિયા જોયા. એમને હેરાન કર્યા વિના હું ઉપરના માળે 6:30 p.m એ ગયો. અને આખી રાત એ પશ્ચિમના રૂમમાં પસાર કરવા માટેની તૈયારી શરૂ કરી દીધી. એક કપડું લઈને પહેલા તો બારી પાસેની આરામ ખુરશી લૂછી.

રૂમમાં હવાની અવરજવર ઓછી હતી એટ્લે રૂમની બારીઓ ખોલી દીધી. ભૂતપ્રેતને એન્ટ્રી કરવી હોય તો એના માટે પેસેજનો દરવાજો પણ ખોલી દીધો. ત્યારબાદ મેં ફ્લાસ્ક અને ટૉર્ચ જમીન પર મૂકી આરામ ખુરશીમાં લંબાવ્યું. ત્યાં ઊંઘવું ઘણું અનકમ્ફર્ટેબલ હતું, પણ ઘણી રાતો આનાથી પણ ભયાવહ જગ્યાઓએ વિતાવી હતી, એટ્લે મારા માટે એ મોટી સમસ્યા નહતી.

સૂર્ય 5:30સે અસ્ત થઈ ગયો હતો. અંધારું ચારેકોર ઘેરાઈ ગયું હતું. ધીરે ધીરે પેલી ગંધ વધુ તીવ્ર થવા લાગી. આમ તો હું આટલું જલ્દી કામે નથી લાગી જતો, પણ ગઇકાલ રાત્રે વિચિત્ર ફિલિંગ્સ મેં અનુભવી. ધીરે ધીરે, અમુક અંતરે ફરતા શિયાળોએ સમુહશોર કરવાનું બંધ કરી દીધું. તમરાંના ત્રમ ત્રમ બિલકુલ શમી ગયા. હું ક્યારે ઊંઘમાં સરી પડ્યો એની ખબર જ ન પડી!”

અડધી રાત્રે હું ઘડિયાળના કાંટાના ટક... ટક... થતા અવાજથી જાગી ગયો. ધીમો ધીમો કર્ણપ્રિય ઘંટડીનો અવાજ પેસેજમાંથી આવતો સંભળાયો. મેં બે વસ્તુઓ નોટિસ કરી હતી. એક, હું આરામ ખુરશીમાં મજાથી આડો પડ્યો હતો ત્યારે કોઈકે મારા માથા પાછળ ઓશીકું ખોસી દીધી હતું. બીજું, નવોનક્કોર હાથ-પંખો મારા માથા પર લટકતો હતો; જેની સાથે દોરડું બાંધેલું હતું, જે દરવાજાની બહાર પેસેજમાં જતું હતું અને કોઈક દોરડું ખેંચતું હવા નાંખતું હતું.

હું આ બધી અજીબ પ્રકારની વસ્તુઓને જોઈ રહ્યો. આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે અમાસની રાત્રે સંપૂર્ણ ખીલેલા ચંદ્રમાંનો પ્રકાશ બારીમાંથી ચારેકોર ફેલાયેલો દેખ્યો. પછી અચાનક તમાકુની તીવ્ર ગંધ મારા નાકમાં રેલાઈ. મેં ખુરશીની બાજુમાં જોયું તો હુક્કો મારી બાજુમાં પડ્યો હતો.

આટલું કહી અનાથબાબુ થોડીકવાર થોભ્યા. પછી મુસ્કુરાઈને કહ્યું, “એકદમ અનોખો અનુભવ એ રાત્રે મહેસુસ થયો...”

એ વાત સાચી. પણ શું તમે આખી રાત આરામ ખુરશી પર વિતાવી હતી?” મેં જિજ્ઞાસાવશ પૂછી લીધું.

આ વાત સાંભળતા જ એ ઊંડા મૌનમાં મુકાઇ ગયા. હું એમના જવાબની રાહ જોતો એમની સામે તાકી રહ્યો. એ કશું જ ન બોલ્યા એટ્લે મારી ધીરજ ખૂટી પડી. તમારો કહેવાનો મતલબ, આખી રાત તમે વગર ડર્યે વિતાવી?” મેં અચરજથી ભ્રમરો ઊંચકી, “તમે ભૂતને જોયું જ નહીં?”

ધીરેથી પાંપણ પલકાવી તે વર્તમાનમાં આવ્યા. તેમણે મારી સામે જોયું. એમના ચહેરા પર રમતું સ્મિત ભૂંસાઈ ગયું હતું. આંખોની કીકીઓમાં કંઈક અજુગતો જ ભાવ આળોટતો હતો. પલભર માટે તો મને લાગ્યું કોઈક બીજું જ મને એ આંખો અંદર બેસીને ટગર-ટગર જોઈ રહ્યું હતું. ધોળા દિવસે પણ ભયનું લખલખું મારી કરોડરજ્જૂમાં સોંસરવું ઉતરી ગયું. હીરાની કણીની જેમ ચમકી ઉઠેલી કીકી પર પાંપણ ઢાળી તેમના મુખભાવ અને કીકીનો રંગ હતો એવો સામાન્ય થઈ ગયો. તેમણે સ્મિત ફરકાવી કર્કશ અવાજમાં પૂછ્યું, “બે દિવસ પહેલા આપણે અંદર ગયા હતા ત્યારે તે છત પર શું હતું એ બરાબર જોયું હતું?”

ના. કદાચ નહીં જોયું હોય. કેમ? શું હતું ત્યાં?” મારા અવાજમાં ડર ભળ્યો.

એક ખાસ વસ્તુ ત્યાં હતી. બાકીની વાર્તા હું તને એ બતાવ્યા વિના કહી શકું એમ નથી. ચાલ... અંદર જઈને દેખી લે...

તેમણે ચાની આખરી ચૂસકી લઈ કપ પાળ પર મૂક્યો.

વિચિત્ર લાગણીઓ મારા મનને વીંટળાઇ રહી હતી. હું એમની સાથે પહેલા માળની સીડીઓ ચડવા લાગ્યો. ઉપર જતાં અનાથબાબુએ માત્ર એક વાત કહી : હવે મારે ભૂતપ્રેતોનો પીછો નહીં કરવો પડે, સિતેશ બાબુ! ક્યારેય નહીં. મેં એને પૂરું કરી નાંખ્યું છે!

મેં પેસેજમાં પડેલા દીવાલ ઘડિયાળને જોયું. બે દિવસ પહેલા એ જે રીતે ઊભું હતું એવી જ સ્થિતિમાં ત્યારે હતું.

અમે પશ્ચિમના રૂમની આગળ ઊભા રહ્યા. અંદર જઇને દેખ...અનાથબાબુએ મને કહ્યું. દરવાજો બંધ હતો. મેં ધીરેથી દરવાજાને ધક્કો મારી અંદર દાખલ થયો. મારી નજર જેવી આરામ ખુરશી પર પડી, અને આશ્ચર્યથી મારી આંખો ફાટી પડી! ભયનું તેજ લખલખું મારા આખા શરીરમાં પ્રસરી ગયું! એ બિહામણો ચહેરો અને તેના ભયગ્રસ્ત મુખભાવ જોઈને મારા ગોઠણ ઢીલા પડી ગયા! શરીરનું લોહી એકાએક બરફની જેમ થીજી ગયું! ભારે બુટ પગમાં પહેરી આરામ ખુરશીમાં કોણ ઊંઘતું હતું?

ફગી પડતાં પગ કાબુમાં લઈ મેં પાછળ જોયું... ને હૈયામાં ઊંડી ફાળ પડી ગઈ! વીંધેલા કાન, નાક અને રંગેલા ચહેરામાં વિચિત્ર જાતના દેખાતા વ્યક્તિએ તેની ચમકતી કીકીઓ પર પાંપણ પલકાવી. મોટા રાક્ષસી અવાજમાં તેનું કર્ણભેદી ઘોઘરું હાસ્ય હલદાર હવેલીના ખૂણેખૂણામાં ગુંજી ઉઠ્યું! એ અવાજ સાંભળી હું ભાન ખોઈ તત્ક્ષણ જમીન પર ઢળી પડ્યો. મારી બધી ઇન્દ્રિયો કામ કરવા લકવો મારી ગઈ હતી.

***

જ્યારે મેં મારી આંખો ખોલી, ત્યારે ભારદ્વાજ મારા પલંગની સામે ઊભો હતો, અને ભાબાતોષ મજૂમદાર ગુસ્સેથી હાથ-પંખો નાંખી રહ્યો હતો.

હાશ...! ભગવાનની કૃપા છ ક તન હોશ આયો...!તે ઊંચા અવાજમાં બોલ્યો, “જો સાધુચરણે તન એ હવેલીમાં જતા ના જોયા હોત તો ભગવોજોણ મારી સાથે શુંનું-શુંયે થઈ ગ્યું હોત, બાપ! જીવ જોખમમો મૂકી બળ્યું માત્યોં જવાની એવી તે શી જરૂર પડી?”

હું સંપૂર્ણ ભાનમાં આવવા ગણગણ્યો, “ગઈરાત, અનાથબાબુ...

ભાબાતોષ બાબુએ અકળાયેલા અવાજમાં કહ્યું, “અનાથબાબુ! એના વિષે કશું કરવા હવે બહુ મોડુ થઈ ગયું છે. એ દિવસે મેં કહ્યું એનો એક શબ્દ પણ એણે વિશ્વાસ નહતો કર્યો. ભગવાનનો પાડ માનો કે તમે એની સાથે એ રાત પસાર કરવા અંદર નહતા ગયા. તમે જોયુને એની સાથે શું થયું તે? એવી જ ઘટના ગીરીનાથ દત્તા સાથે થઈ હતી. જમીન પર ઢળી પડેલું શરીર, ઠંડુગાર અને પથ્થર જેવુ કડક, છત તરફ તાકી રહેલી આંખોમાં થીજી ગયેલો ભય!

મેં વિચાર્યું, ‘ના, એ જમીન પર ઢળી પડેલો નહતો. અનાથબાબુના મૃત્યુ બાદ એ... એ શું બન્યા છે એ હું જાણું છું. આવતીકાલે સવારે કદાચ હું એમને શોધી લઇશ. એ ત્યાં જ હશે, બ્લેક જેકેટ પહેરેલું, ભારે બુટ, હલદાર હવેલીના જંગલમાંથી બહાર આવતા, હાથમાં લીમડાની ડાળખીનું દાતણ ચાવતા અને...? પણ એમની આંખો રહસ્યમય દેખાતી હતી. ચમકતી કીકીઓ? એમાંથી કોઈક બીજું જ મને ઝાંખી રહ્યું હતું... કોઈક કોણ...? એ ઓરડાની આરામ ખુરશીમાં જો અનાથબાબુની લાશ પડી હતી તો... મારી સાથે ઉપર આવ્યું તે...?? પલટાઈ ગયેલા વિચિત્ર દેહસ્વરૂપમાં કોણ હતું...??

***

ગ્રેટ ફિલ્મમેકર Satyajit Rayની શોર્ટ સ્ટોરી Anathbabus Terrorનું ટ્રાન્સલેશન, નાના-મોટા ફેરફાર કરીને લખી છે. જો ગમી હોય તો રેટિંગ સાથે રિવ્યુ લખજો...

વોટ્સએપ નંબર 99136 91861 પર મેસેજ પણ મૂકી શકો છો.