Kaal Kalank - 3 books and stories free download online pdf in Gujarati

કાલ કલંક-3

વચ્ચેનો કમરો છોડી શૈલી જમણીબાજુના કમરામાં પ્રવેશી. શૈલીને ભીતરની શૂન્યતા ઘેરી વળી. છત પર લટકતા ઝુમ્મરોનો પ્રકાશ કમરામાં ઝબકતો હતો. મંદિરમાં જેવી મૂર્તિ જોયેલી એવી જ મૂર્તિ અહીં પણ હતી.

'ટેન્સી..!"

શૈલીએ ગભરાતાં ગભરાતાં ફરતે નજર નાખી બૂમ પાડી. શૈલીના પડઘાને શૂન્યતા ગળી ગઈ. ક્ષણભર શૈલીને લાગ્યું. પોતે કોઈ ભળતા જ કમરામાં તો નથી આવી ગઇ ને ? પણ ના એનું મન માનવા તૈયાર નહોતુ. એણે પોતાની સગી આંખે ટેન્સીને આ કમરામાંથી ડોકિયું કરતાં જોઈ હતી. તો પછી એ ક્યાં ગઈ..? શુ કમરાની દીવાલો એને ગળી ગઈ..? કે પછી તે હવામાં આંગળી ગઈ..? ટેન્સી માટેનો શૈલીનો વિશ્વાસ ડગી ગયો. પહેલી વાર એને એવું લાગ્યું ત્યાં શૈલી રૂપે તો આ પ્રેતાત્મા..?

ધબ કરતું કંઈક પડ્યું એટલે એની વિચારમાળા તૂટી. અને એ ઝબકી ગઈ. શૈલીની નજર સમક્ષ મોટા માથાવાળી અઘોરીની પ્રતિમા સામે મહાકાય બેઠો હતો. એની આંખો ભ્રમર અને નાસિકા માણસના અંગોને હૂબહૂ મળતાં હતાં. એનું આખુંય લીલું ઘટ કદરૂપુ બરછટ શરીર એક શૈતાની મેઢકનું હતું એની મોટી મોટી આંખો જોઈ શૈલી આબાદ મસ્તક ધ્રુજી ઉઠી.

"ટેન્સી..!", ચીસ જેવા અવાજે શૈલીએ પુનઃ બૂમ પાડી. પરંતુ અહીં શૈલી પર રહેમ ખાવા એનો પડછાયો પણ વારે જવા તૈયાર ન હતો.

અચાનક એક ધીમુ-ધીમુ હાસ્ય કમરામાં પડઘાઈ ઉઠ્યુ. એ હાસ્ય ટેન્સીનું જ હતું. એ સમજી ગયેલી શૈલીએ રુદનભર્યા સ્વરે પુનઃ બૂમ પાડી.

"ટેન્સી.. તૂ ક્યાં છો ટેન્સી..? મને બચાવી લે મને અહીં ખૂબ ડર લાગે છે..!"

એણે પોતાની ચકળ-વકળ દ્રષ્ટિ આખા કમરામાં નાખી જોઈ. ટેન્સી એને ક્યાંય દેખાઈ નહીં.

હોય તો દેખાયને..? પેલુ ધીમું ધીમું હાસ્ય હવે અટહાસ્યમાં ફેરવાઈ ગયું હતુ.

શૈલીને જબરદસ્ત આંચકો લાગ્યો.

ટેન્સીના અવાજવાળું અટહાસ્ય દેડકાનાં મુખમાંથી નીકળતુ હતુ.

આ દ્રશ્યને પચાવવું શૈલી માટે ખુબ જ અઘરુ હતું.

રાક્ષસી મેઢક સામે રિવોલ્વરનું નાળચુ કરી મક્કમ મનોબળ સાથે એણે ધડાકો કર્યો.

તો એ ધડાકાનો મોટો વિસ્ફોટ હોલમાં ગૂંજી ઊઠ્યો.

એ સાથે જ દેડકાના હોઠ પહોળા થયા. સહેજ ધ્રુજ્યા.

આવી ક્રિયાથી ચીતરી ચડી હોય એમ શૈલીએ ઉપરા-ઉપરી બે ચાર ધડાકા કરી નાખ્યા.

મોટા વિસ્ફોટને પગલે દેડકાનું પેટ ફાટી ગયું. એના પેટમાંથી લાંબી લાંબી જટા વાળો ગુસ્સાથી રાતીચોળ થયેલી આંખો સાથે માથુ ઉચકતો અઘોરી બહાર નીકળતો દેખાયો.

શૈલી જીવ બચાવી ત્યાંથી ભાગી.

શૈલીને હવે પાકી ખાતરી થઈ ગઈ હતી કે પોતે જેની સાથે અહીં આવી હતી તે વાસ્તવમાં ટેન્સી હતી જ નહિ.

આ રહસ્યનો તાગ શૈલીને મળ્યો, ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.

દોટ મૂકી બહાર ભાગી આવેલી શૈલીએ ડાબી બાજુના કમરા તરફ નજર કરી તો એના મુખમાંથી એક દર્દનાક ચિત્કાર નીકળી ગયો.

જે કમરામાં થોડીવાર પહેલાં અપ્સરા જેવી યુવતી જોયેલી એ કમરાના મુખ્ય દ્વાર આગળ ટેન્સીની નગ્ન લાશ પડી હતી.

ઓહ નો..! ટેન્સીની અડધી લાશને દેડકાઓ એ ખાઇ પુરી કરી હતી.

શૈલીને બધું ગોળ-ગોળ ફરતું હોય એમ લાગ્યું.

એ ઉભી હતી ત્યાં જ પૂતળુ બની ગઈ. ધીમે-ધીમે પગની પાનીથી પીંડી સુધી થઈ રહેલી બળતરાનો એને ખ્યાલ આવ્યો.

એક જ ઝાટકે એણે પોતાના પગ તરફ નજર નાખી.

એ સાથે જ ધમપછાડા અને એની ગગનભેદી ચીસોથી આખો કમરો ગૂંજી ઉઠ્યો.

નીચેથી પીંડી સુધીના ભાગે સોયની અણી મુકાય એટલી જગ્યા પણ નહોતી બચી. પેલી જીવાત ચપોચપ ચોંટીને રકત ચૂસી રહી હતી. સાથે-સાથે એક માદક ઝહેર શૈલીના શરીરમાં ભરી રહી હતી. શૈલીની આંખે અંધારા આવવા લાગ્યા. ફસડાઈને ફર્શ પર પટકાઈ ગઈ. ત્યારે ધીમા ધીમા ડગ ભરતો, ગુંદર જેવી ઘટ્ટ લીલી બરછટ બદ સુરત ચામડી વાળો મેઢકી હેવાન પહોળા પહોળા હોઠો પર લાંબી લાંબી જીભ ફેરવતો શૈલી તરફ આગળ વધતો હતો

***

'ઓહ..! ઉં..હ..! આ....હ..!'

વેદનાપૂર્ણ અને ભયગ્રસ્ત ઉંહકારા કરતી ટેન્સી આખરે ભાનમાં આવી. ધીમે ધીમે એને બધું યાદ આવી રહ્યું હતું. મંદિર સાથે પોતાના જીવનની સાંઠગાંઠનુ રહસ્ય જાણવા તે ભૂગર્ભમાં આવી ગયેલી. ભૂગર્ભમાં આવ્યા પછી માનવભક્ષી હેવાનના કબ્જામાં એ સપડાઈ ગઈ.

જોકે એ શેતાની પ્રેતાત્માએ ટેન્સીનો વાળ પણ વાંકો કર્યો નહોતો.

અને એ વાતનું ટેન્સીને પણ અચરજ હતું. તેને કોઈ પણ જાતની હાનિ પહોંચાડ્યા વિના માત્ર એક બંધિયાર કમરામાં પૂરી દીધેલી. એ કમરામાં કાંસ્યની ધાતુમાંથી બનેલી સ્ત્રી પ્રતિમાઓ જોયેલી બહાર નીકળવા ઘણાય બૂમ-બરાડા અને ધમપછાડા કર્યા બાદ ટેન્સીએ ફર્શ પર પડતું મૂક્યું.

પેલા ભયાનક છતાં ચીરપરિચિત અવાજોએ ટેન્સીના મનને એક જુદા જ પ્રકારના નશાથી ભરી દીધું.

ટેન્સીએ ડરતાં -ફફડતાં આખા કમરામાં નજર કરી.

ક્યાંય પેલી કાંસ્યની સ્ત્રી પૂતળીઓ દેખાય નહિ.

સામે આછો-આછો શ્વેત ધુમાડો ફેલાયો હતો. ધુમાડામાં એક સ્ત્રી આકાર ઉપસ્યો. ધીરે-ધીરે ચહેરો તાદ્રશ્ય થતો ગયો.

અને ત્યારે જ મંદિરના ભૂતકાળ સાથે પોતાની સ્મૃતિઓને જોડતી કડી મળી ગઈ હોય એમ ટેન્સીના મુખથી અનાયાસે જ એક નામ નીકળ્યું.

"મલ્લિકા..! મલ્લિકા તું..?"

એને પોતાની જાત પર પણ ખૂબ વિસ્મય જન્મ્યુ.

જે મલ્લિકાને નામ લઈએ બોલાવી રહી હતી.

એને ક્યારે મળેલી..? ક્યાં મળેલી..? એવું કશું એને યાદ નહોતું,

છતાં મલ્લિકાને ક્યાંક જોયાનો એને અણસાર હતો.

"તમે મને ઓળખી લીધી ને ટેન્સી..?"

પેલી શ્વેતપરીનો મધુર અવાજ કમરામાં ગૂંજ્યો.

"તમારા ચહેરા અને લાંબા પરિચિતતાનો અણસાર વર્તાય છે. છતાં તમને કેવી રીતે ઓળખું છું.

ક્યાં આપણે મળેલાં એ યાદ આવતું નથી આવતુ...!"

"તમને એટલું તો યાદ છે ને કે પેલાં બંધિયાર કમરામાં તમને કોણે પૂર્યા હતા..?"

"કદાચ પેલા અઘોરી જેવા પ્રેતાત્માએ જ પૂરેલી..!"

"હા, હવે એ કહી શકશો તેણે તમને શા માટે કેદ કરેલાં..?"

"ના હું નથી જાણતી..!"

"નથી જાણતાંને..?"

પેલીએ ટેન્સીની આશ્ચર્ય ભરી આંખોમાં ઝાકતાં ઉમેર્યું.

"એ માનવ ભક્ષી પ્રેતાત્માની તમારી સાથે જાતીય દુશ્મની છે તમારો જીવ બચ્યો છે એ વાતની તમને નવાઈ નથી લાગતી...?"

"મને તમારી સાથે ગાઢ આત્મીયતા હોય એવું લાગે છે.

ટેન્સીએ સ્વસ્થતાથી કહયુ.

જરૂર મારો જીવ તમે જ બચાવ્યો હશે..!

"બિલકુલ સાચું છે..!

મલ્લિકાએ મુક્ત મને કહ્યું.

એ ગાઢ આત્મીયતાના લીધે જ તમારા પ્રાણ બચાવવા માંગું છું..!

અને આજે પણ તમારી ઢાલ બનીને ઊભી છું..!"

"એટલે ..?"

ટેન્સીના મનમાં ફરી ડર ઉદભવ્યો.

એટલે વાત એમ છે ડીયર કે હમણાં તો મેં માત્ર તમને એક બંધિયાર કમરામાંથી મુક્ત કરાવ્યાં છે.

જ્યાંથી પેલો અમાવસ્યાની કાળરાત્રિએ બાર વાગ્યાના સમયે તમારો બલિ ચઢાવવા તમને ઉપાડી જવાનો હતો.

હમણાં તો મેં એની ઇચ્છા પર પાણી ફેરવી દીધું છે.

અમાવસ્યાની મધ્યરાત્રિ પહેલાં એ તમને શોધી કાઢવા એની બધી જ શક્તિ વાપરી નાખશે.

જેનો સામનો આપણે હવે કરવાનો છે...!

મલ્લિકાની વાત સાંભળી ટેન્સીને લાગ્યું. પોતે એક મહા મૂસીબતમાં સપડાઈ ગઈ હતી.

હવે એને ખરેખર પોતાની જાત ઉપર ખીજ ચડતી હતી.

અહીં આવીને એને મૂર્ખામી કરી હતી. મલ્લિકાની વાત પર એને એટલા માટે વિશ્વાસ હતો કે શક્તિશાળી પ્રેતાત્મા ગઈ રાત્રે જ પોતાની ગળચી દબાવી ખૂન પી જાત.

પરંતુ એણે એવું કર્યું નથી એનો મતલબ સાફ હતો કે એ પોતાને જીવતી રાખવા માંગતો હતો.

અને એ વાત મલ્લિકાના ખુલાસા સાથે મેળ ખાતી હતી.

મતલબ સાફ હતો કે...!

આગળનાં વિચારથી હલબલી ઉઠી.

"મલ્લિકા આ બધું કેવી રીતે જાણતી હતી..?

એના મનમાં સવાલ ઉઠ્યો.

મલ્લિકા સાથે પોતાને કેવો સંબંધ હશે..? ટેન્સી મૂંઝાઈ ગઈ હતી.

મલ્લિકા તેની નજીક આવી. ટેન્સીનો હાથ પોતાના હાથમાં લઇ ચૂમી લીધો ટેન્સીને ઘણી રાહત થઈ.

હું કોણ છું એ જાણવાની જિજ્ઞાસા છે ને..? તે જાણે કે ટેન્સીનુ મન કળી ગઈ હતી.

ટેન્સીએ આંખના ઇશારે જ હકારાત્મક જવાબ આપ્યો.

મારા વિશે જાણવું હોય તો આપણાં પૂર્વજન્મમાં જવું પડે

"આપણો પૂર્વજન્મ એટલે..?" ટેન્સીની આંખો ઝીણી થઇ.

"એટલે એમ કે આ તમારો પુનરજન્મ છે. જયારે હું એ ઝાલીમ પ્રેતાત્માની મેલી મથરાટને પૂરી ના થવા દેવા અને તમારું રક્ષણ કરવા પ્રેતયોનિમાં સબડી રહી છું...!" વર્ષોનાં વહાણાં વાયાં હતાં.

અઘોરીના દિમાગનો લાવા ઠર્યો નહોતો. તમારી ૧૮મી વર્ષગાંઠની એણે બે સમયથી રાહ જોઇ આજે તમને ૧૯મુ બેસવું અને એ શેતાન તમને એના વિસ્તારમાં ખેંચી લાવવામાં સફળ થયો.

મારો આ ખંડ એની હદમાં જરૂર છે છતાં હું પહેલાથી જ આખા ખંડને અભિમંત્રિત જળથી પવિત્ર રાખુ છું.

જેથી એ મલિન આત્મા આ કમરાની હદમાં પ્રવેશવા અસમર્થ છે.

અને એટલે જ મારી હાજરીથી આજ સુધી તે અજાણ રહ્યો છે..!"

"હં, હવે કંઈક મને સમજાય છે..!"

એેણે માથું હલાવ્યું.

"પ્રેતાત્મા પૂરી બેફિકરાઈથી બહાર ગયો હોવો જોઈએ. એ તકનો લાભ લઇ તમે મને પેલા બંધિયાર કમરામાંથી છોડાવી લીધી..!"

"હા તમારી કલ્પના સાચી છે.!"

"તમારા કરતાં ઘણો શક્તિશાળી હશે ખરું ને..?" ચિંતાયુક્ત ચહેરે ટેન્સીએ પૂછ્યુ.

"મારા કરતાં એ અધિક શક્તિશાળી છે..!"

"તો પછી મારું તો આવી જ બન્યુ. ટેન્સીના કપાળમાં બે સળ પડ્યા. મને પૂરી દઈને શેતાન ક્યાં ગયો હતો.? એ તમે કહી શકશો..?

જરૂર એ તમારી સહેલી શૈલીને લેવા ગયેલો..

તમે જે રાક્ષસી દેડકો જોયો એની ગણી પણ ના શકાય એટલી સંખ્યામાં નાની-નાની લાલ જીવાત અહીં ખદબદે છે.

કાલે અમાવસ્યાની રાત્રે તમારા બલિ સુધી એ અઘોરી પ્રેતાત્મા પોતાની તમામ જીવાતને માનવ રક્તપાવી સશકત કરી દેવા માંગે છે.

જેની શરૂઆત તમારી સહેલીથી થઈ ગઈ છે..!"

"ઓહ..! પિશાચની ક્રૂરતાનો અહેસાસ જાણે હવે જ એને થઈ રહ્યો હતો.

મલ્લિકાની વાત સાંભળી ટેન્સી હતાશ થઈ ગઈ.

એની દરેક વાત વિશ્વાસપૂર્ણ લાગતી હતી એ રહસ્ય તેમને સમજાયું નહિ.

શું એ શૈતાન શૈલીને અહીં ભૂગર્ભ સુધી લાવેલો..?

ડૂમાઈ ગયેલા ગળગળા સાદે ટેન્સીએ પૂછયુ.

"હા, એને તમારું રૂપ ધરીને શૈલીને ભોળવી દીધેલી." એટલું બોલતાં બોલતાં મલ્લિકાને ઘણું કષ્ટ પડ્યું.

શૈલી તમારા રૂપમાં રહેલા પ્રેતાત્મા પાછળ જતી હતી ત્યારે મેં એને રોકવાની મથામણ કરી પણ નિષ્ફળ ગઈ શું તમારો જીવ બચાવવા માટે મારે પ્રેતાત્માની નજરમાં હમણાં આવવું નહોતું.

તમારું જીવન પ્રેતાત્માના વિનાશ માટે મહત્વનું છે.

ત્યારે તો હું મારા માતા-પિતા અને મારા સ્વામી વનરાજના મૃત્યુનો બદલો લઈ શકીશ.

અને તો જ એ પાશવી શક્તિ ને હું નાથી શકીશ.

વનરાજ નામ સાંભળી તેના મગજને એક બીજો જ શોક લાગ્યો.

" વનરાજ.. વનરાજ ..વનરાજ..!" આ નામ સાથે કોઈ અત્યંત નિકટનો નાતો હોય તેમ એ બબડતી રહી.

જાણે એવું લાગતું હતું કે આ નામ વારંવાર એના કાને અથડાયુ હતું.

એ બબડતી રહી વનરાજ... પળ માટે શૈલી બધું ભૂલી ગઈ.

"ટેન્સી..!" મલ્લિકાએ ટેન્સીની તંદ્રા તોડી.

પેલા બંધિયાર કમરામાં પ્રેતાત્માની મલિન અસરથી તમે બેશુદ્ધ થઇ ગયેલા. વનરાજનો ભેદ અકબંધ રાખી મલ્લિકાએ આગળ ચલાવ્યું.

શૈલીને ભોળવી લાવી અતી ક્રૂરતાથી એનુ રક્ત પ્રેતાત્માએ ચૂસી લીધું.

ઢીંચાણો નીચેથી ખવાઈ ગયેલા માંસવાળી લાશ સાથે પ્રેતાત્મા બહાર નીકળી ગયો. આ સમયે તકનો લાભ લઈને હું તમને મારા કમરામાં લઈ આવી.

"તમને અઘોરીનો પ્રેતાત્મા અચાનક આવી જશે એવો ડર નહોતો લાગ્યો..?"

ટેન્સીએ નંખાઈ ગયેલા સ્વરે પૂછ્યું.

તેની પડખે સહેજ વધુ નજીક સરકતાં મલ્લિકાએ જવાબ વાળ્યો.

"મેં અગાઉ કહ્યું ને ટેન્સી.. પ્રેતાત્મા એક પછી એક માણસને પોતાનો કોળીયો બનાવી અધિક લોહી પિવાનો હતો.

તમને તો હું પ્રેતાત્માની કેદખાનામાંથી છોડાવી લાવી એ વાતનો લેશમાત્ર એને અંદેશો નહોતો.

તમને બંધનમાં ઝકડી લઈ બેફિકર થઈ એ બહાર ગયો હતો. જે તુર્ત જ પાછો ફરે એ વાતમાં માલ નથી.

"ન જાણે કેટકેટલા લોકોનો એ ભોગ લેશે..!ટેન્સીએ લાંબો નિસાસો નાખ્યો. તેને અજંપો ઘેરી વળ્યો.

ટેન્સી મલ્લિકાએ મૌનને વિસ્તરવા ન દીધુ..

"તમારા સાથ વિના હુ એ હેવાન સામે લાચાર હતી પણ આજે મને પૂર્ણ વિશ્વાસ છે. કાલની મધ્ય રાત્રી એના માટે કાળ સાબિત થશે..!

"એક વાત પૂછુ મલ્લિકા..?"

"પૂછો..!" ટેન્સીની આંખો કળવાની મથામણ મલ્લિકાએ કરી.

આપણે ઘણી બધી વાતો સ્નેહીની જેમ કરી. આત્મિયતાના બંધનથી આપણે બંધાએલા હોઈએ એવુ મને લાગે છે. સમજાતુ નથી તમે મને બહુમાનથી કેમ સંબોધો છો..? મને 'તુ' કહેશો તો વધુ આનંદ થશે..! શ્વેત પરિ જેવી લાગતી મલ્લિકાના કોમળ ચહેરા પર રતાશ ઉભરી આવી.

એની ભૂખરી કાજલી આંખોમાં શરમ લિંપાઈ ગઈ.

"હું તમને ચાહુ છું વનરાજ..! હુ તમારી અર્ધાંગના ..!"

મલ્લિકાના એટલા ખૂલાસાથી ટેન્સી સજ્જડ થઈ ગઈ.

પછીએ સહેજ મલકી. એનુ ગદગદિત મન કહેતુ હતુ.

"મને હતુ જ કે મારે આ નામ સાથે જરુર કોઈ ઘનિષ્ઠ સબંધ હોવો જોઈએ.

હું તમારો વનરાજ છું...! અમસ્થુ જ વિસ્મય ટેન્સીએ વેર્યુ.

"હા, આવો ત્યાં બેસીએ..! હું તમને માંડીને બધી વાત કરૂ..

સામેની દિવાલને અડીને ચારેક બેઠકો હતી.

ટેન્સીનો હાથ પકડી બેઠક સુધી લઈ આવેલી મલ્લિકાએ એને પડખે બેસાડી. મલ્લિકા પોતે પ્રેતાત્મા હતી. છતાં ટેન્સીને એના સાનિધ્યમા જરાય ભય લાગતો નહોતો.

કદાચ એ માટે પેલી અગમ્ય સ્મૃતિઓનો અણસાર જવાબદાર હશે..!

મલ્લિકાનો ચહેરો એણે પ્રથમ નજરે ઓળખી લીધેલો. મલ્લિકા માટે એને જરાય અવિશ્વાસ હવે નહોતો રહ્યો.

ટેન્સી..! હવે તમે સાંભળો હું તમને આપણા પૂર્વજન્મની એક ભયાનક અને ગોઝારી ઘટનાની વાત કરુ. મલ્લિકાએ વાત આરંભી..!

(ક્રમશ:)