કાલ કલંક - 5

વૈદરાજે પાણી હળવું ગરમ કરાવ્યું.

એ પાણી વડે કુમારનો જમણો પગ મખમલી વસ્ત્રથી સાફ કર્યો.

ત્યારબાદ ઘૂંટણની જોડમાં થયેલા ધાવને રાજવૈદે બારીકાઈથી જોયો નીચેના ભાગે

તેમજ ગામની ફરતે થી ચામડી ઢીલી પડતી જતી હોય તેમ જણાઈ આવતું હતું મગજમાં ધડ બેસી ગઈ હોય એમ ચોક્કસ નિર્ધાર કરી વૈદરાજ બોલ્યા.

"મહારાજ કુમારને કોઈ ઝેરી જાનવરે એ ડંખ દીધો લાગે છે..!"

વૈદરાજની વાત સાંભળી રાજા રાણી સ્તબ્ધ બની ગયાં.

આઘાત મૂઢ બની મલ્લિકા ત્યાં જ ઢગલો થઈ ગઈ.

હોંફળાં-હોફળાં મહારાણી મલ્લિકા જોડે ઘસી આવ્યાં.

એક-બે સ્ત્રીઓની મદદ લઈ એમણે નાના રાણીને અંતેવાસમાં લીધાં.

"ફિકર ના કરશો મહારાજ.. નાનાં રાણી આઘાતમાંથી પણ વળતાં જ હોશમાં આવી જશે..!"

"હમણાં તો મારે કુમારનો ઇલાજ કરવો છે

વૈદરાજે ઔષધિઓની બેગ ખોલી..

કુમારના પગે થયેલા ઘાવ પર ઝહેરને ચૂસી લેતી ઔષધિના ચૂર્ણનો લેપ લગાવ્યો.

"આ ઔષધિ કુમારના પગનું તમામ વિષ ચૂસ જશે મહારાજ..!

સાંજ સુધીમાં કુમારને હોશ આવી જવો જોઈએ..!

હમણાં હું જાઉં છું ..

કલાક બબ્બે કલાકે કુમારને તપાસતો રહીશ...!"

વૈદરાજે જવાની ઇચ્છા પ્રકટ કરી.

રાજાએ રાજવૈદ્યને દક્ષિણા આપી વિદાય કર્યા.

ત્યાર પછી કુમારની દશા બગડતી ચાલી. ઠીક થવાનું તો ક્યાંય રહ્યું એ કુમારનો ધાવ પૂરાવાને બદલે ફૂલાતો ગયો.

જેના લીધે આખો પગ સોજાતો ગયો. અચ્છા અચ્છા રાજવૈદો તૂટી ગયા.

કોઇની કારી કારગત ન લાગી.

મોટા શૂરવીરો અને બળિયાઓ સામે બાથ ભીડનારો રાજા પુત્રની યાતના સામે પડી ભાંગ્યો.

નાનાં રાણી છેક બીજા દિવસની પરોઢે હોશમાં આવ્યાં.

એમણે કુમારને જોવાની ઈચ્છા પ્રગટ કરી. મહારાણીના મનાઇ હુકમને અવગણી મલ્લિકા કુમારના કમરામાં દોડી ગઇ. અર્ધબેભાન રાજકુમારના પગનો સોજાવાને લીધે થયેલો ઘેરાવો જોઇને એ ડરી ગઈ.

"મા..!, આ જુઓને મા..! કુમાર હજુ ઊઠ્યા નથી..! મહારાણી સામે મલ્લિકાની આંતરડી કકળી ઊઠી.

"એમનો પગ તો ઠીક થવાને બદલે સોજાઈ ગયો છે..

મારે કુમાર ઠીક જોઈએ..!

મારા કુમારને બોલાવો..

એ કંઈ બોલતા કેમ નથી.?

મારાથી એમની આવી દશા જોઈ જતી નથી..!

કંઇક કરો મા..! તમે કંઈક કરો...!"

મલ્લિકા કુમારની છાતી પર હાથ પછાડતી હતી.

કુમારના પલંગ સાથે માથું અફળાવતી હતી.

મલ્લિકાનુ આક્રંદ જોઈ રાજમાતાનું અંતર દ્રવી ઊઠ્યું.

કરુણાનિધિ રાજાના દુઃખમાં પ્રજા પણ સામેલ હતી.

પ્રત્યેક પ્રજાજન રાજકુમારની દિન-પ્રતિદિન બગડતી જતી હાલતને જોઈ ચિંતિત હતો. કુમારનું કષ્ટ મલ્લિકાના હોશ ઉડાવી ગયેલું.

એ પાગલની જેમ કુમારના પગ પકડી બેસી ગયેલી.

"ઉઠો કુમાર..! ઉઠો..! તમે બોલતા કેમ નથી..?"

એની જીભે બસ એક જ લવો હતો.

સાત સાત દિવસના વહાણા વાયાં હતાં. કુમારની દશા યથાવત રહી.

હવે કુમારના બચવાની આશા મહારાજે છોડી દીધી.

તેઓ મહાપરાણે રાણીમાને સમજાવતા હતા.

હિંમત દેતા હતા.

મલ્લિકાનું શું થશે..?

એ સવાલ એમને ભીતરે ભાલાની જેમ ખૂંચતો હતો.

ત્યારે જ એક ઘટના ઘટી.

મહારાજ સ્તબ્ધ થયેલા.

રાણીમાએ રાજાની તંદ્રા તોડી.

"કુમારની સાથે મલ્લિકાની હાલત બગડતી જાય છે..

મને તો લાગે છે કુમારની સાથે-સાથે ક્યાંક આપણે મલ્લિકાને પણ..!"

બસ કરો મહારાણી..!

મહારાજે હાથ આડો કરી રાણીમાને બોલતા અટકાવી દીધા.

"આવું અશુભ ના બોલો.. ભગવાન સૌ સારાવાના કરશે..!

એ મલ્લિકાના સિંદૂરની લાજ રાખશે..!"

" તમે આ શું વાત કરો છો મારા નાથ..! તમે તો જાણો જ છો ને કે ભલ-ભલા વૈદ્યો કુમાર નો ઇલાજ કરવામાં વામણા સાબિત થયા છે.

હવે તો એકેય વિશ્વાસને લાયક રહ્યો નથી. તો પછી ..?'

મહારાણીએ વિસ્મય વ્યક્ત કર્યું.

કુમારનો ઇલાજ કરવો એ હવે કોઈ વૈદરાજની વાત રહી નથી.

મહારાજે વાતનો ફોડ પાડતાં કહ્યું.

હવે તો કોઈ ચમત્કાર જ કુમારને બેઠો કરી શકે..!"

"તમે શું કહેવા માગો છો સ્વામી..! હું કંઈ સમજી નહીં...?"

"તમે તો જાણો જ છો મહારાણી.. આપણે કુમારને સાજો કરનારને મોટું ઇનામ આપવાનું જાહેર કરેલું..

આ આખીયે વાતનો આજુબાજુના તમામ નગરોમાં ઢંઢેરો પિટાવી જાણ કરેલી..

છેલ્લા સાત દિવસની જેમ આજે પણ સભામાં ઘેરો સન્નાટો હતો.

શોક હતો.

કામકાજની જરૂરી ચર્ચા સિવાય કોઈનું ધ્યાન બીજે ગયું નહોતું.

તમામ સભાસદોએ તાજેતરની પરિસ્થિતિ ની આમન્યા જાળવી છે.

રાજાએ લાંબો શ્વાસ ખેંચી સહેજ વિરામ લઇ આગળ કહ્યું.

"આજે ભરી સભામાં એક અજનબીએ મારી સંમતિથી પ્રવેશ કર્યો.

લઘરવઘર ટૂંકા વસ્ત્રો..

લાંબા લાંબા વાળ..

અને માથે વાંસમાંથી બનાવેલી ટોપી એણે પહેરેલી.

કાળા ભરાવદાર જાડી ચામડી વાળા એના જમણા હાથમાં લાંબી ડોંગ હતી.

એનો દીદાર જોતાં જ ખ્યાલ આવી જતો હતો કે એ કોઈ જંગલી છે.

"રાયગઢ નગરીના રાજા માનસિંહે મારા કોટિ કોટિ પ્રણામ..!"

જંગલી જેવા લાગતા માનવી ઝૂકીને સલામ ભરી વિવેક કર્યો.

"બોલો સજ્જન.. રાજા માનસીગ તમારી શું સેવા કરે..?"

"કોઈ સેવાની મારે જરૂર નથી માઈબાપ..! જંગલી માનવે ખુલાસો કર્યો.

"હું તો આવેલો એક ખાસ વાવડ લઈને.

"મેં સાંભળ્યું છે કે રાયગઢ નગરીનો રાજકુમાર અન્ન પાણી લીધા વિના સાત સાત દિવસથી પથારીમાં પડ્યો છે..!

"તમે ઠીક સાંભળ્યું છે સજજન..!

કુમારની વેદના એવીને એવી છે.

એની દશા બગડતી જાય છે.

સુધારો કોઈ જણાતો નથી..!"

" તો ખમ્મા કરો માઈબાપ..!

મુજ ગરીબની એક વાત માનો.

મારે કશું જ જોઇતું નથી.

પણ માણસાઈના નાતે મારો ધર્મ સમજી હું તમને જાણ કરું છું.

પડોશી નગરી સુરગઢની સીમમાં ઘટાટોપ લીમડાના વૃક્ષ નીચે એક અઘોરી સમાધિગ્રસ્ત બેઠો છે.

એ આત્મા દેવતાઈ છે.

એને લોકોને ચાલતા કર્યો છે.

નિઃસંતાનને સંતતિ વાળા અને કુષ્ઠ રોગીને રોગ મૂક્ત કર્યાના ઘણા દાખલા લોકોએ જોયા છે.

આપણા મહેલમાં અઘોરીને માનભેર લઇ આવો.

મને વિશ્વાસ છે રાજકુમાર વનરાજ પુનઃ તાજામાજા થઈ જશે..!"

જંગલી માનવની વાત સાંભળી આખી સભા સ્તબ્ધ થઈ ગઈ.

એના અવાજમાં વિશ્વાસનો રણકો હતો. મારે એની વાત માનવી પડી.

જંગલી માનવનો માનપાન સાથે આદર સત્કાર કરી એને આપણા અંગત માણસો સાથે સુરગઢ મોકલ્યો છે.

અઘોરીને લઈ હવે તો એ કાફલો આવતો જ હશે.

રાજાએ રાણીને સવારની ઘટના કહી સંભળાવી.

એમના મુખ પર આજે નોખું જ તે જ ઝબકતુ હતુ.

"તમારી આશા મારા વિશ્વાસને ટકાવી રાખે છે નાથ..! ભગવાન જરૂર વેળા વાળશે..!" રાણીમાને આશા બંધાઈ.

રાણીમાં..ઓ રાણી માં..!"

દોડતી દોડતી એક દાસી કુમારના શયન કક્ષમાં પ્રવેશી.

"નાનાં રાણી હોશમાં આવી ગયાં છે એ આપને યાદ કરે છે..!"

"જા હુ આવું છું..!"

કહેતાં મહારાણી ઉભાં થયાં.

"સ્વામી.. તમે કુમારની પડખે બેસો..! હું મલ્લિકા જોડે જાઉં છું..!"

રાણીમાં ઉતાવળા પગલે રાણીવાસ તરફ ભાગ્યાં.

કુમારની સાથે સાથે મલ્લિકાએ અન્નજળ ત્યાગેલુ.

મહાપરાણે ક્યારેક રાજા-રાણી મલ્લિકાને જમાડી શકતાં.

હોશમાં રહેલી મલ્લિકા ગભરાતી.

જાગતી આંખે ભયંકર અમંગલકારી વિચારો કરતી.

અને એવો જ અશુભ બડબડાટ કરી ચિલ્લાતી.

જેથી વૈદરાજજી જોડેથી ઊંઘની દવા લઈ પરોક્ષરીતે મલ્લિકાને પાવી મહારાજ ઘણો ખરો સમય એને ઊંઘમાં રાખતા.

વૈદરાજ ઘણીવાર કહેતા પણ ખરા. "મહારાજ અતિ બેશુદ્ધિ મલ્લિકાની માનસિક સમતુલા પર વિપરીત અસર કરી શકે છે..!"

ત્યારે રાજા હતભાગી બની પોકારી ઉઠતા "હવે તમે જ કહો વૈદરાજ..! આ સિવાય મારે કરવું ?

મલ્લિકાનું આક્રંદ મારાથી સહન થતું નથી કુમારની અવદશા મલ્લિકાનો જીવ લેશે એવી ભીતિ મારા મનનો કબજો છોડતી નથી..!"

એવુ ના બોલો મહારાજ.. તમારી પુત્ર વધુ સો વર્ષની થાય..!

એને કંઈ નહીં થાય..

પણ ક્ષમા કરશો.

હવે પછી મલ્લિકાને બેશુદ્ધ કરવાની ધૃષ્ટતા હું નહીં આચરી શકુ.

મારો આત્મા મને રોકે છે..!"

"જેવી તમારી મરજી વૈદજી..!"

રાજા માનસિંહે નિરાશ વદને ઉત્તર વાળ્યો. વૈદજીના ગયા પછી રાજા સુન્ન મને બેસી રહેલા.

મલ્લિકાનુ આક્રંદ રાજાને થથરાવી ગયેલું. એટલે જ મલ્લિકા હોશમાં આવ્યાની વાત સાંભળી તેઓ હતભાગી બન્યા.

"હવે શું થશે..?

શું મહારાણી મલ્લિકાને જાળવી શકશે ખરાં..?

તે ધમપછાડા અને બૂમ-બરાડા તો નહીં પાડેને..?

કેટલાય બંડખોર સવાલો એમના ભીતરને ફણીધર નાગની જેમ દંશતા રહ્યા..

( ક્રમશ:)

***

Rate & Review

Verified icon

Vasu Patel 3 months ago

Verified icon

Jayshree Patel 4 months ago

Verified icon

Dhara Patel 4 months ago

Verified icon

Nita Mehta 4 months ago

Verified icon

Jaydeep Saradva 5 months ago