Muj sange tari preet books and stories free download online pdf in Gujarati

મુજ સંગે તારી પ્રીત

મુજ સંગે તારી પ્રીત

ધ્રુવે રાત્રે બાર વાગ્યે તેના મકાન માલીકને જગાડીને તેના રૂમની ચાવી માંગી. ધ્રુવ ન્યૂજપેપરમાં કામ કરતો હોવાથી નોકરીએથી પરત આવવાનો કોઈ પાક્કો સમય જ નહોતો.જાત જાત ની શુભ અશુભ ખબરો એને થકવી દેતી. સમાચાર મેળવવાની ભૂખ ને કારણે પોતાની જ ભૂખ તરસ ભૂલી જતો. ધ્રુવે રૂમની સફાઈ કરી પથારી પાથરી ને શરીર ઢીલું મૂક્યું. બારી માંથી આવતા ઠંડા પવને એને સુવડાવી દીધો.

પણ સવારના આઠ વાગ્યે જ કોઈ વિહિકલ શરૂ કરવાના કર્કશ અવાજે એની ઊંઘ ઉડાડી. ધ્રુવે આમ થી આમ પડખા ફેરવ્યા પણ વિહિકલ શરૂ થતું નહોતું અને આખીય શેરી ગજવતું રહ્યું. ધ્રુવનો પારો સવાર સવારમાં જ ચડી ગયો. એ બાલકનીમાં જઈ કશું બોલે એ પહેલા જ એને ભાન થયું કે એ એક છોકરી હતી. એટ્લે એણે ગુસ્સા પણ નિયંત્રણ મેળવ્યું. છોકરી મોઢા પર સ્કાફ બાંધીને એક્ટિવા ચાલુ કરતી હતી. પણ ઠંડી ને હિસાબે એક્ટિવા ચાલુ નહોતું થતું. છોકરી એ બાલકનીમાં મદદ માગતી નજરે ધ્રુવ સામે જોયું. ધ્રુવે નીચે જઈને એક્ટિવા ચાલુ કરવાના પ્રયાસ આદર્યા! સેલ્ફ સ્ટાર્ટ લાગતો નહતો એટ્લે ધ્રુવે કીક મારીને એક્ટિવા ચાલુ કરી આપી.

ધ્રુવ ને મોઢે બાંધેલા સ્કાફ માથી આછું પાતળું થેન્ક યુ સંભળાયું. ધ્રુવ તેની રૂમે જતો રહ્યો, ન્હાય ધોઈને ઓફિસ જવા નીકળી ગયો. મ્યુનિસિપાલિટી ની બહેનો શેરી વાળતી હતી, ધ્રુવ ધૂળની ડમરી માથી જટપટ બહાર નીકળી ને રિક્ષા કરી ચાલ્યો ગયો. ધ્રુવને આ નોકરી ગમતી તો નહીં પણ, પોતાનું રૂમ ભાડું અને ખિસ્સા ખર્ચી નીકળે એ માટે શહેરો ની ખબરોમાં ખોવાતો રહ્યો. અને સમય નું કાઇ નક્કી નહીં, તંત્રી કહે ત્યાં સુધી સમય ભરવાનો. એટ્લે રોજ સાડા બાર એક થઈ જતાં. ધ્રુવ આવીને રોજની જેમ સફાઈ કરી. બારી ખુલ્લી હોવાને કારણે ધૂળ તરત જ અંદર પેસતી. સફાઈ પતાવીને પથારી પાથરી દે. ધ્રુવ માટે તો ક્ષણ ભર માં રાત પતિ જતી અને સવારે ફરી પેલી એક્ટિવા વાળી એની ઊંઘ હરામ કરે. ધ્રુવે તો આજે નક્કી કરી રાખ્યું હતું કે એને કહી દેવું છે કે એનું ફટફટીયું આગળ જઈને શરૂ કરે. ધ્રુવ દાદરા ઉતરીને બોલવા જ જતો હોય ત્યાં એ છોકરી એ પોતાનું સ્કાફ ખોલીને એક્ટિવાને ઘોડી ચડાવી. ધ્રુવ એના માસૂમ ચહેરા ને જોઈને એના શબ્દો અને ગુસ્સા ને ઠંડા પાડી દીધા.

છોકરી બોલી ઉઠી, “આ લગ્નની સીજન ચાલુ છે, એટ્લે પાર્લરે રોજ વહેલા જવું પડે છે, અને એક્ટિવા ને સવાર સવારમાં જ મોત આવે છે. દિવસે તો તરત જ ચાલુ થઈ જાય છે,”

ધ્રુવે કહ્યું, “ કશો વાંધો નહીં, સવાર માં એન્જિન થીજી જતું હોય છે, આને કીક થી ચાલુ કરશો તો ચાલુ થઈ જશે.” ધ્રુવે એક્ટિવા ને કીક થી ચાલુ કરી. છોકરી એ ગાડી પર બેસતાં બેસતાં કહ્યું, “મારુ નામ નીલમ છે, આ ઘરમાં જ રહું છું, તમે?

“હું હર્ષદ ભાઈના મકાનમાં બીજા ફ્લોર પર” ધ્રુવે આખો ચોળતા જવાબ આપ્યો. નીલમ એક્ટિવાને લીવર આપીને ધ્રુવ ને થેન્ક યુ કહી ચાલી ગઈ. ધ્રુવ ઉપર આવીને ઓફિસ જવા તૈયાર થઈ ગયો. અને રોજ ની જેમ રિક્ષા કરીને દિવસ ને ખેડવાનું ચાલુ કરી દીધું. ઓફિસમાં દાખલ થતાં ની સાથે જ રંગબેરંગી કાગળના ફટાકડા ફૂટયા. અને તાળીઓના આવાજ અને ધ્રુવના નામની ચિચિયારીઓ સંભળાઈ. આખીય ઓફિસને નવોઢાની જેમ શણગારેલી હતી. છાપાના તંત્રી ધ્રુવને ગળે મળ્યા. ધ્રુવ કઈ સમજે એ પહેલા જ બધા એ શુભકામનાઑ વરસાવી દીધી. ધ્રુવને એ છાપાનો સહતંત્રી નિમ્યો હતો. પાંચ વર્ષથી રાત દિવસ સતત મહેનત કર્યાનું ફળ આજે મળ્યું હતું. આખોય દિવસ સેલિબ્રેશનમાં જ પસાર થઈ ગયો, ધ્રુવે ઘરે સમાચાર આપીને સ્ટાફ સાથે ડિનર પર જવા નીકળી ગયો. સાંજનું ડિનર પતાવીને રૂમ તરફ જવા નીકળી ગયો, રસ્તામાં એણે નવા ફ્લેટમાં શિફ્ટ થવા નું વિચારી લીધું, પહેલીવાર સાંજે આઠ વાગ્યે ઘરે આવેલો અને દરવાજો ખોલે એ પહેલા જ એની નજર એક્ટિવા પર પડી, એટ્લે નીલમ યાદ આવી ગઈ. સવારમાં એનો ચેહરો જોયા પછી જ એનું પ્રમોશન થયું હતું. એ એક્ટિવા નો આભાર માની રૂમમાં ચાલ્યો ગયો. ધ્રુવ ને આખી રાત ઊંઘ ન આવી, નીલમ સાથેની મુલાકાતના લીધે એનું પ્રમોશન થયું કે એની મહેનત રંગ લાવી? એજ વિચારો અથડાયા કરતાં. એજ અવઢવમાં સવારના છ વાગી ગયા. બાલ્કનીમાં બેસીને નીલમની રાહ જોવા લાગ્યો. નિલમે ઘરનો દરવાજો ખોલી એક્ટિવાને અડકે એ પહેલા બાલકનીમાં નજર ફેરવી. ધ્રુવે નીલમને પાંચ મિનિટ ઊભા રહેવા ઈશારો કર્યો. ધ્રુવ તૈયાર થઈને જ નીચે ગયો. નીલમ પાસે આવીને હસતાં ચેહરે ગાડી સ્ટાર્ટ કરી. નિલમે એની સ્માઇલ જોઈને પૂછ્યું, “કેમ આજે એટલા જલ્દી જલ્દી, ક્યાય ફરવા જવાનું છે કે શું? “ના આજે હું મારા ન્યૂજપેપર નો સહતંત્રી બની ગયો છું. કાલે જ મારુ પ્રમોશન થયું.” ધ્રુવે કહ્યું.

નિલમે કહ્યું, “ ઓહો,કોંગ્રેસ્ટ! તમે મારુ નામ તો જાણી લીધું, પણ તમારું...

“ધ્રુવ રાજ્યુગુરુ”

“તો તંત્રી સાહેબ પાર્ટી ક્યારે આપશો?” નિલમે અદપ વાળી કહ્યું.

ધ્રુવે કહ્યું, “ તો ચાલો પાછળ બેસી જાઓ, લાલજીનું સેવ ઉશળ ખાવા જઇયે. !

નીલમ પાછળ બેસી ગઈ, અને બંને શેરીની ધૂળની ડમરી માથી સરકી ગયા. અને લાલજીની લારી એ ઊભી રાખી. ધ્રુવે બે ડિશ સેવ ઉશળ ઓર્ડર કર્યું. નિલમે કહ્યું, “ સારું છે આપણી શેરીમાં તમે વહેલા જાગો છો, નહિતર આ એક્ટિવા ક્યારે શરૂ થાય.?

ધ્રુવે કહ્યું, “એતો તમારું ફટફટીયું આવાજ કરે છે એટ્લે હું જાગી જાઉં છું,” નિલમે હસતાં હસતાં સોરી કહ્યું.

ધ્રુવે કહ્યું, “બટ થેન્ક યુ !”

નિલમે ચહેરા પર પ્રશ્નાર્થ લાવીને પુછ્યું, “પણ શેનું?”

ધ્રુવે સેવ ઉશળની ડિશ અંબાવીને વિષય બદલી નાખ્યો, અને પુછ્યું, “બાય ધ વે કેવું ચાલે છે તમારું પાર્લર?”

નિલમે સેવ ઉશળની ચમચી ભરીને કહ્યું “ટનાટન, આજ સિજન છે અમારી, સવાર સવારમાં ચાર ચાર દુલ્હન ને તૈયાર કરું છું, અને જાનૈયાઑ તો અલગ. ભગવાન કરે ત્રણ સો ને પાસઠ દિવસ લોકો લગ્ન કરે !”

હાસ્યની લહેરોએ અને સેવ ઉશળ ની વરાળે બંનેને અંગત બનાવી દીધા, પછી તો રોજે સવારમાં સેવ ઉશળની પાર્ટીઓ થવા માંડી. એક બંધ એક્ટિવા એ બંનેની દોસ્તીને સેલ્ફ સ્ટાર્ટ કરી દીધી હતી. બંને ને એકબીજાની જિંદગીમાં સુખનું સરનામું જડ્યું.! રોજે એ એક્ટિવા પર નીલમ ને બેસાડી ને સવારના શહેરની સફર કરતો થઈ ગયો.

ધ્રુવ નોકરીએથી આવીને સાંજે નીલમને ઉપર છલ્લું મળીને રૂમમાં ચાલ્યો ગયો. રોજની જેમ રૂમ સાફ કરીને પથારી પાથરી દીધી. હવે તો નવા ફ્લેટમાં રહેવાનુ પણ માંડી વાળ્યું હતું કારણ કે અહી રહેવાનું કારણ મળી ગયું હતું. ઉપર ફરતા પંખાને જોતાં જોતાં વિચારવા લાગ્યો કે નીલમ ને દિલ ની વાત કહી દઉં કે નહીં, કદાચ ના પાડશે તો આ દોસ્તીનું સમૃદ્ધ સગપણ પણ તૂટી જશે. પણ મારા વગર તો એનો દિવસ પણ નથી ઊગતો, અને અંતે એણે નક્કી કરી લીધું કે કાલે ફૂલો આપીને નીલમની પ્રપોજ કરી નાખશે. બજાર માથી તુરંત ફૂલો લાવીને એક પાણી ભરેલી થાળીમાં મૂકી દીધા. અને બધુ જ ભગવાન પર છોડી ને લાઇટ બંધ કરવા જ જતો હતો ત્યાં કોઈએ બારણે ટકોર કરી. ધ્રુવે બારણું ખોલ્યું તો સામે સાઇઠ વર્ષના વડીલ હતા. તેમણે ચશ્માંની દાંડલીઓ સરખી કરી ને પૂછ્યું, “થોડી ખાંડ મળશે? તારા રૂમની લાઇટ શરૂ હતી એટ્લે મને થયું કે તું જાગે છે, મને રાત્રે જાગવાની અને ચા પીવાની આદત છે, અને આજે ખાંડ ખલાસ થઈ છે.”

ધ્રુવે તેમને અંદર આવવા કહ્યું. ધ્રુવ રસોડામાં ખાંડ લેવા જતો જ હતો ત્યાં એ વડીલ બોલી ઉઠ્યા, “હું મધુકર મહેતા. નીલમ ના પપ્પા !

“અરે અંકલ તમે, તમને વાંધો ન હોય તો ચા બનાવી નાખું?” ધ્રુવના ચહેરા પર હાસ્ય અને ગભરાટ સાફ દેખાતા હતા. મધુકર ભાઈએ પરવાનગી આપી, ધ્રુવે બે કપ ચા બનાવીને ટીપોઇ પર મૂકી. મધુકર ભાઈ એ ચા રકાબીમાં કાઢીને હોઠે માંડી ને પૂછ્યું, “કેવું ચાલે છે ન્યૂજપેપર?”

ધ્રુવને ખ્યાલ આવી ગયો કે નિલમે મારા વિશે જણાવી દીધું લાગે છે, “ખૂબ જ સરસ ચાલે છે અંકલ ! અઠવાડીયા પહેલા જ મારૂ પ્રમોશન થયું છે.

ધ્રુવ ચા પીવા જાય છે ત્યાં જ મધુકર ભાઈ પૂછે છે, “નીલમને પ્રેમ કરે છે?

ધ્રુવ ચા નીચે મૂકી ને કહે છે, “ના અંકલ અમારી વચ્ચે તો ફક્ત...”

મધુકર ભાઈ ધ્રુવને અટકાવી ને કહ્યું, “હું જાણું છું, તું એને પ્રેમ કરે છે, આ થાળીમાં પડેલા ફૂલો અને અડધી રાત ના ઉજાગરા જ એના સાક્ષી છે. એટ્લે જ તને મળવા આવ્યો છું. અને દીકરીનો બાપ છું. એની સહેજેય ચહલ પહલ ને વર્તી શકું છું. હમણાં જ એની રૂમ ગયો હતો. એ પણ હમણાંથી જાગતી હોય છે. કદાચ એ પણ તારા પ્રેમ માં છે! અને મને તમારા આ સબંધો થી સહેજ પણ તકલીફ નથી. કારણ કે હું નીલમ ને ઓળખું છું, એની પસંદગી બિલકુલ મારા જેવી છે, અને મે એને આટલી ખુશ પેલા ક્યારેય નહોતી જોઈ.સવાર સવારમાં એક્ટિવા શરૂ હોવા છ્તાં તને જગાડે છે, ફોન ને ક્ષણ ભર પણ દૂર નથી રાખી શક્તી. અને આવી પ્રીત બધાના નસીબ માં નથી હોતી, અને બધા ના નસીબમાં નીલમ પણ નથી હોતી.” ધ્રુવ મધુકર ભાઈની આખોમાં નીલમ પ્રત્યે નો સ્નેહ અનુભવી શકતો હતો. મધુકર ભાઈએ તેની થેલી માથી એક રંગ બેરંગી ભાત વાળું ફ્લાવરવાજ કાઢ્યું. અને કહ્યું, “જેમ દરેક સ્ત્રીને એક પુરુષના ઓથની જરૂર હોય છે, એમ આ તારા ફૂલોને ફ્લાવરવાજ ની જરૂર છે. આલે આ ફ્લાવરવાજ કાલે આ ફૂલોની સાથે આ ફ્લાવરવાજ પણ આપી દેજે. નીલમને ફ્લાવરવાજ ખૂબ ગમે છે. મધુકર ભાઈ જાય છે અને જતાં જતાં કહે છે, “ચા સારી આવડે છે તને. થેંક્સ ફોર ઈટ!” ધ્રુવે દરવાજો બંધ કર્યો. ધ્રુવ સવાર પાડવાની રાહ જોવા લાગ્યો. એજ ખુરશીમાં આખી રાત બેસી રહ્યો. ઊંઘ ક્યારે આવી ગઈ ખબર જ ન પડી. સવારમાં સવારમાં એક્ટિવા ચાલુ કરવાનો અવાજ સંભળાયો. ધ્રુવ તૈયાર થઈને એની ઓફિસ બેગમાં ફૂલો અને ફ્લાવરવાજ મૂકીને નીચે ઉતાર્યો. અને એક્ટિવા ચાલુ કરી.

ધ્રુવે નીલમને ગાડી ચલાવવા કહ્યું. ધ્રુવ પાછળ બેસી ગયો, નિલમે ગાડી લાલજીની લારીએ ઊભી રાખી. લાલજી એ એમને જોતા જ બે ડિશ બનાવી નાખી. બંને ટેબલ માં ગોઠવાયા. સેવ ઉશળ લાલજી એ મૂક્યું એટ્લે ધ્રુવે કહ્યું. “નીલમ મારે આજે તને એક વાત કહેવી છે.”

નીલમને એક્ટિવા પર જ ગુલાબના ફૂલો ની સુગંધ આવી ગયેલી. એણે સ્માઇલ સાથે ધીમે થી કહ્યું, “બોલ ને!”

ધ્રુવે કહ્યું, “ હું તને પ્રેમ કરું છું, તને હંમેશા ખુશ રાખીશ, દુનિયાની બધી જ ખુશીઓ આપીશ, તું મારી જીવનસાથી બનીશ?”

નિલમે હાસ્ય રેલાવતા કહ્યું, “લગ્ન પછી સેવ ઉશળ તો મળશે ને?”

ધ્રુવે કહ્યું, “ તું કહે તો આખી લારી જ ઘરે લઈ આવીશ!”

નીલમ હસવા લાગી, નિલમે પુછ્યું, “અને પેલા ફૂલ?”

ધ્રુવે સામો પ્રશ્ન કર્યો, “પણ તને કેમ ખબર કે હું ફૂલો લઈને આવ્યો છું?”

નિલમે કહ્યું, “ફૂલો સાથેતો મારે નાનેથી જ નાતો છે, એને જ ન ઓળખું એવું કેમ બને? ધ્રુવે ફ્લાવરવાજમાં ફૂલો નાખી આપ્યા.

નિલમે પૂછ્યું, “ આ ફ્લાવરવાજ ક્યાથી મળ્યું? આતો તૂટી ગયું હતું.! મારા પપ્પા એ મને બર્થ ડે પ્રેજેંટ કર્યું હતું. અને ત્રણ દિવસ પછી તેઓ એ અમારી વચ્ચે થી વિદાય લીધી હતી. આ મારા માટે તેમની અંતિમ ભેટ હતી. એમની ફૂલોની દુકાનમા જ મોટી થઈ છું. નીલમ ની આખોમાંથી આસું સરતા હતા. ધ્રુવ કન્ફ્યુજ્નમાં ચાલ્યો ગયો. હજી રાત્રે તો એને મળ્યા હતા. ધ્રુવે કહ્યું, “ પણ તારા પપ્પા તો..”

નિલમે ધ્રુવને અટકાવતાં કહ્યું, “હા મારા પપ્પા, મારા પપ્પા હોત તો આપણે મળ્યા જ ન હોત! એ હોત તો એક્ટિવા એજ ચાલુ કરી આપત. ધ્રુવે ફ્લાવરવાજની ભાત ને સ્પર્શતા કહ્યું, “નીલમ એ છે, એટ્લે જ આપણે મળ્યા છીયે, ભલે એ આ દુનિયામાં નથી. પણ એ હમેશા આપણી સાથે જ છે. આ ફ્લાવરવાજની જેમ !

- દિપક દવે