Taal purave dilni dhadkan - 2 books and stories free download online pdf in Gujarati

તાલ પુરાવે દિલની ધડકન - 2

તાલ પુરાવે દિલની ધડકન

ભાગ-૨

પૂજાએ નક્કી કરી લીધું હતું કે, હવે એને તકલીફ આપતી કોઈ વાત નહિ કરે, બસ એ ફટાફટ સાજો થઇ જાય પછી જ એને પૂછશે કે એ ગીત થી એને કેમ અણગમો આવી ગયો? શું હવે એને મારી સાથે પણ અણગમો આવી ગયો હશે? એના માટે એ ગીત એટલે હું,! એ ગીત એની રગેરગમાં દોડે છે. મને જોઇને તરત જ એ આ ગીતની લાઈનો ગાતો. હું એને પાણી નો ગ્લાસ આપતી ત્યારે પણ એને એ ગીત ગાવાનું બહાનું મળી જતું. “આજ પીઉં દરશનનું અમરત કાલ કસુંબલ કાવો, તાલ પુરાવે દિલની ધડકન પ્રીત બજાવે પાવો, તારી મસ્તીનો મતવાલો આશિક હું એકલો.!” એનાં નખરાઓ ક્યારેય ખૂટતા નહિ. ઘર નો દરવાજો ખુલ્લો હોય અને હું રસોઈ કરતી હોઉં અને ક્યારે એ પાછળ થી ભેટી પડતો ખબર જ ન રહેતી.

પૂજા એક માત્ર સથવારા સમાન એ દવાખાનાની દીવાલો ને ટેકો દઈને જૂની યાદોને યાદ કરીને સમય પસાર કરતી રહી. હોસ્પીટલના મુંજારા વચ્ચે એ બન્ને ની સ્પેશીયલ પળો એને હરખાવતી રહી, અને નકારાત્મક વિચારો એને હંમેશાની જેમ ડસતા રહ્યા. રોનકની આ હાલત એને મુંજવતી હતી, ખુબ મુશ્કેલ હોય છે પરફેક્ટ સાથી નું મળવું, જોકે ઈશ્ક મહોબતમાં આવા પરફેક્ટ હોવાના નિયમોને સ્થાન નથી પણ કહી શકાય કે એક બીજાની ઈચ્છા અને અપેક્ષામાં ખરા ઉતરવું, એકબીજાના કાલ્પનિક બીબામાં સમાય જવું. રોનક અને પૂજા એનાં ઉતમ ઉદાહરણ હતા. એ બન્ને વચ્ચે સમય અડીખમ ઉંબરો બની બેઠો હતો. એને સમય જાણે મૂઢ બની ગયો હોય એવું લાગ્યા કરતુ. આજનો દિવસ આવો ઉગશે એવું સપનેય નહોતું વિચાર્યું.!

સવારથી રાત થવા લાગી, અનાજ અને પાણી જીવવા માટે આવશ્યક છે એ પૂજા ભૂલી ગઈ હતી. ઉપરથી એટલું રડી કે એની આંખો પણ થાકી ચુકી હતી. રીસેપ્શન પર બેઠેલી નૈના પાણી ની બોટલ લઈને પૂજા પાસે આવી, નૈના એ પાણી આપ્યું અને પૂજા એ પાણી પીધું. પૂજા એ નૈના નો આભાર વ્યક્ત કર્યો. નૈના બોલી ઉઠી, “આટલી ચિંતિત શાને છો? એને કશું જ નહિ થાય, તારે તો જાણે એક ને જ પતિ હોય એમ કરે છો.! એક્સિડન્ટ ગંભીર હતું એટલે ઓબીયસલી થોડો સમય લાગશે. એમાં હારી જવાની જરૂર નથી. દવાખાનું તો બધાના જીવનમાં લખેલું જ હોય છે. તારા ચહેરા પરની નિરાશા એને દેખાશે એટલે એની જીવવા ની જીજીવિશા ઘટી જશે. એને સમય આપ. અને એમાં અન્ન જળનો શું વાંક છે. એને ત્યાગી ને કશો ફાયદો નથી.” પૂજાએ કહ્યું, “ નૈના, મને ભૂખ નથી !” નૈના કહ્યું, “ અરે પણ તે સવારનું કઈ ખાધું નથી. આમ ને આમ ભૂખી તરસી રહીશ તો તને પણ એડમીટ કરવી પડશે. મારું ટીફીન આવી જ ગયું છે,ચાલ તું મારી સાથે.” નૈના એનો હાથ પકડી ડાયનીંગ રૂમાં લઇ જાય છે. પૂજા મોઢું ધોઈ નૈના સાથે જમવા બેસે છે. તેઓ જમવા નું શરુ કરે છે. પૂજા ને અચાનક ચિંતન સાંભરે છે, એ નીકળ્યો હશે કે કેમ એ પૂછવા ફોન કરે છે. ચિંતન ફોન ઉપાડી કહે છે. “હા, દીદી હું હજી નીકળું છું, પપ્પાને માંડ માંડ કન્વીસ કર્યા છે. હું અમદાવાદ પર્સનાલીટી ડેવલપમેન્ટના સેમીનારમાં જાવ છુ એવું બહાનું આપ્યું છે. અને તેમણે હા પાડી છે, તું ચિંતા ન કર હું કાલ સાંજ સુધીમાં પહોચી જઈશ.” પૂજા એ કહ્યું, “કઈ વાંધો નઈ, સંભાળી ને આવજે. પાણી ની બોટલ યાદ કરીને લઇ લેજે, હું ફોન કરતી રહીશ બાય.!” પૂજા ફોન મુકી ને જમવા લાગે છે. નૈના ટીફીનના ડબ્બા વહેચીને બોલી, “ હમણાં રોનક ભાઈ સાજા ન થઇ જાય ત્યાં સુધી તું મારા ટીફીનમાં જ જમજે. મમ્મી આખું ટીફીન ભરી દે છે, અને હું આટલું બધું જમી ન શકું. અને ટીફીન ભરેલું ઘરે લઇ જાવ એટલે મમ્મી ટીફીન થી શરુ કરી મોબાઈલ સુધી નું લેક્ચર આપે.આઈ થીંક તારી સાથે પણ કોઈ આવ્યું નથી સો.. “અમે શહેરમાં એકલા જ છીએ લવ મેરેજ હતા એટલે..

નૈનાએ કહ્યું, “આઈ અંડરરસ્ટેન્ડ, ભાગીને,! અને આમેય રિલેશનમાં રોમાંચ તો હોવો જ જોઈએ ને. ટ્વીસ્ટ વાળી લાઈફ..” પૂજા નૈના ને અટકાવે છે, હાથ માં રહેલો કોળીયો મૂકી દે છે. એને એ ગીત સંભળાવા લાગે છે. ‘તારી આંખ નો અફીણી’ એ આમથી આમ શોધવા લાગે છે. કે એ ગીત ક્યાં વાગે છે. નૈના ચહેરા પર આશ્ચર્ય લાવી પૂછે છે, “શું શોધે છે, પેલા જમી લે પછી બધું કરજે.!” પૂજાએ પૂછ્યું, “તને એ ગીત સંભળાય છે? એ ક્યાં વાગે છે? ,કયું ગીત? નૈના પૂછે છે. પૂજા એ કહ્યું, “તારી આંખ નો અફીણી, એને બંધ કરવું પડશે, નહિતર ફરી રોનક ની તબિયત બગડશે.” નૈના એ કહ્યું, “કોઈક નો ફોન રણકે છે, હોસ્પીટલમાં કેટલીવાર સુચના લખી છે કે ફોન સાયલન્ટ રાખવો પણ લોકો ને ઉલટું જ કરવું છે. મેનર્સ નું ઓપોઝીટ એટલે ભારતીય! જેનો વાગતો હોય એનો તું બેસ ને!” પૂજાને ખ્યાલ નથી આવતો કે એ ક્યાં રૂમમાં વાગે છે. થોડી ક્ષણો બાદ ગીત આપો આપ બંધ થઇ ગયું. પૂજા જેવી ખુરશીએ બેસવા જાય છે ત્યાં એક નર્સ આવી ને કહે છે, “રોનક ભાનમાં આવી ગયો છે, પૂજાને મળવા માંગે છે. પૂજા અને નૈના રોનક ના રૂમમાં પહોચે છે. રોનક ના હાથ પગ હલતા હોય છે. અને પૂજાના નામનું રટણ કરી રહ્યો હોય છે. “હા, રોનક હું અહી જ છું તારી પાસે જ, પ્લીઝ આખો ખોલ” પૂજા એ બેબાકળા અવાજે રોનકના ગાલ પર હાથ પછાડીને એને જગાડવા લાગી.

રોનક બોલે છે, “પૂજા હું જીવી નહિ શકું. મારો સમય પાકી ગયો છે. મને શું કામ હોસ્પીટલમાં લાવ્યા? શું કામ પડેલા ઘાવ ને પરાણે રૂઝાવો છો? પૂજા હું થાક્યો છુ મને હંમેશ માટેના આરામની જરૂર છે.” પૂજા એ કહ્યું, “એવુંના બોલ, આમ હથિયાર હેઠા ના મુક, તારા સિવાય મારું આ દુનિયામાં છે કોઈ? કમ સે કમ આપણા આવનારા બાળક નો તો વિચાર કર, એની માટે તો હિમ્મત ધર.! તું જલ્દી સાજો થઇ જઈશ, તું સહેજેય ફિકર ના કર. મને ખબર છે તું પેલું ગીત સાંભળીને ભાન માં આવ્યો છો. એ ગીતે જ તને હિમ્મત આપી છે જીવવાની, એ ગીતના જોરે જ તું સફળ થયો છે. એ ગીતે તને સિંગર બનાવ્યો છે.”

“પૂજા મેં કરેલા પાપની સજા હું ભોગવી રહ્યો છું, મારા જીવનની સારી સારી તસ્વીરો જ તને બતાવી છે, અને જિંદગીની ખરાબ પળો ને મેં તને ફિલ્ટર કરીને બતાવી છે. પૂજા તને જે દેખાય છે એ વાસ્તવિકતા નથી. તું ખુબ ભોળી છો, તને કશી જ ખબર નથી. તને અંધારા માં રાખીને મેં ખુબ મોટું પાપ કર્યું છે. એ પાપ ની સજા જ અત્યારે ભોગવું છું મને જીવવા નો કોઈ અધિકાર નથી, હું તારા પ્રેમ ને લાયક જ નથી.” રોનક રડતા રડતા પોતાના હૃદય નીચે દટાયેલી સચ્ચાઈ બતાવવા લાગે છે. રોનકને પોતાની જાત સાથે નફરત થઇ ગઈ હતી એનાં ચહેરા પર પસ્તાવાનો ભાવ દેખાતો હતો. પૂજા એ કહ્યું, “તું આવું બધું ના બોલ, તે કઈ જ નથી કર્યું. તારી માનસિક સ્થિતિ ઠીક નથી, તને આરામની સખ્ત જરૂર છે.”

રોનક પૂજાનો સાથ પકડી કહે છે, “પૂજા મારી પાસે સમય ખુબ ઓછો છે. હું તને બધી જ હકીકત જણાવી દેવા માંગું છું. એ એવા પાના છે જે મેં જાણી જોઇને ફાડી નાખ્યા છે. એ હકીકત જાણ્યા પછી તું મને માફ તો નહિ કરે પણ ઈશ્વર પાસે રહેમ ની માંગણી તો અચૂક કરી શકીશ.

(ક્રમશઃ)

(મિત્રો આપને વાર્તા પસંદ પડે તો રીવ્યુ આપી અચૂક અભિપ્રાય લખજો, આપનો પ્રતિસાદ જ મને લખવા માટે પ્રેરિત કરે છે. અને આ વાર્તા આગળ ખુબ રોમાંચિત થવાની છે તેથી વાંચતા રહો અને શેર કરતા રહો. આભાર)

- દિપક દવે