Micro Tels in Gujarati Moral Stories by Parth Toroneel books and stories PDF | માઇક્રો ટેલ્સ

Featured Books
Categories
Share

માઇક્રો ટેલ્સ

1 – મેદસ્વી કપલનું રોમાન્સ...!

દળદાર દેહમાં પત્નીએ અરીસામાં તેની ડબ્બલ ચિન (હડપચી) જોઈને પૂછ્યું, “જાનું... શું હું ચબ્બી દેખાઉ છું?”

સુંદર સાડી, ઘરેણાં અને મેક-અપમાં સજ્જ થયેલી પત્નીને દેખી, પતિએ લુચ્ચું સ્મિત ખેંચી ફોન બાજુમાં મૂક્યો, “અહીં રહીને કહું કે ત્યાં આવીને...?”

“હવે કો’ને, તમેય શું....” શર્મિલું હસી પત્નીએ લટકો કર્યો.

બેડની ગાદીમાં ખુપી ગયેલું કોથળા જેવું ભારેખમ શરીર ઊંચકી, ફૂલ લાઇન મારતું સ્મિત ફરકાવતાં એ પત્નીની પાછળ ગોઠવાયા. દુંદાળા ગણેશજીનેય શરમાવે એવી માટલાં જેવી ફાંદ પત્નીની મેદસ્વી કમર પર ભીંસી, લોટના કણક જેવા ફેલાયેલા પત્નીના ખભા પર હાથ મૂકી ટહુકયા, “ચબ્બી ફેસમાંય મને તો તું એકદમ ફટકા જેવી લાગે છે!”

પ્રેમભીનો પ્રતિભાવ સાંભળી પત્ની શરમથી પલડી ગઈ. પતિ સામે મોં કરીને એમની નજરમાં નજર મિલાવતા જ રૂમમાં રોમેન્ટિક મૂડ છવાઈ ગયો.

“તમે હજુયે પહેલા જેટલો જ મારા પર પ્રેમ ઢોળો છો...કે વધારે...?” બોલતા તેની પાંપણો શર્મથી ઝૂકી ગઈ.

પતિની ફાંદ આગળ ખેંચાણ થતાં ખૂલી ગયેલા બટન પર એની નજર પડી. પતિએ શ્વાસ ખેંચી ફાંદ જરાક અંદર લીધી. પત્નીએ એક બાજુથી બટન પકડી ફટ્ટ દઈને કાણાંમાં ભરાવી દીધું.

શ્વાસ છોડતા બોલ્યા, “પહેલા કરતાંયે અનેક ઘણો પ્રેમ ઢોળું છું...! તારા માટે જ તો આ દિલ ધડકે છે, મારી રસમલાઇ!” કહી પત્નીના ફુલેલા દડા જેવા ગાલ પર લાડથી ટપલી મારી...

ઘડીભર માટે તો પત્નીનું મન ગુલાબી-ગુલાબી થઈ ગયું. તેના પ્રેમરંગીન મનમાં પતિના બાહુપાશમાં લપાઈ જવાની તમન્ના જાગી ઉઠી....પણ બંને વચ્ચે રસ્તો રોકી બેઠેલી ફાંદ નડતરરૂપ થતાં, તેણે પતિનું નાક ખેંચી પ્રેમનો ઉમળકો જતાવ્યો.

પત્નીએ મુસ્કુરાઈને નજાકતથી દાંત વચ્ચે નીચલો હોઠ દબાવી પીઠ એમની તરફ ફેરવીને ઊભી રહી ગઈ... પછી અરીસામાં તેમનો ચહેરો જોઈને કહ્યું, “બ્લાઉઝની દોરી જરા બરાબર બાંધી આપોને! ઢીલી હોય એવું લાગે છે...”

આ સાંભળી પતિના ગોળમટોળ ચહેરા પર ફરી લુચ્ચું સ્મિત ખેંચાયું, “બાંધી તો આપું, પણ એક શરત પર…”

“તમારા માટે તો બધી શરતો મંજૂર જ છે...” આટલું બોલતા તો તે લજાઈ ગઈ.

“બ્લાઉઝની દોરી ઘરે આવીને હું જ ખોલીશ...” કહી પત્નીની કમર પર ફાંદ ભીંસી, ખભા પર ચૂમવા માંડ માંડ ત્યાં સુધી હોઠ તાણી શક્યા...

“આજે તો તમે સાવ રંગીન જ મૂડમાં લાગો છો...!” કહેતા શરમથી તેના ગાલ ટામેટાની જેમ લાલ થઈ ગયા.

“આજે તું દેખાય જ છે એકદમ.... ફટકા જેવી!” કહેતા માટલું હાસ્ય-ના-ભૂકંપથી થરથરી ઉઠ્યું.

“આજે આટલા એક્સાઈટેડ થવાનું કારણ કંઈક બીજું જ લાગે છે મને તો...! કો ને....” મલકાતા મલકાતા પૂછી લીધું.

“સનીની ફિલ્મ જોઈ લીધી એટ્લે રેવાયું નઇ મારાથી...” મનમાં હતું એ મૂડમાં ને મૂડમાં બકી માર્યું.

“શું...?? કોની ફિલ્મ જોઈ...??” પત્ની ગુસ્સામાં રાતીચોળ થઈ ઉઠી.

પત્નીનો અચાનક ભાવ-પલટો જોઈ પતિ બકરીને જેમ બબડી પડ્યો, “સસસ-સની દેઓલની. સની દેઓલની ગગગ-ગદર ફિલ્મ જોઈ, મારી રાણી...” કહી વાત વાળી લીધી.

***

2 – ખુશી એ દુશ્મન?

મધરાત હતી. એ ઊંઘી નહતો શકતો. આવતીકાલની F1 RACEમાં હારી જવાનો ડર તેને સતત સતાવતો હતો. તે બેડમાંથી ઊભો થઈ, મોટા ગ્લાસની વિન્ડો પાસે જઈને ઊભો રહ્યો. વીસમાં માળથી સિટીનો સુંદર નજારો દેખાઈ રહ્યો હતો.

એની વાઈફ જાગીને એની પાસે ગઈ. હસબન્ડના ચહેરા પર ચિંતાગ્રસ્ત ભાવો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. કોઈ ઊંડા વિચારમાં ખોવાઈ જઈ તે હજુ પણ ગ્લાસની વિન્ડોમાં તાકી રહ્યો હતો.

વાઇફે તેના ખભા પર હાથ મૂકીને ધીમા સ્વરે પૂછ્યું, "કયા વિચારો પરેશાન કરે છે?"

એના વિચારોની તંદ્રાવસ્થા તૂટી. તેણે નજર ફેરવી વાઈફ સામે જોયું. તેની ચિંતા વ્યક્ત કરતાં તેણે કહ્યું, "ખુશી એ દુશ્મન છે. મનમાં શંકાઓ લાવે છે. કશુંક ગુમાવી બેસવાનો ડર પેદા કરે છે..."

વાઇફે તેની આંખોમાં જોઈને કહ્યું, "જ્યારે તું ખુશીને દુશ્મન કહે છે ત્યારે એ પળે જ તું ખુશીને ગુમાવી બેસે છે..."

એણે તેની સામે જોઈને હકારમાં માથું હલાવ્યું.

***

2013માં આવેલી અદભૂત ફિલ્મ ‘Rush’માંથી એક સીનનો સંવાદ અહીં મૂક્યો છે.

3 – જીવન અને સંગીત

હું મારા સ્ટડી રૂમમાં ઇંગ્લિશ સોંગ્સ વધુ ઊંચા અવાજે સાંભળી રહ્યો હતો. સોસાયટીના એક અંકલ મારા રૂમમાં પ્રવેશ્યા. મારી નજર એમના પર પડી. સ્મિતની આપ–લે થઈ. વાગી રહેલું સોંગ મારું એટલું ફેવરિટ હતું કે વોલ્યુમ ઓછો કરવા બિલકુલ મન ન થયું.

તેમણે હસીને પૂછ્યું, “તને ઇંગ્લિશના બધા જ લિરિક્સ સમજાય છે?”

“વેલ, બધા તો નહીં. પણ ઓલમોસ્ટ...”

“ફુલ્લિ લિરિક્સ ના સમજાય, તો પછી સોંગ સાંભળવાનો અર્થ શું?” તેમના અવાજમાં કશીક વાતનો અણગમો વર્તાતો હતો.

“અંકલ, તમે લાઈફને ફુલ્લિ સમજો છો?” મેં અદબવાળીને એમના મુખભાવ નિહાળ્યા.

એમણે જરાક વિચારમય થઈ કહ્યું, “ના, ફૂલ્લી તો નથી જ...”

એમને બોલતા અટકાવીને મેં પૂછ્યું, “તો શું આપણે લાઈફ જીવવી જોઇએ?”

એમની આંખની કીકીઓ અહીં–તહીં વિચારવા ઘૂમી...

“...કે પછી સ્યૂસાઇડ કમિટ કરી લેવું જોઈએ કારણ કે આપણે લાઈફને પૂરેપુરી સમજી શકતા નથી?”

જવાબ આપવા એમની જીભ લકવો મારી ગઈ...

“અંકલ, હું સોંગ્સના લિરિક્સ કદાચ ફૂલ્લી ના સમજતો હોવ, પણ હું એની સાથેનું મ્યુઝિક ફૂલ્લી એન્જોય કરું છું. બસ આવી જ કંઈક ફિલોસોફી લાઇફની છે. મ્યુઝિકની જેમ લાઈફને ફૂલ્લી એન્જોય કરવાની... લાઈફ પોતે એના વિશેનો પરિચય તમને જુદા જુદા સમય–સંજોગોમાં કરાવશે...”

“હંમ્મ...” કહી વાતમાં સહમતિ પૂરી.

“અંકલ, વધારે પડતું એનેલાઇઝ કરવા કરતાં લાઈફને દિલ ખોલીને એન્જોય કરવી. અને આ વાગી રહેલા મ્યુઝિકને પણ... આવો આવો....” હું હસતાં હસતાં ઊભો થઈ એમના બંને હાથ હાથમાં લઈ ખભા મ્યુઝિકની રિધમ સાથે નચાવ્યા. એમના ગંભીર મુખભાવનું વાદળું મારા નટખટ મોજીલા અંદાજથી વિખેરાઈ ગયું. એમને લિરિક્સ સમજાતા નહતા તો પણ મ્યુઝિકની રિધમમાં ઠેકડા મારતા તેમના ચહેરા પર હાસ્યની છોળો ઉડવા લાગી...

કદાચ ઘણા સમયથી કેદ કરેલું હાસ્ય આઝાદ થઈ ગયું હોય એવું લાગ્યું.

***

4 – માછલી ઘર

કાચના માછલી ઘરમાં પૂરેલી રંગબેરંગી પાંચ માછલીઓ પાંખો પટપટાવી તરતી હતી. એક બાજુ નાની પાઇપમાંથી પરપોટા રૂપે ઓગળેલો ઓક્સિજન તેમને અપાતો હતો. કાંકરા, છીપલા, શંખલા, સાથે કૂત્રિમ ઘર અને શેવાળ પણ અંદર રાખી હતી. હું હાથમાં માછલીઓ માટે દાણા લઈને માછલી ઘરમાં છૂટાછવાયા નાંખે જતો. ખોરાક દેખીને માછલીઓ ફટાફટ પાંખો પટપટાવી ઉપર દોડી આવતી. કેટલીક તો દાણા ખાવા ઝઘડે ચડી જતી! એમને રમતા, ઝઘડતા જોઈને મારા ચહેરા પર સ્મિત ખીલી ઊઠતું.

એક દિવસ વરસાદના મોસમમાં ધાબા પર નાહતા નાહતા હું લપસી પડ્યો! પગનું હાડકું ભાંગી જતાં છ મહિના ખાટલા વશ થવું પડ્યું. એક ના એક રૂમમાં રહીને હું કંટાળી ગયો હતો. ચારેક મહિના બાદ પ્લાસ્ટરમાં લીંપેલો પગ સીધો રાખી હું વ્હીલચેરમાં ફરતો થયો. વ્હીલચેરના ટાયર ફેરવી હું હૉલ રૂમમાં મૂકેલા માછલી ઘરમાં દાણા નાંખવા ગયો. મુઠ્ઠીમાં થોડાક દાણા ભરી માછલીઓ માટે ખોરાક નાંખવા લાગ્યો. આ વખતે મારા ચહેરા પર ખુશીના ભાવો ખોવાયેલા હતા. આંખો એ માછલીઓને તાકી રહી હતી, અને મન....? મન એ માછલીઓના મનને વાંચી રહ્યું હતું.

1.5 X 2 feetમાં એક વર્ષથી કેદ થયેલી પાંચ માછલીઓને અહીં સાંકડા ઘરમાં કેવી અકળામણ થતી હશે. આખા તળાવમાં ફાવે એમ ગમે ત્યાં તરવાની છૂટ એ તેમની જન્મજાત આઝાદી છે. જેને હું મારા મનોરંજન માટે આ કાચના ઘરમાં પૂરી રાખી તેમની આઝાદી છીનવી રહ્યો છું. આ ચાર મહિના ઘરમાં રહીને હું જો કંટાળી જતો હોવ તો... તો આ મૂંગા પાંચ જીવો રોજ એકની એક જિંદગી જીવીને કેટલા ત્રાસી ગયા હશે!

જિંદગીએ મને એવી પરિસ્થિતિમાં મૂક્યો કે મારા બંધિયાર થઈ ગયેલા જીવનમાં રૂંધાતા અસ્તિત્વએ એ પાંચ માછલીઓના બંધિયાર જીવનની સમજ કરાવી.

એક મહિના બાદ, મેં એ પાંચેય માછલીઓને નજીકના તળાવમાં છોડી મૂકી એમની છીનવેલી આઝાદી પાછી આપી.

ખરેખર, ક્યારેક આપણને બીજાની તકલીફ સમજાતી નથી હોતી, જ્યાં સુધી આપણે ખુદ એ તકલીફમાંથી પસાર ન થઈએ.

***

લેખક – પાર્થ ટોરોનીલ

Email: parthtoroneel@gmail.com

‘101 માઇક્રો-ફ્રિક્શન વાર્તાઓ’ ebook એમેઝોન કિંડલ પર ઉપલબ્ધ છે.

સત્ય ઘટના પર આધારિત ‘મનની આંટીઘૂંટી’ સંપૂર્ણ નવલિકા પણ કિંડલ પર તમે વાંચી શકો છો...