Musafar books and stories free download online pdf in Gujarati

મુસાફર...

POINT OF THE TALK... (19)

"મુસાફર..."

"જવાનું નથી ક્યાંય, છતાં હું છું મુસાફર.
 ન જાણું છે ક્યાં સુધીની,મારી આ સફર.
 ન જાણી મારી ભીતરની,સારપ ને તમે,
 છુપાયેલ શુભ હેતુનો,ન કર્યો તમે આદર...
                      - અલ્કેશ ચાવડા 'અનુરાગ'
 

"ચાલો... ચાલો... બસ ઉપડે છે... "
"જેને ન આવવાનું હોય એ લોકો નીચે ઉતરી જાઓ... દરવાજો બંધ કરવો છે..."
બસના કંડક્ટરની આવી સૂચના બસમાં બેઠેલા તમામ મુસાફરોએ સાંભળી અને સિટ માં બેઠેલા તમામ મુસાફરો પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા પણ બસમાં બે સીટોની લાઈનમાં હજી એક મુસાફર એક ઘરડા માજીને પોતે સીટ માંથી ઉભો થઇ પોતાની જગ્યાએ બેસાડી રહ્યો હતો... 

"ઓ સાહેબ... બસ થોડી વાર રોકજો. મારે નીચે ઉતરવાનું છે. મારે કોઈ પરગામ નથી જવાનું..."
માજીને બેસાડી રહેલા એ મુસાફરે બસની ઘંટડી વાગતા કંડકટર ને વિનંતી ભર્યા સ્વરે સૂચન કર્યું...
ઉપડી જવાની તૈયારી વાળી બસને અડધી મિનિટ એ મુસાફરને કારણે લેઈટ કરવી પડી એથી કંડકટર અને બીજા મુસાફરો એ માણસ સામે ધૃણાભરી નજરે તાકી રહ્યા... અને એ અજાણ્યો મુસાફર ધીમે ધીમે બસની બહાર નીકળી ગયો. એને ઉતરતા વેંત કંડક્ટરે એ મુસાફર પરનો ગુસ્સો બસના દરવાજા પર ઉતરતા ધબ લઈને જોરથી દરવાજો બંધ કરી દીધો અને બસ ઉપડી પોતાની મંજિલ તરફ.

અને પછી ચાલતી બસમાં કંડકટર અને બીજા મુસાફર વચ્ચે એ અજાણ્યા મુસાફર વિશેની ટીખળ અને ગુસ્સો શબ્દોના માધ્યમથી નિકળવો શરૂ થયો...

કંડક્ટરે કહ્યું..."આવાને આવા રાભા જેવા હાલ્યા આવે છે. પેલા જોઈ નથી લેતા કે બસ ક્યાં જવાની છે અને સીધા સારી જગ્યા મેળવી લેવાની લ્હાયમાં ચડી જાય છે સીધા બસમાં..."

તો વળી એમની વાતને સમર્થન આપતા બીજા એક માણસે કહ્યું કે..."સાચી વાત સાહેબ તમારી. પેલા બસમાં ચડી જાય છે અને પછી બીજા બધાનો ટાઈમ ખોટી કરે છે... આવાને તો બસમાં ચડવાજ ન દેવાય... સરકારે કઈક વિચારવું જોઈએ આના વિશે..."

એ અજાણ્યા મુસાફર વિશે આવી દ્વેષ યુક્ત વાતો ચાલતી હતી અને બસ પણ રોડ પર સડસડાટ ચાલતી જતી હતી. 

આ તરફ બસમાંથી નીચે ઉતરેલો સાવ મેલા કપડાં પહેરેલો અને ખભે એક નાકાવાળી થેલી લટકાવેલા એ મુસાફરનો પહેરવેશ અને એની શારીરિક ભાષા જોઈને તરત ખબર પડી જાય કે આ માણસ કોઈ બહારગામ જવાતો નથીજ નીકળ્યો તો પછી એ શા માટે એ દરરોજ સવારે બસસ્ટેશન આવી જતો હતો...??? અને જે બસ આવે એમાં કોઈ પણ જાતના વિચાર કર્યા વગરજ ચડી જતો હતો. અને બસ ઉપડવાની તૈયારી હોય ત્યારેજ પોતાની જગ્યા કોઈ અપંગ, વૃદ્ધ કે છોકરા તેડેલી કોઈ બહેનને આપી દઈ બસની નીચે ઉતરી જતો હતો. 

આ એનો રોજનો ક્રમ અને કર્મ બની ગયું હતું. બે ચાર દિવસ ગયા અને ફરી પોતાની નોકરીના સમયપત્રક મુજબ એ દિવસે હતા એજ કંડકટર એ બસમાં હતા. બે ચાર દિવસ પહેલાની ઘટનાનું આજે પણ પુનરાવર્તન થઈ રહ્યું હતું. એ દિવસની જેમ આજે પણ પોતાની જગ્યા એક બીમાર બેનને આપી બસ ઉપડવાની તૈયારી હતી ત્યારેજ એ મુસાફર નીચે ઉતર્યો... ફરી પાછો એ મુસાફર પરનો ગુસ્સો કંડક્ટરના મનમાં ઉતરી આવ્યો. પણ આપણે ત્યાં લોકશાહી હોવાથી અને ખોટી બીજી માથાકૂટમાં ન પડવાના આશયથી કંડકટર પોતાનો ગુસ્સો ગળી ગયા. 

ફરી ચાર દિવસ બાદ એના એજ કંડકટર , એનો એજ અજાણ્યો મુસાફર અને એની એજ ઘટના... હવે કંડક્ટરના મનમાં એ મુસાફર પ્રત્યે ગુસ્સાની સાથે એના વિશે જાણવાની જિજ્ઞાસાવૃત્તિ પણ ભળી હતી. ચાલતી બસે કંડક્ટરે એ મુસાફર વિશેની વાત શરૂ કરતા બે પાંચ બીજા મુસાફરોને એ માણસ વિશે પૂછતાં કહ્યું..."આ માણસ કેમ આવું કરતો હશે. રોજ આ રીતે પોતાની જગ્યા બીજાને આપી શા માટે બસની નીચે ઉતરી જતો હશે...???"

કંડક્ટરથી ચોથા નંબરની સીટમાં બેઠેલા એક ભાઈએ આ પ્રશ્ન સાંભળ્યો અને કંડક્ટરની સાથે  બીજા લોકો પણ સાંભળે એ રીતે એ અજાણ્યા માણસની વાત કહેવી શરૂ કરી...
"એ અજાણ્યો મુસાફર એ કોઈ અજાણ્યો માણસ નથી પણ મારા જ ગામનો વતની છે. છ એક મહિના પહેલા એની સાથે એક ઘટના બની હતી જેના લીધે એના મગજ પર થોડી અસર થઈ ગઈ છે. આમતો એ મધ્યમ વર્ગના કુટુંબનો અને એક જુવાન છોકરાનો બાપ છે. છોકરો એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે..."

એ મુસાફરના પરિચયની આટલી પ્રસ્તાવના સાંભળતા દરેકની એના વિશે વધારે જાણવાની તાલાવેલી ખૂબ વધી ગઈ. અને એ ભાઈએ એ મુસાફરની વાત આગળ ચલાવી...
"એક દિવસ એ ભાઈ અને એની પત્ની બસમાં ચડ્યા. એની પત્ની બીમાર હોવાથી એને લઈને આ ભાઈ  શહેરમાં દવાખાને જઇ રહ્યો હતો. તહેવારના દિવસો હોવાથી બસમાં ખૂબ ભીડ હતી. તમામ સીટો તો મુસાફરો થી ભરાયેલી હતી પણ ક્યાંય ઉભા રહેવાની પણ જગ્યા ન હતી. આ ભાઈએ સીટમાં બેઠેલા કેટલાક મુસાફરોને એની બીમાર પત્નીને સીટમાં થોડી જગ્યા આપવા  વિનંતી કરી. પણ સ્વાર્થી અને બીજાની પીડાને ન અનુભવી શકનાર સંવેદનાહીન બની ગયેલ માનવજાત એવા એ મુસાફરો માંથી કોઈએ થોડી પણ જગ્યા ન આપી અને એ બીમાર સ્ત્રીએ ઉભાઉભાજ મુસાફરી કરવી પડી. બસ ચાલતી જતી હતી અને કોઈક કારણસર અચાનક બસની બ્રેક લાગી. જેવી બ્રેક લાગી એવીજ એની બીમાર પત્નીને બીમારીના કારણે ચક્કર આવતા એના માથાનો પાછળનો ભાગ બસની સિટની લોખંડની પાઇપ સાથે અથડાયો અને માથું થઈ ગયું લોહી લુહાણ. માથાના પાછળના ભાગે વાગવાથી એ બેનને હેમરેજ થઈ ગયું અને ત્યાંને ત્યાંજ એ મૃત્યુ પામી... "

એ મુસાફરની આટલી વાત જાણ્યા પછી સૌના મુખેથી મનોમન ..."હે ભગવાન..." એવો ઉદગાર સરી પડ્યો...

"બસ ત્યારથી આ માણસની માનસિક સ્થિતિ સારી નથી. એને બીજી કોઈ વાતની ગતાગમ રહી નથી પણ બસમાં જરૂરિયાત હોવા છતાં એની પત્નીને જગ્યા ન મળતા એની સાથે બનેલી ઘટનાએ એના અજાગૃત મન પર એવી છાપ ઉભી કરી દીધી છે કે ત્યાર પછી એ રોજેરોજ બસમાં સૌથી પહેલો ચડી જઇ જરૂરિયાત મંદ માટે જગ્યા રોકી લે છે અને જગ્યા આપી નીચે ઉતરી જાય છે... જો કે એના દ્વારા થઈ રહેલા આ સદકાર્યની ખુદ એને પણ ખબર પડતી નથી..."

એ ભાઈના મોંઢેથી એ મુસાફરી ન કરતા મુસાફર વિશેની વાત સાંભળી સૌ એના વિશે માનથી વિચારવા લાગ્યા. બસમાં બેઠેલા તમામ મુસાફરોને મનોમન થવા લાગ્યું કે એક ગાંડો માણસ પણ અન્ય જરૂરિયાત મંદ ની પીડા સમજી શકે છે અને આપણે કહેવાતા ડાહ્યા સાવ સંવેદનાહીન બની સ્વાર્થમાં અંધ બની બેઠા છીએ... બસમાં બેઠેલા કેટલાક મુસાફરોએ મનોમન સંકલ્પ પણ કર્યો કે એ પોતે હવેથી કોઈ જરૂરિયાતમંદ ને પોતાની જગ્યા આપી દઈ એ અજાણ્યા મુસાફરની પત્નીને સાચી સેવા શ્રદ્ધાંજલિ આપશે...

● POINT :- 
કોઈ વ્યક્તિ વિશે જાણ્યા વિનાજ એના પ્રત્યે દ્વેષ કરવો એના કરતાં બહેતર છે કે પ્રથમ એના વિશે જાણી લઈએ અને પછીજ કોઈ પ્રતિભાવ આપીએ...
શક્ય છે કોઈ વ્યક્તિના અજુગતા વર્તન પાછળ કોઈ દૈવી ઉદેશ્ય પણ સમાયેલો હોય...

લેખક :- અલ્કેશ ચાવડા 'અનુરાગ'  (9638816440)