Nani vahu books and stories free download online pdf in Gujarati

નાની વહુ...

POINT OF THE TALK...(11)

"નાની વહું..."

"કદીક કોઈને સ્નેહ, તું કરી તો જો.
 નયનોમાં તારી નેહ, તું ભરી તો જો.
 પલટાઈ જશે પથ્થર પણ,એની સામે,
 પ્રેમના પથમાં કદી, તું વળી તો જો..."
                 - અલ્કેશ ચાવડા 'અનુરાગ'

સમાજ અને ગામમાં ખૂબ સારી નામના ધરાવતો એક પરિવાર હતો. પરિવારમાં સાસુ સસરા બે યુવાન દીકરા અને મોટા દીકરાની વહુ એમ કુલ પાંચ વ્યક્તિઓ રહેતા હતા. મોટો દીકરો બેંકમાં કેશિયરની સારા પગારવાળી નોકરી કરતો અને એની વહુ ઘરમાં ગૃહિણી. મોટી ઉંમરના કારણે સાસુ સસરા ઘરેજ ભક્તિ ભજન કરે. ઈચ્છા થાય તો મંદિર મહાદેવ દર્શનાર્થે જઇ આવે પણ આમ આખો દિવસ ઘરેજ હોય. અને આમ પણ હવે પાકટ વયે એમનાથી કોઈ કામ થઈ શકતું ન હતું. નાનો દીકરો કોલેજ પુરી કરી હજી બે મહિના પહેલાજ એક ઓછા પગારની પ્રાઇવેટ નોકરીએ લાગી ગયો હતો. 

એક રાત્રે મોટા દીકરાના રૂમમાં એની પત્ની એના પતિને મોટા અવાજે કહી રહી હતી કે...
"મારે આખો દિવસ એકલીએ કેટલુંક કામ કરવું. ઘરના બધાજ કામ મારેજ કરવા પડે છે. બધાના લોંડીપણા મારે એકલીએજ કરવાના. બધાનું જમવાનું બનાવું, બધાયના કપડાં ધોવાના, ઘરના વાસણ પોતા કરવાના... મને તો એજ નથી સમજાતું કે હું તો આ ઘરની મોટી વહુ છું કે કામવાળી...!!! મને તો એમ થાય છે કે આપણે બીજી જગ્યાએ અલગ રહેવા જતા રહીએ..."

લગભગ દર અઠવાડિયે મોટી વહુ આમ  પોતાના પતિ સામે પોતાની હૈયા વરાળ ઠાલવતી અને દર વખતે એનો પતિ એને આશ્વાસન આપી શાંત રહેવા અને ધીમે બોલવા સમજાવતો. એ પતિ પત્ની વચ્ચે નિયમિત રીતે દર અઠવાડિયે થતો આ ઝગડો આખા પરિવારથી હવે છાનો ન હતો. સાસુ સસરા અને દીયરને લાગ્યા કરતું કે સંસ્કારી ઘરની સમજીને મોટા દીકરાની જે વહુ એ લાવ્યા છે એ અંગે રૂપાળી તો છે પણ સંસ્કારોની સુંદરતા, વડીલો પ્રત્યે માનપાન ની ભાવના અને પરિવારની મર્યાદા જળવવાના કોઈ લક્ષણો એનામાં દેખાતા નથી. 

આમને આમ કડાકુટમાં દિવસો પસાર થતા જતા હતા અને હવેતો મોટી વહુ એના સાસુ સસરા ની સામે ઉઘાડા મોઢે ઊંચા અવાજે બોલતા શીખી ગઈ હતી. સાસુ સસરાની સામે માથા પર એ પાલવ તો નાખતી પણ એની જીભમાં ,એના વર્તનમાં ક્યાંય મોટા પ્રત્યે પ્રેમ કે મર્યાદા દેખાતા ન હતા. માન્યું કે આખા ઘરનું કામ એ એકલીએજ કરવું પડતું પણ એતો આપણી ભારતીય પરંપરા છે અને ભારતીય નારીઓની એજ તો સુંદરતા છે. 

પરિવારનો નાનો દીકરો પણ હવે લગ્ન કરવાનું વિચારતો હતો અને એને એક છોકરી પસંદ કરી. છોકરી થોડા આધુનિક વિચારો વાળી હતી. પોતાના પિતાનું એકનું એક સંતાન હતી એટલે ખૂબ લાડકોડમાં ઉછરી હતી. છતાં એ છોકરી એ પરિવારના યુવાન સાથે લગ્ન કરવા માંગતી હતી. ખબર નહિ કેમ પણ નાનપણથી એને ભર્યો ભાદર્યો અને સંયુક્ત પરિવાર ખૂબ ગમતો...

પોતાના પિતાના ઘેર હંમેશા ડ્રેસ પહેરીને અને ખુલ્લા માથે ફરતી એ યુવતી હવે નાની વહુ બની એ પરિવારમાં આવી હતી. પોતાની દેરાણીને આવેલી જોઈ પોતાના સ્વભાવ મુજબ જ મોટી વહુએ ઘરના બધા સભ્યોને ફરીથી મહેણાં મારવાનું ચાલુ કરી દીધું કે...
"મોટા ઘરની છોકરીને વહુ બનાવી લાવ્યા છો પણ સમય આવ્યે ખબર પડશે કે એ એના કેવા લક્ષણ દેખાડે છે..."
"કોઈ દિવસ સાડી પણ નથી પહેરી એવી છોકરીને દીયરજી પરણીને લાવ્યા તો છે પણ હવે સાસુ સસરાને પણ ખબર પડશે કે એ કેવીક કુટુંબની મર્યાદા જાળવે છે..."

નવી પરણીને સાસરે આવેલી નાની વહુને ખરેખર સાડી પહેરવી ફાવતી ન હતી એટલે લગ્નના બે ચાર દિવસ સાડી પહેરી પછી એ ડ્રેસ પરજ આવી ગઈ. મોટી વહુને પોતાની કરેલી ભવિષ્યવાણી સાચી પડતી દેખાતી હતી અને મનમાં ને મનમાં એ ખૂબ પોરમાતી હતી. એટલે ફરીથી પોતાના કુટુંબીજનોને મહેણું મારી દેવાની તાકમાજ એ રહેતી હતી. પણ એવો મોકો એને મળતોજ ન હતો કારણ સુખી ઘરની અને આધુનિક વિચાર તેમજ પહેરવેશ માં સજ્જ એવી નાની વહુ સવારે સૌથી પહેલા ઉઠી જતી હતી. નિત્યક્રમથી પરવારી સૌથી પહેલા સાસુ સસરાને પગે લાગવા જતી. એને પરણીને આવ્યે લગભગ એક મહિનો વીતી ચુક્યો હતો. આ એક મહિના દરમિયાન સાસુ સસરાને એ એના હાથેજ ચા બનાવી પીવડાવતી હતી. 

બટકબોલી એની જેઠાણી ઘણી વખત આડકતરી રીતે એને ન ગમતી વાતો પણ કરી દેતી છતાં ખૂબ સમજણ અને નાની હોવા છતાં મોટું મન રાખી વાતને હસી કાઢતી. પિતાના ઘેર એક પણ કામ કર્યું ન હોવા છતાં સાસરે એ એની જેઠાણીને દરેક કામમાં સહભાગી બની ગઈ હતી. ધીમે ધીમે નાની વહુ સાસરિયામાં દરેકને પ્રિય બનતી જતી હતી. બંધ કરી દીધેલા સમજણ અને મર્યાદાના દ્વારો વાળી એની જેઠાણીનું હૃદય પણ કુણું પડતું જતું હતું. 

સમય વીતતો ચાલ્યો. ધીમે ધીમે આખા પરિવારનું વાતાવરણ બદલાવા લાગ્યું. નાની વહુના સમર્પણ, સમજ અને સૌને સ્નેહ કરવાની વૃત્તિનુંજ એ પરિણામ હતું કે એની પથ્થરદીલ જેઠાણીને પણ હવે દેરાણી નાની બહેન સમાન લાગવા લાગી હતી. 

એક રાત્રે સાસુ અને સસરા એકલા બેસીને વાતો કરી રહ્યા હતા. મોટી વહુ કઈક કામ અર્થે રૂમમાં આવવા જતી હતી પણ સાસુ સસરાની વાત સાંભળી ઉંબરે જ અટકી ગયેલી. સસરા કહી રહ્યા હતા કે...
"આપણી નાની વહુની જેમ મોટી વહુ પણ બિચારી. ઘરનું કેટલું બધું કામ કરે છે. આજ દિવસ સુધી એને એકલીએજ તો ઘરને સંભાળ્યું છે... આટ આટલું કામ કરીને બિચારી ક્યારેક તો કંટાળેજ ને... અને બે શબ્દો બોલી જાય તો એમાં આપણે પણ ખોટું લગાડવું ન જોઈએ. આમ બોલી જાય છે પણ છે સાવ ચોખ્ખા દિલની. જેમ પરિવારની ચિંતા ને લઈને એક દીકરી ઠપકો આપે એમ જ એ ઠપકો આપે છે... કાશ આપણે એક દીકરી હોત તો એ પણ ક્યારેક ક્યારેક આપણી સામે આમ મીઠો ઝગડો કરોત..."

વાતો સાંભળી મોટી વહુ તરત રૂમની અંદર પ્રવેશી. રડતી આંખો અને હૃદયમાં પસ્તાવાના ભાવ સાથે એ સાસુ સસરાને પગમાં પડી ગઈ અને આંસુ લૂંછતા લૂંછતા બોલી...
"બા બાપુજી તો આજથી મને જ તમારી દીકરી માની લ્યો..."

● POINT:- 
માણસનું સાચું ઘરેણું એની ભીતર રહેલ સમજદારી અને મર્યાદા છે. સૌને સ્નેહ આપવાની વૃત્તિના વલયો ચોતરફ ફેલાઈને આખા વાતાવરણને પ્રેમમય બનાવી દે છે અને એ વાતાવરણમાં જીવવું એટલે જાણે સ્વર્ગલોક માં જીવવું...

લેખક:- અલ્કેશ ચાવડા 'અનુરાગ'  (શંખેશ્વર)