Rotli nu run books and stories free download online pdf in Gujarati

રોટલીનુ રૂણ

ટક્ ટક્ ટક્....

જમવાના સમયે નીત્યની જેમ આજે પણ સ્ટીલના કટોરા નો પરિચિત અવાજ દયાશંકર એ સાંભળ્યો કે તરત જ ત્રાંસી નજરે વાસણ ઊટકતી પત્ની તરફ જોઈ એ ઊભા થયા.
'ભંડાર ભરેલો છે તે તમારે પધરાવે રાખો રોટલા..!' પતિને બિલ્લીપગે ઘરમાં જતા જોઈ મીઠી તનકી.
"તુ એકાદવાર ન ટોકે તો ના ચાલે...? " દયાશંકર એ પોતાનો રોષ પ્રગટ કર્યો.
ના ના હું શું કરવા ટોકુ તમ-તમારે ભેગો બેહાડી ખવડાવવો.. મજૂરી કરીને તૂટી ગયો છે તે સેવાચાકરી કરો બિચારાની..!
દયાશંકર કિનારે વાયુ એક ધારદાર નજર પત્ની તરફ નાખતાં બોલ્યા.
" કમાવવાની સૂઝ હોત તો કટોરો લઈને તારા આંગણીએ આવ્યો ન હોત. મંદબુદ્ધિનો છે બિચારો કામ બધા કરાવી લે અને બદલામાં કોઈ કંઈ આપતુ નથી..સવાલ એક રોટલાનો છે.
એક રોટલામાં તારુ ઘર ખાલી નહીં થઈ જાય"
આટલું બોલતાં દયાશંકર હાંફી ગયા.
પછી ઉતાવળા પગલે ઘરની ભીતર સરકી ગયા અને એટલી જ ઝડપે રોટલી લઈને બહાર આવ્યા. લમણાજીક રોજની હતી અને કાયમ મીઠી ને નમતું જોખવું પડતું. હાર્યા પછી પણ પતિ પ્રત્યેના રોષ ના લીધે બળાપો ઠાલવવા ચૂકતી નહીં.
રોટલી સાથે ઉતાવળા પગલે બહાર ભાગતા પતિને જોઈ ઝાટકી નાખતી હોય એમ મીઠી બોલી.
" કોઈ સાધુ-સંત ને કે મુંગા જાનવરોને રોટલો દીધો હોત તો પૂણ્ય આગળ આવતુ.આ ગાંડાને ખવડાવી પથરા પામશો..?
પછી છણકો કરતી હોય એમ ઉમેર્યું
"હવે બાઘાની જેમ ઉભા રહ્યા વિના રોટલી ધીરો તે જાય હવે.. મારી ઈલુડી ને આવવાનો વખત થયો છે મારી છોડી એકદરૂપાને જોઈ બીવે છે...!'
"હે..રામ..! આ કર્કશામા કરુણા ક્યારેય નઈ જન્મે..?"
દયાશંકર સ્વગત બબડ્યા અને ઝડપથી રોટલી લઇ બહાર ગયા.
દરવાજામાં મેલાઘેલા વસ્ત્રોમાં લઘરવઘર દેખાતો મૈકૂ કટોરો લઈ ઉભો હતો. એની આંખોમાં કૌતુક અને ભયના મિશ્રિત ભાવો હતા.
તે વારે ઘડીએ ડોકૂ ફેરવી પાછળ જોઈ લેતો હતો.
દયાશંકરના કાને છોકરાઓનો હલ્લો પડ્યો.
ગાંડો આવ્યો...ગાંડો આવ્યો.. દયાશંકર લાકડી લઈને પ્રાંગણમાં આવ્યા. "કયો ગધેડો છે આ બધા ઘરે ભાગો પોતપોતાને..... નહિ તો એકાદા નો ટાંટીઓ ભાગી નાખીશ...!"
સખત શબ્દોમાં છોકરાઓને ધમકાવ્યાં, એટલે તરત જમેલો વિખરાય ગયો.
દયાશંકરે મૈકૂના કટોરામા રોટલી મૂકી એટલે અબુધ બાળક ની જેમ તે હસવા લાગ્યો. પછી રોટલી લઈને ભાગ્યો.
દયાશંકર જાણતા હતા કે સીધો ઘરે જઈને તે રોટલી ખાશે..
રોટલી મળતાં એના ચહેરા પર જે પ્રસન્નતા ઊભરાતી તે પછી દયાશંકરના અંતરમાં પડઘાતી હતી. એમને થતી આ અદભૂત અનુભૂતિ કોઈ બીજું શું જાણવાનું કે માણવાનું...?
આવી અનુભૂતિથી મીઠી પણ બાકાત હતી. એતો એના તોછડા વર્તન પરથી ખ્યાલ આવતો હતો.
લાલીમાનો મૈકૂ પાંચ વર્ષનો હતો ને મહોલ્લાના લોકો એની નાડ પારખી ગયેલાં.
જન્મજાત મંદબુદ્ધિના મૈકૂને અબાલ-વૃદ્ધ બધા ટાંપૂ-ટીયુ ચિંધતા.
હોશે-હોશે મૈકૂબધાનું કામ કરતો.
કોઈ એને રોટલીના ફટકો આપીને રાજી કરતુ.
તો કોઈ રૂપિયો બે રૂપિયા આપી દેતુ.
એનાથી પણ ઉપરવટ જઈ મહોલ્લાની એક-બે શેઠાણીઓ તો એની જોડે પગ પણ દબાવડાવતી.
લોકોનું વૈતરુ કરતા મૈકુ ને જોઈ ઘણાખરા કહેતાં પણ ખરા.
-" લાલીમા આશાનુ છોકરો સાવ ભોળો છે.
લોકો ના છાણિયાં ઉચકે..દળણાં નો ભાર વેંઢારે..જેના-તેના પગ દાબે ...અને ગામ આખા નુ કામ કરે...!
આમને આમ તમે છોકરો ખોઈ નાખશો.. લોકોને ભૂખ ઊઘડી છે. કામ કરાવી કોઈ રાતી પાઇ આપતું નથી. છોકરાનો જીવ સાર બગડી જશે..!"
પોતાના દીકરાને કોઈ ગાંડો કહે લાલીમા ને જરા પણ ખંટાતુ નહીં છતાં.
લોકોની વાતને મન પર લીધા વિના તેઓ જતનથી મૈકુ નો ઉછેર કરતાં.
પહેલો-વહેલો દયાશંકરે એણે જોયેલો ત્યારે લાલીમા ને કહેલુ.
"ડોશી છોકરાની જિંદગી સુધારવી હોય તો મારી વાતમાં માનશો...?
એને મંદબુદ્ધિના બાળકોની સ્કૂલમાં મૂકી આવો..! ધરતીના છેડે જશે તો પણ કદી પાછો નહીં પડે..!એવો હોશિયાર થઈ જશે...!"
"ના રે ભાઈ ના..! મારા દિકરા ને છાતી થી અળગો હુ ના મેલુ..! મારો જીવ માને જ નહીં મારી આંખોની ટાઢક છે ..!
અજાણ્યાં ને પરાયાં લોકોની ભીડમાં મારો મૈકૂ ગૂંગળાઈ મરે..!"
લાલીમાં જીવ્યા ત્યાં લગી મૈકૂ ને પોતાનાથી અળગો થવા દીધો નહીં.
પોતાના સંતાનો માટે 'મા નુ ' હ્રદય વિશેષ લાગણી ધરાવે છે.
યુવાન થવા છતાં તેના વર્તન વ્યવહારમાં લેશમાત્ર ફરક પડ્યો નહિ.
"બારે બુદ્ધિ ને સોળે સાન" એ કહેવત મૈકૂે માટે ખોટી ઠરી.
લાલીમાં હયાત હતાં ત્યાં લગી મૈકૂ ને સાફ-સુથરો રાખતાં.
એમના મૃત્યુ પછી મૈકૂ ની ખરેખર પડતી આવી.
માથા પરનું એ છત્ર ગુમાવી બેઠો.
માનામરણ પછી એની સારસંભાળ રાખવા વાળુ કોઈ રહ્યું નહીં.
"કોણ એના વસ્ત્રો ધુવે.. ?કોણ એણે સ્નાન કરાવે...? દિવસેને દિવસે એનો ઢાળો બદલાવા લાગ્યો.
મેલાં-ઘેલાં કપડાંમાં આખો દિવસ એ ગામમાં ફરતો.
દયાશંકર જેવા એકાદ બે વ્યક્તિઓના કારણે એની પેટપૂજા થઈ જતી.
ધીરે-ધીરે મૈકૂ ના વાળ વધતા ગયા.
મેલાં-ધેલાં કાળો ભઠ્ઠ થયેલાં વસ્ત્રો ફાટવા લાગ્યાં. સારસંભાળના અભાવે એનું સ્વરૂપ કદરૂપી થયું. લોકોએ મૈકૂ નો ઢાળો જોઈ એ ને કામ સોઁપવાનુ પણ બંધ કરી દીધું.
મહોલ્લામાં સૌથી છેલ્લું ધર લાલિમા નું હતું.
હવે આખો દિવસ મૈકૂ ઘરમાં પડયો રહેતો.
કારણકે મહોલ્લાનાઁ છોકરાં એના પર છૂટ્ટા પથ્થરો ફેકતા.
જેથી મૈકૂ ઘણો ડરતો.
ખરી ભૂખ લાગતી ત્યારે એ દયાશંકરના ઘરે આવી કટોરો ખખડાવતો.
મૈકૂ ને રોજે રોજ રોટલી આપવાની દયાશંકરની આદત મીઠીને ખટકવા લાગી.
કાયમ પતિ-પત્ની વચ્ચે ચમકવા ઝરતી.
પણ દાબ દઈ મીઠી દયાશંકરને કશું કહી શકતી નઈ.
મીઠી મૈકૂ થી ખરેખર ત્રાસી ગયેલી.
મૈકૂ માગવા ઘરે આવતો ત્યારે મીઠી ના અંગેઅંગ માં બળતરા ઊઠતી.
મીઠીને મૈકુ ઉપર વધુ દાઝતો એટલે આવતી કે એને જોતાં જ ઈલુ રડવા લાગતી.
એક ગાંડા વ્યક્તિ માટે થઈને પોતાનો પતી એને ખરુ-ખોટુ સંભળાવી દેતો. જેનાથી મીઠીને ધણુ લાગી આવતુ.
રોજની રક-જક થી ત્રાસેલી મીઠી ને ઘાતકી વિચાર આવી ગયો.
"ના રહે વાંસ કે ના વાગે વાંસળી."એણે મૈકુ નો કાંટો કાઢી નાખવાનુ નક્કી કરી લીધુ.
ઉપાય પણ મીઠીએ એવો જડબે સલાક શોધ્યો કે'લાઠી ભાગે પણ નહી ને સાપ મરી જાય.
રસોઇ તૈયાર કરતી વખતે એણે એક રોટલી ખૂબ માવજતથી તૈયાર કરી.
રોટલી ની ભીતરના પડમાં ઉંદર મારવાની દવાનો પાઉડર મીલાવી દીધો.
રસોઈ તૈયાર થતાં જ પેલી રોટલીને ખાંચો પાડી નિશાની કરી દીધી.બધી રોટલી ની ઉપર એ રોટલીને ગોઠવી દઈ અલમારી માં મૂકી દીધી.
ઈલુ માટે દુધમાં રોટલી ચોળી અલગ મૂકી દીધી.
માસ્તર દયાશંકર નો નિત્યક્રમ મીઠી જાણતી હતી.
ઈલૂ સ્કૂલે થી ધરે આવે ત્યારે જ મૈકુ હાજર થઇ જતો.
ત્યારે દયાશંકર મૈકૂને રોટલી આપતા પછી જ પોતે જમતા.
દયાશંકર કોઈ કામથી બહાર ગયેલા જે હજુ સુધી પાછા ફર્યા નહોતા.
મીઠી એમના આગમનની ઘડીઓ ગણતી હતી.
એના શરીર પર પરસેવો વળી રહ્યો હતો.
જીવન માં પહેલી વાર પાપ કરવા જતાં એનુ હૈયુ ફફડી રહ્યુ હતુ.
શરીરમાંથી ટપકતી અગનજાળને ઠારવાના ઈરાદે મીઠી પંખાની સ્વિચ અાૅન કરવા ઉઠી.
ગભરાહટ સાથે કંપતા હાથે મીઠીએ સ્વિચ દાબી.
એ સાથે જ એક મોટો ધમાકો થયો.
ભીતરથી ઈલાની ચીસ સંભળાઈ. જોત-જોતામાં ઘરમાંથી ધુંમાડાના ગોટે-ગોટા ફેલાઇ ને બહાર આવવા લાગ્યા.
પ્રવેશધ્વાર આખુ ધુમાડાથી ગોટાઈ ગયુ.
મીઠીએ રઘવાટ ભરી નજર કિચન ભણી નાખી.
રસોડુ ભળકે બળતુ હતુ.
મીઠીના મગજની નસો તણાઈ. તરત એના મનમા ઝબકારો થયો.
મૈકૂ માટે ના કાવત્રાની પળોજણ માં ગેસના સ્ટવ નો વાલ્વ ખૂલ્લોજ રહી ગયેલો. લાઇટ ફોલ્ટ ને કારણે તણખા પડ્યા હશે.એટલેજ આગ લાગી હશે
આખી વાત મીઠી ના ગળે ઉતરી ગઇ.
આગ વધુ ને વધુ ફેલાતી જતી હતી.
ઈલા જોર-જોર થી ચીસો પાડતી હતી. મતિ વિસારે પડી હોય એમ પળભર મીઠી આધાત પામી ગયેલી.
પરિસ્થિતી કાબુ બહાર લાગતાં એ બેબાકળી બની બહાર દોડી આવી અને ઉંચા અવાજે બૂમો પાડવા લાગી.
" મારી ઈલૂડી ને કોઈ બચાવો...મારા ઘર મા આગ લાગી...મારી ઈલૂડી બળી જાય. મારી છોડી બળી જાય...અરે કોઈ બચાવો...કોઈ રહેમ કરો..!
દોડો રે દોડો કોઈ મારી છોડી બળી જાય...એને બચાવો...!!"
મીઠીના બૂમ-બરાડા અને હૈયા ફાટ રૂદનથી મહોલ્લો એકઠો થઈ ગયો.
'હાય..હાય..છોકરી બળી જશે...!'
એક -બે સ્ત્રીઓ એ જીવ બાળ્યો.
"પાણી છાંટો...જલદી પાણી છાંટો...છોકરી ને બચાવો..!" ટોળામાં થી એક વૃધ્ધ બોલ્યો.
એક બે જણા પાણીની બાલદી લઈ દોડ્યા.
'હવે કયારે પાણી છંટાય ને ક્યારે આગ શમે..?'
ધમપછાડા કરી હારી-થાકી હતાશ મીઠી ભૂમિ પર ફસડાઈ ગઈ.
"એણે માની લીધુ.હવે ચોક્કસ મારી ઈલુ બળી જવાની...!"
હાથના કર્યાં હૈયે વાગ્યાં .
વકરતી જતી આગની જ્વાળાઓ જોઈ એક-એક ટોળુ વિખરતુ ગયુ.
જોગાનુજોગ ત્યારે જ મૈકુ કટોરો લઈ ત્યાં આવ્યો.
ભૂમિ પર ફસડાઈ પડેલી મીઠીને એકજ લવો વળી ગયેલો.
"મારી ઈલૂડી ને કોઇ બચાવો...મારી ઈલૂડી બળી જાય...!"
એનો આર્જવ ભર્યો અવાજ ક્ષીણ થતો ગયો. દયાજક સ્થિતીમાં મૂકાઇ ગયેલી મીઠીને લાચાર થઈ સૌ જોતાં રહ્યાં.
અચાનક આવી ચડેલો મૈકૂ આ ધમાલ જોઈ હતપ્રભ બની ગયો. કોઈ કશુ સમજે એ પહેલાં મૈકૂ હરણફાળ ભરી ધરમાં કૂદી પડ્યો.
વિવશ બની તમાશો જોનારાં મોંઢા મા આંગળા ઘાલી ગયાં.
બધાં ના જીવ તાળવે ચાેંટી ગયા...
કોઇ બોલ્યુ પણ ખરુ.
-"છોકરી સાથે મૈકૂ ગાંડો બળી મરવાનો.."
દસેક મિનીટ ધેરી સ્તબ્ધતા વ્યાપી ગઈ.
પાણી લઇ હજૂ કોઇ આવ્યુ ન હતુ. દ્રષ્ટાઓ ની બેબાકળી નજરો પરસ્પરને અથડાઈ ભડભડ બળતી આગ પર મંડાઈ જતી હતી.
વ્યાપક બનતી જતી અગ્નિ જ્વાળાઓ દરવાજા ને ઘેરી વળેલી.
સૌ ના વિસ્મય વચ્ચે તોતિંગ જ્વાળાઓને વિંધતો મૈકૂ આવતો દેખાયો.
ફાટી આંખે બધાં જોતાં રહ્યાં.
ઈલૂ ને પોતાની છાતીમાં છૂપાવી બન્ને હાથ અને માથાના સહારે સંપૂર્ણ ઢાંકી મૈકૂ બહાર લઈ આવ્યો.
બહાર આવતાં ની સાથે જ મૈકૂ ફર્શ પર લાંબો થઈ ગયો.
મૈકૂના હાથમાંથી ઈલાને એક ભાઇએ ખૂચવી લીધી.
મૈકૂ ગૂંચળુ વળી પડ્યો હતો.
ઈલાના માથાના વાળ અને કપડા સિવાય જાજુ કશુ બળ્યુ નહોતુ.
પરંતુ મૈકૂ સંપૂર્ણ દાઝી ગયો હતો.એનો ચહેરો ઓળખાય નહી એવો વિકૃત થયેલો. માથાના બધા જ
વાળ બળી ગયેલા. બન્ને બાજુ ખભા પર તેમજ પીઠ પર વસ્ત્રો બળીને ચામડી સાથે ચોંટી ગયેલા.
બળેલા માનવ માંસની ગંધ પ્રસરી હતી.
દયાશંકર ઘરે આવ્યા. ઘરનુ દ્શ્ય જોઈને તેઓ ડરી ગયા.
બેહોશ પત્નિ પર પાણી છાંટતાં તરત એ હોશમા આવી.
ઉભેલામાં થી એક જણને દોડાવી દયાશંકરે ગાડી મંગાવી.
મૈકૂને ત્વરિત ગાડીમાં નાખી દવાખાને લીધો.ગાડી ધમધમાટ દોડવા લાગી.
હોશમાં આવેલી મીઠી પોક મૂકીને રડતી હતી.
જેને મૂંગુ ઢોર ઘણી ધૂત્કારી મૂકેલો એજ મૈકૂ એ જીવના જોખમે પોતાની ઈલૂડી ને બચાવી લીધી.
મીઠીના પછતાવાનો પાર નહોતો.
ગાડીએ ગામનો સિમાડો ઓળંગ્યો હતો.
કે મૈકૂએ માથુ નાખી દીધુ.એણે દમ તોડી દીધો.
ગાડીમાં ભરાયેલા ચારેક જણમાંથી એક વૃધ્ધ બોલ્યો.
"માસ્તર સાહેબ હવે ગાડી પાછી વાળો. ફોગટ ફેરો ખાવાની જરુર નથી. માંણહ રહ્યુ નથી.
ધ્યાનથી જોતાં દયાશંકર ને વૃધ્ધની વાત ખરી લાગી.
ગાડી પાછી લેવાઈ.
દયાશંકરની આંખમાં ભિનાશ ઉભરી આવી..તેઓ સ્વગત બોલ્યા.

'
મૈકૂ તૂ તો "રોટલી નુ ઋણ ચૂકવી ગયો ભઈ..!'