Mahel - 6 books and stories free download online pdf in Gujarati

મહેલ - The Haunted Fort (Part-6)

પ્રસ્તાવના :-

આ વાર્તા લખવા પાછળનો મારો મુખ્ય હેતુ વાચક મિત્રો ને મનોરંજન મળી રહે એ જ છે, આ વાર્તા ના તમામ પાત્રો અને ઘટનાક્રમ કે સ્થળ કાલ્પનિક છે જેનું કોઈ જ વસ્તુ કે વાસ્તવિકતા સાથે લેવાદેવા નથી. મનુષ્ય જ્યારે જન્મે ત્યારથી જ્યાં સુધી  મરે ત્યાં સુધી તેનામાં ડર જ એક એવી વસ્તુ છે જે મનુષ્ય ને સૌથી વધુ હેરાન કરે છે. દરેક ને અલગ અલગ વસ્તુ થી ડર લાગે છે, જેમાંથી  એક છે શૈતાન, ભુત કે ચુડેલ. અને મારી આ વાર્તા પણ એક ભુત પ્રેત પર આધારિત છે.

લિ. કલ્પેશ પ્રજાપતિ

         " રિયા તું અહીંયા! તું અહીંયા કેમ આવી મેં તને અહીં આવવાની ના પાડી હતી ને તને ખબર નથી અહીંયા શું શું થયું રહ્યું છે?" રિયા ને આમ અચાનક આવતા જોઈ રિયા ની મમ્મીએ રડતા-રડતા કહ્યું
         " પણ મમ્મી તું આટલી બધી ચિંતિત કેમ છે?" રિયા એ એની મમ્મીએ ચુપ કરાવતા પૂછ્યું. પૂર્વી રિયા ની બાજુ માં ઉભી ઉભી આ બધું જોઈ રહી હતી, પૂર્વી ને પણ આ બધું સાંભળી નવાઈ લાગી રહી હતી.
         " બેટા અહીંયા કોઈ જ સુરક્ષિત નથી એટલે જ મેં તને અહીંયા આવવા માટે ના પાડી હતી, તું સમજતી કેમ નથી." રિયા ની મમ્મીએ રિયા ના માથે હાથ ફેરવતા રિયા ને કહ્યું.
          " પણ મમ્મી મને ત્યાં ડરાવના સપના આવતા હતા, કોઈ મને મારી નાખવાનો પ્રયત્ન કરતો હોય એમ લાગી રહ્યું હતું." રિયા એ પોતે અહીં આવવાનું કારણ તેની મમ્મીને જણાવ્યું. રિયા ની વાત સાંભળી એની મમ્મી શાંત થઇ રિયા અને પૂર્વી ને અંદર બોલાવી બેસાડી પાણી આપે છે અને રિયા પૂર્વી ની ઓળખાણ એની મમ્મી સાથે કરાવે છે અને જણાવે છે કે તે લન્ડન થી અહીંયા તેની મદદ કરવા માટે આવી છે. રિયા ની મમ્મી તેમને છેલ્લા ૧૨ દિવસથી બનેલી ઘટના કહી સંભળાવે છે. પછી રિયા તેમના મિત્રોને કોલ કરીને જણાવે છે કે તે અહીં જેતપુર આવી છે,થોડી જ વારમાં બધા મિત્રો રિયા ના ઘરે આવી જાય છે.
          " પૂર્વી આ બધા મારા નાનપણના મિત્રો જીગર, કેતન, નિતીન, બ્રિજેશ, પ્રિયા અને ખ્યાતિ અને ફ્રેન્ડ્સ આ છે પૂર્વી મારી ફ્રેન્ડ." રિયા એ બધાનો પરિચય કરાવતા કહ્યું. બધા મિત્રો ને એકલા મૂકી રિયા ની મમ્મી તેમના માટે ચા નાસ્તો લેવા માટે જાય છે, રિયા ની મમ્મી ના અંદર જતા બધા મિત્રો રિયા ને અઘોરી અને તેમણે જે કર્યું એ તમામ ઘટના કહી સંભળાવે છે, પૂર્વી ને હવે રિયા ની વાત પર વિશ્વાસ આવતો હતો કે તે જે કહી રહી હતી એ બધું સત્ય હતું.
           " રિયા આનો રસ્તો આપણે જ શોધવો પડશે." બ્રિજેશ એ બધી વાત જણાવી રિયા ને કહ્યું
           " પણ આપણે કરીશું શું?" બ્રિજેશ ની વાત સાંભળી રિયા બોલી અને તેની વાત ખોટી પણ ન હતી જો આટલો મોટો અઘોરી કઈ ના કરી શક્યો તો પછી મામૂલી માનવીની શું તાકાત.
          " અહી થી જુનાગઢ કેટલુ દુર છે?" બધા જ મિત્રો ચર્ચા કરી રહ્યા હતા ત્યાં જ પૂર્વીએ બધાને સવાલ કર્યો.
          " કેમ શું કામ પડ્યું તમારે?" જીગર એ પૂર્વી ને પૂછ્યું, એટલામાં રિયા ની મમ્મી ચા અને નાસ્તો લઈને આવે છે પછી બધા સાથે મળીને ચા નાસ્તો કરે છે.
         " મારો એક મિત્ર કદાચ ત્યાં છે, એટલે એને મળવું છે." પૂર્વીએ ચા પીતા પીતા જીગર ને જવાબ આપ્યો.
          " કદાચ એટલે શું? તમને પાકી ખબર નથી કે ત્યાં જ હશે? અને એ ત્યાં શું કરે છે? શું તમને મળવા અહીં નહી આવી શકે?" નીતિને એક સાથે ઘણા બધા સવાલો પૂર્વીને કરી દીધા, અત્યારે બધા જ એકદમ ચૂપ હતા અને પૂર્વી ની સામે જોઈ રહ્યા હતા. પૂર્વી ને પણ હવે શું બોલવું એની ખબર નહોતી અને તેને એ સવાલ યોગ્ય પણ લાગ્યા.
          " પાકી ખબર તો નથી, પણ ત્યાં જઈને જોવામાં આપણું શું જાય છે અને પૂર્વી અહીંયા મારી મદદ કરવા માટે આવી છે એટલે જ એ એને શોધવા મથે છે." પૂર્વી કઈ બોલે એ પહેલા જ રિયા એ જીગર ને જવાબ આપ્યો.
          " અહી થી 10 થી 15 મિનિટ નો રસ્તો છે." રિયા ની વાત સાંભળી નીતિને કહ્યું.
         " ઠીક છે, તો કાલે સવારે આપણે ત્યાં જઈશું." રીયા એ  છેલ્લે પોતાનો ફેંસલો બધાને કહી સંભળાવ્યો અને તેના મિત્રોને પોતાની પાસે જ વિતાવવા માટે વિનંતી કરે છે અને બધા તૈયાર થઈ જાય છે.
         " હા તો તમારા ઘરે કોલ કરીને જમવાની ના કહી દો અહીંયા મારી સાથે જ જમીને આપણે મોડે સુધી વાતો કરીને સુઈ જઇશું."
         " ઠીક છે મેડમ જેવી તમારી મરજી." બ્રિજેશ પ્રિયાની વાત સાંભળીને રિયા ને કહે છે અને બધા પોતપોતાના ઘરે કોલ કરીને જમવાની ના કહી દે છે અને તેઓ રિયા ના કરે છે રોકાશે એવું પણ કહી દે છે,જેથી તેમના ઘરવાળા  તેમની ચિંતા કરે નહિ. રાત્રે બધા જ જમીને મોડે સુધી વાતો કરે છે, પૂર્વી પણ હવે તે બધા માટે અજાણી રહી નથી પૂર્વી પણ હવે તેમની ખાસ મિત્ર બની ગઈ છે.
          " હા તો હવે સુવા જઈશું, ઘણી રાત થઈ ગઈ છે કાલે સવારે આપણે જુનાગઢ પણ જવાનું છે માટે." પોતાની રિસ્ટવોચમાં નજર નાખતા ખ્યાતિ બોલી. બધા ખ્યાતિ સાથે સહમત થઈ સુવા માટે જાય છે.
                            **************
         આ તરફ એક યુવાન તેના ઘરથી બહાર નીકળે છે તે કોઈને કહ્યા વગર ક્યાંક જવા નીકળે છે, તેણે બ્લેક કલરનું જેકેટ પહેર્યું હોય છે અને જેકેટમાં એટેચ કેપ વડે પોતાનું માથું ઢાંકેલું હોય છે, તે ઘરની બહાર નીકળી આમતેમ નજર કરે છે પછી તે દરવાજો બંધ કરી આગળ વધે છે, તે આગળ વધતા વારે ઘડીએ આમતેમ નજર કરતો રહે છે, જાણે તે કોઈની નજરમાં ના પડી જાય, સ્ટ્રીટલાઇટના આછા અજવાળામાં કેપ ની અંદર નો ચેહરો સ્પષ્ટ જોઈ શકાતો નહોતો તેણે અંદર માસ્ક પહેર્યુ હોય તેમ લાગી રહ્યું હતું. આટલા ભયાનક વાતાવરણમાં તે યુવાન ક્યાં જાય છે? અને શું કરવા? તે યુવક પ્રિયા ના ઘરે થી નીકળ્યો હોય છે કદાચ તે પ્રિયાનો ભાઈ જ હતો, એ ધીરે ધીરે ગામની બહાર નીકળી મહેલ તરફ જાય છે.
          જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ વાતાવરણ વધારે ભયાનક થતું જાય છે, એને એમ કે આ આત્મા તેનું કઈ નહિ બગાડી શકે પણ એની એ ધારણા ખોટી પડી, અત્યારે વાતાવરણ પોતાનું રૌદ્ર સ્વરૂપ લઈ ચૂક્યું હતું એ જેમ જેમ આગળ વધતો હતો તેમ-તેમ તેના કાને અલગ અલગ અવાજો સંભળાતા હતા, ક્યારેક તમરાનો અવાજ તો ક્યારેક શિયાળ ના રોવાનો અવાજ તો ક્યારેક કોઈ મનુષ્યના રડવાનો અવાજ એમ અલગ અલગ અવાજો તેના કાને પડતા હતા. આ દરમ્યાન તે હિંમત કરી આગળ વધે છે અચાનક કોઈ વસ્તુ તેની નજીકથી એમ સમજો કે તેને અડીને જ પસાર થઈ ગઈ.
         " કોણ છે ત્યાં?" હિંમત કરી એ દિશા તરફ આગળ વધતા તે યુવકે બૂમ પાડી, તેની ધડકનો તેજ થઇ ગઈ હતી કોઈ પ્રત્યુતર ન મળતા એ આગળ વધ્યો એ જેવો આગળ વધો કે એક બિલાડીએ તેના પર કૂદકો માર્યો તે યુવાન તરત જ ત્યાંથી ખસી ગયો. 
        " કદાચ આ બિલાડી જ હશે." તે યુવાન ધીરેથી ઉભો થતાં તે બિલાડી ને જતી જોઇને બોલ્યો. " આમ  ડરવાથી કઈ નહી થાય, હિંમત કરવી પડશે જો તાકાતવર બનવું હોય તો." તે યુવાન પોતાની જાત સાથે વાત કરી રહ્યો હતો પણ તે શું કરવા ઈચ્છે છે? એની કંઈ જ ખબર નહોતી. એ ધીરે ધીરે આગળ વધે છે, જંગલમાં પડેલા વૃક્ષો ના સુકા પાંદડા પર ચાલવાથી તેના દરેક પગલા નો અવાજ સાફ સાફ સંભળાતો હતો.
        " હાશ પહોંચી ગયો." મહેલ નો ગેટ સામે દેખાતા તે યુવાન ખુશ થતા બોલ્યો.
          મહેલ એટલો વિશાળ હતો કે 20 કુટુંબ આરામથી રહી શકે. વર્ષો જૂના આ મહેલમાં અવર જવર અને દેખરેખના અભાવે તે અત્યારે ખંડેર હાલતમાં હતો અને તેના પર વિવિધ જાતની વનસ્પતિ ઉગી નીકળી હતી, વર્ષો સુધી બંધ પડેલા આ મહેલમાં નકારાત્મક શક્તિઓ નો વાસ હતો જેના લીધે તે અત્યંત ભયાનક લાગતું હતું.
         " ચરરરરરર......"  તે યુવાને ધીરેથી મહેલ નો ગેટ ખોલ્યો અને આગળ વધી મહેલ નો દરવાજો ખોલે છે, તે જેવો મહેલનો દરવાજો ખોલે છે એવા જ એક સાથે હજારોની સંખ્યામાં ચામાચીડિયા મહેલની બહાર નીકળે છે, એ નીચે નમે એ પહેલા તો 10 થી 15 ચામાચીડિયા તેના મો સાથે થાય છે જેથી તેને ઇજા થાય છે, આટલું બનવા છતાં તે હિંમત કરી આગળ વધે છે.  તે જેવો મહેલમાં પ્રવેશ કરે છે એવો તરત જ મહેલનો દરવાજો બંધ થઈ જાય છે. મહેલમાં અંધારાના કારણે તે પોતાના મોબાઈલની ફ્લેસ લાઈટ ઓન કરી અંદર આમતેમ નજર કરે છે. અચાનક કોઈ નો અવાજ તેના કાને સંભળાય છે તે ડરી જાય છે, અવાજ હવે બધી જ દિશામાંથી આવવા લાગે છે તે ડરના માર્યા ત્યાંથી ભાગવા જાય છે, પણ તેના મોબાઈલ ની ફ્લેશ લાઇટ બંધ થઈ જાય છે.
         " કમ ઓન... કમ ઓન... ચાલુ થઈ જા પ્લીઝ." તે મોબાઈલની ફેશલાઈટ ને પુનઃ ચાલુ કરવાનો પ્રયત્ન કરતા બોલ્યો, તેણે મોબાઇલને બે-ત્રણ વખત તેના હાથ વડે થપથપાવ્યો અચાનક લાઈટ ચાલુ થઈ જાય છે, તે જેવું સામે જોવે છે એવી જ અનાયાસે તેના મોઢામાંથી ચીસ નીકળી જાય છે, મોબાઈલ ની ફ્લેશલાઇટ માં તેની સામે એક ચહેરો દેખાય છે જે એટલી હદ સુધી ડરામણો હોય છે કે કોઈ પણ એને જોવે તો ત્યાં જ તે બેહોશ થઈ જાય અને એની સાથે પણ એવું જ બન્યું તે બેહોશ થઈ જાય છે.
                             *************
          " શુભમ... શુભમ ઉઠ હવે ૮ વાગી ગયા." પ્રિયાએ તેના ભાઈને જગાડતા કહ્યું. તે આંખો ખોલે છે અને જુએ છે તો તે પોતાના ઘરમાં હોય છે આ જોઈ તે ડરી જાય છે.
         " તુ જા નીચે હું આવું છું પાંચ મિનિટમાં." શુભમ એ પ્રિયાને નીચે જવા માટે કહ્યું, અને તે વિચારવા લાગ્યો કે તે રાત્રે મહેલમાં હતો અને બેહોશ થઈ ગયો હતો તો અહીં આવ્યો કેવી રીતે. પછી તે ઊભો થઈ નીચે જાય છે પણ તેના રૂમમાં કોઈ હોય છે જેનાથી તે અજાણ છે.
         " પ્રિયા તું આમ તૈયાર થઈ ને ક્યાં જાય છે?" પ્રિયા ને તૈયાર થતા જોઇ તેની મમ્મી એ સવાલ કર્યો. 
         " થોડું કામ છે માટે અમે બધા મિત્રો બહાર જઈ એ છીએ." પ્રિયા એ તેની મમ્મીને જવાબ આપતા કહ્યું. 
           " તને અહીંયા ના હાલાત ની ખબર નથી? કે અહીંયા શું? શું? થઈ રહ્યુ છે." તેની મમ્મી એ તેને રોકતા કહ્યું. અત્યારે ગામમાં ચાલી રહેલી ઘટનાને લીધે તેઓ ડરેલા હતા. 
         " મમ્મી તુ નાહક ની ચિંતા કરે છે, મને કંઇ નહી થાય. અમે હમણાં કલાકમાં જ પાછા આવીએ છીએ." પ્રિયાએ તેની મમ્મીને સમજાવતા કહ્યું, એ તેની મમ્મીને જણાવવા નહોતી માગતી કે તે જુનાગઢ જાય છે કેમકે જો એ સાચું બોલત તો એની મમ્મી એને ક્યારે જવા દેતી નહિ. 

To be continued........... 

નોંધ:-
મિત્રો આપને મારી આ કહાની પસંદ આવી હોય તો રેટિંગ આપજો બને તો કોમેન્ટ પણ કરજો અને આપણા મિત્રો કે પરિવારજનોને પણ વાંચવા માટે આગ્રહ કરજો

આ સિવાય આપ મારી અન્ય વાર્તા " પ્રતિશોધ" પણ વાંચી શકો છો

આપનો અભિપ્રાય આપ મને 7405647805 નંબર પર  whatsapp પણ કરી શકો છો.