To, My dear society books and stories free download online pdf in Gujarati

પ્રતિ, મારા પ્રિય સમાજ

પ્રતિ,

મારા પ્રિય સમાજ,


તમને મારા નતમસ્તક પ્રણામ,

કેમ છો બધા ? પોતપોતાના કામોમાં વ્યસ્ત , હમેશાની જેમ ! બરાબરને ?

તમે તો મને ઓળખતા હશો નહિ..! 

નહી ? અરે, તમે મને આટલી વારમાં ભૂલી ગયા? ચાલો કઈ નહી, હું જ યાદ કરાવી દાવ છું, મારું નામ છે..! અમ્મ્, રહેવા દો, નામમાં શું છે? છોડો, સીધા પોઈન્ટ પર જ આવીએ.બહુ સમયથી તમારા સાથે વાત કરવાની ઈચ્છા હતી,પણ સમય જ અનુકુળ નહોતો આવતો.આજે આવ્યો છે, તો થયું તમને પત્ર લખી જ નાખું.

સૌથી પહેલા તો તમને બધાને મારા તરફથી દિલથી આભાર..! થોડા સમય પહેલા બધી જ જગ્યાએ મારું જ નામ હતું, ટીવી પર પણ મારું નામ જ ચર્ચાનો વિષય હતો,સોસીયલ મીડિયામાં પણ મારું નામ જ “talk of town” હતું,ઠેર ઠેર મારા નામના પોસ્ટર હતા.અરે ! તમે લોકોએ તો મને એક નવું નામ પણ આપી દીધું હતું.અરે, હું પણ કેવી બુદ્ધુ હતી, તમે મારા માટે આટલું બધું “બલિદાન” આપી રહ્યા હતા અને મને તો તેના વિષે કશી જ જાણ નહોતી.જો ખબર હોત તો ત્યારે જ તમને થેંક યુ કહી દેત.

પણ યાર, તમે જ કહો, આમાં મારો પણ શું વાંક હતો? હું તો ત્યારે કોઈ હોસ્પીટલમાં મારા અસ્તિત્વની લડાઈ લડી રહી હતી, પોતાના અંતિમ શ્વાસો ગણી રહી હતી. અરે! મારી ઉમર જ શું હતી? મને તો કઈ જ ખબર નહોતી કે બહાર શું થઇ રહ્યું છે?

હા, પણ અંતે થાકીને મેં અંતિમ શ્વાસ લીધા અને અસ્તિત્વ સાથેની લડાઈ પૂર્ણ જાહેર કરી. હું તો હારી ગઈ હતી, પણ કદાચ એ તમે લોકો જ હતા, જે હજુ મને હારવા દેવા નહોતા માંગતા.

હું જયારે લડાઈ પૂર્ણ જાહેર કરીને બીજી દુનિયામાં ગઈ, ત્યારે મેં ભગવાનને પૂછ્યું, “શું થયું હતું ભગવાન જી?” પહેલા તો તેમણે મારા નિર્દોષ ચહેરાને નિર્દોષતાથી જોયો અને જાણે કશું કહેવાની ઈચ્છા ના હોય તેમ લાગ્યું, પણ પછી તેઓએ જણાવ્યું અને તમારા વિષે પણ જણાવ્યું કે તમે મારી સાથે જ હતા અડીખમ. ફરી મેં પૂછ્યું કે તમે મારો સાથ કઈ રીતે આપ્યો?

ત્યારે તેમને મને સમજાવ્યું અને પોતાના જાદુઈ યંત્ર દ્વારા બધું દેખાડ્યું પણ ખરા..! કેવી રીતે બધા જ ટીવી ચેનલો પર મારા જ સમાચાર આવતા હતા, લોકો ટીવી અને ચેનલો પર મારા વિષે દલીલો કરતા હતા; સરકારના પક્ષો, નેતાઓ, સાધુઓ, કલાકારો બધા જ મારા માટે કેવી રીતે લડી રહ્યા હતા અને બીજા યુવા ધનો પોતાના ફેસબુક અને twitar પર મારા માટે સહાનુભુતિ દર્શાવી રહ્યા હતા, બધાએ વોટ્સ એપ પર મારા નામનું ડીપી લગાવીને મારા માટે લડી રહ્યા હતા, ઠેર ઠેર મારા માટે મીણબત્તી લઈને રેલીઓ કાઢી રહ્યા હતા.

કદાચ મને આ બધું જોઇને આનંદ થઇ રહ્યો હતો કે કદાચ હવે લોકો સમજુ થયા, તેઓ પોતાની માનસિકતા હવે બદલશે, એટલે જે કઈ પણ મારી સાથે થયું, તે બીજા કોઈની સાથે નહિ થાયેવો મને તમને જોઇને વિશ્વાસ થયો અને લાગ્યું કે ભલે હું મૃત્યુ પામ્યું હોય, પણ મારી મોતનો કોઈને ફાયદો તો થયો, સમાજ સુધર્યો, એ જોઇને લાગ્યું કે મારું જીવન ભલે ટૂંકું હતું , મારું જીવન અને મૃત્યુ બન્ને સફળ થયા અને સમાજ બદલાયો, તેમની માનસિકતા બદલાઈ. સાચું કહું, નાના એવા જીવનનો પણ મને સંતોષ થઈ રહ્યો હતો..!


બસ, આમ જ સમય વીતતો ગયો..!

થોડા દિવસો પછી ફરી મેં નિહાળ્યું કે હવે મારી વાત બધા ધીરે ધીરે ભૂલી ગયા છે અને પોતપોતાના કામોમાં વ્યસ્ત થઇ ગયા છે. ચાલો , બરાબર જ છે ને, લોકોની માનસિકતા સુધરી છે એટલે કદાચ હવે મારું કામ પણ સફળ રીતે પાર પડી ગયું છે, એટલે હવે મને યાદ રાખવાની તો કોઈ જરૂર જ નથી, એવું હું પણ માનું છું.તેમના જીવનમાં બીજી પણ ઘણી સમસ્યાઓ છે, તે પણ તો તેઓએ પાર પડવાની છે ને..!

વાહ...! મારું નામ યાદ આવી ગયું ને? તમે જ તો પાડેલું, “નિર્ભયા...!” ચલો , અંતે બધું સારું જ થયું, અંત ભલા તો સબ ભલા, હું પણ ખુશ જ હતી..બધું જ મસ્ત રીતે ચાલતું તું..!!!

અરે ! આ શું ?

હું અહી આવી તેને એક વર્ષ પણ નહિ થયું હજુ, આ કોણ આવ્યું અહી? હજુ એક નિર્ભયા ? અરે એ તો મારા કરતા ઘણી નાની છે , તેમના માટે પણ તમે એ જ કર્યું , જે મારા માટે કર્યું હતું. કદાચ, કદાચ ...!

હવે એવું લાગે છે કે કદાચ જે લોકો ભ્રૂણહત્યા દ્વારા કુમળી દીકરીઓને આ દુનિયામાં આવતા રોકે છે , એ કદાચ એટલા માટે જ ! કદાચ તેઓ જાણે છે કે આ દુનિયા તેમને લાયક છે જ નહિ અને કદાચ તેઓ જાણે છે કે જો તે અ દુનિયામાં આવશે , તો દુનિયા તેમને જીવવા નહિ દે..!

પણ આખી દુનિયા થોડી વાંકમાં હોય ?

કદાચ....અમારો જ કઈ વાંક હશે હવે એ નક્કી ! પણ એ હવે તમે જ સમજાવો કે આખરે અમારો વાંક હતો તો હતો શું ? જો જવાબ મળે ને , તો જરૂરથી મોકલજો ! હું તમારા પત્રની અને જવાબની રાહ જોઇશ.


તમારી સૌની એ જ લાડકી,

“નિર્ભયા”


કૃતિ

~ અક્ષય મુલચંદાણી


આપના પ્રતિભાવો , સારા ને નરસા, બધા જ  આવકાર્ય છે..! આભારસહ.....!!