Dear Dhvani.. books and stories free download online pdf in Gujarati

Dear.. ધ્વનિ...





તુ તારી જાતને માફ કરી તો જો
મારા પ્રેમનો ઈન્સાફ કરી તો જો
સાગર છું ઉફનતો મૌન ધરી બેઠો
નદીની જેમ તુ મને મળી તો જો
શબ્દો નથી મે હ્રદયની ભાષા લખી
અહેસાસ બની તુ મને કળી તો જો
હશે તું 'વેલ' માનુ છું હું "બેવકુફ"
વૃક્ષ સમજી મારા પર ઢળી તો જો
સપનાં માં મળે છે રોજ આવી ને
સપનાંને મારાં હવે તુ છળી તો જો


******
છાપાની સાપ્તાહિક પૂર્તિમાં પોતાની કવિતા માણી રહેલા વૃધ્ધાશ્રમના સંચાલકે નજર ઉઠાવી આગંતુક સામે જોયુ.

તમે એકલાં જ છો ..?   સાથે બીજું કોઈ નથી…? 
 આધેડ સંચાલક સમિરભાઇએ કરચલીઓના લીધે બરછટ લાગતા વૃદ્ધ ચહેરાને ખોતરતાં પૂછ્યું. 
ઓફિસ સાદી હતી. કોઈ જાતનો ઠઠારો કે ભપકો ન હતો. ગાંધી બાપુ મધર ટેરેસા અને રવીન્દ્રનાથ ટાગોરના ફોટાઓ સાથે આથમતી સંધ્યાના મનમોહક દ્રશ્યનું એક ચિત્ર દીવાલ પર ટીંગાતું હતું. સંચાલકના ટેબલ સામે ચારેક બેઠકો હતી. જેમાંથી બે બેઠકોમાં વૃદ્ધા અને એક વૃદ્ધ અડખેપડખે બેઠાં હતાં. 
ભીતર પ્રવેશ કરતાં જ એણે એક પ્રકારની રાહત થઈ..’ કેટલી શાંતિ છે.. અહીં….?”  
એનો અંતર ઉદગાર કંઠમાં જ થીજી ગયો. 
“આવો…! આવોને અહીં બેસો..!, ભીતર પ્રવેશતાં થયેલો ખચકાટ હૂંફાળા આવકારથી દૂર થઈ ગયો.  થોડા ક્ષોભ અને 
સંકોચ સાથે પેલા આધેડ લોકો ની બાજુમાં એણે બેઠક લીધી. 
“તમારા ઘરમાં મને જગ્યા મળશે…?”આટલું બોલતાં ભાર લાગતો હોય એમ એ સહેજ સંકોચાઇ ગઈ.
‘તમે એકલાં જ છો..?’ એવું પૂછીને ભૂલા પડ્યા હોય એમ સંચાલક બીજું વાક્ય પૂરું કરી ન શક્યા.  એમના કપાળમાં પરેશાની ભર્યા વધારાના ચારેક સળ ઉપસી આવ્યા. 
પરંતુ તરત જ પોતાની ભૂલ સુધારતા હોય એમ બોલ્યા.
પાનખરના પાન માટેનું આ એક ઘર છે. અહીં આવીને પીળાં પાન ખરી પડતાં નથી. જીવનના અસંખ્ય અભાવોની ખાઈ પૂરવાનો સંવેદીત પ્રયત્ન સતત રહે છે.  પ્રત્યેક જીવ એકબીજાને પ્રેમ અને હૂંફ દઈ સંધ્યાને પ્રવૃત્ત રાખી ગુલાલ ઘૂંટવાની મથામણ કરે  છે અહીં. 
પાનખરનો જીવ આ ઘર આંગણામાં આવે ત્યારે સ્નેહનો સાગરમાં સમાવી લેવા અહીંના દ્વાર પણ હમેશા તત્પર રહે છે મારે સ્નેહને ખૂબ વ્યાપક બનાવવો છે દૂર-દૂર સુધી પાંખો પ્રસારવી છે...!"
શબ્દો થોડા પરિચિત લાગતા હતા. એને ચશ્માની ફ્રેમ ધ્રુજતા હાથે સહેજ ઠીક કરી 'મારે દૂર-દૂર પાંખો પ્રસારવી છે મારે સ્નેહને વ્યાપક બનાવવો છે..!' તે સ્વગત બબડી. 
હળવેથી બોલાયેલા આ શબ્દો એને ભીતરથી હલબલાવી ગયા. અણસાર થીજેલી સ્મૃતિને પીંગળાવી ગયો. આંખોમાંથી અશ્રુબિંદુઓ જોર કરી બહાર ધસી આવ્યા. વેદનાસભર ચિત્કાર એના મુખમાંથી નીક્ળ્યો. જાણે કે વર્ષોથી ઘૂંટાઇ  રહેલો નિશ્વાસનો લાંબો લસરકો..! 
‘અલ્ફાજ..!’વૃદ્ધાના હોઠ ઉપર ફફડી ગયેલું એક નામ પેલા બીજા વૃધ્ધોને ચમકાવી ગયું. 
સંચાલક પોતે પણ એમની ખુરશીમાંથી બેઠા થઈ ગયા. અસહ્ય અણધારી પરિસ્થિતી એમને મૂઢ બનાવી ગઈ. સહેજ લથડતા સંભાળતા તેઓ ટેબલ આગળ વૃદ્ધાની પડખે આવી ઊભા રહ્યા .  પગના બંને ઢીંચણ ઉપર ધ્રુજતા હાથ મૂકી નતમસ્તક બેઠેલી વૃદ્ધાને અદમ્ય વાંછના છતાં સ્પર્શી ન શક્યા. વર્ષોથી છૂપાઇ ગયેલો શાયર સળવળી ઉઠ્યો. એમની મૂંઝવણ હોઠ વાટે સરી પડી. 

‘લાવ હસી લઉં હું ધોધ જેવું 
હૃદયને છે સતત ખોજ જેવું 
ઉમટી પડ્યુ છે તોફાન ઘણુ આંખમાં 
નથી આ કર્તબ કઇ રોજ જેવુ 

એ જ ઉન્માદ..એજ  લહેકો…અને એજ સ્વરનુ માધુર્ય.. વૃદ્ધત્વ મનને નથી લાગતું. આતો અલ્ફાજ છે….! હે પ્રભુ જિંદગીના આ પડાવે..?’ 
જાણે કે એ પરમેશ્વરને ટકોર કરી રહી હતી. એનું રોમેરોમ અપરાધભાવથી ઉભરાઈ ગયું.
‘સમીરભાઈ , આ બેન.. તમને અલ્ફાજ કહીને કેમ બોલાવે છે..?’ સામે બેઠેલી વૃદ્ધાએ સમીરભાઈની તંદ્રા તોડી. જાણે કે એ વર્તમાન પર પછડાઈ પડ્યો. કેમ  તમારા બધાનો સમીરભાઈ   કોઈનો અલ્ફાજ ના હોઈ શકે..?’ તેઓ ઉમકળા અને આવેગથી બોલી ગયા. પરંતુ પોતાની ભૂલ સમજાઈ એટલે ભોઠા પડ્યા. 
‘ માફ કરજો હું કંઇક વધારે પડતું બોલી ગયો. 
પેલી સ્ત્રીએ ભીના અવાજે કહ્યું ના રે અલ્ફાજ..! તમે તમારો હક ગુમાવ્યો નથી. હક તો હું ગુમાવી બેઠી હતી. તમારે તો ફરિયાદ કરવી જોઈએ  આકરાં કટુવચન કહી મને ધુત્કારવી જોઈએ.. “ 
‘એવું મારાથી ક્યારેય ન થઈ શકે ધ્વનિ…! કયારે પણ નહીં 
સમીરભાઇ પોતાના આવેગો પર કાબૂ કરી પેલા બંને વૃધ્ધો  તરફ નજર નાખતાં બોલ્યા. 
માયા  નિતાન્ત .. !, આ ધ્વનિ છે.. મારી મુગ્ધાવસ્થાનુ અલભ્ય સંસ્મરણ..મારી શાયરીનુ જડમૂળ..!"
‘અલ્ફાજ….આ સમિર અને અલ્ફાજ વચ્ચેની ભેદરેખા નઈ ઉકેલો..?’ તેને ચશ્મા ઉતારીને લઈ પાલવનો છેડો આંખો  ઉપર ફેરવ્યો. 
ઈશારો સમજી ગયા હોય તેમ સમીરભાઈ એ કહ્યું.'આ દુનિયા આખી સ્વાર્થના વિષથી ખદબદે છે ધ્વનિ. પછી ક્યારેય મને એ વિષમાં ભળવાનુ મન ન થયુ.   આ તારા અલ્ફાજે સંન્યાસી થવા કરતાં પ્રેમનો અભાવ અનુભવી રહેલાં પાકેલાં પાન માટે વૃદ્ધાશ્રમ બનાવી એના સંચાલક બની વિશાળ હ્રદય કરી પ્રેમ વહેચવાનું ઉચિત ગણ્યું. 
ભિન્નભિન્ન સંબંધોની દુનિયામાં લોકો જુદી-જુદી પ્રેમની વ્યાખ્યા પોતાની રીતે ઘડી કાઢી છે કોઈ પણ સંબંધના મૂળમાં રહેલા શુદ્ધ પાસાંનો આ ક્રૂર દુનિયાએ હમેંશા તિરસ્કાર કર્યો છે. 
‘હા અલ્ફાજ..!, તમે સાચા છો મારી કાલ મારા જીવનમાં ક્યારેય ભૂતકાળ બની નથી નિષ્ફળ રહેલા સપનાનો ખંડેર લઈ અનિચ્છાએ હું સંસારમાં પીસાતી રહી છું ..!"
હું તો સ્ત્રી હતી ને એટલે..!, આપણાં કહેવાતાં સગા-વહાલાં આપણાં પર કીચડ ઉછાળે... સમાજના રીતિ-નીતિ મુજબ ચાલવાની ફરજ પાડે ત્યારે વ્યક્તિ સ્વાતંત્ર્યનો અભાવ કેવો પીડે છે મને એનો અનુભવ છે…! 
એને મુગ્ધાવસ્થાનો છતાં સૂઝ-સમજ સાથે વિકસેલો પ્રણય… લગ્ન વિધી સુધી અખંડ રહેવાની એક રોમાંચક જીદ્… 
ઊન્માદ… રીસણાં-મનામણા,વેદના-સંવેદના, એ બધુજ હિન્દુ-મુસ્લિમ નામના ધર્મ જાતીના ખપ્પરમાં હોમાઇ ગયુ.
આપણને જોજનો દૂર કરી દીધાં. સમાજે આપણા કોર્ટ મેરેજ પડકારી સફળ વિચ્છેદ પાડ્યો. આમ તો આપણે સમાજને ન ગાંઠીએ..પરંતુ આપણી કમજોરી પર બળ કરી, નવપલ્લિત સબંધ પર ખંજર ભોંકી દીધું. એ સમયે પણ મારૂં હૈયું પોકારતુ રહ્યુ. સાચા હ્રદયથી ચાહનારા પ્રેમીઓને જુદા કરનારા...ઓ બળવાખોર ધર્મઝનૂનીઓ તમે એ વાત સદંતર ભૂલી જાવ છો કે તમે અમને શરીરથી અલગ કરી શકો છો અમારા આત્માઓને કેમ કરી અલગ કરશો..? 
એમના શબ્દો આક્રોશપૂર્ણ હતા. છેલ્લે છેલ્લે એ ઢીલાં પડી ગયાં. આપણી આ જિંદગી કેવી લાચાર ને અસહાય છે..? આ સમાજ કેવો સ્વાર્થી છે. માણસને પોતાની જ જિંદગી પર મરજી મુજબ જીવવા નો હક નથી.. !'
તમને સંસારનુ વિષ ન પચ્ચુ..! પણ હું તો સ્ત્રી હતી.  કહેવાતા સંબંધોએ મને ભોગવી. હુ સ્થૂળ વસ્તુ પેઠે  વપરાતી ગઈ. જરૂરિયાત મુજબ મારો ઉપયોગ થતો રહ્યો . હવે જિંદગીના છેલ્લા પડાવે આ  દેહ  સંતાનો અને પૌત્રોને પણ નથી ખંટાતો. હવે આ શરીર ઘરમાં જગ્યા રોકે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ વારંવાર અવહેલના રૂપે મોતનો લોચો સમજી મને મારાજ ખૂનના રિશ્તા ઠોકરો મારતા રહે એના કરતાં હવે છેલ્લે હું ખુમારીથી ક્રુર સ્વજનોને ઠોકર મારવાનુ જનૂન રોકી શકી નહિ. 
“ તુ તારી ખુમારી તો જાળવી શકી છે ખૂબ આનંદ થયો ઘણી રાહત થઈ. 
“ના …અલ્ફાજ..! મને લાગે છે અહિં આવી મે ભૂલ કરી.. તમારી સહાનુભૂતિની  હું જરાપણ લાયક નથી. 
તમે મને હવે અહીં રાખો એ મારા માટે એક ઉપકાર ગણાશે..! અને  આવા ઉપકારને તો હું ઠોકર મારીને આવી છું અલ્ફાજ..!’ મારે તો એક એવી દુનિયા જોઈતી હતી …જે.. 
“ધ્વનિ..! , અલ્ફાજે એને વાક્ય પૂરું કરવા ન દીધી. 
તુ અહીં રહી શકે છે. આ વૃદ્ધાઆશ્રમ કોઈને જાકારો દેતો નથી. મારી હાજરી તને સહાનુભૂતિનો અહેસાસ કરાવતી હોય, ઉપકાર પૂર્ણ લાગતી હોય તો હું મારા સંચાલક પદનો ત્યાગ કરી સંન્યાસનો માર્ગ પકડુ છુ.. તું શાંતિથી અહીં રહે…અહીં અપાર શાંતિ છે.. દુર્લભ સ્નેહ છે 
અલ્ફાજના શબ્દોથી એ પીંગળી ગઈ એનો અંતરાત્મા પોકારી ઉઠ્યો. ફરી એકવાર સાત્વિક અને શુદ્ધ પ્રેમને જાકારો દઈ રહી હતી પોતે. રાહત ભરી ક્ષણોને તિરસ્કારી રહી હતી. જેની સાથે પહેલાંથી જ એક નિશ્વાર્થ ભાવુક હ્રદય ની લાગણીઓ જોડાયેલી છે 
પોતાની ભૂલ સમજાતાં એ સમીરના ચરણોમાં પડી ગઈ…’મને માફ કરો અલ્ફાજ તમારા સહવાસની ચાર આકસ્મિક મળેલી  ક્ષણોને હવે મારે ગુમાવવી નથી મને માફ કરો … !’ 
અલ્ફાજે એને ઊભી કરી પોતાની છાતીએ લગાવી દીધી. પેલા બંને જણાં અદભુત પાકીઝા પ્રેમના નઝારાને જોતાં રહ્યાં.