cozi corner - 12 books and stories free download online pdf in Gujarati

કોઝી કોર્નર - 12

    
  વાલમસિંહે પોતાને અંગત કામ હોવાનું કહીને પંદર દિવસની રજા લીધી હતી.ગાડી બીજા કામચલાઉ ડ્રાઇવરને સોંપીને એ ફેકટરીના પાછળના દરવાજેથી બહાર નીકળ્યો હતો.વિરસિંહ તેની રેડ ફિયાટ લઈને ત્યાં આવ્યો હતો. અબ્દુલ અને જેસો મેઇનગેટ પર નજર રાખીને બેઠા હતા.કલાકો વીતવા છતાં વાલમસિંહ બહાર આવ્યો નહોતો.છેક સાંજે જ્યારે શેઠની ગાડી, બીજો ડ્રાઇવર લઈને નીકળ્યો ત્યારે આ લોકોને ખ્યાલ આવ્યો હતો કે વાલમસિંહ તેમની નજરમાંથી છટકી ગયો છે.
 વાલમસિંહ, વિરસિંહ અને તેમના બીજા બે મિત્રોએ ગાડી ઘમુસરના બંગલે લીધી ત્યારે પરેશ અને રમલી, લો ગાર્ડનમાં પ્રેમલાપ કરતા હતા.અને ગટોર તથા ભીમો આ લોકોની પાછળ જ હતા. બે અપહરણ સમાંતર ચાલી રહ્યા હતા. વાલમસિંહ અને તેમના મિત્રોએ ઘમુસરના બંગલાથી થોડે દુર તેમની રેડ ફિયાટ પાર્ક કરી હતી. 
ઘમુસરે નવરંગપુરા વિસ્તારની એક છેવાડાની સોસાયટીમાં જ બંગલો ખરીદ્યો હતો.કારણ કે ઘમુ જે નેટવર્ક ચલાવતો હતો તેના માટે આ સોસાયટી ખૂબ જ અનુકૂળ હતી. છુટા છવાયા અને ખૂબ થોડા જ મકાન આ સોસાયટીમાં બન્યા હોવાથી સિક્યુરિટી ખાસ હતી નહિ.રાત્રી દરમ્યાન એક વોચમેન રાખવામાં આવ્યો હતો જે મોટાભાગે સુઈ રહેતો.
  વાલમસિંહ અને તેના મિત્રો રાત્રે દસ વાગ્યે ઘમુસરના બંગલાની પાછળના ભાગમાંથી ગટરના એર માટે રાખેલા પાઇપ દ્વારા ચડીને ટેરેસમાં પહોંચ્યા હતા. એ વખતે ઘમુસરના નોકરો કામકાજ પતાવીને ચાલ્યા ગયા હતા. ઘમુસર ખુદ નાગાઓનો સરદાર હોવાથી એમને કોઈ ચોરની બીક ન્હોતી. હમીરસંગ જેવા માથાફરેલ બુટલેગરની હાંક હતી અને અમદાવાદની અંડર વર્લ્ડમાં હમીરસંગનું મોટું નામ હતું.
અવાર નવાર નાના મોટા ગોરખધંધાઓ માટેના આયોજન ઘમુસરના આ બંગલામાં થતા રહેતાં, એટલે ઘમુસર ખાસ કોઈ નોકરોને પણ રાખતો નહીં.
  વાલમસિંહની ટોળી જ્યારે ટેરેસ માં ઉતરી ત્યારે ઘમુસર આરામથી સોફામાં બેસીને ટીવી જોતો હતો અને ટેબલ પર દારૂની બોટલ અને બનાવેલો પેગ પડ્યા હતા.થોડીવારે એ ગ્લાસમાંથી એક ઘૂંટ મારીને ટીવીમાં આવતું પિક્ચર જોતો હતો.
  અગાસીમાંથી નીચે આવવાનો દરવાજો અંદરથી લોક હતો એટલે વાલમસિંહ પેરાફીટ સાથે લટકીને પહેલા માળની ગેલેરીમાં કુદયો હતો.તેની પાછળ બિલકુલ અવાજ ન થાય એ રીતે વિરસિંહ અને બીજા બે જણ પણ કુદયા હતા.
પહેલાં માળની ગેલેરીમાં એક બારી અને બારણું હતા. બારણું બંદ હતું.
બારી ખુલ્લી હતી પણ અંદર પડદો હતો. વિરસિંહે થોડા દિવસો પહેલા આખા બંગલામાં રાતે આંટો મારી લીધો હતો. વાલમસિંહે જ્યારે ઘમુસરનો શિકાર કરવાની વાત કરી ત્યારથી જ વિરસિંહ ઘમુસરની પાછળ હતો.એના વિશેની તમામ માહિતી મેળવવા ઘમુસરના નોકરને ફોડ્યો હતો.ઘમુસરની ગેરહાજરીમાં પેલા નોકર સાથે આવીને આખા બંગલામાં રેકી કરી ગયો હતો. એટલે જ આ ગેલેરીની બારીમાંથી એણે અંદર હાથ નાખીને દરવાજો ખોલી નાખ્યો હતો. 
  ચારેય દોસ્તો બિલ્લી પગે પહેલા માળેથી અંદર પ્રવેશ્યાં હતા.અને મેઈન હોલમાં  ઉતરતા દાદરના પગથિયાં ઉતરવા લાગ્યા ત્યારે ઘમુસર સોફામાં બેઠો બેઠો ટીવી જોઈ રહ્યો હતો. ઘમુસર જે સોફામાં બેઠો હતો એની પાછળ આ સીડી હતી એટલે ઘમુસરની પાછળ બિલ્લી પગે આ ચારેય જણ ગોઠવાઇ ગયા હતા.
  વાલમસિંહ અને તેના ત્રણેય મિત્રોને, ઘમુસર આખા બંગલામાં સાવ એકલો જ હોવાનો ખ્યાલ આવી ગયો હતો.એટલે હવે ડરવાની કોઈ જરૂર ન્હોતી.
  સોફા પાછળથી અચાનક આ ચારે'ય જણ પ્રગટ થયા હતા. વિરસિંહનો દોસ્ત જોરાવરસિંહ દારૂની બોટલ મોં એ માંડીને દારૂ પીવા લાગ્યો અને વાલમસિંહ ઘમુ સરની સામેના સોફામાં ગોઠવાયો હતો. વિરસિંહે ઘમુસરની બાજુમાં બેઠક લીધી હતી.
       "કોણ છો તમે લોકો."ઘમુસરે બરાડો પાડ્યો.
"વાહ, સાહેબ. એટલી વારમાં ભૂલી ગ્યા ? જેલમાં જઈ આવ્યા એટલે હવે યાદ નથી ર'તું કે શું..?" વાલમસિંહે ડોળા કાઢ્યા.
 પળવારમાં ઘમુસર પરિસ્થિતિ પામી ગયો હતો. વાલમસિંહ એના ખૂંખાર દોસ્તો સાથે અહીં મજા કરવા તો ન જ આવ્યો હોય એ સમજતા એને વાર ન લાગી.
"શુ જોઈએ છે તમારે..." ઘમુસરે વારાફરતી બધા સામે જોઇને વાલમસિંહને કહ્યું.
"અમારે જે જોવે સે ઇ અમે લઈ લેહુ..સાલ્લા હરામી...'' જોરાવરસીંહે બોટલ ખાલી કરીને ટેબલ પર મુકી.અને ઘમુસરને એક જોરદાર થપ્પડ મારીને કહ્યું.
"અરે...ભાઈ, પણ મને મારો છો શા માટે..તમે કહો એમ કરવા હું તૈયાર છું...યાર..વાસલમસિંહ આપણી વચ્ચે જે કંઈ બન્યું એમાં મારો કોઈ જ વાંક નહોતો. તારી બયરી કપડાં કાઢીને મારા બેડરૂમમાં આવીને મારી ભેગી સુઈ ગઈ એમાં હું શુ કરું..મારો શુ વાંક..? મારી જગ્યાએ કોઈ પણ હોય..''
  વાલમસિંહે ઉભા થઈને ઘમુસરને એક લાત મારી. ચામડાના બુટ ઘમુસરના ચહેરા પર વાગવાથી ઘમુસરથી રાડ પડાઈ ગઈ.
"તારી માં નો %@#%&...હરામી..
મારે ઇ કાંઈ સાંભળવું નથી..મારી વાંહે ઓલ્યા બે કૂતરાને શુ કામ મુક્યાં છે બોલ.." વાલમસિંહે ગાળ દઈને ફરીવાર લાત મારી.
 એ સાથે જ વિરસિંહે પણ મારવાનું ચાલુ કર્યું.લાતો, તમાચા અને ગડદા ઓ મારતા મારતા ખૂબ ગાળો પણ દીધી. જોરાવરસિંહે ટીવીનું વોલ્યુમ હાઈ કરી દીધું.
  વાલમસિંહે ખૂબ દાઝ ઉતારી. પોતાની પ્યારી શાંતાની ભૂલનું ભયંકર પરિણામ એને ભોગવવું પડ્યું હતું. થોડા દિવસોથી પોતાનો પીછો કરનાર અબ્દુલ અને જેસાને વાલમસિંહ ઓળખી ગયો હતો.    હમીરસંગની ટોળીના એ બન્ને પ્યાદા પોતાનો પીછો શા માટે કરે છે એ સવાલનો જવાબ ઘમુસર પાસેથી મેળવવાનો હતો.
 "તમારે શુ જોઈએ છે એ કહો યાર,
તમે કહો તે કરવા હું તૈયાર છું, પણ મને મારો નહીં, પ્લીઝ.." ઘમુસર બે હાથ જોડીને કરગરી પડ્યો.
  "બે જણા મારી વાંહે મોકલ્યા છે ઇ કોણ છે ? અને તારો પ્લાન શુ હતો એ ભંહવા માંડ, નકર મારી નાખીશ.આ બંગલામાં જ તારી લાશ દાટી દઈશ તો કોઈને ખબર નહી પડે...."વાલમસિંહે દાંત ભીસીને ઘમુસરના ઝડબા ઉપર મુક્કો માર્યો.
"ઓ...હ..." ઘમુસરના ત્રણ દાંત લોહી સાથે બહાર પડ્યા.હવે એનાથી માર સહન થતો નહોતો.ઓવરકોન્ફિડન્સમાં રહીને એકલા રહેવાનું જોખમ લેવા બદલ ઘમુસરને પારાવાર પસ્તાવો થતો હતો. 
આખરે બે હાથ જોડીને એ બોલ્યો,
" વાલમસિંહ, મારવાનું બંદ કર.હું તને બધું જ કહું છું.પછી તારે મારી નાખવો હોય તો મારી નાખજે. પણ એક જ ઝાટકે પૂરું કરજે.મને જીવતો રહેવા દઈશ તો પસ્તાઈશ. તને ખતમ કરવા માટે જેલમાંથી છૂટીને મેં ખૂબ શોધ્યો હતો.પણ તું મને બરબાદ કરીને અહીં અમદાવાદમાં મોહનલાલનો ડ્રાઇવર
બની ગયો હતો એટલે બચી ગયો.તે દિવસે તું શેઠને લઈને કોઝીમાં આવ્યો ત્યારે જ મને ખબર પડી કે તું અને શાંતા કોઝીમાં જ રહો છો.બે વર્ષથી તું અહીં હોવા છતાં આપણો ભેટો થયો નહોતો કારણ કે હું આવું ત્યારે તું નીકળી જતો અને તું આવે ત્યારે હું નીકળી જતો.અને તારા આઉટ હાઉસનો રસ્તો પાછળની તરફ હોવાથી શાંતાને પણ મેં ક્યારેય જોઈ નહોતી.પણ તેં મારી જિંદગી બરબાદ કરી નાખી.મેં તને નોકરી આપી, આશરો આપ્યો..તું સામાન્ય રીક્ષા ફેરવતો હતો એમાંથી મેં તને ક્યાં પહોંચાડ્યો ? હા, તારી વાઈફ સાથે મારે સંબંધો નહોતા બાંધવા જોઈતા....પણ એમાં મારો વાંક નહોતો...વાલમસિંહ, મેં કંઇ શાંતા ઉપર બળાત્કાર નહોતો કર્યો..તું જ વિચાર..વરસાદની રાત્રે કોઈ તારી પથારીમાં કપડાં વગરનું થઈને..."
ઘમુસર વાક્ય પૂરું કરે એ પહેલાં જ વાલમસિંહે ફરી મુક્કો માર્યો.
"હરામના...એક ની એક વાત ફરી ફરીને ના કર...મારે ઇ બધું નથી સાંભળવું...ઇ જે થયું ઇ..મેં ઇનો બદલો લઈ લીધો છે, મારી બયરીની ભૂલ હતી, પણ કોઈ મરદ એવી ભૂલ ચલાવી નો લ્યે હમજ્યો ? શાંતાડીને મેં પ્રેમ કર્યો છે..અને તે એની ભૂલનો લાભ લીધો..પણ હવે આગળનો તારો પલાન જણાવ.."
 "આગળના પ્લાનમાં બીજું કંઈ જ ન્હોતું, તને પતાવી દઈને મારે બદલો લેવો હતો એટલે મારા બે માણસો તારી પાછળ લગાડ્યા હતા.મોકો જોઈને તારું એક્સિડન્ટ કરાવી નાખવાનું હતું પણ એ પહેલાં તું ચેતી ગયો,અને હોશિયાર નીકળ્યો. હશે ભાઈ, મારા નસીબ ! હવે તારે જે કરવું હોય ઇ કર..તારી આગળ હું જીવની ભીખ નહી માંગુ.મારુ મોત તારા હાથે થવાનું હશે તો એમ..પણ મને મારીને તું પણ જીવતો તો નહીં જ રહે એટલું યાદ રાખજે. હું ઘનશ્યામ પટેલ...એક વખતનો સરકારી અમલદાર..અને તારો માલિક.. તને મારી તાકાતનો પરિચય તો છે જ. તારી બાબતમાં મેં ભૂલ કરી..પણ તું ઈચ્છે તો આપણે સમાધાન કરીએ..મને મારી નાખીશ તો તારો પરિવાર..તારા નાના નાના બચ્ચાઓ અને જુવાન દીકરી.."
"ધમકી કોને આપે છે તું હરામી..."વાલમસિંહને રમલી યાદ આવતા ફાળ પડી.
"ધમકી નહીં.. શતરંજનો ખેલાડી છું, એમ તું અડધી રાત્રે આવીને મને ગાજર મૂળાની જેમ વાઢી નાખે એમ ? ભલે તમે ચાર જોરાવર માણસો હોવ, હું તમારાથી ડરતો નથી.મને મોતની બીક નથી,આમે'ય મારી પાછળ રડવા વાળું કોઈ તેં રહેવા દીધું નથી.મારો પરિવાર મને નફરત કરે છે અને એનું કારણ તું છો..વાલમસિંહ તું..તેં મને બરબાદ કરી નાખ્યો. મારી કાળી કમાણીનો તું પણ ભાગીદાર હતો. કોઠા કબાડા કરતા મેં જ તને શીખવ્યું હતું.અને લાંચની રકમમાંથી તું ગાળીયું કરી જતો હતો એ પણ હું જાણતો હતો.પણ મેં વિચાર્યું કે ભલે બિચારો ગરીબ માણસ છે,તો થોડો લાભ ભલે લેતો. પણ તેં મારી પીઠમાં છરો માર્યો ? ભલા માણસ રજપૂત થઈને આવડો દગો ? આવી નમક હરામી ? એક વાર તો મારી સાથે વાત કરવી'તી તારે ! હું તારી માફી માંગી લેત. મારી અને શાંતા વચ્ચે જે બન્યું ઇ તું સહન ન જ કરી શકે એ હું સમજતો હતો..પણ મેં કોઈ જ બળજબરી નહોતી કરી..."
"ફરી..એ ની એ જ વાત ? તને કીધુને..હું એ વાત સાંભળવા નથી માગતો..અને દગો તો તેં કર્યો.." વાલમસિંહે ઘમુસરને અટકાવીને કહ્યું. વિરસિંહ અને જોરાવરસિંહ પણ ઘમુસરને બોલતો સાંભળી રહ્યા.
"તો..વાંધો નહીં. તને હું કઈ રીતે સમજાવું એ બોલ..અને તમે ચાર જણ છો, એકલો તું હોય તો પણ હું તને પહોંચી શકું એમ નથી.તમારે લોકોને મારું જે કરવું હોય એ કરી શકો છો, જે બની ગયું છે એ બની ગયું છે..હવે મને મારીને તમારી જિંદગી જોખમમાં મુકવી હોય તો મને કોઈ જ વાંધો નથી.વાલમસિંહ તું બચરવાળ માણસ છો, તારી બયરી અને છોકરા સલામત નહીં રહે એ નક્કી છે..."
"આ સાલ્લો તો ધમકી મારે છે..."વિરસિંહે વાલમસિંહને એકબાજુ લઈ જઈને હળવેથી કહ્યું
"તો બોલ વાલમ, હવે આનું શુ કરવું છે ? તું કહેતો હોય તો પતાવી દઈએ..બાકી એની ધમકીથી ડરવાનું કોઈ કારણ નથી..ભાભી અને બાળકોને હવે ઇ ભૂતિયા બંગલામાં રાખવાની જરૂર નથી.તું શેઠને વાત કરીને સલામત જગ્યાએ ઘર ફેરવી નાખ. ત્યાં સુધી આપણે આ ટકલુને ઉઠાવી લઈએ..પછી આનો ઘડો લાડવો કરી નાખશું.આની વાંહે કોઈ ફરિયાદ કરવાવાળું નથી એટલે વાંધો નહી આવે.." 
 "આપણે આ લબાડના ખૂનથી આપણા હાથ રંગવા નથી.ક્યારેક તો પકડાઈ જઈશું..તમારે લોકોને પણ બાલ બચ્ચા છે એ લોકોની જિંદગી બરબાદ થઈ જશે.." વાલમસિંહ એક નેક અને ભલો આદમી હતો.પોતાના શત્રુને પાઠ ભણાવીને જતો કરવાનો ગુણ એ ધરાવતો હતો.ઘમુસરે જો એની પાછળ અબ્દુલ અને જેસાને ન મુક્યાં હોત તો કદાચ એ કશું જ કરવાનો નહોતો.
"એ બધા વિચાર રજપૂતનો દીકરો ન કરે...એ તને મારી નાખવાનો હતો એમ એ પોતે કબૂલ કરે છે...તો આપણે એને શુ કામ જવા દેવો છે ? અને પકડાવાની વાત તો પકડાઈએ ત્યારે, પડશે એવા દેવાશે.." વિરસિંહ ઘમુસરને પતાવી દેવા જ ઇચ્છતો હતો.
 પણ વાલમસિંહ ન માન્યો. ફરીવાર ઘમુસર પર લાતો અને તમાચાના પ્રહાર શરૂ કર્યા. 
 "વાલમસિંહ....આનું પરિણામ સારું નહીં આવે...તારી છોકરી અત્યારે મારા માણસોના કબ્જામાં છે..જા તપાસ કર.." માર સહન ન થતાં ઘમુસરે રાડ પાડીને કહ્યું.
"શુ બોલ્યો ?  મારી છોકરી..રમલી તારા માણસોના કબ્જામાં છે એમ ?" વાલમસિંહે ઘમુસરના ચહેરા પર તમાચો મારીને રાડ પાડી.
"માર નહીં મને, મારી નાખવો હોય તો મારી નાખ.પછી પરિણામ જોઈ લેજે.તારી જેવા તો કંઈકને ઠેકાણે પાડ્યા છે..મારો ડાબો હાથ છે હમીરસંગ...તને અને તારા આ પાગિયાઓને ચપટીમાં ચોળી નાખશે..તું હજી તારા આ શેઠને પૂરેપૂરો ઓળખતો નથી..."
   ઘમુસર ધાર્યા કરતાં વધુ ટક્કર આપી રહ્યો હતો.અને વાલમસિંહને કે એના દોસ્તોને આવો કોઈ અનુભવ નહોતો.એ બિચારા શાંતિથી મજૂરી કરીને પોતાનું જીવન ગુજરી રહ્યા હતા અને પોતાના કુટુંબનું ભરણપોષણ કરી રહ્યા હતા. આ ચારે'યમાંથી કોઈ ક્યારેય પોલીસ સ્ટેશન પણ ગયું નહોતું.ખોટું કરવાથી ડરવાવાળા સીધા સાદા જરૂર હતા,પણ ડરી જાય તેવા પણ નહોતા.
 "આ તો સાલ્લો ધમકી આપે છે,એની માં ને....એવી ધમકીથી આપણે ડરતા નથી.બોલને વાલમાં.. આને પતાવી દેવો હોય તો..." જોરાવર છરી કાઢીને તાડુંક્યો.
"અરે...રે'વા દે..એને મારવો નથી.ચાલ એને ગોલીન્ડો બનાવીને ડીકીમાં નાખો.આપણે એને બાન રાખીએ.."વાલમસિંહને ખુન ખરાબા કરીને પોતાના દોસ્તોની જિંદગી દાવ પર લગાવવી નહોતી.
(ગોલીન્ડો..મતલબ હાથ અને પગને એક સાથે બાંધીને માણસને દડાં જેવો બનાવી દેવો, આ રીતે બાંધીને સૌરાષ્ટ્માં દુષમનને રણગોવાળીયો પણ કરી દેવામાં આવતો.એટલે કે આ રીતે દડાંની જેમ બાંધીને દેડવી દેવામાં આવતો. ઝવેરચંદ મેઘાણીની વાર્તા "ગરાસણી" માં આવી ઘટના છે )
રૂપસિંહ દોડીને ગાડીમાંથી દોરડા અને કોથળો લઈ આવ્યો. અને ઘમુસરના મોં માં ડૂચો મારીને એના હાથપગ બાંધવામાં આવ્યા. માથું નમાવીને બન્ને પગની આંટી ડોક ઉપર ચડાવીને ગુજરાતી અંક " ૪ "
બનાવવામાં આવ્યો. હાથને પાછળની સાઈડ ખેંચીને બાંધી દેવામાં આવ્યા. આટલું ઓછું હોય એમ વધુ એક દોરડું આખા શરીર ફરતે કસકસાવીને( ખૂબ ખેંચીને )
બાંધી દીધું. જોરાવરે પોટલાની જેમ ઉંચકીને કોથળામાં ઘમુસરને નાખ્યો અને કોથળાનું મોઢું બાંધીને ઉપરનો ભાગ પકડીને ખભા પર મૂકીને ચાલી નીકળ્યો.
  વાલમસિંહ અને વિરસિંહ હસી પડ્યા. 
"રૂપસિંહ, ગાડીની ડીકી ખોલ..આ બારદાન (કોથળો) એમાં નાખવાનું છે." જોરાવરે કહ્યું. ઘમુસરની હાલત ખૂબ જ ખરાબ હતી.એના શરીરનું અંગે અંગ તૂટતું હતું.મોમાં મારેલા ડુચાને કારણે મોં સુકાઈ રહ્યું હતું અને ગાલ પણ દુઃખી રહ્યા હતા. શાંતા સાથે રચેલી ભોગવિલાસની ક્ષણોના કર્મનો બદલો ઘમુસર ચૂકવી રહ્યા હતા.
વાલમસિંહ અને તેના દોસ્તો ગાડીમાં ગોઠવાયા.
  વિરસંગ ખૂબ શોખીન માણસ હતો. અનેક જાતના હથિયારો અને સારામાં સારી ઘોડી દરેક માણસ પાસે હોવી જ જોઈએ એમ તે માનતો. પણ શહેરમાં ઘોડી રાખવી એને પોસાય તેમ નહોતું એટલે એ ફિયાટ ગાડી રાખતો.લાલ રંગ એને ખૂબ પસંદ હતો. તલવારના એક જ ઝાટકાથી દુષમનનું માથું ધડથી અલગ કરી નાખવા એ થનગની રહેતો, પણ એવા ધીંગાણા હવે થતા નહીં.એટલે લોહીનો લાલ રંગ એને પોતાને મનગમતો હતો. ઘમુસરના ગળામાં છરો ભોંકી દેવાની એને ખૂબ પ્રબળ ઈચ્છા હતી.પણ વાલમસિંહની ઈચ્છા આગળ એનું કાંઇ ચાલ્યું નહોતું. પોતાની બયરીની ઈજ્જત સાથે રમત રમનાર આ દુનિયામાં જીવતો રહેવો જ ના જોઈએ એમ તે સમજતો,પરિણામની પરવા ન કરનારો અને એક ઘા ને બે કટકા કરનારો એ ભડવીર હતો.છતાએ વાલમસિંહનું ખૂબ માન જાળવતો.
  વીરસિંગે એની ફિયાટ આંચકા સાથે ઉપાડી.નવરંગપુરથી વાસણા તરફ જતા રોડ પર પુરપાટ દોડાવી મૂકી.
"રૂપસિંહના ગામ લઈ લે, વિરસિંહ..એની વાડીની ઓરડીમાં આપણે આ મુદ્દો સાચવવાનો છે..."
વાલમસિંહે કહ્યું.
"હા...હો..ઇ બરોબર...જો કે આ નંગને ગોતવા તો કોઈ આવે ઇમ નથી, તો પણ કોઈને શંકા જાય એવું શું કામ કરવું..? રૂપસિંહની વાડી સાવ અવાવરું છે. ન્યા કણે (ત્યાં )  છ મહિને પણ કોઈ ફરકતું નથ્થ..'' જોરાવરે કહ્યું.
"સારું હાલો તારે આપડા દેશમાં..." એમ કહીને વિરસિંહે સરખેજ તરફના રોડ પર ટર્ન લીધો.
   બરાબર એ જ વખતે અબ્દુલની બ્લેક એમ્બેસેડર વાવાઝોડાની માફક ફિયાટની આગળથી પસાર થઈ.
'તારી માને #$%&&.."વિરસિંહે ગાળ દઈને એક્સીલેટર દબાવ્યું. વિરસિંહ જ્યારે પણ હાઇવે પર ફિયાટ લઈને નીકળતો ત્યારે કોઈ પણ ગાડી એની ફિયાટને ઓવરટેક કરે એ એને પસંદ નહોતું.
  પણ અબ્દુલની એમ્બેસેડરમાં પરેશ અને રમલીને ઉઠાવી જવામાં આવી રહ્યા હતા એની આ લોકોને જરા પણ ખબર નહોતી.માત્ર એ ગાડી આગળ થઈ એટલે વિરસિંહ
એની પાછળ પડ્યો હતો.
  વાલમસિંહ ફિયાટમાં આગળની સીટમાં બેઠો હતો. ફિયાટની હેડલાઈટના પ્રકાશમાં આગળ પુરપાટ દોડી જતી એમ્બેસેડરનો નમ્બર જોઈને એકાએક એના મગજમાં ઝબકારો થયો. MH-18 #### નંબર વાંચીને ગાડી જાણીતી હોવાનો એને ખ્યાલ આવ્યો..
" આ..ગાડી..ઇ..ઇ...., વીરા આ ગાડી જાણીતી છે...હાળું યાદ નથી આવતું...તું..હાંક એની પાછળ..મારો બેટો ઉડાડયે જાય છે..''
"ઇની માને..તું જો, આઘડે (હમણાં) વાંહે રાખી દ..ઉં.. વિરસિંહની ફિયાટની સાઈડ કાપવાવાળો હજી પેદા નથ્થ થિયો..." વિરસિંહે અટ્ટહાસ્ય કરીને એક્સીલેટર દબાવ્યું.
 એકાએક વાલમસિંહને યાદ આવ્યું.વરસો પહેલા કાલુપુર રેલવેસ્ટેશન પર એ મોહનલાલ શેઠને લેવા ગયો ત્યારે આ કાળી એમ્બેસેડર એક ટેક્ષી સાથે ભટકાયેલી.એકદમ રોંગ સાઇડમાં ફૂલ સ્પીડે આવીને ટેક્ષીની ડ્રાઇવર સાઈડની હેડલાઈટના ફુરચા બોલાવી દીધા હતા.ટેક્ષી ડ્રાઇવરે સાઈડમાં લેવા ખૂબ ટ્રાઈ કરી તો પણ આ બ્લેક એમ્બેસેડર અથડાઈ હતી. ટેક્ષીવાળાએ નીચે ઉતરીને મોટેથી ગાળો દીધી હતી.એની ગાળો સાંભળીને એમ્બેસેડર પણ ઉભી રહી હતી અને એમાંથી છ ફૂટ ઊંચો એક કદાવર માણસ ઉતર્યો હતો અને ટેક્ષી ડ્રાઇવરનો કાંઠલો પકડીને ચાર પાંચ તમાચા મારી દીધા હતા.લોકોનું ટોળું તમાશો જોવા ઉભું રહી ગયું હતું, પણ કોઈની હિંમત નહોતી કે એ હરામી માણસને અટકાવી શકે.એ બેફામ ગાળો બોલતો હતો અને પેલા ટેક્ષીવાળાને ઢોરમાર મારતો હતો.
વાલમસિંહનું રાજપૂત લોહી આ અન્યાય જોઈને ઉકળ્યું હતું. મોટેભાગે એ ક્યારેય રોડ પર ઊડતી લેવામાં (નકામી માથાકૂટ) માનતો નહીં, પણ આજ એની ચુપકીદીને કારણે કદાચ એક ગરીબનો જીવ જોખમમાં આવી રહ્યો હતો.
 "એ..ભાઈ.. વાંક તારો છે..છોડ એને ..મરી જશે બિચારો..." વાલમસિંહે ટોળામાંથી રાડ પાડી.
"કોણ સે..ઇ..." પેલાએ ટોળામાંથી આવેલા અવાજ તરફ જોઈને બરાડો પડ્યો. અને વાલમસિંહ આગળ આવ્યો એટલે એને જોઈને અટક્યો. વાલમસિંહ પણ છ ફૂટ ઉંચો અને કસાયેલ મજબૂત શરીર ધરાવતો હતો.હમીરસંગ પળવારમાં પામી ગયો કે આ કોઈ રેંજી પેંજી લાગતો નથી. શૂરવીરતાનો ઝળહળાટ માણસના ચહેરા પર ચમકતો હોય છે.વાલમસિંહની આંખમાં રહેલી નીડરતા હમીરસંગે પારખી. 
"હું...છું..મેં'રબાની કરીને મારવાનું બંધ કર અને હાલતો થા...." વાલમસિંહે આંખ લાલ કરી.
"તું છો કોણ...પારકી પંચાત કર્યા વગર તારું કામ કર..નકામો વેતરાઈ જાશ..મને ઓળખતો નથી તું..ડાયો થયા વગર હાલવા માંડ.." હમીરસંગ પેલા ટેક્ષીવાળાને છોડીને વાલમસિંહ સામે આવ્યો.
"તું રોંગ સાઈડમાંથી ફૂલ સ્પીડમાં આવ્યો..અને પાછો દાદાગીરી કર છ ? મારે તને ઓળખવાની જરૂર નથી, વધુ ડા'પણ રવા દે જે..હું રજપૂત છઉં.. ઉભો ને ઉભો વેતરી નાખીશ..બિચારા ગરીબ માણસ ઉપર દાદાગીરી કરછ..?"
 "હા.. હા..આનો જ વાંક છે. મારો હાળા ને...." વાલમસિંહના પડકરાથી ટોળામાં હિંમત આવી. આઠ દસ જણ વાલમસિંહ સાથે થઈ ગયા અને પેલાને મારવા તૈયાર પણ થઈ ગયા.
  ટોળામાં રહેલા ટેક્ષીડ્રાઇવરો પણ ઉશ્કેરાયા.વાલમસિંહને મારવા, પેલાએ ગાળ દઈને હાથ ઉગામ્યો.
એ જોઈને વાલમસિંહના ગુસ્સાનો પાર ન રહ્યો. તરત જ એણે પેલાને  બે પગ વચ્ચે જોરદાર લાત મારી. વાલમસિંહની લાતના પ્રહરથી પેલો ગબડયો અને એ સાથે જ તમાશો જોવા ઊભેલું લોકોનું ટોળું અને ટેક્ષી ડ્રાઇવરો પેલા ઉપર તૂટી પડ્યા. ટ્રેનના મુસાફરોને બહાર આવતા જોઈને વાલમસિંહ ત્યાં વધુ રોકાઈ ન શક્યો પણ જતા જતા એને જોયું કે માર ખાતો હતો એ ટેક્ષીવાળો પણ ઉભો થઈને પેલા કદાવર ગુંડાને  ઉલળી ઉલળીને ઝૂડી રહ્યો હતો. 
 શેઠને ગાડીમાં બેસાડીને જ્યારે વાલમસિંહ નીકળ્યો ત્યારે પેલો કદાવર માણસ ટોળાનો પીછો છોડાવવા ભાગી રહયો હતો, એનો શર્ટ ફાટી ગયો હતો અને ટોળું હજુ પણ એને મારી રહ્યું હતું. એ જ્યારે ભાગીને પોતાની બ્લેક એમ્બેસેડર તરફ જઈ રહ્યો હતો ત્યારે એણે વાલમસિંહને સેવરોલેટ ગાડીની ડ્રાઇવર સીટ પર જોયો હતો અને એક હાથની પહેલી આંગળી વાલમસિંહ તરફ રાખીને ઇશારાથી કહી રહ્યો હતો કે "તને નહિ છોડું..."
વાલમસિંહે હાથનો ઝાટકો મારીને ઈશારો કર્યો "હવે જા..ને..."
 એ ડોળા કાઢતો કાઢતો એની એમ્બેસેડર તરફ ભાગ્યો ત્યારે વાલમસિંહે વિચિત્ર રીતે ચિતરેલી એની નંબર પ્લેટ પર  MH 18 #### વાંચ્યો હતો. એ કદાવર માણસ હમીરસંગ હતો એ વાસલમસિંહને ત્યારે ખબર નહોતી.
                              (ક્રમશ :)