astitva books and stories free download online pdf in Gujarati

અસ્તિત્વ

* અસ્તિત્વ *  વાર્તા....  

અનેરીના લગ્ન મા - બાપની મરજી મુજબ નાતમાં જ થયા.  પિયરમાં સૌથી નાની હતી અને સાસરીમાં સૌથી મોટી વહુ હતી. સાસરીમાં આવી પહેલા જ દિવસથી ઘરની જવાબદારી ઉપાડી લીધી. ઘરમાં બધાની લાડકવાયી વહુ બનીને રહી. નાના દિયર અને નણંદની વહાલી ભાભી બની રહી આમ સાસરીમાં બધાના દિલ જીતી લીધા. આમ સાસરીમાં બધાના મો પર અનેરીનું જ નામ રહેતું. અનેરી ના  લગ્નને સાત મહિના થયા અને અનેરી બે જીવ સોતી હતી અને એના પપ્પા ને એટેક આવ્યો અને એ ભગવાન પાસે ચાલ્યા ગયા. અનેરી એક વખત પિયર જઈ આવી.  અનેરી ની મમ્મી અને ભાઈ એ  એક સગા મારફત એવુ કહેવડાવ્યું કે હમણા જ ઘરમાં દુઃખદ ઘટના ઘટી છે તો અનેરી ની સુવાવડ આપ કરાવશો પછી અમે દવાખાનાના રૂપિયા આપી દઈશું અને અનેરી ને આરામ કરવા લઈ જઈશું. આમ અનેરીની પહેલી સુવાવડ સાસરીમાં જ થઈ. પહેલા ખોળે દિકરો આવ્યો. સાસરે થી પિયરમાં ફોન કરીને જાણ કરી કે દીકરો આવ્યો છે તો હરખ પણ ના કર્યો અને કહે સારુ આવીને જોઈ જઈશું. દવાખાને થી ઘરે લઈ આવ્યા.  આમ કરતા સવા મહિનો થયો પણ અનેરીના પિયરયા આવ્યા નહીં.  અનેરી ફોન કરે તો બહાના બતાવી ફોન મુકી દે. અનેરી દુઃખી રહેવા લાગી. અનેરી એના દિકરા ને રસી મૂકવા એની નંણદને લઈને દવાખાને ગઈ તો અનેરી ની સાસુએ અનેરીની મમ્મી ને ફોન કરીને કહ્યું કે તમે એકવાર આવી જાવ અનેરી તમને બહું જ યાદ કરીને દુઃખી રહે છે તો એને સારુ લાગે તો અનેરી ની મમ્મી એ સારુ આવી જઈશ કહી ફોન મુકી દીધો. આમ કરતા છ મહિના થયા પણ કોઈ જોવા ના આવ્યું. અનેરીને એને પિયર જવું હતુ પણ કોઈ એકવાર પણ આવ્યા નથી તો ઘરમાં કેમ કહું ની મુઝવણમાં રહેવા લાગી. આમ કરતા શ્રાવણ મહિનો આવ્યો અને રક્ષાબંધનનો તહેવાર નજીક આવતો હોવાથી અનેરી એ ફોન કરીને ભાઈ ને કહ્યું કે ભાઈ તમે આવી જાવ તો રાખડી પણ બંધાઈ જાય અને તમને મળી પણ શકું તો એના ભાઈએ કહ્યું કે હમણાં કામ બહુ રહે છે તુ રાખડી કુરિયર કરી દે પછી હું રૂબરૂ આવી મળી જઈશ. અનેરી ફોન મુકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. અનેરીની સાસુ મીના બેને એને ખુબ સમજાવી છાની રાખી. અનેરી રૂમમાં જઈ વિચારોમાં ખોવાઈ ગઈ કે આજ મારો ભાઈ એવું તો શું થયું છે કે આમ વર્તન કરે છે પહેલા તો હું સહેજ પણ રડુ તો મને હસાવા માટે કેવુ કરતા હતા અને ગુજરાતી ગીત ગાતા હતા કે " કોણ ઝુલાવે લીંબડી કોણ ઝુલાવે પીપડી...  ભાઈ ની બહેની લાડકી ને ભાઈલો ઝુલાવે લીંબડી... " 
આજે પપ્પા ગયા પછી આ બધા મારુ અસ્તિત્વ જ ભુલી ગયા છે કેમ આવુ કરે છે સમજ નથી પડતી. આમ અનેરી વધુ દુઃખી રહેવા લાગી. 
એક દિવસ સવારે અનેરી ના પતિ પરેશે કહ્યું કે  ધંધા ના કામે બહાર જવું છું તો આવતા રાત થઈ જશે. આમ કહી પરેશ ગાડી લઈને અનેરીના પિયર પોંહચ્યો. પરેશ ને જોઈ બધા ચોંકી ગયા. પરેશ કહે એવી શું વાત છે તમે આવતા નથી અનેરી ખુબ જ દુઃખી રહે છે તો અનેરી ના મોટા ભાઈ એ કહ્યું કે પપ્પા ની વસિયતમા અનેરી ના નામે મિલ્કત લખી ને ગયા છે તમે અનેરી ને સમજાવી દો કે એ સહીં કરી જાય અને લખી આપે કે મારે મિલકતમાં કોઈ ભાગ નથી જોઈતો. પરેશ કહે આટલી જ વાત અરે અમારે ક્યાં કોઈ ખોટ છે. ધંધો છે અમારે બંગલો છે ગાડી, વાડી છે અમારે કંઈ નથી જોઈતું આપ અનેરીને ખુશ રાખો હું અનેરી ને કહીશ એ સહીં કરી દેશે. 
અને એક દિવસ અનેરીના મોટા ભાઈ અને ભાભી વકીલ લઈને આવ્યા અને અનેરી જોડે સહીં કરાવી લીધી.
આ વાતને થોડા દિવસો થયા અને એક સવારે અનેરી ની મમ્મી આવ્યા અને બધા જ બેઠા હતા અને મીના બેન ને કહે વેવાણ હું એક વાત કહેવા આવી છું સાંભળો મારા બે દિકરા અને હું અનેરી જોડે કોઈ જ સંબંધ રાખવા નથી માંગતા અમે અનેરી ના નામનું નાહી લીધુ છે. આમ કહીને જતા રહ્યા બધા આઘાતમાં થી બહાર આવ્યા અનેરી સામે જોયુ તો એ બેભાન થઈ ને પડી હતી. તાત્કાલિક ઘરે ડોક્ટર ને બોલાવ્યા ઈન્જેક્શન લગાવ્યું દવા આપી કહ્યું કે આઘાત લાગ્યો છે. 
અનેરી ભાનમાં આવી અને મીના બેન ના ખોળામાં માથું મૂકી રડી પડી કે આ લોકો એ જીવતા જીવ મારુ અસ્તિત્વ જ મીટાવી દીધું. મારો એવો તો કયો વાંક ગુનો છે???
મીના બેને એને સમજાવી કે લેણદેણ એટલી જ હશે તારા દિકરા માટે તારુ અસ્તિત્વ ટકાવી રાખ અને જિંદગી જીવી જાણ અમે બધા તારા જ છીએ તું એકલી નથી ... 
ભાવના ભટ્ટ અમદાવાદ...