Ran Ma khilyu Gulab - 18 in Gujarati Short Stories by Sharad Thaker books and stories PDF | રણમાં ખીલ્યું ગુલાબ - 18

રણમાં ખીલ્યું ગુલાબ - 18

રણમાં ખીલ્યું ગુલાબ

ડો. શરદ ઠાકર

(18)

જબ કોઇ બાત બિગડ જાયે, જબ કોઇ મુશ્કિલ પડ જાયે

તુમ દેના સાથ મેરા ઓ હમનવાઝ

મેરેજનો માહૌલ જામ્યો હતો. પૂર્વસંધ્યાએ સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દુલ્હા મૌલેષે પોતાના તમામ મિત્રોને ઇન્વાઇટ કર્યા હતા. કમલ. વિમલ,રાજ, રોકી, પ્રથમેશ, વિજય, રાહુલ, અલોક, અન્વય, અને બીજા પણ ઘણાં બધા દોસ્તો ડી.જે.ના તાલ પર નાચવા માટે આવી પહોંચ્યા હતા. બંને પક્ષના વડીલો, સ્વજનો પણ હાજર હતા. સામા પક્ષે દુલ્હન પ્રિયાની સહેલીઓ પણ બધી જ આવી હતી. ઇના, મીના, ટીના, પીના, ક્રિમા, અલ્પા, જલ્પા, શિલ્પા, નિલ્યા વગેરે વગેરે એમાં જિજ્ઞા પણ હતી અને આજ્ઞા પણ હતી.

ડિસેમ્બરની સૂસવાટા મારતી ઠંડીમાં ખૂલ્લા પાર્ટી પ્લોટમાં યુવાનો અને યુવતીઓ મસ્તીમાં નાચી રહ્યા હતા, ડોલી રહ્યા હતા અને લાગ જોઇને વિજાતીય સાથીદારને સાંકેતિક આમંત્રણો આપી રહ્યા હતા, પામી રહ્યા હતા. મધ્યરાત્રિનો સમય થવા આવ્યો. હવે માત્ર યુવાનો અને યુવતીઓ જ રહ્યા હતા. પાંત્રીસ વર્ષથી મોટી વયના આમંત્રિતો કારમાં બેસીને ઘરભેગા થઇ ગયા હતા.

ત્યાં એન્કર છોકરીએ ઘોષણા કરી, “ગર્લ્સ એન્ડ બોયઝ! લેટ અસ હેવ સમ ફન નાઉ!” આ સાંભળીને ડી.જે. થંભી ગયું. સાંઇઠ જણાના એકસો ને વીસ પગ પણ અટકી ગયા. બધાના મનમાં ઉત્સુકતા હતી કે એન્કર હવે શું એનાઉન્સ કરવાની છે!

“હે....ઇ....! લેટ અસ હેવ સમ એક્સાઇટીંગ સ્ટફ! અત્યાર સુધી આપણે ડાન્સના બધા ફોમેર્ટસ માણ્યા. ફેમિલિ ડાન્સ હિપહોપ, સાલ્સા, રોક એન રોલ, બેલે, ગરબા, હિંચ, અરેબિક..… એન્ડ વ્હોટ નોટ?!? બટ નાઉ વી શેલ હેવ ફન વિથ કપલ ડાન્સ! આર યુ રેડી ગાયઝ?”

કોણ ના પાડે? હવાની ચીરતો ગગનભેદી હોંકારો ઉઠ્યો. ડી.જે.એ પણ પોતાની રીધમ રી-સેટ કરી. કપલ ડાન્સ માટેના ખાસ ગીતો પસંદ કરીને વગાડવા માંડ્યા.

દરેક યુવાનો પોતાને ગમતી પાર્ટનરને પસંદ કરીને જોડી બનાવી લીધી. પછી માદક મ્યુઝિકના નશીલા તાલ સાથે હાથમાં હાથ પરોવીને શરીરો થીરકવા લાગ્યા.

આ બધાંથી અલગ, આ બધાંમાં એકલી આજ્ઞા આચાર્ય નામની એક યુવતી ડાન્સ ફ્લોરથી સહેજ દૂર ઉદાસીભર્યા ચહેરા સાથે બેઠેલી હતી. એની ઉદાસીનું કારણ કંઇ ખાસ મોટું ન હતું. પણ એ સાવ એકલી જ આવી હતી અને એની સાથે પરિચિત હોય એવું અહીં દુલ્હન ને બાદ કરતાં બીજું કોઇ જ ન હતું. એની સાથે કપલ ડાન્સ કરવા માટે ઇચ્છા તો ઘણાંને હોઇ શકે, પણ પરિચયના અભાવે કોઇ એની પાસે આવ્યું ન હતું. આજ્ઞા સાક્ષીભાવથી ડાન્સ કરતાં યુગલોને નિહાળી રહી હતી. પણ એ પ્રિયા સિવાય બીજા કોઇને ઓળખતી ન હોવાથી એનાં ચહેરા પર કોઇ પણ પ્રકારનો ઉલ્લાસ, ઉત્સાહ કે ઉમંગ દેખાતા ન હતા.

અચાનક એક જુવાનની નજર આજ્ઞા પર પડી ગઇ. એ પણ એકલો જ હતો. એ જરાક મોડો આવ્યો હતો એટલે એને જોડીદાર મળી ન હતી. એ થાડી વાર પૂરતો વિચારી રહ્યો, “આ ખૂબસુરત છોકરી એકલી જ બેસી રહી છે, તો મારે એની પાસે જઇને ડાન્સ પાર્ટનર બનવાની ઓફર કરવી જોઇએ કે ન કરવી જોઇએ? જો હું ઓફર મૂકું અને તે ના પાડી દે તો સોનાની જાળ પાણીમાં નાંખવા જેવી વાત થાય. અને જો હું એવું જોખમ નહીં લઉં તો આજે મારે પણ એની જેમ જ મૂક પ્રેક્ષેક બનીને બેસી રહેવું પડશે.”

આખરે એ નિર્ણય પર આવી ગયો. પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે તે એ દિશામાં ચાલી નીકળ્યો જે દિશા તેને એક અવર્ણનીય ખૂબસૂરતીના સરનામા સુધી લઇ જતું હતું.

“હાય! મારું નામ અન્વય છે.” એણે આજ્ઞાની પાસે જઇને પોતાનો પરિચય આપ્યો.

આજ્ઞાએ ઉપરની તરફ જોયું. સામે ઊભેલા હેન્ડસમ યુવાનને જોઇને એનાં ઉદાસ ચહેરા પર આછેરું સ્મિત રેલાયું. એણે પણ પોઝીટીવ પ્રતિસાદ આપ્યો, “માયસેલ્ફ આજ્ઞા.”

“પ્લીઝડ ટુ મીટ યુ.”

“મી ટૂ.”

“શેલ વી ડાન્સ ટુગેધર. બાકીના બધાં એન્જોય કરે છે અને આપણે બે જ રહી જઇએ એવું કેમ ચાલે?” અન્વયના અવાજમાં ઉમકળો હતો, બોડી લેંગ્વેજમાં આત્મીયતા ઝલકતી હતી અને ચહેરા પરથી ખાનદાની ટપકી રહી હતી.

આજ્ઞા તરત જ ઊભી થઇ ગઇ. અન્વયે જમણો હાથ લાંબો કર્યો, આજ્ઞાએ પોતાની હથેળીમાં થામી લીધો. ઠંડી મોસમમાં એક ક્ષણવારમાં બંનેના શરીરોમાં ગરમાવો પ્રસરી ગયો.

આજ્ઞાને રાજરાણીની પેઠે દોરીને અન્વય ડાન્સ ફ્લોર પર લઇ આવ્યો. એણે પોતાની ગોરી-ગોરી જોડીદારની નાજુક પણ ઘાટીલી કમર ફરતે હાથ વિંટાળ્યો; એ સાથે જ વાતાવરણમાં એક અત્યંત સંવેદનશિલ ગીતના શબ્દો પ્રસરી રહ્યાં: “જબ કોઇ બાત બિગડ જાયે, જબ કોઇ મુશ્કિલ..... તુમ દેના સાથ મેરા....”

અને આ સાથે જ વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું. જે યુગલો ડાન્સ કરી રહ્યા હતા તે બધાં વધુ નિકટ આવી ગયા. યુવતીઓ નજરના તીર વડે પોતાનાં સાથીદારોને વિંધતી રહી. યુવાનોએ પોતાની પાર્ટનરની કમર ફરતે મુકેલા હાથની પકડ વધારે મજબૂત બનાવી દીધી. કહ્યા વિના જ સવાલો ફેંકાતા રહ્યા અને બોલ્યા વગર જ જવાબો આપાઇ ગયા.

અન્વય અને આજ્ઞા પણ ધીમી ફુસફુસહટ સાથે વાતે વળગ્યા. સદભાગ્યે આ ગીતમાં ડી.જે.નો કાન ફાડી નાંખે એવો અવાજ પણ ગેરહાજર હતો. એટલે સંવાદ શક્ય બની રહ્યો.

“શું કરો છો, તમે?” અન્વયે પૂછ્યું.

“હમણાં જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. હવે ઘરે જ છું.”

“તમે પ્રિયાની સાથે ભણતાં હતાં? કે મૌલેષની સાથે?”

“પ્રિયાની સાથે. મૌલેષ પણ અમારા ફ્રેન્ડ સર્કલમાં જ હતો. તમે.....?”

“હું તો એન્જિનીઅરીંગ કોલેજમાં હતો. અમારે ત્યાં તો લીલોતરી જોવા જ ન મળતી; સાવ સૂક્કુ ભઠ્ઠ વાતાવરણ રહેતું. એટલે અમે ભણવામાં જ ધ્યાન આપતા હતા. હવે કન્સ્ટ્રકશનના બિઝનેસમાં ઘ્યાન આપું છું. મૌલેષ મારો દૂરનો કઝિન થાય છે.”

ગીત પૂરું થયું. બીજું શરૂ થયું: “લગ જા ગલે...ફિર હસીં રાત. હો. ના હો....શાયદ ઇસ જનમમેં....”

“સરસ ગીત છે ને?” અન્વયે પૂછ્યું.

“માય ફેવરિટ.”

“મારું પણ.” અન્વય આજ્ઞાનાં દેહની વધુ સમીપ દબાયો. હવે બંનેના શ્વાસો એકબીજાની સાથે અથડાતા હતા. પછી અચાનક એના હોઠો ફફડ્યા, “આજ્ઞા, એક સવાલ પૂછું?”

“પૂછો.”

“મનુષ્યની જિંદગીમાં શું ખરેખર એક રાત એવી આવતી હશે જે બીજીવાર ક્યારેય ન આવવાની હોય?”

“કવિનો શબ્દ ક્યારેય ખોટો ન હોઇ શકે. ગીતમાં જે લખાયું છે તે સાચું જ હશે.” આજ્ઞાની ધમનીઓમાં દોડતું રક્ત પણ ગરમ થઇ રહ્યું હતું.

“તો શું આપણાં જીવનમાં પણ આજની આ રાત ફરી ક્યારેય નહીં આવે?”

“આ રાત તો બીજીવાર નહીં જ આવે; જો વિધાતાએ નિધાર્યું હશે તો.....”

“તો શું? બોલ ને, આજ્ઞા!”

“ના, હું નહીં બોલી શકું.” આજ્ઞા શરમાઇ ગઇ. જ્યારે લજામણીનો છોડ શરમાઇ જાય છે, ત્યારે કેક્ટસે પહેલ કરવી જ પડે છે.

અન્વયે હિંમત કરીને પૂછી લીધું, “આજ્ઞા, ભલે આ રાત બીજી વાર ન આવે, પણ આ રાતનાં જેવી બીજી રાતો તો આપણી જિંદગીમાં આવી શકે ને?”

આજ્ઞા કશું જ બોલી નહીં. પણ એની આંખો, એનું ઝૂકેલું મસ્તક, ઢળેલાં પોપચાં, હથેળીનો પરસેવો અને કંપતુ શરીર ઘણું બધું બોલી રહ્યું હતું.

માત્ર બે જ ગીતો વચ્ચેના ગાળામાં બે જિંદગીઓ એકબીજાની સાથે ગંઠાઇ ગઇ. બંનેના પરિવારોએ પણ આ સંબંધને વધાવી લીધો. અન્વય-આજ્ઞા પરણી ગયા. આજે એ વાતને દસેક વર્ષ થઇ ગયા છે. ખૂબ સુખી છે બંને. કોઇ પણ દંપતી વિધાતા પાસેથી જે કંઇ સુખની ઇચ્છા રાખતું હોય તે બધું મળી ગયું છે એમને. બંગલો, કાર, સોનું, સંતાનો, સવાસ્થ અને સમાજમાં પ્રતિષ્ઠા.

તાજેતરમાં એક સવારે મૌલેષનો ફોન આવ્યો, “હાય, અન્વય! શું કરે છે?”

“અરે, તું?!” અન્વય ઊછળી પડ્યો.

“હા, હું દસ દિવસ માટે ન્યૂઝીલેન્ડથી આવ્યો છું. સાથે પ્રિયા પણ આવી છે. બધાં મિત્રોને મળવાની ખૂબ ઇચ્છા છે; દરેકને અલગથી મળવા જેટલો સમય નથી; એટલે આ રવિવારે હોટલ રી-યુનિયયનમાં પાર્ટી ગોઠવી છે. તું અને આજ્ઞા બરાબર આઠ વાગ્યે આવી જજો.”

રાત્રે આઠ વાગ્યે ફરી એક વાર દસ વર્ષ જૂનો માહૌલ તાજો થઇ ગયો. ડિનરને હજુ એકાદ કલાકની વાર હતી. બધાં મિત્રો વર્ષો પછી મળ્યા હતા એટલે સંભારણાઓની વણઝાર ઊમટી પડી હતી. પછી ડાન્સ શરૂ થયો. હવે તો બધાં મેરીડ કપલ્સ જ હતા; એટલે સીધી શરૂઆત કપલ ડાન્સથી જ કરવામાં આવી.

બધાં ડાન્સ ફ્લોર પર થીરકતા હતા, ત્યાં મૌલેષની નજર રાહુલ નામના મિત્ર પર પડી. એણે માઇક પરથી જાહેર કર્યું, “ મિત્રો, આપણા ગ્રુપમાંથી રાહુલ એક જ એવો છે જે કુંવારો રહી ગયો છે. એ કપલ ડાન્સ કરી શકે તેમ નથી. માટે હું એને વિનંતી કરું છું કે એ એનાઉન્સરની જવાબદારી સંભાળે.”

ગીત શરૂ થયું: “જબ કોઇ બાત બિગડ જાયે....” અને વાતાવરણ જામી ગયું. ગીત પૂરુ થયું એ સાથે જ રાહુલે માઇક સંભાળ્યું, “લેડીઝ એન્ડ જેન્ટલમેન! આઇ વોન્ટ ટુ મેઇક એ કન્ફેશન. આજે દસ વર્ષ પછી મારે એક કબુલાત કરવી છે.” બધાંના પગ થંભી ગયા અને કાન સરવા થયા. રાહુલ બોલતો હતો, “આજથી દસ વર્ષ પહેલાં આપણે મળ્યા હતા. આવી જ સાંજ હતી. આવી જ પાર્ટી હતી. અને ગીત પણ આવું જ....ના, ગીત પણ આ જ હતું. ત્યારે મને એક ખૂબસુરત છોકરી ગમી ગઇ હતી. એ એકલી જ બેસી રહી હતી. એનો ઉદાસ ચહેરો જોઇને મને ઇચ્છા થઇ આવી હતી કે હું એની પાસે જઇને....! પણ મારી હિંમત ચાલી ન હતી. એ જો ના પાડશે તો શું થશે? એવા ડરના માર્યા હું એકલો જ બેસી રહ્યો હતો. એ એક પળના કારણે હું આજે પણ એકલો જ રહી ગયો છું. એ દિવસે બીજો એક મિત્રે હિંમત કરી નાંખી; આજે બે પતિ-પત્નિ છે. હું એમના નામ નહીં આપું. પણ એ બંને સમજી ગયા હશે કે હું એમની વાત કરી રહ્યો છું. માય બેસ્ટ વિશિઝ ટુ બોથ ઓફ ધેમ!

(શીર્ષક પંક્તિ ઇન્દીવર)

--------

Rate & Review

Asha Prajapati

Asha Prajapati 2 months ago

maheshjoshi99131

maheshjoshi99131 3 months ago

Sheetal

Sheetal Matrubharti Verified 4 months ago

Dolar Patel

Dolar Patel 4 months ago

patel neha

patel neha 5 months ago