Premni pele paar - 26 books and stories free download online pdf in Gujarati

પ્રેમની પેલે પાર... ભાગ - ૨૬

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા ને અભી એકાંતમાં એમના લગ્નને લઈને થોડી એમની મુંઝવણ ને વિચાર એકબીજા સમક્ષ રજૂ કરે છે. સૌમ્યા પ્રથમને એના લગ્નનો નિર્ણય જણાવી દે છે અને આકાંક્ષા એના વકીલ ને ડિવોર્સ માટેની કાર્યવાહી કરવાનું કહે છે. હવે આગળ...

છૂટે હાથે વહેંચવા બેઠું છે કોઈ,
ખુલ્લે હાથે સમેટવા બેઠું છે કોઈ,
સમર્પણનો દરિયો પી ગયા કે શું !
બધું જ આપવા બેઠા છે સૌ કોઈ...

આકાંક્ષાના આ સવાલથી સૌમ્યાની આંખોમાં ચમક આવી ગઈ, એને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. પતિની સાથે પોતાના માતા પિતા પણ સોંપી જતી આ તે કેવી વ્યક્તિ છે! મૃત્યુની કગાર પર ઉભા રહેનારને તો મોહ વધુ વળગે, જ્યારે અહીં તો પરિસ્થિતિ જુદી જ છે. આકાંક્ષા તો છૂટે હાથે બધું આપવા માંડી છે.

ઘડીભર થાય કે સૌમ્યાનો ત્યાગ મહાન છે, પણ આકાંક્ષાની મનઃસ્થિતિ તો કોઈને ક્યાસ ન આવી શકે એવી છે. એક તો બીમારી ને આવી હાલતમાં પણ બીજા માટે આટલી હદે વિચારવું ને ત્યાગ કરવું બહુ અઘરું છે.

આકાંક્ષાની કન્યાદાનની વાત પર નકાર ભણવા માટે તો કોઈ શકયતા જ ન હતી. આકાંક્ષાના મમ્મી ને પપ્પાએ આ વાતનો સ્વીકાર કર્યો.

આ બાજુ આકાંક્ષાએ ડિવોર્સનું કામ કેટલે પહોંચ્યું એ જાણકારી લીધી તો જાણવા મળ્યું કે ડિવોર્સની પ્રોસેસ ચાલી જ રહી છે. એટલે આકાંક્ષાએ અભીના મમ્મીને કહ્યું કે લગ્નનું મુહૂર્ત કઢાવી લઇએ કારણ કે હવે એની બીમારી વધુ ઘેરાવા લાગી હતી. આ બાજુ ડિવોર્સ મળી જશે ને આ બાજુ લગ્ન પણ થઈ જશે. આમપણ એની તબિયત ને પ્રબળ અંતિમ ઈચ્છાને જોતા બધાને આજ યોગ્ય લાગ્યું. આમતો ડોકટરે આકાંક્ષાને હોસ્પિટલમાં જ દાખલ થવાની ડોકટરે સલાહ આપી હતી. પણ આકાંક્ષા કહે,

"એક કામ પૂરું કરી લઉં પછી નિરાંતે મોતને પણ માણીશ."

વહેલાંમાં વહેલું મુહૂર્ત પંદર દિવસ પછીનું હતું. એ જ બધાએ નક્કી કર્યું. આકાંક્ષાએ બધી તૈયારીઓ જાતે કરાવી. બહુ ઉત્સાહ તો કોઈને ન હતો, સિવાય આકાંક્ષા.. એ પોતાનું દર્દ કોઈ પાસે જતાવતી ન હતી. એક દિવસ એણે સૌમ્યાને પોતાના રૂમમાં બોલાવી. કઈક બતાવવું હતું. એ બોલી,

"સૌમ્યા, આ જો ઘરચોળું કેવું છે, મેં ખાસ તારા માટે મુંબઈથી લીધું હતું. તું આ જ પહેરીને મંડપમાં જજે, ને આ જો એક મારા માટે પણ લીધું છે, આ જ ઓઢીને હું પણ છેલ્લી સફર કરવા માંગુ છું."

આકાંક્ષા કમને હસી, સૌમ્યાથી હસી ન શકાયું, એનાથી ડૂસકું ભરાઈ ગયું. ને એ આકાંક્ષાને વળગીને રડવા લાગી, અત્યાર સુધી મક્કમ રહેલી સૌમ્યા સાવ જ ભાંગી પડી. આકાંક્ષાએ એને રડવા દીધી. આકાંક્ષા બોલી,

"ચલ હવે બસ કર, તને ખબર છે ને આપણી પાસે સમય બહુ ઓછો છે, એમ કહે કે તને આ ઘરચોળું ગમ્યું કે નહીં? હજુ એક વસ્તુ બતાવું જો."

ને આકાંક્ષાએ એક સુંદર નેકલેસ કાઢ્યો ને સૌમ્યાને આપ્યો. એની ઇચ્છા હતી કે સૌમ્યા આ પહેરીને જ અભી સાથે અતૂટ બંધનમાં જોડાય. આ એજ નેકલેસ હતો જે અક્ષીએ એના ને અભીના લગ્ન વખતે પહેર્યો હતો.

સૌમ્યાને સમજતા વાર ન લાગી કે આ ઘરચોળુ આકાંક્ષાએ મુંબઈથી લીધું હતું. એણે બન્ને વસ્તુનો દિલથી સ્વીકાર કર્યો.
સૌમ્યા બે ઘડી મૌન સાથે એમનેમ બેસી રહી. સૌમ્યા જ્યારે લંડનથી નીકળી ત્યારે એને પરિસ્થિતિનો જરા પણ ખ્યાલ નહતો અને થોડા દિવસમાં તો એની આખી જિંદગી બદલાઈ જવાની હતી. કોઈ વાર જિંદગી એવા મોડ ઉપર લાવીને મૂકી દે કે ખબર જ ના પડે કે શું પ્રતિક્રિયા આપવી.. અને સૌમ્યા પણ અત્યારે આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી. એને આમ યંત્રવત ઉભેલી જોઈને આકાંક્ષા બોલી, "સોમી લગ્ન માટે બહુ ઓછાં દિવસ બાકી છે. હવે લંડન ફોઈ, ફુઆ અને પ્રથમને જાણ કરી દેવી જોઈએ."

સૌમ્યા હા પાડી ફોઈને ફોન જોડે છે ને લગ્નની તારીખ કહે છે. સામેથી ફોઈ જણાવે છે કે હમણાં જ અભીના મમ્મીનો ફોન હતો. એમને તારીખ જણાવી હતી. અને ઉમેર્યું કે લગ્નને બહુ થોડા દિવસ બાકી હોવાથી એ બંને બની શકે એટલા વહેલા આવાનો પ્રયત્ન કરશે. પછી એ પ્રથમને ફોન લગાવે છે. આકાંક્ષા ઈશારો કરી ફોન લઈ પોતે પ્રથમ સાથે વાત કરે છે. આકાંક્ષાને આમ પોતાના પતિના લગ્નની વાત કરતા જોઈ પ્રથમ એકદમ નવાઈ પામે છે. એ મનોમન આ ત્રણેની દોસ્તી પ્રેમ અને મહાનતાને વંદી પડે છે. આકાંક્ષા એની વાત પતાવીને ફોન સૌમ્યાને આપે છે અને એને એકાંત આપવા રૂમમાંથી નીકળી જાય છે.

સૌમ્યા જોડે વાત કરતા પ્રથમ લગભગ ગળગળો થઈ ગયો. તો આ બાજુ સૌમ્યા પણ થોડી ઉદાસ થઈ ગઈ. સૌમ્યા પ્રથમને લગ્નમાં અમદાવાદ આવાનું પૂછે છે તો પ્રથમ કામનું બહાનું કાઢીને ના પાડી દે છે ને સૌમ્યા ભારે હૈયે ફોન મૂકી દે છે.

એક બાજુ લગ્નની તૈયારી તો બીજી બાજુ આકાંક્ષાની બગડતી તબિયત. એનો ખોરાક પહેલા કરતા ઘણો ઓછો થઈ ગયો હતો. જેવું કંઈ ખાય એવો પેટમાં અસહ્ય દુખાવો ઉપડે. ડોકટરે એકદમ હળવું ખાવાનું, સૂપ અને ફ્રુટ જ્યુસ જ લેવાનું કહ્યું હતું. ફેમિલી ડોક્ટર રેગ્યુલર વિઝીટ કરી જતા. એક વાર હિમોગ્લોબીન બહુ ઓછું થઈ ગયું તો બ્લડ પણ ચઢાવવું પડ્યું હતું. એને હવે પોતાના નાના નાના કામ માટે પણ કોઈની જરૂર પડતી. આ બધા સમયમાં સૌમ્યા એક પડછાયાની જેમ આકાંક્ષાની સાથે ને સાથે રહેતી.

અભીએ પણ હવે ઓફિસ જવાનું બંધ કરી દીધું હતું. તે આખો દિવસ આકાંક્ષાની જોડે રહેતો. આકાંક્ષાને ખવડાવવાનું હોય કે એની દવા આપવાનું, એ બધું એ પોતાના હાથે જ કરવાનો આગ્રહ રાખતો. એની તબિયતનું સતત ધ્યાન રાખતો ને કઈ રીતે આકાંક્ષાની પીડા ઓછી કરી શકાય એની ડોક્ટર જોડે ચર્ચા કરતો.

આ તરફ વડીલો એ પણ એક બાજુ લગ્ન માટે પંડિત, હારતોળા ને સૌમ્યાને આપવા માટેની સામગ્રીની વ્યવસ્થા કરી દીધી. લગ્ન ભલે બહુ મોટાપાયે કરવાના ન હતા તેમ છતાં અમુક વડીલ ને થોડાક મિત્રોની હાજરીમાં લગ્ન ઘરે જ કરવાનું નક્કી કર્યું હતું. આ બધી તૈયારીઓની સાથે સાથે આકાંક્ષા માટે પ્રાર્થના ને પૂજાપાઠ વધારી દીધા. આકાંક્ષાના સાસુ રોજ સવારે એની આગળ ગીતાનું પઠન કરતા તો મમ્મી રોજે રાતે સૂતા પહેલા આકાંક્ષાને પ્રતિક્રમણ કરાવી ને દિવસ દરમિયાન થયેલી ભૂલો ખમાવતા.

કોઈ જાતના ઉત્સાહ વગર લગ્નની નાની મોટી ને કહેવાય કે કરવી જ પડે એવી તૈયારીઓ ચાલી રહી હતી. એક દિવસ બધા લંચ કરીને ઉભા થયા ત્યાં ડોરબેલ વાગી. આકાંક્ષા બોલી અભી હશે. મારી દવા લેવા ગયો હતો. સૌમ્યાએ દરવાજો ખોલ્યો. જોયું તો અભીની સાથે હતો પ્રથમ... સૌમ્યા બે ઘડી તો વિશ્વાસ જ ના કરી શકી કે લગ્નમાં આવાની ના પાડતો હતો એ પ્રથમ અઠવાડિયા પહેલા અમદાવાદ પણ આવી ગયો.

પ્રથમ પણ આટલા દિવસે સૌમ્યાને જોઈને બસ જોતો જ રહી ગયો. ત્યાં અભી બોલ્યો, "સોમી તારી પરમિશન હોય તો અમે ઘરમાં આવીએ?"

સૌમ્યાનું ધ્યાન તૂટ્યું, એણે સ્મિત આપી પ્રથમને આવકાર્યો. અભીએ ઓળખાણ કરાવી કે આ લંડનમાં રહેતો સૌમ્યાનો મિત્ર છે. બધા એને મળ્યા. અભી ને પ્રથમ માટે સૌમ્યા એ થાળી પીરસી. બન્ને જમવા બેઠા. અહીંયા આંખો આંખોથી જાણે સૌમ્યાને પ્રથમ કેટલુંય પૂછવા ને કહેવા માંગતા હતા. પણ અત્યારે બધાની હાજરીમાં એ સવાલ જવાબ યોગ્ય ન લાગ્યા. આકાંક્ષા પણ પ્રથમ ને આવેલો જોઈ બહુ ખુશ થઈ. ખરેખર પ્રથમને અત્યારે બોલાવાનો ને સૌમ્યાને ન કહેવાનો પ્લાન અભી ને આકાંક્ષાનો જ હતો.

લંચ પતાવી અભીએ પ્રથમ માટે રૂમ રેડી કરાવ્યો. સૌમ્યા પાણી ને બીજી જરૂરિયાતની વસ્તુ આપવા પ્રથમના રૂમમાં ગઈ. આજે બહુ દિવસે બન્ને આમ સામસામે હતા. પણ વાત ક્યાંથી શરૂ કરવી એ સમજાતું ન હતું

સૌમ્યાએ મૌન તોડતા કહ્યું, "આમ અચાનક? મને કીધું હોત તો હુ એરપોર્ટ લેવા આવી જાય!"

"જ્યારે આ મેરેજની ડેટ નક્કી થઈ ત્યારે જ મને અભીએ કોલ કરી કહ્યું હતું કે ગમે તે કર પણ તારે વહેલા આવું પડશે. ને આ વાત તને ન કહેવા પણ એમણે જ કહ્યું હતું.", પ્રથમે જણાવ્યું.

"ઓહ એટલે તમે બન્ને મળીને આ બધું નક્કી કર્યું હતું!", સૌમ્યા બોલી.

પ્રથમે ચોખવટ કરતા કહ્યું બેવ નહિ ત્રણેયએ. સૌમ્યા સમજી ગઈ કે આકાંક્ષાને પણ ખબર હતી. બન્ને સહેજ એકબીજા સામે જોઈ હસી પડ્યા.

"સૌમ્યા.. બસ તું આમ જ ખુશ રહે. મારી આ એક જ ઈચ્છા છે.", પ્રથમે કહ્યું..

"અને તું ખુશ છે?", સૌમ્યાએ પૂછ્યું.

"સાચું કહું તો પહેલા ન હતો. તું પહેલી વ્યક્તિ છે જેની જોડે મને સાચા દિલથી પ્રેમ થયો હતો. ને તે જ્યારે અભી સાથે લગ્નની વાત કરી હું જાણે તૂટી ગયો હતો. પણ જ્યારે મેં મારી જાત ને તારી જગ્યા એ મૂકી ત્યારે મને મારી પસંદ પર વધુ ગર્વ થયો. મને લાગ્યું કે જો તું મિત્રતા માટે આટલું બધું કરી શકે તો હું મારા પ્રેમ માટે આટલુ ન કરી શકું?", પ્રથમે કહ્યું.

સૌમ્યા ભાવુક થઈને બોલી, "ખરેખર હું મારી જાતને નસીબદાર સમજુ છું કે મને આટલા સારા વ્યક્તિઓ જીવનમાં મળ્યા. પ્રથમ તારું માન મારી નજરમાં ઓર વધી ગયું. બસ મને પ્રોમિસ કર તું આજીવન મને આમ જ સાથ આપીશ. હું તારા જેવો મિત્ર ખોઈ નહિ શકું."

પ્રથમે સૌમ્યાના બન્ને હાથ પોતાના હાથમાં લીધા ને સહમતી આપી. બન્નેની આંખમાં કઈક ખોવા કરતા કઈક મેળવવાનો સંતોષ વધુ દેખાતો હતો.

સાંજથી પ્રથમ અભી જોડે બધા કામમાં જોડાઈ ગયો. કોઈ ને લાગતું જ ન હતું કે હજુ સવારે જ આવેલો કોઈ અજાણ્યો છોકરો આટલી જ વારમાં ઘરના સદસ્યની જેમ બધા કામે લાગી જશે. વચ્ચે એકાદ બે દિવસ અભીના આગ્રહ થી પ્રથમ પોતાના ઘરે વડોદરા જઈ આવ્યો.

આ તરફ અભીએ બે દિવસ પહેલા જ વેદ, મહેકને બોલાવી લીધા. દર વખતની જેમ સ્વપ્નિલ હાજર ન રહી શક્યો. આ બધાને વહેલા બોલાવાનુ એક જ કારણ હતું કે આકાંક્ષા બધા જુના મિત્રોને જોઈને ખુશ રહે. ફુવા તો ન આવી શક્યા પણ સૌમ્યાના ફોઈ બે દિવસ પહેલા જ આવી ગયા. હવે આકાંક્ષાની તબિયત વધારે બગડી રહી હતી. લગ્નના આગલા દિવસે જ એને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ જવી પડી હતી. કોઈનું ધ્યાન લગ્ન પર ન હતું. આકાંક્ષાના મમ્મી તો દીકરીની આવી હાલત જોઈ શકતા ન હતા. એ કારણે એમનું બીપી વારંવાર લો થઈ જતું.

આવા માહોલ વચ્ચે બધાના મગજમાંથી ડિવોર્સની વાત સદંતર ભુલાઈ ગઈ હતી. બધાના મનમાં એક જ વાત ચાલતી હતી કે આકાંક્ષા ની અંતિમ ઈચ્છા એની હાજરીમાં જ પૂરી કરવી.

આજે લગ્નનો દિવસ હતો. આકાંક્ષા રાતે જ હોસ્પિટલથી ઘરે આવી હતી. આકાંક્ષા પોતાની બધી પીડા, દર્દ ભૂલી વહેલી ઉઠી તૈયાર થઈ અભીને થોડી થોડી વારે ઉઠાડ્યા કરતી હતી. અભીનું મન હજુ માનતું નથી હોતું આ લગ્ન માટે. પરાણે પથારીમાંથી ઉભો થાય છે. નક્કી કરેલા કપડાં પહેરી બેડ ઉપર બેસી જાય છે અને આકાંક્ષાની સામે જોઈ એક જ સવાલ કરે છે, "અક્ષી, હજુ એકવાર વિચારી જોને."

આકાંક્ષા એની કોઈ જ વાત સાંભળવા તૈયાર નથી હોતી એ વેદને બોલાવી કહે આને રેડી કરી મંડપ સુધી લઈ આવજો. નવ વાગ્યાનું મુહૂર્ત છે. આટલું કહી એ સૌમ્યાને તૈયાર કરવા એના રૂમમાં જાય છે. ત્યાં મહેક સૌમ્યાને તૈયાર કરતી હોય છે. સૌમ્યાના ચહેરા પર દુલહન જેવો કોઈ જ ભાવ ન હતો. એ બસ જાણે જે થઈ રહ્યું હતું એને અનુસરી રહી હતી. ત્યાં અચાનક એનું ધ્યાન આકાંક્ષા તરફ ગયું. એ તરત બોલી, "આકાંક્ષા તું કેમ ઉભી થઇ પથારી માંથી? ડોકટરે તને આરામ કરવા કહ્યું છે ને? તું ડાયરેકટ નવ વાગે જ મંડપમાં આવજે. હમણાં મહેક છે એ બધું જોઈ લેશે મારુ."

આકાંક્ષાને ખરેખર જરા પણ સારું લાગતું ન હતું. પણ એ ઇચ્છતી ન હતી કે આજના આટલા સારા દિવસે એ સુઈ રહે ને બધાનું ધ્યાન એના તરફ રહે. એ તરત બોલી, "અરે મેં હમણા જ દવા લઈ લીધી ને હું બેટર ફિલ કરુ છું. "

નવ વાગ્યાનો સમય થયો. સૌમ્યાના ફોઈ સૌમ્યાને લેવા રૂમમાં લેવા આવે છે ને મંડપ તરફ જાય છે. મંડપમાં અભી બેસેલો જ હતો જોડે પ્રથમ ને વેદ પણ હતા. પ્રથમની નજર સૌમ્યા તરફ ગઈ. ખરેખર સૌમ્યા જરાપણ વધુ ન કહેવાય એવી તૈયાર થઈ હતી તેમ છતાં બહુ જ સુંદર લાગતી હતી. અભીનું તો જરા પણ ધ્યાન ન હતું. એતો જાણે હજુ કઈક એવુ થાય ને આ લગ્ન ન થાય એ માટે ભગવાનને યાદ કરતો હતો. સૌમ્યા મંડપમાં બેસે છે.

પંડિતજી લગ્નની વિધિ શરૂ કરે છે. લાગશે ને કે લગ્નને જાણે મજાક બનાવી દીધા છે, પણ ના મજાક નહિ અહીં તો લગ્નને સાર્થક કરી બતાવ્યા છે, શ્લોક છે ને કે,

कार्येषु दासी करणेषु मंत्री रूपे च लक्ष्मी क्षमया धरित्री |
भोज्येषु माता शयनेषु रंभा षट्कर्म युक्ता कुलधर्म पत्नी।

આકાંક્ષા ખરા અર્થમાં પત્ની સાબિત થઈ હતી, ને સૌમ્યા પણ આવી જ પત્ની તરીકે સફળ થશે એવો વિશ્વાસ મૂકીને એ જવા માંગતી હતી. ને અભી આ બધું કરતો હતો કારણ કે એની પત્નીની અંતિમ ઈચ્છા હતી. ખરા અર્થમાં લગ્નની વેદીને સાર્થક કરતા હતા આ ત્રણેય.

નક્કી થયું તું એ અનુસાર આકાંક્ષાના મમ્મી પપ્પા સૌમ્યાનું કન્યાદાન કરે છે. ફેરાની વિધિ પુરી થાય છે. આકાંક્ષા અભીને ફેરા ફરતા જોઈ કેટલાય આંસુ પી ગઈ હતી પણ એને ચહેરા પર એક ભાવ કળવા દીધો ન હતો. મંગળસૂત્ર પહેરાવાનો સમય થયો. અભી આકાંક્ષા સામે જોઈ જાણે કહી રહ્યો હતો કે અક્ષી મને રોકી લે. પણ આકાંક્ષા સામેથી જ અભી પાસે ગઈ ને એને પહેરાવા કહ્યું. આકાંક્ષાના મમ્મી પપ્પા ને અભીના મમ્મી પપ્પા માટે આ બધું જોવું ખરેખર બહુ અઘરું થઈ રહ્યું હતું. બાકીની બધી વિધિ પતાવી પંડિતજી જણાવે છે કે હવે લગ્નની બધી જ વિધિઓ પૂર્ણ થાય છે. તમે મોટાના આશીર્વાદ લઈ લો. અભીને સૌમ્યા ઉભા થાય છે. ત્યાં અચાનક જ આકાંક્ષા ચીસ પાડે છે..."અભી...." અને જમીન પર પટકાય છે.

પ્રેમ ને મિત્રતામાં કોણ કહેવાશે મહાન?
શું વણઉકલ્યો જ રહી જશે એ સવાલ?
પલડું પણ કરે છે હવે ધરાર ઇનકાર
એવી તો હોડ જામી છે અહીં આજ.

©હિના દાસા, શેફાલી શાહ, રવિના વાઘેલા