depression books and stories free download online pdf in Gujarati

ડીપ્રેશન

ડીપ્રેશન : ઝડપથી આગળ વધતો રોગ

ભારતમાં છેલ્લે થયેલા અનેક સર્વેમાં એક સુર બધાએ આલાપ્યો અને તે એ કે “ડીપ્રેશન” જેવો રોગ આવનાર સમયમાં એક વિકરાળ સ્વરૂપ ધારણ કરશે.જે શબ્દ આજથી દસ વર્ષ પહેલા બોલવામાં પણ ન આવતો તે આજે સામાન્ય શબ્દ થઇ ગયો છે. ધીરે ધીરે લોકો આ “ડીપ્રેશન” જેવા અઘરા શબ્દને ઓળખતા થયા, પછી અન્ય વ્યક્તિને કહેતા કે પૂછતાં કે તેની સારવાર લેતા શરમાતા હતા, પણ આજે આ શબ્દ એક રોગ બની ગયો છે. જે શબ્દને બોલવામાં લોકો શરમાતા, ગભરાતા અથવા સ્વીકારી શકતા નહી, તે જ આજે ચર્ચાનો વિષય બની ગયો છે. આજે યુવાનો અને નોકરી કરતા લોકો વચ્ચે આ શબ્દ ખુબ જ બોલવામાં આવે છે. દીપિકા પદુકોણે જયારે જાહેરમાં સ્વીકાર્યું કે “તે ડીપ્રેશનનો શિકાર થઇ હતી અને તેણે સારવાર લીધી હતી” ત્યારે આપણા યુવાનો પણ ખુલ્લા મને આ વિશે જાહેર કરતા થયા. ઘર હોય કે ઓફીસ, બીઝનેસ હોય કે નોકરી, કામ કરતા હોય કે ન કરતા હોય, દરેક પ્રકારના અને કોઈપણ ઉમરના લોકો ડીપ્રેશનનો અનુભવ કરી રહ્યા છે અથવા એમ કહી શકાય કે આ રોગ કોઈને પણ થઇ શકે છે. સાચા અર્થમાં સમજીએ તો આ કોઈ રોગનું સ્વરૂપ ત્યારે જ લે છે જયારે આપણે યોગ્ય સમયે તેનો ઉપચાર કરતા નથી. કાર્યસ્થળ પર દિનપ્રતિદિન વધી રહેલી સમસ્યાઓમાં એક સર્વસામાન્ય વાત એટલે કર્મચારીઓમાં વધી રહેલું ડિપ્રેશનનું પ્રમાણ. ડીપ્રેશન એક એવો રોગ છે જેની જાણ મોટાભાગના લોકોને થતી નથી. અને ઘણા તેને રોગ માનતા પણ નથી.જેથી તેનો ઉપચાર પણ થતો નથી. આજે કોર્પોરેટ ક્ષેત્રમાં પાંચમાંથી એક કર્મચારી ડીપ્રેશનનો શિકાર છે અને અભ્યાસ કરતા યુવાનોમાં પાંચમાંથી ત્રણ લોકો ડીપ્રેશનનો અનુભવ કરી રહ્યા છે. ડીપ્રેશનના અનેક કારણો છે પણ એક સામાન્ય બાબત જે લગભગ બધામાં જોવા મળે છે તે એ કે યુવાનોને બધું જ ઝડપથી અને ઓછી મહેનતે જોઈએ છે જેથી તેમને જયારે કઈ મળતું નથી ત્યારે તેઓ નિરાશ થઇ જાય છે. આટલું ઓછું હોય તેમ સોશિયલ મીડિયા પર અન્યનું જોઇને, જે પોતાની પાસે નથી તેના વિચાર કરીને દુખી થાય છે જેથી તેમને જે મળ્યું છે તેની કિમત થતી નથી અને જે નથી તેના દુઃખમાં આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. આપણે જયારે નાની નાની વાતમાં નિરાશ થઈએ અથવા દુઃખી થઈએ ત્યારે આ વિચારોની અને લાગણીઓની નકારાત્મકતા ધીમે ધીમે વધવા લાગે છે. આપણી જાણ બહાર આપણે નકારાત્મકતા તરફ આગળ વધવા લાગીએ છીએ. આ ઉપરાંત કાર્યક્ષેત્ર પર કામનું ભારણ અને દબાણ વ્યક્તિને ડીપ્રેશન જેવી બીમારી આપી શકે તે આજની વાસ્તવિકતા છે. જોબ કરતી લગભગ બધી જ વ્યક્તિ ટાર્ગેટ હાંસિલ કરવા માટે ઘર અને પરિવાર સાથે સમય પસાર કરી શકતો નથી વળી સ્પર્ધાત્મક વાતાવરણને લીધે સતત એક પ્રકારની ચિંતા રહે છે જેને લીધે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે બેલેન્સ જાળવી શકાતું નથી જેની સીધી અસર માનસિક અને ભાવનાત્મક રીતે થતી હોવાથી વ્યક્તિ ટેન્શનમાં આવી જાય છે. કામના સ્થળ પર મનગમતી જોબ નથી અથવા મનગમતું કામ નથી એટલે પણ કર્મચારી ડીપ્રેશનનો ભોગ બની રહ્યો છે. યુવા પ્રોફેશનલમાં થયેલા સર્વે મુજબ તેઓ અનિયમિત ઊંઘ, કામનું પ્રેશર અને વધુ કલાકો સુધી કામ કરવાને લીધે કરિયરના શરૂઆતના વર્ષોમાં જ નિરાશાનો અનુભવ કરે છે જેના તરફ ધ્યાન આપતા નથી એટલે ડીપ્રેશનનો ભોગ બને છે. આજે બધું આંગળીના ટેરવે ચોક્કસ છે પણ એટલે જ માણસ પોતાના મન અને શરીરને આંગળીના ટેરવે સાચવી શકતું નથી.

સગવડતાઓએ માનવજીવન સરળ બનાવ્યું પરંતુ માનવમનની મુંજવણ ઓછી કરી નથી. હજુ વ્યક્તિ કામ અને ઘર બન્ને ને એકસાથે સરળતાથી મેનેજ કરી શકતો નથી જેના ભાગરૂપે તે તાણ અનુભવે છે અને ટેન્શનમાં આવી જાય છે. કોસ્મોસ ઇન્સ્ટીટયુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ બિહેવિયરલ સાયન્સીસના સર્વે મુજબ પાંચ વર્ષમાં ભારતીય કોર્પોરેટ જગતના કર્મચારીઓના કામકાજ સમ્બંધી ડીપ્રેશન અને ચિંતાને લગતા કેસમાં ત્રણગણો વધારો થયો છે અને આટલા ઝડપથી વધી રહેલ આ સમસ્યા તરફ અંગુલીનિર્દેશ કર્યો છે. કાર્યસ્થળ પર કોઈ એવી સપોર્ટ સીસ્ટમ નથી જે માનવ મનની મૂંઝવણને ધ્યાનમાં રાખી તેમનું કાઉન્સેલિંગ કરી શકે. પરિવાર અને બાળકોની જવાબદારી તેમના માટે અનેક નવા સવાલો લઈને આવી છે ત્યારે જ્યાંથી તેઓ પૈસા કમાઈને ગુજરાન ચલાવે છે તે સ્થળ પરથી મદદ મળવી જોઈએ. ડીપ્રેશન વિષે આપણે વાત નથી કરતા એટલે તેનો ઉપાય શક્ય નથી. ઓછામાં પૂરું આપણે ડીપ્રેશન માટે ડોક્ટરની સલાહ લેવાનું તો સ્વીકારી શકતા જ નથી. દીપિકા પદુકોણે જેવી એક્ટ્રેસ અને સેલીબ્રીટીએ જયારે જાહેરમાં લોકોને ડીપ્રેશન વિશે ખુલીને વાત કરી ત્યારે તો ખબર પડી કે આ પણ એક રોગ છે. નિરાશ હોવું એટલે ડીપ્રેશનની પા પા પગલી થઈ રહી છે તેવું કહી શકાય. આપણે મોટાભાગે નિરાશ હોઈએ ત્યારે કોઈને કેહતા નથી અથવા આપણી મન:સ્થિતિ વિશે ખુલીને બોલતા નથી જેથી આપણી જાણ બહાર આપણે ડીપ્રેશનનો શિકાર બનતા જઈએ છીએ. ડીપ્રેશન સામે ફાઇટ આપવી એટલે પોતાની માનસિક સ્થિતિને બદલવી. આ રોગમાંથી બહાર નીકળી જ શકાય છે પણ તેના માટે વ્યક્તિને ખબર પડવી જરૂરી છે અને તેના માટે તમારે જ સજાગ થવું પડે. કોઈ સાથે વાતચીત કરવી ગમે નહી, ભૂખ લાગે નહી અથવા વધુ ભૂખ લાગે, માથું દુખવું, કોઈ કારણ વગર રડવું આવે, સ્વભાવ ચીડિયો થઈ જવો અથવા નાની નાની બાબતમાં ગુસ્સો આવી જવો જેવી બાબત તમે અનુભવી રહ્યા હો તો તમારા પરિવાર કે મિત્ર સાથે ચોક્કસ વાત કરો. જરૂર પડે તો મનોચિકિત્સકને મળો. આ અસાધ્ય રોગ નથી, બસ દિલ ખોલીને વાત કરવી જરૂરી છે. અન્ય વ્યક્તિને તમારા સ્વભાવમાં બદલાવ દેખાય તો તમારું સેલ્ફ એનાલિસિસ કરો પણ ડીપ્રેશનના ગુલામ બનતા તમારી જાતને રોકો. ડાયાબિટીસ, થાઈરોઈડ કે કેન્સર જેવો આ રોગ નથી એટલે તમે તેને કોઈ રીપોર્ટ કરીને ઓળખી શકતા નથી. માત્ર તમારા વર્તન અને લાગણીઓમાં આવેલ પરિવર્તન પરથી નોંધી શકાય છે. વળી આ રોગ સંપૂર્ણપણે મટી શકે તેવો છે એટલે ગભરાયા વગર તેને સમજો અને ઉપાય કરો. હવે તો ઘણા લોકો સોશિયલ મીડિયાના વધુ ઉપયોગને લીધે પણ આ રોગનો શિકાર બની શકે છે માટે તમારી જાત તપાસ કરો કે તમને શું તકલીફ છે અને તેના આધારે ઉપચાર કરો. ડીપ્રેશનમાંથી બહાર આવવાનો એક સરળ ઉપાય એટલે કાઉન્સેલિંગ અથવા તમે જે અનુભવો છો તેને અન્ય પાસે જાહે કરી દેવું તે.

ઘણીવાર તમે નિરાશ હો, કોઈને કઈ કહો નહી અને મનમાં જ વિચાર્યા કરો એટલે તમારા આ વિચારો વધતા જાશે જેથી તમે વધુ નિરાશ થશો. જો આ સમયે તમે જે ફિલ કરતા હો તે કોઈ વ્યક્તિને કહી ડો એટલે તમે મનથી હળવા થઇ જશો. તમારે કોઈ પાસેથી સલાહ લેવાની જરૂર નથી બસ તમે કોઈ વાત કે ભાવ મનમાં રાખ્યા વગર તેને બહાર વહી જવા ડો જેથી ત્યાંથી તમારા નકારાત્મક વિચારો અટકી જશે.તમે રીલેક્ષ થશો, તમને લાગશે કે કોઈક તમને પણ સાંભળે છે. ડીપ્રેશન, હ્રદયમાંથી ન કહેવાયેલી વાતોનું જ પરિણામ છે માટે કોઈ એક દોસ્ત એવો રાખો જ્યાં તમે જેવા છો તેવું કહી શકો અને ડીપ્રેશનના પગરવને અટકાવી શકો.

***