પ્રેમનું અગનફૂલ - 11 - 3 in Gujarati Detective stories by Vrajlal Joshi books and stories Free | પ્રેમનું અગનફૂલ - 11 - 3

પ્રેમનું અગનફૂલ - 11 - 3

પ્રેમનું અગનફૂલ

વ્રજલાલ હિરજી જોષી

મિશન કામયાબ

ભાગ - 3

ધીર ધીરે આતંકવાદીઓએ કદમ, રસીદ અને સુલેમાનને ચારે તરફથી ઘેરી લીધા, બધા આતંકવાદીઓ પહાડોની ટોચ પર હતા. જ્યારે કદમ, રસીદ, સુલેમાન ધરતી પર એક પહાડીની વચ્ચે છુપાય હતા. તેઓની રાયફલોની ગોલીઓ ખત્મ થઇ ચૂકી હતી.

અચાનક જોરદાર અટ્ટહાસ્યના અવાજથી ચોંકીને ત્રણેએ ઉપર નજર કરી તેઓ જ્યાં છુપાયા હતા, તે પહાડીની ટોર્ચ પર અફઝલ ઊભો હતો. તેના હાથમા રિવોલ્વર હતી અને રિવોલ્વરને તે ત્રણે સામે તાકી જોરજોરથી ક્રૂર અટ્ટહાસ્ય કરી રહ્યો હતો.

‘બસ ખેલ ખત્મ...!’ તમે લોકો હવે મારા હાથમાંથી જીવતા બચી ક્યાં જશો... ? તમે લોકો ચારે તરફથી ઘેરાઇ ગયા છો... એક એક ગોલી અને તમારા ત્રણેની લાશો ગીધોનું ભોજન બની જશે. હા... હા... હા...’ અટ્ટહાસ્ય વેરતો અફઝલ શાહિદ સાક્ષાત શેતાન જેવો લાગી રહ્યો હતો.

‘મને ખબર છે, તમારી પાસે ગોળીઓ ખત્મ થઇ ગઇ છે. તમારામાંના બે આદમી પેલી છોકરીને લઇને નાસી ગયા છે, પણ આ મારો ઇલાકો છે. અહીંથી દૂર... દૂર... સુધી ચારે તરફ મારા આતંકવાદીઓ ફેલાયેલા છે. તેઓ જરૂર પકડાઇ જશે, પણ તેઓને મરતાં તમે જોઇ નહીં શકો. કારણ કે તમારા મોત તો હમણાં જ મારા હાથે લખેલું છે.’ કહેતાં અફઝલ શાહિદ હસ્ચો પછી ડાબા હાથે ખિસ્સામાંથી એક થેલી બહાર કાઢી તે થેલીમાંથી બીડી કાઢી, હોઠ વચ્ચે દબાવી ત્યારબાદ માચિસ કાઢી સળગાવી ઊંડા દમ ભરવા લાગ્યો.

‘સાલ્લો.... પાગલોનો સરદાર લાગે છે.’ કદમ બબડ્યો.

‘જાણે ઘરમાં બેસીને બીડી પીતી હોય તેમ આરામથી બીડી પીએ છે.’ હરામનો પીલ્લો...’ કપાળ પરથી હાથ વડે પરસેવો લૂછતાં સુલેમાન બબડ્યો.

‘બસ... આ બીડીન છેલ્લો દમ અને તમારા ત્રણેની જિંદગીનો છેલ્લો શ્વાસ... દમ પૂરો... જિંદગી પૂરી...’ બોલી તેણે બીડીનો જોરદાર દમ ભર્યો પછી હાથની આંગળી અને અંગૂઠા વડે બીડીને જરા નીચે કદમ સુલેમાન અને રસીદ ઊભા હતા તેના પર ઘા કરી ‘તમારા ખુદાને યાદ કરી લ્યો તમે લોકોએ મને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. છતાં તમને આસાન મોત આપું છું.’ કહેતાં રિવોલ્વરનો સેફ્ટી કેચ ખસેડી રિવોલ્વર કદમ, સુલેમાન તથા રસીદ તરફ તાકી ત્યારબાદ ટ્રેગર પર હાથની આંગળી દબાવી.

ધડામ... અવાજ ગુંજી ઊઠ્યો.

ત્રણેએ આંખો બંધ કરી નાકી. ખબર નહીં ત્રણમાંથી પહેલાં કોનું મોત તેને ભરખી ગયું.

ક્ષણ પછી આંખો ખોલી એકબીજા સામે જોયું.

આશ્ચર્ય સાથે ત્રણે જીવતા હતા.

અફઝલ શાહિદના હાથમાંથી રિવોલ્વર છૂટીને નીચે પડી હતી. અને તેની ગરદન ફરતે હાથ વીંટાળી ફકીરબાબા ઊભા હતા. તેમના હાથમાં પણ રિવોલ્વર હતી.

ગોળી ફકીરબાબાની રિવોલ્વરમાંથી છૂટી હતી.

‘હરામખોર... કમીના...’ બાબાના મોંમાંથી પડઘા પાડતો અવાજ નીકળ્યો, ‘સાલ્લા... આતંકવાદીની ઓલાદ આજ તારો કાળ તને બોલાવી રહ્યો છે. આજ તને જીવતા નહીં છોડું.’ કહેતાં બાબાએ હાથનું જોર તેની ગરદન પર વધાર્યું અને બીજા હાથે રિવોલ્વર અફઝલ શાહિદના ભેજા પર દબાવી.

બાબનો બદલાયેલો અવાજ સાંભળી કદમ સ્તબ્ધ થઇ ગયો. સુલેમાન પણ અવાચક બની બાબીને તાકી રહ્યો.

‘જો તમારા આકા અફઝલ શાહિદ જીવતો જોવા માંગતો હોય તો સૌ પોતપોતાના હથિયાર ફેંકી દ્યો, હું ફક્ત ત્રણ બોલીશ ત્યારબાદ અફઝલ શાહિદની લાશ અહીં પડી હશે.’ બાબાએ ત્રાડ નાંખી અને તરત કાઉન્ટ ચાલુ કર્યાં.

એક...

બે...

બાબા ત્રણ બોલે તે પહેલાં જ બધા આતંકવાદીઓએ હથિયાર હેઠાં ફેંકી દીધા.

ધડામ... જોરદાર ધમાકો થયો અને એક ટેકરી પર ઊભેલ ચાર આતંકવાદીઓના દેહ ધડાકા સાથે ઉપર ઊઠ્યા અને નીચે પડ્યા ત્યારે ક્ષતવિક્ષત અવસ્થામાં તેની લાશો જ પડી હતી.

કદમે નજર ઉઠાવી તે તરફ જોયું. તો એક મોટી શિલા પર પ્રલય પોતના રુદ્ર સ્વરૂપે ઊભો હતો. તેના ખભા પર થેલો હતો અને તેમાંથી બોમ્બ બહાર કાઢી, કાઢીને દાંત વડે તેની પીન ખેંચી આતંકવાદીઓ તરફ ‘ઘા’ કરતો હતો.

‘હરામખોર... આતંકવાદાના પૂછડાં...’ કહેતાંની સાથે બાબાએ અફઝલ શાહિદના ગળમાં વીંટાળેલ હાથને જોરથી છક્કી મારી અફઝલ અર્ધગોળ ફરી નીચે પછડાયો.

જેવો તે નીચે પછડાયો કે તરત બાબાએ ઘણના ‘ઘા’ની જેમ તેની છાતી પર લાતનો ફટકો માર્યો. અફઝલ શાહિદના ગળામાંથી ચીસ નીકળી ગઇ અને પછી બાબા અટક્યા વગર લાતો વડે પ્રહાર મારતા રહ્યા. અફઝલ ચિલ્લાતો રહ્યો. કેટલીય લાતો તેના ચહેરા પર લાગી હતી. બાબાએ પહેરેલ બૂટોમાં ખીલા જડેલા હતા. અફઝલ શાહિદનો ચહેરો લોહીલુહાણ થઇ ગયો. તે ચિલ્લાતો રહ્યો અને બાબા તેના પર રહેમ રાખ્યા વગર લાતોનો વરસાદ વરસાવતા રહ્યાં.

પ્રલય સાક્ષાત પ્રલય બનીને આતંકવાદીઓ પર તૂટી પડ્યો હતો. કદમ અને રસીદ તથા સુલેમાન પણ ટેકરીઓ પર ચડી જઇ ત્રાસવાદીઓ સામે લડી રહ્યા હતા.

ચારે તરફ બોમ્બ ધમાકાઓથી વાતાવરણ ધ્રૂજી રહ્યું હતુ. ધૂળોના ગોટે ગોટા ઉડતા હતા. સાથે બોમ્બ વિસ્ફોટથી પથ્થરોના કરચલા પણ ઊડી ચારે તરફ વેરાતા હતા.

થોડીવારમાં જ સિત્તેર ટકા જેટલા આતંકવાદીઓ ખત્મ થઇ ગયા હતા. તે સિવાયના આતંકવાદીઓએ શરણાગતિ સ્વીકારી લીધી હતી. અફઝલ પૂરો લોહીલુહાણ થઇ એક તરફ ઊભો ઊભો હાંફતો હતો.

‘સર...’ કહેતાં કદમે બાબાને સેલ્યુટ મારી.

સૌ આશ્ચર્યચકિત થઇ ગયા. બાબાએ પોતાના ચહેરા પરની લાંબી દાઢી તથા મુછો કાઢી નાખી અને પહેરેલ કાળી કમલી પણ ઉતારી નાખી.

સૌ સાથે સૌમ્ય ચહેરો ધરાવતા હસતા મેજર સોમદત્ત ઊભા હતા.

‘સર... અમે આપની સાથે હતા અને આપને ઓળખી ન શક્યા...’ કદમ બોલ્યો. પ્રલયના ચહેરા પર સ્મિત ફરકી રહ્યું હતું. કેમ કે તે બાબાના રૂપમાં રહેતા મેજર સોમદત્તને ઓળખી ગયો હતો.

‘સર... હું પણ આપને ઓળખી ન શક્યો.’

આશ્ચર્યનો બીજો વિસ્ફોટ થયો હતો. તે બોલનાર સુલેમાન હતો. પ્રલય, કદમ સૌ આશ્ચર્ય સાથે તેને જોઇ રહ્યા.

આશ્ચર્યનો બીજો વિસ્ફોટ થયો હતો. તે બોલનાર સુલેમાન હતો. પ્રલય, કદમ સૌ આશ્ચર્ય સાથે તેને જોઇ રહ્યા.

સુલેમાને પણ ચહેરા પરની દાઢી-મૂછો ઉતારી નાખી.

હવે સૌની સામે હેન્ડસમ, યુવાન ચહેરા પર સ્મિત ફરકાવતો ઊભો હતો.

‘અરે... વિનય તું... ?’ આશ્ચર્ય સાથે કદમ બોલી ઊઠ્યો, જ્યારે અફઝલ તથા ત્યાં બચેલા આતંકવાદીઓ છક્ક થઇ ગયા જે સુલેમાનને અફઝલ પોતાની આદમી માનતો હતો તે, ‘રો’ ના એજન્ટ વિનય જોષી નીકળ્યો.

‘કેમ... મઝા આવીને અફઝલ શાહિદ... તારો સુલેમાન ભારતની જાસૂસી સંસ્થા ‘રો’નો એજન્ટ નીકળ્યો. તમારા કેમ્પ પાસે ઝૂંપડી બાંધી રહેતો બાબા ‘રો’નો ચીફ નીકળ્યો. તને આ વાત હજમ નહીં થાય. કેમ કે તે સ્વપ્નમાં પણ વિચાર્યુ. નહીં હોય.’ હસતાં ચહેરે સોમદત્ત બોલ્યો.

‘સર... મારા મનમાં કેટલાય પ્રશ્નો ઉપસ્થિત છે. તમે મને જલદી બધું સમજાવશો ?’ કદમ બોલ્યો.

‘સાંભળ... તારો અમદાવાદથી ફોન આવ્યો કે દુર્ગાનું અપહરણ થયું છે. ત્યારે તારી બધી વાત સાંભળી મને લાગ્યું કે તે લોકો બોર્ડર પાર કરી દુર્ગાને પાકિસ્તાન લઇ જશે, એટલે મેં તરત મારાં ચક્રો ગતિમાન કરી દીધાં અને વિનય ત્યારે જયપુર હતો. મેં તેને તાત્કાલિક રાજસ્થાન બોર્ડર પર ચાંપતી નજર રાખવાનું કહ્યું અને સંજોગ એવા થયા કે દુર્ગાનું અપહરણ કરનાર લોકો જયપુર એક જગ્યાએ હોટલ પર ગાડી થોભાવી ચા-પાણી માટે ઊતર્યા અને તે જ હોટલ પર વિનય પણ ચા પીવા માટે ગાડી થોભાવી ઊતર્યો અને પછી તેઓ વિનયની નજરે ચડી ગયા. વિનયે તાત્કાલિક મને જાણ કરી. મેં વિનયને તે લોકોનો બરાબર પીછો પકડવાનું કહ્યું. રાજસ્થાની બોર્ડરનું એક ગામ મોહનગઢની નજદીક બોર્ડર પર તેઓ રાત્રિના રોકાયા અને ત્યાં સુલેમાન નામના એક શખ્સને તેઓ બોર્ડર પાર કરાવવાનું કહ્યું. તે લોકો જ્યા રાત્રિના નાચગાન કરતા હતા. દારૂ પીતા હતા તે સ્થળેથી થોડે દૂર વિનય જોષી અને તેની મદદે મોકલેલ આદિત્ય તેઓની બધી જ વાત સાંભળી પછી મોડી રાત્રે તેઓ એ સુલેમાનને ઉઠાવી ગયા અને વિનય સુલેમાનની જગ્યાએ ગોઠવાઇ ગયો અને આવી ગયો. ત્યારબાદ વિનય જોષી સતત મારા સંપર્કમાં હતો, અને પછી મેં કદમ તથા પ્રલયને મેં પેશાવર મોકલી દીધા. ત્યારબાદ હું પણ પેશાવર ઉપડી ગયો. વિનય સતત મારા કોન્ટેક્ટમાં હતો. ત્યારબાદ હું બુધ્ધઇ પહોંચી આવ્યો અને નદી કિનારે ઝૂંપડુ બનાવી ફકીરબાબાના વેશમાં રહી અહીંની એક્ટિવિટી પર સતત નજર રાખતો રહ્યો.

જે દિવસે આનંદને બુધ્ધઇ ગામમાં ગાડીમાં ઢસરડીને મારી નાખવાનો પ્લાન અફઝલે ઘડ્યો તરત વિનયે મને જાણ કરી અને અમે બંનેએ વિનયને બચાવવા બુધ્ધઇ ગામ આવવાની તૈયારી કરી પણ તે જ વખતે પ્રલય, કદમ અને રસીદ બુધ્ધઇ ગામ પહોંચી ગયા. એટલે અમે બહાર ન પડ્યા.’ એટલું કહી મેજર સોમદત્ત ચૂપ થઇ ગયા.

ત્યારબાદ ક્રોધભરી સળગતી આંખોથી મેજર સોમદત્ત અફઝલ શાહિદ સામે જોયું. ‘અફઝલ તે ભારતમાં ભાઇચારો ખત્મ થઇ જાય અને મુસ્લિમ તથા હિન્દુ ભાઇઓ ઝઘડી મરે તે માટે તે ગુજરાતમાં દંગા ફેલાવવા ટ્રેન સળગાવી કેટલાય હિન્દુઓને મારી નાખવાની સાઝિસ રચી. તારા અમુક માણસો ભારતમાં મોકલ્યા જે લોકોએ પૈસાને પાણી જેમ વાપરીને કેટલાય લોકોને ધમાલ કરવા, ટ્રેન સળગાવવા તૈયાર કર્યા અને તે પણ નકલી નોટોના જોરે... હરામખોર તેં ગુજરાતના નાથ એવા નરેન્દ્રભાઇ મોદી જેઓ ગુજરાતના મુખ્યમંત્રી છે. જેઓ થકી ગુજરાતનો હરણફાળ વિકાશ થયો. તેઓ સૌને સમાન લેખી ચાલવાવાળા તે વીરપુરુષને બદનામ કરવાની પૂરી કોશિશ કરી હતી. ભારતના બીજા વિવેકાનંદ જેવા મહાન પુરુષ તમારા પાકિસ્તાનના નેતાઓની નજરે ખટકતા હતા. તેઓ તને આ મિશનની કમાન સોપી. જેમાં સાથ આપવા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇ.એસ.આઇ. પણ તારી સાથે હાથ મિલાવીને સાથી રહી, પણ તમારા પાકિસ્તાનનો નેતાઓની તે મુરાદ પૂરી ન થઇ. આ બધાનો જવાબદાર તું છો. અફઝલ શાહિદ’ કહેતાંની સાથે બેઠા થયેલા અફઝલ શાહિદની પીઠ પર મેજર સોમદત્તે જોરથી લાત ફટકારી દીધી. અફઝલ એક જોરદાર ચીસ સાથે સાત-આઠ ફૂટ ઊછળીને દૂર પટકાયો.

‘અફઝલ હું તને ગોલી મારીશ પણ તને મરવા નહીં દઉં, પણ તારા જીવતાંજીવ તે ગીધો ચૂંથીને ખાય તે માટે તને હાથ-પગમાં ગોળીઓ મારીશ. ભારતની અખંડતાને તોડનાર લોકોના કેવા હાલ થાય છે. તે દુનિયા જુએ સમજ્યો.’ કહેતાંની સાથે મેજર સોમદત્તે પ્રલયના હાથમાંથી એ.કે. 47 હાથમાં લીધી અને પછી જાણે ક્રોધથી પાગલ થઇ ગયા હોય તેમ ધડાધડ અફઝલ શાહિદના હાથ અને પગ પર ગોળીઓનો વરસાદ વરસાવી દીધો.

ગોળીઓના ધમાકાઓની સાથે અફઝલ શાહિદની ચીસોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. એ.કે. 47માં હતી એટલી બધી ગોળીઓ મેજર સોમદત્તે અફઝલ શાહિદના શરીરમાં ઉતારી દીધી. પછી ખાલી એ.કે. 47ને ઘા કરતા તેઓ બોલ્યા, ‘અફઝલ, હવે તું અહીંથી એક ઇંચ પણ આગળ નહીં જઇ શકે અને અમારા અહીંથી ગયા બાદ ચારે તરફ પહાડી પર બેઠેલાં ગીધો અને જીવતાં ફોલી ખાશે... અલવિદા અફઝલ...’ કહેતાંની સાથે મેજર સોમદત્ત ચાલવા લાગ્યા. તેની પાછળ શરણાગતિ સ્વીકારેલ કેટલાય આતંકવાદીઓ હતા અને તેઓની પાછળ પ્રલય, કદમ અને રસીદ, વિનય જોષી ચાલતા હતા.

થોડી જ વારમાં ત્યાં ગીધો ચક્કર લગાવવાં લાગ્યા.

કેટલાંય ગીધોનાં ટોળાં નીચે ઊતરી પડ્યાં અને મૃત આતંકવાદીઓના માંસની મહેફિલ ઉડાવી રહ્યાં હતાં.

અફઝલ દહેશત સાથે તેની આજુબાજુ બેઠેલાં ગીધો સામે નજર ફેલાવી તે ધ્રજી ઊઠ્યો. ધીરે ધીરે તેના હાથ-પગ પાસે આવીને બેઠા અને પછી સન્નાટાભર્યા વાતાવરણમાં અફઝલ શાહિદની ચીસો ગુંજવા લાગી.

મેજર સોમદત્ત પોતાની બનાવેલી ઝૂંપડી પાસે આવ્યા.

આનંદ દુર્ગાના ખોળામાં માથું મૂકીને સૂતો હતો. અત્યારે તેનો ચહેરો પ્રફુલ્લિત જણાતો હતો.

‘સર... આ આતંકવાદીઓનું શું કરવું છે...?’ વિનયે પૂછ્યુ.

‘આ લોકોને ગોળીઓથી ઉડાવી દેવા સિવાય બીજું શું કરવાનું હોય. આ લોકો જીવતા હશે તો આપણા દેશ ભારતને ક્યારેક નુકસાન કરશે. ક્રોધભરી નજરે આતંકવાદીઓ સામે જોતાં સખ્ત અવાજે પ્રલય બોલ્યો.’

‘અમને... અમને... છોડી દ્યો. અમે આતંકવાદરૂપી નાપાક કામથી ઉબ આવી ગયા છીએ. અમે જીવતા રહેશું તો નેકીના રસ્તે ચાલશું. અમે ખુદાની કસમ ખાઇને કહીએ છીએ.’

‘ઠીક છે, અમે તમને છોડી મૂકીશું, પણ ક્યારેય આતંકવાદીનું સ્વરૂપ ધારણ કરશો નહીં. આતંકવાદને ન તો કોઇ ધર્મ હોય છે, ન કોઇ જાત. આતંકવાદમાં છેલ્લો ગોળી ખાવા સિવાય કશું જ વળતું નથી.’ એકદમ શાંત અવાજે મેજર સોમદત્ત બોલ્યા અને શરણાગત સ્વીકારેલા આતંકવાદીઓ મેજરના પગે પડી ગયા.

બીજા દિવસની સવારે મેજર સોમદત્ત, પ્રલય, કદમ, વિનયે પેશાવરના એરપોર્ટ પર ઊભા હતા. ઇ. રસીદે જે ‘રો’નો પાકિસ્તાન ખાતેનો એજન્ટ હતો, તે તેઓને મૂકવા આવ્યો હતો. મેજર સોમદત્તે તેના કામના વખાણ કરી ધન્યવાદ આપ્યા હતા.

અડધા કલાક પછી પ્લેન ઊપડી ગયું. રસીદ એરપોર્ટ પર ઊભો ઊભો સૌને હાથ હલાવી વિદાય આપતો હતો.

મિશન પૂરું થયાના અઠવાડિયા પછી મેજર સોમદત્ત પોતાની પૂરી ટીમ સાથે ગુજરાતના પાટનગર ગાંધીનગર હતા. ખુદ ગુજરાતના મુખ્યમંત્રીએ તેમને બોલાવ્યા હતા.

એક મોટા સમારોહમાં મુખ્યમંત્રીએ મેજર સોમદત્ત તથા તેમની પૂરી ટીમને તેમના સફળ મિશનમાં અભિનંદન આપ્યા અને ફૂલોથી તેઓનું સ્વાગત કર્યં.

મેજર સોમદત્તને તેની પૂરી ટીમ સાથે થોડા દિવસ ગુજરાતમાં રોકાવું પડ્યું. કેમ કે આનંદ અને દુર્ગાનાં લગ્ન નક્કી થઇ ગયાં હતાં અને બંનેનો ખૂબ આગ્રહ હતો કે મેજર સોમદત્તે અને તેની પૂરી ટીમ લગ્નમાં હાજરી આપે અને અમને આશીર્વાદ આપે.

સમાપ્ત