Dikrani Aasha books and stories free download online pdf in Gujarati

દીકરાની આશા (દેવું કરી વિદેશ મોકલેલા એક માતા પિતાની હૃદયસ્પર્શી વાર્તા)

"દીકરાની આશા" (દેવું કરી વિદેશ મોકલેલા એક માતા પિતાની હૃદયસ્પર્શી વાર્તા)
નીરવ પટેલ "શ્યામ"

દીકરાને ભણવા માટે શહેર મોકલ્યો, બાપ બિચારો કાળી મજૂરી કરીને જીવન કાઢે પણ પોતે જોયેલા દિવસો દીકરાના ભાગે ના આવે એ માટે ગમે તેમ કરી તેને ભણાવી ગણાવી સારી નોકરી મેળવવાની ઈચ્છા વ્યકત કરતા મનુભાઈ પોતાની પત્ની શાંત સાથે રોજ મજૂરીએ ચાલ્યા જાય.

આખો દિવસ કામ કરીને માંડ 150 રૂપિયા મળતા, ઘરમાં ખાવા માટે તો 2 વીઘા જમીન પૂરતી હતી. પેહલા તો મનુભાઈ એકલા કામે જતા અને 75 રૂપિયા લઈને આવતા, પણ તેમનો દીકરો કમલેશ 12માં ધોરણમાં પાસ થયો અને હવે કોલેજ કરાવવા માટે તેને શહેરમાં મોકલવાનો થયો તો ખર્ચો પણ વધ્યો એટલે શાંતાબેન પણ હવે મજૂરીએ જવા લાગ્યા.

શહેરમાં ભણવા મોકલેલા એ દીકરાના ખર્ચ એમ થોડા પુરા થવાના હતા? શહેરનું મોંઘુ જીવન, કોલેજોની ઊંચી ફી, સારા કપડાં પણ જોઈએ અને ખાવાનું પણ સારું જોઈએ. મનુભાઈ અને શાંતાબેનની આખા દિવસની મજૂરી તો કમલેશ માટે 2 કલાકના ખર્ચ બરાબર હતી. પણ દીકરાને ભણાવવો હતો ગમે તેમ કરી ને, મનુભાઈ અને શાંતાબહેન જે જીવન જીવ્યા છે તે કમલેશના નસીબમાં નથી લખવું. ઉછીના પૈસા લાવીને પણ દીકરાને ભણાવતા.

કમલેશ પણ ભણવામાં ખુબ હોશિયાર, પણ શહેરનો રંગ તેને પણ ચઢવા લાગ્યો, રજાઓમાં જયારે ગામમાં આવતો ત્યારે જાણે વિદેશ જઈને આવ્યો હોય તેવો રુઆબ રાખતો, પોતાના ખેતરે પણ જોવા ના જતો કે ના તેના મા-બાપ શું કરે છે, કેવી રીતે પૈસા લાવે છે તેનું પણ કઈ ધ્યાન ના રાખતો.

દિવસો વીતતા ગયા, કમલેશના ખર્ચ પણ વધતા ગયા પરંતુ આ તરફ મનુભાઈની આવકમાં કોઈ જ વધારો ના થયો, ગામડાની મજૂરી એટલી જ રહી. મનુભાઈએ રસોડા કરવાનું પણ હવે શરૂ કર્યું, આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરી અને રાત્રે રસોડા કરવા જતા. પહેલા દિવસના 150 રૂપિયા કમાતા હવે તેમને 250 રૂપિયા મળતા થયા. પણ રસોડાનું કામ તો લગન-પ્રસંગે જ મળતું. એ સિવાય તો 150 રૂપિયામાં જ ચાલવું પડતું.

આખો મહિનો કાળી મજૂરી કરી અને બંને જણા પૈસા ભેગા કરતા અને મહિનામાં એક દિવસ આવી કમલેશ એ બધા જ પૈસા લઇ જતો, મનુભાઈ અને શાંતાબેન પણ ખુશી ખુશી તેના હાથમાં પૈસા મૂકી દેતા. ક્યારેય એમને એક રૂપિયાનો પણ હિસાબ માંગ્યો નહિ.

મનુભાઈ અને શાંતાબેનને આશા હતી કે એક દિવસ તેમનો દીકરો સારી નોકરીએ લાગશે પછી તેમના આ દુઃખના દિવસો દૂર થશે. એ આશાએ ત્રણ વર્ષ નીકળી ગયા. ત્રીજા વર્ષે કમલેશ ઘરે આવ્યો। તેના મા-બાપને પણ હતું કે હવે તેના ત્રણ વર્ષ પુરા થઇ ગયા છે તો દીકરો હવે નોકરીએ લાગશે. પણ કમલેશના મગજમાં તો કંઈક જુદો જ વિચાર ચાલી રહ્યો હતો.

કમલેશે ઘરે આવીને મનુભાઈને પોતાની ઈચ્છા વ્યક્ત કરી. કમલેશને વધુ ભણવું હતું અને એના માટે તે વિદેશ જવા માંગતો હતો. મનુભાઈએ કહ્યું પણ ખરું : "આ ત્રણ વર્ષ તો તે ભણી લીધું, હવે તું નોકરી કરીશ તો ચાર પૈસા આવશે, તારા ભણવાનો ખર્ચો ઉઠાવવા હવે અમે સક્ષમ રહ્યા નથી."

પોતાના પિતાની વાત સાંભળી કમલેશે કહ્યું: "પપ્પા, શહેરમાં આટલું ભણેલા લોકોને સારી નોકરી મળતી નથી, હું હજુ તો ગ્રેજ્યુએટ થયો છું સારું ભણવા માટે વિદેશ જઈશ તો ભણવાની સાથે હું કામ પણ કરી શકીશ એકવાર પૈસાનો ખર્ચો થશે પણ એના કરતા તો વધારે પૈસા હું એક જ વર્ષમાં કમાઈ લઈશ. અહીંયા હું આખી જિંદગીમાં જેટલા પૈસા નહિ કમાઈ શકું તેનાથી બમણા હું 2-5 વર્ષમાં કમાઈ લઈશ અને તમને પણ અહીંયા પૈસા મોકલતો રહીશ."

અભણ બાપને તો કમલેશની વાતોમાં કઈ ઝાઝી સમજણ પડી નહિ પરંતુ તેમને એક સપનું દેખાવવા લાગ્યું. કમલેશના અને પોતાના ઉજ્જવળ ભવિષ્યનું. ગામના સરપંચનો દીકરો પણ વિદેશમાં કેટલાય વર્ષોથી રહે એની વાતો સાંભળવા મળે. રૂપિયા કમાય છે એવી ચર્ચાઓ પણ ગામમાં થાય, દીકરાના પ્રતાપે જ સરપંચે હવેલી જેવું ઘર બનાવ્યું અને મોંઘી ગાડી લાવ્યા છે એ પણ જોયેલું. તેથી હવે તમેને પણ દીકરાને વિદેશ મોકલવાનો વિચાર થયો, પત્ની શાંત સાથે રાત્રે ચર્ચા કરી. પણ શાંતાને એક જ ચિંતા હતી કે પૈસા ક્યાંથી આવશે? રકમ નાની નહોતી. 12 લાખ ખર્ચો હતો.

થોડા દિવસમાં જ મનુભાઈ અને શાંતાબેને 12 લાખ રૂપિયા લાવી અને કમલેશ સામે મૂકી દીધા. કમલેશે કઈ પૂછ્યું નહિ કે આ પૈસા ક્યાંથી આવ્યા? તેની આંખોમાં તો પૈસા અને અને વિદેશના મોટા મોટા સપના જ દેખાતા હતા. થોડા જ દિવસમાં બધા કાગળિયા તૈયાર કરી કમલેશ વિદેશ જવા પણ નીકળી ગયો.

મનુભાઈ અને શાંતાબેન હવે જેમતેમ કરી દિવસો કાઢવા લાગ્યા. જતા ત્યારે સારું ખાવાનું મળતું। દીકરાને ગયે 6 મહિના વીતવા આવ્યા પણ આ 6 મહિનામાં તેને 2 વાર જ ગામમાં આવેલ વાણિયાની દુકાને ફોન કર્યો હતો અને ફોનમાં પણ બસ 2-5 મિનિટ વાત.

ફોનમાં કમલેશે કહ્યું હતું કે તેને બરાબર ફાવી ગયું છે અને નોકરી પણ મળી છે, પૈસાની જરૂર નહિ પડે એમ પણ તેને જણાવ્યું પણ એ બે વારમાં ક્યારેય એમ ના પૂછ્યું કે "પપ્પા, તમારે પૈસાની જરૂર છે?" મનુભાઈ પણ એમ જ સમજતા રહ્યા કે ભણવાની સાથે તેનો ખર્ચો પણ કાઢવાનો હશે એટલે એ હમણાં પૈસા નહિ મોકલી શકે.

દિવસોની સાથે હવે મહિનાઓ પણ વીતવા લાગ્યા, હવે તો કમલેશ ફોન પણ 6 મહિનો કરતો. મનુભાઈ અને શાંતાબેનની ઉંમર પણ થતી હતી એટલે કામ પણ હવે ઓછું થતું ગયું. શાંતાબેન બીમાર પડ્યા, પણ દવા કરાવવા માટે પૂરતા પૈસા પણ નહિ, બાજુના ગામમાં આવેલા સરકારી દવાખાનામાં ઈલાજ ચાલે. ડોકટરે રિપોર્ટ કર્યા તો કેન્સર હોવાનું સામે આવ્યું. તેનો ઈલાજ તો હવે શહેરમાં થાય અને એના માટે પણ મોટી રકમ જોઈએ એવું સરકારી દવાખાનાના ડોકટરે કહેલું. પણ હવે પૈસા લાવવા ક્યાંથી?

દીકરો ક્યારે પૈસા મોકલશે તેની રાહ જોતા જોતા બે વર્ષ પણ પુરા થયા. પૈસાથી પણ વ્હાલો એમને દીકરો હતો. કમલેશ જયારે પણ ફોન કરતો ત્યારે એ તેની ચિંતા કરતા, તેના હાલચાલ પૂછતાં પણ ક્યારેય પોતે કેવી રીતે જીવી રહ્યા છે એ જણાવતા નહિ. ના એમને શાંતાબેનની બીમારી વિશે પણ કમલેશને કહ્યું.

શાંતાબેનની બીમારી દિવસેને દિવસે વધી રહી હતી, તેનો ઈલાજ કેમ કરી કરાવવો એજ મનુભાઈને સમજાઈ નહોતું. દવાઓ દ્વારા જેમતેમ કરી શાંતાબેનને જીવડાવતાં. પણ હવે તો હાલત એવી હતી કે સહન જ ના થઇ શકે. છેવટે મનુભાઈએ કહ્યું કે "આ વખતે કમલેશનો ફોન આવે એટલે એને બધી વાત કરી જ દઈશ. હવે તો એ સારું કમાતો હશે એટલે પૈસા પણ મોકલશે। જોજે શાંતા એ તારા વિશે જાણશેને એટલે તરત પૈસા મોકલી આપશે અને એ પણ તરત પાછો આવી જશે."

શાંતાબેન પણ આ વખતે કઈ બોલ્યા નહિ કારણ કે તેમનાથી પણ હવે આ બીમારી સહન થતી નહોતી. એ તો ઇચ્છતા કે " જીવ ચાલ્યો જાય તો સારું" પણ જીવ તો દીકરામાં અટક્યો હતો. તેનું મોઢું જોયે પણ હવે તો બે વર્ષ થઇ ગયા હતા એટલે એમની પણ ઈચ્છા હતી કે "દીકરો પાછો આવે અને તેનું મોઢું જુએ તો જીવ જાય. ઈલાજ ના થાય તો પણ કોઈ વાંધો નહિ. સારા પૈસા કમાઈને આવશે તો તેના લગન કરાવી એનો પરણતો જોઈને આ દુનિયામાંથી વિદાય લઈશ."

થોડા દિવસ બાદ કમલેશનો ફોન આવ્યો. મનુભાઈએ નક્કી કર્યું હતું કે આ વખતે તો તેને ઘરની હાલત જણાવવી જ છે. પણ એ કઈ પૂછે એ પહેલા જ કમલેશે કહ્યું:
"પપ્પા મને સારી નોકરી મળી ગઈ છે, અહીંયા મેં ઘર પણ લઇ લીધું છે, અને મારી સાથે જ કોલેજમાં હતી અને પછી નોકરીમાં પણ મારી સાથે જ છે એવી છોકરી સાથે મેં લગ્ન પણ કરી લીધા છે."

દીકરાના લગ્નની વાત સાંભળતાની સાથે જ મનુભાઈને પરસેવો વળી ગયો, "એક તરફ તેની મારતી મા તેના લગ્નની રાહ જોઈને બેઠી છે અને કમલેશે તો લગ્ન પણ કરી લીધા છે. જો આ વાત શાંત જાણશે તો એના ઉપર શું વીતશે?" આટલું વિચારતા જ મનુભાઈની આંખો ભરાઈ આવી.

એક આંગળીથી પોતાની આંખનું આંસુ લૂછતાં મનુભાઈએ કમલેશને કહ્યું: "સારું કર્યું બેટા, પણ તું ઘરે ક્યારે આવે છે?"

જવાબમાં કમલેશે કહ્યું: "પપ્પા હમણાં તો કઈ નક્કી નથી, હમણાં ઘર લેવામાં અને લગ્ન પાછળ મોટો ખર્ચો થઇ ગયો છે. હવે થોડા પૈસા ભેગા કરી અને પછી આવીશ"

"ભલે દીકરા" એટલું બોલીને મનુભાઈએ વાત પુરી કરી. વાણિયો પણ આજે મનુભાઈની આંખના આંસુને બરાબર ઓળખી શકતો હતો. તેને પણ લાગ્યું કે મનુભાઈનો દીકરો વિદેશમાં જઈ તેમને ભૂલી ગયો છે અને મનુભાઈ અને શાંતાબેનની હાલતથી તો આખું ગામ પરિચિત હતું. ગામમાં તો એમ પણ વાતો થતી કે "કમલેશને એના મા-બાપની કઈ પડી જ નથી. નહિ તો આ હાલતમાં તેમને અહીંયા થોડો રાખતો? મનુભાઈ અને શાંતાબેનના કાને પણ આ વાત આવેલી પરંતુ તેમને તો પોતાના દીકરા ઉપર વિશ્વાસ હતો. તેને બતાવેલા સપનામાં હજુ તે રાચતા હતા.

પણ આજે જાણે મનુભાઇના માથા ઉપર આભ તૂટી પડ્યું હોય તેમ લાગ્યું. ગામ લોકોની વાતો તેમને જાણે સાચી થતી હોય તેમ લાગી રહ્યું હતું. "શાંતાને ઘરે જઈને શું કહેવું?" એ વિચારમાં જ મનુભાઈનું મન ચકરાવવા લાગ્યું. વાણિયાની દુકાનેથી માંડ 15 ડગલાં આગળ ચાલ્યા નહીં હોય ત્યાં જ તેઓ અચાનક જમીન ઉપર ઢળી પડ્યા.

વાણિયો અને આજુબાજુ ઉભેલા લોકો તરત મનુભાઈ પાસે દોડી આવ્યા, પણ મનુભાઈનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. વાણિયો સમજી ગયો કે આ કમલેશના ફોન આવ્યા બાદ એવી તો કઈ વાત થઇ હશે જેન મનુભાઈ સહન ના કરી શક્યા, જતા જતા પણ તેમની આંખોના આંસુ વાણિયાએ જોયા હતા.

ગામલોકો ભેગા મળી, મનુભાઈને ઊંચકી તેમના ઘરે લઇ ગયા. પણ ઘરે તો એથીય કરુણ દૃશ્ય સર્જાયું હતું. ઘરે પહોંચ્યા ત્યારે શાંતાબેનના પ્રાણ પણ ચાલ્યા ગયા હતા. મનુભાઈ અને શાંતાબેન બંને એક સાથે જ દેવલોક પામ્યા. ઈશ્વરને પણ કદાચ હવે આ દુઃખનો વધુ ભાર એમના માથે નાખવા નહિ માંગતો હોય.

ગામલોકોએ ભેગા મળી તેમનો અંતિમ વિધિ પણ કર્યો, કમલેશને તો આ વાતની જાણ પણ નહોતી, કોઈને તેને પોતાનો નંબર પણ આપ્યો નહોતો. હવે તો જે દિવસે વાણિયાની દુકાને ફોન આવે ત્યારે જ એને જણાવી શકાય.

મનુભાઈ અને શાંતાબેનના મૃત્યુના 3 મહિના બાદ કમલેશનો ફોન આવ્યો. વાણિયાએ તેને તેના માતાપિતાના અવસાનના સમાચાર આપ્યા. 10 દિવસમાં કમલેશ ઘરે આવ્યો.

કમલેશ એકલો જ આવ્યો હતો, તેની પત્નીને પણ સાથે લાવ્યો નહોતો. તેને વિદેશમાં રહીને જ નક્કી કર્યું હતું કે છેલ્લીવાર ગામડે જઈ પિતાની જે જમીન છે તે વેચી તેના પૈસા લઈને હંમેશા માટે તેની પત્ની સાથે વિદેશમાં જ કાયમી થઇ જશે. તેના માટે હવે માતા પિતા રહ્યા નહોતા તેનું દુઃખ નહોતું પણ જેમ બને તેમ તે જલ્દી વિદેશ પાછો જવા માંગતો હતો.

ગામલોકો ખુબ માયાળુ હોય એટલે કમલેશના આવતા લોકો તેને ભેટી રડવા પણ લાગ્યા, કમલેશને આ બધું હવે નહોતું ગમતું પરંતુ લોકલાજે તેને સહન કરવું પડ્યું. ઘરની બહાર ઉભા રહીને તેને પોતાના ઘરની હાલત જોઈ. માટીના જે ઝુંપડા જેવા ઘરમાં તેનો જનમ થયો હતો એવું જ ઘર આજે પણ એજ હાલતમાં હતું. નીચો નમીને ઘરમાં પ્રવેશ્યો. લાઈટના બોર્ડમાંથી સ્વિચોને બે ત્રણવાર દબાવી પણ બલ્બ સળગ્યો નહિ. લાઈટ તો ઘરમાં બે વર્ષથી નહોતું, માત્ર નામના લટકાટણીયા લટકતા હતા. તેને એમ હતું કે લાઈટ નહિ હોય, ગામડામાં અવાર નવાર આવી તકલીફો રહેતી હોય છે. જે ખાટલામાં શાંતાબેન સુઈ રહેતા હતા તે ખાટલામાં જ જઈને કમલેશ બેઠો.

ઘરમાં આછું અંધારું હતું. બાજુમાંથી એક કાકા ફાનસ લઈને ઘરમાં આવ્યા. કમલેશની પાસે ફાનસ મૂકી અને બેઠા. કમલેશે ખોટું દુઃખ જતાવતા પૂછ્યું: "કાકા, કેમ કરી થયું આ?"

કાકાએ શાંતાબેનના કેન્સરની અને તેમની પરિસ્થિતિની આખી વાત કરી. કમલેશ મનોમન વિચારવા લાગ્યો કે હું ત્યાં રાજાશાહી જીવન જીવતો રહ્યો અને મારા મા-બાપ અહીંયા દુઃખના આંસુ સારતા રહ્યા. કમલેશના મનમાં જે અભિમાન હતું એ થોડું કાકાની વાતોથી તૂટતું હોય તેમ લાગ્યું.

કાકાના ગયા બાદ કમલેશ એકલો એકલો જ ઘરમાં હતો હવે તેને થયું કે જે થવાનું હતું તે થઇ ગયું પરંતુ જે કામ માટે તે આવ્યો છે એ તો પૂરું કરે માટે તે ઉભો થઇ ખેતર તરફ નીકળ્યો.

ઘણા વર્ષો પછી તે પોતાના ખેતર તરફ જઈ રહ્યો હતો. ખેતરે પહોંચી જોયું તો કોઈ તેમાં હળ હાંકી રહ્યું હતું. કમલેશને શેઢે ઉભેલો જોતા જ બાજુમાં રહેલા માંચડે બેઠેલા પટેલે તેને હોંકારો આપ્યો. કમલેશ એ માંચડા તરફ ગયો. પટેલે તેને બેસવા માટે કહ્યું પણ ઘાસ પથરાયેલા એ માંચડા ઉપર બેસવાથી કપડાં ખરાબ થશે એમ સમજી તેને ઉભા રહેવાનું જ જણાવ્યું.

પટેલે તેને પૂછ્યું : "કેમ આવ્યું પડ્યું ભાઈ?"

કમલેશે જવાબ આપતા કહ્યું કે : "હવે આ જમીન વેચવાની ઈચ્છા છે, હું અહીંયા રહેવાનો નથી, તો તેને વેચી પાછો ચાલ્યો જાઉં"

પટેલ: "કઈ જમીનની વાત કરે છે તું છોકરા? આ જમીન તો તારા બાપાએ તને પરદેશ મોકલ્યો ત્યારે જ વેચી દીધી હતી, એ પૈસામાંતો તું પરદેશ ગયો અને પછી જ તો તારા બાપાની હાલત બગડી, બિચારા દિવસ રાત મજૂરી કરતા અને કે'તાય ખરા કે મારો કમલેશ વિદેશમાં ભણીગણી અને મોટો માણસ બની જશે પછી અમારે દુઃખના દાડા જતા રહેશે.

લે. નીરવ પટેલ "શ્યામ"