Engineering Girl - 8 - 1 in Gujarati Love Stories by Hiren Kavad books and stories PDF | એન્જિનિયરિંગ ગર્લ - 8 - 1

એન્જિનિયરિંગ ગર્લ - 8 - 1

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – ૮

ભાગ - ૧

મારો પરિવાર

ગુલાબી ઠંડી, ક્ષિતિજ પર હજુ હમણા જ નીકળેલો સૂર્ય કેસરી આભા પાથરી રહ્યો હતો, ઠંડો પવન અને કૂણો તડકો મારાં શરીરને માદક હૂંફ આપી રહ્યો હતો. સવારના સવા સાત વાગ્યા હશે, હું ટેરેસની પાળી પર બેસીને ઊગતા કેસરી સૂર્ય સાથે આંખો મેળવી રહી હતી. વિચારશૂન્ય થઈને કુદરતની કલાને હું માણી રહી હતી. આ જ સૂર્ય હતો જેણે મને ત્રણ વર્ષ પહેલાં જીવન જીવવાની એક આશા આપી હતી. કૂણો તડકો પાથરતો સૂર્ય અત્યારે ઇશ્વર સમાન લાગી રહ્યો હતો.

***

મમ્મી આરોહીબેન, પપ્પા પ્રફૂલભાઈ, ૧૨ વર્ષની નાની બહેન સૃષ્ટિ અને હું અંકિતા. એક મિડલ ક્લાસ સામાન્ય પરિવાર. જેમની ખુશીઓનું કારણ પરિવારનો મેળાવડો જ હતું. જ્યારે પણ અમારો પરિવાર એટલે કે મામા મામી, માસા માસી અને કઝીન્સ ભેગા થતા ત્યારે મોજ કરતા. બસ ખુશીઓનું ઠેકાંણુ એટલે પરિવાર. આ પહેલાં મેં પરિવાર સિવાય બીજા કોઈ સાથે સમય વિતાવ્યો નહોતો. પછી મારી લાઈફમાં ઍન્જિનિયરિંગ આવ્યું, પછી મારી લાઈફમાં વિવાન આવ્યો.

હું ઘણા સમય પછી ઘરે આવી હતી, તો આજે રાતે ભાવિક મામા, અંજુ મામી, ત્રિશા, શિલ્પા માસી, રાજુ માસા અને ચિરાગ આવવાના હતાં. રાતનું બધાંનું જમવાનું અહીં હતું. વહેલા સવારે જ પપ્પાએ મને કહ્યું હતું કે ‘તારી મમ્મીએ આ બધું પ્લાન કરી રાખ્યું છે’. ગુરૂવાર હોવા છતાં આજે સનડેની જેમ બધાં ભેગા થવાના હતાં.

સૃષ્ટિ હજુ ઊંઘતી હતી. મને મારી નાની બહેનને હેરાન કરવાનું મન થયું એટલે હું નીચે ગઈ. કાચની બારી છેદીને તડકો ચારે તરફ છંટાઇ ગયો હતો. હું બેડ પર બેસી. મેં સૃષ્ટિએ ઓઢેલું બ્લેંકેટ ખેંચી લીધું અને ગલી પચી કરી. એ ઉંકારા કરીને પડખુ ફરી ગઈ. મેં એનું ફરી પડખુ ફેરવ્યું. એણે ફરી ઉંકારા કર્યા. મેં એને ગળા પાસે ગલી પચી કરી. ફરી એણે ઉંકારા કર્યા અને ‘સુવા દે ને.!’, એવું બોલી.

‘ઉઠ ચાલ., તડકો થયો.’, મેં એના શરીરને હલાવતા કહ્યું. એણે મારો હાથ હટાવ્યો.

‘ઊંઘવા દે ને, ઊંઘ આવે છે.’, એ ઉંકારા કરતા બોલી.

‘ચાલ પપ્પા બોલાવે છે. ઊભી થાતો.’, મેં મલકાતા મલકાતા એના ગાલ પર મારાં ઠંડા હાથ અડાડ્યા. એણે બ્લેંકેટ ખેંચ્યો અને એ ઓઢી ગઈ. મેં ફરી બ્લેંકેટ ખેંચ્યો અને હું સૃષ્ટિ પર ઢળી ગઈ. એણે ફરી બ્લેંકેટ ખેંચ્યો. મેં પણ ફરી ખેંચ્યો. મેં એના કાનમાં કહ્યું કે ‘હું તારા માટે કંઈક લાવી છું.’, એ સાંભળતા જ એની બધી ઊંઘ ઊડી ગઈ. એ સફાળી ઊભી થઈ ગઈ.

‘શું છે..?’,

‘ના તું ઊંઘી જા. કંઈ નથી.’, હું બેડ પરથી ઊભી થઈ. ક્યુટ સૃષ્ટિ બેડ પરથી ઊતરીને મારી સામે ઊભી રહી ગઈ.

‘મારે અત્યારે ને અત્યારે મારી ગીફ્ટ જોવી છે.’, સૃષ્ટિએ ઑર્ડર કરતા કહ્યું.

‘બસ હો જીદ નહીં. હું કંઈ નથી લાવી.’, હું સ્મિત કરતી કરતી દરવાજા તરફ ચાલી.

‘તારો મોબાઈલ નહીં મળે.’, એણે મારો મોબાઈલ બતાવતા કહ્યું.

‘રાખ વાંધો નહીં, લોક મારેલ છે.’, મેં સ્માઈલ કરતા કરતા કહ્યું.

‘હું તોડી નાખીશ.’, એણે મોબાઈલ ફેંકતી હોય એવી રીતે મોબાઈલ બતાવ્યો.

‘નો પ્રોબ્લેમ, હું નવો લઈ લઈશ. ચાલ હવે આમ મોઢું ધો.’, મેં એની પાસે જઈને કહ્યું.

‘ના, પેલા મારે મારું ગીફ્ટ જોઈએ.’, એણે જીદ પકડી.

‘અરે પણ હું કંઈ લાવી જ નથી.’, મેં એને જકડી અને નરમાઇથી કહ્યું.

‘જા તારી સાથે વાત જ નથી કરવી.’, એણે મારો મોબાઈલ બેડ પર ફેંકીને ચહેરો ફેંરવ્યો.

‘ઓકે એઝ યુ વિશ.’, હું હસતી હસતી મારો મોબાઈલ લઈને રૂમમાંથી બહાર આવી.

***

પપ્પા ન્યૂઝપેપર વાંચી રહ્યા હતાં. મેં સોફા પર બેસીને ટી.વી શરૂ કર્યુ. મમ્મી શાકભાજી લેવા ગઈ હતી. મમ્મીનો બીહેવીઅર અત્યાર સુધી તો નૉર્મલ રહ્યો હતો. આ વખતે અત્યાર સુધીમાં એણે એક પણ ટોન્ટ નહોતો માર્યો. અલબત જ્યારથી હું આવી ત્યારથી એના ચહેરા પર સ્માઈલ હતી, એ ખુશ દેખાઈ રહી હતી. મને થોડી નવાઇ લાગી રહી હતી. સૃષ્ટિ તૈયાર થઈને મારી બાજુમાં આવીને બેસી ગઈ.

‘રિમોટ લાવ.’, એણે ચહેરો બગાડતા કહ્યું.

‘પેલા હું આવી ઓ.કે?’, મેં એને ચીડવતા કહ્યું.

‘તો શું છે? તું ક્યારની જો છો. લાવ’, મેં રિમોટ સંતાડ્યું.

‘પપ્પાને પૂછ હમણાં જ શરૂ કર્યુ છે.’, મેં પપ્પા સામુ જોઈને કહ્યું. એ પેપર વાંચવામાં જ મશગુલ રહ્યા.

‘મારે રિમોટ જોઈએ.’, એણે ટટ્ટાર પગ કરીને કહ્યું.

‘પપ્પા બધું બેનને જ નહીં? મને કંઈ નહીં.’, સૃષ્ટિએ ઉદાસ ચહેરો કર્યો.

‘શું છે?’, પપ્પાએ છાપું હટાવતા કહ્યું. ‘લડવા સિવાય કોઈ ધંધો છે ખરો?’

‘પપ્પા આને કહોને રિમોટ આપે.’

‘ના, મારે આ સિરિયલ જોવી છે.’, મેં પપ્પાને કહ્યું.

‘મારે રિમોટ જોઈએ નહીંતર મને મોબાઈલ લઈ દો.’, સૃષ્ટિએ ચહેરો ફેરવતા કહ્યું.

‘બેટા રિમોટ આપી દે, નહીંતર ખર્ચો કરાવશે.’, પપ્પાએ હસતા હસતા કહ્યું.

‘ના હું રિમોટ પણ નથી આપવાની અને બેન ને કંઈ લઈ પણ નથી દેવાનું.’, મેં પણ જીદ કરી.

‘કિટ્ટા, તમારી સાથે બોલું જ નહીં હવે.’, એ રીસાઈને રૂમમાં ચાલી ગઈ.

‘તું પણ, કેમ એને હેરાન કરે છો? જા હવે મનાવ.’, પપ્પાએ કહ્યું.

હું રૂમમાં ગઈ. એ બેડ પર મોં ચડાવીને બેસી હતી. ‘ઓય્ય, નાટક નહીં હો.’, મેં હળવેથી ખીજાતા કહ્યું. પણ મનમાં હું હસી રહી હતી. એ મોં ફેરવી ગઈ. મેં ધીમેથી બેડ નીચેથી મારું બેગ કાઢ્યુ અને એક બોક્સ કાઢ્યું.

મેં એ બોક્સ એના ખોળામાં મુક્યું. એણે મારી સામે જોયું. હું સ્માઈલ કરવા લાગી. એના ચહેરા પર અચાનક જ સ્માઈલ આવી ગઈ. એ ખુશ ખુશ થઈ ગઈ. એ મને ગળે વળગી ગઈ અને ‘થેંક્યુ’ ‘થેંક્યુ’ કહેવા લાગી. એણે ગીફ્ટ ઑપન કર્યુ. એ બ્લૅક સિંગલ પીસ ટોપ જોઈને ખુશ થઈ ગઈ. હું પણ એને ભેટી. મેં એને વહાલ કર્યો. બાય દ વે એ મારી નાની બહેન હતી.

***

મમ્મી હજુ આવી નહોતી. હું, પપ્પા અને સૃષ્ટિ ટી.વી જોઈ રહ્યા હતાં. સૃષ્ટિએ મને ટી.વીનું રિમોટ ખુશીથી પકડવા દીધું હતું. પપ્પા મને મારી એક્ઝામ વિશે પૂછી રહ્યા હતાં. મેં એમને પેપર સારા ગયા એવું કહ્યું. અમે અલગ અલગ વાતો કરી રહ્યા હતાં. મેં એમને સોનુને જોવા આવી રહ્યા છે એ વાત કરી. મારી બધી ફ્રૅન્ડ્સ પણ ઘરે ગઈ છે. અમે જ્યાં જ્યાં રખડવા ગયા એની વાતો કરી. જ્યારે મેં એમ કહ્યું કે ‘અમે ગઈ કાલે પિત્ઝા ખાવા ગયા હતાં’ ત્યારે સૃષ્ટિ મારી સામે જોઈ રહી. મેં એને બાજુમાં પડેલા બોક્સ તરફ ઇશારો કર્યો. એ સ્માઈલ કરવા લાગી. પણ ક્યારનો મારાં મનમાં એક સવાલ ઉદ્ભવતો હતો. આખરે મેં એ પપ્પાને પૂછ્યો.

‘પપ્પા મમ્મી કંઈક બદલાયેલી લાગે છે.’, મેં પપ્પાને પૂછ્યું.

‘એ તને સરપ્રાઇઝ આપવાની છે.’, પપ્પાએ કહ્યું.

‘એટલે?’

‘એણે મને કહેવાની ચોખ્ખી ના પાડી છે.’

‘પ્લીઝ પપ્પા કહોને.’, મેં કણસતા કણસતા કહ્યું.

‘ના, બેટા સમજ ને, સોડુ સિરિયસ છે. નહીંતર તને ના પાડું?’, પપ્પાએ મારાં માથા પર હાથ મુકતા કહ્યું.

‘ઓકે પપ્પા.’, મેં પપ્પાના ખભા પર હાથ મુકતા કહ્યું. મને મમ્મીની સરપ્રાઇઝ વિશે બહુ જ ક્યુરિયોસિટી હતી. મમ્મી અને સરપ્રાઇઝ? મારાં માનવામાં નહોતું આવતું. જે પણ બદલાવ હતો એ સારો હતો. એ ખુશ હતી. જેના કારણે હું પણ ખુશ હતી. કોઈ પણ વાત હોય અને હું પપ્પાને પૂછું તો પપ્પા કહી જ દેતા. બટ પપ્પાએ આજે ના કહ્યું, એટલે કંઈક મોટી વાત હોવી જોઈએ. હું તો વાટે હતી મારી સરપ્રાઇઝની. મમ્મીની પહેલી સરપ્રાઇઝની.

***

હું અને સૃષ્ટિ બંને એના રૂમમાં હતાં. એ મને એના પેઇન્ટિંગ્સ બતાવવા લઈ ગઈ હતી. એણે એની ડ્રોઇંગબુક કાઢી અને મને પેઇન્ટિંગ્સ બતાવવા લાગી. મેં અને સૃષ્ટિએ એના પેઇન્ટિંગ્સ જોયા. એ એના પેઇન્ટિંગ્સ બતાવતી વખતે ખૂબ એક્સાઇટેડ હતી. રંગોળી, પનિહારીનું ચિત્ર, કુદરતી દ્રશ્ય એવા અલગ અલગ ચિત્રો એણે દોર્યા હતાં. મારાંથી પૂછાઇ ગયું કે ‘મમ્મી પપ્પા લડ્યા હતાં?’

જ્યારે પણ હું ઘરે આવતી ત્યારે આ સવાલ હું મારાં મમ્મી પપ્પાને ન પૂછી શકતી, પણ સૃષ્ટિને તો પુછતી જ. એનો જવાબ કોઈ પક્ષ વિનાનો નિર્દોષ જવાબ હોતો.

‘કાલે જ. મમ્મી બહુ રડી હતી.’, મને ખબર પડી ગઈ, મમ્મીએ કંઈક નાટક કર્યુ હશે.

‘શું બોલતા હતાં. પપ્પા?’, મેં વધારે વિગતો જાણવા માટે કહ્યું.

‘ખબર નહીં? હું સ્કૂલેથી આવી ત્યારે મમ્મી રડતી હતી. પપ્પા સોફા પર ચૂપચાપ બેઠા હતાં. બપોર પછી પપ્પાએ મમ્મીને મનાવી લીધા. મમ્મી ખુશ થઈ ગયા.’, સૃષ્ટિએ જેટલી ખબર હતું એટલું કહ્યું. મને થોડું ટેન્સ ફીલ થયું. ખબર નહીં મમ્મીએ આ વખતે શેની જીદ પકડી હશે? દરેક વખતે તો પપ્પા મને કહેતા પણ આ વખતે પપ્પાએ પણ નહોતું કહ્યું. કંઈક તો બન્યું હતું કાલે, જે પપ્પા મારાંથી છૂપાવી રહ્યા હતાં. મેં ઝઘડા વિશે વધારે પૂછ્યું બટ એને વધારે ખબર નહોતી. સો બીજી એક ક્યુરિયોસિટી પણ હતી કે કાલનો ઝઘડો શાં કારણે થયો હતો?

***

‘હા પહોંચી ગઈ બાબા, અને બધું જ બરાબર છે.’,

‘બધાં જ મજામાં છે.’

‘હા એને ગીફ્ટ બહુ જ ગમ્યું.’

‘ના મેં એને હજુ કંઈ જ નથી કહ્યું.’

‘અરે પણ હજુ તો હું અહીં પંદર દિવસ રહેવાની છું, ટાઈમ જ ટાઈમ છે.’

‘ઓકે, કહી દઈશ બસ.’

‘ના આ વખતે મમ્મી બહુ જ ખુશ છે. અને હા એમણે મારાં માટે કંઈક સરપ્રાઇઝ રાખી છે.’

‘ખબર નહીં એ તો. બટ એ બહુ જ એક્સાઇટેડ છે.’

‘યા આઈ વિલ ટ્રાય માય બેસ્ટ.’

‘ત્યાં બધાંને કેમ છે?’

‘અને તન્મયા દીદી?’

‘એને કહેજે કે મેં બે રાગને ભેગા કરીને એક રાગ બનાવ્યો છે.’

‘ના, હું એમને ફોન નહીં કરું. તું કહી દેજે ને પ્લીઝ.’

‘ખાસ તો કંઈ નહીં, બટ આજે ફૅમિલી રિયુનિયન જેવુ છે.’, હું હસી.

‘મામા અને માસીને ત્યાંથી બધાં આવવાના છે. સો ચીલ ટાઈમ.’

‘યા આઈ વિલ.’

‘યુ ટેક કૅર, દિલ્લીમાં ઠંડી બહુ જ હશે.’

‘અને સ્વેટર પહેરજે, મેં આપ્યુ છે એ.’,

‘હું આવું પહેરાવવા એમ? ચલ આંખો બંધ કર.’

‘અરે પણ તું બંધ તો કર.’

‘ઓકે નાઉ હું જે કહું એ ઇમેજિન કર.’

‘તુ કોઈ સૂનસાન જગ્યા પર છો. તે એક તંબુ નાખ્યો છે અને તું ત્યાં જ રહે છે. ઠંડી છે. બહુ જ ઠંડી છે. તને બહુ જ ઠંડી લાગી રહી છે. તું એકલો એકલો અકળાઇ રહ્યો છે. વિચારી રહ્યો છે કે શું કરીશ? કઈ રીતે રાત કાઢીશ. એકલતાએ તને હેરાન કરી મુક્યો છે. જેમ જેમ રાત વધતી જાય છે એમ ઠંડી વધતી જાય છે. જાણે તું કોઈની રાહ જોઈ રહ્યો હોય એમ આમથી તેમ આંટા મારી રહ્યો છો.. પણ સમય થંભી ગયો હોય એવું લાગી રહ્યું છે..! ત્યારે જ હું આવું છું. મારાં હાથમાં એક ગરમ સગડી છે. એમતો હું પણ ગરમા ગરમ છું. મને જોઈને જાણે તારી બધી જ ઠંડી ઊડી જાય છે. મેં તો ચોલી પહેરેલી છે જાણે મને ઠંડી લાગતી જ ના હોય.’

‘હા અને તારી કમર મને દેખાઈ રહી છે, મને લલચાવી રહી છે.’, હું શરમાઇ ગઈ. હવે મેં આંખો બંધ કરી લીધી.

‘તુ ધીરે ધીરે મારાં તરફ આવી રહી છો. ખબર નહીં તને ઠંડી કેમ નથી લાગી રહી. બટ હું તો ઠંડીથી ઠુંઠવાઇ રહ્યો છું. મને તો આટલી ઠંડીમાં એક સ્વર્ગ મારી પાસે આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ધીમે ધીમે આવતા તારા પગલા, બસ મારી પાસે પહોંચવામાં જ છે. બસ, હવે તું મારી સામે જ છો. હું તને સ્પર્શ કર્યા વિના પણ ગરમી મહેસૂસ કરી શકું છું. તારી સામે ઊભા રહીને જ મારી કેટલીક ઠંડી ઊડી રહી છે. તે ગરમ સગડીને નીચે મુકી દીધી. હું તારો એક હાથ પકડું છું. એ ગરમ અને હુંફાળો છે. મારાં ઠંડા હાથ ખૂબ જ હુંફ મહેસૂસ કરી રહ્યા છે. તારી ગરમ અને તીખી આંખો મારી આંખોમાં આગ લગાવી રહી છે. મેં મારો બીજો હાથ તારી કમર પર મુક્યો. ઓહ્હ ગોડ. કોમળ, મુલાયમ, ગરમ કમર. તે આંખો બંધ કરી લીધી. મેં તને ફેરવી દીધી, તારું બેકલેસ બ્લાઉઝ. મેં તારી ગોરી પીઠ પર ચુંબન કર્યુ. મારાં હોઠ પણ ગરમ થઈ ગયા. હું પાછળથી જ તારી ગરમીથી ભરપુર ડોક પાસે મારો ચહેરો લઈ ગયો. મેં તારા વાળ ઊંચા કર્યા. મેં ડોક પર કિસ કરી. તું તારી ડોક હલાવતી રહી. હું ચુંબન પર ચુંબન કરતો ગયો. ઠંડી વધતી ગઈ, મેં ગરમ ચુંબન લેવાનું શરૂ રાખ્યું. મેં તને મારી સામે ફેરવી.. તે આંખો ખોલી.’

‘મેં આંખો ખોલી. મારાંમાં જાણે આગ હતી. તું હિમ હતો, હું તને ઓગાળવા ઇચ્છી રહી છું. મને એવું લાગી રહ્યું છે કે જો હું ટુંક સમયમાં ઠંડક નહીં પામું તો બળીને રાખ થઈ જઈશ. તારા ગળા અને પીઠ પરની કિસે મને ઘણી ઠંડક આપી દીધી છે. આગ જેવી બળતી હું ઘણી રાહત મહેસૂસ કરી રહી છું. તારી ઠંડાગાર શીત આંખો મારી ધખતી આંખોને શીતળતા આપી રહી છે. બસ હું એ બધી જ ઠંડકને પામી જવા માંગુ છું.’

‘ઠંડી એની ચરમસીમા પર પહોંચી રહી છે. હવે હું આ ઠંડીના બાહોંપાશમાંથી છૂટવા માંગુ છું. બસ હવે હું ઠંડો શીતાગાર છું અને તું ગરમ અગન. બંનેને એકબીજાની જરૂરત છે. બંનેને એકબીજાને પામવાની લચીલી તલપ છે. હું મારો ચહેરો, તારા ચહેરા આગળ ધપાવું છું. તું પણ તારા ચહેરાને મારાં તરફ લાવે છે. મેં મારાં હાથોથી તારી ગરમ ડોક પકડી. તે તારા હાથ મારાં ગળામાં પરોવ્યા. બસ હવે આપણે બંને એકબીજાથી દૂર નથી બસ હું અને તું. ઠંડ અને ગરમી. મારાં હોઠ પર બરફની ક્ષારીને તે તારી આંગળીઓથી દૂર કરી. હવે અંતર નથી. હવે એક થવાની તડપ જ છે, ચાર હોઠ છે. બે ગરમ અને ઠંડા ! બંનેના હોઠ આગળ વધી રહ્યા છે. અંતર પુરૂ. એ હોઠ સ્પર્શવાની તૈયારી જ છે. મારાં ઠંડા હાથ તારી પીઠ પર પગપાળા યાત્રા કરી રહ્યા છે. એને એનો ઇશ્વર મળી ગયો છે. બસ હોઠોને એનો ઇશ્વર મળવાની તૈયારી છે. તે તારા હોઠ મારાં હોઠ પર મુક્યા..! મેં મારાં હોઠ તારા હોઠ પર મુક્યા.’

‘તે ગરમી ચાખી. મેં ઠંડી ચાખી. બંને આખી રાત એકબીજામાં ઓગળતા રહ્યા. ઓગળતા રહ્યા… ઓગળતા રહ્યા…’

‘અંકુ તું આવી વાતો મારી સાથે ના કર. મારું શરીર પાગલ બનતું જાય છે.’

‘તો હું ક્યાં હવે સાજી રહેવા માંગુ છું. બલકે સાજી રહી જ નથી. પાગલ તો થઈ ગઈ છું. તારી પાછળ.’

‘તે મનેય પોએટિક વર્ડ્સ બોલતો કરી દીધો છે, એટલે હું કંઈ સાજો તો રહ્યો જ નથી..’

‘ક્યારેક તારી વાતો મને મારી નાખશે.’

‘ના નહીં મારે, આપણને એકબીજામાં ઓગાળી નાખશે.’

‘હા મારે ઓગળવુ છે.’

‘મારે પણ.’

***

શું અંકિતાના ઘરે વિવાનને સ્વિકારશે ? વાંચવાનું ચુકતા નહીં, એન્જિનિયરિંગ ગર્લ.

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.

Rate & Review

Tapan Shah

Tapan Shah 1 year ago

Meru

Meru 2 years ago

Jaydeep Lodhia

Jaydeep Lodhia 2 years ago

Shefali

Shefali Matrubharti Verified 3 years ago

Kajal Manvar

Kajal Manvar 3 years ago