Engineering Girl - 9 - 2 in Gujarati Love Stories by Hiren Kavad books and stories PDF | એન્જિનિયરિંગ ગર્લ - 9 - 2

એન્જિનિયરિંગ ગર્લ - 9 - 2

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – ૯

ભાગ ૨

નિશા અને હું

આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર.

***

સાંજનો સુંદર સમય હતો. થોડીક ઠંડી હતી. સૂર્ય આથમવાની તૈયારીમાં હતો. વિવાનનું માથુ મારાં ખોળામાં હતું. મારાં ઠંડા હાથ એના માથાને મસાજ આપી રહ્યા હતાં. એ મને જોઈ રહ્યો હતો, હું એને જોઈ રહી હતી. અમે ગાંધીનગરના સેક્ટર-૨૬ ના ગાર્ડનમાં હતાં. ગાંધીનગરનું કુદરતી વાતાવરણ મનને ખૂબજ શાંતિ આપી રહ્યું હતું. વી યુઝ્ડ ટુ ગો ધેર. જ્યારે પણ કોઈ સ્પેશિયલ વાત હોય, અને એ દિવસે પણ સ્પેશિયલ વાત જ હતી.

વિવાન દિલ્લીથી બે દિવસ પહેલાં જ આવ્યો હતો. એણે પાર્ટિસિપેટ કર્યુ હતું. પરંતુ કોઈ સારો રેંક નહોતો મળ્યો. એ પણ સમજતો હતો કે હજુ ઘણું શીખવાનું હતું. પણ એ કહી રહ્યો હતો કે સરકીટ વિશે ઘણું જાણવા મળ્યું, એ સર્કિટ સ્ટ્રેટેજી વિશે જણાવી રહ્યો હતો અને હું સમજ્યા વિના સાંભળી રહી હતી. વિવાનનો સાથ જ મારાં માટે બધી સમજણ હતી.

વિવાને બહુ ઇનસિસ્ટ કર્યુ ત્યારે હું એને કહેવા તૈયાર થઈ ગઈ. એને પણ ખયાલ તો હશે જ કે મમ્મીએ હા પાડી દીધી હશે. કારણ કે હું આટલી ખુશ હતી. બટ છતાં વાતોને છૂપાવીને કહેવાની પણ એક મજા હોય છે.

‘સરપ્રાઇઝ એ છે કે મમ્મીને આપણા રિલેશનથી ખાસ કોઈ પ્રોબ્લેમ નથી.’, મેં વિવાનની દાઢી પર હાથ ફેરવતા કહ્યું. એ ઊભો થઈ ગયો, અને મારાં હાથ એણે જકડી લીધા.

‘મેં તને કહ્યું હતું. આઈ ન્યુ ઇટ, મને ખબર જ હતી.’, એ ખૂબ ખુશ હતો.

‘યા, યુ વેર રાઇટ.’

‘થેંક ગોડ.’

‘હા, હવે તો બસ પપ્પાને મનાવવાના છે.’

‘એ પણ માની જશે.’

‘પણ મમ્મી માની ગઈ એની મને બહુ ખુશી છે.’, હું એક્સાઇટેડ હતી અને ખૂબ જ ખુશ.

‘તો કુછ મીઠા તો બનતા હૈ.’, એણે મારી આંખોમાં આંખો નાખીને કહ્યું.

‘નો વે.’,

‘અરે આજે તો ખુશીનો દિવસ છે.’, એ મારી બાજુમાં બેસી ગયો અને હું એની બાહોંમાં.

‘નો વે, અહીં નહીં.’,

‘ધિઝ ઇઝ આવર પ્લેસ.’, એણે મારો ચહેરો એના ચહેરા તરફ ફેરવ્યો. મેં પણ વધારે રેઝિસ્ટ ના કર્યુ. અમે બંનેએ મીઠુ મોં કર્યુ. એક્ચ્યુઅલી મીઠા હોંઠ.

‘વિવુ હું તને આટલો પ્રેમ શા માટે કરું છું?’, હું કંઈક અલગ વાતે જ ચડી.

‘મને પણ ખબર નથી કે હું તને આટલો પ્રેમ શા માટે કરું છું. બસ એટલી ખબર છે, હું તારા વિના રહી શકું એમ નથી. તું જ તારી ફિલોસોફી નથી કહેતી હોતી ? પ્રેમ કરવા માટે કોઈ કારણ થોડું જોઈએ. એ તો થઈ જાય..! દિલ્લીમાં હતો ત્યારે પણ એકેય દિવસ એવો નથી ગયો કે મેં તને યાદ ના કરી હોય.’

‘યા મેં પણ. હું પણ પાગલ બની ગઈ છું, વિવુ. રોટલી વણતાં, શાક સુધારતાં, પાણી પીતાં, ટીવી જોતાં, ચાલતાં, સૂતાં, હસતાં, રોતાં, ઊઠતાં બેઠતાં, તારાથી દૂર અને તારી સાથે હોવ ત્યારે પણ તારા જ વિચારો આવતા હોય છે.’, મેં હસતા હસતા કહ્યું.

‘આઈ એમ સિરિયસ અંકુ.’, એણે થોડું ગંભીરતાથી કહ્યું.

‘સો આઈ, આ પાગલપન નથી તો શું છે. પ્રેમ એટલે બીજું કંઈ નહીં, આગનો દરિયો જ. જેમાં બળીને ઠંડક મહેસૂસ કરવાની હોય. બસ હું તારા પ્રેમની આગમાં બળી રહી છું વિવુ.’

‘અંકુ તું મારાં જીવનની સ્પીડ છો. અને તને તો ખબર છે, હું સ્પીડ વિના નહીં જીવી શકું.’ અમે એકબીજાને ગળે મળી ગયા. મારી આંખો પણ થોડીક ભીની થઈ ગઈ. હું વિવાનના પ્રેમમાં પાગલ બની ગઈ હતી. એટલી પાગલ કે વિવાન સિવાય મારાં માટે બીજુ કંઈજ મુલ્યવાન નહોતું. અમે ઘણી મીનીટો સુધી હગ કર્યુ.

‘પ્રોમિસ મી વિવાન, આપણે મેરેજ પછી પણ આવી જ રીતે રહેશું. કદાચ આપણે ઝઘડ્યા હોય તો પણ તું સવારે ઘરેથી નીકળતા પહેલાં મારી સામે સ્માઈલ કરીશ અને મને કપાળ પર કિસ કરીશ. નો મૅટર ગમે તે થયું હોય. ચાહે આપણે જગડ્યા હોઈએ કે કોઈ બીજી સેડ ઘટના ઘટી હોય. અને તું રાત્રે આવે ત્યારે મને હગ કરીને આઈ લવ યુ કહીશ.’

‘પ્રોમિસ માય બેબી. આઈ વિલ ઑલવેઝ લવ યુ. આઈ વિલ ઑલવેઝ બી વિથ યુ. આઈ વિલ ઑલવેઝ ટ્રાય ટુ મેક યુ હેપ્પી.’, એણે ગંભીરતાથી ચહેરા પર સ્મિત લાવીન કહ્યું.

‘અને આપણે જ્યારે પણ સાથે જમીએ ત્યારે પહેલો કોળીયો એકબીજાને ખવરાવીશુ.’

‘ના એ નહીં બની શકે. પહેલો કોળિયો નહીં, બધાં કોળિયા તારે જ ખવરાવવા પડશે.’, એણે મને ગાલે પપ્પી લેતા કહ્યું.

‘અને તારે મને.’, મેં પણ એક નાની પપ્પી લઈ લીધી. મેં વિવાનના હાથ કસીને પકડી રાખ્યા. એણે મને એની બાહોપાશમાં લઈ લીધી. ફરી અમેં મીઠુ મોં કર્યુ.

***

ઑલમોસ્ટ એક વીક વીતી ચૂક્યુ હતું. મમ્મી પપ્પા બે દિવસ પછી આવવાના હતાં. મ્યૂઝિક ક્લાસ થોડા દિવસો માટે બંધ હતાં. કૉલેજ શરૂ થઈ ગઈ હતી. બટ હજુ કૃપા કે સોનુ નહોતા આવ્યાં. નિશા આવી ગઈ હતી. બટ અમારાં બંને વચ્ચે બહુ સારું નહોતું બનતું. રૂમમાં કોઈ નહોતું એટલે કામ પુરતી વાતો કરવી પડતી. એ વાતો કરતી ત્યારે મને થોડુંક સારું લાગતું. અમે બંને કૉલેજ સાથે જ જતા અને સાથે જ આવતા. વિવાન હમણા કૉલેજ નહોતો આવતો, એની પ્રેક્ટિસ ચાલું હતી. એટલે હું અને નિશા બંને કૉલેજથી એક સાથે જ જતા આવતા.

એ દિવસે પણ કૉલેજના રૂટીન પ્રમાણે અમે ઘરે જઈ રહ્યા હતાં. બંને ચુપચાપ. કોઈનામાં પહેલ કરીને વાત કરવાની હિંમત નહોતી. કદાચ મારાંમાં પણ ઇગો હતો અથવા તો ડર હતો. અને જ્યાં સુધી હું જેવુ માનું છું, એ ઇગો જ છે જે ડર પેદા કરતો હોય છે. અમે કૉલેજના ગેટની બહાર નીકળ્યા. હું આગળ ચાલી રહી હતી. નિશા મારી પાછળ મને ફોલો કરી રહી હતી. અમે રોડ ક્રોસ કરી રહ્યા હતાં. ત્યારે જ અચાનક મારી સામે આવી રહેલો પથ્થર જોયો. હું કંઈ જજ કરું એ પહેલાં મારાં માઇન્ડે માથુ સાઇડમાં કરવાનો આદેશ આપી દીધો. એક સ્કૂટી પેપ પ્લસ પર પાછળ બેસેલી એક છોકરીએ પથ્થર ફેંક્યો હતો. એના મોં પર દુપ્પટો હતો. લકીલી હું બચી ગઈ હતી. પણ એ જ ક્ષણે મને કંઈક સૂજ્યું. મેં પાછળ જોયું. આ બધું દસેક સેકન્ડમાં બન્યું હતું કે મને વિચારવાનો ટાઈમ પણ નહોતો મળ્યો. નિશાના માથા પરથી લોહી વહી રહ્યું હતું. એ નીચે પડી ગઈ હતી. પથ્થરે નિશાને ખાસી ઇજા કરી હતી. ત્યાં જ એક પ્રચંડ અવાજ આવ્યો. એ સ્કૂટીનું એક બીજી બાઈક સાથે એક્સિડેન્ટ થયું હતું. બટ મારાં માટે એ કોણ હતું એ જોવા જવાનો સમય નહોતો. નિશા બેભાન થઈ ગઈ હતી. થોડી જ વારમાં અમારી આસપાસ લોકોનું ટોળુ વળી ગયું. મેં ૧૦૮ ને કૉલ કરવાને બદલે ઓટો ઊભી રખાવી અને નજીકના ગુલબાઇ ટેકરા પાસેની એક હોસ્પિટલમાં લઈ ગઈ. ડૉક્ટરે તરત જ નિશાને સંભાળી. એણે કહ્યું કે ‘ખાસ્સુ વાગ્યું છે, કપાળમાં નાનો ખાડો પડી ગયો છે. ટાંકા લેવા પડશે.’ મેં પણ કહ્યું કે ‘તમારે જે કરવું હોય તે કરો પણ નિશાને હોશમાં લાવો.’

ડૉક્ટરે માથામાંથી વહેતુ લોહી બંધ કર્યુ, એમણે નિશાને એક ઇંજેક્શન આપ્યુ. કોટનથી લોહીલુહાણ કપાળ સાફ કર્યુ…! મેં નિશાનો હાથ પકડી રાખ્યો હતો. ડૉક્ટરે જ્યારે નેણ પાસે ટાંકા લીધા ત્યારે ઇંજેક્શનના કારણે એને તો નહોતું દુખી રહ્યું પરંતુ મારાંમાં એ જોવાની તાકત નહોતી. હું મારી નિશાને કંઈ જ થવા દેવા નહોતી માંગતી. કોઈકનો નિશાનો હું હતી અને મારાં કારણે ભોગ નિશા બની હતી. મારી ફ્રૅન્ડ મારાં કારણે પીડાઇ રહી હતી. ડૉક્ટરે કહ્યું કે ‘કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ત્રણ ચાર કલાકમાં હોંશ આવી જશે.’, પણ હું ચિંતા કઈ રીતે ના કરું? હું નિશાના બેડ પાસે જ એનો હાથ પકડીને બેસી રહી. મેં વિવાનને કૉલ કરીને જણાવ્યું કે નિશાનું એક્સિડેન્ટ થયું છે. એણે પણ મને એક ચોંકાવનારી વાત કહી. ‘ફેન્સીનું પણ એક્સિડેન્ટ થયું છે. હું ત્યાંજ છું. એલ.ડી. પાસે ક્યાંક એની ફ્રૅન્ડનું સ્કૂટર કોઈક બાઈક સાથે ટકરાણું.’, મેં વધારે કંઈ પૂછ્યું નહીં. મને ખયાલ આવી ચુક્યો હતો. પથ્થર મારવા વાળુ કોણ હતું એના વિશે હવે મને કોઈ શંકા નહોતી. બસ સવાલ હતો શામાટે? ખરેખર તો સવાલ વિશ્વાસનો હતો. મેં શા માટે ફેન્સી પર વિશ્વાસ કર્યો હતો? હું નિશા પાસે પાંચ કલાક સુધી બેસી રહી. મેં ડૉક્ટરને ત્રણ વાર બોલવ્યા હતાં. બટ એમનો દર વખતે એક જ જવાબ હતો. ‘વેઇટ કરો, હોશ આવી જશે.’, પાંચ કલાક પછી એને કંઈક ફીલ થયું હોય એવું લાગ્યું, એનો એક હાથે એના કપાળ તરફ પહોંચ્યો. એના દુખાવાને હું માત્ર કલ્પી જ શકતી હતી. મેં એનો હાથ થોભાવી દીધો. મેં ઇશ્વરનો ખૂબ ખૂબ આભાર માન્યો.

એણે મારી સામે જોયું. મેં એના હાથ ભીંસીને પકડેલા હતાં. મારી ભૂલને કારણે મેં એને એકવાર તો દૂર કરી દીધી હતી. હવે હું નહોતી ઇચ્છતી કે એ ફરી મારાંથી દૂર થાય.

‘એમ તને કંઈ નહીં થવા દવ, મારી વ્હાલી.’, મેં એની આંખોમાં જોઈને મુસ્કાઇને કહ્યું. મેં એના માથામાં હાથ ફેરવ્યો. મારી આંખોમાં આંસુઓ હતાં.

‘આઈ એમ સૉરી અંકુ. મેં તને ન કહેવાનું કહ્યું.’, એ રડી પડી. ખરેખર દુખમાં જ ફ્રૅન્ડ યાદ આવે, દુખમાં જ ફ્રૅન્ડ કામ આવે અને દુખમાં જ ફ્રૅન્ડ હસાવે.

‘હેય હેય, ઇટ્સ ઓકે. તું રડમાં. એવરીથિંગ ઇઝ ઑલરાઇટ.’, મેં નિશાના આંસુ લુંછતાં કહ્યું.

‘સૉરી અંકુ, હું ગુસ્સામાં ન બોલવાનું બોલી ગઈ હતી. મને ખબર છે તને વિશ્વાસ નહીં આવે બટ. ઝઘડાની શરૂઆત પેલીએ જ કરી હતી. એણે જ મારાં પર કીચડ ઉછાળ્યું હતું અને કહ્યું હતું કે કેમ તારો બોયફ્રૅન્ડ ચોરાઇ ગયો ને? એટલે જ મેં એને એક લાફો મારી દીધો અને તે એનો પક્ષ લીધો એટલે મને તારા પર ગુસ્સો આવ્યો હતો. મારાંથી ન બોલવાનું બોલાઇ ગયું હતું. સૉરી અંકુ. આઈ એમ સો સૉરી.. ટ્રસ્ટ મી, આ જ સાચુ છે.’, નિશાએ રડતાં રડતાં જ કહ્યું. એ આટલા દુખાવા છતાં, આટલું બધું બોલી. એણે એનું હૈયુ ખોલી નાખ્યું હતું. એના આંસુઓ રોકાઇ નહોતા રહ્યા.

‘હેય, ઇટ્સ ઓકે. તું પહેલાં આ વાત નહોતી કરી શકતી ગાંડી?’, મેં એને નરમાઇથી કહ્યું.

‘પછી તો તને ખબર છે, આપણા બંને વચ્ચે જે બન્યું… આઈ એમ સેલ્ફીશ.’, એ હજુ રડતી રડતી બોલી રહી હતી. એણે મારી આંખો પણ ભીની કરી દીધી હતી.

‘હેય, આવું ના બોલ. મારી કોઈ જ ફ્રૅન્ડ સ્વાર્થી નથી. અમુક માણસોને મેં ઓળખવામાં ભૂલ કરી છે. કેવુક દુખે છે.?’, મેં ટોપીક બદલવા કહ્યું.

‘થોડું થોડું. સૉરી અંકુ ટ્રસ્ટ મી. ફેન્સીએ જે કહ્યું એ જ મારાં મગજમાં ચાલી રહ્યું હતું, એટલે જ મારાંથી ‘બોય ફ્રૅન્ડ ચોર’ વાળુ બોલાઇ ગયું. ‘સૉરી યાર, ટ્રસ્ટ મી હું સાચુ બોલું છું.’, એણે ફરી એ જ વાત કરી.

‘મને તો તું આવું બોલી એ જ દિવસે ખબર હતી કે તું આવું બોલી જ ના શકે. તારી ડીક્શનરીમાં આવા શબ્દો જ નથી. આઈ કમ્લીટલી ટ્રસ્ટ યુ. ફર્ગેટ પાસ્ટ, આપણે પહેલાં જેવા જ ફ્રૅન્ડ્સ છીએ.’, મેં એના હાથને મસળતા કહ્યું.

‘થેંક્સ અંકુ થેંક્સ. મેં બહુ મોટી ભૂલ કરી છે. મને માફ કરી દે.’, એ રડતી રહી.

‘માફ તો તારે મને કરવાનું છે ગાંડી. લવ યુ ડીઅર.’, હું એના બેડમાં જ એને ગળે વળગી ગઈ. અમે બે કલાક પછી ક્લિનીકમાંથી ડીસ્ચાર્જ લીધો. અમે ઘરે પહોંચ્યા. હું એ બાબતે ખુશ નહોતી કે નિશાને વાગ્યું હતું, એને ઘણું દુખી રહ્યું હતું. બટ એ છતાં આજે હું બહુ જ ખુશ હતી. મારી બેસ્ટ ફ્રૅન્ડ મને પાછી મળી ગઈ હતી. મારી ફ્રેન્ડે એનું હૈયુ ખાલી કરી નાખ્યું હતું. ડૉક્ટરે એને આરામ કરવાનું કહ્યું હતું. પણ એ સૂતી નહીં. છેલ્લા કેટલાક મહિનાથી અમે નહોતાં બોલ્યાં, એટલે કેટલીય વાતો ભેગી થઈ હતી. મેં એને બધી જ વાતો કરી. વિવાનની, ઘરની, ઘરે શું બન્યું. એ બધી જ વાત જે એક ફ્રૅન્ડ એની બેસ્ટ ફ્રૅન્ડ સાથે શેર કરે. એ જે બોલી રહી હતી એના પર હવે મને પૂરેપૂરો વિશ્વાસ હતો. એક્સીડેન્ટની ઘટના પછી અમુક રહસ્યો ખુલી ગયા હતાં. મને ખબર પડી ગઈ હતી કે કોણ પોતાનો શૈતાની ચહેરો છૂપાવીને સારું દેખાવાના પ્રયત્નો કરી રહ્યું હતું. હું મનમાં જ ફેન્સી વિશે વિચારી રહી હતી.’ પરંતુ હાલ આ વાતને મેં દાબી રાખવાનું જ નક્કી કર્યુ હતું. હું બધી જ વાત વિવાનને કરવાની હતી બટ એકવાર મમ્મી પપ્પા અહીં આવી જાય પછી. એકવાર બંને ફેમિલી એકબીજાને મળી લે પછી. બટ મનમાં એક જ વસ્તુ ચાલી રહી હતી. ‘તને નહીં છોડુ ફેન્સી. તને નહીં છોડું.’

***

બે દિવસ વીતી ગયા હતાં આજે બપોરે મમ્મી પપ્પા અમદાવાદ આવવાના હતાં. નિશાને હવે સારું હતું. દુખાવો ઓછો થઈ ગયો હતો. બટ ટાંકા હજુ રૂજાયા નહોતા. ડૉક્ટરે આપેલી પેઇન કીલર ઘણું કામ કરી રહી હતી. બટ હજુ એ થોડી પેઇનમાં હતી. એને હજુ મારી સાથે જે કર્યુ એનો અફસોસ હતો. એમ પણ દિલના દર્દમાં પેરાસિટામોલ કામ ના આવે. દિલના દર્દની પેઇનકીલર એટલે પ્રેમ…! મારી બેસ્ટ ફ્રૅન્ડની પેરાસિટામોલ હું જ હતી.

અગાઉથી બધું જ પ્લાન હતું. મમ્મી પપ્પાને સાંજે વિવાનના ઘરે લઈ જવાના હતાં અને રાતનું ડિનર પણ એમના ઘરે જ હતું. મેં મમ્મીને પૂછ્યું હતું કે પપ્પાને કહ્યું કે નહીં? મમ્મીએ પપ્પાને વાત કરી હતી કે ‘મેં એક છોકરો પસંદ કર્યો છે. બસ આપણી જ્ઞાતિનો નથી, એ તમને કહેતા ડરતી હતી, એટલે તમને ના કહી શકી. મને કોઈ પ્રોબ્લેમ નથી. જો તમે કહો તો અમદાવાદ જઈએ ત્યારે છોકરાના ઘરે જતા આવીએ.’, મમ્મીએ આવું કહ્યું અને પપ્પા વધારે દલીલ કર્યા વિના માની ગયા હતાં. પપ્પા સાથે મેં તો વાત નહોતી કરી બટ મમ્મીએ મને ફોન પર વાત કરી હતી. મમ્મી પપ્પા અગિયાર વાગ્યે અમારી રૂમ પર આવ્યાં. મેં વિવાનને કૉલ કર્યો કે ‘મમ્મી પપ્પા આવી ગયા છે.’ એ ફેન્સીના ઘરે હતો. મને જરાય ન ગમ્યુ પરંતુ મને એ પણ વિચાર આવ્યો કે હજુ વિવાન ફેન્સીની હરકતો જાણતો નથી. ફેન્સીના હાથમાં વાગ્યું હતું. એને પણ ગાલ પાસે થોડું વાગ્યું હતું, અને ચહેરા પર ઘણી જગ્યાએ ઉજરડા પડ્યા હતાં. એના ગોઠણ છોલાઇ ગયા હતાં, એવું ડીસ્ક્રીપ્શન મને વિવાને આપ્યુ હતું. પરંતુ જે વાત મને નહોતી ગમતી તે એ હતી કે વિવાન એની સારસંભાળ પણ લઈ રહ્યો હતો. હું ફેન્સી વિશે સાંભળીને જ વિચારી રહી હતી કે ‘ફેન્સીનો ચહેરો કેવો ફેન્સી બની ગયો હશે. ફેન્સી આ જ લાયક હતી.’

કૃપા અને સોનુ સવારમાં જ આવી ગયા હતાં. બટ એમને હજુ ખબર નહોતી કે હું અને નિશા બોલતા થઈ ગયા છીએ. અમે લોકો એને સરપ્રાઇઝ આપવા માંગતા હતાં. સરપ્રાઇઝની સીઝન ચાલી રહી હતી. પેલા મમ્મીએ મને એક ભયાનક સરપ્રાઇઝ આપી, પછી એ જ મમ્મીએ મને ‘હા’ કહીને સરપ્રાઇઝ આપી. મેં વિવાનને સરપ્રાઇઝ આપી. નિશાએ મને એનું દિલ ખાલી કરીને સરપ્રાઇઝ આપી. ફેન્સીએ એનો અજાણતા જ નકાબ હટાવીને સરપ્રાઇઝ આપી. અને હવે હું અને નિશા સોનુ અને કૃપાને સરપ્રાઇઝ આપવાના હતાં.

જ્યારે મેં મમ્મી પપ્પાને નિશાનું ઇન્ટ્રોડક્શન એની કમરમાં હાથ નાખીને આપ્યુ ત્યારે કૃપા અને સોનુના મોં ફાટ્યા રહ્યા. એ ખુશ ખુશ થઈ ગયા. મેં સોનુ અને કૃપાનું પણ ઇન્ટ્રોડ્ક્શન કરાવ્યું. મમ્મી પપ્પા અમે બનાવેલું જમ્યા. હું પપ્પાને ફેસ કરવામાં થોડી ગભરાઇ રહી હતી. બટ પપ્પાએ સામેથી કહ્યું કે ‘બેટા મને કહેવાયને કે તને કોઈ પસંદ છે તો હું એક વાર વિચાર તો કરત.’, મેં પણ પપ્પાને સૉરી કહ્યું અને કહ્યું કે ‘હું થોડી ડરી રહી હતી.’ એમની વાત પરથી લાગ્યું કે પપ્પાને પણ કોઈ ઇનકાર નહોતો. મેં વિવાનને થોડી જ વારમાં આ વાત વૉટ્સએપ કરી દીધી. હવે હું ઘણું પૉઝિટિવ ફીલ કરી રહી હતી. બસ હવે અમુક જ કલાકો હતી, હું વિચારતી હતી કે, ‘એક વાર બંને પરિવાર મળી જાય અને બંને તરફથી મ્યુચુઅલ હા આવી જાય એટલે બધું જ ઓકે થઈ જશે.’ હું બંને ફેમિલીની મીટિંગ બાબતે ઘણી એક્સાઇટેડ હતી. મમ્મી પપ્પાની મંજૂરી તો લગભગ મળી ગઈ હતી. વિવાનના ઘરેથી પણ બધાં રાજી હતાં. બસ હવે એ લોકોને એકબીજા સાથે મેળાવવાના હતાં. મમ્મી પપ્પા જમીને અમારાં અમુક રિલેટિવને ત્યાં મળવા જવા ઇચ્છતા હતાં. હું જવા નહોતી માંગતી. એ લોકો નહેરૂનગર આમારાં એક રીલેટિવને મળવા ગયા. જતા પહેલાં મેં એમને બે વાર કહ્યું કે ‘સાડા છ પહેલાં આવી જજો.’, એમણે ખુશી ખુશી ‘હા’ કહી.

મમ્મી પપ્પા ગયાં એટલે કૃપા અને સોનુ અમારી સામે જ જોઈ રહ્યા હતાં. એમને આશ્ચર્ય થઈ રહ્યું હતું કે અમે બંને ફરી એકબીજા સાથે બોલતા કઈ રીતે થઈ ગયા. મેં એને નિશાના એક્સિડેન્ટની વાત કરી. પછી મારી અને નિશાની જે વાત થઈ એ વાત કહી. ફરી અમારી ટોળી ખુશખુશાલ થઈ ગઈ. આજનો દિવસ મારી જિંદગીનો ફરી એક ખૂબ જ ખુશીઓ ભર્યો દિવસ હતો. અત્યાર સુધી તો હતો જ.

મેં નિશાને પણ એક પ્રોમિસ કરવા કહ્યું, ‘નિશા ચાહે કંઈ પણ થઈ જાય, આપણા બંને વચ્ચે કંઈ પણ થાય બટ એકબીજા ને પૂરેપૂરી રીતે સાંભળ્યા વિના કોઈ જ નિર્ણય નહીં લઈએ. ચાહે કંઈ પણ થાય, આપડી ફ્રૅન્ડશીપ આપણે તૂટવા નહીં દઈએ. આપણે એકબીજા વિશે કોઈનું સાંભળેલું નહીં માનીએ. આપણે એકબીજા વિશે શું વિચારીએ છીએ એ જ માનીશુ.’, નિશાએ મને પ્રોમિસ કર્યુ, સાથે સોનુ, કૃપા અને મેં પણ.

અમે ચારેય લોકો ગળે મળ્યા. એ હગ્સ બધીજ ચિંતાઓ દૂર કરનારી હતી. અમારી અતૂટ ફ્રૅન્ડશીપ આ હગ્સ પર જ ટકી હતી. અમે ચારેય ફ્રૅન્ડ્સ એકબીજાને અતુટ પ્રેમ કરતા હતાં અને નિશા તો મારી જાન હતી. એણે ફરી મારાં જીવનમાં આવીને જાન અને રંગો ભરી દીધા હતાં. મારી બેસ્ટ ફ્રૅન્ડ્સ હેપ્પી હતી, વિવાન મારી સાથે હતો અને મારાં મમ્મી પપ્પા પણ ખુશ હતાં. આનાથી વધારે મારે શું જોઈતું હતું…?

***

બટ ભૂતકાળનો શિકાર વર્તમાન જ હોય છે. ભૂતકાળના ડંખ ભલભલાને રાડો પડાવી દેતા હોય છે. ભૂતકાળે ભાગ્યે જ કોઈને છોડ્યા છે. ભૂતકાળ સમજદારને ખુશીઓ અપાવી શકે અને એજ ભૂતકાળ બધી જ ખુશીઓ છીનવી પણ શકે. મારો ભૂતકાળ નહીં પણ બીજી કોઈ વ્યક્તિનો ભૂતકાળ. એ ભૂતકાળ તરાપ મારીને બેઠો હતો, એ રાહ જોઈને બેઠો હતો કે ક્યારે મોકો મળે અને લાવણ્ય અને ખુશીઓ ભર્યા વર્તમાનને એ ડંખે. એને રાહ જ હતી કે શાંતિ અને ઉમંગ ભર્યા વર્તમાનને એ વેરવિખેર કરી નાખે. એ જ ભૂતકાળ જે કદી કોઈને ભુલાતો નથી. એ જ ભૂતકાળ જેણે આજ સુધી કોઈને છોડ્યા નથી.

***

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.

Rate & Review

Shefali

Shefali Matrubharti Verified 3 years ago

Manisha Thakkar

Manisha Thakkar 3 years ago

B R Khirsariya

B R Khirsariya 3 years ago

Aarti Madhani

Aarti Madhani 3 years ago

Dixita Patel

Dixita Patel 3 years ago